હું કહું છું તે મને સમજાય છે
બહુ કઠિન છે અન્યને સમજાવવું
ભરત વિંઝુડા

એકાંતનો સિક્કો – ચિનુ મોદી

સાવ ખાલીખમ સમયનો સામનો ક્યાંથી ગમે ?
દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે ?

હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને
બે ય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?

એ ખરું કે જીરવી શકતો નથી ઉકળાટ, પણ
એક છાંટો પાછલા વરસાદનો ક્યાંથી ગમે ?

પાંદડાં ઝાકળ વિખેરે, ડાળ પણ નિર્મમ થતી,
કોઈને પણ આ તકાદો કાળનો, ક્યાંથી ગમે ?

મૌનનાં ઊંચા શિખર આંબ્યા પછી ‘ઈર્શાદ’ને
શેષ વધતો ટુકડો આકાશનો ક્યાંથી ગમે ?

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

ખાલીપણા અને એકલતાના બોજની વ્યથાનો બોજ ઊઠાવીને ચાલતી આ ગઝલ વાંચતા અંદર કશું તડાક્ તૂટતું અનુભવાય છે. ઓળંગી ન શકાય એવા એકાંતની વાત કવિએ કેવી ઋજુતાથી કરી છે! આ એક એવી એકલતા છે જ્યાં ડાબે-જમણે ગમે ત્યાં વળો, એકાંત ને એકલતા સિવાય બીજું કંઈ જ નથી.

8 Comments »

  1. pragnaju said,

    October 11, 2009 @ 3:44 AM

    પાંદડાં ઝાકળ વિખેરે, ડાળ પણ નિર્મમ થતી,
    કોઈને પણ આ તકાદો કાળનો, ક્યાંથી ગમે ?
    … આ તો મારી સ્થિતી!
    પરંતુ મારી જાત સાથેનું એકાંત અને અન્યો સાથેનો સંવાદ – આ બન્નેનું સંતુલન અને પ્રમાણભાન જળવાય છે.
    ગેબ્રિયલ ગાર્શિયા માર્ક્વેઝ નામના નોબલપ્રાઇઝ વિનર કોલંબિયન લેખકની ‘મેમરીઝ ઓફ મેલેન્કલી વ્હોર્સ’ નામની લઘુનવલનો નેવું વર્ષનો નાયક કહે છે: ધેર ઇઝ નો ગ્રેટર મિસફોરર્યુન ધેન ડાઇંગ અલોન …જેવું હજુ નથી.
    પણ કદાચ જિંદગીના અસ્તાચળે તમે એકલતાથી પીડાઇ રહ્યા હો, મોત સાવ નજીક આવી ગયું હોય અને તમારી આસપાસ એક પણ સ્વજન કે પ્રિયજન ન હોય તો એના જેવી કમનસીબી બીજી એકેય નથી….!!
    વરસાદ વરસતો હોય, મન એકાંત કે એકલતા કંઇ પણ અનુભવતું હોય અને મન થાય ત્યારે બારી પાસે બેઠા બેઠા અમારા બારડૉલીના પાતરા શાથે ગરમ ચાની ચુસકી લઇ શકતા હોઇએ તો એ ચોક્કસપણે નાની સદનસીબી ગણાવી જોઇએ…………………………………..

  2. ફારુક ઘાંચી 'બાબુલ' said,

    October 11, 2009 @ 4:00 AM

    કવિના ઋજુ હ્ર્દયને સાલેલી એકલતાનો પડઘો ‘ઇર્શાદ’ ના એકે એક શેરમા અદભૂત પ્રકટ થયો છે. સર્વશ્રી ચિનુ મોદી સાહેબ બખૂબ અન્દાજે બયાઁના માહિર છે એ સર્વવિદિત – જાહેર છે જ. એમની ગઝલ ને સાદર મારો એક શેર અર્ઝ છે.

    છે હ્રદય ભીનુ ભીનુ કે
    લાગણીની ભિનાશ છે
    કહી શકે ગઝલમા તો
    ‘બાબુલ’જી ઇર્શાદ છે

  3. mrunalini said,

    October 11, 2009 @ 4:00 AM

    કવિ સુરેશ દલાલે લખ્યું છે —
    તું મને ખૂબ પ્રિય છેછતાંયમારા એકાંતની ભીતરહું તને નહીં પ્રવેશવા દઉં.
    તું મને ખૂબ પ્રિય છેએટલે જમારા એકાંતની ભીતરહું તને નહીં પ્રવેશવા દઉં.
    તું મને ખૂબ પ્રિય છેમારા એકાંતથી યે વિશેષએટલે તને બહાર પણ નહીં નીકળવા દઉં.
    કદાચતું જ મારું એકાંત છેઅને તું જ છેમારી એકલતા.
    રસાસ્વાદ પ્રમાણે-ખાલીપણા અને એકલતાના બોજની વ્યથાનો બોજ ઊઠાવીને ચાલતી આ ગઝલ વાંચતા અંદર કશું તડાક્ તૂટતું અનુભવાય છે.લુરચી આત્મીયતા જેવું કશું હોય છે ખરું? કયારેક લાગે કે આત્મીયતા એકદમ સરળ લાગણી છે, પણ એકલતાની પળોમાં ભાન થઇ જાય કે આત્મીયતા પણ એક ગુંચવાડાવાળી લાગણી હોઇ શકે. પ્રેમની જેમ. પણ મુખવટો ઓઢીને આવેલી આત્મીયતાને આત્મીયતા જ કેવી રીતે કહેવાય?કોઇ કોઇમાં આ ટાપુ એકદમ હર્યો ભર્યો હોય તો કોઇમાં બિહામણો અને વેરાન. માણસની આંતરિક સમૃદ્ધિ આ ટાપુ પરથી જ નક્કી થતી હશે?

  4. Kirtikant Purohit said,

    October 11, 2009 @ 6:22 AM

    હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને
    બે ય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?

    એ ખરું કે જીરવી શકતો નથી ઉકળાટ, પણ
    એક છાંટો પાછલા વરસાદનો ક્યાંથી ગમે ?

    કેટલા સરસ સંવેદનાના સૂર.

  5. sudhir patel said,

    October 11, 2009 @ 1:40 PM

    સુંદર ગઝલ! પ્રથમ બન્ને શે’ર વિશેષ ગમ્યાં.
    સુધીર પટેલ.

  6. Gaurang Thaker said,

    October 12, 2009 @ 10:15 AM

    એક સુદર ગઝલનુ ઉદાહરણ પૂરુ પાડતી રચના…પસદગી બદલ લયસ્તરોને અભિનદન…

  7. ધવલ said,

    October 12, 2009 @ 9:06 PM

    મૌનનાં ઊંચા શિખર આંબ્યા પછી ‘ઈર્શાદ’ને
    શેષ વધતો ટુકડો આકાશનો ક્યાંથી ગમે ?

    સરસ !

  8. રાજેશ.. said,

    August 2, 2013 @ 5:12 AM

    નિઃસ્વાર્થ પણે સ્વાર્થિ બની જવાય છે,
    તુ પ્રેરણા નુ ઝરણુ છે જ એવુ, નથી વહેવુ તોય વહિ જવાય છે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment