વ્હાલા મ્હારા, નિશદિન હવે થાય ઝંખા ત્હમારી,
આવો આપો પરિચિત પ્રતીતી બધી ચિત્તહારી.
દૈવે જાણે જલ ગહનમાં ખેંચિ લીધી હતી તે
આણી સ્હેજે તટ પર ફરીને મ્હને છોળ ઠેલે;
ને આવી તો પણ નવ લહું ક્યાં ગઇ’તી શિ આવી,
જીવાદોરી ત્રુટિ ન ગઈ તેથી રહૂં શીષ નામી.
ને સંસ્કારો ગત ભવ તણા તે કની સર્વ, વ્હાલા,
જાણૂં સાચા, તદપિ અવ તો સ્વપ્ન જેવા જ ઠાલા;
માટે આવો, કર અધરની સદ્ય સાક્ષી પુરાવો,
મીઠા સ્પર્શો, પ્રણયિ નયનો, અમ્રતાલાપ લાવો.
બીજૂં, વ્હાલા, શિર ધરિ જિહાં ‘ભાર લાગે શું?’ ક્હેતા,
ત્યાં સૂતેલું વજન નવું વીતી ઋતુ એક વ્હેતાં;
ગોરૂં ચૂસે અખૂટ જ રસે અંગૂઠો પદ્મ જેવો,
આવી જોઈ, દયિત, ઉચરો લોચને કોણ જેવો?
– બળવન્તરાય ક. ઠાકોર
વધામણીનો પત્ર છે. પહેલી પ્રસુતિ મા-બાપને ત્યાં થાયના ન્યાયે પિયર આવેલી નવપ્રસૂતા પરિણામની પ્રતીક્ષામાં ઊંચાનીચા થતા પતિને સંતાનપ્રાપ્તિના સમાચાર આપે છે, પણ વાતમાં પૂરતું મોણ નાંખ્યા વિના ફોડ પાડવા તૈયાર નથી કે પરિણામ શું આવ્યું! સૉનેટની શરૂઆત ‘વ્હાલા મારા’ સંબોધનથી થાય છે, જેમાં બે જણ વચ્ચેનો સ્નેહ અને પત્નીનું પતિ પરનું અધિકારભાન-બંને સ્ફુટ થાય છે. કહે છે, પ્રિયે! રાતદિવસ હવે તમારી ઇચ્છા થાય છે. તમે જે અદાઓથી મારું ચિત્ત હરી લેતા હતા, એ તમામ પ્રતીતિ સાક્ષાત્ આવો અને આપો. પ્રસૂતિ વખતે તો પત્નીને એવું જ લાગ્યું જાણે નસીબ દરિયામાં ઊંડે તાણી ગયું. મૃત્યુ આંખસમીપ જ હતું, પણ દરિયાના મોજાં હળવેથી ધક્કો દઈને કિનારે પરત લાવી આણે એમ પ્રસૂતિ થઈ ગયા બાદ નવજીવન પામ્યાનો અનુભવ થયો. મૃત્યુના દરવાજે ટકોરા દઈને પાછી આવી તો ગઈ છે પણ હજી સમજાતું નથી કે ક્યાં ગઈ હતી અને શી રીતે પરત ફરી! ડિલિવરી સમયના સ્ત્રીના અનુભવને એક પુરુષકવિએ ત્રણ જ પંક્તિમાં જે રીતે આલેખ્યો છે એ કાબિલે-દાદ છે. તૂટુંતૂટું જણાતી જીવાદોરી તૂટી ન ગઈ એ માટે એ શીષ નમાવી ભગવાનનો પાડ માને છે.
કાવ્યારંભે મનના માણીગરને મળવાની તાલાવેલી પ્રદર્શિત કર્યા બાદ તુર્ત પ્રસૂતિના સમાચાર તરફ નાયિકા ગતિ કરે છે. પ્યાર અને તલસાટ બતાવી દીધા. પ્રસુતિ હેમખેમ પાર ઉતરી હોવાના સમાચાર પણ આપી દીધા. પણ પોતે જે રીતે વિરહમાં તડપે છે, એ જ રીતે બાપને તડપાવવાનું એ ચૂકતી નથી. ફરી ‘વ્હાલા’નું સંબોધન કરી પોતાનો પ્રેમભાવ દોહરાવી એ કહે છે કે, ગયા ભવના સંસ્કાર હશે તે ભલે સાચા હશે પણ અત્યારે તો સ્વપ્ન જેવા ઠાલા જ લાગે છે. માટે આપ આવો અને તરત જ કર-અધરની સાક્ષી પૂરાવો. સ્પર્શ, ચુંબન, તારામૈત્રક અને અમૃતભરી વાણીનો આકંઠ આસ્વાદ કરાવવા સત્વરે પધારવા પત્ની ઈજન આપે છે.
પત્રકાવ્ય છે તો પત્રની રીતિ દર્શાવવું પણ કવિ ચૂક્યા નથી. ‘બીજું’ લખીને જેમ આપણે પત્રમાં વાત આગળ માંડીએ, એમ પત્ની લખે છે કે, બીજું તો એ કે જે પેટ ઉપર માથું મૂકીને આપ ‘ભાર લાગે છે કે?’નો સવાલ કરતાં હતાં એ ‘નવું વજન’ હવે સમય વીતતાં ખોળામાં આવી ગયું છે.
બાળક ગોરું છે અને કમળ જેવો અંગૂઠો જ સતત ચૂસ્યા કરે છે. આવો, જુઓ અને પ્રિય (દયિત)! આપ જાતે જ કહો કે એની આંખો આપણા બેમાંથી કોના જેવી લાગે છે? કવિએ કેવી અદભુત કારીગરી કરી છે એ જોવા જેવું છે! છેક આખર સુધી બાળકની જાતિ પત્નીએ પતિથી, અને કવિએ આપણા સહુથી આબાદ છૂપાવી રાખી છે. ચૌદ પંક્તિના સૉનેટમાં છેક છેલ્લા શબ્દ પર આવીને, જ્યારે પત્ની ‘કોણ જેવો?’ પ્રશ્ન કરે છે ત્યારે છેક રહસ્યસ્ફોટ થાય છે કે દીકરો જન્મ્યો છે.
આવી કમાલ કેટલી કવિતાઓમાં જોવા મળતી હશે, નહીં!