આ ડગમગતા શ્વાસોનો ટેકો થવા,
મરણ આવશે તે અટલ આવશે.
– અશરફ ડબાવાલા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હર્ષવી પટેલ

હર્ષવી પટેલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(કેમ થતી નથી!) – હર્ષવી પટેલ

છે પ્રયત્નરત સહુ તે છતાં આ સવાર કેમ થતી નથી!
ને યુગો યુગોથી આ રાત છે, એ પસાર કેમ થતી નથી!

કદી તારી ભાવસભર નજર, એ હકાર કેમ થતી નથી?
ને કદી કળાય ઉપેક્ષા જે એ નકાર કેમ થતી નથી?

બધી બારીઓને ઉઘાડી મેં, તે છતાં પ્રવેશી ન ખુશબૂઓ
અને ઘરમાં છે જે હવડ હવા તે ફરાર કેમ થતી નથી?

ખુશી સ્વાંગ બદલીને જે રીતે સદા વેદના બની જાય છે,
કદી રૂપ બદલી, મનોવ્યથા! તું કરાર કેમ થતી નથી?

મને ખ્યાલ છે કે આ જિંદગી એ ગતિનું નામ છે તે છતાં
એ રઝળવું કેમ બની જતી? એ લટાર કેમ થતી નથી?

કૃપા થાય તોય અમુક ઉપર, અને એય થાતી જરાતરા,
એ થતી ન કેમ બધા ઉપર? એ અપાર કેમ થતી નથી?

– હર્ષવી પટેલ

હર્ષવી પટેલ ગુજરાતી ગઝલની તેજસ્વી આજ છે. આપણી ભાષામાં પ્રમાણમાં જૂજ ખેડાયેલ કામિલ છંદમાં એક સરસ મજાની ગઝલ તેઓ લઈ આવ્યાં છે. આખેઆખી રચના જ આસ્વાદ્ય થઈ છે… દરેક શેર હળવેથી હાથમાં લેવા જેવા… મને જો કે ફરાર-કરાર અને લટાર સવિશેષ ગમ્યા.. બધી જ બારીઓ ખોલી નાંખવા છતાં બહારથી ખુશબૂ અંદર ન આવે અને અંદરની હવડ હવા બહાર ન નીકળી જાય એ પરિસ્થિતિ આપણે સહુએ ક્યારેક ને ક્યારેક અનુભવી જ હશે. ખોલવા ને ખૂલવામાં ક્યાંક કોઈક ઉણપ રહી ન ગઈ હોય તો આ બને નહીં. ખુશી અને વ્યથાને સર્જક જે સવાલ કરે છે, એય મજાનો છે. ખુશીને નાનકડી વાતે દુઃખ બની જતાં વાર નથી લાગતી, પણ વ્યથા શા માટે આ જ નિયમ અપનાવીને ખુશીમાં નથી ફેરવાતી? રઝળવું અને લટાર તો ભઈ વાહ!

Comments (28)

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે – ૦૪

લયસ્તરો પર ઘણા સમય પહેલાં મૈત્રી-વિષયક શેરો અને સુભાષિતોની સરવાણીમાં આપણે ભીંજાયા હતા… જેમને નાનકડી ટાઇમ-ટ્રાવેલમાં રસ હોય એ મિત્રો આ ત્રણ લિન્ક ઉપર ક્લિક કરી શકે છે – કડી-૦૧, કડી-૦૨, કડી-૦૩. આજે માણીએ ચોથી કડી.

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.

શ્રી ચિત્રભાનુ મહારાજના હૃદયમાંથી ફૂટેલી આ સરવાણી સમગ્ર વિશ્વના મનુષ્યોના દિલની એકમાત્ર આરત છે, સંબંધ કોઈ પણ હોય, એમાં મૈત્રીભાવ હોય અને વળી એ ઝરણાંની જેમ અસ્ખલિત વહ્યા જ કરતો હોય તો જીવનમાં કેવળ શુભમંગળ જ થાય. માતા અને સંતાનનો સંબંધ તમામ સંબંધોમાં સર્વોપરી લેખાયો છે. પતિ-પત્નીનો સંબંધ જનમજનમનો નાતો ગણાવાયો છે… પણ આ તમામ સંબંધમાં પારાવાર સમસ્યાઓ સર્જાતી આપણે જોઈ-અનુભવી છે. પણ બે સાચા મિત્રો વચ્ચે કદી સમસ્યા જન્મ લેતી નથી. અહીં સાચા શબ્દ ઉપરથી ધ્યાન હટે નહીં, એનું આપણે ધ્યાન રાખવાનું છે. કહેવાતા મિત્રો તો હજારો હોય, એની વાત આપણે ઉપરોક્ત કવિતાના સંદર્ભમાં નથી કરી રહ્યા. પણ સાચા મિત્રો વચ્ચે લાખ મતભેદ થવા છતાં કદીય ખટરાગ જન્મતો નથી, કારણ કે સાચી મૈત્રીના કમળને હક, અપેક્ષા, શંકા અને અહંકારનો કાદવ અડકી શકતો નથી-

હક, અપેક્ષા, શક, અહમના પંકની વચ્ચેથી જે,
પદ્મ સમ નિર્મળ અગળ ખીલી શકે એ પ્રેમ છે!

મૈત્રી દિવસના સંદર્ભે આપણે પૌરાણિક ગુજરાતી સુભાશિત-દોહાઓથી લઈને આપણા પૂર્વસૂરિઓની કેફિયત છેલ્લી ત્રણ કડીઓમાં જોઈ… પણ આજની તારીખે ગુજરાતી કવિતાના આકાશમાં જે પેઢીઓ રંગો રેલાવી રહી છે, એ પેઢીઓને પણ આ બાબતમાં કંઈક ને કંઈક તો કહેવાનું હશે જ ને! ચાલો, આપણે આજની સક્રિય પેઢીઓની કલમે મૈત્રીના નાનાવિધ આયામ ચકાસીએ…

તબીબ-કવિ હરીશ ઠક્કર સોંસરો સવાલ લઈને આવ્યા છે-

દુશ્મનના દુશ્મનોને બનાવે છે મિત્ર તો,
દુશ્મનને કેમ મિત્ર બનાવી નહીં શકે?

ગુરુઓના ગુરુ તબીબ-કવિ રઈશ મનીઆરના ખજાનામાં તો દોસ્તીના પ્લસ-માઇનસ વિશેના સેંકડો મોતી હશે, પણ એમાંથી એકાદ-બે મોતીના અજવાળે આપણે આપણો દિવસ અજવાળીએ. સુખમાં પાછળ જે રહે, દુઃખમાં આગળ હોય’ વાળા સુપ્રસિદ્ધ દોહાનું પ્રતિવાક્ય પણ એમણે કેવું સ-રસ અને વેધક બનાવ્યું છે!: ‘સુખમાં પાછળ રહે એટલે કે તમારી પાછળ પડી જાય અને દુઃખમાં આગળ એટલે કે માર પડે ત્યારે ભાગવામાં આગળ હોય એ મિત્ર.’ કવિ તવંગર દોસ્તોની અમીરાઈની ખાલ પણ આબાદ ઉતરડે છે:

અમીર દોસ્ત! આ પૈસાના ઢગની નીચેથી,
ખમીર તારું જો નીકળ્યું, ગરીબડું નીકળ્યું.

દોસ્ત, આઘાત છે, ઉઝરડા નથી
શું બતાવું નિશાન ખોલીને?

પણ એમની કલમે અવતરેલ કાળાતીત શેર આ ટાણે ન ટાંકીએ તો આખી વાત અધૂરી રહી જાય. મિર્ઝા ગાલિબના તીર-એ-નીમકશની યાદ અપાવતો એ અમર શેર આ રહ્યો:

રઈશ! આ દોસ્તો તારા, અધૂરા છે શિકારીઓ,
ખૂંપાવી તીર જે અડધું હરણને જીવતું રાખે.

અને એવો જ ઉત્તમ આ બીજો શેર… આપણા અદિકાવ્યની શરૂઆત જ જે પ્રસંગથી થઈ હતી, એ પ્રસંગનો રણકો આ શેરમાંથી ઊઠતો સંભળાશે. તારા પાપમાં અમે ભાગીદાર નથી એ સત્યની સમજૂતિએ વાલિયા લૂંટારાને વાલ્મિકી બનાવ્યો હતો. એ જ વાતનો પણ સાવ નોખી રીતે અહીં પડઘો પડે છે. મિત્ર હોય કે ગમે એ વ્યક્તિ હોય, કોઈએ કોઈના પર આધાર રાખવો ન જોઈએ:

મારો દીવો તારા ઘરને શી રીતે રોશન કરે !?
દોસ્ત, સૌનું પોતીકું અજવાળું હોવું જોઈએ!

અનિલ ચાવડા દોસ્તીના સમસામયિક રંગોને ગઝલોમાં ઢાળવું વધારે પસંદ કરે છે-

સાંભળ્યું છે માણસોનો સૌથી ઉત્તમ મિત્ર એ પોતે જ છે,
એમ માનીને અમે બેઠા અમારી પીઠને પસવારવા.

કરે હેરાન હરપલ એટલું કે આંખમાં આંસુ જ આવી જાય, પણ;
રડું તો આંસુને ઝાકળ બનાવી દે, હજી થોડાક એવા મિત્ર છે.

સગાવહાલાં ગમે એવાં હશે, એ કડવું સત્ય ઉચ્ચારવાનું આવશે અવશ્ય ખંચકાટ અનુભવશે. દોસ્તી જ એક માત્ર એવો સંબંધ છે, જ્યાં મનમાં હોય એ એમનું એમ કહી દેવાની મોકળાશ હોય છે. અંકિત ત્રિવેદી ખૂબ ઓછા શબ્દોમાં ખૂબ જ માર્મિક ટકોર કરે છે:

જિંદગીમાં દોસ્ત હોવા જોઈએ,
જેની આંખે ખુદને જોવા જોઈએ.

ચાની લારી આજના જીવનમાં જે મહત્ત્વ પામી છે, એ કવિતામાં ન આવે તો શી મજા? કિરણસિંહ ચૌહાણ શું કહે છે એ સાંભળીએ-

ખૂબ વાતો કરીએ પણ પહેલાં કહે,
આટલામાં ચાની લારી ક્યાં છે દોસ્ત ?

સ્મિત દઈને માગી લીધી તેં વિદાય,
દોસ્ત! તારી આ કળા માટેય વાહ.

તો ગૌરાંગ ઠાકરની ફરિયાદમાં સદીઓના અનુભવનો સાદ છે:

આ બીજા છેતરે છે કેમ મને?
મારા મિત્રો મરી ગયાં કે શું?

ગ્લોબલાઇઝેશન જેમ જેમ વધતું ગયું એમ એમ માનવીનું હૈયું સાંકડું બનતું ગયું. દિલની તિજોરીમાં સંબંધોની દોલત ઓછી થતી ગઈ. જુઓ, આ સંદર્ભે વારિજ લુહારનો એક શેર-

ગાડું ભરાય એટલા મિત્રો હતા કદી,
થોડાક મિત્રોથી હવે ગાડું ચાલવું છું.

પરંપરાના શાયર કુતુબ આઝાદ આ બાબતમાં સાચા ધની છે-

મને એવા ‘આઝાદ’ મિત્રો મળ્યા છે
જે મિત્રો નથી કિન્તુ પારસમણી છે

નેહા પુરોહિત સ્ત્રીસહજ સ્વભાવગત દોસ્તીને પ્લસ નંબરના ચશ્માથી જુએ છે:

દોસ્ત, તારા પ્રહાર ખાળી શકું,
એટલો તો ખુમાર રાખું છું!

કોની ગણના, અવગણના પણ કોની કરવી?
કોઈ મિત્ર છે અત્તર જેવા કોઈ મઘમઘ ફુલ!

દરિયા જેવું દીધું, પાછું ઝરમર ઝરમર લીધું;
દોસ્તી નામે નોખું અમરત ઘટ્ટકઘટ્ટક પીધું!

કિરીટ ગોસ્વામીનું વલણ પણ વિધેયાત્મક છે:

રાખ ચાહતનું વલણ તું દોસ્ત, એવું કાયમી;
દુશ્મનોની આંખમાં પણ પ્યાર ફૂટી નીકળે!

હરદ્વાર ગોસ્વામી ઈશ્વરની જેમ ગાયબ રહેતા દોસ્તના નામ પર મસમોટી ચોકડી મારે છે:

હોય ઈશ્વર, તો તને વંદન કરી,
દોસ્ત, તારા નામ ઉપર ચોકડી.

દર્શક આચાર્ય મિત્રાચારીના આભાસી અરીસાને તોડી દોસ્તીના સાચા મૂલ્યોની પરખ સમજણપૂર્વક કરવા આહ્વાન આપે છે:

દોસ્ત, દર્પણનાં સત્યને જાણી,
કાચને ફોડ, પણ સમજ સાથે.

ભાવિન ગોપાણીનો ખજાનો મૈત્રીના અણમોલ મોતીઓથી ભર્યો પડ્યો છે. એમાંય ઉદાસીના કૂવામાંથી ઉપસ્થિતિના દોરડા વડે બહાર કાઢવાની વાત કરતો શેર તો કાળાતીત થવાને સર્જાયો છે:

હું ઉદાસીના કુવે ડૂબ્યો છું મિત્ર,
નાખ તારી હાજરીનું દોરડું.

પ્રત્યેકના નસીબમાં એવાય મિત્ર છે
આંખોની સામે હોય અને ઓળખાય નહીં

ભલેને યુધ્ધના બહાને, જરા નજદીક તો આવે,
અમારા શત્રુઓને મિત્ર બનતા વાર નહીં લાગે.

હોય છો ને વાત ખોટી કે ખરી,
દોસ્તની પડખે ઉભા રહેવું પડે.

ઈશ્વર બોલ્યો કે રાખો થોડી ચીજો જન્નત માટે,
થોડા મિત્રો, થોડી વાતો, ચાની લારી રાખી છે.

કહ્યાં પહેલાં જ મારી વાતને પામી રહ્યો છે એ,
નવો આ મિત્ર જાણે કે મને શૈશવથી જાણે છે

જાણી ગયો ભલે તું કોઈ ભેદ મિત્રનો
સિક્કાની જેમ કેમ ઉછાળે બજારમાં?

સરળ કરતો રહે છે મિત્ર મારું કામ આગળનું
જરા માંદો પડું ત્યાં તો એ ખાડો ખોદવા લગે

બંનેમાં પછી પીઢતા એવી તો વધી ગઈ
જીવે છે હવે મિત્રતા વહેવાર બનીને

હિમલ પંડ્યાની ગઝલો પણ દોસ્તીના ધનમૂલક આયામોથી ધની બની છે:

એક અડધી ચામાં આખી વાત થઈ શકતી હતી
એમ ખુલ્લી દોસ્ત સામે જાત થઈ શકતી હતી

લગાડો ના કદી એની કશીયે વાતનું માઠું
હશે એ મિત્ર સાચો સાવ તો મોંફાટ હોવાનો.

દોસ્તોના ખભા મળ્યા એથી
મન મૂકીને રડી શકાયું છે.

વૈભવી વસવાટ જે ના દઈ શક્યો!
એ મજાઓ નીકળી તાંદૂલમાં

ઋણાનુબંધ છે નોખો, નહીં એ તૂટવા પામે
વીતેલા જન્મનું સંધાન છે, તું મિત્ર છે મારો

યુવા કવિ વિકી ત્રિવેદી જમાનાના માર ખાધેલ કવિ છે. એટલે એમના શેરોમાં એમના આત્માનુભવો પ્રતિબિંબિત થાય તો એમાં નવાઈ નથી:

મારો વિકાસ જોઈને મિત્રો ઉદાસ છે,
તલવારથી વધુ હવે ખતરો છે ઢાલથી.

માનું છું દોસ્ત હું તને ખુદા બરાબર જ,
પણ અવગણી મને તું ખુદાની નકલ ન કર.

દોસ્ત આવા પ્રેમથી પસવા૨ મા,
પીઠને કેવળ છરાની ટેવ છે.

અભરાઈથી લઈ ગઈ કાંટાળા ઝાડ પર,
દોરીની મિત્રતા પડી મોંઘી પતંગને.

જેતપુરના ફિઝિશ્યન જગદીપ નાણાવટીનો અંદાજ-એ-બયાં નોખો છે. ગુજરાતીઓમાં ગુજરાતીપણું ઓછું અને હિંદીપણું-અંગ્રેજીપણું વધારે જોવા મળે છે. આજના દોરની ગુજરાતી બોલીમાં તેઓ મજાનો શેર રજૂ કરે છે:

કિસ તરહા યારી નિભાઈ જાતી હૈ?
પીઠમાં ખંજર હુલાવી બોલ્યો,”યૂં”!

સંદીપ પૂજારાને સદનસીબે દર્દોની દવા બની શકે એવા સરસ યાર સાંપડ્યા છે:

જુના દોસ્તો છે, નવા દોસ્તો છે!
દરદ કોઈપણ હો દવા દોસ્તો છે!

તો સામા પક્ષે મેગી આસનાનીનો અભિગમ એકદમ વ્યવહારુ છે-

તારી હવે ફરજ બને નજદીક આવ દોસ્ત;
આવી શકાય એટલું આવી ગયા અમે.

સુનીલ શાહ આમ તો સકારાત્મકતાના કવિ છે, પણ દુન્યવી અનુભવોની કડવાહટથી એમની કલમ પણ બચી શકી નથી:

ફૂલ રહેવા દે, લાગણી લઈ આવ,
દોસ્ત, મારું હૃદય મઝાર નથી.

જિગર ફરાદીવાલા દોસ્તીમાં ઘા પામ્યા હોવા છતાં ખુમારી ખુવાર ન થવા બદલ ખુશ છે:

અને અંતે ખુમારી આંસુની અકબંધ રહી ગઈ, દોસ્ત,
થયેલું એક ક્ષણ એવું કે તું એ લૂછવા આવે.

જય કાંટવાલા મિત્રતાના બંને પલડાંને યોગ્ય ન્યાય આપે છે. એક તરફ શંકા નામની ઉધઈ મૈત્રીને કઈ રીતે કોરી ખાય છે એની વાત કરે છે અને બીજી તરફ જીવનમાં મિત્રોની ઉપસ્થિતિને સદનસીબ કહી સત્કારે છે:

કે વરસો પછી માંડ બેઠો હતો દોસ્ત,
જરા શંકા પડતા જ ઉઠ્યો ભરોસો.

કોણે કહ્યું કે દોસ્તની સંગત ખરાબ છે
જો દોસ્તી ન હોય તો કિસ્મત ખરાબ છે

મોટાભાગના સંબંધોને બહારખાનેથી એ યથાવત હોવાનો ડોળ કરીને આપણે સાચવી લેતાં હોઈએ છીએ, પણ અંદરખાનેથી આપણે સમજતાં હોઈએ છીએ કે આ સંબંધ હકીકતમાં તો ક્યારનો મરી પરવાર્યો છે. આવી ઝીણવટભરી બાબતને મયૂર કોલડિયા કેવી સરળતાથી અવલોકી શક્યા છે એ જુઓ:

મનમાં બધા સંબંધ થયા છિન્નભિન્ન પણ,
મિત્રોને માટે તો હજુ નોખો વિભાગ છે.

જેનું તખલ્લુસ જ મિત્ર છે એવા મિત્ર રાઠોડ પણ સ-રસ વાત કહે છે:

મિત્રોની એવી ભેટ મને ઈશ્વરે દીધી,
એના જ કારણે મને મારી ફિકર નથી.

પ્રશાંત સોમાણી પણ વાસ્તવિક્તા સાથે સીધું સંધાન ધરાવે છે-

કેટલો આભાર માનું હું પ્રશાંત,
આયનો સાચો બતાવે દોસ્ત તું

દોસ્તની હાજરીના મઘમઘાટ વિશે કુણાલ શાહે કેવો મજાનો શેર કહ્યો છે:

દોસ્ત તારી હાજરીથી એવું તો શું થાય છે?
હું અને મારી દશા બંને સુધરતાં જાય છે.

અંજના ભાવસાર ‘અંજુ’ના બે શેર પણ આ સમે આસ્વાદવા જેવા છે-

ઉદાસી, વેદના ને ભય! તમે સરનામું બદલો ભઈ,
મેં મિત્રોની દુઆઓથી મઢ્યું તાવીજ પહેર્યું છે.

હવે વાત હૈયાની રહેશે ન છાની,
કે બેઠા છે મિત્રો લઈ પ્યાલી ચાની.

‘મિત્રો, મેહફીલ, ચાની ચૂસકી, એ જ ખરું છે मम ऐश्वर्यम्।‘ કહેતા યુવાકવિ રાજેશ હિંગુની ‘દોસ્ત’ ગઝલના બે શેર પણ આસ્વાદીએ:

મહિનાનો થાક ચપટીમાં ઉતારનાર દોસ્ત,
જાણે કે પહેલીએ જમા થાતો પગાર દોસ્ત.

તારાથી મેં તો જોડી દીધો દિલનો તાર દોસ્ત!
ચાહે મને તું તાર કે કર તારતાર દોસ્ત!

અંતે દોસ્તી વિશે થોડા બીજા શેર માણીએ:

જરૂર જો પડે તો એ તલવાર પણ બને,
મિત્રોનું કામ, ફક્ત નથી ઢાલ પૂરતું.
(રાજેશ હિંગુ)

આ ઉદાસીને જરા સમજાવ તું..
દોસ્ત! જો આવી શકે તો આવ તું..
(હર્ષવી પટેલ)

બધાને ખૂબીઓ દેખાય છે ભરપૂર મારામાં,
તને જો ખામીઓ દેખાય તો તું દોસ્ત સાચો.
(કિશોર જિકાદરા)

ધીમી ચાલ છે, તેથી ચાલું છું પાછળ,
તને દોસ્ત, મારાથી ભય તો નથીને!
(ઉમેશ ઉપાધ્યાય)

અને અંતે દર વખતની જેમ દોસ્તી વિશેની મારી થોડી અંતરંગ લાગણીઓના લસરકા સાથે છૂટા પડીએ…

બોલો ન બોલો – બેઉમાં અંતર જરા નથી,
ભીતર જે છે એ ખોલવાની છૂટ ક્યાં છે દોસ્ત ?

સ્મિત તારું, આંખની તારી ચમક,
નવજીવન દે છે હજી મરતાંને, દોસ્ત.

ટહુકો તમે મૂકી શકો તો મૂકી જુઓ, પણ
આ ડાળ વધુ બટકી શકે એમ નથી, દોસ્ત.

કાલે હતો એથી વધારે આજે છે
દિલમાં એ રીતે દોસ્ત! તું બિરાજે છે;
ગંતવ્ય એક-એક શ્વાસનું એક જ છે કે-
જે પણ હતા, જે છે એ તારે કાજે છે.

એવી રીતે તો મને ના કાઢ જીવનમાંથી, દોસ્ત !
છાપું હો ગઈકાલનું કે દૂધમાં પોરા ન હોય !

હવે સંબંધમાં ઊઁડાણ ને લંબાણ ક્યાં છે, દોસ્ત?
કહો, શું જોડવા કે તોડવામાં વાર લાગે છે?

આપણી વચ્ચે જે છે એ યુદ્ધ છે કે શું છે, દોસ્ત ?
આપણી વચ્ચે છે આજે ચાંપતો અંધારપટ.

દુશ્મન થશું તો મોતના ફરમાન બનીશું,
જો દોસ્ત બનીશું તો દિલોજાન બનીશું.

એ યાર ક્યાં છે કે જે ઢાંકે સમસ્ત જીવતર,
નાનકડા ચીંથરાના જૂના ઉધાર સાટે?!

– વિવેક મનહર ટેલર

Comments (7)

(નામ મટી સરનેમ થયો છે) – હર્ષવી પટેલ

પીડા સાથે પ્રેમ થયો છે,
કવિને એવો વહેમ થયો છે.

બાકોરાં છે જેની છતમાં,
એ જગનો હાકેમ થયો છે!

સૌ જાણે છે પાગલ છે એ,
કોઈ ન જાણે કેમ થયો છે!

મોટો થઈને શું પામ્યો એ?
નામ મટી સરનેમ થયો છે.

જેણે લોઢું ચમકાવ્યું એ
પારસ ક્યારે હેમ થયો છે?

છલકે છે હૈયામાં નદીઓ,
પાંપણ ઉપર ડેમ થયો છે.

– હર્ષવી પટેલ

આમ તો આખી ગઝલ સરસ થઈ છે, પણ મને એવું લાગ્યું કે જેમ જેમ એ આગળ વધે છે એમ વધુ જામતી જાય છે. છેલ્લા ત્રણ શેર સવિશેષ સ્પર્શી ગયા… અન્ય એક ગઝલના એક શેરમાં ગાલિબના નિવાસસ્થાન બલ્લીમારાં અને પોતાના વતન બિલીમોરા વચ્ચે કવયિત્રીએ જે રીતે શબ્દક્રીડાની મદદથી ગઝલસંબંધ પ્રસ્થાપિત કરી બતાવ્યો છે એ આ સાથે માણવાની લાલચ જતી કરી શકાય એમ નથી-

નીકળી તું બલ્લીમારાંથી, દુનિયા ઘૂમી, ગઝલ!
તું આવે બિલ્લીમોરા, હજુ શક્યતા ખરી…

Comments (34)

(જિંદગી જાય છે) – હર્ષવી પટેલ

જેમ રણની વચાળે નદી જાય છે,
બસ, અદ્દલ એ રીતે જિંદગી જાય છે.

પગ ન મૂકું ફરી ત્યાં — વિચાર્યું હતું,
એ જ બાજુ કદમ ખુદ વળી જાય છે.

એક પળ જે જુદાઈ સદી નહીં મને,
એ જુદાઈના ટેકે સદી જાય છે.

જે નહીં આવડે લાગણીને કદી,
એ બધું બુદ્ધિને આવડી જાય છે.

એની પાસે ન શીખ્યા કશું, ભૂલ થઈ—
એવું અંતે સમય શીખવી જાય છે.

– હર્ષવી પટેલ

નદીનું ગંતવ્ય સમુદ્રમિલન છે પણ બનાસ, રુપેણ અને સરસ્વતી જેવી કુંવારી નદીઓ તો રણમાં જ પૂરી થઈ જાય છે… કવયિત્રી જ્યારે પોતાની જિંદગી પણ જે હેતુસર પ્રાપ્ત થઈ છે એ હાંસિલ કર્યા વિના જ ખતમ થઈ રહી હોવાનો સ્વીકાર આ સંદર્ભ સાથે કરે છે ત્યારે સીધાસાદા વિધાન જેવો લાગતો ગઝલનો મત્લા આપણને મજાનો લાગવા માંડે છે. આમેય, હર્ષવી પટેલ પાસેથી સાવ સરળ ભાસતી ગઝલ મળે ત્યારે સૌપ્રથમ હું સ્વયંને એક ટપલી મારી લેવાનું રાખું છું. એના શેરો સહલે-મુમ્તના (ભ્રામક સરળતા) શ્રેણીમાં આવે એવા હોય છે, જે સહેજ અટકીને ફરી વાંચો તો ચમકારો થાય… ત્રીજા શેરમાં પણ ‘સદી’ શબ્દ વડે સર્જકે મજાનો યમક અલંકાર સિદ્ધ કરી બતાવ્યો છે.

Comments (4)

(અલગ છે!) – હર્ષવી પટેલ

ધાર્યા કરતાં સાવ અલગ છે
આવ્યો પણ બદલાવ અલગ છે

તમે લીધો એ દાવ અલગ છે,
અમે ગણ્યા એ ઘાવ અલગ છે.

શબ્દ જુદા છે હોઠ ઉપર ને,
આંખોમાં પ્રસ્તાવ અલગ છે.

તારી વાણી, તારું વર્તન,
તું જાતે સરખાવ, અલગ છે.

જાવું છે એ ઘાટ જુદો છે,
બેઠા છો એ નાવ અલગ છે.

સહુના માથે સૂરજ એક જ,
ધૂપ અલગ છે, છાંવ અલગ છે.

પહેલાં ભાવસભર મળતાં’તાં,
હમણાંનો સદભાવ અલગ છે!

– હર્ષવી પટેલ

લયસ્તરો પર કવયિત્રીના પ્રથમ કાવ્યસંગ્રહ ‘તારી ન હો એ વાતો’નું સહૃદય સ્વાગત છે…

ટૂંકી બહર અને સરળ ભાષામાં કવયિત્રી કેવી મજાની ગઝલ લઈ આવ્યાં છે. કયા શેરને વધુ પસંદ કરવો એ ભાવક માટે સમસ્યા થઈ પડે એવી જાનદાર સંઘેડાઉતાર ગઝલ…

Comments (7)

સાંકળ તો સાંકળ છે – હર્ષવી પટેલ

સતત આઘું ખસીને છેતરે, મૃગજળ તો મૃગજળ છે,
ભીંજવવા દૂરથી આવે નજીક, વાદળ તો વાદળ છે.

ભલે ને હોય કાંટાળો, કશેક લઈ જાય છે રસ્તો,
ભલેને હોય સોનાની છતાં સાંકળ તો સાંકળ છે.

ઘણી ઊંડી છે નિસબત આંસુને બે આંખની સાથે,
ઉપરછલ્લું જ રેલાઈ જશે, કાજળ તો કાજળ છે.

મળે ઇ-મેઇલમાં ક્યાં શબ્દ છેકેલા-સુધારેલા?
મજાની એ મથામણથી ભર્યો કાગળ તો કાગળ છે.

રહી પાછળ અમે જોયોખરો ચહેરો આ દુનિયાનો,
ભલે ને ભાગ્ય મારું બે કદમ આગળ તો આગળ છે.

– હર્ષવી પટેલ

કાફિયાનું પુનરાવર્તન કરીને કાફિયા-રદીફને એકબીજામાં તાણાવાણાની જેમ ગૂંથી લઈને હર્ષવી મજાનો લય અને ભાવાર્થ સફળતાપૂર્વક જન્માવે છે. મત્લામાં સજ્જન અને દુર્જન વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ થાય છે પણ ખરી મજા તો એના પછીના શેરમાં છે. શી મજા છે, કહો તો જરા ! ના, ના… આ ગઝલને માણવામાં જે મજા છે, એ સમજાવવામાં સહેજ પણ નથી..

Comments (20)

કળી શકો નહીં – હર્ષવી પટેલ

અઠંગ આંખ હોય પણ ફરક કળી શકો નહીં,
મને મળ્યા પછી તમે તમે રહી શકો નહીં.

શરત ગણો તો છે શરત, મમત કહો તો હા, મમત!
તમે તમે ન હોવ તો મને મળી શકો નહીં.

પ્રવેશબાધ કે નિયમ કશું નથી અહીં છતાં
કહું હું ત્યાં લગી તમે પરત ફરી શકો નહીં.

જો થઈ જશે લગાવ તો સ્વભાવ થઈ જઈશ હું,
મથો છતાંય એ પછી મને તજી શકો નહીં.

તરણકળા પ્રવીણ હો, તરી શકો સમંદરો,
ડૂબી ગયા જો આંખમાં, તમે બચી શકો નહીં.

પડ્યા પછી જ પ્રેમમાં ખરેખરી ખબર પડી,
સતત મરી શકો ખરા, સતત જીવી શકો નહીં.

– હર્ષવી પટેલ

કેસરી, સફેદ અને લીલો – એમ ત્રણ રંગ ભેગા કરીને બનાવ્યું ન હોય એવા ‘કેસલી’ ગામની વતની હર્ષવી નખશિખ ‘ભારતીય’ પરવીન શાકિર છે. એના શેરમાં પરવીનની નજાકત છે, મીનાકુમારીનું દર્દ છે અને સાથે જ અમૃતાની પરિપક્વતા પણ છે. હર્ષવી ગુજરાતી ગઝલની ઊજળી આજ છે. એની ગઝલો આજના ફેક્ટરી પ્રોડક્શનની ગઝલો નથી, સાચું સોનું છે. મત્લાનો શેર હાથમાં લઈએ… સંસારનો સાર્વત્રિક નિયમ છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિને મળે એટલે “બંને” વ્યક્તિમાં ઇચ્છો કે ન ઇચ્છો, નજીવો તો નજીવો પણ ફરક તો આવવાનો, આવવાનો ને આવવાનો જ. આ સત્ય હર્ષવી કેવી કારીગરીથી ઉજાગર કરી શકે છે એ જુઓ… તમે ગમે એટલા હોંશિયાર કેમ ન હોવ પણ તમારી પાસે એ આંખ તો નથી જ, જે બે વ્યક્તિની મુલાકાતથી વ્યક્તિત્વમાં વ્યક્તિની ખુદની પણ જાણ બહાર નિપજતા આ subtle પરિવર્તનને કળી શકે.

Comments (15)

ગઝલ – હર્ષવી પટેલ

જાણે કે ખુદ ‘મરીઝ’,’અખા’,’કાન્ત’ હોય છે,
થોડાક ‘પેનપકડુ’ અજબ ભ્રાંત હોય છે.

હૈયું ચહે છે શાંતિ ને હુલ્લડ મગજ કરે,
ભીતર બધાંને બે’ક અલગ પ્રાંત હોય છે.

એક જ જગા ઉપર ન ઘડીભર ટકી શકે,
પૂર્વજ ઘણામાં એટલો ઉત્ક્રાંત હોય છે.

કૈં કેટલાને માટે સમય તો સમય નહીં,
સરકારે ફાળવેલ કશીક ગ્રાન્ટ હોય છે.

ધરતી હલી ય જાય, જો બોલે કશુંક એ;
એવા વિચારથી તો અમુક શાંત હોય છે.

– હર્ષવી પટેલ

તદ્દન અલગ જ મિજાજની ગઝલ પણ વાંચતાવેંત મનમાં ઘર કરી જાય એવી. એક-એક શેર ખરા સોના જેવા. ‘કાન્ત’ અને ‘ભ્રાન્ત’ જેવા કાફિયાવાળો મત્લાનો શેર અને વાનરોને ચાક્ષુષ કરી આપતો ‘ઉત્ક્રાંત’ કાફિયાવાળો શેર તો ચિરસ્મરણીય થયા છે.

Comments (16)

ગઝલ – હર્ષવી પટેલ

Harshavi Patel_shabd ni farte akal ghero ghalayo chhe bhala

(હર્ષવી પટેલની એક અક્ષુણ્ણ રચના ખાસ લયસ્તરો માટે એમના જ હસ્તાક્ષરમાં)

*

શબ્દની ફરતે અકળ ઘેરો ઘલાયો છે, ભલા,
કોઈપણ કારણ વિના ડૂમો ભરાયો છે, ભલા.

