પાણીના બુદબુદા સમું જીવન હવે થયું,
આવ્યો જરા સપાટીએ કે તૂટી જાઉં છું.
વિવેક મનહર ટેલર

ગઝલ – ઉદયન ઠક્કર

એકનું, કે શૂન્યનું, કે આઠડાનું
ઓલિયાને કામ કેવું આંકડાનું ?

આ જગાએ કેમ શીતળ થાય રસ્તો ?
રહી ગયું છે ચિહ્ન જૂના છાંયડાનું ? 

પાનખર વીતી છતાં ખરતાં રહે છે
પાંદડાને લાગી આવ્યું પાંદડાનું. 

રૂપિયાને રાત-દિવસ સાચવે જે
શું કહીશું એને? પાકીટ ચામડાનું ?

રેતી, કપચી, કાચ, ચૂનો, ઈંટ, આરસ
એક દિવસ કામ પડશે લાકડાનું 

ક્યાં કવિતા ! ક્યાં મુ જેડો કચ્છી માડુ !
કોકિલાએ ઘર વસાવ્યું કાગડાનું. 

-ઉદયન ઠક્કર

લયસ્તરો સાથે જોડાયો ત્યારથી લગભગ રોજની બે થી ત્રણ ગઝલો સરેરાશ વાંચવાનો નિત્યક્રમ સ્થપાયો એ લયસ્તરોમાં જોડાવાની સૌથી મહામૂલી ફળશ્રુતિ. ઢગલાબંધ સામયિકો અને પુસ્તકોની નિયમિત લટાર લેવાની યુવાનીના ચઢતા દિવસોની આદત ફરીથી પુનર્જીવિત થઈ એ અર્થમાં લયસ્તરોએ મને નવયૌવન બક્ષ્યું. આટલા બધા વાંચનમાં વાંચતા જ સર્વશ્રેષ્ઠ લાગેલી કોઈ ગઝલ મારે પસંદ કરવાની હોય તો ઉદયન ઠક્કરની આ ગઝલ પર હું  પસંદગી ઉતારું. પાંદડાને પાંદડાનું લાગી આવે? કલ્પના જ કેટલી રોચક અને દુર્લભ છે! ભૂતકાળની કોઈ શીળી યાદ વર્તમાનના આકરા રસ્તાને પણ શીતળતા બક્ષે છે…કેવી સરસ વાત કહી દીધી! રૂપિયાને આપણેચામડાના પાકીટમાં જ સાચવીએ છીએ, પણ અહીં ચામડાનું પાકીટ શબ્દ શું શબ્દશઃ પાકીટ માટે વપરાયો છે? પાકીટની જેમ આખી જિંદગી રૂપિયાને સાચવવામાં જ કાઢતા ચામડાના દેહધારીઓ પર કેવો વેધક કટાક્ષ છે ! ફક્ત એક પ્રશ્ન ચિહ્ન આખા શેરના અર્થને બદલી નાંખે છે. લાકડાની નિશ્ચિતતાવાળી વાત પણ એટલી જ સુંદર છે. અંતે મક્તામાં કચ્છી ભાષામાં કોયલ કાગડાના માળામાં ઈંડા મૂકે છે એ લોકોક્તિનો અને પોતાના જેવા કચ્છી માણસને ક્યાંથી કવિતા આવડી ગઈ એ વાતની સુંદર હૃદયસ્પર્શી રજૂઆત કરીને ઉદયનભાઈ મેદાન મારીગયા છે એવું નથી લાગતું?

7 Comments »

  1. nilamdoshi said,

    November 12, 2006 @ 9:20 AM

    પાઁદડાને લાગેી આવ્યુઁ પાઁદડાનુઁ

    કોયલે ઘર વસાવ્યુઁ કાગડાનુઁ…

    ખોૂબ સરસ.ાભિનદન.

  2. Suresh Jani said,

    November 12, 2006 @ 9:29 AM

    ઉદયન ઠક્કર હંમેશાં કંઇક નવો જ વિચાર લઇ ને આવે છે.
    તારી વાત સાચી છે. વિવેક! મારું ગુજરાતી વાંચન બ્લોગ જગતમાં આવ્યા પછી વધ્યું છે. કંઇક સારું આપવાની લાહ્ય લાગી છે!

  3. ધવલ said,

    November 16, 2006 @ 10:49 AM

    અદભૂત ! શબ્દોની સજાવટ અને અર્થવૈભવ… ઉ.ઠ.ની વાત જ અલગ છે !

  4. પંચમ શુક્લ said,

    November 19, 2006 @ 8:52 AM

    એકનું, કે શૂન્યનું, કે આઠડાનું
    ઓલિયાને કામ કેવું આંકડાનું ?

    ૧૦૮ નામની માળા જપવા સાથે સરસ મેળ બેસે છે.
    પણ વર્ણાનુપ્રાસ ઓલિયાના સ્થાને, ૧૦૮ ને સુસંગત કોઈ બીજો શબ્દ હોત તો કદાચ વાત વધારે પ્રસ્તુત બનત.

  5. ઊર્મિસાગર said,

    November 19, 2006 @ 8:30 PM

    સાચે જ કમાલની ગઝલ છે!!

    વિવેકભાઇના આસ્વાદે તો વધારે કમાલ કરી અને ગઝલનાં ગુહ્યાર્થોને સારી રીતે જાણી શકાયા…
    પંચમભાઇએ પણ ૧૦૮ નંબરનો ખુલાસો કર્યો તો વધુ સમજાયુ… આભાર પંચમભાઇ.

    ઘણો આભાર વિવેકભાઇ!

  6. પ્રતિક ચૌધરી said,

    September 5, 2008 @ 5:44 AM

    આફરિન ઉદયન આફરિન ……………

    પાનખર વીતી છતાં ખરતાં રહે છે
    પાંદડાને લાગી આવ્યું પાંદડાનું

  7. DINESH said,

    February 13, 2018 @ 5:01 AM

    તરિયા …. ક્યાં મુ જેડો કચ્છી માડુ !
    Sir/ Mam,
    Can You Post this Kutchi Poetry ??

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment