રાખ ચાહતનું વલણ તું દોસ્ત, એવું કાયમી;
દુશ્મનોની આંખમાં પણ પ્યાર ફૂટી નીકળે !
કિરીટ ગોસ્વામી

પ્રેમ ( એક પ્રસ્તાવના ) – સુન્દરમ્

આ પ્રેમ,
કેમ આવે છે એ ?
નથી એને પાંખો,
            નથી આંખો,
નથી પગ, નથી હાથ

તોયે કેવું પકડે છે એ ?
                        કેવો પકડે છે એ ?
                        કેવો પાડે છે એ ?
                        કેવો ઉપાડે છે એ ?

આંખો મીંચો ને કહો જા
તો પાંપણની પૂંઠળ પહોંચી જાય છે.

તમે કહો ગા,
       તો વગર કંઠે ગાય છે.

સવારની એ સાંજ બનાવી દે છે,
અને સાંજને સમે
       ઉષાઓ ઉગાડી દે છે.

એને આંધળો કોણે કહ્યો ?
       આંખ તો એની જ છે
કોઈએ તમારી આંખમાં
       શું આંખ માંડી નથી ?

– સુન્દરમ્

પ્રેમ વિષે સુન્દરમે અનરાધાર લખ્યું છે. મેરે પિયા !, હું ચાહું છું  કે તને મેં ઝંખી છે જુઓ તો એમની સૂક્ષ્મ દૃષ્ટિનો ખ્યાલ આવે. એમણે જ આ એમના સમય અને શૈલીથી હટીને આ અછાંદસ કાવ્ય પણ લખ્યું છે. કાવ્યની રચના તદ્દન સરળ છે અને વાત સીધી વર્ણનાત્મક રીતે જ આવે છે, છતાંય કાવ્ય એની પોતાની રીતે મોહક છે. પ્રેમ આંધળો હોય છે એ માન્યતાની સામે કવિએ બહુ ઊંડી વાત કરી છે.

12 Comments »

  1. Pinki said,

    October 25, 2007 @ 1:55 AM

    એને આંધળો કોણે કહ્યો ?
    આંખ તો એની જ છે
    કોઈએ તમારી આંખમાં
    શું આંખ માંડી નથી ?

    આડકતરી રીતે આપણે જ અંધ સાબિત થતાં હોઈએ એવું લાગે ?!!

  2. વિવેક said,

    October 25, 2007 @ 1:58 AM

    કોઈએ તમારી આંખમાં
    શું આંખ માંડી નથી ?

    – આ વાંચતા જ એક પંક્તિ યાદ આવી ગઈ:

    આંખ સામે આંખડી મંડાય જો સદભાવમાં,
    રૂઝ આવી જાય આ દુનિયા સરીખા ઘાવમાં.

  3. Pinki said,

    October 25, 2007 @ 2:17 AM

    વિવેકભાઈ
    આખી રચના જ મૂકવી પડશે
    પંક્તિ માત્ર વાંચીએ તો , આખી રચના વાંચવાની
    તરસ તો યુગોથી ધખેલા રણ જેવી જ લાગે ….!!

  4. ramesh shah said,

    October 25, 2007 @ 7:38 AM

    પિંકિ ની સાથે મારી પણ ફરમાઈશ નોંધી લેશો અને આખી રચના જરૂર મૂકશો.

  5. pragnajuvyas said,

    October 25, 2007 @ 9:13 AM

    સ્વ.ગનીભાઈની દુકાન પર ટેભા મારતા સંભળાવેલી ગઝલ!

    વર્ષોથી ‘ગની’ નિજ અંતરમાં એક દર્દ લઈને બેઠો છે,
    છો એનું તમે ઔષધ ન બનો, પણ દર્દ વધારો શા માટે?

    નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
    રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે.

    આંખ સામે આંખડી મંડાય જો સદભાવમાં,
    રૂઝ આવી જાય આ દુનિયા સરીખા ઘાવમાં
    સાચે જ યાદ આવે…
    સુંદરમ અને પ્રેમ પર લખે ત્યારે તે અછાંદસ હોય કે છંદબધ હોય તેના પ્રેમમાં પડી જવાય.
    અને પ્રેમમાં આભાર માનવાનો ન હોય!

  6. ભાવના શુક્લ said,

    October 25, 2007 @ 10:04 AM

    એને આંધળો કોણે કહ્યો ?
    આંખ તો એની જ છે
    કોઈએ તમારી આંખમાં
    શું આંખ માંડી નથી ?
    …………………………….
    લાગણીમા અંધ થવુ કે હોવુ એ સદનસીબીની વાત છે. પ્રકાશ એ પરાવલંબી કે ટુંક જીવી હોય શકે પરંતુ અંધકારને જો માણો તો તે સ્વાવલંબી અને સનાતન છે. પ્રેમી ને અંધનુ રુપક આપીને તેની ચિરંજીવીતા, નિરાકારતા સાથે જીવવુ ધન્યતાથી અને પૂર્ણતાથી ભરેલુ છે.

  7. રઈશ મનીઆર said,

    October 25, 2007 @ 9:10 PM

    સરસ અછાન્દસ કાવ્ય. સરળ છતાઁ વેધક. જૂની કાવ્યસમ્પદામાંથી ઉત્તમ મોતી શોધી લાવવા બદલ વિવેકને અભિનન્દન.

  8. pankti said,

    October 26, 2007 @ 11:27 AM

    િવવેક ભાઈ
    એશા દાદાવળા ના બીજા કાવ્યો મુકશો.

    pankti from USA

  9. અનન્યા/071027/ગુજરાતી નેટ જગત « અનન્યા . Ananyaa said,

    October 26, 2007 @ 11:30 PM

    […] (5) ડો. ધવલ શાહ તથા ડો. વિવેક ટૈલરના “લયસ્તરો” પર https://layastaro.com/?p=927 […]

  10. reena shah said,

    October 27, 2007 @ 2:18 AM

    ખુબ જ સરસ દિલ માં જાણે સીધી ઉતરી જાય છે.

    વિવેક જી ખુબ જ સરસ પ્રયાસ છે!

    અભિનંદન !!

  11. reena shah said,

    October 27, 2007 @ 2:19 AM

    Can anyone tell me how to join this blog?

    Regards
    Reena

  12. વિવેક said,

    October 27, 2007 @ 2:45 AM

    પ્રિય રીના શાહ,

    આપ આ બ્લૉગના આંગણે આવ્યા એટલે આ બ્લૉગ આપનો જ થઈ ગયો. હું-વિવેક અને મારો મિત્ર ધવલ- અમે બે મળીને આ બ્લૉગ ચલાવીએ છીએ… પણ મૂળભૂતરીતે આ બ્લૉગની માલિકી એ તમામ ગુજરાતીઓની છે, જેઓ ગુજરાતી ભાષા અને કવિતાના અહર્નિશ પ્રેમમાં છે… આપના પ્રતિભાવ જ અમારા હૃદયના ધબકારા છે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment