હોવાની પેલી બાજુ આવી મને મળો તો
સમજાવું – છોને બે હો, હર શ્વાસ છે ઉજાણી.
- વિવેક મનહર ટેલર
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for ગઝલ
ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
July 17, 2007 at 11:30 PM by ધવલ · Filed under અમૃત ઘાયલ, ગઝલ
કુંતલ
બાદલ
કીકી
કોયલ
આંસુ
હલચલ
જીવન
જંગલ
સંશય
સોમલ
શાયર
પાગલ
સારસ
‘ઘાયલ’
– ‘ઘાયલ’
જયારે ગુજરાતી ગઝલ પરંપરાગત માળખામાં જકડાયેલી હતી ત્યારે ‘ઘાયલે’ આવા પ્રયોગો કરેલા. કદાચ આજદિન સુધી લખાયેલી સૌથી ટૂંકી બહેરની ગઝલ છે. (જાણકારો શું કહો છો ?)
બીજા દૃષ્ટિકોણથી જોઈએ તો આ ગઝલ ફ્રોઈડના વર્ડ એસોશીએશન ના પ્રયોગોની યાદ અપાવે છે. વર્ડ એસોશીએશન ટેસ્ટ માં દર્દીને એક શબ્દ કહેવામાં આવે છે (દા.ત. પાણી) અને એના પરથી તરત જ મનમાં જે શબ્દ આવે, જરાય વિચાર કર્યા વિના, એ દર્દીએ કહેવાનો હોય છે. (દા.ત. પાણી સાંભળીને કોઈ કહેશે તરસ, તો કોઈ કહેશે દરિયો, તો વળી કોઈ કહેશે પ્યાલો) અને એના પરથી દર્દીના મનમાં ઊંડે દબાઈ ગયેલી યાદોને બહાર કાઢી શકાય છે. અહીં ગઝલના દરેક શેરમાં બે શબ્દ મૂકીને શાયર આવી જ રમત રમતા હોય એવું નથી લાગતું ?!
(કુંતલ=વાળની લટ, સોમલ=ઝેર)
Permalink
July 16, 2007 at 11:07 PM by ધવલ · Filed under ગઝલ, નયન દેસાઈ
પૂર્વધારણા : દરેક સાંજ એકાંતનું સંગીત હોય છે
પ્રત્યેક સાંજ લોહીમાં બાંધે છે રાફડો
લાચાર સૂર્ય પણ નભે ડૂબે છે બાપડો
ઉદાહરણ : જેવી રીતે આ દૃશ્ય સૌ આંખોમાં આથમે
ચશ્માના કાચ પર પડે ઝીણી ઝીણી તડો
પક્ષ: ડૂબે છે તારી યાદનો સારું છે આ સમય
નહીંતર તો લાંઘવી પડે એ ઊંચી ભેખડો
સાધ્ય: પડછાયો થઈ ગયા પછી માળા તરફ જવું
એવું શીખ્યો છે આટલી ઉમ્મરમાં કાગડો
સાબિતી: ચારે તરફથી આમ બસ કોરાવું કાળજે
મારી ગઝલ છે સાંજની જણસનો દાબડો
– નયન દેસાઈ
નવા પ્રયોગો કરવામાં નયનભાઈ કદી પાછળ પડ્યા નથી. એમની એબસ્ટ્રેક્ટ ગઝલો તો અદભૂત અર્થછાયાઓ રચી આપે છે. ( જુઓ મુકામ પોસ્ટ માણસ કે માણસ ઉર્ફે ) અહીં એમણે ગણિતમાં આવતા પ્રમેયનું માળખું ઉઠાવીને એમાં ગઝલની રચના કરી છે. આવી રચના જોઈને ઉદયન ઠક્કરનું એક પ્રશ્નપત્ર યાદ ન આવે એવું તો બની જ કેવી રીતે શકે !
Permalink
July 14, 2007 at 12:53 AM by વિવેક · Filed under કિરણસિંહ ચૌહાણ, ગઝલ, હસ્તપ્રત

(કિરણ ચૌહાણના સ્વહસ્તે ‘લયસ્તરો’ માટે લખેલી એક અક્ષુણ્ણ ગઝલ…)
રહે છે રોજ અધ્ધર શ્વાસ ને જંજાળની સાથે,
બધા પરણી ગયા છે જાણે કે ઘડિયાળની સાથે.
બધાની ખૂબ જૂની આળ ને પંપાળની સાથે,
સતત ઊંચે જવાનું હોય છે આ ઢાળની સાથે.
મળે, ભેટી પડે, બોલાવે મીઠી ગાળની સાથે,
તમારી જેમ નહિ, પૂરું કરે કોઈ આળની સાથે.
સજા આપી તરસ ને ભૂખથી મરવાની અમને… છટ્,
અમે વરસો સુધી કુસ્તી કરી દુષ્કાળની સાથે.
તમે ઘરડાઘરોને દાનમાં મા-બાપ દઈ દીધાં,
હવે પાયો ત્યજીને ક્યાં જશો આ માળની સાથે !
– કિરણસિંહ ચૌહાણ
ગયા અઠવાડિયે કિરણ ચૌહાણની એક તાજી અને અપ્રકાશિત ગઝલ એમના સ્વહસ્તે લખેલી માણી. એ જ શૃંખલામાં આગળ વધીએ અને આજે એમની એવી જ બીજી તરોતાજા અને અપ્રગટ ગઝલ, જે એમણે ખાસ ‘લયસ્તરો’ માટે સ્વહસ્તે લખી આપી છે એ માણીએ. વિશ્વ જેમ-જેમ નાનું થતું જાય છે એમ-એમ જીવન ઝડપી થતું જાય છે. મનુષ્ય જેટલી વધુ પ્રગતિ કરે છે, સમય એટલો જ ઓછો બચે છે એની પાસે. કવિને તો એવી શંકા પડે છે કે બધા ઘડિયાળ સાથે જ પરણી ગયા છે કે શું? આખી ગઝલ સ્વયંસિદ્ધ છે પણ આખરી શે’ર ખાસ દાદ માંગી લે એવો થયો છે. (કિરણભાઈના તળપદા લહેકામાં આ ગઝલ સાંભળીએ ત્યારે ‘વાહ…વાહ’નો પનો ટૂંકો પડતો લાગે).
Permalink
July 12, 2007 at 1:42 AM by વિવેક · Filed under ગઝલ, હિતેન આનંદપરા
બધું જલ્દી શીખવવાના તારા આયાસ રહેવા દે,
એ બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે.
પ્રસંગો પર પ્રસંગો એ રીતે બનતા ગયા છે દોસ્ત,
કે હરદમ થાય માણસજાત પર વિશ્વાસ રહેવા દે.
વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,
તું ઈશ્વરનાં નવાં મંદિર નવાં આવાસ રહેવા દે.
મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી આવું,
ગણિતની જેમ મારો અટપટો અભ્યાસ રહેવા દે.
જરા તું દોસ્તોની ખાનદાનીનો મલાજો કર,
બધાની હાજરીમાં એમનો ઉપહાસ રહેવા દે.
તને પૂછ્યું છે તારું નામ, ખાલી નામ બોલી દે,
તું તારા સાત કુળનો વૈભવી ઇતિહાસ રહેવા દે.
પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,
હું શાયર છું, તું મારા માટે થોડી પ્યાસ રહેવા દે.
-હિતેન આનંદપરા
હિતેન આનંદપરા ગઝલોની ગલીઓમાં ખૂબ ઝડપથી ઊભરી આવેલું નામ છે. એમની ગઝલો વાંચીએ તો ઘણીવાર રાજેશ રેડ્ડી કે નિદા ફાજલીને વાંચતા હોય એવું લાગે. બાળકો, ભગવાન, દોસ્તી – આ હાથવગા કલ્પનો એમની ગઝલોમાં સહજતાપૂર્વક પણ નવા આયામ સહિત ઉતરી આવે છે. ઘણીવાર વાતચીતની ભાષા એ રીતે કવિતામાં ગૂંથાઈ જાય છે કે આખો શે’ર વાંચ્યા પછી એક આંચકો અનુભવાય- શે’રમાં આ વાત પણ સંભવી શકે ખરી? પણ પછી એ જ શે’રને સહેજ અટકીને, એક શ્વાસ છોડીને ફરીથી વાંચીએ ત્યારે કવિની પીઠ થાબડવાનું મન થઈ આવે-વાહ દોસ્ત! આવો દાદુ શે’ર !! ઉદાહરણના તોર પર જુઓ આ શે’ર- તને પૂછ્યું છે તારું નામ, ખાલી નામ બોલી દે, તું તારા સાત કુળનો વૈભવી ઇતિહાસ રહેવા દે.
Permalink
July 7, 2007 at 2:58 AM by વિવેક · Filed under ગઝલ, ભાવેશ ભટ્ટ
ચિંતા કરવાની મેં છોડી,
જેવું પાણી એવી હોડી.
ચોક્કસ ઘટના જેવો છું હું,
તું આવે છે વ્હેલી મોડી.
બારી એવાં દૃશ્ય બતાવે,
ભીંતો કરતી જીભાજોડી.
ટુકડા શોધું અજવાળાનાં,
કોણે મારી સવાર તોડી ?
એક જનમની વાત નથી આ,
કાયમની છે માથાફોડી.
– ભાવેશ ભટ્ટ ‘મન’
ભાવેશ ભટ્ટનો આમ કોઈ પ્રત્યક્ષ પરિચય નથી પણ એની કવિતાઓમાં હંમેશા થોડી તાજગી અનુભવાતી હોવાથી જ્યારે પણ કોઈ સામયિકમાં એમની કવિતા નજરે ચડે ત્યારે એ વાંચી લેવાની ફરજ પડે છે. આ ગઝલ પણ ટૂંકી બહેરની છતાં મજાની છે. સાવ વાતચીતની ભાષામાં ફરતાં-ફરતાં ક્યારે કવિતાની અડફેટમાં આવી ચડાય એ પણ ખબર ન પડે એવી સાહજિક્તા અહીં આકર્ષે છે. (જો કે આખરી શેરમાં કાયમની માથાફોડી કઈ છે એ સ્પષ્ટ થતું લાગતું નથી એ થોડું ખટકે પણ છે).