આંખ મીંચીને સતત દોડ્યા કરે છે આ સમય
એય નક્કી કોઈનાથી દોરવાયો છે, ભલા.

આમ શ્વાસોચ્છ્વાસમાં છલકાય નહિ તો થાય શું ?
એક અત્તરનો કળશ ભીતર દટાયો છે ભલા.

આપણી મહેફિલ વધુ લાંબી નહીં ચાલી શકે ?
એટલે તેં ભૈરવી સંબંધ ગાયો છે, ભલા ?

‘હર્ષવી’ હથિયાર હેઠાં મૂકતાં પ્હેલાં પૂછો –
નર મરાયો કે પછી કુંજર મરાયો છે, ભલા ?

– હર્ષવી પટેલ

કવિતા જ્યારે ગળે આવે પણ હાથે ન આવે ત્યારે જે અકળ ડૂમો ભરાય એની વેદનાના કારણ ક્યાં તપાસવા ? ભલા જેવી કપરી રદીફ રાખીને હર્ષવી એક સુંદરતમ ગઝલ લઈ આવે છે. બધા જ શેર સુંદર છે પણ મને છેલ્લા બે શેર ખૂબ ગમી ગયા.

ભૈરવી આમ તો સવારનો રાગ છે પણ કાર્યક્રમમાં એ હંમેશા અંતમાં ગાવામાં આવે છે.  ‘આપણી’ મહેફિલનો ઉલ્લેખ કરી કવિ હળવાશથી પ્રશ્ન પૂછે છે કે આ સંબંધનો હવે અંત નિકટ છે એટલે શું તેં ભૈરવી રાગ ગાયો છે ? અને સંબંધને ભૈરવી વિશેષણ આપીને અને સમ્-વાદના અંતે ભલા પ્રશ્ન મૂકી કવિ ગજબનો કાકુ સિદ્ધ કરે છે.

મહાભારતના नरो वा कुंजरो वा ના સંદર્ભે હર્ષવી પ્રશ્ન તો પોતાની જાતને પૂછતી હોય એમ લાગે છે પણ જવાબ આપણે સહુએ આપવાનો છે. જિંદગીની રમત કે લડતમાં હાર માનતા પહેલાં હારનાં મૂળ એકવાર જરૂર નાણી જોવા જોઈએ…

Comments (26)

આંગળી અડાડી છે – હર્ષવી પટેલ

Harshavi Patel_chotarf maatra bekarari chhe
(લયસ્તરો માટે હર્ષવી પટેલની એક અક્ષુણ્ણ કૃતિ એમના જ હસ્તાક્ષરોમાં…)

ચોતરફ માત્ર બેકરારી છે,
બંધ મુઠ્ઠીને મેં ઉઘાડી છે.

છે સ્મરણ એનું દુઃખતી રગ ને
મેં સતત આંગળી અડાડી છે.

શબ્દ અમથા નહીં સજે અર્થો
કૈંક ધક્કે કલમ ઉપાડી છે.

તક અહલ્યાની જેમ શાપિત છે
આપણે ઠેસ ક્યાં લગાડી છે ?

આપમેળે ગમે તો છે અચરજ
આપણે જિંદગી ગમાડી છે.

– હર્ષવી પટેલ

A genuine poetry is one which is communicated even before it is understood. કવિતાની આ પરિભાષામાં હર્ષવીની આ ગઝલ જડબેસલાક બંધ બેસી જાય છે. એક પણ શેર એવો નથી જે હર્ષવી બોલે અને વાહ…વાહના ઉદગાર શ્રોતાજનોના મોઢેથી ન સરે… પણ પ્રથમ શ્રવણ કે પ્રથમ પઠન પછી પણ આ સંઘેડાઉતાર ગઝલમાં એવું ઘણું બધું છે જે ફરી ફરીને વાહ…વાહ કહેવા આપણને મજબૂર કરે…

Comments (29)

ગઝલ – હર્ષવી પટેલ

આ ઉદાસીને જરા સમજાવ તું
દોસ્ત! જો આવી શકે તો આવ તું.

થાય મારી શૂન્યતાના ફુરચા
એક-બે ટહુકા હૃદયમાં વાવ તું.

ઊંઘની જાહેર નાદારી કરી…
બસ,ઉછીના બે’ક સપના લાવ તું.

તું જ જેનો રામબાણી છે મલમ
તે જનમજૂનો વકરતો ઘાવ તું.

આ જગત ને ‘હર્ષવી’ છે જલ-કમલ
બેઉ વચ્ચેનો અદૃશ અલગાવ તું.

-હર્ષવી પટેલ

હર્ષવી પટેલ મૂળ ગણદેવી તાલુકાના કેસલી ગામના વતની છે અને વ્યવસાયે શિક્ષિકા છે. ઝાઝું બોલ્યા વિના ખૂણામાં બેસી ગઝલની આરાધના કર્યા કરતા નિઃસ્પૃહી સર્જકોમાંના એક છે. એમની ગઝલ ભાષાની સરળતા અને દિલમાંથી સીધા ઊતરી આવેલા ભાવના ઊંડાણના કારણે ભીડથી અલગ તરી આવે છે.

Comments (25)