આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય
ગાંધી કદી સૂતા નથી -
હસમુખ પાઠક

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for July, 2010

હાઈકુ – સ્નેહરશ્મિ

ઊડી ગયું કો
પંખી કૂંજતું : રવ
હજીયે નભે

– સ્નેહરશ્મિ

Comments (4)

જળમાં લખવાં -હરિકૃષ્ણ પાઠક

ઊણાં-અધૂરાં મેલી કામ,
ભાઈ મારે જળમાં લખવાં નામ.
ભાઈ મારે જળમાં લખવાં નામ.

આગમની એંધાણી મળે ન તોયે
રાખવા દોર ને દમામ,
ઝંખવાતી નજરુંના દીવડે
આંજવા તેજને તમામ.
ભાઈ મારે જળમાં લખવાં નામ.

ઊબડ-ખાબડ પંથ પડ્યા છે તોયે
ભીડવી ભવની હામ,
રથ અરથના અડધે તૂટે
ઠરવા નહીં કોઈ ઠામ.

તોયે મારે જળમાં લખવાં નામ,
ભાઈ મારે જળમાં લખવાં નામ.

-હરિકૃષ્ણ પાઠક (માર્ચ 1974)

આપણું જીવવું એટલે જાણે કે જળમાં નામ લખવા સમાન…  જળમાં નામ લખવાની વાત સાથે જ મને ઓજસ પાલનપુરીનો એક શેર યાદ આવે છે: મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ, આંગળી જળમાંથી નીકળીને જગા પુરાઈ ગઈ…

Comments (8)

ગઝલ -રવીન્દ્ર પારેખ

કોની વાતે તું ભરમાઈ ?
કોણ કબૂલે એ સચ્ચાઈ ?

હું ઝાકળ છું, તું આંસુ છે,
તારે મારે શી સરસાઈ ?

કોણ છૂટું પડતું કોનાથી,
વાત મને એ ના સમજાઈ.

આ તો તેજ વગર બળવાનું,
એનું નામ જ અખ્ખર ઢાઈ.

જળનાં ટીપાં જેવી યાદો,
વધતાં વધતાં થૈ દરિયાઈ.

હોય ન જ્યારે પણ તું સાથે,
હાથવગી મારે તન્હાઈ.

મારે બદલે યાદ મને તું,
મારે બીજી કઇ અખિલાઈ ?

-રવીન્દ્ર પારેખ

વાંચતાવેંત ગમી ગયેલી આ ગઝલનાં છેલ્લા ચાર શેરો જરા વધુ ગમી ગયા…

Comments (19)

ઉમાશંકર વિશેષ :૧૪: હાઈકુ અને મુક્તક

UJ3

કવિ
(સદગત પ્રિયકાન્તની સ્મૃતિમાં)

લોહીવ્હેણમાં
ઊછળે નાયાગરા,
કીકીમાં કાવ્ય.

* * *

શબ્દ

મૌન, તારો તાગ લેવા
શબ્દ થઈ દઉં કાળજળમાં
.                            ડૂબકી.

– ઉમાશંકર જોશી

ઉમાશંકર માત્ર દીર્ઘ કાવ્ય જ લખતા એમ કહીએ તો એમની કવિપ્રતિભાને હાડોહાડ અન્યાય થાય. લઘુકાવ્યો, મુક્તક અને કવચિત્ હાઈકુમાં પણ એમની કલમ ખૂબ છટાદાર ચાલી છે.

***

સાથે કવિના જીવનના બે યાદગાર પ્રસંગો મમળાવીએ:

એક વાર મુબઈમાં બસમાં જતો હતો. આગલી બેઠક ઉપરના વૃદ્ધે મને બોલાવ્યો. મારા એક વખતના અર્થશાસ્ત્રના પ્રોફેસર ! વંદન કર્યાં. આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ભલો મને ઓળખ્યો. ‘કેમ ન ઓળખું?’ પછી કહે, ‘તારે પોતાનો કાવ્યસંગ્રહ પાઠ્યપુસ્તક તરીકે ભણવાનો આવ્યો હતો ને?’ ઉમાશંકરે સમજાવ્યું કે બી.એ.ના છેલ્લા બે વર્ષો તો એ અર્થશાસ્ત્રના વિદ્યાર્થી હતા એટલે એમનો સંગ્રહ બીજા વિદ્યાર્થીઓને ભણવાનો થયો હતો, પોતાને નહીં. પણ પ્રોફેસર માન્યા નહીં. કવિ કહે છે, એક કથા (લીજેન્ડ) તરીકે કોઈ કવિને પોતાનો જ કાવ્યસંગ્રહ ભણવાનો આવે તો કેવું ? – એ કૌતુક એવું મનગમતું છે કે એનો નાશ કરવાનો કવિને પોતાને પણ કશો હોવો જોઈએ નહિ !

કવિ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે કામ કરતા હતા ત્યારે મજાની બીના બની. કવિ કહે છે, અમારા કર્મચારી બંધુઓ એકવાર હડતાળ ઉપર ઊતરેલા ને મારી તરફ આવી રહ્યા હતા. આગળ ચાલતા નાયકનો સૂત્રોચ્ચાર ગાજતો હતો : ‘ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ…’ આખું મંડળ એકઅવાજે ત્યાં બોલતું હત્યું: ‘જાગશે !’

***

આજે આ ઉમાશંકર વિશેષ સપ્તાહ પૂર્ણ થાય છે પણ ઉમાશંકરના કાવ્યોનો રસથાળ આખા વર્ષ દરમિયાન પીરસાતો રહેશે…

Comments (10)

ઉમાશંકર વિશેષ :૧૩: મહાપ્રસ્થાન

Umashankar3

યુધિષ્ઠિર       :       હિમાદ્રિ હે ! ભવ્ય તારાં શિખરોથી ભવ્યતર,
.                            ઉચ્ચતર, શુભ્રતર ચારિત્ર્યલક્ષ્મી વડે જે,
.                            ક્યાં છે તે સૌ પુરુષોમાં પુરુષોત્તમ, પ્રબુદ્ધ ?
.                          ક્યાં છે તે મહામનીષી ? ક્યાં છે કૃષ્ણ ?

અન્ય સૌ       :                                               કૃષ્ણ ? કૃષ્ણ !

પડઘા          :       કૃષ્ણ ! !

યુધિષ્ઠિર       :     કેવા કૃષ્ણ હવે ?

અર્જુન          :                                  કૃષ્ણ હવે અન્તર્યામી…
.                           કૃષ્ણલૂખું જીવન જે, એ જ મૃત્યુ.

સહદેવ         :                                       મૃત્યુયાત્રી,
.                              ચલો, જયેષ્ઠબંધુ પૂઠે, હિમશય્યા મૃત્યુશીળી
.                              પ્રતીક્ષા કરી છે રહી.

ભીમ           :                       કોણ, કોઈ પડ્યું ? થયો
.                                શાનો આ અવાજ ?

યુધિષ્ઠિર       :       અરે પાંચાલી !

ભીમ           :                       થાકી ગઈ કે ?
.                               ઊંચકી લઉં આ સ્કંધે ?… નથી અરૈ ઊચલાતી…

યુધિષ્ઠિર       :       ભીમ, લાક્ષાગૃહે થકી જનેતા સમેત ચાર
.                            બંધુને ઉપાડી દોડ્યો ભોંયરે તું એકશ્વાસે,
.                             હતો એયે સમય, આ સમય છે જુદો, ભાર
.                             સ્વ-કર્મનો ઊઠાવીને ચાલી શકે એ જ આજે
.                             ઘણું તારે માટે. ઊઠો, પાંચાલી, યાત્રા છે શેષ…

દ્રૌપદી         :       હશે તે તમારે માટે, મારી તો આ પૂરી થઈ
.                          તમારી આંખોની અમી-છાયા નીચે પાંચેયની.
.                          વિદાય આપો અને લો. જીવનમાઅં પીધું-પાયું
.                          સ્મરણ તેનું કરી લો. અગ્નિજા હું હતી ક્યારે-
.                         ક્યારે અગ્નિજિહ્વાળી, ને તપ્ત વેણ સ્હેવાં પડ્યાં
.                          હશે ધર્મરાજનેયે, ક્ષમા તેની આપો અને
.                         પાંચેના જીવનમાં હું પ્રવેશી, પુરુષવરો,
.                         તે પૂર્વે હતા પ્રવાસી તેમ હવેયે પ્રવાસ
.                         આગે ચલાવો તમારો…

સહદેવ         :       પાંચ આંગળીઓ જેવા
.                                           હતા પાંચેય પાંડવ;
.                            વળી જે મુક્કી તે કિંતુ
.                                          દ્રૌપદીના પ્રભાવથી.

– ઉમાશંકર જોશી

કવિ તરીકે ઉમાશંકર સબળ તો હતા જ, સજાગ પણ હતા. ગુજરાતી કવિતાનું માથું વૈશ્વિક સ્તરે ઊંચું રહે એ માટે ગુજરાતી કવિતાનું ખેડાણ જે ક્ષેત્રમાં ઓછું અથવા નહિવત્ થયું હોય એ ક્ષેત્રમાં પણ એ ઝંપલાવતા. કવિ કહે છે, ‘નાટ્યકવિતા (રંગભૂમિ પર ટકી શકે એવી) દુનિયાના સાહિત્યમાં વિરલ છે. નાટ્યકવિતા એ કવિત્વશક્તિને આહ્વાનરૂપ છે. ગુજરાતી કવિતાએ પણ એ આહ્વાનનો પ્રતિશબ્દ પાડવાનો રહે છે જ.’ એમણે લગભગ ચૌદ પદ્યનાટક લખ્યા. એમાંના એક નાટક મહાપ્રસ્થાનનો એક અંશ અહીં રજૂ કર્યો છે. મહાભારતના યુદ્ધ અને કૃષ્ણના નિર્વાણ પછી પાંડવો મહાપ્રસ્થાન કાજે હિમાલયમાં  જાય છે. દ્રૌપદી સહુથી પહેલી ઢળી પડે છે એટલો ભાગ અહીં લીધો છે.  છે નાટક પણ કવિતા સતત ઊભરાતી રહે છે. ચાર ભાઈ અને માતાને ખભે ઊંચકીને લાક્ષાગૃહમાંથી દોડેલો ભીમ આજે દ્રૌપદીને પણ ઊઠાવી નથી શક્તો ત્યારે યુધિષ્ઠિર કહે છે કે સ્વ-કર્મનો બોજ ઊંચકાય તોય ઘણું… સહદેવ કહે છે કે પાંચ પાંડવ પાંચ આંગળી સમા હતા પણ દ્રૌપદી જ એમની ખરી તાકાત, મુઠ્ઠી હતી…

Comments (4)

ઉમાશંકર વિશેષ :૧૨: ચાલને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ – ઉમાશંકર જોશી

UJ

(પ્રવચન કરતાં ઉમાશંકર જોશી સાથે બચુભાઈ રાવત, સ્નેહરશ્મિ, નગીનદાસ પારેખ, વિ.)

ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ.
લહરી ઢળકી જતી,
વનવનોની કુસુમસૌરભે મત્ત છલકી જતી,
દઈ નિમંત્રણ અમસ્તી જ મલકી જતી,
સ્વૈર પથ એહનો ઝાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને !

વિરહસંત્રપ્ત ઉર પર સરે મિલનનો
સ્પર્શ સુકુમાર, એવો ઝરે નભ થકી ચંદ્રનો
કૌમુદીરસ અહો !
અવનિના ગ્રીષ્મહૈયા પરે પ્રસરી કેવો રહ્યો !
ચંદ્રશાળા ભરી ઊછળે,
આંગણામાં ઢળે,
પેલી કેડી પરે લલિત વનદેવીસેંથા સમો ઝગમગે,
દૂર સરવર પટે મંદ જળના તરંગો પરે તગતગે.
અધિક ઉજ્જવળ કરંતો જ તુજ ભાલને, ગાલને.
સોમ એ હ્રદયભર પી ઘડી મ્હાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને !

-ઉમાશંકર જોશી

ચાંદનીના સથવારે ચાલવાની વાતમાં જીવનરસને જીવ ભરીને પી લેવાની ઈચ્છા વણાયેલી છે. ચાલવું … મ્હાલવું… છલકવું… ભળવું… બે મટી એક થવું…  અનંત થવું !

Comments (2)

ઉમાશંકર વિશેષ :૧૧: પ્રશ્નો – ઉમાશંકર જોષી

umashankar

કાવ્ય, સમયની ચીસ શાશ્વતી અર્થે ?
પ્રણય હ્રદયનો અર્ધ્ય અદયને તર્પે ?

