આ દર્દ મહોબ્બતનું જે હરગીઝ નથી મટતું,
ઉપરથી મજા એ કે મને એની દવા યાદ.
મરીઝ

(વાત કરવી છે) – કિરણસિંહ ચૌહાણ

અમારે ક્યાં વળી કોઈ આગઝરતી વાત કરવી છે!
જરા ઝાકળનાં ટીપાં વચ્ચે તરતી વાત કરવી છે.

બનીને લોહી રગરગમાં પ્રસરતી વાત કરવી છે,
તને તારા વિશે, મારામાં ફરતી વાત કરવી છે.

મને તેં ખૂ…બ ઊંચા સ્થાન પર સ્થાપિત કરી દીધો,
અને મારે તને થો…ડી ઊતરતી વાત કરવી છે.

અમે હમણાં સુધી તો ચૂપ રહી બોલાય એ બોલ્યાં,
હવે આજે તો છે ને… વાત કરતી વાત કરવી છે.

કશે કૂંપળ જો ફૂટે તો તરત સરવા કરું છું કાન,
મને લાગે કે જાણે કહે છે ધરતી… ‘વાત કરવી છે.’

– કિરણસિંહ ચૌહાણ

આ ગઝલ વિશે ઓછામાં ઓછા શબ્દોમાં ટિપ્પણી કરવી હોય તો આમ કહી શકાય: res ipsa loquitur અર્થાત્ It speaks for itself /સ્વયંસિદ્ધા.

6 Comments »

  1. Kajal kanjiya said,

    October 16, 2020 @ 4:16 AM

    વાહહહ 👏👏👌
    તને તારા વિશે મારામાં ફરતી વાત કરવી છે.

  2. pragnajuvyas said,

    October 16, 2020 @ 9:24 AM

    કશે કૂંપળ જો ફૂટે તો તરત સરવા કરું છું કાન,
    મને લાગે કે જાણે કહે છે ધરતી… ‘વાત કરવી છે.’
    વાહ
    કવિશ્રી કિરણસિંહ ચૌહાણની ડૉ વિવેક જેમ સ્વયંસિદ્ધા. ગઝલ

  3. અગન રાજ્યગુરુ said,

    October 16, 2020 @ 11:00 AM

    સુંદર ગઝલ…
    ગુજરાતી કવિતાનું ઈન્દ્રધનું એટલે લયસ્તરો
    લયસ્તરો બહું ઉમદા કાર્ય કરે છે..જય હો!

  4. હરિહર શુક્લ said,

    October 17, 2020 @ 1:22 AM

    વાત કરતી વાતની વાત 👌

  5. Prahladbhai Prajapati said,

    October 17, 2020 @ 7:13 AM

    SUPERB

  6. Maheshchandra Naik said,

    October 17, 2020 @ 2:49 PM

    સરસ શબ્દો, સરસ ગઝલ…..
    અંતિમ શેર કાબિલે દાદ…….જોરદાર…….
    કવિશ્રીને અભિનદન………..આપનો આભાર……

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment