આખરીવારની એ મસ્ત નજર, શું કહેવું?
વર્ષો વીત્યાં છતાં વીતી ન અસર, શું કહેવું!
- વિવેક મનહર ટેલર

દરવાજે ઊભો છું….- મનોજ ખંડેરિયા

પીડાના ટાંકણાની ભાત લઈ દરવાજે ઊભો છું;
કળામય આગવો આઘાત લઈ દરવાજે ઊભો છું.

સુકાયો સાવ અશ્રુપાત લઈ દરવાજે ઊભો છું;
સૂતેલો એક ઝંઝાવાત લઈ દરવાજે ઊભો છું.

ન ફાટે કે ફીટે એ જાત લઈ દરવાજે ઊભો છું;
પટોળા પર પડેલી ભાત લઈ દરવાજે ઊભો છું.

કળીની જેમ એનું બંધ છે સૌંદર્ય આજે પણ,
કહેલી કાનમાં તેં વાત લઈ દરવાજે ઊભો છું.

ખબર છે કે લૂણો લાગી ગયો છે એનાં શિલ્પોને,
છતાં એ જર્જરિત જજબાત લઈ દરવાજે ઊભો છું.

તમે જેના અભાવે વાસી દીધાં દ્વાર વરસોથી,
હું એ વિશ્વાસની મિરાત લઈ દરવાજે ઊભો છું.

નથી આવ્યો હું ખાલી હાથ તારા દ્વાર પર આજે,
કવિતાથી સભર દિનરાત લઈ દરવાજે ઊભો છુ.

ઊભો દ્વારે શિશુ ભોળો દયામય મંદિરે, ખોલો,
બચેલા શ્વાસની સોગાત લઈ દરવાજે ઊભો છું.

-મનોજ ખંડેરિયા

આજે પાછી બંધ દ્વારની વાત, પણ અંદાઝ અલગ છે. “તમે જેના અભાવે વાસી દીધાં દ્વાર વરસોથી,
હું એ વિશ્વાસની મિરાત લઈ દરવાજે ઊભો છું….” – અહીં પોઝિટિવિટી છે, પુનર્મિલનનું આહવાન છે.

2 Comments »

  1. Dhaval said,

    October 20, 2020 @ 10:03 AM

    પીડાના ટાંકણાની ભાત લઈ દરવાજે ઊભો છું;
    કળામય આગવો આઘાત લઈ દરવાજે ઊભો છું.

    – સરસ !

  2. pragnajuvyas said,

    October 20, 2020 @ 3:33 PM

    ઊભો દ્વારે શિશુ ભોળો દયામય મંદિરે, ખોલો,
    બચેલા શ્વાસની સોગાત લઈ દરવાજે ઊભો છું.
    વાહ
    મનમા ગુંજે નરસિંહરાવ દિવેટિયાનુ
    દિવ્ય-તૃષાતુર આવ્યો બાલક,
    પ્રેમ-અમીરસ ઢોળો,
    દયામય! મંગલ મન્દિર ખોલો!-
    શબ્દ, સ્વરાંકન અને ગાયકીનો ત્રિવેણી સંગમ રચાય છે ત્યારે આવું મનોરમ સર્જન જન્મે છે અને આપણાં ભાવજગતને ઝંકૃત કરી નાખે છે.મનોજ ખંડેરિયાની અફલાતુન ગઝલ દક્ષેશ ધ્રુવના સ્વરાંકનમા અમર ભટ્ટના સ્વરમા બંધ આંખે માણવાની મઝા કાંઇ ઔર !
    ધન્યવાદ ડૉ તીર્થેશજી

    મંગલ મંદીર ખોલો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment