એમ કોઈ બહાર રહીને આપણી ભીતર રહે,
જેમ ઊડતા પંખીનો પડછાયો ધરતી પર રહે.
આમ અંદર બ્હાર એકાકાર થઈ જાશે પછી,
શો ફરક કે કોઈ મારી બ્હાર કે ભીતર રહે.
મુકુલ ચોક્સી

કવિતા: ચૈતન્યની પુરાતત્ત્વવિદ્યા – માઇક એસિગ

કવિતા એ નખશિખ
ચૈતન્યની
પુરાતત્ત્વવિદ્યા છે;
મનના
ઘડાની ઠીકરીઓ,
જેના સાચા અનુભવનું
માત્ર
અનુમાન જ કરી શકાય છે.
તમે એ વાંચો છો ત્યારે
માત્ર ટુકડાઓ જ શોધી શકો છો,
નહીં કે એમની અસલ ગોઠવણી.
તમે કોશિશ કરો છો
એ બધાયને ફરીથી ભેગા કરવાની,
પણ એ શક્ય જ નથી.
તમે જ્યારે એ લખો છો,
ત્યારે સંકેતો મૂકતા જાવ છો
એ વૈજ્ઞાનિકો માટે
જે હજી આવનાર છે
અને જેઓ કદી પણ
પૂરેપૂરું સમજી શકવાના નથી
કે તમે કોણ હતા,
પણ એ બરાબર જ છે
કારણ કે
તમે પણ ક્યારેય નહોતા સમજી શક્યા.

– માઇક એસિગ
(અનુ.: વિવેક મનહર ટેલર)

કવિતા વિશેની કવિતાઓ લખાતી આવી છે, લખાતી રહેશે.  માઇક એસિગ કેવી મજાની રચના લઈ આવ્યા છે! કવિતા બીજું કશું નથી, આપણી ચેતનાની ભીતર ઊંડે ઊતરીને કરેલું ખોદકામ છે. વર્ડ્સવર્થે કહ્યા મુજબ emotions recollected in tranquility માંથી એ જન્મ લે છે. કવિનો અનુભવ અક્ષત છે, એ પોતાના ચૈતન્યને અ-ક્ષરદેહ આપે છે ત્યારે લાગણીઓને યથાતથ અભિવ્યક્ત કરવા ધારે છે પણ જ્યારે ભાવક કવિતામાંથી પસાર થાય છે ત્યારે એના હાથમાં શું એ અક્ષત લાગણીઓ આવે છે ખરી? કે પુરાતત્ત્વવિદ પ્રાચીન ખંડેર ખોદી કાઢે ત્યારે હાથમાં જેમ આખા ઘડાના બદલે કેવળ ઠીકરીઓ આવે છે, અને ઠીકરીઓ પરથી આખો ઘડો કેવો હશે એનું કેવળ અનુમાન જ કરવાનું રહે છે, એમ માત્ર છૂટક અહેસાસ જ હાથ આવે છે? કવિ કવિતા લખે છે ત્યારે સહગામીઓ, અનુગામીઓ એની સ્વાનુભૂતિને યથાર્થ ઉકેલી શકે એ માટે પૂરતી કોશિશ કરે છે, પણ કોઈ માણસ કદી બીજાના માનસને પૂર્ણપણે સમજી શક્યો નથી, સમજી શકનાર નથી… એટલે જ કવિતા એક જ હોય છે, પણ ભાવકે-ભાવકે અનુભૂતિ અલગ હોઈ શકે છે.

The Archeology Of Consciousness

Poetry is solely
the archeology
of consciousness,
the pot-shards
of a mind
whose true
experience
can just be
guessed at.
When you read it
you discover
mere pieces,
not the original
arrangement.
You try to wonder
them back
together,
but can’t quite.
When you write it,
you leave clues
for scientists
yet to arrive
who will never
fully understand
who you were,
which is OK
because you
never did either.

-Mike Essig

4 Comments »

  1. Sandip Pujara said,

    February 22, 2020 @ 12:35 AM

    તમે એ વાંચો છો ત્યારે
    માત્ર ટુકડાઓ જ શોધી શકો છો,…. ખુબ સરસ વાત

    મજાની અર્થસભર રચના ….

