જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે.
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.
અહીં દુઃખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.
સુજનની કબર કે ગુનેગારની હો, છે સરખી ઉદાસી મઝારે મઝારે.
હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર, કલા મારી મોહક વિચારે વિચારે.
નથી આભને પણ કશી જાણ એની, કે મેં ચાંદ જોયા સિતારે સિતારે.
અમારા બધાં સુખ અને દુ:ખની વચ્ચે, સમયના વિના કંઈ તફાવત ન જોયો.
બધીયે મજાઓ હતી રાતે રાતે, ને સંતાપ એનો સવારે સવારે.
નથી ઝંખના મારી ગમતી જો તમને, તો એનું નિવારણ તમારું મિલન છે.
તમે આમ અવગણના કરતા જશો તો, થતી રહેશે ઇચ્છા વધારે વધારે.
અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો, હકીકતમાં કોની છે સાચી બુલંદી.
જવાબ એનો દેવા ઊઠી આંગળીઓ, તમારી દિશામાં મિનારે મિનારે.
જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર, ફક્ત એક શરત છે ગતિમાન રહેવું.
નવા છે મુસાફિર વિસામે વિસામે, નવી સગવડો છે ઉતારે ઉતારે.
મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
– ‘મરીઝ’
મરીઝની ગઝલોમાંની પ્રથમદર્શી સરળતા આભાસી છે, જેને ઉર્દૂ અદબમાં સહલે-મુમ્તના કહે છે. અર્થાત્ આસાન શબ્દોમાં ગંભીર વાત. ખૂબ જાણીતી આ ગઝલનો મત્લા જોઈએ. જીવનનું તોફાન નહીં, જીવનભરના તોફાન. દરિયામાં જેમ મોજાંઓની એમ જ જીવનમાં તોફાનોની હારમાળા છે. પણ એકેય તોફાનમાં નાયક એકલો નથી. દરેકમાં કથકને ‘એના’ તરફથી ઈશારો મળતો રહ્યો છે. ને આ ઈશારાના સહારે એ આ તોફાનોને ખાળી રહ્યો છે. ઈશારો વળી સીધો નથી, મોઘમ છે. ચર્મચક્ષુથી નજરે પડે એવો નથી. ખુદામાં અને ખુદાના એના બંદા માટેના પ્યારમાં શ્રદ્ધા હોય તો આ ઈશારો સહારો બનીને તારે તોફાનોમાંથી. આ તોફાનો ગમે ત્યાં ડૂબાડી શકે છે અને ગમે ત્યાં બહાર આણી શકે છે. દરિયામાં ડૂબવા અને બહાર નીકળવા વચ્ચે એક નજીવો તફાવત હવાનો છે. પાણી આમ હવાને ડૂબાડી ન શકે, પણ શરીરની બાબતમાં એનું વલણ જરા વિપરિત છે. શરીરમાં હવા હોય તો દરિયો એને ડૂબાડે અને ન હોય ત્યારે તરાવે. કિનારે લાવી મૂકે. મરીઝ કુશળ કવિ છે. એ શું માત્ર જિંદગીના તોફાનો અને શરીરના ડૂબવા ને લાશના તરવાની જ વાતો કરે છે? કે ‘એનો મોઘમ ઈશારો’ કવિના શબ્દ તરફ પણ છે? કવિ જીવે કે મરે, એનો શબ્દ સમયના દરિયામાં કદાચિત્ ગરક પણ થઈ જાય, પરંતુ પ્રાણ હશે તો એ શબ્દ ગમે ત્યારે તરીને કિનારે આવનાર જ છે, જ્યાં સાચા કાવ્યરસિકો પ્રતીક્ષામાં ઊભા જ હશે. વળી, લગાગા લગાગાના આવર્તનો અને કાફિયાનું બેવડાવું દરિયાના મોજાંઓને સાચા અર્થમાં તાદૃશ કરે છે, એ કવિકર્મનો વિશેષ.