મૈત્રી, બિંદુ બે મથંત બનવા રેખા ?
કર્મ, તિમિર-પટ પર વિદ્યુતલિપિરેખા ?

સત્તા, આત્મવિશ્વાસ તણી હરરાજી ?
કીર્તિ, કાળને મુખે થતી પતરાજી ?

દયા, અધિકતા છુપાવતું અવગુંઠન ?
ત્યાગ, વામ કરથી દક્ષિણને અર્પણ ?

મુક્તિ, વળી નવતર બંધનની માયા ?
સત્ , અંતે અંતરતમ પુરુષની છાયા ?

– ઉમાશંકર જોશી

ઉમાશંકરના કવ્યોમાં વ્યંગ ભાગ્યે જ જોવા મળે. અને આ તો આખું કાવ્ય જ વ્યંગથી ભરેલું. જોકે કવિની કુશળતા જુઓ કે આ બધા ચાબખા એમણે કેવા શિષ્ટતમ ભાષામાં છુપાવ્યા છે !

(અદય=નિષ્ઠુર, ક્રૂર, અર્ધ્ય=આરતી, પતરાજી=શેખી, ડંફાસ, અવગુંઠન=બુરખો, લાજ, વામ= ડાબો, દક્ષિણ=જમણો, અંતરતમ=અત્યંત પોતાનું, નજીકનું)

Comments (4)

ઉમાશંકર વિશેષ :૧૦: ભોમિયા વિના -ઉમાશંકર જોશી

umashankar-joshi-and-jhaverchand-meghani

(ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી સાથે…)

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
અકલો અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.

-ઉમાશંકર જોશી

સ્વર – સંગીત : અજિત શેઠ

[audio:http://tahuko.com/gaagar/layastaro/Bhomiyaa Vinaa Maare Bhamvaa Taa-Umashankar Joshi.mp3]

સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી
સ્વર : ઉદય મઝુમદાર

[audio:http://urmisaagar.com/saagar/audio/bhomiya vina maare bhamavata dungraa – Umashankar Joshi]

Wanderlustને ચરિતાર્થ કરતું ઉમાશંકરનું અમર ગીત.

Comments (7)

ઉમાશંકર વિશેષ :૦૯: માઈલોના માઈલો મારી અંદર – ઉમાશંકર જોશી

with Agney

(હિન્દી સાહિત્યસમ્રાટ અજ્ઞેય સાથે…)

*

umashankar joshi
(કવિના હસ્તાક્ષ્રર એમની પ્રિય પંક્તિ સાથે, પરિષદટાણે, સૂરત)

માઇલોના માઇલો મારી અંદર પસાર થાય છે.
દોડતી ગાડીમાં હું સ્થિર, અચલ.
પેલા દૂર ડુંગર સરી જાય અંદર, -ડૂબી જાય
મજ્જારસમાં, સરિતાઓ નસોમાં શોણિતના
વહેણમાં વહેવા માંડે, સરોવરો
પહોળી આંખોની પાછળ આખાં ને આખાં
ડબક ડબક્યાં કરે. લહેરાતાં
ખેતરોનો કંપ અંગેઅંગે ફરકી રહે.
જાણે હથેલીમાં રમે પેલાં ઘરો,
ઝૂંપડીઓ, – આંગણાં ઓકળી-લીંપેલાં,
છાપરે ચઢતો વેલો… ત્યાં પાસે કન્યાના ઝભલા પર
વેલબુટ્ટો થઇ બેઢેલું પતંગિયું…
સ્મૃતિને તાંતણે એટલુંક ટીંગાઇ રહે.
માઇલોના માઇલો મારી આરપાર પસાર થયાં કરે.

વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થાય છે.
ઘૂમતી પૃથ્વી ઉપર હું માટીની શૃંખલાથી બદ્ધ.
એકમેકની આસપાસ ચકરાતા ક્વાસાર, નિહારિકાઓ,
આકાશગંગાઓ, નક્ષત્રોનાં ધણ, -ચાલ્યાં આવે.
હરણ્ય મારી ભીતર કૂદી. પૂંઠે વ્યાધ, લાંબોક વીંછુડો…
અવકાશ બધો પીધાં કરું, તરસ્યો હું. ઝંઝાના તાંડવ,
ઘુર્રાતાં વાદળ, વીંઝાતી વિદ્યુત, ઉનાળુ લૂ,
વસંતલ પરિમલ – અંદર રહ્યું કોઇ એ બધુંય ગટગટાવે.
અનંતની કરુણાનો અશ્રુકણ ? – કોઇ ખરતો તારો;
ધરતીની દ્યુતિ-અભીપ્સા ? – કોઇક ઝબૂકતો આગિયો; –
સ્મૃતિના સંપુટમાં આટલીક આશા સચવાઇ રહે.
વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થયાં કરે.

– ઉમાશંકર જોશી

કવિનું જગત તો આમેય સ્મૃતિવરણું જ હોય. એનાથી ય આગળ જઈને કવિ તો એ સ્મૃતિઓ કેવી રીતે પોતાના શરીરના એક એક કણમાં વસી ગઈ છે એ વર્ણવે છે. અને એ સ્મરણના સહારે કવિ આખા વિશ્વ સાથે એકાત્મ અનુભવિ રહે છે. ‘હું’ અને ‘અ-હું’ એકબીજાની અંદર કદી છૂટા ન પાડી શકાય એમ ભળી જાય, ઝબકી જાય, છલકી જાય અને અનંત એકરાગિતા સર્જી જાય એ સ્થિતીની વાત કવિ પોતાની આગવી અદાથી કરે છે. વિશ્વોના વિશ્વો મારી આરપાર પસાર થયા કરે…. એ કલ્પના જ એટલી બળુકી છે કે સ્મૃતિપટને રણકાવી જાય છે !

(શોણિત=લોહી, ઓકળી=લીંપણની એક જાતની ભાત, ક્વાસાર=quasar, આકાશગંગાની નાભિ, દ્યુતિ=તેજ, અભીપ્સા=ઈચ્છા)

Comments (2)

ઉમાશંકર વિશેષ :૦૮: આગ અને હિમ

Munshi
( કનૈયાલાલ મા. મુનશી સાથે ઉમાશંકર જોશી)

*

કોઈ કહે : દુનિયાનો થાશે પ્રલય આગ થકી.
કહે કોઈ : હિમથી.
મને કાંઈ જે સ્વાદ કામના તણો મળ્યો તે પરથી
સાચા લાગે આગ પક્ષના નકી.
પણ બે વાર પ્રલય દુનિયાનો થાવો હોય કદી,
તો મુજને થતું પરિચય દ્વેષનો મને એટલો છે
કે કહી શકું : લાવવા અંત
હિમ પણ છે પ્રતાપવંત
ને પૂરતું નીવડશે.

– રોબેર્ટ ફ્રોસ્ટ
(અનુ. ઉમાશંકર જોશી, ૨૭-૧૧-૧૯૭૧)

આસ્વાદ શ્રી ઉમાશંકરના શબ્દોમાં –

.                       ‘ફ્રોસ્ટે લખ્યું છે- ” કવિતા આહલાદમાં આરંભાય અને પૂર્ણાહુતિ પામે શાણપણમાં.” આ કૃતિ તે વિધાનની યથાર્થતાની સાબિતી છે. ફ્રોસ્ટની ભાષા બહુધા સાદી હોય છે. છંદ કે લય બહુ આગળ પડી આવતા નથી. પરંતુ કૃતિની સુરેખતા હમેશા જળવાઈ રહે છે. શબ્દોનો કરકસરપૂર્વકનો ઉપયોગ કલાને વધુ નિખારે છે.

.                     કાવ્ય દ્વન્દ્વના બંને છેડો કેટલા કાતિલ હોય છે તેની વાત કરે છે-ઉષ્ણ અને શીત,રાગ અને દ્વેષ. પૃથ્વીના ઈતિહાસમાં હિમપ્રલય,જળપ્રલય ની વાત છે પરંતુ આગથી થયેલ પ્રલય જાણમાં નથી. મહત્વ એ વાત નું છે કે દ્વન્દ્વનો કોઈપણ છેડો પ્રલય લાવવા સક્ષમ છે. આ ઉપરાંત પણ અર્થ છુપાયેલા છે જે ભાવકની શુદ્ધિબુદ્ધિ ઉપર છોડાયેલ છે.’

Comments (6)

Page 1 of 4123...Last »