હું ઉદાસીના કૂવે ડૂબ્યો છું મિત્ર,
નાખ તારી હાજરીનું દોરડું.
ભાવિન ગોપાણી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for June, 2026

આવકાર સપ્તાહ: ૦૭: “તારું શિખર તને મળી જાશે” – રાકેશ હાંસલિયા

કવિના ત્રીજા ગઝલસંગ્રહ ‘તારું શિખર તને મળી જાશે’નું લયસ્તરો પર સ્વાગત છે.

સંગ્રહની ૧૪૨ ગઝલોમાંથી એક સહજસાધ્ય અને શેરિયતથી ભરી ભરી ગઝલ આપ સહુ માટે. ત્રીજો સંગ્રહ હોય અને આટલું ગઝલબાહુલ્ય હોય ત્યારે કવિ પાસેની અપેક્ષા પણ વધી જાય એ સ્વાભાવિક છે. સરળ ભાષા, છંદપ્રભુત્વ, છંદવૈવિધ્ય સહિત ગઝલના બાહ્યસ્વરૂપ પરની કવિની પકડ નોંધપાત્ર છે, પણ વધુ પડતા ભરતીના શેર અને તૂકબંદીની માત્રાના કારણે સંગ્રહને હાનિ પહોંચે છે. અહીં રજૂ કરી છે એવી સુવાંગ અને સ્મરણીય ગઝલોની સંખ્યા સંચયમાં પ્રમાણમાં ઓછી જણાય છે. કળા અને કસબ –ઉભયમાં નિપુણ કવિની સમર્થ કલમેથી ભવિષ્યમાં આપણી ભાષાને રળિયાત અને વધુ સમૃદ્ધ કરે એવા સંગ્રહ અવતરે એવી દિલી સ્નેહકામનાઓ…

ફળિયે બેસું પગ લંબાવી

ફળિયે બેસું પગ લંબાવી,
સાંજ કદી ના એવી આવી.

ખુલ્લા છે દરવાજા એના,
તો પણ તું શોધે છે ચાવી?

ઓણ થયું ચોમાસું એવું,
બે-ત્રણ ઇચ્છા મેં પણ વાવી.

નીંદર પાછી વેરી થાશે,
ચાલ્યાં ગ્યાં એ મુખ મલકાવી.

તાજપ આવી માના ચહેરે,
પરવારી શિશુ નવડાવી!

ગુલાલ થઈ ગઈ શેરી આખી,
સ્હેજ ઊભાં એ ફળિયે આવી.

ચારે બાજુ જળ ભાસે છે,
તરસ થઈ છે એવી હાવી!

– રાકેશ હાંસલિયા

Comments (11)

આવકાર સપ્તાહ: ૦૬: “એ તારે જોવાનું છે” – શૈલેષ પંડ્યા ‘નિશેષ’

કવિના બીજા ગઝલસંગ્રહ ‘એ તારે જોવાનું છે’નું લયસ્તરોની આવકાર-મહેફિલમાં હૂંફાળું સ્વાગત… સંગ્રહની ૧૦૮ ગઝલોમાંથી મને પસંદ પડેલ કેટલાક અશઆર આપ સહુની ખિદમતમાં પેશ કરું છું. આ સંગ્રહ પૂર્વે એક સ્વતંત્ર ગઝલસંગ્રહ અને એક સંયુક્ત સંગ્રહ –એમ બે સંગ્રહો પ્રકાશિત થઈ ગયા હોવાથી કવિનો આ અઢીમો સંગ્રહ ગણી શકાય. કવિમાં કારયિત્રી પ્રતિભા ભારોભાર ભરી પડી છે. અનેક સ્થળે તેમની કલ્પનાશક્તિ, ભાવસંવેદના અને શેરિયત પ્રત્યેની સૂઝ પ્રભાવિત કરે છે. સાથોસાથ આ પ્રતિભાને વધુ સઘન પરિશ્રમ, કસબની કેળવણી અને અભિવ્યક્તિની ધાર સાથે સાંકળવાની જરૂરિયાત પણ અનુભવાય છે. અઢીમો સંગ્રહ રજૂ કરતા સર્જક પાસેથી સ્વાભાવિક રીતે જ અમુક પ્રકારની સજ્જતા અને ખંત અભિપ્રેત હોય જ. વધુ પડતો શિથિલ છંદ અને કાચી માવજત સાથે રજૂ થઈ ગયેલ અશઆરને સંગ્રહનું ઉધાર પાસું કહી શકાય…

એવી અપેક્ષા અને વિશ્વાસ સાથે કે ગુજરાતી ગઝલને જ્યારે પણ આ કવિ ફરી એકવાર મળવા આવે, ત્યારે અહીં-તહીં ઝબકતા ઉમદા શેરોની સાથે વધુ સંઘેડાઉતાર ગઝલો, વધુ કલાત્મક પરિપક્વતા અને વધુ છંદદુરસ્તી પણ લઈને આવે—કવિને અનેકાનેક સ્નેહકામનાઓ અને શુભેચ્છાઓ.

*   *   *   *

મેં જરા સરનામું ઈશ્વરનું પૂછ્યું,
ફૂલ એ આપી ગયાં ઝાકળભર્યાં!

કોઈએ પૂછ્યું કોને કહેશો સાચો પ્રેમ?
ઉત્તરમાં મીઠાં ઝરણાં સાગરમાં આવ્યાં.

શોધો શોધો કોઈ એનું પગેરું શોધો,
ક્યાંથી ફૂટે છે આવાં ઝરણાં પાંપણને?

કેટલો વિશ્વાસ કરશો પાણકાનો?
ખુદ નથી તરતો, નથી એ તારવાનો.

ઘરને તો સૌ ગામડે મૂકીને આવ્યાં,
શહેરમાં તો માત્ર ઊભાં છે મકાનો.

બે ઘડી મેં શ્વાસને પોરો દીધો,
ત્યાં જ કો’ બાંધી ગયું સજ્જડ મને.

રંગ સાતેસાત ભેગા ફરફરે,
તું ધજા કોઈ એવી ફરકાવને!

આંખનું થાતું રુપાંતર બારણામાં,
આવતી તું, આવતું ઘર બારણામાં.

આમ આવીને તું પડછાયા ન પી,
વાદળીને હું ઘણું સમજાવું છું.

સાવ કોમળ સ્પર્શ લઈને આવે છે,
સૂર્ય વાંચી લે છે ઝાકળમાં તરસ.

એ કહે છે, શ્વાસથી જીવાય છે,
મેં કહ્યું, ના! પ્યાસથી જીવાય છે.

ઝાડની જન્મોત્તરી કાઢી તો જાણ્યું,
એને કુહાડી નહીં, માણસ નડે છે.

– શૈલેષ પંડ્યા ‘નિશેષ’

Comments (29)

આવકાર સપ્તાહ: ૦૫: “ઉઘડ્યું સરનામું આંખનું” – રાજેન્દ્ર ભટ્ટ

લયસ્તરો પર આજે ફરી એકવાર એક નવ્યકવિના પ્રથમ ગીતસંગ્રહને હૂંફાળો આવકાર આપીએ… કવિની જાનપદી બોલી સાથેની તાદાત્મ્યતા અને નવતર કલ્પનો ધ્યાનાર્હ છે. આ ભાષાકર્મથી ગીતોને આગવી ઓળખ અને સ્થાનિક રંગતનો સંસ્પર્શ તો થાય છે, પણ કમનસીબે સુવાંગ ગીત ઓછાં જ સિદ્ધ થયાં છે. લયની કચાશ અને ગીતની all-encompassing-સર્વાંગી સારવાર યથોચિત થઈ શકી હોત તો આપણને સરસ મજાનાં ગીતો સાંપડ્યાં હોત. ભાવાભિવ્યક્તિ અને છૂટાછવાયાં સંવેદન બહુ સરસ થયાં છે, પણ આરંભથી અંત સુધીની સંઘેડાઉતાર રચનાઓ બહુ ઓછી છે. વિશદ પરિશીલન અને શિસ્તબદ્ધ ગીતસાધના સાથે આવનારા સમયમાં વધુ સાંગોપાંગ, કલાત્મક રીતે પરિપક્વ અને દીર્ઘકાળ સુધી સ્મરણમાં રહી જાય એવી ગીતરચનાઓ પ્રાપ્ત થશે એવી ઉજળી અપેક્ષા સાથે કવિને સ્નેહકામનાઓ અને શુભેચ્છાઓ.

*  *  *  *  *

પ્રોષિતભર્તૃકાનું ગીત

અડધી રાતે ખડકી ખોલી ઊભી સાંકળ ઝાલી,
શેરીના સૂનકારે મુઈ સુધબુધ નીકળી હાલી.

આંખ ઉલાળી એણે કીધું
આવું છું રે હમણાં,
ભણકારા જંપવા ના દે તો
ક્યાંથી આવે શમણાં,
વા કરે જ્યાં અટકચાળો ત્યાં મલકું ઠાલી ઠાલી.
અડધી રાતે ખડકી ખોલી ઊભી સાંકળ ઝાલી.

દિ આખોયે અડખેપડખે
અંદેશે વરતાય,
રાત પડે પડખાંમાં
આવી છેક ભરાય,
અલી, અટકળે ઓવારું તો હોય પથારી ખાલી.

અડધી રાતે ખડકી ખોલી ઊભી સાંકળ ઝાલી,
શેરીના સૂનકારે મુઈ સુધબુધ નીકળી હાલી.

– રાજેન્દ્ર ભટ્ટ

પિયુ પરદેશ ગયો હોય એ પ્રતીક્ષારત્ સ્ત્રીને ઊંઘ ક્યાંથી નસીબ હોય? એ તો અડધી રાતે પણ ખડકી ખોલીને રાહ જુએ છે. વિરહના તાપમાં શેકાઈને અશક્તિ એવી આવી ગઈ હશે કે ઊભા રહેવા માટે એણે સાંકળ ઝાલવી પડે છે. શેરીમાં કેવળ સૂનકાર જ છે અને નાયિકાને દરવાજે મૂકીને એની સુધબુધ (પિયુને શોધવા?) ચાલી નીકળે છે. જતી વખતે સુધબુધે કહ્યું કે મનના મણીગરે, એ સ્પષ્ટ થતું નથી, પણ હમણાં આવી જઈશનો વાયદો જૂઠો ઠર્યો હોય અને સતત ભણકારા સંભળાયે રાખતા હોય તો ઊંઘ કઈ રીતે આવે? પવન્ના હડસેલેય પિયુ આવી ગયાનો અહેસાસ થતાં ખાલી ખાલી મલકી જવાય છે. દિવસભર પ્રિયજન અડખેપડખે જ હોય એવું પ્રતીતથતું રહે છે ને રાત આવી પડખામાં ભરાતો હોય એમ અનુભવાય છે. નાયિકા તો ઠાલી અટલક સુદ્ધાં પર પણ ઓવારી જાય છે, પણ પરિણામ? પથારી તો ખાલી જ છે ને… કેવું સરસ ગીત!

Comments (8)

આવકાર સપ્તાહ: ૦૪: “શબ્દનો લઈને તરાપો” – ભાવના સોનૈયા ‘પ્રિયજન’

આજે સમય છે સુશ્રી ભાવના સોનૈયાના પ્રથમ ગઝલસંગ્રહ “શબ્દનો લઈને તરાપો”ને હૂંફાળો આવકાર આપવાનો..

નવા સંગ્રહો તો સતત પ્રગટ થતા જ રહે છે, પણ બહુ ઓછા ધ્યાનાર્હ હોય છે. પ્રસ્તુત સંગ્રહમાંથી પસાર થતાં અનુભવાયું કે ગુજરાતી સ્ત્રી ગઝલકારોની હરોળમાં એક નોંધપાત્ર ઉમેરો થયો છે. સર્જકનો આ પ્રથમ જ સંગ્રહ હોવા છતાં છંદવૈવિધ્ય અને છંદકૌશલ્ય – એમ બંને દૃષ્ટિએ તે ઉલ્લેખનીય બન્યો છે. ક્યાંક ક્યાંક બોધાત્મકતા અને તૂકબંધીના અતિરેકને બાદ કરીએ તો ઘણી ગઝલો અને અનેક શેરો ડાયરીમાં ટપકાવવા ગમે એવાં થયાં છે. પરિશ્રમ, અભ્યાસ અને નિષ્ઠાથી ચ્યુત થયા વિના જો આ ગઝલસાધના સતત આગળ વધતી રહેશે, તો ભાવિમાં સર્જક પાસેથી એવી રચનાઓ મળવાની ઊજળી સંભાવના દેખાય છે, જે ગુજરાતી ગઝલપ્રેમીઓના સ્મરણમાં લાંબા સમય સુધી ટકી રહે.

સ્નેહકામનાઓ અને શુભેચ્છાઓ…

*

લાગ્યો કદમને થાક ને પહોંચી શકાયું ના કશે,
મારી સફર મારા તરફ પાછી વળી છે આખરે.

સપનામાં ખોવાય જિંદગી,
જાગો મનવા! જાય જિંદગી.

ખરી દિશા મળી જશે,
તો જિંદગી ફળી જશે.

ઇચ્છા ઘણી હોવા છતાં ઉંબર વળોટી ના શકી,
સમજણ બની બેઠી હતી બેડી ચરણમાં જ્યારથી.

શું મથામણ આદરી છે ભાવનાજી?
છેવટે તો વીતશે આ રાત કાળી.

વસ્ત્રથી પણ કિંમતી એ શું હતું?
સ્પર્શ કરતાવેંત હું તો ઝળહળી.

હજી બેઠી રહી છું રાહમાં ચાતકનજરથી,
વધારે શું કહું હું આપને આગળ, સજનજી!

છૂટતી વેળા કહ્યું ના ‘આવજો’,
રાહમાં ઊભું રહ્યું પાદર હજી.

ઠોકરોને માત આપી ચાલ તું,
ઊઠ, ખુદનો હાથ ઝાલી ચાલ તું.

માણસોની આવ-જા રહેતી હતી એ આંગણું,
એક પગલાંના અવાજે આજ કાં ગભરાય છે?

માર્ગ ને મંઝિલનાં નામે થાય છે અહીં છળ ઘણાં,
પહોંચવાની લ્હાયમાં છૂટી ગયાં છે સ્થળ ઘણાં.

વાર તો બસ કોચલાને તોડવામાં થઈ હતી,
ઊડવું અઘરું જ ક્યાં છે પાંખ ફેલાવ્યા પછી.

હરવખત વરસાદ હોવો ક્યાં જરૂરી હોય છે?
આંખ મળતાં મન તરત ભીંજાય એવું પણ બને.

સમય વહેતી નદી જેવો,
કિનારા બેખબર લાગે.

આવશે તો જશે પણ ખરી ને! ફિકર ના કરો,
ક્યાંય પીડા રહે છે ઠરીને? ફિકર ના કરો.

ઢળે સાંજ ને ધણ ફરે પાછું પાદર,
ફરી બાળપણ તેમ આવી મળે છે.

ધૂંધળાં દૃશ્યો થયાં પણ આબરૂ સચવાઈ ગઈ,
ના વહ્યાં જે અશ્રુઓ પાંપણ ઉપર અટકી ગયાં.

– ભાવના સોનૈયા ‘પ્રિયજન’

Comments (12)

આવકાર સપ્તાહ: ૦૩: “આયના સામે” – અગન રાજ્યગુરુ

લયસ્તરો પર કવિના ત્રીજા ગઝલસંગ્રહ “આયના સામે”નું સહર્ષ સ્વાગત… સંગ્રહમાંથી થોડા છૂટાછવાયા શેર આપ સૌની ખિદમતમાં પેશ કરીએ છીએ.

પ્રસ્તુત ગઝલોમાં સંવેદનશીલતા, અભિવ્યક્તિની સહજતા અને ગઝલ પ્રતિની નિષ્ઠા સ્પષ્ટપણે અનુભવી શકાય છે. કવિનો આ ત્રીજો સંગ્રહ છે, પણ સંગ્રહની કુલ એંસી જેટલી ગઝલો મુખ્યત્વે પાંચ-છ છંદોના નાનાં-મોટાં આવર્તનોમાં જ રચાઈ હોવાથી છંદવૈવિધ્યનો અભાવ સહેજ ખટકે છે. આવનારા સંગ્રહોમાં વધુ વ્યાપક છંદવૈવિધ્ય તેમજ વધુ સંખ્યામાં સુવાંગ અને સર્વાંગી ગઝલોનો સાક્ષાત્કાર થાય એવી અપેક્ષા સાથે આ પ્રતિભાશાળી સર્જકમિત્રને હાર્દિક અભિનંદન અને અનેકાનેક શુભકામનાઓ.

*

ચાલવાની હામ સાચી હોય તો,
કોઈ પણ રસ્તો મજાનો થઈ શકે.

ફૂલ પર કબ્જો ‘અગન’થઈ જાય પણ,
મહેક પર કોનો ઈજારો થઈ શકે?

આ તાજગી બીજા તો કોઈ કારણે નથી,
થોડીક ઊંઘ, થોડી ઉષાની કમાલ છે.

જિંદગી જીવું છું ટુકડામાં ‘અગન’,
એ છતાં તૂટી ગયો એવું નથી.

એ પણ ખબર નથી રહી તારા વિચારમાં,
કે દિન ગયો કે રાત હજી ત્યાં ને ત્યાં જ છે?

તું જુએ ઘરમાં એ જુદી વાત છે,
હું ખરેખર બારણાંની બહાર છું.

હું બહુ જોરથી હસી લઉં છું,
છે અનોખું બહુ રુદન મારું.

રહું છું મૌન એનો અર્થ એ કે,
હું કોઈ વાતનું ખંડન કરું છું.

ઓણ ચોમાસે હતો હું એકલો,
ઓણ છે વરસાદ પણ વાછટ સમો.

રાત છે, એકાંત છે ને આભ છે,
હાય! એમાં ચંદ્ર એની લટ સમો!

એમણે જોયો મને, મેં એમને,
કેટલાં વર્ષો ફરી બેઠાં થયાં!

એમ લાગે જિંદગી તારા વગર,
ફ્રેમ છે, ને ફ્રેમમાં ફોટો નથી.

ભલે ભીડ વચ્ચે ભટકતો રહું પણ,
તને ના મળું ત્યાં લગી એકલો છું.

વળગણ કદીયે કાયમી રહેતું નથી ‘અગન’,
ગમતું રહે છે માત્ર એ હાંસલ થવા સુધી…

હૃદયની વાત બુદ્ધિને કહો મા,
એ ભાષણ આપશે દીવાનગી પર.

હવે આ સાંજને વાચા ફૂટે એવું કરો કોઈ,
અનુત્તર ક્યારથી મારી ઉદાસીના સવાલો છે.

– અગન રાજ્યગુરુ

Comments (9)

આવકાર સપ્તાહ: ૦૨: “ઘણું બધું છે” – અનિલ ચાવડા

પ્રવર્તમાન ગુજરાતી કવિતાના પરિદૃશ્યમાં અનિલ ચાવડાની કલમ અને તેના વ્યાપથી અપરિચિત એવો કાવ્યરસિક મળવો દુર્લભ છે. સંગ્રહમાંથી પસાર થતાં મને સ-વિશેષ સ્પર્શી ગયેલ કેટલાંક રસસ્થાનો ભાવકો સાથે અત્રે સહિયારું છું. અનિલ ચાવડા મારા મનગમતા ગઝલકારોમાંના એક તો છે જ, ગુજરાતી ગઝલના અગ્રણી સર્જકોમાં પણ તેમનું સ્થાન નિર્વિવાદ છે. એટલે સ્વાભાવિક રીતે જ તેમની પાસેની અપેક્ષાઓનું પરિમાણ પણ વધુ ઊંચું જ રહેવાનું. શિસ્તબદ્ધ ગુજરાતીમાં લખાયેલી અનેક સુંદર ગઝલોની વચ્ચે-વચ્ચે અમદાવાદી બોલીના પ્રભાવને કારણે દેખાતી ભાષાગત છૂટછાટો તેમજ ચોંકાવનારા પ્રતીકો માટેનો અત્યુત્સાહ ગઝલના સ્વભાવને સહેજ ક્ષીણ કરતો જણાય છે. સંગ્રહની પ્રસ્તાવનામાં કવિ શ્રી ભાવેશ ભટ્ટે પણ આવા બે-ત્રણ સ્થાનોએ સંકેત કર્યો છે. આ નાના અપવાદો છતાં સંગ્રહમાં કવિની આગવી મુદ્રા, કલ્પનાશક્તિ અને ભાષાકર્મનો પ્રભાવ સતત અનુભવાય છે.

સ્નેહ, સન્માન અને શુભેચ્છાઓ સહિત…

*

જિંદગી સહદેવ જેવી છે, કશું બોલે નહીં,
હુંય એવો છું કે સામેથી કશું પૂછું નહીં.

ફકત વહેંચાય છે બેચાર જણમાં ફૂલના ઢગલા,
પડે છે ભાગ આખા દેશનો એક પાંખડીમાંથી.

હું જો મારામાં ક્યાંયે મળ્યો નહિ તને,
તો મને ક્યાંક તારામાં ગોતાય નહિ?

થાય જો ભૂલ મિત્રોની, તો માફ કર,
જીભ કચડાય તો દાંત તોડાય નહિ.

પ્હાડ જેવી ભૂલ પણ ક્ષણમાં જ ઓગાળી શકે,
બે જ શબ્દો, એકનું નામ ‘સૉરી,’ એક ‘પ્લીઝ’.

અંધારાએ જાત ઉતરડી,
અજવાળાએ આળસ મરડી.

છું પ્રતીક્ષાના ચરમ આનંદમાં,
તું મને મળવા સમયસર આવ નહિ.

સાંજના રંગોને જોવામાં હતા તલ્લીન સૌ,
કોઈ જાણી ના શક્યું કે હું હતો ઉદાસ, હાશ!

વર્ષો બાદ મળ્યાં તો એણે પૂછી લીધું, ‘કંઈક નિશાની-
હશે ને મારી તારી પાસે?’ મેં કીધું કે, ‘હા, અફસોસ!’

ઈશ્વર ઓછો મળે ઉછીનો? સૌનો એ પોતાનો હોય,
મેં ફંફોસ્યો મારી રીતે, તારી રીતે તું ફંફોસ.

એક નાના કાંકરે આખી નદી ડહોળાય નહીં,
પણ શું એનાથી જરા અમથું વમળ પણ થાય નહીં?

જે રીતથી કર્યાં છે એણે વખાણ મારાં,
એ ગાળ તો નથી, પણ છે ગાળની લગોલગ.

ડાયરીનું એક પાનું અન્ય પાનાંને પૂછે છે,
ફૂલ નહિ મૂકવાની ઘટના આપણી અંદર ખૂટે છે!

જિંદગી ઉપકાર છે ઈશ્વરનો એ મેં માન્યું પણ,
ખૂબ કંટાળી ગયો છું એના આ ઉપકારથી.

કોઈ તલસે શ્વાસ ચાલુ રાખવા,
કોઈને ચાલે છે એ મોકાણ છે.

જિંદગીની કૈંક કપરી ભીંસમાંથી નીકળી છે,
મારી ગઝલો નહિ પડેલી ચીસમાંથી નીકળી છે.

એવા કલાથી પામો મારી ગઝલને મિત્રો,
આંખો અવાજ સુણે, દૃશ્યોને કાન જુએ.

મારી પાસે એક જે શ્રદ્ધાનું સાંબેલું હતું,
મેં જીવનનું ધાન એનાથી જ ખાંડેલું હતું.

તમારી સહેજ બારી થઈ જવાની હોય તૈયારી,
તો એ તમને પછી ક્યારેક ને ક્યારેક ઉઘાડે જ.

– અનિલ ચાવડા

Comments (11)

આવકાર સપ્તાહ: ૦૧: “મહેકી હવાના ઘર તરફ” – શ્યામ ઠાકોર

લયસ્તરો પર આગામી સાત દિવસ દરમિયાન ફરી એકવાર સાત જાણીતા તથા નવોદિત કવિઓના તાજા કાવ્યસંગ્રહોને હૈયાની હૂંફથી આવકારીએ. શરૂઆત કરીએ પંચમહાલના ગોધરાનિવાસી કવિ શ્યામ ઠાકોરના નવા ગઝલસંગ્રહ “મહેકી હવાના ઘર તરફ”થી.

સરળ અને સહજ ભાષામાં સર્જાયેલ સુંદર ગઝલોમાં છંદવૈવિધ્ય પ્રમાણમાં મર્યાદિત હોવા છતાં ભાવસચ્ચાઈ, અભિવ્યક્તિની તાજગી અને નોંધપાત્ર અશઆર-સમૃદ્ધિના કારણે સંગ્રહ આસ્વાદ્ય બન્યો છે. ઘણી ગઝલો અને શેર મનમાં લાંબો સમય પડઘાતા રહે એવાં થયાં છે. કવિના ભાવવિશ્વનો પરિચય કરાવતા કેટલાક શેર માણીએ…

ભીતરી પથ્થરપણું ઓગાળવા આવ્યા હતા,
ક્યાં અમે ધસમસ નદીને ખાળવા આવ્યા હતા!

પૂછવું છે તપ્ત રણમાં કોઈને ઝરણાં વિશે,
છે તરસ એવી કશું પણ પૂછવા દેતી નથી.

‘શ્યામ’ તારા આંસુઓથી શક્ય છે પાછો વળે,
જા, ખરું ખોટું રડી રોકી શકે તો રોક તું.

આંખ સામે નાવ ડૂબી જાય છે મઝધારમાં,
થાય છે આવું જ મારે કેમ કાયમ પ્યારમાં?

આ ચરણને ચાલવાનો અર્થ સમજાયો પછી,
પર્વતો રસ્તા થયા ક્યારે ખબર પણ ના રહી.

શબ્દ મારો સાંભળે એને તો મળ્યો છું સતત,
મૌન મારું સાંભળે એને જ મળવું છે હવે.

મા જસ્જો એવું સમય બોલ્યો છતાં માન્યાવગર,
શ્હેરમાં સૌ ગામથી ચાલ્યા અને હાંફી ગયા.

કારમો નિશ્વાસ નાંખી આખરે પાછી ફરી,
ગામ આખાની તરસ પહોંચી છે પનિહારી કને.

આખરે ગમતી હવા પણ ખોરડે આવી ચડી,
ઉંબરાના આજ પણ ખોટા ઠરે છે તારણો.

સાંકળ ન ખખડી કે ન આવ્યો સાદ ભીતરે,
હું તે છતાં પણ દ્વાર ઘરના ખોલવા ગયો.

આભનો વરસાદ તારું વેણ ચૂકે તે ક્ષણે,
આંખનો વરસાદ કરતાં કોણ રોકે છે તને?

છે, હજી પણ સૂર્યનો અજવાસ છે આકાશમાં,
એટલે એવું નથી કે સાંજ આ ઢળશે નહીં.

વિશ્વ આ શોકમગ્ન લાગે છે,
હું તને જ્યાં ઉદાસ જોઉં છું.

સાંજ છે, હું છું અને વરસાદ છે,
આજ પણ છે એક બસ તારી કમી.

– શ્યામ ઠાકોર

સંગ્રહમાં આંખે ઊડીને વળગે એવી વાત દરેક ગઝલ સાથે કનુ પટેલે દોરી આપેલ ચિત્રો છે. ક્યાંક આ ચિત્રો સઘન છે, તો ક્યાંક કેવળ પેન્સિલના એક લસરકે ચિત્રકારે એક દુનિયા ખડી કરી બતાવી છે… મુખપૃષ્ઠના ચિત્રસૌજન્યને બાદ કરતાં કવિ આખા સંગ્રહના ચિત્રો માટે શ્રી કનુ પટેલને ક્રેડિટ આપવાનું ચૂકી ગયા છે. એ સરતચૂકને આપણે સુધારી લઈએ અને ચિત્રકારને વધાવી લઈએ.

Comments (11)

સીમની માયા – મનોહર ત્રિવેદી (આસ્વાદ: ઉદયન ઠક્કર)

ખેતરનાં સૌ કામ આટોપી
ઘરઢાળાં અમે નીકળ્યાં સાંજે સીમની માયા સીમને સોંપી

ભોયમાં વેર્યાં બીજ ને
ધરુવાડિયું ખોલે મોં, વાલીડા
ચૂંટી ચૂંટી રોપ ધર્યા તો
ક્યારીઓ કે’ : ઓહહો, વાલીડા
નીકની ડાબે રીંગણી-લસણ : જમણી બાજુ મરચી ચોપી

રાત બોલી ત્યાં વાડમાંથી:
અંધાર રખોપું કરશે, ભાઈ ટાઢ ભૂલીને શેઢે ચોગમ
પગ બે એના ફરશે, ભાઈ
રાખીએ મીઠી મીટ : ભલે ને ડાંડ જતા મરજાદને લોપી
ઘરઢાળાં અમે નીકળ્યાં સાંજે સીમની માયા સીમને સોંપી

– મનોહર ત્રિવેદી

*

કવિશ્રી ઉદયન ઠક્કરની સમર્થ કલમે આ રચનાને આસ્વાદીએ:

આ ગોપકાવ્ય (પાસ્ટોરલ પોએમ) છે. ગીતની શરૂઆત અર્ધપંક્તિથી થાય છે: ‘ખેતરનાં સૌ કામ આટોપી.’ દિવસ આખો શરીરશ્રમ કર્યો હોય, તો સાંજ પડયે ટૂંકો ઉદ્વાર જ નીકળવાનો કે ‘હાશ, પરવાર્યાં…’ ઘર ગામમાં હોય ને ખેતર સીમમાં હોય. સાંજે ખેડૂતો ઘર ભણી ચાલતા થાય. ચાલવાનું હોય લાંબે સુધી, માટે બીજી પંક્તિ પહેલી પંક્તિ કરતાં વધારે લાંબી છે. ખેડૂતની સંપત્તિ એનું ખેતર, એની માયા તો હોય જ ને! પણ એની સાચવણી કરવા રોજેરોજ ઉજાગરા ન કરાય, કુદરત ઉપર ભરોસો રાખવો પડે, માટે કહે છે, ‘સીમની માયા સીમને સોંપી.’

ડાંગરનો છોડ પહેલાં રોપાય તેને ધરુ કહેવાય. તે થોડો મોટો થાય પછી ધરુને ધરુવાડિયામાંથી મૂળસોતો ઉખેડીને મધ્યમ કાળી નીચાણવાળી જમીનમાં (ક્યારીમાં) ફરી રોપવાનો હોય. કાવ્યનાયકને ખેતરની એટલી તો માયા છે કે તે ખેતીનાં કામકાજનું વર્ણન ઉમંગથી કરે છે. વેરેલાં બીજ ઝાલવા ધરુવાડિયું જાણે મોં ઉધાડે છે, રોપ સ્વીકારતી ક્યારીઓ ‘ઓલ્હો’નો ઉદ્રાર કરે છે. કાવ્યનાયક આનંદમાં છે, માટે આખું ખેતર તેને મલકતું દેખાય છે. આ ગીત જેને સંભળાવાય છે તે વ્યક્તિને પણ આનંદથી ‘વાલીડો’ કહેવાય છે. પાણી જેમાંથી વહી નીકળે તે ‘નીક.’ ઊગી નીકળેલા છોડને બીજી જગ્યાએ રોપવો એટલે ‘ચોપવું.’ ડાંગર, રીંગણી, લસણ અને મરચીથી શોભતું ખેતર ભાવકની આંખ સામે કળા કરે છે. કાવ્યનાયક ગીતના પહેલા અંતરામાં ખેતરની માયામાં બંધાયા પછી બીજા અંતરામાં માયાથી મુક્ત થતો દેખાય છે. તે રાતને સમયે ખેતરની ચોકી કરવા રોકાતો નથી. રાત પોતે જ આશ્વાસન આપે છે, ‘અંધાર રખોપું કરશે, ભાઈ.’ શેઢો એટલે ખેતરની હદ ફરતેની પાળી. અંધારના પગ રખેવાળની જેમ ચોગમ ફરતા હોય એ કેવી નવતર કલ્પના! કવિ અંધારને ચોર નહિ પણ ચોકીદારની સાથે સરખાવે છે. ડાંડ એટલે બાહુબલી કે લોંઠકા માણસ. વાડમાં છીંડું પાડીને એવા માણસો મર્યાદાને લોપે તોય કાવ્યનાયક સૌ પ્રત્યે સમદ્રષ્ટિથી જુએ છે.

આ ગીત ‘ખેડવું કેમ’ વિશે નથી, પણ ‘જીવવું કેમ’ વિશે છે, કુદરતના ન્યાયમાં કવિને વિશ્વાસ છે..

– ઉદયન ઠક્કર

Comments (11)

મેઘલી રાતે – નિરંજન ભગત

મેઘલી રાતે,
વિરહની કોઈ વ્યાકુલ વાતે,
.                   કોણ ઝરે છે ગીત?

નથી સોણલાં સોનલરંગી,
મારે મારગ ના કોઈ સંગી;
તોય અજાણે,
પૂરવીને સૂર પાગલ પ્રાણે,
.                   કોણ ધરે છે પ્રીત?

છલકે આભે અંધારધારા,
મલકે છે બે નેનના તારા
પોપચાં ઓઠે;
હેતભર્યા બે તેજલ હોઠે
.                   કોણ કરે છે સ્મિત?

અવર એનું રૂપ ન ન્યાળું,
સીમ તો સકલ સૂની ભાળું;
નીરવ રાતે,
વિરહની કોઈ વ્યાકુલ વાતે,
.                   કોણ ઝરે છે ગીત?

– નિરંજન ભગત

વિરહ તો વ્યાકુળ કરે જ કરે… પણ વ્યગ્ર ચિત્ત ઉદ્વેગને કઈ રીતે વાચા આપે છે, એના પરથી માણસનું વ્યક્તિત્વ સમજી શકાય… લયસ્તરો પર આજે દિગ્ગજ કવિ શ્રી નિરંજન ભગતની કલમેથી વિરહવ્યાકુળતા કેવી સૌહાર્દતા અને મસૃણતાથી વ્યક્ત થાય છે એ જોવા જેવું છે… ગીતનું મુખડું વાંચતા જ કવિવર ટાગોર યાદ આવી જાય… સુન્દરમનું ‘કોણ?’ પણ યાદ આવે. વાત આમ તો વિરહની મેઘલી રાતે ઝૂરતા એકલ હૈયાની છે, પણ આ વિરહનું મૂળ પ્રિયજન પણ હોઈ શકે અને સૃષ્ટિના સર્જનહાર માટેની ધખના પણ હોઈ શકે. હળવા મધુરા લયના તાંતણે સુમધુર પદાવલિઓના મોતી પરોવીને કવિએ સરસ મજાની કાવ્યમાળા રચી છે.

(સોનલરંગી=સોનેરી; પૂરવી=એક રાગિણીનું નામ; ઓઠે=હેઠળ; તેજલ=તેજવાળું; અવર=બીજું)

Comments (12)

પહેલો વરસાદ – હરીન્દ્ર દવે

મોસમનો પહેલો વરસાદ, ઘણી ખમ્મા,
તરણે કોળે છે તારી યાદ, ઘણી ખમ્મા.

ઝૂકેલાં વાદળનાં લઉં હું ઓવારણાં
ને ઊભરતે ઝરણે બોળું પાય,
તાપે ધગેલા મારા અંતરને અમરતની
શીળી આ લ્હેરખી વીંટાય,
ઝરમરનો ગમતીલો સાદ, ઘણી ખમ્મા,
મોસમનો પહેલો વરસાદ, ઘણી ખમ્મા.

લોચનમાં પાંદડાનો લીલો છે રંગ
ભીની માટીની મ્હેક ભરી શ્વાસે,
રુદિયે છે કેફ, તને નીકળતો જોઈ
પેલા આભથી આ ભોમના પ્રવાસે,
ગેબ થકી ગુંજરતો નાદ, ઘણી ખમ્મા,
મોસમનો પહેલો વરસાદ, ઘણી ખમ્મા.

આથમતા સૂરજની દીવડી ન દેખાઈ,
નવલખ તારાના નહીં ચાસ,
તારો આ ઘેઘૂર દીદાર જોઈ શરમાતી
પૂનમની રાતમાં અમાસ,
રાધા—મોહનનો સંવાદ, ઘણી ખમ્મા.
મોસમનો પહેલો વરસાદ, ઘણી ખમ્મા.

– હરીન્દ્ર દવે

અધિકૃત ચોમાસું પ્રારંભાય એ પહેલાં પડેલ બે-એક નાનકા માવઠાંને અવગણીએ તો સુરતે આજે સવારે મોસમના પહેલા વરસાદનો સ્વાદ ચાખ્યો. પહેલા વરસાદમાં સાઇકલ સવારીની મજા માણવાનો અવસર મળ્યો. ડામરની સડકો અને સિમેન્ટના પરિસરમાં કેદ થઈ ગયેલ શહેરમાંય રસ્તાની આજુબાજુના ઘરોમાં આખરી શ્વાસ લઈ રહેલી માટી ભીંજાતાં ભીની માટીની પહેલી મહેકનો લહાવો પણ લેવા મળ્યો. અધકચરું પડીને ગાયબ થઈ ગયેલ ઝાપટું તો ફરી મંડાય ત્યારે મંડાશે, આપણે પહેલા વરસાદને ખમ્મા કરી દઈએ…

વરસાદ તો દર વરસે પડે છે, પણ પહેલા વરસાદનું આકર્ષણ કદી ઓસરતું નથી, એ સદૈવ અકબંધ જ રહે છે. આખો ઉનાળો તાપે ધગેલ અંતરને પહેલા વરસાદ ટાણે વાતી શીળી લહેરખી અમૃત સમી પ્રતીત થાય છે. પહેલા વરસાદમાં ભીની થતી માટીની મહેકનો કેફ અલગ જ હોય. વરસાદના પ્રતાપે કેવળ તરણું નથી કોળતું, પ્રિયજનની યાદો પણ કોળે છે. કાળાં વાદળો આકાશને અભરે ભરી દે ત્યારે આથમતા સૂરજની દીવડી પણ જોઈ શકાતી નથી ને આકાશમાં નવલખ તારાઓના ચાસ પણ નજરે પડતા નથી. પૂનમની રાતેય ચાંદો જોઈ શકાતો ન હોવાથી અમાસનો ભાસ થાય છે.

Comments (10)

જિગરનો યાર જુદો તો – બાળાશંકર કંથારિયા

( ગઝલ )

જિગરનો યાર જુદો તો, બધો સંસાર જુદો છે;
બધા સંસારથી એ યાર, બેદરકાર જુદો છે. ૦૧

અરે શું જાણશે લજ્જત, પવિત્રીમાં પડી રહેતાં?
પ્રિયાની પ્યાલીની મસ્તી તણો કંઈ બ્હાર જુદો છે. ૦૨

ગણું ના રાવ રાયાને, ગણું ના આખી દુનિયાને;
પરંતુ જાન આ પર પ્યારીનો અખ્ત્યાર જુદો છે. ૦૩

હજારો બોધ મંદિરો મહીં નિત્યે ભલે થાજો;
અમો મસ્તાનના ઉસ્તાદનો દરબાર જુદો છે. ૦૪

નથી તુજ બાપ માર્યો મેં, અરે મૂર્ખા કહાં નિંદે?
સમજ રે બેસમજ કે પ્રેમીનો આચાર જુદો છે. ૦૫

બધા પરકાર* તોફાને થઈ ચંચલ ચૂકે નિશાન;
અમારા ચિત્તનો ચારુ અચળ પલકાર જુદો છે. ૦૬

લીધો જે પંથ તે હું કેમ ત્યાગું? છો ભર્યો દુઃખે,
પ્રિયાનો માહરી ગરદન ઉપર આ ભાર જુદો છે. ૦૭

ઘડીભર બેશ બતલાવું શિખાવું પ્રેમનો જાદૂ;
અમો જાદૂગરોનો યાર, જો બાઝાર જુદો છે. ૦૮

શીખે જો પ્રેમ પૂરો તો જ અચળ અભેદ પામે તું;
નથી ત્યાં પ્રેમ જ્યાં છે ભેદ, એ વ્યવહાર જુદો છે. ૦૯

થશે શ્રીમંત ઇન્દ્રાદિ થકી, મુજ પંથ પર જાશે;
અરે એ કીમિયાનો યાર જો કંઈ બ્હાર જુદો છે. ૧૦

કરું શું મોતીમાલા હું? અનુપમ મારી પ્યારીએ,
કર્યો નક્ષત્રનો મારે ગળે શણગાર જુદો છે. ૧૧

ભલે છો માહરા પંથે બધા એ દુઃખને દેખે;
મને તો સુખસાગર લહેરીનો કંઈ બ્હાર જુદો છે. ૧૨

થયો જે પ્રેમમાં પૂરો, થયો છે મુક્ત સર્વેથી;
મહા મસ્તાન જ્ઞાનીના મગજમાં તાર જુદો છે. ૧૩

નજર મારી પ્રિયા વિના ન દેખે જગત આખે;
બીજાના બંધકારી પ્રેમનો તો જાર જુદો છે. ૧૪

ગુરુ આદેશ છે અમને અવળ પંથે પળ્યા જઈએ;
દુનિયાથી પછી આ બાલ બેદરકાર જુદો છે. ૧૫

– બાળાશંકર કંથારિયા

માત્ર ચાળીસ જ વર્ષના અલ્પાયુમાં પ્લેગના કારણે ક્ષરદેહ ત્યાગી જનાર બાળાશંકરનો ગુજરાતી ગઝલ પર બહુ મોટો પાડ છે. અરબી-ઉર્દૂની પકડમાં કેદ ગઝલને પહેલવહેલીવાર શુદ્ધ ગુજરાતીના વાઘાં પહેરાવવાનું શ્રેય એમના ફાળે જાય છે. ગઝલની ચુસ્ત ઈબારત અને શેરિયત –આંતર્બાહ્ય સૌંદર્ય – ઉભયની સાપેક્ષે એમની રચનાઓમાં આજે આપણને અનેકાનેક ક્ષતિઓ જડી આવશે, પણ ગઝલને ગુજરાતી બનાવવાનું ભગીરથ કાર્ય કરનાર આદ્ય ગઝલકારને આપણે આજે પણ પૂરેપૂરા માન-સન્માન સાથે જ યાદ કરવા રહ્યા… આજથી લગભગ ૧૪૦ વર્ષ પહેલાં લખાઈ હોવા છતાં એમની પંક્તિઓ આજેય સાચા ગુજરાતી કાવ્યરસિકોના હોઠે રમી રહી છે એ શું નાની સિદ્ધિ ગણાય?

(*પરકાર = હોકાયંત્ર. હેકાયંત્રને કે સમુદ્રમાં તેોફાન વખતે પિતાનું ઉત્તર તરફનું વલણ જરા ચૂકે છે. પરંતુ અમારા મનરૂપી હેકાયંત્રને કાંટે હંમેશાં સ્થિર અને અચળ રહે છે ઈતિ ભાવાર્થ, [કર્તા,])

Comments (4)

પક્ષીતીર્થ (તિરુકલુકુન્ડરમ્) – ચન્દ્રકાન્ત ટોપીવાળા

ક્યારેક ખડક જ અદશ્ય થઈ ગયો છે
ખડક જો દેખાયો છે તો
પગથિયાં અદશ્ય થઈ ગયાં છે.
પગથિયાં દેખાયાં છે તો ખડક ચઢી
શકાયો નથી.
ખડક ચઢી ગયો છું તો અધવચ
અટકી ગયો છું.
ને પાછો ઊતરી ગયો છું.

ખડક ચઢી પણ ગયો છું તો મન્દિર
જડ્યું નથી.
મન્દિર જડ્યું છે તો બપોર જડી નથી.
બપોર જડી છે તો કહેવાયું છે કે
હમણાં જ પંખી આવીને ઊડી ગયું..…
હમણાં જ…
પંખી તો અવશ્ય આવે જ છે,
પણ હું દરવખતે પંખીને ચૂકી ગયો છું.

– ચન્દ્રકાન્ત ટોપીવાળા

ચેન્નાઈ પાસે મહાબલિપુરમથી પંદરેક કિલોમીટરના અંતરે તિરુકલુકુન્ડરમ્ અથવા તિરુકાઝાકુન્ડરમ્ આવ્યું છે. ત્યાં ટેકરી પર એક શિવમંદિર છે. કહે છે કે બપોરના સમયે શાપ પામવાથી ગરુડ બની ગયેલ બે ઋષિ રોજ બપોરે પ્રસાદી લેવા ત્યાં આવતા અને પૂજારી રોજ એમને નૈવેદ્ય ધરાવતો. કલિયુગનો આરંભ થતાં જ આ પક્ષીઓ આવવું બંધ કરી દેશે એવી એક વાયકા હતી. આજે આ સ્થળે બપોરે આ દૈવી પક્ષીઓ આવતાં ન હોવાથી કલિયુગનો આરંભ થઈ ચૂક્યો હોવાનું માનવામાં આવે છે. પક્ષીતીર્થ વિશેની આટલી જાણકારી કાવ્યપ્રવેશ માટે આવશ્યક છે.

પ્રથમ દૃષ્ટિએ એમ લાગે કે કવિને પક્ષીતીર્થની ટેકરી ચડીને મંદિર પાસે આવતાં દિવ્ય પક્ષીઓનો સાક્ષાત્કાર કરવો છે, પણ મંઝિલ હંમેશ બે કદમ દૂર રહી જાય છે ને નસીબ બે ડગલાં ટૂંકું પડે છે. ખડક, પગથિયાં ને મંદિર તો જ્યાં છે ત્યાં જ હરહંમેશ રહેવાનાં છે, પણ ધુમ્મસનો પ્રતાપ હોય કે સંનિષ્ઠ પ્રયાસ અને કટિબદ્ધતાનો અભાવ હોય કે બીજું કંઈ હોય, સરવાળે ધ્યેયપ્રાપ્તિથી વંચિત જ રહી જવાય છે, હકીકતમાં પક્ષીતીર્થની આ યાત્રા બાહ્ય ઓછી અને ભીતરી વધુ છે એ સમજવાની જરૂર છે. મનવાંછિત વસ્તુઓની પ્રાપ્તિ કરવામાં નડતા અવરોધો અને વિસંગતિઓની આ વાત છે. દેખાવું-ન દેખાવું, ચડાવું-ન ચડાવું,વધવું-અટકવુંના આગળ વધી વધીને પાછળ આવી અંતે ત્યાંને ત્યાં જ રહી જતી હીંચકાગતિનું આબાદ ચિત્રણ કવિએ કર્યું છે.

Comments (8)

દૂરના ગ્રહોના કવિઓ – ઇફાન્યી ઓગ્બો (ગુજ. અનુ.: વિવેક મનહર ટેલર)

હું દૂરસુદૂરના ગ્રહોના કવિઓને મળવા માંગું છું;
જોવા ઇચ્છું છું કે કયા પ્રકારનો અગ્નિ એમના હાડકાઓમાં ધગધગે છે,
પરગ્રહી શબ્દો થકી બ્રહ્માંડનો સ્વાદ લેવા ચહું છું,
અને બાહ્યાવકાશના રૂપકોમાં તરબોળ થઈ જવા માંગું છું.

હું દૂરસુદૂરના ગ્રહોના કવિઓને મળવા માંગું છું;
જાણવા ઇચ્છું છું કે શું એમણે ક્યારેય એવી કવિતાઓ ગૂંથી છે
જે કેવળ ઉદાસીના છૂટાછવાયા તાંતણાંથી
અથવા ઊભરાતા ઉમંગના ચિત્રિત ગીતોથી બની હોય,
શોધવા ચાહું છું કે શું એમના આત્માઓએ ક્યારેય
અવર આત્મા કાજ ઊંડું દુઃખ અનુભવ્યું છે,
કે પછી પ્રેમ એ કેવળ માનવગત બિમારી જ છે?

– ઇફાન્યી ઓગ્બો
(ગુજ. અનુ.: વિવેક મનહર ટેલર)

ખરી મજા જ કલ્પનની છે. સદીઓથી આપણે આપણા સૌરમંડળની બહારના ગ્રહો પર જીવન હશે કે કેમ અને હોય તો કેવુંની કલ્પનામાં રાચતા આવ્યાં છીએ. ઊડતી રકાબી અને પરગ્રહવાસીઓને શોધવા પાછળ અબજો રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે ને ખર્ચાતા રહેવાના છે. પણ જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ. આપણાથી દૂરસુદૂરના અંતરિક્ષમાં ‘જીવન હશે જ’ની પૂર્વધારણા પાયામાં રાખીને કવિ એ ગ્રહો પરના કવિઓને મળવાની મહેચ્છા જાહેર કરે છે. કવિતા સરળ છે. વિશદ ટિપ્પણીની મહોતાજ નથી, પણ અભિવ્યક્તિ પ્રાબલ્ય અને નાવીન્યના જોરે એ આપણને મંત્રમુગ્ધ કરી દે એવી બળકટ થઈ છે.

Comments (10)

પંથ – હરીન્દ્ર દવે

પંથ હજી ઊભરાય,
હજીયે સાંભળતો
આ કેટકેટલાં પગલાં
પાસે આવે,
ડૂબી જાય.

પાનખરે સોનેરીપીળાં પર્ણ વેરતા
વૃક્ષ સમો હું
હૃદય મહીં જે શેષ રહ્યું એ વ્હાલ
રહ્યો વરસાવી.

હજી કોઈના ચરણ જરા સ્પર્શે ત્યાં
વાતી વળી ધૂળની ડમરી,
સરતી
સોડ મહીં સંતાડી વહેતો કાળ.

બધી આવતી કાલ
આવી
ને
ગઈ.

પંથ હજી ઊભરાય
હજીયે સાંભળતો
આ કેટકેટલાં પગલાં
પાસે આવે
ડૂબી જાય.

– હરીન્દ્ર દવે

જીવનના પંથ પર – દુનિયામાં અનેકાનેક લોકોની આવજાવ એકધારી ચાલતી રહે છે. નિતનવાં લોકો મળતાં રહે છે અને મળનારાઓમાંથી ઘણાં કાયમી વિદાય લઈ કાયમ માટે જતાં પણ રહે છે. આપણું કામ છે વહાલ વરસાવવાનું… જે મળે એ સૌને સ્નેહ કરવાનું…. જીવન ક્ષણભંગુર છે. કોઈનો સ્નેહસ્પર્શ પૂરેપૂરો વર્તાય-ન વર્તાય ત્યાં તો કાળ એને છીનવી લેશે એમાં કોઈ મીનમેખ નથી. આપણી પાસે જે છે એ કેવળ આજ જ છે. બધી જ આવતીકાલ આવશે એ જ રીતે જતી પણ રહેવાની. આજમાં જીવીએ. આજને ઉજવીએ અને જ્યાં જઈએ, જેને મળીએ, બસ વહાલ વરસાવતાં રહીએ… આમ કરીશું તો જીવનની પાનખરે ખરતાં પર્ણ પીળાં નહીં, સોનેરી પીળાં હોવાનું અનુભવાશે.

અને હા! રખે આ કાવ્યને અછાંદસ ગણી લેવાની ભૂલ કરી બેસતા… પ્રસ્તુત કાવ્ય વિશુદ્ધ કટાવ છંદમાં લખાયેલ છે. જુઓ:

પંથ હજી ઊભ /રાય, હજીયે /સાંભળતો આ / કેટકેટલાં / પગલાં પાસે /આવે, ડૂબી / જાય.
ગાલલગાગા / ગાલલગાગા / ગાલલગાગા /ગાલગાલગા/ ગાગાગાગા / ગાગાગાગા /ગાલ

Comments (9)

સોંપું તો કોને સોંપું? – લલિત ત્રિવેદી

આ રોમ રોમ રાહત સોંપું તો કોને સોંપું?
અંગાર સંગે ધરપત સોંપું તો કોને સોંપું?

રતજાગની રિયાસત સોંપું તો કોને સોંપું?
માલિક! વિકટ રહેમત સોંપું તો કોને સોંપું?

કહું છું પગે પડી, તત! સોંપું તો કોને સોંપું?
શાહી બની ગયું સત, સોંપું તો કોને સોપું?

મુફલિસની આ મિલકત સોંપું તો કોને સોંપું?
આ ગાલિબાના સોબત સોંપું તો કોને સોંપું?

અરવિંદ, દે હિદાયત, સોંપું તો કોને સોંપું?
કાગળને કાંઠે કરવત સોંપું તો કોને સોંપું?

તનમાં જ ઝંખાવાતો વ્હાયા તો એવા વ્હાયા
ભીતર ભીતર કમલવત સોંપું તો કોને સોંપું?

નકશામાં રહી રહીને ખંડેર થૈ ગઈ છે
જગ્યા બની ના સંપત સોંપું તો કોને સોંપું?

જોગંદરોં કી બસ્તી… યે ભસ્મ કી જિયાફત
તિરશૂલ કી વિરાસત સોંપું તો કોને સોંપું?

વકરામાં લૈને છપ્પા… વસતી કરું છું પલ્લાં
આ બેહિસાબ બરકત સોંપું તો કોને સોંપું?

ઋતુઓએ મને દીધી દોથા ભરી ભરીને
લાવણ્યની સખાવત સોંપું તો કોને સોંપું?

પર્ણોય પણ ન જાણે ચોરી છુપી કરી છે
આ મર્મરી ઉચાપત સોંપું તો કોને સોંપું?

થોડીક નખમાં છે ને થોડીક નખલીમાં છે
આ ઝીણી ઝીણી હરકત સોંપું તો કોને સોંપું?

પાણીની જેમ દાહા જે પી ગયા, કહે છે
આ દોમ દોમ દૈવત સોંપું તો કોને સોંપું?

– લલિત ત્રિવેદી

લલિત ત્રિવેદી એટલે પ્રવર્તમાન ગુજરાતી ગઝલનો અલાયદો ચોકો. એમની ગઝલ હાથમાં લો અને પહેલી પંક્તિમાં જ કાવ્યબાની આગવી અને અનૂઠી ન વરતાય એ સંભવ નથી. બાની અને રજૂઆતની દૃષ્ટિએ તો તેઓ ટોળાથી નોખા તરી જ આવે છે, કાફિયાપસંદગી અને નવ્યકાફિયા સરજતથી પણ તેઓ ઉફરા સિદ્ધ થાય છે. આજના ગઝલકારોને પાંચ-સાત શેર જેટલા કાફિયા એકઠા કરવામાંય નવનેજાં પાણીઉતરે છે, એવામાં આ ગઝલકાર મોટાભાગની ગઝલોમાં એકાધિક મત્લા સહિત આઠ-દસથી વધુ શેરની ગઝલો સતત આપતા રહે છે. પ્રસ્તુત ગઝલમાંય તેર શેર અને એમાંય પાંચ-પાંચ તો મત્લા! ભઈ વાહ!

Comments (17)

કવિતા વિશે અલ્પ જલ્પ – જયંત પાઠક

શું પંડિતનું પાઘડું પહેર્યે મોટુંમસ?
બે અક્ષર આનન્દના પાડી શકું તો બસ.

Π

કલ્પવૃક્ષ ને કામગૌ મર રહે અમરાપરી,
માગ્યું મળતું થાય તો કોણ કરે કવિતા ફરી!

Π

રમતા આવે વાયરા, રમતા હાલ્યા જાય,
વેહ વગરના વાંસ તે કેમ કરીને ગાય!

Π

મોતી પાકે છીપમાં, પાકે ઉદરે ગર્ભ,
કવિતા પાકે કાળજે : ત્રણેય સેવ્યે દર્દ.

Π

વેંત જીભ ને મોકળું ગળું વદે બહુ વાણ,
મરમાળું પણ ગાન તો ઝમે મૌનને હાણ.

– જયંત પાઠક

આનંદ અનેક પ્રકારના હોય અને અનેકવિધ વૃત્તિ-પ્રવૃત્તિઓ થકી એ મેળવી શકાય, પણ કવિતાના ભાવસેવનથી જે આનંદ મળે છે એને અલૌકિક -‘બ્રહ્માનંદ સહોદર’- આનંદ ગણવામાં આવ્યો છે. આ જ કારણ છે કે કવિઓ સતત કવિતાના મૂળ સુધી જવાની મથામણ કરતા રહે છે. પ્રસ્તુત દોહાઓમાં પણ કવિએ કાવ્યતત્ત્વને આળખવા-ઓળખવાની તજવીજ કરી છે. જ્ઞાની હોવામાત્રથી કાવ્યપદાર્થ હાથ ન આવે, ખરી કવિતા નિર્ભેળ આનંદની અભિવ્યક્તિમાં છે. કવિતા એ અતૃપ્ત કામનાનું સંતાન છે. ઇચ્છ્યું ને માંગ્યું બધું મળી રહેતું હોય એવી અમરાપુરી જેવી દુનિયામાં કવિતા કોણ કરે? આત્મામાં છિદ્રપડ્યા હોય-વેદના વેઠી હોય તો અનુભૂતિનો પવન વાંસળીના સૂર- કવિતા બનીને રેલાય. છિદ્ર વગરના વાંસમાંથી પસાર થતો પવન સૂર ન રેલાવી શકે. ટૂંકમાં દર્દ સેવ્યા વિના કવિતા પાકતી નથી. કવિતા વાચાળતામાંથી નથી જન્મતી, એ તો મૌનમાંથી ઝમે છે.

પાંચેય દોહા ખૂબ સ-રસ થયા છે. પણ એક વાતની નોંધ લેવી જરૂરી જણાય છે. કવિએ દોહરા (દુહા) છંદ વાપર્યો છે પણ પહેલા બંને દોહામાં દોષ થયો છે. દોહા એટલે અનુક્રમે ૧૩અને ૧૧ માત્રાના બબ્બે ચરણવાળી બે પંક્તિ. (છંદઅન્વય: દાદા દાદા દાલદા, દાદા દાદા દાલ) પહેલા દોહામાં બંને કડીમાં વાક્યાંતે અનિવાર્ય લઘુ અક્ષરની અનુપસ્થિતિ કઠે છે, જ્યારે બીજા દોહામાં ૧૩-૧૧ માત્રાના સ્થાને કવિએ બંને ચરણમાં ૧૩-૧૩ માત્રા પ્રયોજી છે. સમર્થ કવિ પણ ક્યારેક આવી ચૂક કરી બેસતા હોય છે.

Comments (8)

(સિક્કો બચાવી શું કરશો?) – રીના પરીખ

જગા ખાલીપાની બનાવી શું કરશો?
જે નડતું નથી એ હટાવી શું કરશો?

તમારા વિજયમાં જ જેની ખુશી છે,
લડી એની સાથે, હરાવી શું કરશો?

બધાં ઘર હવે સાવ ખાલી પડ્યાં છે,
ગલી તોરણોથી સજાવી શું કરશો?

જે આવી રહ્યા છે, હવામાં ઊડે છે,
તમે રસ્તે જાજમ બિછાવી શું કરશો?

વહ્યું રક્ત તો પણ પડ્યો ફેર કોને?
તમે થોડાં આંસુ વહાવી શું કરશો?

જરા સ્મિત સાથે પ્રગટ થઈ જવાની,
ઉદાસીને ભીતર છુપાવી શું કરશો?

તમારા પ્રતાપે કોઈ પેટ ભરશે,
તમે એક સિક્કો બચાવી શું કરશો?

– રીના પરીખ

આમ તો બધા જ શેર સરસ થયા છે, પણ છેલ્લા ચારેય શેર તો ખૂબ જ સરસ થયા છે. નવ્યકવિઓની કલમે આવી સ-રસ ગઝલો અવતરતી જોઈએ ત્યારે શાતા વળે છે.

Comments (23)

નીંદરા ડોળાણી – સુંદરજી બેટાઈ

પાછલી રાતુંની મારી નીંદરા ડોળાણી, ને
આગલી રાતુંના ઉજાગરા ઓ જી રે!

ધરતીધાવણુધારા,
ધરતીધાવણધારા ઊંડી રે શોષાણી, ને
આગઅંગાર ઊડે આભમાં ઓ જી રે!

લ્હેકી લચુંબી મારી,
લ્હેકી લચુંબી મારી વાડિયું વેડાણું, ને
આંગણે ઝીંકાઈ રહ્યાં ઝાંખરાં ઓ જી રે!

કેસરે મહેકન્ત ક્યારી,
કેસરે મહેકન્ત ક્યારી ઉરની ઉજાડી, ને
આંખે અંધારાં ઘોર આંજિયાં ઓ જી રે! –પાછલી

– સુંદરજી બેટાઈ

ઢળતી સાંજે કોઈપણ કારણ વિના મન ઘણીવાર વિષાદગ્રસ્ત થઈ જાય છે. કારણ? માનવમન અરીસાની જેમ પ્રકૃતિના પરિવર્તનોને સતત ઝીલતું રહે છે. પ્રસ્તુત રચનામાં પણ સૃષ્ટિનું વૈષમ્ય કવિમન તંતોતંત ઝીલે છે. આગલી રાતોના ઉજાગરા ઓછા હોય એમ પાછલી રાતે પણ કોઈક કારણોસર નીંદર ડહોળાઈ ગઈ હોવાનો એકરાર મુખડામાં કર્યા બાદ કારણ ચર્ચવાના બદલે કવિ પોતાનો કેમેરા કુદરત તરફ ફેરવે છે. ઉનાળો લંબાતા અને વરસાદ ન પડતાં ધરતીનાં ધાવણ ઊંડે શોષાઈ ગયાં છે ને આભમાં મેઘલ વાદળાંના સ્થાને આગઅંગાર ઊડી રહ્યાં છે. ક્યારેક જે લહેકતી-લચુંબતી હતી એ વાડીઓ આજે વેડાઈ ગઈ છે અને આંગણે ઝાંખરાં ઊગી આવ્યાં છે. છેલ્લા બંધમાં કવિકેમેરા પ્રકૃતિનો લોન્ગ શૉટ લઈ લીધા બાદ સ્વયંનો ક્લૉઝ અપ લે છે. દુકાળની પીડા કેવળ ધરતી નથી ભોગવી રહી, કવિઉર પણ ભોગવી રહ્યું છે. ધરતીથી જે રીતે વરસાદ રિસાયો છે, એ રીતે કથકથી પ્રિયજન રિસાયું લાગે છે. કેમકે એના અભાવમાં જ હૈયાની કેસર ક્યારી ઊજડી ગઈ છે અને આંખે ઘોર અંધારાં અને ઉજાગરા અંજાયા છે… આ ક્ષણે સમષ્ટિ અને વયષ્ટિ વચ્ચે સાયુજ્ય રચાય છે. જે સર્વમાં છે એ સ્વમાં અનુભવાય છે.

રચનારીતિની વાત કરીએ તો ત્રણેય બંધમાં કવિએ બંધના પૂર્વાર્ધને બેવડાવ્યો છે. પણ કેવળ બેવડાવ્યો છે એમ કહીએ તો કવિકર્મની અવહેલના કરી ગણાય. કારણ ‘ધરતીધાવણુધાર,’ ‘લ્હેકી લચુંબી મારી’ તેમજ ‘કેસરે મહેકન્ત ક્યારી’ – આ ત્રણેય વાક્યખંડ પોઝિટિવ વાઇબ્સ જન્માવે છે, પણ એને દોહરાવતાં સરવાળે તો શોષાવું-વેડાવું ને ઉજડવું જ હાથ લાગે છે. પરિણામે ભાવસંવેદનનો વિરોધાભાસ વધુ બળકટ અને તીવ્ર બને છે. આવી નાની નાની વિધા ચૂકી જવાય તો કવિને યથોચોત ન્યાય કરવાનું રહી જાય, ખરું ને?

આ ગીતને આપણે કદાચ ઉત્તમ ના કહીએ, પણ મજાનું છે એમ તો અવશ્ય કહી શકીએ.

Comments (6)

સ્હવાર – ૧ – નલિન રાવળ

(અનુષ્ટુપ)

ફૂલોના ઝાકળે નાહી રૂપાળાં શમણાં સર્યાં,
સુંવાળાં પગલાં એનાં શોધતા તારકો પળ્યા,
વૃક્ષના ઊઘડ્યા ચ્હેરા, અંધારાં પાતળાં થયાં,
ચંદ્રના સ્મરણે ભીનાં વાદળાંઓ વહી રહ્યાં.

પ્રભુની કવિતા જેવાં સુવર્ણકિરણો ફૂટ્યાં,
આંખમાં આંજીને એને દિશાઓ પાર ખૂંદવા
વાયુની અંગુલિ સાથે અંગુલિઓ ભરાવતાં
મેંય તે ચાલવા માંડ્યું, પથો સૌ ગોઠિયા મળ્યા!

તૃણની ક્ષિતિજો લીલી આંબવા દૃષ્ટિ માહરી
(લયમાં દોડતી વેગે ગીતની પંક્તિના સમી)
સ્પંદને હૂલવી હૈયું પર્ણમાં પણ થૈ ઠરી,
ડોલતા દ્રુમની ડાળી આનંદભારથી લચી.

ટહુકો પંખીનો ગુંજ્યો, મુગ્ધ થૈ પંખીએ અહો,
કંઠને પર્ણમાં વ્હેતો…વ્હેતો વ્હેતો કરી દીધો!

– નલિન રાવળ

ન-જોયા-બરાબર નિર્લેપતાથી આપણી આંખો જોતી તો હોય છે હજારો વસ્તુઓ, ઘટનાઓને, પણ એમાંથી બહુ ઓછી ચીજોને એ ઝીલે છે. સવાર તો રોજ જ થાય છે, પણ જે સવારે આપણને સવાર થતાં શું શું થાય છે એ નજરે ચડે ત્યારે સવાર કવિતા બનીને પ્રકાશિત થાય. અનુષ્ટુપ છંદમાં લખાયેલ આ સૉનેટમાં કવિએ કોઈ ઊંડી કે અઘરી વાતો કરી નથી. કવિની આંખોએ હજારો ન-જોયા-બરાબર સવારોની અડાબીડ ભીડમાંથી કોઈ એક સવારને ઝીલી આપણી સમક્ષ રજૂ કરી છે, બસ. રાતે જોયેલાં રૂપાળાં શમણાં સવારની ઝાકળમાં નાહીને વધુ રૂપાળાં થઈ ક્યાં ગયાં એનું પગેરૂ શોધવા ન નીકળ્યા હોય એમ તારાઓ પણ સવાર થતા ગાયબ થયા. રાતનો અંધારાનો નકાબ પાતળો થતા વૃક્ષોના ચહેરા હવે સાફ દેખાવા લાગ્યા છે. પ્રભાતે ફૂટતાં સૂર્યકિરણોમાં કવિને ઈશ્વરની કવિતા દેખાય છે. પછીની ત્રણ પંક્તિઓમાં કવિએ આજે આપણે જેને મોર્નિંગ વૉક કહીએ છીએ એની જ વાત કરી છે, પણ કેવી અદભુત રીતે! ઈશ્વરની કવિતા જેવા સૂર્યકિરણોને આંખમાં આંજીને, પવનની આંગળીઓમાં આંગળીઓ ભેરવીને દૂરસુદૂર જવા માટે કવિ ચાલી નીકળે છે. રસ્તા પણ જાણીતા હોવાથી ગોઠિયાઓ જેવા પ્રતીત થાય છે. કોઈ ગીતની પંક્તિ લયબદ્ધ વહી જતી હોય એમ કવિની દૃષ્ટિ લીલી ક્ષિતિજોને આંબવા દોડી રહી છે. કોઈક પંખીનો ટહુકો ગુંજે છે. સવારે પંખી ટહુકે એમાં કશું નવું નથી. પણ મનુષ્ય જ્યારે કુદરતની સાથે ગોઠડી માંડવા તૈયાર થાય છે, ત્યારે એની એ કુદરત સોહામણી લાગવા માંડે છે. પંખી મુગ્ધ થયું છે. શાથી? કવિએ આજે લાંબા સમય પછી એના કાન નરવા ને સરવા કર્યા છે એથી? શી ખબર, પણ પંખી પોતાના કંઠને પર્ણમાં વહેતો કરી દે છે… ત્રિરુક્તિના કારણે કંઠ સાચે જ વહેતો હોવાની નક્કર અનુભૂતિ થાય છે.

Comments (5)