(બધું તારું જ છે) – કિરણસિંહ ચૌહાણ
આ બધું તારું જ છે,
હા, બધું તારું જ છે.
કાંઈ ના આપી કહ્યું,
જા, બધું તારું જ છે.
અહીં કશું તારું નથી,
ત્યાં બધું તારું જ છે.
સ્વર્ણનો ઢગલો કર્યો,
ખા, બધું તારું જ છે.
‘સા’થી લઈને ‘સાં’ સુધી,
ગા, બધું તારું જ છે.
મારું છે કંઈ? બોલને!
ના… બધું તારું જ છે.
– કિરણસિંહ ચૌહાણ
સાવ ટૂંકી બહેરની ગઝલ. ગાલગાગા ગાલગા. બાર જ માત્રા. બસ. એમાંય દસ માત્રા જેટલી જગ્યા તો ‘બધું તારું જ છે’ જેવી લાંબીલચ્ચ રદીફ રોકી લે છે. એટલે મત્લાના બંને મિસરામાં અને બાકીના તમામ શેરના સાની મિસરામાં કવિ પાસે શેર સિદ્ધ કરવા માટે બે માત્રાના એકાક્ષરી કાફિયા જેટલો જ અવકાશ બચે છે. ટૂંકી બહેરની ગઝલમાં કવિતા સિદ્ધ કરવાનું કામ દોરડા પર ચાલવા જેવું કપરું છે. એમાંય આવી અઘરી શરત લઈને કવિ કામ કરે એનો મતલબ એમ થાય કે કવિએ દોરડા પર અદ્ધર ચાલવાનું નહીં, સાઇકલ ચલાવવાનું બીડું ઝડપ્યું છે. આ કામ વધુ મુશ્કેલ છે, પણ આનંદ એ વાતનો છે કે કવિ મોટાભાગના શેરમાં કાવ્યત્વ સિદ્ધ કરી શક્યા છે. એમાંય સારેગમપધનિસાંના બે છેડા પકડીને આલાપતો શેર તો શિરમોર થયો છે…