વિપિન પરીખ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
June 23, 2010 at 9:00 pm by ઊર્મિ · Filed under અછાંદસ, વિપિન પરીખ
મને મેવાડમાં મીરાં મળી નહીં.
મને વૃંદાવનમાં રાધા મળી નહીં.
પણ કદાચ,
એમાં મારો પણ દોષ હોય.
મેં મુંબઈ છોડ્યું જ ન હોય !
-વિપિન પરીખ
આ કવિતા એટલે ગાગરમાં સાગર. કૈંક મેળવવા માટે કૈંક છોડવું પડે- એટલી સમજણ જો આવી જાય તો ભયો ભયો ! અહીં મને રાજેશ વ્યાસ ‘મિસ્કીન’નો ખૂબ જ પ્રખ્યાત શે’ર યાદ આવે છે: તારું કશું ન હોય તો છોડીને આવ તું; તારું જ બધું હોય તો છોડી બતાવ તું !
Permalink
April 26, 2010 at 6:28 pm by ધવલ · Filed under અછાંદસ, વિપિન પરીખ
સુખ,
ચાલીના નળમાંથી માંડમાંડ ટપકતું પાણી ટીપે ટીપે.
દુ:ખ,
ચર્ચગેટના સ્ટેશન પર
ઊતરતાં ટ્રેનમાંથી એક પછી એક
માણસોના મોજાં…
દરિયો…
- વિપિન પરીખ
ચંદ શબ્દોના લસરકાથી તીણું શબ્દચિત્ર દોરવાની વિપિન પરીખની આવડત અદભૂત છે. મુંબઈના માણસના સુખ-દુ:ખનો હિસાબ એની જ ભાષામાં કવિએ કરી આપ્યો છે.
Permalink
December 26, 2009 at 4:48 am by વિવેક · Filed under અછાંદસ, વિપિન પરીખ
રીટા,
એક વૃદ્ધ તમારી પાસે આવશે
એ કેટલા વખતથી હઠ લઈને બેઠો છે :
એને તમને કશું કહેવું છે
તમે એને ના ન કહેશો
એ આવશે
કશું બોલવાનો પ્રયત્ન કરશે
બોલી શક્શે નહીં, થોથવશે.
ધ્રુજશે ને પછી
એક શબ્દ પણ બોલ્યા વિના
પાછો ચાલી જશે,
પચાસ વર્ષ પહેલાં ચાલી ગયો હતો તેમ જ !
-વિપિન પરીખ
રીટા નામની કાલ્પનિક પ્રેયસી સાથેનો કાવ્યનાયકનો આ સંવાદ કવિતા પૂરી થાય ત્યારે હૈયામાં એક ટીસ જન્માવે છે. પચાસ વર્ષના એકપક્ષી પ્રેમ અને પચાસ વર્ષની નિષ્ફળ પ્રતીક્ષાના અંતે કાવ્યનાયક પ્રિયામિલનની આશા ત્યજી શક્યો નથી. પ્રેમ હઠીલો છે. શરીરે કરચલી પડી ગઈ છે, હોઠ થોથવાવા માંડ્યા છે અને પ્રેયસીને જે કહેવું છે એ કહેવાની હિંમત તો પચાસ વર્ષ પહેલાં પણ નહોતી અને કદાચ આજે પણ નથી પણ પ્રેમનો દેહ એવો ને એવો જ છે… અજર. અમર. સુરેશ દલાલ આ કવિતાને નિષ્ફળ પ્રેમની સફળ કવિતા તરીકે ઓળખાવે છે.
Permalink
September 29, 2009 at 9:30 pm by ધવલ · Filed under અછાંદસ, વિપિન પરીખ
મકાન પડી ગયું
બાળક દટાઈ ગયું ને
ડોસી બચી ગઈ.
‘આમ કેમ?’ એ પ્રશ્નને
એ લોકો કાટમાળ સાથે ઉપાડી ગયા.
- વિપિન પરીખ
Permalink
September 3, 2009 at 1:33 am by વિવેક · Filed under અછાંદસ, વિપિન પરીખ
ચોર બજારમાં
બુદ્ધની એક સુંદર મૂર્તિ મળી ગઈ
નાની ને સુરેખ
થોડુંક ‘બારગેઇન’ કરવું પડ્યું પણ
બહુ સસ્તામાં સોદો પતી ગયો !
ઑફિસમાં ટેબલ પર જ રાખી છે
‘ડેકોરેટિવ’ તો લાગે જ છે પણ
પેપરવેઇટ તરીકે પણ કામ આપે છે !
તમને ગમી ?
-વિપિન પરીખ
આ કવિતા વાંચો અને એક ચાબખાનો સોળ પીઠ પર ન અનુભવાય તો જ નવાઈ ! ચોરબજારથી વાત શરૂ થાય છે ત્યારથી આખું કાવ્ય તિર્યક વ્યંજના સ્વરૂપે ‘વહેતું’ રહે છે. ઈશ્વરને ચોરબજારમાંથી ‘બરગેઇન’ કરીને સસ્તામાં ખરીદીને ‘ટેબલ’ પર શો-પીસ તરીકે તો ક્યારેક પેપરવેઇટ તરીક ગોઠવી દેવાની વાત છે. તમને ગમી (?)ના પ્રશ્ન સાથે કવિ એક વ્યક્તિગત અનુભૂતિને સાર્વત્રિક જડત્વનું રૂપ આપી દે છે. સાચો ઈશ્વર આજે આપણા કોઈના પણ દિલમાં વસે છે ખરો ? અખાનો ‘એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’ વાળૉ છપ્પો યાદ આવી જાય છે… સાથે જ હરિવંશરાય બચ્ચનની ‘બુદ્ધ’ વિશેની એક કવિતા જે ‘બચ્ચન રિસાઇટ્સ બચ્ચન’ સીડીમાં અમિતાભે સ્વરબદ્ધ કરી છે એ પણ સાંભળવા જેવી છે.
Permalink
November 9, 2008 at 12:30 am by વિવેક · Filed under અછાંદસ, વિપિન પરીખ
મને મારી ભાષા ગમે છે
કારણ બાને હું બા કહી શકું છું.
‘મમ્મી’ બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં.
તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ
મેં ‘મમ્મી’ કહીને બૂમ પાડેલી.
બા ત્યારે સહેજ હસેલી -
કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ લખી શકતી.
બા બેંકમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી અને
રાત્રે ‘લાયન્સ’ પાર્ટીમાં ગઈ હોય એવું યાદ પણ નથી.
બા નવી નવી ‘ડિશ’ શીખવા ‘cooking class’માં ગઈ નહોતી
છતાં ઇંગ્લિશ નામ ખડક્યા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.
મને મારી ભાષા ગમે છે,
કારણ મને મારી બા ગમે છે.
-વિપિન પરીખ
ભાષા અને બા કદાચ એકબીજાના પર્યાય છે. દુનિયાની કોઈપણ ભાષાસંસ્કૃતિમાં બાળક પહેલાં બોલતાં જ શીખે છે અને પછી જ વાંચતા-લખતા. ગુજરાતી ભાષા આજે મરણાસન્ન થઈ છે કારણ કે આપણી બા આજે ‘મમ્મી’ કે ‘મૉમ’ બની ગઈ છે. ગુજરાતીઓ જેટલા અલ્પભાષાપ્રેમી વિશ્વમાં અન્યત્ર ક્યાંય જડે એમ નથી. ઘરમાં ખોટું અંગ્રેજી બોલવામાં ગૌરવ અનુભવવાની માનસિક ગુલામી ન છૂટે ત્યાં સુધી આપણું બાળક ગુજરાતી બનવાનું નથી અને આપણી ભાષા ટકવાની નથી. બા અભણ હતી, નોકરી નહોતી કરતી અને પાર્ટીઓમાં પણ નહોતી જતી. એણે રાંધવા માટે કોઈ ક્લાસ ભરવા નથી પડ્યા. પાકશાસ્ત્રની ચોપડીઓ પ્રમાણે તોળી-તોળીને એણે કદી રાંધ્યું નહોતું. એની રસોઈકળા સીધી દિલમાંથી નીકળતી હતી અને એના હાથ ત્રાજવાના મિલિગ્રામ-ગ્રામ કરતાં વધુ સચોટ હતા એટલે તોલ-માપ વિના પણ એ જે મસાલા નાંખતી હતી એ એની રસોઈને અમૃતકરાર આપી દેતા હતા. આજે ઝડપથી બાની બદલાઈ રહેલી પરિભાષા આપણી ભાષાના ભવિષ્ય સાથે શું સુસંગત નથી?
Permalink
July 30, 2008 at 8:16 pm by ધવલ · Filed under અછાંદસ, વિપિન પરીખ
હંમેશા સાથે ને સાથે જ વહેતા ને
એકમેકથી એક પળ પણ અળગા ન થતા
કાષ્ટના બે ટુકડા ક્યારેક
એકબીજાથી કેટલા દૂર નીકળી જાય છે ?
જાણે પહેલાં કોઈ પરિચય જ નહોતો !
પણ
નદીને કોઈ એક ક્ષણે
બધું યાદ આવી જાય છે ને
તેના બેઉ કાંઠા
આંસુથી ઉભરાઈ જાય છે.
- વિપિન પરીખ
Permalink
June 23, 2008 at 10:04 pm by ધવલ · Filed under અછાંદસ, વિપિન પરીખ
એક રવિવારની સાંજે
અમે બસ આમ જ ચર્ચામાં ઊતરી પડ્યા :
‘ક્યો માણસ જિંદગીમાં સફળ થાય છે ?’
એકે કહ્યું, ‘એ જ માણસ સફળ થાય છે -
જે પોતાના ધ્યેય પાછળ રાતદિવસ મંડી રહે છે.’
તો બીજો કહે: ‘જે સંજોગોને સમયસર ઝડપી લે છે
તે જ સફળ થાય છે.’
તો વળી કોઈ કહે: ‘ગમે તે હો ભાગ્ય વિના અહીં
કોઈને કશું મળતું નથી.’
પણ એકે જે કહ્યું તે સાંભળીને બધા હસી પડ્યા.
એણે કહ્યું:
‘સફળ માણસો કવિતા નથી લખતા.’
-વિપિન પરીખ
આ કવિતા વાંચતા પહેલી નજરે જ ખરી જ લાગે છે… કે ખરી નથી લાગતી ? … કે ખાલી હસવુ જ આવે છે ?… કે ગુસ્સો આવે છે ? …. કે પછી બગાસુ આવે છે ? ….. યારો, કવિતાની વાત છે … જરા દિલ પર હાથ રાખીને જવાબ આપજો !
Permalink
February 27, 2008 at 10:58 pm by ધવલ · Filed under અછાંદસ, વિપિન પરીખ
હવે હું જીવનમાં બરોબર ગોઠવાઈ ગયો છું.
ડેલ કાર્નેગીએ સાચે જ સોનાની કૂંચી આપી દીધી છે.
આપોઆપ બધે ખૂલતાં જાય છે દ્વાર.
હા, કોઈ માંદું પડે તો તરત જ પહોંચી જાઉં છું પાસે.
કોઈની વર્ષગાંઠ હોય ત્યારે ફૂલનો ગુચ્છો મોકલવનું ભૂલતો નથી.
અને સારેમાઠે પ્રસંગે તાર કરવાનું પણ ચૂકતો નથી.
ઓફિસમાં બધા હસતા ચહેરા નિર્દોષ જ હોય
એમ માનું એવો બાળક રહ્યો નથી હવે.
પ્રત્યેકની એક કિંમત હોય છે એ સત્ય
નસેનસમાં લોહીની જેમ વહી રહ્યું છે.
યાદ આવે છે:
પહેલી વાર સ્મશાને ગયો તે પછી
કેટલીય રાત જંપીને સૂઈ ન’તો શક્યો,
પણ હવે તો
મને નનામી બાંધતા પણ આવડી ગઈ છે.
- વિપિન પરીખ
માણસ મોટો જાય છે એની સાથે મનથી ખોટો થતો જાય છે. જીવવાની રમતમાં જીતવા માટે માણસ ક્યારે અંચઈ કરતા શીખી જાય છે અને પછી, એ શીખની શેખી મારતો થઈ છે એનો ખ્યાલ એને પોતાને આવતો નથી. આને પરિપક્વતા કહો કે વ્યહવારિકતા. વાત તો એક જ છે. અને એ વાતને કવિએ અહીં બહુ ચોટદાર રીતે કરી છે. છેલ્લે કવિ ‘નનામી બાંધતા આવડી ગઈ છે’ એમ કહે છે તો લાગે છે કે એ પોતે પોતાની જાતને કકડે કકડે મરતી જોઈ રહ્યા છે અને એટલે પોતાની નનામીની તૈયારી કરી રહ્યા છે.
Permalink
January 7, 2008 at 5:06 am by ધવલ · Filed under અછાંદસ, વિપિન પરીખ
ચલો, એક દિવસ આપણે એમ વરતીએ
જાણે લગ્નનો પહેલો દિવસ છે.
તું કહેશે તો એ દિવસ હું ઑફિસ નહીં જાઉં.
હું તને કહીશ, ‘રસોઈ તો રોજની છે. એને બાજુએ મૂક.
આવ મારી પાસે બેસ.’
ભરબપોરે દરિયાકિનારે આપણે હાથમાં હાથ દઈ દોડીશું,
અથવા રેતીમાં ઊંચા ઊંચા મહેલ ઊભા કરીશું.
એ દિવસે તારી સાડીનો રંગ હું પસંદ કરીશ.
તું આનાકાની નહીં કરે.
મિત્રોની મહેફીલમાં હું પડ્યોપાથર્યો નહીં રહું.
તને છોડીને ઘરની બહાર હું ક્યાં જઈશ ?
એક પણ પુસ્તકને હાથ નહીં લગાડું – સોગંદ ખાઉં છું.
રાત્રે બત્તીના પ્રકાશ માટે આપને ઝગડશું – તું ના કહેશે.
અંધકાર ગાઢ થતો જશે અને છતાં
તું મને સૂવા નહીં દે.
સવારે તારા હોઠને ભીના કરી હું તને જગાડીશ.
પણ અત્યારે તો
આપણે ઊંઘ વિના તરફડતી પાંપણ જેવા…
જુદાં…
- વિપિન પરીખ
વિપિન પરીખ લગ્નની હકીકતને બહુ કાળજીથી વર્ણવી જાણે છે. પ્રેમ જ્યારે લગ્નની હકીકત સાથે ટકરાય છે ત્યારે કેવી ચીસ સાથે એના ચૂરેચૂરા થઈ જાય છે એની આ કવિતામાં વાત છે. આ કવિતા વાંચતા વાંચતા તરત ‘આવિષ્કાર’ ફીલ્મ યાદ આવી ગઈ. એમાં પણ આ જ રીતે ફ્લેશબેકના ઉપયોગથી એક પ્રેમલગ્નનાં તૂટવાની વાત હતી.
Permalink