દ્યુતિ પલકતાં – સુન્દરમ્
સજ્યા સૌ શોભાએ, તિમિરબુરખે કિંતુ ગરક્યા
મહા કો આગારે દ્યુતિ પલકતાં સર્વ સુષમા
ઝગી ઊઠે એની: તલકતલકે ઝુમ્મર બધાં,
અરીસાઓ હાસે, સુપ્રકટ પદાર્થો સહુ લસે.
પ્રિયે, એવું પ્રીતિ-દ્યુતિ તવ સ્ફુરંતાં જગ તણા
ઝગી કોઠા ઊઠયા અવનવલ આનંદ-રસણે,
નવેલા સૌન્દર્યે સકલ અહીંયા મંડિત બન્યું.
ઉષાઓ સન્ધ્યાઓ મધુર બની, કલ્લોલ વિહગો
તણા હાવાં મીઠા, લલિતતર લ્હેરી અનિલની,
બની છે જ્યોત્સ્નાઓ ધવલતર આસ્વાદસભર,
અહો જે જે સુન્દર અધિકતર તે સુન્દર બન્યું!
બને એ તો, કિંતુ અરસ જડ હું આજ લગીનો
દીસું છું પોતાને અધિક ગમવા જેવી મુરતી,
પ્રિયે! આવી તેં ના કદી કરી હશે કોઈ સુકૃતિ.
– સુન્દરમ્
(૨૫ ઓકટો. ૧૯૩૭)
ટી-ટ્વેન્ટી જેવા તાત્ક્ષણિક રોમાંચના પ્રતાપે ગઝલ આજે લોકપ્રિયતાના શિખરે આરુઢ થઈ છે એ સાચું,પણ ખરો અને દીર્ઘાયુષી કાવ્યાનંદ તો આજેય વિગત સમયના કબાટમાં સચવાઈ રહેલ આવા ઉમદા કાવ્યો જ આપી શકે. શિખરિણી છંદમાં લખાયેલ આ ચૌદ પંક્તિઓમાં સુન્દરમે પ્રેમી સ્વયંના અભ્યુદયના સ્વીકાર થકી પ્રેમિકાનું અને પ્રેમનું જે મહિમાગાન કરે છે એની મજા જ અલગ છે. અંધારાનો બુરખો ઓઢેલ વિરાટ ભુવનમાં ચાંદનીનું સહેજ તેજ રેલાતાં જ તમામ તાર-ગ્રહોનું સૌંદર્ય દીપી ઊઠે, એ જ રીતે પ્રિયાની પ્રીતિની દ્યુતિના સ્મરણમાત્રથી અવનવલ આનંદના કિરણોથી કથકની દુનિયા આખી ઝગમગ ઝગમગા થઈ ઊઠે છે. પ્રકૃતિ તો મનહર જ હોય, પણ પ્રિયજનની યાદના પ્રકાશ રેલાવાના લીધે છે એથીય અધિકતર મનોરમ્ય ને મનોગમ્ય અનુભવાય છે.
પણ ઠીક છે આ તો… બને એ તો કહીને કવિ આખાય નવોન્મેષનું પહાડી કદ તલભરનું કરી દઈ નવી જ વાતને ઉચ્ચાકાશે સ્થાપે છે. સુંદર સુંદરતમ બને એમાં કોઈ મોટી વાત નથી… મોટી વાત શેમાં છે? તો કે આજ સુધી જડ કહી શકાય એ હદે જે માણસ નીરસ હતો, એ પણ પ્રિયાની ઉપસ્થિતિના કારણે સ્વયંનેય ગમવા લાગે એમાં… ખરું ને? પોતાનું આ અનન્ય અને અભૂતપૂર્વ પરિવર્તન કેવળ પોતાની પ્રિયાને આભારી છે એમ કહીને કવિ આખી સૃષ્ટિના કાયાકલ્પને ગૌણ ગણાવી પ્રેમની મહત્તા સ્થાપિત કરે છે.
(આગાર=મકાન; દ્યુતિ= કિરણ ચમક, તેજ; સુષમા= સૌંદર્ય; તલકતલક=તેજથી ઝબૂક ઝબૂક થવું; લસવું=ચળકવું. ઝળાંઝળાં થવું; રસણ=કિરણ; જ્યોત્સ્ના=ચાંદની, ચંદ્રની સોળ કળામાંની એક)


R.B RATHOD said,
November 20, 2025 @ 11:13 AM
વાહ 💐
ઉમદા કાવ્ય અને
ખૂબ સરસ આસ્વાદ
Varij luhar said,
November 20, 2025 @ 11:18 AM
વાહ.. સોનીની સુગંધ અનેરી
ગેબી લુવારવી said,
November 20, 2025 @ 11:29 AM
ખૂબ સરસ રચના , મને ગઝલ પણ ગમે છે અને આપણી ભાષાના ધરોહર સમા આ બધા જ કાવ્ય પ્રકારો પણ.
Dr Mukur Petrolwala said,
November 20, 2025 @ 11:34 AM
A slight deviation in the traditional composition of the sonnet give the poet 3 lines at the end to impart a memorable impression
Prahalad jani said,
November 20, 2025 @ 1:00 PM
સર્જનને શોભે એવો સુંદર આસ્વાદ, બંને કવિશ્રીને વંદન 🌹
Dina Chhelavda said,
November 20, 2025 @ 1:17 PM
વાહ.. ખૂબ સુંદર કાવ્ય અને આસ્વાદ
જયેશ ભટ્ટ said,
November 20, 2025 @ 1:34 PM
વાહ સરસ કાવ્યનો સુંદર આસ્વાદ
જયેશ ભટ્ટ said,
November 20, 2025 @ 1:36 PM
ઉમદા કાવ્યનો સુંદર આસ્વાદ ,અભિનંદન સાહેબ
Kusum Kundaria said,
November 20, 2025 @ 2:04 PM
wah khub saras kavita ane sundar aasvad
પ્રભાકર ધોળકિયા.સુરત said,
November 20, 2025 @ 6:26 PM
આ છંદ મને ગમે છે.સરસ સોનેટ
Barin Dixit said,
November 20, 2025 @ 7:06 PM
આપે આપેલ શબ્દાર્થ વાંચીને પછી આખું કાવ્ય ફરી વાંચ્યુ ! ઘણીવાર સાચા અર્થ ખબર ના હોય તો સારી કવિતા પણ સમજ પડતા વાર લાગે !
આપે કરાવેલ આસ્વાદ – દર વખતની જેમ – રસ-સભર 🙏🙏🌸🌸
હરીશ દાસાણી.મુંબઈ said,
November 20, 2025 @ 8:11 PM
ઉત્તમ કવિતા
Sejal Desai said,
November 20, 2025 @ 10:28 PM
સુંદર સોનેટ..પ્હેલા સમજાયું નહીં પછી આપનો આસ્વાદ અને શબ્દાર્થ વાંચીને ફરીથી વાંચ્યું તો સમજાયું.આપનો ખૂબ ખૂબ આભાર વિવેકભાઈ
Kishor Ahya said,
November 21, 2025 @ 12:47 AM
કવિ શ્રી સુંદરમ્ નું શબ્દકોષ લઈને બેસવું પડે તેવા મજાના અર્થ સભર શબ્દો મુકેલું સરસ સોનેટ ,શ્રી વિવેકભાઈના આસ્વાદથી સમજવું સહેલું બન્યું. આભાર વિવેકભાઈ.
કેવા સરસ શબ્દો! અને શિખરિણીમાં ગવાતા આ સોનેટ ને ગાવાનો પણ લહાવો લેવા જેવો છે.
“નવેલા સૌન્દર્યે સકલ અહીંયા મંડિત બન્યું.
ઉષાઓ સન્ધ્યાઓ મધુર બની, કલ્લોલ વિહગો
તણા હાવાં મીઠા, લલિતતર લ્હેરી અનિલની,
બની છે જ્યોત્સ્નાઓ ધવલતર આસ્વાદસભર,
અહો જે જે સુન્દર અધિકતર તે સુન્દર બન્યું!”
વાહ! વાહ! જે સુંદર હતું તે વધુ સુંદર બન્યું! Blog પર કવિની અન્ય રચનાઓ જોતા જાન્યુઆરી ’15 માં પ્રકાશિત કવિ શ્રી સુંદરમ્ ની આવીજ સુંદર એક પ્રણય રચના જોવા મળી.
‘તે રમ્ય રાત્રે’ ની શરૂ ની પંક્તિઓ
તે રમ્ય રાત્રે
ને રાત્રિથીયે રમણીય ગાત્રે
ઊભી હતી તું ઢળતી લતા સમી
ત્યાં બારસાખે રજ કાય ટેકવી.
ક્યાં સ્પર્શવી ?
ક્યાં ચૂમવી ? નિર્ણય ના થઈ શક્યો..
કવિ શ્રી સુંદરમ્ ની આ રચનાનો આસ્વાદ આપતા શ્રી વિવેકભાઈ લખે છે …
“તે રમ્ય રાત્રે પ્રેયસી બારણાની કમાનને સહેજ ટેકવીને ઊભી છે. શાશ્વત સૌંદર્યની દેવીને જોતાવેંત જ કાવ્યનાયક થીજી જાય છે. સ્પર્શ, ચુંબન અને આલિંગનની હિંમત નાયકના ગાત્રોમાં રહેતી નથી. પણ નાયિકા પ્રણયની આ પહેલવહેલી શારીરિક ક્ષણોમાં કોઈ મૂંઝવણ અનુભવતી નથી. આમેય સ્ત્રી પ્રેમમાં પડે છે ત્યારે પારદર્શક સમજણ સાથે જ પડતી હોય છે” વાહ!વિવેકભાઈ, આ છેલ્લી લીટીની સમજ અદભૂત છે!
કવિની પ્રેયસી બારણાને ટેકો દઈ ઊભી છે ત્યાં તો કેવું પ્રણય ગીત રચાય ગયું,!
પ્રણય ગીતની એક મજા છે પ્રણય ગીત વાચતા જ ભાવકનું મન વિહગો(ધારા)માં ઊડવા લાગે છે. પ્રણય ગીતની સાચી મજા સામેના પાત્રને શબ્દોના ભાવથી ભીંજવી તેને અપાર આનંદનો અનુભવ કરાવવાની છે. મનુષ્ય માત્ર ની એક દૃશ્ય અથવા અદૃશ્ય ઇચ્છા હોય તે એ છે કે પોતાને કોઈ ચાહે! અને આ ચાહ પૂર્ણ કરવામાં પ્રણય ગીત શ્રેષ્ઠ છે. દ્યુતિ પલકતાં – ખૂબ ગમ્યું.
શ્રી વિવેકભાઈ નો સરસ આસ્વાદ.
🌹🌹🌹🌹
Premal Shah said,
November 21, 2025 @ 7:03 AM
સરસ કાવ્ય અને ઉમદા આસ્વાદ. નીચે આપેલ શબ્દોની સમજ અત્યંત ઉપયોગી.
વિવેક said,
November 21, 2025 @ 7:21 PM
સરસ મજાના પ્રતિભાવો પાઠવવા બદલ સહુ મિત્રોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર…
Poonam said,
November 25, 2025 @ 7:06 PM
દીસું છું પોતાને અધિક ગમવા જેવી મુરતી,
પ્રિયે! આવી તેં ના કદી કરી હશે કોઈ સુકૃતિ. Aahaa ! ( मैं अपनी फ़ेवरेट हूँ 😝 )
– સુન્દરમ્ –
(૨૫ ઓકટો. ૧૯૩૭)
Aaswad sa-ras sir ji 🙏🏻
Vrajesh said,
November 29, 2025 @ 12:53 PM
સુંદરમ