સુધી…..– અનિલ ચાવડા
શ્વાસ મારે લઈ જવા’તા છેક મ્હેકાવા સુધી,
બહુ મથ્યો લઈ જઈ શક્યો હું માત્ર પછતાવા સુધી.
ચાળણીમાં પાણી ભરવું છે તમારે તો ભરો,
પણ જરા ધીરજ ધરો જળના બરફ થાવા સુધી.
વસ્ત્ર કે દીવેટ થાવું એ પછીની વાત છે,
રૂ ! પ્રથમ તો જાવું પડશે તારે પીંજાવા સુધી.
આપણી કરતાં પવનની નમ્રતા કેવી, જુઓ!
કમ સે કમ એ રાહ જુએ ફૂલ કરમાવા સુધી.
લાશને પણ નાવ સમજી પાર કરશે એ નદી,
પ્રેમ ઓછો રાહ જુએ પુલ બંધાવા સુધી?
‘આવજો’ બોલીને ગજવે કેમ નાખ્યો આ વખત?
હાથ જે ઊંચો રહે છે ટ્રેન દેખાવા સુધી.
– અનિલ ચાવડા
JAFFER KASSAM said,
February 11, 2020 @ 4:37 AM
.લાશને પણ નાવ સમજી પાર કરશે એ નદી,
પ્રેમ ઓછો રાહ જુએ પુલ બંધાવા સુધી?
લલિત ત્રિવેદી said,
February 11, 2020 @ 4:44 AM
વાહ.. કવિ
Suresh Shah said,
February 11, 2020 @ 5:07 AM
આપણી કરતાં પવનની નમ્રતા કેવી, જુઓ! કમ સે કમ એ રાહ જુએ ફૂલ કરમાવા સુધી.
સુદર્ ગમ્યુ.
ઉતવળે આંબ ન પાકે;
કસોટી ઓ માં થી પસાર થવું પડે. વસ્ત્ર કે દીવેટ થાવું એ પછીની વાત છે,
રૂ ! પ્રથમ તો જાવું પડશે તારે પીંજાવા સુધી.
વાહ, વાહ. મજા પડી ગઈ.
સાભાર,
– સુરેશ શાહ, સિગપોર
pragnajuvyas said,
February 11, 2020 @ 10:43 AM
વાહ..
આવજો’ બોલીને ગજવે કેમ નાખ્યો આ વખત?
હાથ જે ઊંચો રહે છે ટ્રેન દેખાવા સુધી.
મક્તા મઝાનો
.
તરોતાજા ગઝલમાં હંમેશની જેમ નવીન કલ્પનો,
વિચારોની તાજગી અને શબ્દોની યોગ્ય પસંદગી ગઝલને ઊંચાઈ બક્ષે છે.
યોગ્ય સમય સુધી રાહ જોવાના બધા ઉદાહરણો સારા છે.
.
અનીલ ચાવડાની છાપ સ્પષ્ટ જણાય છે. અભિનંદન