છોડીએ – હેમેન શાહ
મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ.
રોજ વિઘ્નો પાર કરતાં દોડવાનું છોડીએ,
પાતળી સરસાઈથી આ જીતવાનું છોડીએ.
પ્રેમના પ્રકરણ વિષે કંઈ બોલવાનું છોડીએ,
ચોપડીમાં એક વચ્ચે કોરું પાનું છોડીએ.
આવશે,જે આવવાનું છે, એ પાસે ખુદ-બ-ખુદ
અહીં કે ત્યાં, આજે કે કાલે, શોધવાનું છોડીએ.
મ્હેકની ભાષા સમજીએ, જેટલી સમજાય તે,
કિંતુ પાટક પથ્થરોને પૂછવાનું છોડીએ.
હોય જો તાકાત તો બે-ત્રણ હલેસાં મારીએ
જળને વ્હેવાની ૨સમ શિખવાડવાનું છોડીએ.
કંઠમાં શોભે તો શોભે, માત્ર પોતાનો અવાજ
પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ.
કોઈ દુર્ગમ પથ ઉપર તૂટેલી ભેખડ કાં બનો ?
છોડીએ તો એક સીમાચિહ્ન નાનું છોડીએ !
– હેમેન શાહ
જીવનને સહજ અને સરળ કરી નાખવાની સલાહ ગઝલરૂપે. આપણે આપણી જાતને નડ્યા કરીએ એવી આદતોમાંથી આપણે છૂટીએ અને જીવનને અંતરથી માણીએ. (ધવલ)
કાશ…..શાયરની વાતો અમલ કરવી સ્હેલ હોત…..(તીર્થેશ)
Jayshree said,
November 18, 2006 @ 11:45 AM
મજાની ગઝલ છે. ઘણીવાર જ્યાં આપણે બીજાને દોષી ગણાવતા હોય છે, ત્યાં ખરેખર તો આપણને જાત જ નડતી હોય છે.
Suresh Jani said,
November 18, 2006 @ 9:07 PM
મકરંદ દવે –
રુડા રુપાળા સઢ કોકના શું કામના?
પોતાને તુંબડે તરીએ.
પંચમ શુક્લ said,
November 19, 2006 @ 8:44 AM
મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ,
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ.
એકદમ સાચી વાત…
ઊર્મિસાગર said,
November 19, 2006 @ 8:33 PM
મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ,
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ.
આ શેર જ મને તો નાની સરખી સંપૂર્ણ કવિતા જેવો લાગ્યો!
નિમેષ said,
November 20, 2006 @ 5:03 AM
ખુબ જ સરસ …
ખાસ કરેી ને આ બે પન્ક્તિઓ …
મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ,
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ.
ખુમારી થી જિવતા શિખીએ….
nilamdoshi said,
November 20, 2006 @ 7:05 AM
સરસ રચના…આભાર.કૃષ્ણ વિષે ની કવિતાનો આખો જુદો વિભાગ કરી શકાય નહી?રાધા કૃષ્ણ વિષે કેટકેટલું લખાયું છે!!!
વિવેક said,
November 20, 2006 @ 8:29 AM
રઈશ મનીઆરની એક ગઝલનો એક શેર યાદ આવ્યા વિના રહેતો નથી:
પ્રેમના પ્રકરણ વિશે કંઈ બોલવાનું છોડીએ,
ચોપડીમાં એક વચ્ચે કોરું પાનું છોડીએ.
-હેમેન શાહ
તુજ આત્મકથામાં થયો ઉલ્લેખ ન મારો,
એક પાનું જો કે સાવ એમાં કોરું રખાયું.
-રઈશ મનીઆર.
La' Kant Thakkar said,
November 30, 2016 @ 6:52 AM
“આપણે આપણી જાતને નડ્યા કરીએ એવી આદતોમાંથી આપણે છૂટીએ અને જીવનને અંતરથી માણીએ.”
“બધ્ધુંજ અનુકૂળ મને ,
એક હુંજ પ્રતિકૂળ મને !”
સ્વ-દોષદર્શન …… આપણી ઘણી ‘મૂન્જ્વણો’
હળવી કરે દે છે ને?