તમારા દિલાસે – હરકિસન જોષી
પરમ ચેતનાની પ્રસરતી સુવાસે
હૃદય ધડકનો તારી મૂર્તિ તરાશે
દીવાલો ખસેડી ને છતને હટાવી
હવે કંઈક આકાશ લાગે છે પાસે
કશું ક્યાંક પથરાળ અટકી પડ્યું છે
વહે મારું હોવું તો શ્વાસે ને શ્વાસે
મળે ક્યાંથી આવે છે પૂનમ થઈને
અહીં શોધ ચાલે અમાસે અમાસે
અકિંચન હતા સાવ તો પણ જુઓને
અમે જીવી નાંખ્યું તમારા દિલાસે
-હરકિસન જોષી
માણસના વહેવાપણા અને હોવાપણાને અટકાવી રાખતી દિવાલો અને છતો જ્યાં સુધી હટાવી ન લેવાય ત્યાં સુધી આકાશની અસીમતા નજીક આવી શક્તી નથી… સરળ શબ્દોમાં અઘરી વાત !
ઊર્મિસાગર said,
October 25, 2006 @ 6:03 PM
દીવાલો ખસેડી ને છતને હટાવી
હવે કંઈક આકાશ લાગે છે પાસે
કાશ, આપણે સૌ પણ આ ‘દીવાલો’ અને ‘છત’ને હટાવી અસીમ આકાશને જોઇ શકીએ…
ખૂબ જ સુંદર ગઝલ છે, વિવેકભાઇ!