કડવાં કારેલાં – સુન્દરમ્
કડવાં કારેલાંના ગુણ ન હોય કડવા હો,
કડવાં વચન ન હોય કડવાં હો રે.
છીણી છેદે ધાતુ કરવા ઘાટુડી,
કાતર કાપે ફરી સાંધવા હો રે,
સોની તાવે શુદ્ધ સુવરણ કરવા,
કુંભારી ગૂંદે માટી બાંધવા હો રે. કડવાં૦
તપતા સૂરજ ખારાં જળ મીઠાં કરવા,
ચઢતા વંટોળ મેઘ ભરવા હો રે,
ધરતી ધૂણે હલકી કાયાને કરવા,
ધરમી કોપે પાપ હરવા હો રે. કડવાં૦
દુનિયાના રોગદોગ દુઃખ મારે દિલ વસ્યાં,
માનવીના મેલ ઝાઝા નીરખ્યા હો રે.
કોયો ભગત કાઢે કડવાં વચન, ભાઈ!
કડવું સુણીને કોક હરખ્યા હો રે. કડવાં૦
– સુન્દરમ્
આપણામાંથી મોટાભાગનાઓને શાળાના પાઠ્યપુસ્તકમાં આ રચના ભણવામાં આવી હશે. કવિના પ્રથમ કાવ્યસંગ્રહ ‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો‘ (૧૯૩૩)માંની આ રચના અલગ-અલગ ચીજોથી લઈને મનુષ્યના સ્વભાવ અને વર્તનના દાખલાઓની મદદથી દેખીતી ખરાબ વસ્તુઓ બધી ખરાબ હોય એ જરૂરી ન હોવાની વિભાવના સુપેરે સમજાવે છે. કારેલાંની જેમ જ કોઈને પણ કડવું કહી દેવાના બદલે એની કડવાશ પાછળના હેતુને ઓળખતા શીખી જવાય, તો સાચેસાચ જીવનમાંથી ઘણીબધી કડવાશ દૂર થઈ જાય.


જયેશ ભટ્ટ said,
October 24, 2025 @ 11:22 AM
સુંદર કાવ્ય
જયેશ ભટ્ટ said,
October 24, 2025 @ 11:22 AM
સુંદર કાવ્ય ,અને આસ્વાદ પણ મસ્ત
Dr Snehal Vaidya said,
October 24, 2025 @ 4:57 PM
પહેલી પંક્તિ છેક બાળપણથી ઘરમાં સાંભળેલી. કરેલાં ખાવા માટે માતુશ્રી બોલતાં. પણ આખું કાવ્ય આજે પહેલી વખત જાણ્યું અને તે ય વળી સુંદરમની રચના !!!
અહો…..આભાર, ધન્યવાદ
Poonam said,
January 3, 2026 @ 12:45 PM
ધરતી ધૂણે હલકી કાયાને કરવા,
ધરમી કોપે પાપ હરવા હો રે… Saras !
– સુન્દરમ્ –