Permalink
July 6, 2007 at 12:08 AM by વિવેક · Filed under કિરણસિંહ ચૌહાણ, ગઝલ, હસ્તપ્રત

‘વ્યસન કોઈ ચીજનું અમને નથી’- એવું જણાવો છો,
બધી ચીજો વિના ચાલે છે તમને કે ચલાવો છો ?
તમે થાકી ગયા છો, એકદમ થાકી ગયા છો હોં,
બધા પ્રશ્નોના ઉત્તરમાં ફકત ડોકું હલાવો છો.
અમે પોતે જ પાણી થઈને લ્યો ખુદમાં ડૂબી જઈએ,
અમારા લીધે જ્યારે હર્ષના આંસુ વહાવો છો.
સમયની દોડ, એમાં પૂર ને એમાં તરસ પાછી,
ગજબ માણસ છો, કેવી રીતે આ સઘળું નિભાવો છો ?
અધૂરી લાગણી, ઈચ્છા, ફરજ વચ્ચે ભટકતા હો,
અને દીકરી પુછાવે ‘પપ્પા ! ક્યારે ઘેર આવો છો ?’
– કિરણસિંહ ચૌહાણ
કેટલાક માણસો કાંદા જેવા હોય છે. તમે એમને જેટલી વાર મળો, એક નવું જ પડ ઉખડેલું જોવા મળે. તો કેટલાંક માણસો પારદર્શક કાચ સમા, ગમે ત્યારે મળો, આરપાર દેખી શકાય. માણસ તરીકે અને કવિ તરીકે પણ કિરણ ચૌહાણ પારદર્શક કાચ છે. અને એની પ્રતીતિ તમે એને મળો એટલે થોડીવારમાં થાય. પત્ની સ્મિતા, નાનકડા મસ્તીખોર પુત્ર પલ્લવ અને કિરણથી બનતા સુખી ત્રિકોણમાં પગ મૂક્યા પછી સમય કમળપત્ર પરના પાણીની જેમ સરકી જતો લાગે. કિરણભાઈના ઘરે બેસીને એમના સ્વમુખે એમની કવિતાઓના અસ્ખલિત ઝરણાંમાં તરબોળ થવાની મજા જ ઓર છે. લયસ્તરો માટે એકદમ તાજી જ લખાયેલી આ અક્ષુણ્ણ ગઝલ સ્વહસ્તે લખી આપવા બદલ ખૂબ આભાર, કિરણભાઈ! (ચોમાસું અને પૂરનો ભય સુરતને હજી આ વર્ષે પણ કેવો સતાવે છે એની ખાતરી આ ગઝલમાં અનાયાસ આવી ગયેલા પાણી અને પૂરના બે શે’ર પરથી થાય છે).
Permalink
July 5, 2007 at 1:32 AM by વિવેક · Filed under ગઝલ, હેમેન શાહ
આમ શાને આપણું અડબંગ ખાતું હોય છે ?
એક જીવન કેટલા સ્તર પર જીવાતું હોય છે !
આંખ છે તો પાંખ છે એ સત્ય સ્વીકારું છતાં,
દૃષ્ટિ વાટે કેટલું અંદર ઘવાતું હોય છે !
જનમની મુખપૃષ્ઠ જેવી સનસનાટી હોય છે,
ક્યાંક નીચે નોંધમાં મૃત્યુ મુકાતું હોય છે.
થાય છે મારું પ્રવાહીમાં રૂપાંતર એટલે,
નહિ તો ક્યાં વરસાદ સાથે વહી શકાતું હોય છે ?
ચાહવામાં હૂંફ છે કેવળ અમુક માત્રા સુધી,
એ પછી તો માત્ર આડેધડ દઝાતું હોય છે.
-હેમેન શાહ
હેમેન શાહ વ્યવસાયે મુંબઈગરા તબીબ છે પણ કવિતાના દર્દનો વધુ અક્સીર ઈલાજ કરી શકે છે. શબ્દો એમની પાસે રુગ્ણની જેમ આવે છે અને અર્થનું આરોગ્ય પામીને પાછા ફરે છે. ત્રિપદી એમની ખાસિયત તો ગઝલ પ્રાણવાયુ છે. હેમેન શાહ પોતાની ગઝલ વિશે કહે છે, “સાહેબ, ગઝલની વાત જ કંઈ ઓર છે. શે’રના બે મિસરા જાણે ચકમકના પથ્થર છે અને ગઝલનું તત્ત્વ છે એ બેના ઘસાવાથી થતો તણખો. જે બે હાથોએ ચકમકના પથ્થર પકડ્યા છે એ અદૃશ્ય છે. એ અદૃશ્ય હાથ શે’રના અધ્યાહાર અને અભિપ્રેત અર્થો છે અને તણખો પેદા કરવાનું એ જ પરિબળ છે. રજૂઆતની ઢબ જ્યારે ઉચિત મળે છે ત્યારે ગઝલને વિષયની મર્યાદા બહુ નડતી નથી. પરંતુ ઘણીવાર સરળ વાત પણ ગાંડીવની માફક હાથમાંથી સરી જાય છે.” પ્રસ્તુત ગઝલના પાંચ શે’ર પાંચ તણખાઓથી એવા તણખા-મંડળનું સર્જન કરે છે કે ભાવકના મનમાં લાંબો સમય ટકી રહે એવો પ્રકાશ પથરાઈ જાય છે.
કાવ્યસંગ્રહ: ‘ક, ખ, કે ગ…’, ‘લાખ ટુકડા કાચના’, ‘-તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ’ (પ્રતિનિધિ કવિતા). જન્મ: 09-04-1957
Permalink
July 4, 2007 at 11:43 AM by ધવલ · Filed under ગઝલ, માધવ રામાનુજ
ચાડિયાની આંખ તળે ચકલીનો રાતવાસો,
સીમનું રખોપું કરે રેઢિયાળ ઊંઘ.
અંધકાર ખેડી રહ્યું તમરાંનું તીણું હળ,
કુણાંકુણાં ચાસમાં ઓરાય મીઠી ઊંઘ.
ગાતડીની ગાંઠ વાળી, શિયાળની લાળી ભેળી
રાતરાણી તણી ગંધ લણી રહી ઊંઘ.
ચાકડે ચડીને કૈંક સોણલાં ઉતાર્યા કરે,
નિંભાડામાં ધીરે ધીરે ઠરી જાય ઊંઘ.
ઘોડિયામાં ઘર આખું ઢબૂરીને મેડે ચડી,
………….. મૂંગીમૂંગી શરમાય ઊંઘ.
– માધવ રામાનુજ
માધવ રામાનુજની ગઝલ માટે એક શબ્દમાં કહેવું હોય તો કહી શકો ‘નાજુક’. આ ગઝલમાં પણ કવિએ મઝાના નાજુક કલ્પનોની લાહણી કરી છે.
કવિ ગઝલનો ઉપાડ સીમનું રખોપું કરતી રેઢિયાળ ઊંઘથી કરે છે. અને બીજા શેરમાં તમરાં જાણે હળની જેમ રાતને ખેડે છે અને એ ચાસમાં ઊંઘ ઓરાય છે એવી વાત કરી છે. મનના ચાક્ડે એક પછી એક સપના ઊતર્યા કરે અને પછી ધીમે ધીમે ઠરી જાય એ ઊંઘ – કેવું મઝાનું કલ્પન ! સૌથી સુંદર શેર તો છેલ્લો શેર છે. નાના છોકરાને ઘોડિયામાં સુવાડીને મા, પતિની બાજુમાં મેડે સુવા પડે છે ત્યારે – કદાચ આખા દિવસમાં પહેલી વાર મળેલા – એકાંતમાં એ ઊંઘવાનો ડોળ કરતી મૂંગીમૂંગી શરમાય છે !
Permalink
July 3, 2007 at 11:39 PM by ધવલ · Filed under અમૃત ઘાયલ, ગઝલ
શબ્દને તોડ્યો છે મેં ફોડ્યો છે;
તોડીફોડી યથેચ્છ જોડ્યો છે.
મારી રીતે મેં બાંધ્યો છે એને,
મારી રીતે મેં એને છોડ્યો છે.
સીધેસીધો નથી જો ખોડાયો,
ઉંધે માથે મેં એને ખોડ્યો છે.
શ્વાસે શ્વાસે મેં રૂંધ્યો છે એને,
રૂંવે રૂંવે મેં એને તોડ્યો છે.
શબ્દને મેં કદી ચૂમ્યો છે કદી,
જોરથી લાફો ગાલે ચોડ્યો છે.
મેં નથી માત્ર એના ગુણ ગાયા,
ધૂમ જાહેરમાં વખોડ્યો છે.
પીઠ પર એના સોળ છે ‘ઘાયલ’
શબ્દને મેં સખત સબોડ્યો છે.
– ઘાયલ
ગુજરાતીમાં આવી ગઝલ લખવાની તેવડ રાખનાર એક જ કવિ થયો છે અને એ છે ઘાયલ. બીજા કવિઓ શબ્દને પંપાળવાની વાત કરતા હોય છે જ્યારે ઘાયલ ? એ તો શબ્દને ગુલામની જેમ રાખવાની અને યથેચ્છ વાપરવાની વાત કરે છે ! ઘાયલસાહેબની રચનાઓમાં એમની ખુમારી ચારે બાજુ દેખાય છે. એમનું આ મુક્તક જુઓ તો ખ્યાલ આવશે કે ઘાયલની ખુમારી શું ચીજ છે ! લે ! અને શાનદાર જીવ્યો છું પણ સાથે જોવાનું ચૂકશો નહીં.
આડવાતમાં, ગઝલને તદ્દન જુદા અર્થમાં જુઓ તો ઘાયલસાહેબ ઉંઝાજોડણીની છાલ કાઢતા હોય એવું નથી લાગતું ?! આ અર્થ મનમાં રાખીને ગઝલ ફરી વાંચી જુઓ 🙂 🙂 🙂
Permalink
June 30, 2007 at 12:52 AM by વિવેક · Filed under ગઝલ, પ્રકીર્ણ, હિમાંશુ ભટ્ટ
જીવન જો કરશે કોઈ સવાલો તો શું થશે ?
ગમશે નહીં જો કોઈ જવાબો તો શું થશે ?
રસ્તો કરી અલગ ભલે ચાલી ગયા તમે,
યાદ આવશે જો મારો સહારો તો શું થશે ?
માંગી સફર મળે અને મનગમતો સાથ હો,
આંખોમાં ઘેલછા જો સજાવો તો શું થશે ?
તું તો જગત બનાવી નિરાકાર થઈ ગયો,
ઈશ્વર અમે બનાવ્યા હજારો તો શું થશે ?
મોજાંની રીત છે, તમે લખશો એ ભૂંસશે,
તો યે કિનારે ઘર જો બનાવો તો શું થશે ?
દોડ્યા કર્યું તમે તો ખુશી દોડતી રહી,
લેશો કદી જો ક્યાંક વિસામો તો શું થશે ?
છંદોમાં, કાફિયામાં, રદીફમાં કહું છું જે,
સંકેત જો સમજશે જમાનો તો શું થશે ?
અડધી સફર થઈ નથી, લાગી રહ્યો છે ડર,
ગમશે નહીં જો સામો કિનારો તો શું થશે ?
-હિમાંશુ ભટ્ટ
હિમાંશુ ભટ્ટનું નામ હવે ગુજનેટ-જગત માટે અજાણ્યું નથી. એમની સુંદર સ્વરચિત રચનાઓ આપ એમના પોતાના બ્લૉગ- એક વાર્તાલાપ – પર માણી શકો છો. એમની ગઝલમાં ઈશ્વરના નિરાકાર હોવાની ફરિયાદો સતત સાંભળવા મળે છે. ઊર્મિની અભિવ્યક્તિની તાજગી એ એમની લાક્ષણિક્તા છે. છંદ, કાફિયા અને રદીફના સહારા લઈને કવિ હંમેશા પોતાની વાત કરતો હોય છે, પણ જમાનો એ સમજતો-સાંભળતો નથી. જે દિવસે કવિતાની બે પંક્તિઓની વચ્ચે લખાયેલી કવિની આત્મકથા જમાનો વાંચી શક્શે એ દિવસે કયામત મચી જશે, એ વાત અહીં કેવી મસૃણતાથી એમણે કરી છે!
Permalink
June 28, 2007 at 12:48 AM by વિવેક · Filed under અશોક ચાવડા 'બેદિલ', ગઝલ
થઈ અજાણી શહેરમાં આવ્યા પછીથી મા,
આઠ આનાની ચબરખીમાં જ મળતી મા.
હાથને ચૂમી ભર્યાનો થઈ ગયો અનુભવ,
સાવ કોરી પાટીમાં જ્યાં સ્હેજ ઘૂંટી મા.
શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં ?
રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા.
આ વખત વરસો પછી હું જઈ રહ્યો છું ગામ,
આ વખત થાકી જવાનો હું ય શોધી મા.
આજ હું ‘બેદિલ’ રડ્યો ત્યારે થઈ છે જાણ,
ખૂબ ભીંજાતી હતી મારામાં કોરી મા.
-અશોક ચાવડા ‘બેદિલ’
મા વિશે ઘણા લેખકો અને કવિ લખી ચૂક્યા છે અને એવું ઉત્તમ અને એટલું બધું લખી ચૂક્યા છે કે લાગે, હવે મા વિશે વધુ લખવું કદાચ અશક્ય જ છે. પણ મા આજે પણ એક એવી અનુભૂતિ છે આ સંસારની, જેને જેટલા આયામમાં નિહાળો, ઓછા જ પડે. પ્રસ્તુત ગઝલમાં પણ શહેરમાં આવીને (કે અમેરિકા આવીને !) માને ભૂલી જતા હજારો ભારતીય સંતાનોની વાત છે. આઠ આનાના અંતર્દેશીય પત્ર વડે હાથમાંથી પારાની જેમ સરકી ગયેલા પુત્રને પકડવા હવાતિયા મારતી માની વાત જ્યારે પોતાના વધેલા શ્વાસ-વધેલી આવરદા- પાછળ ખરચાઈ ગયેલ માના રોજ-બ-રોજના ત્યાગના અહેસાસ સુધી પહોંચે છે ત્યારે થાય, મા વિશે ગમે તે લખો, ઓછું જ પડવાનું. ઈશ્વર વિશે લખવાનો કદાચ અંત આવી પણ જાય, પરંતુ મા વિશેના લખાણ માટે તો नेति… नेति… જ કહેવું પડે…
Permalink
June 24, 2007 at 12:20 AM by વિવેક · Filed under એસ. એસ. રાહી, ગઝલ
દરિયાને તુચ્છ કહેવા તળિયા સુધી જવું છે
અથવા કોઈ સુખીના નળિયા સુધી જવું છે
સંસારના ભ્રમણની શી છે જરૂર મારે
હું તો પ્રવાસી ઘરનો, ફળિયા સુધી જવું છે
પહોંચીને થડની ટોચે પસ્તાયો છું હું અનહદ
વીતેલ યુગને મળવા મૂળિયાં સુધી જવું છે
એ જન્મટીપનો કેદી પોતે નવલકથા છે
એના હૃદયના બારીક સળિયા સુધી જવું છે
ત્યાં ચેન છે ? મજા છે ? ઉષ્મા છે ? જાણવાને
તારા અકળ નયનના તળિયા સુધી જવું છે
– એસ. એસ. રાહી
પ્રિયાની આંખમાં સદીઓથી કવિઓ ડૂબકી લગાવતા આવ્યા છે. પણ એની પાછળનું સાચું કારણ શું છે શોધવાની રાહીસાહેબની આ રીત સાવ અનોખી છે. (મૂળ નામ : શફક્કત સૈફુદ્દીન વર્ધાવાળા, જન્મ: 28-12-1952, કાવ્યસંગ્રહ: ‘પરવાઝ’, ‘ઘટના’, ‘થાક’).
Permalink
June 23, 2007 at 2:04 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ
આ વિચારો ક્યાં મને લઈ જઈ રહ્યા છે પાલખીમાં એ જ મારે જોવું છે
કોણ છે મારા નયનમાં. શ્વાસમાં ને ચામડીમાં એ જ મારે જોવું છે
કોઈ પંખીનું મજાનું ગીત, પીંછું, પાંખનો ફફડાટ અથવા કાંઈ પણ
વૃક્ષમાં છે કે નહીં ? છે તો પછી કઈ ડાળખીમાં એ જ મારે જોવું છે
આવ, મારા આંસુની ઓ તીવ્રતા તું આવ, તારી રાહમાં છું ક્યારનો
કેટલું વ્હેરી શકે છે તું મને આ શારડીમાં એ જ મારે જોવું છે
હું કશું બોલી શકું નૈ, સાંભળી પણ ના શકું, સ્હેજે વિચારી ના શકું
કોણ આ રીતે મને બાંધી ગયું છે લાગણીમાં એ જ મારે જોવું છે
કોઈ બાળક જેમ પાછો જીદ લઈ બેઠો સમય, એક જ રટણ બોલ્યા કરે
‘કૃષ્ણ જમના સોંસરા જે નીકળ્યા’તા છાબડીમાં એ જ મારે જોવું છે.’
-અનિલ ચાવડા
છંદના પ્રચલિત આવર્તનો કરતાં એક કે બે આવર્તન વધુ વાપરીને ગઝલને થોડી લાંબા બહેરની કરીને ધ્યાનાકર્ષક બનાવવું એ પણ એક ખૂબી છે. “ગાલગાગા”ના સામાન્યત: વપરાતા ચાર આવર્તનોમાં બે બીજા ઉમેરી અનિલ ચાવડાએ આ ગઝલને ગેયતાનો અલગ જ થડકો બક્ષ્યો છે. આવી જ અને આ જ છંદમાં એક વધારાનું આવર્તન ઉમેરેલી એમની એક ગઝલ આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો. લાંબી બહેરની આવી ગઝલો લખવાની ‘માસ્ટરી’ જવાહર બક્ષીની કલમમાં પણ જોવા મળે છે. અત્રે પ્રસ્તુત ગઝલ વિશે જો કે એક વાત જરૂર કહીશ, કે બહેર લાંબી કરવાના આયાસ આખી ગઝલમાં એવી રીતે ઓગળી ગયા છે કે આખી કૃતિ ખૂબ જ આસ્વાદ્ય બની રહી છે અને એ જ છે કવિની સાર્થક્તા…
Permalink
June 20, 2007 at 10:10 AM by વિવેક · Filed under ગઝલ, ગણપત પટેલ
રોજ ઊઠી કેમ કરવો સામનો?
ચાલ, તોડી નાંખીએ આ આયનો!
ડર નથી વધઘટ થતી પરછાંઈનો,
અર્થ સમજાઈ ગયો ધૂપ-છાંવનો
દોડવું જીવન, અટકવું મોત છે,
ના સમય ફુરસદ અને આરામનો.
જિંદગીથી પર ઘડીભર જીવીએ,
પ્રશ્ન તો કેવળ રહે એક જામનો.
લોકમાં જેના વિશે શંકા હતી,
‘સૌમ્ય’ માણસ નીકળ્યો એ કામનો.
– ગણપત પટેલ “સૌમ્ય”
નાની-નાની પંક્તિઓમાં અને સરળ મજાના શબ્દોમાં મસમોટી વાત કહી જાય એ કવિતા. સૌમ્ય ઉપનામ ધરાવતા આ કવિની શબ્દાવલિઓ પણ એવી જ સૌમ્ય છે અને તરત હૃદયના ઊંડાણ સુધી ટકોરા મારી આવે એવી મજાની છે. આ માણસ સાચે નીકળ્યો કામનો !
ટાઈપસૌજન્ય: સાગરિકા પટેલ
Permalink
June 17, 2007 at 12:26 AM by વિવેક · Filed under ગઝલ, વંચિત કુકમાવાલા
દૃશ્ય જેવાં દૃશ્યને ફોડી શકે તો ચાલ તું!
દૂર સન્નાટા સુધી દોડી શકે તો ચાલ તું!
કોઈ બાળક જેમ આળોટે અકારણ ધૂળમાં,
શ્વાસ તારા એમ રગદોળી શકે તો ચાલ તું!
વસ્ત્ર પાદર પર ઉતારી નાખવા તો ઠીક છે,
ઘર, ગલી ને ગામ તરછોડી શકે તો ચાલ તું!
મૌન ક્યાં છે મૌન, તિરાડો પડે છે હોઠ પર,
છેક અંદર ચીસને તોડી શકે તો ચાલ તું!
અંત ‘વંચિત’ અંત સામે આ ઊભો છે, લે હવે,
જીવવાની ઘેલછા છોડી શકે તો ચાલ તું!
-વંચિત કુકમાવાલા
ભુજના કુકમા ગામમાં જન્મેલા વંચિત કુકમાવાલાની આ ગઝલ કવિની સાથે ચાલી નીકળવાના પડકારના કારણે વધુ આસ્વાદ્ય બની રહી છે. બાળકના અકારણ ધૂળમાં આળોટવાની વાત અને વસ્ત્રને પાદર પર છોડી નીકળવાની વાત વધુ ગમી ગઈ. (જન્મ: 12-04-1955, કાવ્યસંગ્રહ: “એક આંખમાં સન્નાટો”)
ટાઈપસૌજન્ય: સાગરિકા પટેલ, વેરાવળ
Permalink
June 16, 2007 at 8:49 AM by વિવેક · Filed under ગઝલ
તારા ગયાના કેટલા મીનિંગ થઈ શકે ?
ઝળહળતો હોય સૂર્ય ને ઇવનિંગ થઈ શકે.
ત્રાટકતી હોય વેદનાની વીજળી સદા,
કાગળમાં શબ્દ તારથી અર્થિંગ થઈ શકે.
સ્કૂટરની બેકસીટથી ડોકાઈ જાય તે,
ખાલીપો ફ્રંટ-ગ્લાસથી ફીલિંગ થઈ શકે.
એનાલિસિસ ફૂલનું કરતું રહ્યા પછી,
ક્યાંથી લીલેરી મ્હેંકનો સ્પેલિંગ થઈ શકે?
ઑગાળી તારી યાદનો આઈસ હાથમાં,
હોવાના હંસથી પછી સ્વિમિંગ થઈ શકે.
-ગિરીશ મકવાણા
ગુજલીશ ગઝલોનું પણ એક પોતીકું વિશ્વ છે. અદમ ટંકારવીએ ‘કોઈન’ કરેલા આ પ્રકાર પર ઘણા કવિઓએ હાથ અજમાવી જોયો છે. ગિરીશ મકવાણાની આ ગઝલ વાંચતાની સાથે ગમી જાય એવી ફાઈન છે. ખાલીપો પાછળની સીટ પરથી ફ્રંટ-મિરરમાં ડોકાવાની વાત વાંચતાની સાથે ગમી જાય એવી છે.
Permalink
June 14, 2007 at 2:00 AM by સુરેશ · Filed under ગઝલ, જલન માતરી
દુઃખી થાવાને માટે કોઇ ધરતી પર નહીં આવે;
હવે સદીઓ જશે ને કોઇ પયગમ્બર નહીં આવે.
છે મસ્તીખોર, કિંતુ દિલનો છે પથ્થર, નહીં આવે;
સરિતાને કદી ઘરઆંગણે સાગર નહીં આવે.
ચમનને આંખમાં લઇને નીકળશો જો ચમનમાંથી,
નહીં આવે નજરમાં જંગલો, પાધર નહીં આવે.
અનુભવ પરથી દુનિયાના, તું જો મળશે કયામતમાં,
તને જોઇ ધ્રુજારી આવશે, આદર નહીં આવે.
દુઃખો આવ્યાં છે હમણાં તો ફકત બેચાર સંખ્યામાં,
ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે.
હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.
આ બળવાખોર ગઝલો છોડ લખવાનું ‘જલન’ નહીંતર,
લખીને રાખજે અંજામ તુજ સુંદર નહીં આવે.
કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,
’જલન’ની લાશ ઊંચકવા અહીં ઇશ્વર નહીં આવે.
– ‘જલન’ માતરી
મૂળ નામ અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન – ખુમારી અને ખુદ્દારીથી ભરેલી ગઝલોના સર્જક, મુશાયરોમાં હુકમના પત્તા જેવા. આ ગઝલ શ્રી. મનહર ઉધાસે તેમના મધુર સૂરમાં ગાયેલી છે.
Permalink
June 13, 2007 at 2:00 AM by સુરેશ · Filed under કૈલાસ પંડિત, ગઝલ
ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
એવું કહીને એજ તો ભુલી ગયા મને.
પૂછ્યું નથી શું કોઇએ, મારા વિશે કશું?
તારા વિશે તો કેટલું પૂછે બધા મને!
ખોબો ભરીને ક્યાંયથી, પીવા મળ્યું નહિ,
દરિયો મળ્યો છે આમ તો, ડૂબી જવા મને.
થાકી ગયો તો ખૂબ કે ચાલી શકત ન હું,
સારું થયું કે લોક સહુ ઊંચકી ગયા મને.
– કૈલાસ પંડિત
શ્રી. મનહર ઉધાસે બહુ જ સરસ સ્વરરચનામાં આ ગઝલ ગાઇ છે.
Permalink
June 10, 2007 at 12:36 AM by વિવેક · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
અમે તો તત્ત્વની સાથેના તાલ્લુકાત છીએ,
અમે અમારાપણા અંગે અલ્પજ્ઞાત છીએ.
અમે સુગંધનો સોના પે દ્રષ્ટિપાત છીએ,
ધરો જો મૂર્તિને ચરણે તો પારિજાત છીએ.
ફળે જો સ્વપ્ન તો ઝળહળ અમે પ્રભાત છીએ,
તૂટે જો સ્વપ્ન તો ફૂલોનો અશ્રુપાત છીએ.
અમે ફલાણા ફલાણા નથી, ફલાણા નથી,
અમે તો જે છીએ તેવા જ જન્મજાત છીએ !
છે વ્યર્થ શોધ અમારી સળંગ હસ્તીની,
અમે આ વિશ્વમાં કેવળ પ્રસંગોપાત્ત છીએ.
સમુદ્રમોજું ધસે ત્યાં સુધી તો ક્ષેમકુશળ,
અમે તો રેત પે ચીતરેલી રમ્ય ભાત છીએ !
યમુના હો કે હો દરિયો થઈ જશે રસ્તો,
અમે પ્રભુનાં ચરણ પરનો પક્ષપાત છીએ.
-ભગવતીકુમાર શર્મા
ઈશ્વરના ચરણ પરનો પક્ષપાત હોવાની જેને શ્રદ્ધા છે એને કોઈ દરિયો કે નદી માર્ગ આપવાનું ચૂકતી નથી… કેવી સુંદર રજૂઆત! ભગવતીભાઈની આ ગઝલ એમની શિરમોર ગઝલોમાંની એક છે. પોતાના હોવા અંગેના અલગ-અલગ કલ્પનો લઈને આવતા દરેક શેર વારંવાર મમળાવવાનું મન થાય એવા સ્વાદિષ્ટ બન્યા છે. ( સુરતી કવિની ગઝલને વખાણવી હોય તો ‘સ્વાદિષ્ટ’થી વધારે મૂલ્યવાન બીજો કયો શબ્દ હોઈ શકે અને પાછો વખાણનાર પણ સુરતી જ હોય ત્યારે તો…. !)
Permalink
June 6, 2007 at 2:00 AM by સુરેશ · Filed under ગઝલ, સુધીર દવે
દેખી કબરને ડરતો નથી હું.
શ્વાસો મરણના ગણતો નથી હું.
સાથી છે અંતે મૃત્યુની નગ્નતા,
વસ્ત્રો સમયના વણતો નથી હું.
ઇંટોની સાથે છે ભાઇબંધી,
ખોટી દિવાલો ચણતો નથી હું.
મારું ગગનને આપી દીધું છે,
પાંખો કપાવી ઉડતો નથી હું.
દર્પણથી આખું ઘર ઝળહળે છે,
ચ્હેરો બતાવી નડતો નથી હું.
દરિયાની સાથે દોસ્તી નિભાવી,
મરજીવા માફક તરતો નથી હું.
કાદવના ઘરમાં રહીને કમળવત્
ભમરાનું ગુંજન હણતો નથી હું.
લોકો ભલેને સીગરેટ ફૂંકે,
બંસી મહીં ધુમ્ર ભરતો નથી હું.
દુનિયા ભલે હો શતરંજનો ખેલ,
પાનાં છુપાવી છળતો નથી હું.
-સુધીર દવે
સપ્ટેમ્બર – 2006
ડલાસમાં રહેતા સુધીરભાઇ, કવિ હોવા ઉપરાંત સારા બંસીવાદક પણ છે, તે છેલ્લેથી બીજા શેરમાં જણાઇ આવે છે !
Permalink
June 3, 2007 at 11:38 PM by ધવલ · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
રાતદિન ભરી બખિયા ઝીણું ઝીણું ઓટી છે,
પામવા પરા-કાષ્ઠા, પ્યાસને પળોટી છે.
કોણ કો’ક કેતું’તું કે બડી કસોટી છે,
આ મૂકું લો ખિસ્સામાં, ક્ષણ ફકત લખોટી છે!
લાખ પૂછશો તો યે એ કશું ન કહેવાના,
જેણે એક વેળા પણ વેદના વળોટી છે!
એક પળ નહીં લાગે, હાલશું ખખેરીને,
મોજમાં જરા અમથી જાત આ રજોટી છે!
ઘૂઘરા પગે ઘમકે, આભની અહાલેકે,
શ્વાસની ખભે કાવડ, શબ્દ રામરોટી છે!
– રાજેન્દ્ર શુક્લ
(‘ઘિર આયી ગિરનારી છાયા’)
૨ જૂને અમદાવાદમાં ગુજરાતી ભાષાના ઉત્કૃષ્ટ સર્જક – કવિવર રાજેન્દ્ર શુક્લને ગુજરાતી સાહિત્યનું સર્વોચ્ચ સન્માન – રણજિતરામ સુવર્ણચંદ્રક – પ્રદાન કરવામાં આવ્યો. ગયા વર્ષે નરસિંહ મહેતા પુરસ્કાર એમને અર્પણ થયેલો. આ પ્રસંગે શબ્દના આ પરમ ઉપાસકની એક ગઝલ આજે માણીએ.
આ ગઝલ માટે પંચમ શુક્લ લખે છે : ૧૯૮૦ માં દાહોદની નવજીવન આર્ટસ કોલેજમાંથી રાજેન્દ્ર શુક્લ (સંસ્કૃતના પ્રાધ્યાપક) અને એમના પત્ની નયના જાની (અંગ્રેજીના પ્રાધ્યાપક, ગોલ્ડ મેડલીસ્ટ) સાંપ્રત શિક્ષણ પ્રણાલીને તિલાંજલી આપી, પોતાનાં પુત્રો ધૈવત અને જાજવલ્યને શાળાનાં શિક્ષણને બદલે ઘરે પોતીકાં શિક્ષણની વિભાવના સાથે માત્ર કલમને ખોળે બેસે છે કદાચ એ અરસામાં લખાયેલી આ ગઝલ છે.
Permalink
June 3, 2007 at 12:40 AM by વિવેક · Filed under ગઝલ, લક્ષ્મી ડોબરિયા
છીપ મોતીની કણસ મેં સાચવી છે,
બંધ મુઠ્ઠીમાં જણસ મેં સાચવી છે.
ઝાંઝવા દોડ્યા હતા મીટાવવા પણ,
સાત દરિયાની તરસ મેં સાચવી છે.
ફૂલ, કુંપળ, પાંદડા તે સાચવ્યા ને,
પાનખર વરસોવરસ મેં સાચવી છે.
લાલ–પીળા રંગ ઘોળીને નજરમાં,
સાંજની પીડા સરસ મેં સાચવી છે.
આ કલમ, કાગળ અને એકાંત જેવી,
બસ, અમાનત આઠ–દસ મેં સાચવી છે.
– લક્ષ્મી ડોબરિયા
ટાઈપસૌજન્ય : સાગરિકા પટેલ, વેરાવળ
Permalink
May 31, 2007 at 2:00 AM by સુરેશ · Filed under ગઝલ, રવિશંકર ઉપાધ્યાય
મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે,
છોડી જૂનું વતન નવી નગરી જવું પડે.
યુગોથી મીંટ માંડવી તપ એનું નામ છે,
શ્રીરામને જમાડવા શબરી થવું પડે.
દર્શન પ્રભુના પામવા ક્પરી કસોટી છે,
અર્જુનના રથના ચક્ર્ની ધરી થવું પડે.
બદલાની અપેક્ષા વિના સત્કર્મ જો કરો,
પત્થરના દેવને ક્દી પ્રગટી જવું પડે.
પાણી થવાને કેટલું પાણી સહન કરે,
વાદળ બનીને વીજથી સળગી જવું પડે.
સન્માન કેવું પામશો મૃત્યુ પછી ‘રવિ’
જોવા તમાશો એક્વાર ગુજરી જવું પડે
– રવિશંકર ઉપાધ્યાય ‘રવિ’
– વીડીયો ક્લીપ માણો
Permalink
May 29, 2007 at 9:24 PM by ધવલ · Filed under ગઝલ, નયન દેસાઈ
જીવ્યાનું જોયાનું હસવું થઈ તૂટ્યાનું પાર્સલ કરી દો મુકામ પોસ્ટ માણસ
ભીંતો ને પડછાયા સારા સૂરજ ઊગ્યાનું લખી દો મુકામ પોસ્ટ માણસ
રસ્તાઓ નિયમિત પગોને છૂંદે છે પગલાંને ડંખે છે લાલ-પીળાં સિગ્નલ
ખોટા સરનામે એ ઘરમાંથી નીકળ્યાનું નૉટ પેડ ભરી દો મુકામ પોસ્ટ માણસ.
બારીને ઠપકો ને હીંચકાને હડદોલો ઝાંખી છબિને દિલાસાની આશા છે
મારી એકલતાઓ આવીને લઈ જાશે આટલું ખરીદો મુકામ પોસ્ટ માણસ.
ઘરનંબર અથવાને પિનકોડી અફવાને તાલુકે તરફડવું જિલ્લે જખ્મીપુરા
કાળા ખડક નીચે સૂતેલા શ્વાસોને ચૂંટી ખણી દો મુકામ પોસ્ટ માણસ.
કેન્સરથી પીડાતા શબ્દોને સારું છે કવિતાનાં ખંડેરે ક્યારેક જઈ બેસે છે
મરિયમની ભ્રમણાએ ઠેકાણું બદલ્યું ટપાલીને કહી દો મુકામ પોસ્ટ માણસ.
– નયન દેસાઈ
બે અઠવાડિયા પર ર.પા.ની અમર ગઝલ મનપાંચમના મેળામાં યાદ કરી એ વખતે નયનભાઈની આ ગઝલ યાદ આવી ગઈ. આ ગઝલ અને માણસ ઉર્ફે… બન્ને નયનભાઈની બે સર્વશ્રેષ્ઠ રચનાઓ છે. આ ગઝલના એક એક શેરને લઈને આખો દિવસ મમળાવો ત્યારે એનો અર્થ ધીમે ધીમે છૂટે એની પોતાની મઝા છે ! અને હા, છેલ્લા શેરમાં કઈ મરિયમની વાત છે એ હું હજી સુધી સમજી શક્યો નથી… મરિયમ એટલે ‘મેરી’ (ઈસુની માતા)… પણ મરિયમની ભ્રમણા એટલે ? …કે પછી ધૂમકેતુની વાર્તા પોસ્ટઓફીસમાંના અલીડોસાની દિકરી મરિયમની વાત છે ? … કોઈને ખ્યાલ આવે તો ફોડ પાડજો.
Permalink
May 27, 2007 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દિલીપ પરીખ
કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
જો શક્ય હો તો પ્રેમના ટહુકાઓ લખ મને.
તારા વિના અહીં તો છે ધુમ્મસ ફક્ત બધે,
તારી ગલીમાં કેવા છે તડકાઓ, લખ મને.
અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું,
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને.
કોઈ મને બીજા તો સહારા નહીં મળે,
અમથા જ તારે હાથે દિલાસાઓ લખ મને.
મારા જીવનનો પંથ હજી તો અજાણ છે,
ક્યાં ક્યાં પડ્યાં છે તારાં પગલાંઓ, લખ મને.
– દિલીપ પરીખ
સરળ બાનીમાં લખાયેલી સુમધુર ગઝલ… ધુમ્મસ અને તડકાનું આવું સરસ સંયોજન ક્યાં વધારે કવિતાઓમાં જોવા મળે છે? આવી ગઝલ હોય તો ગઝલ અને આપની વચ્ચેથી હું ત્વરિત ગતિએ હટી જાઉં એ જ સારૂ…
Permalink
May 26, 2007 at 12:27 AM by વિવેક · Filed under ગઝલ, જયન્ત ઓઝા
એક ગાડું ક્યારનું પૈડાં વગર,
બે બળદ ખેંચ્યા કરે સમજ્યા વગર.
બીકથી મૂંગા હતા સૌ પ્રેક્ષકો,
સિંહ પણ ફરતો હતો ગરજ્યા વગર.
આંખ ઊંચી જ્યાં કરું બ્રહ્મા હતા,
સાવ થાકેલા હતા સરજ્યા વગર !
ચામડી જાડી થવા લાગી હવે,
પોષમાં પણ રહી શકે ધ્રૂજ્યા વગર.
આંગળીઓ સાવ બુઠ્ઠી થઈ ગઈ,
દેવ પણ પથ્થર થયા પૂજ્યા વગર.
– જયન્ત ઓઝા
ગઝલનો મત્લો જરા ધ્યાનથી જોઈએ તો મારા જેવા મોટાભાગનાને તો આત્મકથા વાંચતા હોય એવું જ લાગશે… નહીં? બધા જ શેર મને ગમી ગયા, પણ સવિશેષ સ્પર્શી ગયો તે આ – ચામડી જાડી થવા લાગી હવે,પોષમાં પણ રહી શકે ધ્રૂજ્યા વગર… આપણી સંવેદનાઓના થતા જતા હનનને કેટલી સહજતાથી કાવ્યમાં મૂકી દીધું, જાણે ફૂલની પાંખડી પર પતંગિયું !
Permalink
May 25, 2007 at 6:38 PM by ધવલ · Filed under ગઝલ, નીતિન વડગામા
સહજ રીતે સાંપડ્યું છે એટલું પર્યાપ્ત છે.
આંગણે આવી ચડ્યું છે એટલું પર્યાપ્ત છે.
જીવતરનું ચિત્ર તો સૌનું અધૂરું હોય છે,
એક સપનું પણ ફળ્યું છે એટલું પર્યાપ્ત છે.
આમ અંદરથી બધાં થીજી ગયાં છે તોય પણ-
તાપણું ટોળે વળ્યું છે એટલું પર્યાપ્ત છે.
ક્યાં સુધી અફસોસ આંસુનો કરીશું આપણે ?
ગીત ગાતાં આવડ્યું છે એટલું પર્યાપ્ત છે.
ઢોલ-તાંસામાં દબાતું એક છાનું ડૂસકું,
એમણે તો સાંભળ્યું છે એટલું પર્યાપ્ત છે.
– નીતિન વડગામા
આપણી પાસે ઘણું બધું હોવા છતાં મન વલોવાળા કરે છે એનું કારણ છે કે આપણે ‘પર્યાપ્ત છે’ કહી શકતા નથી. મનને હંમેશા હોય એનાથી વધારે જ જોઈએ છે. કવિ એ અસંતોષને કાઢવા ‘પર્યાપ્ત છે’ એવો સરળ મંત્ર આપે છે. બીજો શેર કેટલો સરસ થયો છે એ જુઓ – એક સપનું પણ ફળ્યું છે એટલું પર્યાપ્ત છે ! જીંદગીમાં અફસોસ કરવાને બદલે એક ગીત ગાતા આવડ્યું છે એ ઘટનાને ઊજવી લઈએ તો કેવું ? અને મને સૌથી વધુ ગમી ગયેલો છેલ્લો શેર જુઓ. ભલે દુનિયાના અવાજમાં મારું ‘છાનું ડૂસકું’ દબાઈ ગયું, પણ એમણે તો સાંભળ્યું ને ? – પર્યાપ્ત છે !!
Permalink
May 24, 2007 at 2:00 AM by સુરેશ · Filed under ગઝલ, રવિશંકર ઉપાધ્યાય
જીવનની સાંજ છે ઢળી રહી ધીરે ધીરે!
મૃત્યુની “આજ” આવતી દીસે ધીરે ધીરે!
મારી આ દશા પર દયા ના લાવશો સ્વજન!
મારાંથી વાઝ ખૂદ હું આવું ધીરે ધીરે!
બેસો, હે મિત્રો! સાંભળો મારી દુ:ખી કથા!
અંતરનો આ અવાજ આવતો ધીરે ધીરે!
ગુસ્સો તમારાં દોષ પર ના થાય એટલે
બદલ્યો મિજાજ મેં જૂઓ કેવો ધીરે ધીરે!
સંબંધની તિરાડ સાંધવી નથી સહેલ!
જ્ખ્મોનો રાઝ પામતો ‘રવિ’ ધીરે ધીરે!
– રવિશંકર ઉપાધ્યાય
Permalink
May 23, 2007 at 2:00 AM by સુરેશ · Filed under ગઝલ, રવિશંકર ઉપાધ્યાય
હું નથી ઇશ્વર, નવું સર્જન કરું.
માનવી છું, શેં પરિવર્તન કરું !
શક્યતાઓ પણ બને છે પહાડ જ્યાં,
હું નથી શ્રી કૃષ્ણ કે ગોવર્ધન વહું !
ચીર પાંચાળીનાં ના પૂરી શકું,
લોક્ની નજરે તો દુર્યોધન ઠરું !
કામ ના લાગ્યો નર્યો પુરુષાર્થ ત્યાં,
લેશ ના પ્રારબ્ધનું દર્શન થયું !
ના થયો ઠરી ઠામ હું કોઇ જ’ગા
ધ્યેય વિણ સતત ભ્રમણ કરું !
જીદગીથી દૂર ભાગ્યો છું ‘રવિ’,
મ્રુત્યુની સામે હું આકર્ષણ બનું !
– રવિશંકર ઉપાદ્યાય
મુંબાઇના આ કવિની ઘણી રચનાઓ સ્વર બધ્ધ થયેલી છે.
Permalink
May 22, 2007 at 9:21 PM by ધવલ · Filed under ગઝલ, શેખાદમ આબુવાલા
હું તને ક્યાં ચાહું છું ચાહું છું મારી જાતને
તું હજી સમજી નથી આ સીધીસાદી વાતને
કોણ છે મારું કે તારું, કોઈ ક્યાં છે કોઈનું
કોણ ઝીલે છે હ્રદય પર પારકા આઘાતને
હું જ છું એ હું જ છું, છે ભેદ કેવળ રૂપનો
આ હવા એક જ કરે છે વાત ઝંઝાવાતને
ફેંકશે પથ્થર તો પોતાનું જ માથું ફોડશે
ભાંડશે આદમ કહો શી રીતે આદમજાતને
– શેખાદમ આબુવાલા
ગઝલમાં સામાન્ય રીતે પ્રેમની સ્વપ્નિલ દુનિયા ચિતરેલી જોવા મળે છે. પણ આ ગઝલમાં કવિ કાળમીંઢ હકીકત બતાવે છે. પ્રેમના ગમે તેવા સુંદર ચિત્ર દોરો પણ હકીકત તો એ છે કે પોતાની જાતથી વધારે કોઈ કોઈને ચાહતું નથી. અને દરેક જણાનું હ્રદય પોતાના દર્દ પર જ રડે છે. ‘સાહિલ’ કહે છે એમ – સબ કો અપની હી કીસી બાત પે રોના આયા ! આવું આકરું આત્મજ્ઞાન થાય પછી શું કવિ કદી ય બીજા કોઈને દોષ દઈ શકે ? – ના, એ તો પથ્થરથી પોતાનું જ માથું ફોડશે…
Permalink
May 21, 2007 at 9:35 PM by ધવલ · Filed under ગઝલ, પંચમ શુક્લ
હવા અડી અગ્નિને ભડભડ ભડકો થઇ ગઇ,
ચાંદની એમજ ચળક ચળકતો તડકો થઇ ગઇ.
ચોમાસમાં છલબલ કરતી બેય કાંઠડે,
નદી ધધખતે ધોમ કણેકણ કડકો થઇ ગઇ.
લીલા ખેતર પર ચકરાતી બાજ નજર આ,
નીચે પડી ત્યાં સાંકડ-મોકડ સડકો થઇ ગઇ.
બેમાની બુધ્ધિના સઘળાં બંધ ફગાવી,
ઝલમલ ઝીણી ધડકન પાક્કો થડકો થઇ ગઇ.
ખભા ઉલાળી નીકળેલી આ મનની મસ્તી,
મજા પડી ત્યાં અડુક-દડુક બસ દડકો થઇ ગઇ.
– પંચમ શુક્લ
આ ગઝલમાં મને તો બુધ્ધિના બંધનો તોડીને ધડકન થડકો થઈ ગઈ એ શેર ખાસ પસંદ પડી ગયો છે. ઉપરાંત, ખેતરને પચાવી પાડવા માટે બાજની જેમ ચકરાતી નજરો જ્યારે આખરે ખેતર પર ત્રાટકવામાં સફળ થાય ત્યારે ખેતર સાંકડ-માકડ સડકોવાળું શહેર થઈ જાય છે એ વાત પણ બહુ સચોટ રીતે આવી છે. અને છેલ્લો રમતિયાળ શેર પણ ગણગણવો ગમે એવો થયો છે. આ ગઝલ મોકલવા માટે આભાર, પંચમ.
Permalink
May 20, 2007 at 12:11 AM by વિવેક · Filed under ગઝલ, દિલીપ જોશી
એ જ તારી આંખ વચ્ચે પાંગરી શક્તું નથી,
છે સમજનું ફૂલ ચ્હેરા પર તરી શક્તું નથી.
એક પડછાયો ઉપાડી આપણે બસ દોડતાં,
કોઈ પણ તડકા વિશે વાતો કરી શક્તું નથી.
આવનારી પળ બધી વાદળ બની ઘેરાય છે,
આ અષાઢી આંગણું કાં ઝરમરી શક્તું નથી.
સાંજનું એકલ સરોવર શ્વાસમાં ઝરતું રહે,
કોઈ એવા દૃશ્યના ખોબા ભરી શક્તું નથી.
-દિલીપ જોશી
માત્ર ચાર જ શેરની ટૂંકી છતાં સશક્ત ગઝલ… દિલીપ જોશીની એક ગઝલ આપણે અગાઉ માણી ચૂક્યાં છીએ. આજે ખોબલે ભરી ન શકાય એવા ચાર શબ્દચિત્રોને મનભર માણીએ… (શ્રી દિલીપ જોશી રાજકોટ રહે છે. કાવ્યસંગ્રહ: ‘વીથિ’, જન્મ: 16-02-1955).
Permalink
May 19, 2007 at 12:29 AM by વિવેક · Filed under કવિ રાવલ, ગઝલ
હાસ્ય એનું તીખ્ખું અને નમકીન છે,
એમ લાગે છે આજ એ ગમગીન છે.
વાત ચોખ્ખી ને સ્પષ્ટ છે એ સાવ પણ
મામલો પેચીદા અને સંગીન છે.
પ્રશ્ન નાજુક છે એમ લાગે છે હવે,
એ વિચારોમાં કેટલાં તલ્લીન છે.
પ્રેમ જેવી બાબત બની ગઈ વારતા,
લાગણીઓની એ જ તો તોહીન છે.
સ્વપ્ન જેવું જોયા કરે છે એ ય પણ –
એટલે આંખો એમની રંગીન છે.
– કવિ રાવલ
“ગાલગાગા ગાગાલગા ગાગાલગા” ના છંદબંધારણને અનુસરીને લખાયેલી કવિતાના છંદ માટે કવિ “મિશ્ર છંદ” શબ્દ પ્રયોજે છે. આ છંદ ગઝલશાસ્ત્રમાં “બહરે હમીમ મુસદસ” (21 માત્રા) તરીકે ઓળખાય છે. આના જેવા જ બંધારણ ધરાવતા અન્ય છંદો પણ છે-
ગાલગાગા ગાગાલગા ગાલગાગા – બહરે ખફીફ મુસદસ સાલિમ
ગાલગાગા ગાગાલગા ગાગાગા – બહરે ખફીફ મુસદસ મુશઅસ
ગાલગાગા ગાગાલગા ગાલગા – બહરે ખફીફ મુસદસ અરૂઝ વ જર્બ મહઝૂફ
ગાલગાગા ગાગાલગા – બહરે ખફીફ મરબ્બઅ સાલિમ
-પણ છંદની પળોજણોને બાજુએ મૂકીને પણ આ ગઝલ આખી માણવા લાયક છે. કવિનો મારે એ રીતે આભાર માનવો પડે કે એણે આ નવો છંદ મારી સામે મૂકી મને છંદશાસ્ત્રનો વિગતે અભ્યાસ કરવા મજબૂર કર્યો…
Permalink
May 18, 2007 at 2:00 AM by સુરેશ · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
આપનું મુખ જોઇ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.
જાગવાનું મન ઘણુંયે થાય છે.
આંખ ખોલું છું તો સપનાં જાય છે.
આંસુઓમાં થઇ ગયો તરબોળ હું,
આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?
આપ શું સમજો હૃદયની વાતમાં,
આપને ક્યાં દર્દ જેવું થાય છે?
લાખ કાંટાઓ મથે સંતાડવા
તે છતાંયે ફૂલ ક્યાં સંતાય છે?
દુઃખ પડે છે તેનો ‘આદિલ’ ગમ ન કર,
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.
– ‘આદિલ’ મન્સૂરી
Permalink
May 17, 2007 at 9:10 AM by વિવેક · Filed under ગઝલ, રમેશ પારેખ
જળને કરું જો સ્પર્શ તો જળમાંથી વાય લૂ,
સોનલ, આ તારા શ્હેરને એવું થયું છે શું ?
ખાબોચિયાંની જેમ પડ્યાં છે આ ટેરવાં,
તળિયામાં ભીનું ભીનું જે તબક્યા કરે તે તું ?
પીડા ટપાલ જેમ મને વ્હેંચતી રહે,
સરનામું ખાલી શ્હેરનું, ખાલી મકાનનું.
આ મારા હાથ હાથ નહીં વાદળું જો હોત,
તો આંગળીની ધારે હું વરસી શકત બધું.
પ્રત્યેક શેરી લાગે રુંધાયેલો કંઠ છે,
લાગે છે હર મકાન દબાયેલું ડૂસકું…
ટાવરના વૃક્ષે ઝૂલે ટકોરાંનાં પક્વ ફળ,
આ બાગમાં હું પાંદડું તોડીને શું કરું ?
આખું શહેર જાણે મીંચાયેલી આંખ છે,
એમાં રમેશ, આવ્યો છું સપનાંની જેમ હું.
-રમેશ પારેખ
Permalink
May 17, 2007 at 9:05 AM by ધવલ · Filed under ગઝલ, રમેશ પારેખ
આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.
અહીં પયગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં,
ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે.
કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા,
કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે.
કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ,
કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે.
કોઈ લા.ઠા., ચિનુ, આદિલજી બુલેટિન જેવું બોલે છે:
અહીંયા સૌ માણસો હોવાનો આઘાત લઈને આવ્યા છે.
કોઈ ચશ્માં જેવી આંખોથી વાંચે છે છાપાં વાચાનાં,
ને કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યા છે.
કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મૂઠી પતંગિયાં,
કોઈ લીલીસૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે.
કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા,
કોઈ અધકચરા, કોઈ અણોસરા જજબાત લઈને આવ્યા છે.
આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવુ લાવ્યો તું ય, રમેશ,
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે.
– રમેશ પારેખ
Permalink
May 17, 2007 at 9:00 AM by સુરેશ · Filed under ગઝલ, રમેશ પારેખ
તરાપો ખરાબે ચડે એ ય સાચું,
છતાં યે ન દરિયો જડે એ ય સાચું.
જો મળીએ તો મળવું બની જાય બોજો,
અને સૌને મળવું પડે એ ય સાચું.
નથી કાચ હોતા કદી લાગણીશીલ,
છતાં પણ અરીસા રડે એ ય સાચું.
કદી આવે ઠોકર મદદગાર થઇને,
નડે તો ચરણ પણ નડે એ ય સાચું.
છું પથ્થર વિશે કોતરાયેલું પંખી ને,
પાંખો સતત ફડફડે એ ય સાચું.
– રમેશ પારેખ
શું સાચું તે વિશે હવે કોઇ સંશય છે?!
Permalink
May 13, 2007 at 12:42 AM by વિવેક · Filed under અકબરઅલી જસદણવાલા, ગઝલ
મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું,
પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન કરી લઉં છું.
સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું,
જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું.
મનોબળથી મનોવૃત્તિ ઉપર શાસન કરી લઉં છું
નયન નિર્મળ કરીને રૂપના દર્શન કરી લઉં છું.
નિરંતર શ્વાસ પર જીવનનું અવલંબન નથી હોતું,
બહુધા હું હૃદયમાં એક આંદોલન કરી લઉં છું.
અમે પાગલ, અમારે ભેદ શો ચેતન-અચેતનમાં,
પ્રતિમા હો કે પડછાયો, હું આલિંગન કરી લઉં છું.
સમય ક્યારે વિસામો ખાય છે ‘અકબર’ના જીવનમાં ?
વિસર્જન થાય છે નિત્, નિત્ નવું સર્જન કરી લઉં છું.
– અકબરઅલી જસદણવાલા
Permalink
May 10, 2007 at 1:00 AM by સુરેશ · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
પલપલ પડે છે છાપ, મને કૈં ખબર નથી.
બસ ઊઘડું અમાપ, મને કૈં ખબર નથી.
પૂછી જુઓને આપ, મને કૈં ખબર નથી.
કોનો છે આ કલાપ, મને કૈં ખબર નથી.
કોનું ધર્યું છે નામ, કયે રૂપ ઝળહળું,
કોને જપુ છું જાપ, મને કૈં ખબર નથી.
રાખે છે તું હિસાબ, પળેપળ અભિજ્ઞતા,
લખ, થાપ કે ઉથાપ, મને કૈં ખબર નથી.
ભૂલું પડ્યું છે આ કોણ તૃણાંકુરની ધાર પર,
કોમળ કિરણને તાપ, મને કૈં ખબર નથી.
– રાજેન્દ્ર શુકલ
Permalink
May 7, 2007 at 11:10 PM by ધવલ · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
અહીં મેં પ્રથમ મેઘને વ્યથા સંભળાવી લીધી
અને ત્યાં પ્રિયાએ તરત તાડપત્રી લગાવી લીધી
નયન જો ગમે તો નયન, હ્રદય જો ગમે તો હ્રદય
હવાફેર માટે તને જગા બે બતાવી દીધી
એ તો હસ્તરેખાઓનું નસીબ જોર કરતું હશે
હથેળીમાં લઈ એમણે હથેલી દબાવી લીધી
કોઈ પ્હેરી કંકણ ફરે, કોઈ કુંડળોને ધરે
અમે કંઠી વરસાદની ગળામાં સરાવી લીધી
કે વરસાદના નામ પર તો કૈં કૈં અડપલા થયાં
નદીએ વગર હકની જમીનો દબાવી લીધી
બે આંખોના ગલ્લા ઉપર ધસારો થયો દૃશ્યનો
વરસભરની આવક જુઓ, પલકમાં કમાવી લીધી
આ વરસાદમાં જાતનું થવાનું હતું, તે થયું
જરા ઓગળી ગઈ અને વધી તે વહાવી લીધી
પરોઢે કૂણા તાપને, મળ્યા આપ તો આપને
પહેલું મળ્યું એને મેં ગઝલ સંભળાવી લીધી
– ઉદયન ઠક્કર
આજે અચાનક જ આ રમતિયાળ ગઝલ વાંચવામાં આવી ગઈ અને ખરેખર અષાઢના પ્રથમ દિવસ જેટલો આનંદ થઈ ગયો. આવા નવાનક્કોર કલ્પનો અને ગર્ભિત રમૂજથી ભરીભરી ગઝલ વારંવાર થોડી મળે છે ?! પહેલા જ શેરમાં કવિએ સરસ ગમ્મત કરી છે. કવિ અષાઢના પ્રથમ દિવસે કાલિદાસના નાયકની જેમ મેઘને પોતાની વ્યથા સંભળાવમાં રાચે છે ત્યારે એમની પ્રિયા શું કરે છે ? – કવિનું તદ્દન પોપટ કરે છે અને તાડપત્રી લગાવી દે છે 🙂 આ એક જ શેર પરથી ગઝલનો માહોલ બંધાઈ જાય છે. અષાઢનો પહેલો દિવસ તો રુઢિચુસ્ત ગઝલને માળીયે ચડાવીને શબ્દોને છૂટ્ટો દોર આપવાનો દિવસ છે ! એ મસ્તીના માહોલને મનમાં ભરીને તમે પણ આ ગઝલ ફરી એક વાર વાંચી જુઓ.
Permalink
May 5, 2007 at 4:03 AM by વિવેક · Filed under કવિ રાવલ, ગઝલ
એકલો, અવ્વાવરૂ ને સાવ સૂનો,
આપણાં ઘરમાં રહે છે એક ખૂણો.
એ મને લાગે ઢળેલી સાંજ જેવો…
કેટલાંયે આથમે છે ત્યાં અરૂણો
હૂંફ જેવું છે કશુંક એની કને પણ,
આમ છે તડકા સમો ને તો’ય કૂણો.
ત્યાં જ ખરતો હોય છે ક્યારેક ડૂમો,
યાદ આવી જાય છે સંબંધ જૂનો.
આપણે તો એ જ તીરથ, એ જ યાત્રા,
“કવિ” ધખાવી બેસ અહીંયા એ જ ધૂણો.
-કવિ રાવલ
મૂળ નામ (કુમારી) કવિતા રાવલ, પણ કવિતા લખે કવિના નામથી. મૂળ રાજકોટના, પણ રહે છે અમદાવાદ. મૂળે કૉમર્સના સ્નાતક, પણ પનારો પાડે છે આર્ટ્સ (શબ્દો) સાથે! મૂળે શબ્દોની ગલીઓના ભોમિયા, પણ સરકાર માન્ય ટુરિસ્ટ ગાઈડનું લાઈસન્સ પણ ધરાવે. કવિની ગઝલોમાં બળકટ તાજગી અને છંદોની સફાઈ ઊડીને આંખે ચડે છે. ગઝલના છંદો સાથે રમત કરી સતત નવું નિપજાવવાની એમની ચેષ્ટા એમની સંનિષ્ઠતાની સૂચક છે. પ્રસ્તુત ગઝલમાં તડકાની હૂંફ અને કૂણાશ કેવી સંજિદી હળવાશથી આપણને સ્પર્શે છે !
Permalink
May 4, 2007 at 10:48 PM by ધવલ · Filed under ગઝલ, હરીન્દ્ર દવે
મેળો છે એવો મોટો કે મેળાનો થાક છે,
તમને થયું કે આપણી દુનિયાનો થાક છે ?
જેવું તને મેં જોયું ત્યાં ભાંગી પડ્યો, મરણ!
મંજિલ મળી તો લાગે છે મોકાનો થાક છે.
મારા વદનના ભારથી વ્યાકુળ બનો નહીં,
હમણાં જ ઊતરી જશે રસ્તાનો થાક છે.
મારે જો શીખ લ્યો તો મુલાયમ થશો નહીં,
રહીને સુંવાળા સૌને દુભાવ્યાનો થાક છે.
નદીઓ તો સામટી મળી ધોયાં કરે ચરણ,
પણ ક્યાંથી ઊતરે કે જે દરિયાનો થાક છે.
– હરીન્દ્ર દવે
હરીન્દ્ર દવેએ મૃત્યુ વિષય પર ઘણી ઘણી રચનાઓ કરી છે. અહીં પણ મરણ પરનો શેર બહુ સરસ થયો છે. અને ગુજરાતી ભાષાના સૌથી મુલાયમ સ્વભાવના ગણાતા કવિ શીખ શું આપે છે ? – મુલાયમ નહીં થતા !!!
Permalink
May 3, 2007 at 1:00 AM by સુરેશ · Filed under ગઝલ, પ્રફુલ્લ દવે
સાચું ખોટું રમીએ છીએ,
ખાલી થાળી જમીએ છીએ.
ઠંડા શ્વાસો ભરીએ છીએ.
મન માંહે સમસમીએ છીએ.
ક્ષણ માંહે સળગીએ છીએ.
ધીમે ધીમે ઠરીએ છીએ.
ઘા લાગે તરફડીએ છીએ.
પણ મરવાથી ડરીએ છીએ.
કાચના ઘરમાં રહીએ છીએ.
રોજ અજમ્પો સહીએ છીએ.
કેવું કેવું જીવીએ છીએ.
હોઠને કેવા સીવીએ છીએ.
રોજ સરકતા સમયની સાથે,
કાળના મુખમાં સરીએ છીએ.
હર ઘટનામાં જન્મી જન્મી,
હર ઘટનામાં મરીએ છીએ.
– પ્રફુલ્લ દવે
વ્યવસાયે ન્યાયાધીશ એવા આ કવિએ માનવ જીવનની નિયતિનું, માનવની અવશતાનું આ ચિત્ર રજુ કર્યું છે. અને માટે જ ‘આ ક્ષણમાં જ જીવવાનો‘ મંત્ર બહુ સૂચક અને મંગળદાયક અર્થ ધારણ કરે છે.
Permalink
May 2, 2007 at 1:00 AM by સુરેશ · Filed under ગઝલ, પ્રફુલ્લ દવે
‘હા’ અને ‘ના’ નું જ છળ!
કેટલી નાજૂક પળ !
આપણે ‘ને લાગણીઓ,
કેટલાં ઊંડાં વમળ!
’હું’ અને ‘તું’ સામસામે !
આયના કેરું જ છળ!
ડૂબવાનું શબ્દ સાથે,
તળ વિનાનું અર્થનું જળ!
દોડતી ક્ષણ ખોલી જોયું,
કોઇ ના પકડાઇ કળ!
– પ્રફુલ્લ દવે
તેમના તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ કાવ્યસંગ્રહ ‘પડઘાતું મૌન’માંથી.
Permalink
April 28, 2007 at 12:19 AM by વિવેક · Filed under ગઝલ, ભરત વિંઝુડા
હોય મનમાં એક-બે જણનો અભાવ
જ્યાં હતો આખીય દુનિયાનો લગાવ
આંખ ખૂલી હોય ને બનતા રહે
આંખ ખોલી નાખનારા કંઈ બનાવ
હું રમતમાં હોઉં નહીં સામેલ ‘ને
તોય દેવાનો થયો મારેય દાવ
જળ વહી આવે તો તરવાની ફરી
મધ્ય રેતીમાં ઊભી છે એક નાવ
ભોગવે છે આજુબાજુમાં સહુ
હું ને તું બેઠાં છીએ એનો તનાવ
-ભરત વિંઝુડા
ભરત વિંઝુડાની આ ગઝલ જેટલી સરળ છે એટલી જ મર્માળી પણ છે. ખુલ્લી આંખનો શ્લેષ પ્રયોજવામાં એમની કલમનું બળકટપણું સ્પષ્ટ ઉપસી આવેલું અનુભવાય છે. અને એ જ રીતે બે જણ શાંતિથી બેઠા હોય એ આપણે જોઈ શકતા નથીની વરવી વાસ્તવિક્તા ગઝલના આખરી શેરમાં કેવી સુપેરે વ્યક્ત થઈ શકી છે !
Permalink
April 26, 2007 at 1:00 AM by સુરેશ · Filed under ગઝલ
કેટલા વરસે મળી ગ્યા ‘કેમ છો?’
સાવ બસ ભૂલી ગયા’તા ‘કેમ છો?’
હું ફકત હસતો રહ્યો ઉત્તર રૂપે
એમણે પૂછ્યું’તું હસતાં ‘કેમ છો?’
શહેર છે ઓ દોસ્તો! આ શહેર છે.
કોઇ નહીં પૂછે અહીંયાં, ‘કેમ છો?’
અર્થ એના કેટલા એ કાઢશે?
કોકને પૂછ્યું’તું અમથા, ‘કેમ છો?’
આંખ મેં બારી તરફ માંડી ફકત,
કોઇએ પૂછ્યું કે ઘરમાં ‘કેમ છો?’
– અજ્ઞાત
ગુજરાતીનું સૌથી નાનું પણ સૌથી વધારે વપરાતું વાક્ય – ‘ કેમ છો?’
શ્રી. મનહર ઉધાસે આ ગઝલ બહુ સરસ મિજાજમાં ગાઇ છે.
Permalink
April 25, 2007 at 1:00 AM by સુરેશ · Filed under ગઝલ, ચિનુ મોદી
રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો
કહી ના શક્યો કોઇને કે ખસો.
પૂછું પ્રશ્ન હું શ્વેત પગલાં વિશે
અને દરવખત આપ ફિક્કું હસો.
સમય નામની બાતમી સાંપડી
પછી લોહી શું કામ નાહક ધસો:
પડે ડાળથી પાંદડું, એ પછી
ઇલાજો કરું એકથી એક સો.
ઇલાજો કરું એકથી એક સો
રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો.
– ચિનુ મોદી ( ઇર્શાદ)
કવિ પરિચય
આધુનિકતાને વરેલા છતાં ગઝલના મૂળ સ્વરૂપની ઇજ્જત જાળવતા આ કવિની, પોતાની આગવી, આ ‘તસબી’ પ્રકારની રચના છે.
Permalink
April 24, 2007 at 10:59 PM by ધવલ · Filed under ગઝલ, મુકુલ ચૉકસી
અમે કેકટસને કાંઠે લાંગરેલા હાથ થઈ બેઠા,
તમે પણ કેટલો લોહીલુહાણ આધાર દઈ બેઠા!
તો વચ્ચેની જગાને સૌ તળેટી નામ દઈ બેઠા,
જો પહાડો ખીણથી બે ચાર ડગલાં દૂર જઈ બેઠા.
નિચોવાઈ ગયેલા હોઠને જોયા તો યાદ આવ્યું;
ફરી ક્યાં કોઈનું ગમતું પલળતું નામ લઈ બેઠા!
અવસ્થાની નદીમાં આજ ઘોડાપૂર આવ્યાં, ને;
અમે કાંઠા કદી નહી છોડવાની હઠ લઈ બેઠા.
– મુકુલ ચોકસી
સંબંધની એક અવસ્થા આવે છે કે સમગ્ર સંબંધ કડવાશથી ભરાઈ જાય છે. એક બીજાને કાંઈ પણ કહો બધુ જ દુ:ખદાયક બની જાય છે. એવી અવસ્થાનું વર્ણન આ ગઝલના પહેલા શેરમાં ધારદાર રીતે કર્યું છે. કેકટસના કાંઠે લાંગરેલા હાથ અને લોહીલુહાણ આધાર – કેટલી સચોટ વાત ! આજે આ એક શેરની વાત ઘણી છે… બાકીના શેરની વાત ફરી કોઈ વાર માંડશું.
Permalink
April 22, 2007 at 1:33 AM by વિવેક · Filed under ગઝલ, જાતુષ જોશી
અંત ને શરૂઆત લઇ ઊભા છીએ,
જાત ખોઇ, જાત લઇ ઊભા છીએ.
ક્યાં અહીં અજવાસ કે અંધાર છે?
ક્યાં દિવસ કે રાત લઇ ઊભા છીએ?
કોઇ પ્રત્યાઘાત તો શોધો જરા,
મર્મ પર આઘાત લઇ ઊભા છીએ.
એક ઢળતી પળ હજી પામી મરણ,
એક પળ નવજાત લઇ ઊભા છીએ.
શબ્દ તો સાપેક્ષ છે, નિરપેક્ષ છે,
શબ્દને સાક્ષાત લઇ ઊભા છીએ.
-જાતુષ જોશી
જાતુષ જોશીની કવિતામાં પરંપરાના પ્રતીકો પોતીકી તાજગી સાથે આવતા હોવાથી એમાં વાસીપણાની બદબૂ નહીં, પણ ઓસની ભીનાશ વર્તાય છે અને એનું કારણ તો વળી એ પોતે જ આપે છે કે શબ્દને સાક્ષાત્ લઈ ઊભા છીએ. એક ક્ષણના મૃત્યુના ગર્ભમાં બીજી ક્ષણ જન્મ લઈ રહી હોવાનો ઈંગિત પણ તરત જ ગમી જાય એવો છે.
Permalink
April 19, 2007 at 1:00 AM by સુરેશ · Filed under કૈલાસ પંડિત, ગઝલ
ન આવ્યું આંખમાં આંસું, વ્યથાએ લાજ રાખી છે.
દવાની ગઇ અસર ત્યારે, દુવાએ લાજ રાખી છે.
તરસનું માન જળવાઇ ગયું, તારા વચન લીધે,
સમયસર આભથી વિખરી, ઘટાએ લાજ રાખી છે.
ઘણું સારું થયું આવ્યા નહિ, મિત્રો મને મળવા,
અજાણે મારી હાલતની, ઘણાંએ લાજ રાખી છે.
પડી ‘કૈલાસ’ ના શબ પર, ઊડીને ધૂળ ધરતીની,
કફન ઓઢાડીને મારી, ખુદાએ લાજ રાખી છે.
– કૈલાસ પંડિત
ગમગીન રચનાઓના ચાહક આ કવિની ગઝલોના મત્લામાં પણ ‘બેફામ’ની ગઝલોની જેમ ઘણી વખત મૃત્યુ આવી જાય છે. શ્રી. મનહર ઉધાસે બહુ જ સુરીલા કંઠે આ ગઝલ ગાઇ છે.
Permalink
Page 46 of 51« First«...454647...»Last »