હું ઈબાદત એટલે કરતો નથી
કોક એવી માંગણી તો જોઈએ
ચિરાગ ત્રિપાઠી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for October, 2009

સપ્તપદી – રમણીક અગ્રાવત

M7
.                    (ચિત્ર સૌજન્ય: નૈનેશ જોશી)

*

સામાજિક કારણોસર આવતા અઠવાડિયે અમેરિકાની ટૂંકી મુલાકાતે જઈ રહ્યો હોવાથી આવનાર પખવાડિયામાં આપના પ્રતિભાવોનો પ્રત્યુત્તર કદાચ ન આપી શકાય એ માટે ક્ષમા પ્રાર્થું છું.

-વિવેક

*

જળ લઈ હથેળીમાં
ખળખળતાં નિત્ય વહેવાનું
જળસાક્ષીએ લીલું પ્રણ લઈએ.

આ અગ્નિ છે મધ્યસ્થ
કરશું ને ઠારશું બનતું
અગ્નિસાક્ષીએ સંતપ્ત પ્રણ લઈએ.

ધરજે હળવે હળવે પગ
ધરતીખોળે સાથોસાથ ડગ માંડવાનું
અડગ પ્રણ લઈએ.

ફરફરતી લટ તારી મને બાંધે
નહીં થવા દઈએ સખ્ય વાયવીય કદીય
વાયુસાક્ષીએ અફર પ્રણ લઈએ.

હોય બધે પણ દેખાય નહીં ક્યાંય
અવકાશસમ પ્રણયમત્ત રહીશું
…પ્રણ લઈએ.

ફૂલગજરા, વેણીમાં મરકતી સેવંતી
ગુલાબ માળા, વરસતી પાંખડીઓ :
સૌરભસાક્ષીએ
નિર્મળતા જીરવવાનું પ્રણ લઈએ.

સ્વજન, સ્નેહીઓ, ગુરુજનો
તમારી સાક્ષીએ સોંપાઈએ પરસ્પરને
ઊજવશું ઐક્ય
પ્રણપૂર્વક પ્રણયપથ લઈએ.

– રમણીક અગ્રાવત

લયસ્તરો પર આવતીકાલથી એક નવી જ ‘ફ્લેવર’ના કાવ્યોનો રસથાળ એક વિશેષ પ્રસંગ નિમિત્તે પીરસાનાર છે એની પૂર્વતૈયારીરૂપે રમણીક અગ્રાવતની આ કવિતા…

‘અવસર આવ્યા આંગણે’  – આ કાવ્ય સંગ્રહમાંથી લોકગીતના ઢાળે ચાલતું આ લગ્નગીત સાભાર લીધું છે.  કવિએ એમના પુત્ર-પુત્રવધૂના લગ્ન નિમિત્તે લગ્નના ભાતીગળ પાસાંઓને આવરી લેતાં લોકબોલીમાં લખેલા લગ્નગીતોનો આ વિશિષ્ટ સંપુટ છે જેમાં કંકોતરી, નોતરું, વડી-પાપડ, પ્રભાતિયું, સાંજી, વધામણી, ગણેશસ્થાપન, માણેકસ્થંભ, મામેરું, અંઘોળ, ઉકરડી, વરઘોડો, અણવર, પોંખણું, કન્યાવિદાય જેવા તમામ પાસાંઓ પરની ગીતરચનાઓ સમાવિષ્ટ છે. દરેક પ્રસંગને અનુરૂપ રેખાચિત્રો અને દરેક પ્રસંગની લાક્ષણિક્તાઓનો ટૂંકો આલેખ પણ અહીં સામેલ છે. ટૂંકમાં, ગુજરાતના ગામડાંઓમાંથી પણ હવે ભૂંસાતા જતી લગ્નપરંપરાનો આ એક ઐતિહાસિક દસ્તાવેજ છે જે દરેક ગુજરાતીના ઘરમાં હોવો ઘટે…

Comments (8)

અલબેલો અંધાર – વેણીભાઈ પુરોહિત

એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો,
તમરાંની ત્રમત્રમ વાણીમાં કંઈ પાયલનો ઝંકાર હતો.

એ રાત હતી ખામોશ, અને માટીનું અત્તર લાવી’તી,
મેડીમાં દીપક જલતો’તો એ દીપક નહિ પણ પ્યાર હતો.

જલ વરસીને થાકેલ ગગનમાં સુસ્ત ગુલાબી રમતી’તી
ધરતીનો પટ મસ્તાન, મુલાયમ, શીતલ ને કુંજાર હતો.

ખૂટે તે કેમ વિખૂટો રસ્તો, એકલદોકલ રાહીનો ?
નાદાન તમન્ના હસતી’તી ને તડપનનો તહેવાર હતો.

જ્યાં કોઈ વસી જ શકે નહિ, પણ જ્યાં અવરનવર સંગ્રામ થતા,
બે સરહદની વચ્ચેનો ટુકડો એવો આ અવતાર હતો.

આ દિલ પોતાને ડંખી ડંખી હાય રે ચટકા ભરતું’તું,
એ ચુંબનથી ચંદરવો આખો કેવો બુટ્ટાદાર હતો !

માસૂમ હવાના મિસરાઓમાં કેફી ઉદાસી છાઈ હતી,
કુદરતની અદા, કુદરતનીઅદબ, કુદરતનો કારોબાર હતો.

ઊર્મિનું કબૂતર બેઠું’તું નિજ ગભરુ દર્દ છુપાવીને,
આંખોમાં જીવન સ્વપ્ન હતાં, પાંખોમાં જીવનભાર હતો.

ભરતીને ઓટ કિનારે ભમતાં, પણ હું તો મઝધાર હતો,
મન ભીનું ભીનું જલતું’તું, એ આતશનો આધાર હતો.

– વેણીભાઈ પુરોહિત

વેણીભાઈની એક ઊર્મિશીલ રચના. બે સરહદની વચ્ચેનો ટુકડો અને ઊર્મિનું કબૂતરવાળા બે શેર નાનપણથી મારી જીભે ચડી ગયેલા એ કારણોસર આ ગઝલ તરફ એક ખાસ કહી શકાય એવો પક્ષપાત હું અનુભવું છું…

Comments (3)

જિંદગી કોને કહો છો ? – મકરન્દ દવે

જિંદગી કોને કહો છો, જો નહિ
આંખમાં લાલી ભરી સ્વપ્નો તણી ?
ને સ્વપ્નને સાચાં કરી ઊતારવા
ઝંખતી ના આરઝૂ હૈયા તણી ?

જિંદગી શી ચીજ છે, જો એ નહિ
કૂચ સાધે ધ્યેયની રેખા ભણી ?
ફુરસદ નહિ યે બે ઘડી ખોટી થવા
મોજ મીઠી માનવા આંસુ તણી ?

જિંદગી શું છે કહોને, જો નહિ
તાઝગી જાણે કદી એ તેજની ?
વિશ્વને અંધાર જો એ ના બને
અંત સુધી સળગતી અગ્નિકણી ?

-મકરન્દ દવે

ગઝલની ચાલમાં ચાલતું જિંદગીને વિધાયકભાવે સ્વીકારવા અને સદા અગ્રેસર થવા આહ્વાન આપતું ઊર્મિકાવ્ય…

Comments (5)

ગઝલ -રાહી ઓધારિયા

હું જેમ જેમ તારો દીવાનો થતો ગયો-
બસ એમ એમ મારો જમાનો થતો ગયો.

એનો થતો ગયો અને આનો થતો ગયો,
કોને ખબર હું કેમ બધાનો થતો ગયો !

આપી છે તારી પ્રીતે નજરને વિશાળતા,
તારો થયા પછી હું ઘણાનો થતો ગયો.

વ્યક્તિત્વ ઓગળી ગયું તારા વિચારમાં,
મોટા થવાની સાથ હું નાનો થતો ગયો.

કેવી અસર થઈ છે મને તારા સંગની-
જાણે કે હું જ મારા વિનાનો થતો ગયો !

-રાહી ઓધારિયા

માણસ જ્યારે પ્રેમમાં દુ:ખી હોય ત્યારે એને લાગે છે કે એનું દુનિયામાં કોઈ જ નથી. પરંતુ પ્રેમનાં પરમાનંદમાં ડૂબેલા માણસને આખી દુનિયા જ પોતીકી લાગે છે… જેને પ્રેમ અને પ્રેમીનાં સંગનો જબરદસ્ત નશો ચડ્યો હોય, એને જો આખી દુનિયા ઉલટીપુલટી ન લાગે તો જ નવાઈ !  🙂

Comments (12)

(કોરો કાગળ) -મેઘબિન્દુ

નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ,
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ કયાંથી કાગળ !

સુખની ઘટના લખું તમોને ત્યાં દુ:ખ કલમને રોકે,
દુ:ખની ઘટના લખવા જાઉં ત્યાં હૈયું હાથને રોકે;
છેકાછેકી કરતાં કરતાં પૂરો થઈ ગયો કાગળ,
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ.

અમે તમારાં અરમાનોને ઉમંગથી શણગાર્યા,
અમે તમારાં સપનાંઓને અંધારે અજવાળ્યાં;
તોય તમારી ઈચ્છા મુજથી દોડે આગળ આગળ,
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ કયાંથી કાગળ !

-મેઘબિન્દુ

મુંબઈમાં- મુલુંડમાં રહેતાં કવિ ‘મેઘબિન્દુ’નું આખું નામ મેઘજી ખટાઉ ડોડેયા (જ.તા. – ૧૯૪૧).  વાંચ્યું છે કે એમની કવિતાનું મૂળ એમની અંગત સંવેદનામાં છે. જ્યારે પ્રિયજનને કાગળ લખવા બેસીએ ત્યારે ઘણીયે વાર લખવાનું ઘણું બધું હોય, પણ તોયે જયાં કાગળ લખવાની શરૂઆત કરીએ ત્યાં તો શું લખવું, શું ના લખવું- ની વિમાસણમાં ડૂબી જવાય છે… અને એ વિમાસણમાં ને વિમાસણમાં જેમાં આખું હૈયું ઠાલવવાનું હોય છે એ કાગળ સાવ અધૂરો જ રહે છે… ઝળઝળિયાંથી આગળ તો જઈ જ નથી શકતું…!  આ સુંદર ગીતનો દિવ્ય ભાસ્કરની હયાતીનાં અક્ષર કોલમમાં આવેલો આસ્વાદ સુ.દ.નાં શબ્દોમાં અહીં વાંચો.

કવિશ્રીનાં કાવ્યસંગ્રહો : સંબંધ તો આકાશ, દરિયો, વિસ્મય

Comments (17)

ગઝલ -કૈલાસ પંડિત

ઘડીમાં રિસાવું ! ખરાં છો તમે,
ફરીથી મનાવું ?  ખરાં છો તમે.

હજી આવી બેઠાં ને ઊભાં થયાં ?
અમારાથી આવું ? ખરાં છો તમે.

ન પૂછો કશુંયે, ન બોલો કશું !
અમસ્તા મૂંઝાવું ? ખરાં છો તમે.

ન આવો છો મળવા, ન ઘરમાં રહો,
અમારે ક્યાં જાવું ? ખરાં છો તમે.

હતી ભાગ્યરેખા ભૂંસાઈ ગઈ,
નવી ક્યાંથી લાવું ? ખરાં છો તમે.

-કૈલાસ પંડિત

આપણનેય સાવ હળવા કરી દેતી સાવ હળવી ગઝલ… જો કે અંતમાં કવિ હળવાશથી ને હળવેકથી ઘણી ગંભીર વાત કરી જાય છે !

Comments (14)

ચાર નયનો – ‘શાદ’ જામનગરી

કેમ વિહ્વળ છું પ્રતીક્ષા પણ નથી,
આમ જો પૂછો તો કંઈ કારણ નથી.

પારદર્શક કાચ જાણે કાયદો,
અવતરણ મધ્યેય કંઈ વિવરણ નથી.

ખૂબ ટીપાયો ઘડાયો ઘાટ પણ,
તાપ, એરણ કે હથોડા, ઘણ નથી.

સાત સાગર પણ ઊલેચાઈ ગયા,
ને હથેળી મધ્યબિંદુ પણ નથી.

ઘર મહીં આવ્યાં અને ચાલ્યાં ગયાં,
ને છતાં પગલાંનાં કંઈ લક્ષણ નથી.

ભાવભીનું છે અહીં સ્વાગત ઘણું,
બારણે બાંધ્યાં કોઈ તોરણ નથી.

આપને જોયા વિના મસ્તક નમે,
મન મનાવું એટલી સમજણ નથી.

ચાર નયનો કંઈક ક્ષણ-બે-ક્ષણ મળ્યાં,
પ્રેમ માટે ‘શાદ’ કંઈ ભાષણ નથી.

-‘શાદ’ જામનગરી

એક એવી ગઝલ જેને જેટલી વધુવાર ઘૂંટીએ, એ વધુ ને વધુ ગમતી જાય અને અર્થોના નાનાવિધ આકાશ ઉઘડતાં જાય…

Comments (7)

…આપો – ‘સાકિન’ કેશવાણી

રહી પડદામાં દર્શનની ઝલક થોડીઘણી આપો,
ન આપો ચંદ્ર મારા હાથમાં, પણ ચાંદની આપો.

પ્રતીક્ષાને બહાને જિંદગી જીવાઈ તો જાશે,
તમારા આગમનની કંઈ ખબર ખોટીખરી આપો.

સિતારી ના ધરો મુજ હાથને બંધનમાં રાખીને,
જો મારા હોઠ સીવો તો ન મુજને બંસરી આપો.

વધુ બે શ્વાસ લેવાનું પ્રલોભન પ્રાણને આપું,
મને એવી મિલન-આશા તણી સંજીવની આપો.

હું કોઈની અદાવત ફેરવી નાખું મહોબ્બતમાં,
તમે ‘સાકિન’ને એવો પ્રેમનો પારસમણી આપો.

– ‘સાકિન’ કેશવાણી (મહમ્મદ હુસેન હબીબભાઈ કેશવાણી)
(૧૨-૦૩-૧૯૨૯ થી ૩૧-૦૩-૧૯૭૧)
ગઝલ સંગ્રહ: ‘આરોહણ’, ‘ચાંદનીના નીર’

આ ગઝલ વિશે વાત કરતી વખતે કવિ હરીન્દ્ર દવે કહે છે, ‘ વિષ્ણુ અને નારદ વચ્ચે સંવાદ થાય અને નારદ જો વિષ્ણુને પૂછે કે પ્રભુ! આ મૃટ્યુલોકના માનવીઓ તમારી પાસે ઘણું ઘણું માંગતા હોય છે પણ એમાં સૌથી સરસ માગણી કરતાં કોને આવડે છે? તો ભગવાને ઉત્તર આપ્યો હોત, દેવર્ષિ, માગણી કરતા તો બે જ માણસોને આવડે છે – કવિને અને પ્રેમીને. કવિ અને પ્રેમીજન જે માગણી કરે છે એ હંમેશા અદભુત હોય છે – કારણ કે તેઓ ભાગ્યે જ પોતાના માટે કંઈક માંગે છે. એમાં ‘હું’ કે ‘મને’ આવે ત્યારે પણ એ શબ્દો તમામ વાંચનારા માટે અને પ્રેમ કરનારાઓ માટે સાચા હોય છે.

યુવાન વયે અચાનક નિધન પામનાર આ કવિની આ ગઝલમાં કવિ અને પ્રેમી બંનેની માગણી એક જ બિંદુ પર આવીને કેન્દ્રિત થઈ છે. લગાતાર દર્શન નહીં, એક ઝલક આપો… આખો ચંદ્ર નહીં, માત્ર ચાંદની આપો… આખા વિશ્વના નફરતના લોઢાને કંચન બનાવી શકે એવો પારસમણી આપો…

Comments (8)

ગોપીસંદેશ – અનુ. ડૉ. હરિવલ્લભ ભાયાણી

ઓ મથુરાપથિક !
જઈને કૃષ્ણ દ્વારે
તારસૂરે
આટલું ઉદ્ગારજે ગોપીવચન :
‘કાલિંદીનાં જળ
કાળી વિષજ્વાળે
ફરી સળગી ઊઠ્યાં…’

-અનુ. ડૉ. હરિવલ્લભ ભાયાણી

ગોપીની વેદનાની ચીસ સમું લઘુકાવ્ય… ગોપી અને કૃષ્ણનો પ્રેમ એટલા માટે ચિરંજીવ થયો કે બેમાંથી કોઈએ મમત્વ ન દાખવ્યું. ગોપીને અણસાર આવી ગયો હતો કે આ તો વિશ્વનો તારણહાર છે એને પાલવડે ન બંધાય. ગોપીએ કૃષ્ણને કોઈ પણ શરત વિના મુક્ત કર્યા અને એટલે કૃષ્ણ જન્મજન્માંતર સુધી એનો બની ગયો… પણ ત્યાગ કંઈ વિરહની ઔષધિ પણ તો નથી ને ! વિયોગ પીડે નહીં તો પ્રેમ કેવો? ગોપી એની સહજ સરળ ભાષામાં મથુરા જતા યાત્રીને કૃષ્ણને માત્ર એટલું જ કહેવા કહે છે કે કાલિંદીના જળ વિરહની વિષજ્વાળાઓથી ફરી સળગી ઊઠયાં છે. કવિતા આ વાત કહેવાની પદ્ધતિમાં છે. વાત તારસૂરે કહેવાની છે જેથી કૃષ્ણને વાતનો મૂળ તંતુ પકડાય. કવિતા જળના સળગવાની વાતમાં છે… કાલીનાગને તો નાથી લીધો, ક્હાન… હવે વિરહના સર્પને શીદ નાથશો?!

Comments (3)

ઝૂમાં – નિરંજન ભગત

(સિંહને જોઈને)

એ છલંગ,
એ જ ન્હોર
નેત્રમાંય એ જ તેજ, એ જ તોર
એ ઝનૂન
એ જ તીક્ષ્ણ દંત છે ચહંત એ જ ખૂન,
પૌરુષે પ્રપૂર્ણ એ જ રોમ રોમ,
રે, પરંતુ ચોગમે નથી વિશાળ વન્યભોમ.
પિંજરે પૂરી તને જણાવશું
સમાજની કળા બધીય, સભ્યતા ભણાવશું,
અને બધાય માનવી અમે થશું
તને જ જોઈ જોઈ સભ્યતા થકી પશુ.

– નિરંજન ભગત

એક નાની અમથી ઘટના. ઝૂમાં પાંજરે પૂરાયેલો સિંહ. આ ઘટનામાંથી આપણામાંથી કોણ પસાર નહીં થયું હોય? પણ કવિ એ જે સામાન્યને અસામાન્ય કરી દે. કવિતા એ જે જીવનમાંથી જન્મે પણ જીવનને જીવવા જેવું બનાવે. માણસ સિંહને પાંજરે પૂરી સભ્યતા ભણાવે છે કે પછી પાંજરે પૂરેલા સિંહને જોઈ જોઈને ખુદ જનાવર થતો જાય છે? કવિતામાં કવિએ ગુલબંકી છંદનો એટલો બખૂબી પ્રયોગ કર્યો છે કે સિંહની ગતિ, એનું જોમ અને એનો જોરાવર જુસ્સો મોટેથી કાવ્યપઠન કરતાં હોઈએ તો સહજ અનુભવાય. ગાલગાલગાલગાલની ચાલમાં ચાલતો આ છંદ કવિતાને કેવો ઉપકૃત નીવડ્યો છે !

Comments (8)

Page 1 of 4123...Last »