બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે,
એ બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે.
– હિતેન આનંદપરા

નૂતન વર્ષે શાન્તિસૂક્ત – ઉશનસ્

લયસ્તરોની ટીમ તરફથી સર્વ વાચકમિત્રોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ અને નૂતન વર્ષની ખૂબ ખૂબ વધાઈ…. નવું વરસ…સૌનું વીતે સરસ…!

ક્યાંય ના જરી ક્લેશ હો; ને ક્યાંય ના જરી ક્લાન્તિ હો;
સર્વને હો તાઝગી પ્રાતઃફૂલોની, શાન્તિ હો.

વ્યોમમાંયે શાન્તિ હો, ને ભોમમાંયે શાન્તિ હો,
વ્યોમભોમની મધ્ય રોમેરોમ સોમ શી શાન્તિ હો.

પૃથ્વી તો કંપે હજી ક્યારેક; એ જંપી નથી,
હો ધરીમાં સ્નિગ્ધતા, ને ક્ષુબ્ધતાને શાન્તિ હો.

એક જે હતું પૂર્ણ તે ખુદ કણકણોમાં ચૂર્ણ છે,
એ પૂર્ણપણમાં હોય તેવી ચૂર્ણકણમાં શાન્તિ હો.

ભવભવાટવિમાં ભટકવું છે લખ્યું જો ભાગ્ય; તો
એ ભાગ્યને પણ શાન્તિ હો, એ ભ્રાન્તિને પણ શાન્તિ હો.

પંચભૂતોની મહીં, ને સર્વ ઋતુઓના ઋતે
સંક્રાન્તિઓને શાન્તિ હો, ને ક્રાન્તિમાંયે શાન્તિ હો.

શપ્ત શાં સંતપ્ત રણ, નિઃસૂર્ય અંધારાં વનો;
એ રણો શાં, એ વનો શાં સૌ મનોમાં શાન્તિ હો.

કેટલું છે દુઃખ ઉશનસ્ ! ચેતનાથી ચિત્તમાં !
એ ચેહનેયે શાન્તિ હો, એ દેહનેયે શાન્તિ હો.

-ઉશનસ્

(સૂક્ત= વેદમંત્રો અથવા ઋચાઓનો સમૂહ, ભવભવાટવિ= જન્મ-જન્માંતરરૂપી વન, ઋતે= સિવાય, સિવાય કે, ચેહ= ચિતા)

5 Comments »

  1. પંચમ શુક્લ said,

    October 21, 2006 @ 7:43 AM

    ઋતના અન્ય અર્થઃ સત્ય પ્રકૃતિ

  2. જયશ્રી said,

    October 21, 2006 @ 10:24 AM

    લયસ્તરો ટીમ, તથા સર્વેને મારા તરફથી દિવાળી તથા નવ-વર્ષની હાર્દિક શુભેચ્છાઓ.

  3. પંચમ શુક્લ said,

    October 22, 2006 @ 7:29 AM

    ખૂબ સુંદર કાવ્યઃ
    ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

  4. પૂર્વી said,

    October 23, 2006 @ 1:51 AM

    સુંદર ગૂઢ અર્થ ધરાવતુ કાવ્ય.
    સહુને સાલ મુબારક!

    “Sarve Tu Sukhinan Santu. Sarve Santu Niraamayah Sare Bhadraani Pashyantu MaaKashchit Dukhabahg Bhavet!”

  5. ઊર્મિસાગર said,

    October 23, 2006 @ 1:57 PM

    વ્યોમમાંયે શાન્તિ હો, ને ભોમમાંયે શાન્તિ હો,
    વ્યોમભોમની મધ્ય રોમેરોમ સોમ શી શાન્તિ હો.

    પૃથ્વી તો કંપે હજી ક્યારેક; એ જંપી નથી,
    હો ધરીમાં સ્નિગ્ધતા, ને ક્ષુબ્ધતાને શાન્તિ હો.

    ભવભવાટવિમાં ભટકવું છે લખ્યું જો ભાગ્ય; તો
    એ ભાગ્યને પણ શાન્તિ હો, એ ભ્રાન્તિને પણ શાન્તિ હો.

    કોઇ શબ્દો નથી આ શેરોને બિરદાવવા માટે… !!!!

    એકબીજાથી ચડિયાતા એવા બધા શેરોમાંથી કોને બેસ્ટ કહેવો એ લગભગ અશક્ય છે!
    એક એક શેર જાણે પોતે જ એક શાંતિનું આખું શાસ્ત્ર હોય એવો લાગે છે!!

    ૐ શાંતિ: !!!!!!!!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment