શબ્દોત્સવ – ૧: ગઝલ: ચાલ મજાની આંબાવાડી! – ‘ગની’ દહીંવાળા
સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,
ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.
બાળસહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ,
પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ.
માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી,
બાધાને પણ બાધ ન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.
તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં,
છળના રણમાં છાનાંમાનાં મૃગજળ મૃગજળ રમીએ.
હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાંઓ,
પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ.
ફરફર ઊડતું રાખી પવને પાન સરીખું પહેરણ,
મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.
હું ય ‘ગની’, નીકળ્યો છું લઈને આખોમાખો સૂરજ,
અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.
-‘ગની’ દહીંવાળા
અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાળા (જન્મ:17-08-1908, મૃત્યુ: 05-03-1987) ગુજરાતીના પ્રથમ પંક્તિના ગઝલકાર અને ગીતકાર છે એમ કહીએ તો કદાચ એમનું નહીં, આપણી ભાષાનું જ બહુમાન કરીએ છીએ. સુરતના વતની અને ધંધે દરજી. રીતસરનું શિક્ષણ માત્ર ત્રણ ચોપડીનું પણ કવિતાની ભાષામાં જાણે કે ડૉક્ટરેટ. આપસૂઝથી જ ગુજરાતી અને ઉર્દૂ ભાષા પર એવી હથોટી મેળવી કે એમની કવિતાઓ ભાષાની છટા, લઢણ, ધ્વન્યાત્મક્તા, લાલિત્ય અને ભારતીય સંસ્કૃતિના આદર્શોથી મઘમઘી ઊઠે છે. ગઝલ એમનો સહજોદ્ ગાર છે અને એટલે જ બાલાશંકર- કલાપી પછી ગઝલને ગુજરાતીપણું અપાવવામાં એમણે નોંધપાત્ર ફાળો આપ્યો.
કાવ્યસંગ્રહ: ‘ગાતાં ઝરણાં’, ‘મહેંક’, મધુરપ’, ‘ગનીમત’ (મુક્તક સંગ્રહ), ‘નિરાંત’, ‘ફાંસ ફૂલની’
Suresh Jani said,
December 5, 2006 @ 9:37 AM
જીવનઝાંખી વાંચો –
https://sureshbjani.wordpress.com/2006/06/27/gani_dahiwala/
Suresh Jani said,
December 5, 2006 @ 9:42 AM
તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં,
છળના રણમાં છાનાંમાનાં મૃગજળ મૃગજળ રમીએ.
અપેક્ષાઓ અને સપનાઓ પ્રત્યે કેટલો સહજ અભિગમ !
Himanshu said,
June 12, 2008 @ 2:47 AM
Vivek
I ran into this post fro Jayshree’s tahuko.com. I agree with you on Ganibhai. I have always liked the laya in his ghazals. Simple words but profound meaning.
Thanks for posting his brief bio. If possible – post something on Shayada as well.
વિવેક said,
June 12, 2008 @ 7:48 AM
પ્રિય હિમાંશુભાઈ,
શયદા સાહેબની થોડી ગઝલો અને ટૂંક પરિચય આપ અહીં માની શકો છો:
https://layastaro.com/?cat=184&submit=view
ગાગરમાં સાગર » Blog Archive » વસંતોત્સવ ૧૫ : લાગણીવશ હૃદય ! -ગની દહીંવાળા said,
February 15, 2009 @ 3:53 PM
[…] ગનીચાચા વિશે થોડું લયસ્તરો પરથી સાભા