  2. મયૂર કોલડિયા said,

    February 22, 2020 @ 3:09 AM

    બહુ સરસ કવિતા…. વાહ

  3. pragnajuvyas said,

    February 22, 2020 @ 9:06 PM

    માઇક એસિગની મધુર રચનાનું ડૉ: વિવેક મનહર ટેલર દ્વારા મધુરતર અનુવાદ અને મધુરતમ આસ્વાદ
    યાદ આવે
    મુજસે એક કવિતા કા વાદા હૈ મિલેગી મુજકો…

    ડૂબતી નજબોં મેં જબ જબ દર્દ કો નીંદ આને લગે,

    ઝર્દ સા ચહેરા લિયે ચાંદ ઉફ્ફ તક પહુંચે,

    દિન અભી પાની મેં હો રાત કિનારે કે કરીબ,

    ના અભી અંધેરા હો, ના ઉજાલા હો, ના રાત ના દિન,

    જિસ્મ જબ ખત્મ હો ઔર રૂહ કો સાંસ આયે,

    મુજસે એક કવિતા કા વાદા હૈ મિલેગી મુજકો…

    બોલિવુડના સૌપ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાએ આજે બુધવારે અંતિમ શ્વાસ લીધા. સૌના પ્રિય કાકાએ બપોરે અ‍લવિદા કરી અને એ સાથે જ જાણે બોલિવુડના એક યુગનો અંત આવ્યો. ‘પુષ્‍પા, આઇ હેટ ટીયર્સ…’, ‘બાબુ મોશાય…’, ‘મુજે ઇતની મહોબ્બત ન દો દોસ્તો, મૈં તો કુછ ભી નહીં…’ જેવા સંવાદથી લોકોના દિલમાં પોતાનું એક ‍નિશ્ચિત સ્થાન જમાવનારા રાજેશ ખન્નાની આ અંતિમ ક્ષણોમાં તેમની યાદગાર ફિલ્મ ‘આનંદ’ના એ સંવાદ યાદ આવી જાય છે. એ સંવાદ જાણે જે-તે સમયે રાજેશ ખન્નાની આજની આ વિદાયને ધ્યાને રાખીને જ લખાયા હતા તેમ નથી લાગતું..? ‘મોત તૂ એક કવિતા હૈ, મુજસે એક કવિતા કા વાદા હૈ મિલેગી મુજકો…’ સાચે જ કાકાએ એક કવિતાની જેમ મોતને ગાઇ લીધું.

    ચાહકો, નજીકના સંબંધીઓને છેક છેલ્લા શ્વાસ સુધી એ કળાવા નહોતું દીધું કે હવે અંતિમ ઘડીઓ આવી છે. એટલે સુધી કે હજુ એકાદ સપ્તાહ અગાઉ જ તબિયત લથડ્યાના અહેવાલ બાદ ચાહકોમાં ચિંતાનું મોજું પ્રસરતાં આ ‘બાબુ મોશાય’ પોતાની ફિલ્મ ‘આનંદ’ની સ્ટાઇલમાં આવી ગયા હતા. સૌને અંધારામાં રાખીને મોતને ગળે લગાવનારા એ આનંદ જેમ જ, હા અદ્દલ એ ‘આનંદ’ની જેમ જ રાજેશ ખન્નાએ પોતાના બંગલાની બાલ્કનીમાં આવીને હાથ હલાવીને સૌનું અભિવાદન કરીને સંદેશો આપ્યો કે હું સ્વસ્થ છું…

  4. Kajalkanjiya said,

    February 23, 2020 @ 2:51 AM

    વાહહહ સરસ

    જ્યારે કોઈ માણસ સંપૂર્ણ નથી તો કવિતા ક્યાંથી સંપૂર્ણ હોવાની! દરેક માણસને કોઈ અલ્પવિરામ વગર સતત સરળ અને સહજ જીવવું હોય છે પણ જીવનમાં અચાનક એવી ઘટનાઓ બને છે કે ત્યાં જ જિંદગીનું એક નાટક પૂરું કરી અને પૂર્ણવિરામ મૂકવું પડે છે.મતલબ આ રીતે અસંખ્ય ટુકડાઓનો સમુહ એટલે જિંદગી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment