થોડો થોડો થશે લગાવ અને
ત્યાં જ નડશે તને સ્વભાવ અને…
પોતપોતાની છે પીડા સહુની,
તારી રીતે જ તું ઉઠાવ અને…
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for February, 2020

(અંધારની ચાદર સજાવીને) – રાકેશ હાંસલિયા

બધે અંધારની ચાદર સજાવીને,
હવા ચાલી ગઈ દીવા બુઝાવીને.

સમય આવે ભલે બાંયો ચઢાવીને,
નથી ઊભો હુંયે મસ્તક નમાવીને.

ચરણ મૂકે ને થઈ જાતો તરત રસ્તો
તમે આવ્યાં નસીબ એવું લખાવીને.

પૂછો એને જરા આ ઢેબરાંનો સ્વાદ,
જીવે છે જાતને કાયમ દળાવીને.

હતાં જે સાવ અક્કડ, ઉંબરે ઊભા,
પ્રવેશી ગ્યાં ઘણાં માથું નમાવીને.

પહાડોને કહે છે કે હટી જાઓ,
થયો મગરૂર કાગળ બે ઉડાવીને.

કર્યો સોનેટનો ઉલ્લેખ અમથો ત્યાં,
ગઝલ બેસી ગઈ લ્યો મોં ફૂલાવીને.

– રાકેશ હાંસલિયા

રાકેશ હાંસલિયાના નવા સંગ્રહ ‘ક્યારેક ઉત્તર પણ મળે’માંથી એક ગઝલ આજે આપ સહુ મિત્રો માટે… મત્લા જ કેવો મજાનો થયો છે… હવાથી દીવો હોલવાઈ જતાં ફેલાઈ વળતા અંધારાનું સહજ દૃશ્ય કવિએ કેવું બખૂબી દોરી આપ્યું છે! એ પછીના પણ બધા શેર નિતાંત આસ્વાદ્ય થયા છે…

Comments (8)

(આસપાસમાં) – કિરણ જોગીદાસ ‘રોશન’

કાયમ રહે છે કોઈ અહીં આસપાસમાં,
લાગ્યું ન એકલું કદી તેથી પ્રવાસમાં.

કોને ખબર કે ધબકે છે કોના લગાવમાં?
આવ્યુ કશું ન હાથ હૃદયની તપાસમાં.

ભાગ્યા કરે છે રાત દિ’ અંદર ને બહાર, બસ
તો પણ હજી ક્યાં થાક છે આ મારા શ્વાસમાં?

સાથે મશાલ લઈ અને ચાલે છે કોઈ તો
અંધાર છે છતાં ભરું છું ડગ ઉજાસમાં.

મંઝિલ મળે કે ના મળે એની ત્યજી ફિકર,
રાખો કચાશ ના કદી ‘રોશન’ પ્રયાસમાં.

– કિરણ જોગીદાસ ‘રોશન’

સરળ સહજ ભાષામાં સુંદર ગઝલ. કોઈ અઘરી-અઘરી કે મોટી-મોટી વાત ન કરી હોવા છતાં દરેક શેર સંતર્પક થયા છે. ગીતાના कर्मण्ये वाधिकारस्तेની યાદ અપાવી, મંઝિલ મળે કે ન મળે એની ફિકર પડતી મૂકીને પ્રયાસમાં કચાશ ન રાખી જીવન ‘રોશન’ કરતાં શીખવતી આ રચના થોડી ભાષાગત કચાશ દૂર કરવાનો પ્રયાસ કરાયો હોત તો હજી વધુ રોશન થઈ શકી હોત.

Comments (10)

પીડાની જાતરા – યોગેશ પંડ્યા

હવઅ તારઅ ન મારઅ હુ સે મારા પીટ્યા
નઈં હાંધ્યો હંધાય હવઅ જીવતરનો ધાંગો.

રૉમ રૉમ બોલીનઅ રાખ્યું, તો રાખ્યું કે-
કાલઅ ભૂલૈઈ જાહે દખ,
પીડાની જાતરોમોં પંડ્યને ય ભૂલૈઈ જીયું
આયુ નંઈ તોય કાંય હખ
હખનો ક્યાં ખાવા દીધો’તો મને રોટલો?
ખાંડણિયે માથું!… ભંગાય ઈમ ભાંગો!

પયણીને આઈ, ઈ, રાત્ય મારા જીવતરની
કાળી બની જઈ’તી રાત્ય.
પીંસાના પાથરણે પોઢવાના ઓરતા
પણ, ઊતરડી લીધી’તી જાત્ય.
એક પા ભડભડતો દવ ખળે, એક પા-
દખનો વરહાદ થતો ખાંગો!

– યોગેશ પંડ્યા

તળપદી ભાષાની તો ફ્લેવર જ અલગ. આ જુઓ. નખશિખ શુદ્ધ ભાવનગરી બોલી. સ્ત્રી પરણીને પતિગૃહે આવે છે ત્યારે સાથે લઈ આવેલા અરમાનોની ચિતા પર બેસીને આપણને એની પીડાની જાતરાએ લઈ જાય છે. થાકી-હારીને અંતે એ પતિને કહી દે છે કે તારે ને મારે હવે કંઈ સંબંધ નથી, જીવતરનો દોરો હવે સાંધ્યો સંધાય નહીં એ રીતે તૂટી ગયો છે. દુઃખ આવ્યું તો સ્ત્રીએ રામ રામ બોલીને એને એ આશાએ સ્વીકાર્યું કે કાલે ભૂલાઈ જશે, પણ પીડાની આ જાતરા એવી વસમી હતી કે જાત ભૂલાઈ ગઈ પણ સુખ આવ્યું નહીં. સાસરિયાંઓએ સુખનો રોટલો કદી ખાવા જ ન દીધો એની સામે ચિત્કારતાં એ કહે છે, કે ખાંડણિયામાં માથું મૂક્યું છે, હવે ખાંડો ખંડાય એમ. સુહાગરાતની વાતો તો કેવી મજાની હોય, પણ નાયિકાના જીવનમાં તો એ રાત જ કાળી માઝમ રાત બનીને આવી હતી. પીંછાના પાથરણે સૂવાના ઓરતા લઈને આવેલી સ્ત્રીની સાસરામાં જાત જ ઉતરડી લેવાઈ. એક તરફ ભડભડતો અગ્નિ ને બીજી તરફ દુઃખનો વરસાદ ખાંગો થાય છે. આમ તો વરસાદ પડે તો અગ્નિ ઓલવાઈ જાય પણ અહીં, કશું ઓલવાતું નથી, ઓલવાઈ છે તો નાયિકાની જિંદગી, આશાઓ, સ્વપ્નો…

Comments (22)

આ ફક્ત એક મરઘાની વાત છે… – ઉદયન ઠક્કર

મસ્જિદબંદરમાં મણિલાલ નામે
એક બદામી રંગનો મરઘો રહે છે.
મણિલાલ નાનાં મરઘાંઓને બિવરાવે છે.
મરઘીઓ અગાડી છાતીમાં હવા ભરીને બાંગ મારે છે,
ખાધેપીધે સુખી છે, ટૂંકમાં.
મણિલાલ મરઘાને ખબર નથી
કે પોતે થોડા જ દિવસોમાં ખવાઈ જવાનો.

પણ ધારો કે એને ખબર બી હોય,
અને એ ગમે તેમ ભાગી બી જાય,
તો ચાર ગલ્લી દૂર ડોંગરીમાં એને બીજો કોઈ પકડી પાડશે,
અરે મુંબઈની બારે ભાગી જાય તો સીમ ને ખેતરોમાં ઝાલશે,
જંગલમાં ભાગે તો ભીલડાં ને શિયાળવાં દાંત ભેરવશે,
દરિયામાં ડાઈવ લગાવી તરતો તરતો ઈન્ડિયા છોડી દે,
તો રોમ ને રંગૂનમાં રંધાશે,
માલિક સામે લડશે તો ગળું ટૂંપશે,
ખુશામદ કરતો રહેશે તોય કાપશે,
સંતાઈ છુપાઈ જશે તો ગોતી ગોતીને મારી ખાશે.
કહો તમે જ કહો,
મણિલાલ જાય ક્યાં?
મણિલાલ કરે શું?

– ઉદયન ઠક્કર

સરળ લાગતી કવિતા ગૂઢ વાત કરે છે – આપણે સૌ સ્વતંત્રતાને ઉત્તમ વેલ્યુ માનીએ છીએ, ખરેખર કોઈ સ્વતંત્ર છે ખરું ??? ખરેખર શું માનવી પોતાનો ભાગ્યવિધાતા હોય છે ખરો ???? ઉત્તર વાચકની પ્રજ્ઞા ઉપર છોડ્યો છે…..

Comments (3)

સમજાવી દઉ હું યે સાનમાં – ચંદ્રેશ મકવાણા

સમજી સમજીને તમે સમજી શકો તો પછી સમજાવી દઉ હું યે સાનમાં,
આમ ફાંફાં ન મારો વેરાનમાં…

ફૂલડાં વીણો તો ક્યાંક કાંટા વાગે ને વળી
ભમરા ડંખે એ વાત જુદી,
ઝરણાનાં લીલાછમ્મ જળને મુકીને કોઈ
રણને ઝંખે એ વાત જુદી,

જરા ઓરા આવો તો એક લાખેણી વાત જરા કહી દઉ હું ધીમેથી કાનમાં,
આમ ફાંફાં ન મારો વેરાનમાં…

સાગરમાં તરવાનો શોખ કદી જાગે
તો ડૂબવાની તૈયારી રાખવી
પ્રેમમાં પડ્યાનો કદી અવસર આવે તો
પ્રીત સહિયારી સહિયારી રાખવી

વાત એ પણ લખાઈ છે સીધીને સાફ વેદ, ગીતા કે બાઇબલ, કુરાનમાં,
આમ ફાંફાં ન મારો વેરાનમાં…

– ચંદ્રેશ મકવાણા

 

‘ફૂલડાં વીણો તો ક્યાંક કાંટા વાગે ને વળી ભમરા ડંખે એ વાત જુદી…..’ શું મુદ્દાની વાત કરી છે !! તે પણ વળી કેવી નજાકતથી !!!

Comments (3)

કવિતા: ચૈતન્યની પુરાતત્ત્વવિદ્યા – માઇક એસિગ

કવિતા એ નખશિખ
ચૈતન્યની
પુરાતત્ત્વવિદ્યા છે;
મનના
ઘડાની ઠીકરીઓ,
જેના સાચા અનુભવનું
માત્ર
અનુમાન જ કરી શકાય છે.
તમે એ વાંચો છો ત્યારે
માત્ર ટુકડાઓ જ શોધી શકો છો,
નહીં કે એમની અસલ ગોઠવણી.
તમે કોશિશ કરો છો
એ બધાયને ફરીથી ભેગા કરવાની,
પણ એ શક્ય જ નથી.
તમે જ્યારે એ લખો છો,
ત્યારે સંકેતો મૂકતા જાવ છો
એ વૈજ્ઞાનિકો માટે
જે હજી આવનાર છે
અને જેઓ કદી પણ
પૂરેપૂરું સમજી શકવાના નથી
કે તમે કોણ હતા,
પણ એ બરાબર જ છે
કારણ કે
તમે પણ ક્યારેય નહોતા સમજી શક્યા.

– માઇક એસિગ
(અનુ.: વિવેક મનહર ટેલર)

કવિતા વિશેની કવિતાઓ લખાતી આવી છે, લખાતી રહેશે.  માઇક એસિગ કેવી મજાની રચના લઈ આવ્યા છે! કવિતા બીજું કશું નથી, આપણી ચેતનાની ભીતર ઊંડે ઊતરીને કરેલું ખોદકામ છે. વર્ડ્સવર્થે કહ્યા મુજબ emotions recollected in tranquility માંથી એ જન્મ લે છે. કવિનો અનુભવ અક્ષત છે, એ પોતાના ચૈતન્યને અ-ક્ષરદેહ આપે છે ત્યારે લાગણીઓને યથાતથ અભિવ્યક્ત કરવા ધારે છે પણ જ્યારે ભાવક કવિતામાંથી પસાર થાય છે ત્યારે એના હાથમાં શું એ અક્ષત લાગણીઓ આવે છે ખરી? કે પુરાતત્ત્વવિદ પ્રાચીન ખંડેર ખોદી કાઢે ત્યારે હાથમાં જેમ આખા ઘડાના બદલે કેવળ ઠીકરીઓ આવે છે, અને ઠીકરીઓ પરથી આખો ઘડો કેવો હશે એનું કેવળ અનુમાન જ કરવાનું રહે છે, એમ માત્ર છૂટક અહેસાસ જ હાથ આવે છે? કવિ કવિતા લખે છે ત્યારે સહગામીઓ, અનુગામીઓ એની સ્વાનુભૂતિને યથાર્થ ઉકેલી શકે એ માટે પૂરતી કોશિશ કરે છે, પણ કોઈ માણસ કદી બીજાના માનસને પૂર્ણપણે સમજી શક્યો નથી, સમજી શકનાર નથી… એટલે જ કવિતા એક જ હોય છે, પણ ભાવકે-ભાવકે અનુભૂતિ અલગ હોઈ શકે છે.

The Archeology Of Consciousness

Poetry is solely
the archeology
of consciousness,
the pot-shards
of a mind
whose true
experience
can just be
guessed at.
When you read it
you discover
mere pieces,
not the original
arrangement.
You try to wonder
them back
together,
but can’t quite.
When you write it,
you leave clues
for scientists
yet to arrive
who will never
fully understand
who you were,
which is OK
because you
never did either.

-Mike Essig

Comments (4)

(મહેંદી જોઈને) – આરતી યુ જોશી ‘અમી’

હાથમાં મુકેલી મહેંદી જોઈને,
યાદ કરતી હોઉં છું હું કોઈને !

તારા દીધેલા જખમને સીવતા,
આખરે તૂટવું પડયું છે સોઈને.

હસતા મોઢે હું તને સંભારું છું,
થાકી ગઈ છું હું વિરહનું રોઈને.

મારી નજરોમાં જ ઉત્તર વાંચી લે,
હું નહિ બોલીશ સામે જોઈને

નામ મારું જાતે પાડ્યું છે ‘અમી’,
મે નથી બોલાવી મારી ફોઈને !

– આરતી યુ જોશી ‘અમી’

કેવી સુંદર ગઝલ! એકદમ સરળ-સહજ છતાંય વાંચવાવેંત દિલો-દિમાગનો કબ્જો કરી લે એવી. બધા જ શેર ઉત્તમ થયા છે.

Comments (13)

કવિતા લખવી હોય તો – સુરેશ દલાલ

કવિતા લખવી હોય તો લખો
.                                       – લખો તમારી ગરજે.
લખશો એટલે કવિતા થશે જ
એની કોઈ બાંયધરી નહીં આપી શકે.
.                                       – પોતે પણ નહીં.

છંદ આવડે કે ન આવડે
કવિતા કોઈ પૂર્વશરતથી આવતી નથી.
એવું પણ બને
કે આવવાની સાથે
એનું કાગળ પર જ બાળમરણ થાય.
પ્રગટ્યા પછી એ તમારાથી છૂટશે.
તમારું નામ ભલે હોય કે ન હોય,
પણ એ શ્વાસ
પોતાના જોર પર જ લેશે.

ખંખેરી નાખશે વિશેષણોની જંજાળ,
જીવનની સરિતા કે મરણનો સમુદ્ર
કે વિષાદનો વડલો – આવાં આવાં
રૂપકોને તો એ ફ્ંગોળીને ફેંકી દેશે
તમારી નજર સમક્ષ જ.
આ બધું જોવાની અને જીરવવાની
તાકાત હોય,
અને ભૂંસવાની તથા નવેસરથી ફરીથી
લખવાની ભીતરી ગરજ હોય તો
.                   – લખવી હોય તો લખજો..
.                   કદાચ, એ કવિતા હોય તો હોય.

– સુરેશ દલાલ

દરેક કવિના લોહીમાં રસીબસી હોવી જરૂરી કવિતા…

સુ.દ.ના પોતાના શબ્દોમાં: આપણા ઘણા બધા કવિઓ માને છે કે જાણે પોતે કવિતા લખીને સમાજ પર ઉપકાર કરે છે. એનું ફંકશન થાય ત્યારે કોણ કોણ આવે છે એની હાજરી લે છે. એ પરથી મેં એક કવિતા લખી કે ‘કવિતા લખવી હોય તો લખો તમારી ગરજે…’

Comments (4)

મારા નાવિક – જગદીશ જોષી

સાવ સીધી નદીનાં વ્હેણ વાંકા થયાં
અને વાંકી નદીનાં વ્હેણ સીધાં;
કાંટા પર મ્હોરેલા લીલા પડછાયાનાં,
વેણ અમે પાંપણથી પીધાં.

સૌરભની શાલ હવે ઓઢે હવા,
પણ વાયરાનો સોળ તોય વાગે,
રણઝણતા ક્યાંક ક્યાંક ઊડે છે આગિયા
પણ આંખોમાં અંધારું જાગે !

તારી નદીની અમે નાવ, મારા નાવિક !
એવા સોગંદ અમે લીધાં.

ચરણોને ચાલવાની ઝંખના જાગી,
ત્યાં રસ્તાએ જોઈ લીધું આડું,
આંખોના કૂવામાં આંસુના મધપૂડા,
તરસ્યાંને કેમ સાદ પાડું ?

તારી વાતોમાં અમે કેવા ડૂબ્યાં
કે અમે અમને અળખામણાં કીધાં !

– જગદીશ જોષી

આંખોના કૂવામાં આંસુના મધપૂડા…….!!!!! શું કવિકર્મ છે !!! અદભૂત !!!!

Comments (3)

વાત લ્યાં કોણ માને? – હસમુખ કે રાવલ

કોન્દાને ભૈ, જરીય નખમાં રોગ તો વોય ચ્યાંથી?
વાળી બેઠા પગ મિલિટ ભૈ, ચ્યાંય જોયા તમીં હેં?
જોકે રોમ્ભૈ અનુભવી છતાં હાવ સૂટી પડ્યા તે-
નાંશી જીપે શિવિલ લઈ જ્યા,વાત લ્યાં કોણ માને?

વ્હેલાં ચારે ટણણ ખખડ્યો ફોન ટાઢા અવાજે,
જીવી તો ભૈ દહ-દહ જણે હાથ ઝાલી ન રહેતી.
કૂવે-કૂવા ઠપ,તરત હાંફે ચડી શેમ આઈ,
ત્યોં ઓચિંતી જીપ ઊછળતી પોકની પોક લાઈ.

કોન્દા હૂતા ઉમરભરની ઊંઘ લેવા ચિતાએ,
ધૂણી સોતો પવન અડતાં…હંસલો જાય ઊડ્યો.
નેકે પાણી ખળખળ જતાં ભૂલતાં જાય ચ્હેરો
હાલ્લે કાળા દિવસ ઊછળ્યા છાજિયાની ધડૂસે.

‘માડી,ચ્યેવાં અધર ઊછળી…’ નેનકી કૂટતી ત્યાં,
‘લૂંડી લાજાં…’ ધખતી પણ જીવી હશી ઓઠ બીડી.

-હસમુખ કે રાવલ

આસ્વાદ: ઉદયન ઠક્કરની કલમે:

મૃત્યુ પર જીવનનો વિજય

આ સોનેટ મંદાક્રાંતા છંદમાં રચાયું છે.ગુજરાતીનું સૌપ્રથમ સોનેટ ‘ભણકારા’ (બ.ક.ઠાકોર) પણ આ જ છંદમાં રચાયું હતું. પરંતુ બેયની ભાષામાં કેવડો મોટો ફરક! પંડિતયુગનાં બધાં સોનેટ સંસ્કૃતગંધી ભાષામાં રચાતાં હતાં.એથી વિરુદ્ધ આ સોનેટની ભાષા એટલી તળપદી છે કે શહેરીઓને સમજવી ય અઘરી પડે. સોનેટનું ઇટાલિયન કાવ્યસ્વરૂપ, સંસ્કૃત છંદ અને ઉત્તર ગુજરાતની બોલીના સંયોજનથી હસમુખ રાવલે અતિ વિલક્ષણ કાવ્ય સર્જ્યું છે.

કોન્દા નામના માણસની તબિયત રાતી રાયણ જેવી રહેતી હતી. તે અહીંથી ત્યાં હડીઓ કાઢતો હતો.(નખમાં રોગ ન હોવો, પગ વાળીને બેસવું, જેવા રૂઢિપ્રયોગોથી કવિએ બોલચાલની ભાષા નીપજાવી છે.’મિનિટ’ નહિ પણ ‘મિલિટ’ લખતા કવિના કાન સરવા છે.)કોન્દાની તબિયત એવી તો લથડી, એકાએક, કે રામભાઈ જેવા જમાનાના ખાધેલ પણ મુંઝાઈ ગયા અને મારતી જીપે તેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા.

સવારે ચારના અસૂરા ટાણે ફોન રણક્યો. નીરવ શાંતિમાં ફોનનો ટણણ અવાજ કેવો આકરો લાગ્યો હશે! આવા સમયે તો અશુભ સમાચાર જ હોવાના, એટલે ફોન કરનારના અવાજને ટાઢો કહ્યો છે. જીવીએ (કોન્દાની પત્ની જ હશે) એવી તો રોકકળ મચાવી કે કોઈ તેને સાંત્વન આપી ન શક્યું.

કૂવાઓ ઠપ થઈ ગયા- ન પનિહારીઓ કે ન પંપના અવાજ. ‘શેમ’ એટલે સીમ. સમાચાર સાંભળીને દૂર દૂરથી સૌ દોડતાં આવ્યાં.ત્યાં તો કાળમુખી જીપ આવી પહોંચી અને કુટુંબીજનોએ પોક મૂકી.

કોન્દા ચિતાએ પોઢ્યા. જીવનમાં ન મળી શકેલી એવી ખલેલ વિનાની નિદ્રા અંતે તેમને સાંપડી. ધૂણીના ધુમાડાને હડસેલે હંસલો (જીવ) ઊડ્યો. છાજિયા-મરસિયામાં છાતી કુટાય તેની ભીષણતા ‘ધડૂસ’ શબ્દથી કાનવગી કરાઈ છે. પણ જીવન કોઈને માટે થોભતું નથી. ફરી કૂવાના પંપ ધમધમતા થયા, નીકે પાણી વહેતું થયું, કાળના પ્રવાહમાં કોન્દાનો ચહેરો ભૂંસાતો ચાલ્યો.

આ ‘શેક્સપિયરન સોનેટ’ છે, જેની અંતિમ બે પંક્તિઓમાં ભાવપલટો આવે. જીવીની દીકરી નેનકી બોલી પડી, ‘માડી, તું કેવી ઊછળીને ઉધામા મચાવતી હતી!’ શિશુ ભૂતકાળમાં નહિ પણ વર્તમાનમાં જીવે. કોન્દાના મૃત્યુનો ઓછાયો નાનકીને શિરેથી સરી ગયો છે.જવાબમાં જીવીએ ડૂસકું ભર્યું? પોક મૂકી? ના રે ના! ‘તને લાજ નથી આવતી?’ એવું પૂછીને તે હસી,બંધ હોઠે. લોકલાજને કારણે મુક્ત હાસ્ય તો ન કરી શકાય, પણ તેણે મલકી જરૂર લીધું.
જીવી શું કામ હસી? મૃત્યુને નિહાળીને જિંદગી નિ:શ્વાસ તો મૂકે છે, પણ વળતી જ પળે પાછો શ્વાસ લઈ લે છે. ‘જીવી’નું નામ પણ સાંકેતિક છે. મૃત્યુ પર જીવનનો વિજય ઊજવતું સ્નેહરશ્મિનું હાઇકુ જુઓ-

હિરોશિમાની
રજ લઈ વનમાં
ઘૂમે વસંત

-ઉદયન ઠક્કર

Comments (6)

ફાવી નથી શકતો – અમીન આઝાદ

જમાનો એક એવા શ્વાસ પર ફાવી નથી શકતો,
કદી જે આવ-જામાં જઈ ફરી આવી નથી શકતો.

હજી મ્હેફિલથી અંધારાં ઉલેચાવી નથી શકતો,
બળે છે દીપ દિલનો, રોશની લાવી નથી શકતો.

સમાજ ઉજવી રહ્યો છે આપણા બન્નેની મજબૂરી,
તમે આવી નથી શકતાં, હું બોલાવી નથી શકતો.

ન ખાલી થાય, ના ઊભરાય; એવી રીતે પીઉં છું,
નયન-પ્યાલા ભર્યા રાખું છું, છલકાવી નથી શકતો.

દયાની એને પાબંદી, ઈબાદતમાં મને મુશ્કિલ!
અહીં ફાવી શકું છું, ખુદા ફાવી નથી શકતો.

મોહબ્બતના કસમ, બંધન જરૂરી છે મોહબ્બતમાં,
‘અમીન આઝાદ’ જેવો પણ અહીં ફાવી નથી શકતો.

– અમીન આઝાદ

કેવી મજાની ગઝલ! હું તો મત્લા પરથી જ આગળ વધી નથી શકતો…

Comments (2)

સ્વ. રાવજીએ ન લખેલું ગીત – નયન હ. દેસાઈ

નર્સ, મારા ભાગી જતા શ્વાસના ભાતીગળ કાફલાને રોકી શકે તો હવે રોક,
સ્પેશિયલ વૉર્ડમાં આ ટકટકતી ઘડિયાળે મૂકવા માંડી છે મરણપોક.

ચારે દિશાએ હાથ મૃત્યુના લંબાવ્યા ધખતી બપોરે મારી પાંખમાં,
પીળાંપચ સ્મરણોનાં વૃંદાવન સળગે છે સૂરજ ઊગે ને મારી આંખમાં,
નર્સ, મારા ભૂરા આકાશની લીલીછમ છાંયડીઓ સળગી રહી છે છડેચોક.

પોપચામાં મોરપિચ્છ, શમણાંની રાખ બળે, નીંદર આવે તો હવે કેમ?
મુઠ્ઠીભર ક્ષણને મેં ખાલીખમ પાંસળીમાં જકડી રાખી છે જેમતેમ,
નર્સ, મારાં ગળવા માંડેલાં આ હાડકાંના ઢગલા પર અણિયારા ખીલાઓ ઠોક…

કાલે ઊઠીને નહીં હોઉં તો એ બારસાખે કંકુના થાપાને ભૂંસજો;
ઝૂરતા એ ઉંબરને ‘ઝાઝા જુહાર’ કહી ડેલીની સાકળને ચૂમજો,
નર્સ, એની આંખોમાં ઊગેલા કંકુના સૂરજનાં અજવાળાં ફોક…

– નયન હ. દેસાઈ

સામાન્ય માણસ જ્યાં અટકી જાય છે, કવિ ત્યાંથી આગળ વધે છે. આપણે જાણીએ છીએ કે ક્ષયરોગની બિમારીના કારણે રાવજી પટેલ માત્ર ૨૯ વર્ષની ટૂંકી વયે આપણને ‘ગુડ બાય’ કરી ગયા. અમરગઢમાં જીંથરીના રુગ્ણાલયના ખાટલે મૃત્યુને ઢૂંકડું ઊભું જોઈને એમણે લખેલું ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ ગીત ગુજરાતી ભાષાના સર્વોત્કૃષ્ટ ગીતોમાં સર્વોચ્ચ સ્થાને બિરાજમાન છે. રાવજી પટેલે તો આપણને એ અમર ગીત આપીને ચાલ્યા ગયા. બધાથી ઉફરી તરી આવતી કવિતાઓ આપવા માટે બહુખ્યાત કવિ શ્રી નયન દેસાઈ આપણને સ્વર્ગસ્થ રાવજી પટેલે ન લખેલું ગીત આપે છે.

રાવજી પટેલ જાણે છે કે એમના ભાતીગળ શ્વાસોનો કાફલો સરકી જઈ રહ્યો છે એટલે એ સારવાર આપતી નર્સને ઈજન આપે છે કે રોકી શકે તો રોકી બતાવ. ઘડિયાળની ટકટક પણ મરણપોક જેવી સંભળાય છે. રાવજીના લીલા ઘોડાઓ પીળા પાંદડે ડૂબે છે, તો રાવજીની ન કહેલી આપવીતી કહેતા પરકાયાપ્રવેશી નયન દેસાઈના ગીતમાં પીળાં સ્મરણોનાં વૃંદાવન અને લીલી છાંયડીઓ બધું સાગમટે સળગી રહ્યું છે. ટીબીના કારણે ગળવા માંડેલા હાડકાંઓ ગળતાં જતાં જીવતરને માંડ પકડીને બેઠાં છે. નયન દેસાઈનું રાવજીત્વ થોડું મુખર છે. એ ઝાઝા જુહાર કહીને બારસાખેથી કંકુથાપા ભૂંસી, ડેલીની સાકળ ચૂમી લેવા કહે છે. રાવજીની આંખ કંકુના સૂરજને આથમતો જુએ છે, નયન દેસાઈનો રાવજી કંકુના સૂરજનાં અજવાળાં ફોક કરીને આપણા અહેસાસમાં અણિયાળા ખીલાઓ ઠોકી આપણને લોહીલુહાણ કરી દે છે.

Comments (19)

સુધી…..– અનિલ ચાવડા

શ્વાસ મારે લઈ જવા’તા છેક મ્હેકાવા સુધી,
બહુ મથ્યો લઈ જઈ શક્યો હું માત્ર પછતાવા સુધી.

ચાળણીમાં પાણી ભરવું છે તમારે તો ભરો,
પણ જરા ધીરજ ધરો જળના બરફ થાવા સુધી.

વસ્ત્ર કે દીવેટ થાવું એ પછીની વાત છે,
રૂ ! પ્રથમ તો જાવું પડશે તારે પીંજાવા સુધી.

આપણી કરતાં પવનની નમ્રતા કેવી, જુઓ!
કમ સે કમ એ રાહ જુએ ફૂલ કરમાવા સુધી.

લાશને પણ નાવ સમજી પાર કરશે એ નદી,
પ્રેમ ઓછો રાહ જુએ પુલ બંધાવા સુધી?

‘આવજો’ બોલીને ગજવે કેમ નાખ્યો આ વખત?
હાથ જે ઊંચો રહે છે ટ્રેન દેખાવા સુધી.

– અનિલ ચાવડા

Comments (4)

તમે પરમ કો તત્વ…– ભગવતીકુમાર શર્મા

તમે પરમ કો તત્વ
અને હું ઝાંખુંપાંખું તેજ;
તમે સૂર્ય,
હું પરોઢનો આથમતો છેલ્લો તારક,
તોય તમારું કિરણ હું પામું સહેજ..

– ભગવતીકુમાર શર્મા

કૃતજ્ઞતા……

Comments (1)

દીવાને ઘણી ખમા -પારુલ ખખ્ખર

કમલી… તારા ઓરડીયે એક જલતી મદ્ધમ જ્યોત, દીવાને ઘણી ખમા
કમલી… તારા આંગણિયે અજવાળા મૂકે દોટ, દીવાને ઘણી ખમા.

કમલી, તારા દીવા ફરતે કેટકેટલા ભેદ બાઈ…
કમલી, તારું જીવતરિયું તો ખુલ્લે ખુલ્લી કેદ બાઈ…
ટૂંકમાં કહી દે, મોઘમ કહી દે ક્યાં લાગી છે ચોટ, દીવાને ઘણી ખમા
કમલી… તારા ઓરડીયે એક જલતી મદ્ધમ જ્યોત, દીવાને ઘણી ખમા.

કમલી, તારો રાણો વસતો દૂરદૂર કો’ દેશ બાઈ…
કમલી, તારી પરબડીએ આવ્યો થઈ દરવેશ બાઈ…
કહી દે ભોળી પૂતળિયું ને આજ રહે ના ભોટ, દીવાને ઘણી ખમા
કમલી… તારા ઓરડીયે એક જલતી મદ્ધમ જ્યોત, દીવાને ઘણી ખમા.

કમલી, તારા રાણે લીધી નહિ મળવાની ટેક બાઈ…
કમલી, તારે એકલપંડે જાવું છેકોછેક બાઈ…
એક વરતનો પાક્કો બેલી, એકની ફરતે કોટ દીવાને ઘણી ખમા
કમલી… તારા ઓરડીયે એક જલતી મદ્ધમ જ્યોત, દીવાને ઘણી ખમા.

કમલી, તારા અખંડ દીવડે કદી ન ખૂટજો તેલ બાઈ…
કમલી, તારી ભીંતે ફૂટજો અમરતફૂલની વેલ બાઈ…
વાટ નિરખતી આંખડિયુંમાં ના’વે ભરતી-ઓટ, દીવાને ઘણા ખમા
કમલી… તારા ઓરડીયે એક જલતી મદ્ધમ જ્યોત, દીવાને ઘણી ખમા.

-પારુલ ખખ્ખર

અમરેલીના હવા-પાણીમાં નક્કી કંઈક હોવું જોઈએ. અમસ્તો જ કંઈ ત્યાંથી ઊઠનાર અવાજ આમ અલગ ન તરી આવે! જુઓ આ ગીત…

કમલીનો રાણો કોઈક કારણોસર એને ફરી નહીં મળવાની ટેક લઈને દૂરદૂરના કોઈક દેશમાં વસવા ચાલ્યો ગયો છે અને કમલી એની પ્રતીક્ષાનો અખંડ દીવડો સળગાવીને બેઠી છે. વાત કમલીના ઘરની હોય કે એના આતમકક્ષની, એક દીવો ઈંતેજારીનો મધ્યમ આંચે સળગી રહ્યો છે. આંચ મધ્યમ છે, કેમકે ભલે અનવરત પ્રતીક્ષારત્ કેમ ન હોય, કમલીએ પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધી લીધું છે. બીજું, ધીમી આંચ હોય તો પ્રકાશ ઓછો પડે ને મોટી જ્યોત હોય તો દઝાડે પણ ખરી. મધ્યમ જ્યોતનું મધ્યમ અજવાળું ઓરડીના ખુલ્લા બારણામાંથી બહાર એવી રીતે રેલાય છે, જાણે અજવાળું રાણો આવ્યો કે કેમ એ ચકાસવા ઓરડેથી ખોરડાના આંગણિયે દોટ મૂકતું ન હોય! આ દીવો ક્યાંક બુઝાઈ ન જાય એ માટે તો ઘણી ઘણી ખમ્મા જ કહેવું પડે ને!

દીવાલ વગરની ખુલ્લી કેદમાં જીવતી કમલીનું જીવતર અનેકાનેક ભેદ ભીતર ઢરબીને બળી રહ્યું છે. ઘર પરબ સમું બન્યું છે, જ્યાં રાણો વળી દરવેશનો વેશ કાઢીને એના સમાચાર જાણવા આવે છે. મતલબ, રાણાના દિલમાં પણ પ્રેમ તો છે જ. આંખની પૂતળીઓ રાણાને ઓળખવું ચૂકી ન જાય એ માટે પણ દીવાનું સળગતા રહેવું અનિવાર્ય છે. ઘરના દરવાજે પૂતળીઓ લટકાવવાનો પણ એક રિવાજ છે. આ પૂતળીઓ ઘરનું ભૂત-પિશાચ-ચોરોથી રક્ષણ કરતી હોવાની આસ્થા હોય છે. દરવાજે લટકતી આ પૂતળીઓ અંધારામાં ભોટની જેમ રાણાને ઓળખવાનું ચૂકી ન જાય એ માટે અજવાળું વેરતા દીવાને ઘણી ખમ્મા. એક તરફ રાણો ફરી નહીં મળવાની ટેકનું પાક્કું વ્રત લઈ બેઠો છે, તો બીજી તરફ જીવનપથ એકલા જ કાપવાનું નસીબે લખાવી બેઠેલી કમલી જીવતરના કોટમાં બંધ છે. એની પ્રતીક્ષાના અખંડ દીપકનું તેલ કદી ખૂટનાર નથી, એની આંખોમાં ચડેલા વાટના દરિયામાં કોઈ ભરતી-ઓટ નથી, એની રાહ જોવાની તીવ્રતામાં કોઈ વધ-ઘટ થનાર નથી… રાણો ફરી આવે અને કમલીની ભીંત જેવી પ્રતીક્ષા પર અમૃત જેવાં પ્રેમપુષ્પોની વેલ ફૂટે એ જ એકમાત્ર આશા…

Comments (8)

(ફોઈએ) – નેહા પુરોહિત

એકલા હોવાનું શાને રોઈએ,
મોતી માફક જ્યાં ચળકતા હોઈએ.

આંખ, કાગળ, પુસ્તકો કે જિંદગી-
વાંચવાની ટેવ હોવી જોઈએ!

શું તમન્ના લઈને અવતરતી હશે?
કેટલું ઢાંક્યું ઢબુર્યું સોઈએ!

ઝાંઝરી રણકી રહી વર્ષો પછી,
પ્રેમની ઝાલર વગાડી કોઈએ?

ઘાવ દૂઝવા એ પછી મંજૂર છે;
ફક્ત લોહીમાં ગઝલતા જોઈએ.

કોઇને નફરત કરું કેવી રીતે,
નામ ‘નેહા’ પાડી દીધું ફોઈએ!

– નેહા પુરોહિત

આમ તો ક્રિયાપદવાળી રદીફ હોય એટલે ગઝલ કહેવી આસાન થઈ જાય પણ અહીં પ્રયોજાયેલી ક્રિયાપદવાળી રદીફમાં જે રીતે સોઈ અને ફોઈ આવી ગયાં છે એ કાબિલે-દાદ છે. સોયનું કામ બે છેડા જોડવાનું અને ફાટેલું સાંધવાનું. આટલી અમથી વાત જ્યારે બે પંક્તિના શેરમાં આવે છે ત્યારે કેવી ઉત્તમ કવિતા બની શકે છે એ તો જુઓ. સોય હોય કે જીવતર હોય, સાંધવા-ઢાંકવા સાથે પનારો પણ બહુધા સ્ત્રી જ પાડતી હોય છે, અને આ ગઝલ પણ એક સ્ત્રીના હૈયેથી જ અવતરી હોવાથી વાત આટલી દમદાર થઈ શકી છે. સ્ત્રી જ એકલી હોય તોય રોવાને બદલે મોતીની જેમ ચળકાટ વેરતા રહેવાની વાત પણ કરી શકે. બધા જ શેર સંતર્પક થયા છે, પણ સ્વનામધન્ય મક્તા તો કેવો મજાનો! પોતાના નામનો મક્તામાં આવો બખૂબી ઉપયોગ બહુ ઓછા કવિઓ કરી શકે છે.

Comments (10)

(કમાડે) – લિપિ ઓઝા

હવે કેમ વાસો છો તાળા કમાડે
મને મેં જ પૂરી ઉઘાડા કમાડે

ન તકતી,ના શુભ-લાભ,ના કોઈ સ્વસ્તિક
સજાવ્યા હશે ત્યાં સિતારા કમાડે

નિસાસા હવામાં જ્યાં વ્હેતા મૂક્યા મેં
ટકોરા પડ્યા જઈને કોના કમાડે?

ભૂંસાઈ ગયા ક્યારના કંકુથાપા
વધ્યા છે ફક્ત એના ડાઘા કમાડે

કથા રામના રાજ્યની સાંભળીને
બહુ જીવ બાળ્યો બિચારા કમાડે

તું ઉંબરને ડુંગરથી ઊંચા ચણીને
લખે છે ‘ભલેને પધાર્યા’ કમાડે !

એ પહેરીને સૌ કોઈ ઘરમાં પ્રવેશે
મેં મૂક્યા હો જાણે અજંપા કમાડે

કયા કાળ મુહૂર્તમાં પગલાં કર્યાં’તાં
મરણ પણ નથી આવતું આ કમાડે

– લિપિ ઓઝા

સંઘેડાઉતાર રચના… કમાડ એટલે શક્યતાઓ ઊઘડવાની વાત. અને કવયિત્રીએ અહીં કમાડે જેવી કપરી રદીફ વાપરીને કમાડ સાથે સંકળાયેલી ઘણી બધી શક્યતાઓને નાણી જોઈ છે અને પરિણામસ્વરૂપ આપણને પાણીદાર શેરોવાળી દમદાર ગઝલ સાંપડી છે. તમામ શેર ધ્યાનાર્હ થયા છે…

Comments (6)

શું ચીજ છે – મનોજ ખંડેરિયા

અસ્તના રંગે ડૂબેલી યાદ પણ શું ચીજ છે ;
દોસ્ત, ઢળતી સાંજનો અવસાદ પણ શું ચીજ છે.

સેંકડો બાંધેલ સાંકળ જેમ ખેંચે છે મને,
જે તમે ના દઈ શક્યા એ સાદ પણ શું ચીજ છે.

તોડી નાખે છે રગેરગ ને ચીરી નાખે ત્વચા,
લોહીમાં એક નામનો ઉન્માદ પણ શું ચીજ છે.

એકલું લાગ્યું નથી ક્યારેય પણ એકાંતમાં
આ મનોમન ચાલતો સંવાદ પણ શું ચીજ છે.

ખોતરે છે જન્મને જન્માંતરોની વેદના,
આ અષાઢી રાતનો વરસાદ પણ શું ચીજ છે.

“મૃત્યુ” જેવો માત્ર ટૂંકા એક શબ્દે તેં કર્યો,
જિંદગીના કાવ્યનો આસ્વાદ પણ શું ચીજ છે.

એ બની રહી આજ પર્યંત મારી સર્જકતાનું બળ,
કોઈએ મૂંગી દીધેલી દાદ પણ શું ચીજ છે.

– મનોજ ખંડેરિયા

સિદ્ધહસ્ત કલમ…….પ્રત્યેક શેર બળકટ

Comments (3)

આપણે હવે મળવું નથી… – જગદીશ જોષી

વાતને રસ્તે વળવું નથી,
આપણે હવે મળવું નથી…

આપણો મારગ એકલવાયો,
આપણે આપણો તડકો-છાંયો,
ઊગવું નથી, ઢળવું નથી,
આપણે હવે મળવું નથી…

હોઠથી હવે એક ના હરફ,
આંખમાં હવે જામતો બરફ,
અમથા અમથા ગળવું નથી,
આપણે હવે મળવું નથી…

– જગદીશ જોષી

મર્મસ્થાને ઘા થાય ત્યારે હ્ર્દય ફરિયાદ કરવી મુનાસીબ નથી સમજતું , હ્ર્દય આઘું ચાલ્યું જવાનું પસંદ કરે છે….

Comments (3)

નિદાન – નીરેન્દ્રનાથ ચક્રવર્તી (અનુ.: ઉર્વીશ વસાવડા)

તેણે હાથ પકડી
નાડી તપાસી બરાબર,
જીભ તપાસી
છાતી અને પીઠ જોઈ સ્ટેથોસ્કૉપથી.
અને માથું ખંજવાળતાં ડૉક્ટર બોલ્યા
તકલીફ તો છે,
પણ આ લક્ષણ દરદના લીધે છે
કે દવાના લીધે કંઈ કહી શકતો નથી.

આગળ જે જે ડૉક્ટરોને
બતાવ્યું હતું તેના કાગળોનો
ઢગલો ઉઠાવતાં મેં પૂછ્યું:
તો પછી?
હાથ ખભ્ભે મૂકીને ડૉક્ટરે કહ્યું:
એક અઠવાડિયા માટે આપણે
બંધ કરીએ બધી દવાઓ?
પછી પાછો લઈ આવજો આને.

અમે આવ્યા રસ્તા પર
ન મળે બસ, ન ટ્રામ કે ન અન્ય વાહન.

બંધ છે બધું
ક્યાંક તોફાન છે એટલે,
એમોનિયાની તીવ્ર ગંધ છે હવામાં
વિસ્ફોટ સંભળાય છે
અને જવાબમાં ધાંય ધાંય અવાજ
લક્ષણો સારાં નથી આ
હું બોલ્યો.

તો દીકરાએ કહ્યું
એ દરદને લીધે છે કે
દવાને લીધે એ ક્યાં નક્કી થાય છે?

– નીરેન્દ્રનાથ ચક્રવર્તી (બંગાળી)
(અંગ્રેજી અનુવાદ પરથી ગુજરાતી અનુવાદ: ઉર્વીશ વસાવડા)

નીરેન્દ્રનાથના બંગાળી કાવ્ય સંગ્રહ ‘ઉલંગા રાજા’ના સુકાન્તા ચૌધરીએ કરેલ અંગ્રેજી અનુવાદ પરથી જૂનાગઢના તબીબ-કવિ શ્રી ઉર્વીશ વસાવડા ‘નાગો રાજા’ સંગ્રહ લઈને આવ્યા છે. એક-એક કવિતા વાંચતાવેંત ઠેઠ ભીતર સ્પર્શી જાય એવી છે.

તબીબ દર્દીપુત્રની બિમારીનું કારણ પકડી શકતો નથી અને પિતાને દવા બંધ કરી જોવા કહે છે, કદાચ દવા જ દર્દનું કારણ હોય તો? એક સાવ સરળ લાગતો વાર્તાલાપ અને અનુભવ અચાનક સૉનેટમાં આવતા વળાંકની જેમ આંચકો આપે એવો મરોડ લે છે. શહેરમાં ક્યાંક તોફાન થયું છે અને તોફાનીઓના બૉમ્બ ધડાકાના જવાબમાં પોલિસ ગોળીઓ છોડી રહી છે. બાપ દીકરાને કહે છે કે આ લક્ષણ સારાં નથી અને દીકરો તબીબે કહ્યું હતું એ જ વાક્ય તોફાનના પરિપ્રેક્ષ્યમાં કહે છે આ તોફાનો બિમારીના લીધે છે કે ખોતા ઈલાજનો પરિપાક છે એ આપણને કોઈને ક્યાં સમજાય છે?

કવિતા આપણા હાથમાં ઊઘાડા જીવંત તાર પકડાવી દે છે… આપણી સંવેદના આંચકો ખાય છે કે કેમ અને કેટલો તે આપણે જોવાનું…

Comments (4)