જીરવી શકાશે પૂર્ણ ઉપેક્ષાનો ભાવ દોસ્ત,
પણ જીરવી ના શકાશે અધૂરો લગાવ દોસ્ત.
તાજા કલમમાં એ જ કે તારા ગયા પછી,
બનતો નથી આ શહેરમાં એકે બનાવ દોસ્ત.
મુકુલ ચોક્સી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for December, 2019

ગુલાબ લાલ, લાલ – રોબર્ટ બર્ન્સ (અનુ. વિવેક મનહર ટેલર)

રે! મારો પ્રેમ છે ગુલાબ લાલ, લાલ સમ,
તાજું જે ખીલ્યું જૂનમાં,
રે! મારો પ્રેમ જાણે સંગીતની સરગમ,
બજે જે મીઠી સૂરમાં.

છોરી! તું જેટલી છે સુંદર ને ગોરી,
હું એટલો પ્રેમમાં ગરક:
ને તોય ચાહતો રહીશ તુજને હું, વહાલી,
છો સાગર થાય સૂકાભટ:

છો સાગર થાય સૂકાભટ ને, મારી વહાલી,
સૂર્ય સંગ પહાડ પીગળી જાય:
તોય ચાહતો રહીશ તુજને હું, વહાલી,
છો જીવનરેત સરકી જાય.

ને અલવિદા, ઓ મારી એકમાત્ર પ્રિયા !
ને અલવિદા, બસ, થોડી વાર!
ને હું પાછો ફરી આવીશ, મારી પ્રિયા,
ભલે જોજન હો દસ હજાર.

– રોબર્ટ બર્ન્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

*

પ્રેમમાં અતિશયોક્તિ એ આપણી અનિવાર્યતા છે. આજપર્યંતના પ્રેમીઓએ પ્રેમિકાઓને આપેલા વચન મુજબ જો આકાશમાંથી ચાંદ-તારા તોડી શકાયા હોત તો આકાશ ચાંદ-તારા વગરનું હોત. પણ, પ્રેમ આંખોને સ્વપ્નો જોતાં શીખવે છે. પ્રેમ અસંભવના ફેફસાંમાં સંભવિતતાના વિશ્વાસનો પ્રાણવાયુ પૂરો પાડે છે. પ્રેમમાં અકલ્પનીય પણ હાથવગું લાગે છે અને ઝાંઝવાથી પણ યુગયુગોની તૃષા છીપે છે.

પ્રસ્તુત રચનાના વિશદ આસ્વાદ માટે ટહુકો ડૉટ કોમની મુલાકાત લેવા વિનંતી છે.

*

A red, red rose

O my Luve’s like a red, red rose
That’s newly sprung in June;
O my Luve’s like the melodie
That’s sweetly play’d in tune.

As fair art thou, my bonnie lass,
So deep in luve am I:
And I will luve thee still, my dear,
Till a’ the seas gang dry:

Till a’ the seas gang dry, my dear,
And the rocks melt wi’ the sun:
I will luve thee still, my dear,
While the sands o’ life shall run.

And fare thee well, my only Luve
And fare thee well, a while!
And I will come again, my Luve,
Tho’ it were ten thousand mile.

– Robert Burns

Comments (2)

સાક્ષીભાવ – પ્રદીપ ‘સુમિરન’

આવનારો શ્વાસ ક્યાં લઈ જાય, કૈં નક્કી નહીં,
મૃત્યુ ક્યારે કયા બહાને થાય, કૈં નક્કી નહીં!

ભાવ સાક્ષીનો લઈ, જોતા રહીએ જે થાય તે,
કિન્તુ, એવું કેટલી પળ થાય, કૈં નક્કી નહીં!

ખૂલવાની જેમ થાવું બંધ- ઘટના રોજની-
ભીંત, ક્યારે બારણું થઈ જાય, કૈં નક્કી નહીં!

આપણે વ્યાખ્યા કરીને ખુશ રહીએ એટલું,
શું જડે, ને શું અહીં ખોવાય, કૈં નક્કી નહીં!

મેઘધનુષો આભમાંથી વીણવાના ખેલમાં-
હાથની હિનાનું શું થાય, કૈં નક્કી નહીં!

લઈ ફરે છે ધૂપદાની, કૈંક છાયાઓ અહીં,
ધૂપ એમાં થાય કે ના થાય, કૈં નક્કી નહીં!

– પ્રદીપ ‘સુમિરન’

કાફિયાઓની બાબતમાં કવિએ પ્રમાણમાં ખાસ્સી આળસ સેવી હોવા છતાં મસ્ત મજાની ગઝલ લખાઈ પણ જાય, કૈં નક્કી નહીં!

Comments (6)

પ્રશ્નો – જુગલ દરજી

ન તો ચહેરા વિશે કે ના કોઈ શૃંગારના પ્રશ્નો,
અરીસો પૂછશે તમને અરીસા બહારના પ્રશ્નો.

તમે સંબંધના છેડે મૂક્યા તકરારના પ્રશ્નો,
અને મેં સાચવી રાખ્યા છે પહેલીવારના પ્રશ્નો.

વધુ શ્રદ્ધા જ કાળી રાતનું કારણ બની ગઈ છે,
અમે દીવા ઉપર છોડ્યા હતા અંધારના પ્રશ્નો

કર્યું છે સૃષ્ટિનું સર્જન નિરાકારી કોઈ તત્વે
પ્રથમ તો એને પણ ઉઠ્યા હશે આકારના પ્રશ્નો.

કરે છે અર્થ એનો શું, એ સામા પક્ષ પર નિર્ભર,
આ તારી આંખ પણ જાણે કોઈ અખબારના પ્રશ્નો.

હતા માટી અને માટી જ થઈને રહી જશે અંતે,
ચડ્યા છે ચાકડા ઉપર જે આ કુંભારના પ્રશ્નો.

પછી જે આવશે એ, સત્ય કેવળ સત્ય હોવાનું,
પ્રથમ પીવાડ અમને દોસ્ત પહેલી ધારના પ્રશ્નો.

– જુગલ દરજી

સાદ્યંત સુંદર રચના. કવિને જન્મેલા પ્રશ્નો આપણને વિચારતા કરી મૂકે છે…

Comments (13)

વિપ્રલબ્ધા ગઝલ – જવાહર બક્ષી

એક ભ્રમનો આશરો હતો …. એ પણ તૂટી ગયો
પગરવ બીજા બધાયના હું ઓળખી ગયો

ઘટના વિના પસાર થયો આજનો દિવસ
સૂરજ ફરી ઊગ્યો ને ફરી આથમી ગયો

આજે ફરીથી શક્યતાનું ઘર બળી ગયું
મનને મનાવવા ફરી અવસર મળી ગયો

બીજું તો ખાસ નોંધવા જેવું થયું નથી
હું બારણાં સુધી જઈ…..પાછો વળી ગયો

મારાથી આજ તારી પ્રતીક્ષા થઈ નહીં
મારો વિષાદ જાણે કે શ્રદ્ધા બની ગયો

– જવાહર બક્ષી

[ વિપ્રલબ્ધા = અષ્ટનાયિકાઓમાંની એક નાયિકા ]

પ્રત્યેક શેર બળકટ…..જેમ જેમ ગઝલ આગળ વધે છે તેમ તેમ એક ઘેરી ઉદાસીનો સામો બંધાતો જાય છે…

Comments (4)

આ પા મેવાડ….. – ભગવતીકુમાર શર્મા

આ પા મેવાડ, અને ઓલી પા દ્વારિકા,
વચ્ચે સૂનકાર નામ મીરાં
રણકી રણકીને કરે ખાલીપો વેગળો,
હરિના તે નામના મંજિરા
બાજે રણકાર નામ મીરાં…

મહેલ્યુંમાં વૈભવના ચમ્મર ઢોળાઇ
ઉડે રણમાં તે રેતીની આગ
મીરાંના તંબુરના સૂરે સૂરેથી વહે
ગેરૂવા તે રંગનો વૈરાગ

ભગવું તે ઓઢણું ઓઢ્યું મીરાએ
કીધા જરકશી ચૂંદડીના લીરા
સાચો શણગાર નામ મીરાં…

રણને ત્યજીને એક નિસરે રે શગ
એને દરિયે સમાવાના કોડ
રાણાએ વિષનો પ્યાલો ભેજ્યો
એણે સમરી લીધા શ્રી રણછોડ
જળહળમાં ઝળહળનો એવો સમાસ
જાણે કુંદનની વીટીંમા હીરા
જીવતો ધબકાર નામ મીરાં…

– ભગવતીકુમાર શર્મા

 

ઘણા વખતે આ ગીત ફરી વાંચ્યું, મન તરબતર થઇ જાય કાયમ. પરંપરાગત વિષય તેમ જ બાંધણી પણ જૂનવાણી પરંતુ ગીતમાં એક અજબ ઊંડાણ છે…સમજાવવું અઘરું છે-અનુભવવું પડે…..

 

 

Comments (1)

બદલે – ડૉ.મનોજ જોશી ‘મન’

પરિસ્થિતિ તો હજાર બદલે;
ન વેદનાઓ લગાર બદલે.

તું જેમ બખ્તર ધરાર બદલે,
ક્ષણોય એમ જ પ્રહાર બદલે.

‘હ’કાર બદલે; ‘ન’કાર બદલે,
‘હું’કારનો બસ પ્રકાર બદલે.

જનમથી રાતે સૂતાં રહો છો;
તો આમ ક્યાંથી સવાર બદલે!

સળંગ બદલે મૂળેથી માણસ;
જરાક એ જો વિચાર બદલે.

કદાચ બદલે તો રીત બદલે,
મરણ ન તિથિ, ન વાર બદલે.

યુગોયુગોથી જીવે પ્રતીક્ષા;
બસ આંખ, રસ્તો કે દ્વાર બદલે.

– ડૉ.મનોજ જોશી ‘મન’

દેખાવમાં ટૂંકી ટચરક પણ નિભાવવી દોહ્યલી થઈ પડે એવી ‘બદલે’ સાતે-સાત શેરમાં કેવી બ-ખૂબી નિભાવી છે તે જુઓ… બધા જ શેર વિચારણીય થયા છે.

 

Comments (4)

આવે તો સ્હેવું – રવીન્દ્ર પારેખ

દુઃખ આવે તો સ્હેવું, મનવા, દુઃખ આવે તો સ્હેવું…
કોઈ નથી લેનારું એને તેથી તારે લેવું…

કોઈ નથી લેવા રાજી તો દુઃખને ક્યાં જઈ નાખું?
એને પણ તો થાય ને થોડું જીવે, ભલે ન આખું,
તું ના હો તો કોણ છે એનું, ક્યાં જઈ એણે રે’વું?

તારું પણ તો ખરું છે મનવા, સુખ પાછળ દોડે છે,
સુખ તો એનું છે જે જગમાં રહીને જગ છોડે છે,
કહે, તને આ સુખ ને દુઃખમાંથી મારે શું દેવું?

મનવા, તું આંખો માંગે ને આંસુની ના પાડે?
બીજ વગર શું જગમાં કોઈ આખું ઝાડ ઉગાડે?
દુઃખ જો દરિયો હોય તો એમાં બની શકે તો વ્હેવું…

– રવીન્દ્ર પારેખ

દુઃખ વિશે આપણે ઘણું ગાયું છે… ‘સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે જડિયાં’, થી લઈને ‘ભાઈ રે! આપણાં દુઃખનું તે કેટલું જોર’ સુધી આપણી દુઃખ વિશેની સમ્યક ભાવના વિસ્તરી છે. પણ એ છતાંય દુઃખથી ભાગવું એ જ આપણો સ્વ-ભાવ છે. અહીં કવિ જરા અલગ જ પ્રકારની વાત કરે છે. એ દુઃખ સાથે સમભાવ રાખવાથી બે કદમ આગળ વધીને એને વધાવી લેવાની હિમાકત કરે છે. નવી વાત છે પણ વાત છે દમદાર…

Comments (6)

હાજર છે – જયંત ડાંગોદરા

પટોળામાં ભરેલી ભાત જેવી રાત હાજર છે,
ત્વચામાં કંઈક ગમતા સ્પર્શનો વૃત્તાંત હાજર છે.

તમારી હાજરી વિના સતત એવું થયા કરતું,
બધાની હાજરી વચ્ચે સતત એકાંત હાજર છે.

નયનમાં ઘેન છે ઘેઘૂર ગળતી રાતના જેવું,
અને સામે લચેલું એક પારિજાત હાજર છે.

પછી આરાધના સઘળીય મેં પડતી મૂકી દીધી,
તમોને જોઈ લાગ્યું કે ખુદાની જાત હાજર છે.

જરા શી આંખ મીંચું ત્યાં જ વચ્ચેથી હટે પડદો,
પછી એવું સતત લાગ્યા કરે, સક્ષાત્ હાજર છે.

– જયંત ડાંગોદરા

‘જરા હટ કે’ બયાનીસભર ગઝલ…

Comments (3)

ચાલુ છું…. – ‘રુસ્વા’ મઝલૂમી

છું એક મુસાફર, નિર્ભય થઈ, હું સાંજ સવારે ચાલુ છું,
બુદ્ધિનું ગજું શું રોકે મને, અંતરના ઈશારે ચાલુ છું.

જીવનનો ખરો લ્હાવો છે, અહીં સાગરની ગહનતામાં આવો,
મોજાંઓ કહે છે પોકારી હું જયારે કિનારે ચાલુ છું.

પ્રત્યેક વિસામો ચાહે છે, આ મારી સફર થંભી જાયે,
સમજું છું સમયની દાનત ને હું એથી વધારે ચાલુ છું.

ધબકાર નથી આ હૈયાનો, કોઈનો મભમ સંદેશો છે,
હું એના સહારે બોલું છું, એના જ ઈશારે ચાલુ છું.

થાકીને લોથ થયો છું, પણ કયારેય નથી બેઠો ‘રુસ્વા’
આ ગર્વ નથી ગૌરવ છે, હું મારા વિચારે ચાલુ છું.

– ‘રુસ્વા’ મઝલૂમી

Comments (1)

ત્રણ પ્રતિજ્ઞાઓ – ચન્દ્રકાન્ત ટોપીવાળા

હું બુદ્ધને શરણે નહીં જાઉં
બુદ્ધ મને મારાં દુઃખોનું ભાન કરાવે છે
હું અ-બુધને શરણે જઈશ
એ મને મારા સુખનો ખ્યાલ આપશે

હું ધર્મને શરણે નહીં જાઉં
ધર્મ જાતજાતનું ભૂસું ભરી
મને ભારેખમ બનાવે છે
હું અ-ધર્મને શરણે જઈશ
એ મને હળવો ફૂલ રાખશે

હું સંઘને શરણે નહીં જાઉં
સંઘ મારી વાણીને છિનવી લેશે
હું જંગને શરણે જઈશ
જંગમાં મારું પોતાનું શસ્ત્ર, પોતાનો હોંકારો હશે.

– ચન્દ્રકાન્ત ટોપીવાળા

बुद्धं शरणं गच्छामि
धम्मं शरणं गच्छामि
संघं शरणं गच्छामि

બૌદ્ધ ધર્મના ત્રણ મુખ્ય સિદ્ધાંત. કવિ આ ત્રણ સિદ્ધાંતોની જમીન પર ઊભા રહીને આજના માનવની માનસિકતાનો યથાર્થ ચિતાર આપે છે.

Comments (2)

દુઃસ્વપ્ન – મણિલાલ હ. પટેલ

ગામ પાછું સપનામાં આવ્યું છે:
હવડ કૂવામાંથી નીકળેલી રાતે
મૂઠ મારીને ગામને પથ્થર કરી દીધું છે
અંધારાએ મારી આંગળી પકડી લીધી છે
હાથમાં દીવા લઈને પાદરના વડ નીચે
રાતીપીળી બાંધણી પ્હેરી જોગણીઓ રમે છે…

આંબલીના પોલા થડમાંથી, સજીધજીને
વરણાગી વંતરી બ્હાર નીકળી છે
પડછાયા એનો પ્હેરો ભરે છે
સન્નાટો શેરીમાં સભા ભરીને બેઠો છે
મકાનો આંખો મીંચીને જોઈ રહ્યાં છે…

વચલા ફળિયાના પીપળ-ચોરે
દેવલોક પામેલા ભાભાઓ
પડછાયા પ્હેરીને ગુપચુપ બેઠા છે
જાવલી ડાકણ કોઈનું કાળજુ રાંધીને
હમણાં જ ખાવા બેઠી છે…

રમજુડા ભૂવાએ ધૂણીધૂણીને છેવટે
લંગડા ભૂતને ગાગરમાં પૂર્યું છે
અંધારું મને નેળિયા બહાર લાવે છે
કાળો પાડો મુખીનું ખેતર ચરે છે
ઘોડાના ડાબલા ગાજે છે – અચાનક
ગામ છેવાડે કોઈ મરણ-પોક મૂકે છે
હું જાગી જાઉં છું: પરસેવે રેબઝેબ

– મણિલાલ હ. પટેલ

ગામનો આદમી ગામ છોડીને શરે આવી જાય ત્યારે શરીર જ શહેરમાં આવે છે, એનો જીવ તો ગામમાં જ રહી જાય છે પાછળ. પણ આજે પરિસ્થિતિ એવી છે કે આખેઆખા ગામડાં શહેરમાં ઠલવાવા માંડ્યા છે. ગામના કૂવા હવડ થઈ ગયા છે ને શેરીઓમાં સન્નાટો ફેલાઈ વળ્યો છે. મકાનોના દરવાજા હવે કાયમ માટે બંધ રહે છે અને પીપળાના ચોરા પર કદાચ દેવલોક થયેલા વડવાઓ આવે તો આવે જેવી પરિસ્થિતિ સર્જાઈ છે… ગામડું હવે દુઃસ્વપ્ન બનીને સતાવે નહીં તો જ નવાઈ…

Comments (2)

તમે નથી તો…! – ભાનુપ્રસાદ પુરાણી

તમે નથી તો, નથી જિંદગી જીવવા જેવી!
તમે નથી તો, દિલની વાતો કોને કહેવી?
તમે નથી તો, આંબાડાળે કોયલ ક્યાંથી ટહુકે?
તમે નથી તો, વનવગડામાં મયૂર ક્યાંથી ગહેંકે?

તમે નથી તો છોડ હિજરાતા કરે છે બાગના,
તમે નથી તો ફૂલ બધાં ઝૂર્યાં કરે છે ત્યારનાં
‘તમે ખરા છો! સાવ ભૂલકણા’ કોણ બોલશે?
‘જો જો પાછા મોડા પડતા!’ કોણ ટોકશે?

તમે તમારી આંખે સૂરજ ઢાળી દઈને-
કો’ક અજાણી આંખોને અજવાળાં દીધાં!
તમે અચાનક ‘આવું’ કહીને અનંત વાટે ચાલ્યાં,
ભૂલી ગયાં શું કોલ, આપણે બંધ બારણે લીધાં?

તમે નથી તો’આવું’ એવો કોણ પાડશે ટહુકો?
તમે નથી તોય અમ અંતરમાં ધૂપસળી શાં મહેંકો.

– ભાનુપ્રસાદ પુરાણી

એકાદા અપવાદને બાદ કરતાં ચુસ્ત પ્રાસ સાથેનું લયબદ્ધ સૉનેટ. જીવનસંગિની જીવનપથમાં નાયકને એકલો છોડીને, ચક્ષુદાન કરીને કોઈક અજાણી આંખોને અજવાળાં દઈને ચાલી નીકળ્યાં બાદની નાયકની મનોદશા અહીં સુપેરે ઉજાગર થઈ છે. ‘તમે નથી તો’ની પુનરોક્તિ મૃતકની ગેરહાજરીની તીવ્રતાનો અને નાયકના જીવનમાં વ્યાપ્ત ખાલીપાના આયામનો પણ ગુણાકાર કરે છે.

Comments (5)

સૂફીનામા : ૦૭ : જો તુમ તોડો, પિયા! – મીરાંબાઈ

જો તુમ તોડો, પિયા! મૈં નહિ તોડું,
તો સોં પ્રીત તોડ, મૈં! કૌન સંગ જોડું?

તુમ ભયે તરુવર, મૈં ભઈ પંખિયા,
તુમ ભયે સરોવર, મૈં તેરી મછિયા.

તુમ ભયે ગિરિવર, મૈં ભઈ મોરા,
તુમ ભયે ચંદા, મૈં ભઈ ચકોરા.

તુમ ભયે મોતી હમ ભયે ધાગા;
તુમ ભયે સોના, હમ ભયે સોહાગા.

મીરાં કહે: પ્રભુ! વ્રજ કે વાસી!
તુમ મેરે ઠાકુર, મૈં તેરી દાસી.

– મીરાં

ઈસ્લામિક રહસ્યવાદ તસવ્વુફ તરીકે ઓળખાય છે. અરબી ભાષામાં તસવ્વુફ એટલે ઊનના વસ્ત્રો પહેરવાં. એ જમાનામાં મુસ્લિમ દરવેશો ઊનના વસ્ત્રો પહેરતાં હતાં એ પરથી આ શબ્દ ઊતરી આવ્યો હોઈ શકે. ઓગણીસમી સદીના પ્રારંભમાં પાશ્ચાત્ય જગતે તસવ્વુફને ‘સૂફી’ નામથી ઓળખવાનું શરૂ કર્યું. સૂફી શબ્દ ‘સૂફ’ પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ પણ ઊન થાય છે. સૂફીવાદનો ઇતિહાસ મહંમદ પયગંબર સુધી લંબાયેલો છે, પણ આજે જેને આપણે ખરા અર્થમાં સૂફીવાદ કહીએ છીએ એની શરૂઆત સાતમી-આઠમી સદીમાં થઈ હતી. મુસ્લિમોએ જેને સૂફીવાદ કહ્યો, એ આપણી સંસ્કૃતિમાં પ્રેમલક્ષણા ભક્તિના નામે સદીઓથી પ્રચલિત હતો જ. આપણે ત્યાં શ્રીમદ્ ભાગવતમાં પણ કૃષ્ણ તરફની ગોપીઓની આસક્તિ પ્રકટ થઈ જ છે. નરસિંહના પ્રભાતિયાંઓ અને મીરાંના પદોમાં પણ આ પ્રેમલક્ષણા ભક્તિ જોવા મળે છે. ઈસ્લામિક સૂફીવાદથી સાવ અણજાણ આપણી ભોમકા પરના ભક્તકવિઓએ પણ ઈશ્વરને પોતાની માશૂકા-માશૂક ગણીને, પોતાની જાત એને અર્પણ કરી દેવાની તત્પરતામાં જીવનનું સાફલ્ય સમજ્યું હતું.

મીરાંબાઈનું આ લોકપ્રિય પદ લતા મંગેશકરે અમર કરી દીધું છે, પણ એ બાદ કરતાં કવિતાની દૃષ્ટિએ એને મૂલવીએ તો આ રચના આત્મસમર્પણની શ્રેષ્ઠતમ કવિતાઓમાંની એક છે.

Comments (1)

સૂફીનામા : ૦૬ : વ્હાલમ! આવો મારે ઘેર – કબીર

વ્હાલમ! આવો મારે ઘેર રે,
તમ બિન દુઃખી તન ઢેર રે.

સૌ કહે હું નારી તારી,
મને જ આ સંદેહ રે;
એક મેક થઈએ, સંગ ન સૂઈએ
ત્યાં લગી કેવો સ્નેહ રે?

અન્ન ન ભાવે, ઊંઘ ન આવે,
ઘર વન ધરે ન ધીર રે,
જેમ કામીને કામિની પ્યારી
જેમ તરસ્યાને નીર રે.

છે કોઈ એવો પરોપકારી
પ્રિયને કહી સંભળાવે રે,
‘કબીર’ હવે બેહાલ થયા છે
વણદેખ્યે જીવ જાવે રે.

– કબીર
(અનુ.: વિવેક મનહર ટેલર)

સૂફીવાદ અથવા તસવ્વુફ શબ્દ બોલતાંની સાથે આપણી નજર સામે માથે ઊંચી સફેદ ટોપી અને શરીરે લાંબો-ખુલતો સફેદ ચોગો પહેરીને નિજાનંદમાં ગોળ ગોળ ફર્યે રાખતા દરવેશની છબી આવી ઊભે. અથવા આબિદા પરવીન, નુસરત ફતેહ અલી ખાન જેવા ગાયકોનું સ્મરણ થાય. સાહિત્યમાં થોડોઘણો પણ રસ હોય એની નજર સામે અમીર ખુશરો, રૂમી, ગુલામ ફરીદ, મન્સુર, રાબિયા જેવા કવિઓ તરવરી ઊઠે. માન્યું કે પ્રવર્તમાન સૂફીવાદના મૂળ ઈસ્લામમાં પડેલાં છે અને સૂફી કલામ મુસ્લિમ ધર્મમાંથી લંબાયેલી ડાળ છે, પણ ભારતીય સાહિત્યનો ઇતિહાસ ચકાસીએ તો આપણે ત્યાં ઘણાં કવિઓની કલમ સૂફીવાદની વિચારધારાને મળતી આવે છે.

સૂફી વિચારધારાના મુખ્ય સિદ્ધાંત આ મુજબ છે:

૧) રુઢિચુસ્ત ઈસ્લામ ધર્મ બાહ્યાચાર અને ધાર્મિક વિધિઓના આંધળા પાલનનું સમર્થન કરે છે, જ્યારે સૂફી દરવેશ આંતરિક આંતરિક શુદ્ધિની આરત રાખે છે.
૨) સૂફી દરવેશ ઈશ્વરને પોતાની માશૂકા ગણે છે અને માશૂક તરીકે એને ભજીને એની સાથે એકાકાર થવાની ઝંખના ધરાવે છે.
૩) પ્રેમ અને સમર્પણ ઈશ્વર સુધી પહોંચવાનો એકમાત્ર માર્ગ છે.
૪) સૂફીવાદમાં સૌથી ઊંચુ સ્થાન ગુરુ (મુર્શીદ/પીર)નું છે.
૫) સમર્પણ નમાઝ અને રોજાથીય ઊંચું સ્થાન ધરાવે છે.
૬) સૂફીવાદ જાતિ વ્યવસ્થામાં માનતો નથી.
૭) સૂફીવાદ સાદા-સરળ જીવનનો હિમાયતી છે.

આપણે ત્યાં જયદેવ, વલ્લભાચાર્ય, આણ્ડાળ, વિદ્યાપતિ, કબીર, લાલ દીદ, નરસિંહ, મીરાં જેવા અનેકાનેક કવિઓ થઈ ગયા છે, જેમની રચનાઓ અને જીવનશૈલીમાં આ તમામ સિદ્ધાંતો વણાયેલા જોવા મળે છે. એટલે એમ કહી શકાય કે ઈસ્લામિક દેશોમાં અને આપણે ત્યાં સૂફીવાદી ભક્તિવિચારધારાઓનો સમાંતરે અને સ્વતંત્રપણે વિકાસ થયો છે.

કબીરની આ રચનામાંથી પણ સૂફીના ઊંડા પડઘા ઊઠતા સંભળાય છે. પ્રભુને વહાલમ કહીને એ ઘરે બોલાવે છે, કેમ કે એના વિના આ કાયા દુઃખી દુઃખી છે. લોકોના કહેવા મુજબ કબીર ઈશ્વરની પત્ની છે પણ કબીરને આ વાત પર શંકા છે કેમ કે જ્યાં સુધી બે જણ એક ન થાય, સાથે એક સેજ પર સૂઈ ન જાય ત્યાં સુધી સ્નેહસંબંધ વળી કેવો? કેવી ચતુરાઈથી ઈશ્વરને પોતાને એકરૂપ કરી દેવા માટે કબીર ઉકસાવે છે! પ્રભુના પ્રેમમાં નથી અન્ન ભાવતું, નથી ઊંઘ આવતી, ઘરમાં રહે કે વનમાં, ધીરજ ખૂટી રહી છે અને જેમ કામીને સ્ત્રી પ્યારી હોય અને તરસ્યાને પાણી, બરાબર એ જ તીવ્રતાથી કબીરને પ્રભુની આરત છે. હવે તો કોઈ પરોપકારી મળે અને ઈશ્વરને કબીરના બેહાલ હાલની વાત કહી સંભળાવે તો ઠીક, બાકી કબીરના પ્રાણ પ્રભુદર્શન ન થવાના લઈને નીકળવા પર છે.

*

बालम आवो हमारे गेह रे,
तुम बिन दुखिया देह रे।

सब कोई कहै तुम्हारी नारी
मो कों यह संदेह रे;
इक मिक होये सेज न सोये
तब लग कैसो स्नेह रे।

अन्न न भावै नींद न आवै
गृह बन धरै न धीर रे,
ज्यों कामी को कामिनी प्यारी
ज्यों प्यासे को नीर रे।

है कोई ऐसा पर-उपकारी
पिय से कहै सुनाय रे,
अब तो बेहाल ‘कबीर’ भये हैं
बिन देखे जिया जाय रे।

– कबीर

Comments (5)

સૂફીનામા : ૦૫ : ઓળખ, તિલક- બધુ છીનવ્યું રે -અમીર ખુશરો

મારી છબી બનાવીને હું જો પિયાની પાસે ગઈ,
એની છબી જોઈને હું તો મારી ભૂલી જ ગઈ.

ઓળખ, તિલક- બધુ છીનવ્યું રે, આંખમાં આંખ પરોવીને,
વાત નટખટ (હલકી) કહી દીધી રે, આંખમાં આંખ પરોવીને.

વારિ વારિ જાઉં હું તો તને રંગ-રસિયા,
તારા જ રંગે રંગી રે, આંખમાં આંખ પરોવીને.

પ્રેમ-ભઠ્ઠીનો રસ પાઈને, મતવારી કરી દીધી રે,
આંખમાં આંખ પરોવીને.

ગોરા ગોરા હાથ અને લીલી લીલી બંગડી,
હાથ પકડીને ઘરમાં ખેંચી રે, આંખમાં આંખ પરોવીને.

‘ખુશરો’ ‘નિજામ’ ને વારી વારી જાયે,
મને સોહાગણ કરી દીધી રે, આંખમાં આંખ પરોવીને.

-અમીર ખુશરો (અનુવાદઃ મોના નાયક ‘ઊર્મિ’)

ફારસીના જ્ઞાતા, ઉત્તમ શાયર અને ઇતિહાસકાર અમીર ખુશરો દહેલવી, ઇ.સ. ૧૨૫૩થી ૧૩૨૫ દરમિયાનના સમયના કવિ, સંગીતકાર, સંશોધક, તત્ત્વજ્ઞાની અને ભાષાશાસ્ત્રી ગણાય છે. ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીતના ખયાલની રચનાની શરૂઆત કરવાનો યશ અમીર ખુશરોને ફાળે જાય છે. તેમણે ધ્રુપદમાં સુધારા કરીને તેમાં પર્શિયન મેલડીઝ અને તાલ ઉમેરીને ખયાલની રચના કરી હતી. સામાન્ય રીતે જોઇએ તો ખયાલ મૂળ તો કવ્વાલીમાંથી ઊભર્યો છે, જેને તેમણે ભજનરૂપે પણ રચના કરીને ગાયો હતો. તેઓ પર્શિયન ભાષામાં તથા હિન્દવીમાં કવિતાઓ લખતા. પાછળથી તેઓ હિન્દી અને ઉર્દૂમાં લખતા થયા હતા. ઉપરાંત તેઓ અરેબિક ભાષા પણ જાણતા. તેમની મોટા ભાગની કવિતાઓ આજે પણ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં બંદીશો તરીકે ઉપયોગમાં લેવાય છે અને તેમની ગઝલો ગઝલગાયકો ગાય છે. તેઓ ઉર્દૂ ભાષાના સ્થાપક હતા અને પ્રથમ ઉર્દૂ કવિ પણ હતા. તેમને કવ્વાલીના જનક કહેવાય છે. કવ્વાલી એ ભારતીય સૂફીઓનું ભક્તિસંગીત ગણાય છે. તેમણે શાસ્ત્રીય સંગીતમાં તરાનાનો ઉદ્ભવ કર્યા પછી શરૂઆતના રાગો પણ પરંપરાગત રિધમિક રીતે કમ્પોઝ કર્યા હતા. ભારતીય તબલાની શોધ પણ તેમણે કરી હતી. તેમણે સંગીતની સાથે માર્શલ આર્ટસ અને ઘોડેસવારી પણ શીખ્યા હતા. ખુશરો દિલ્હીના અલ્લાઉદ્દીન ખીલજીથી ગયાસુદ્દીન તઘલખ સુધીના સાત રાજાઓના દરબારમાં જાણીતા સંગીતકાર હતા.

અમીર ખુશરો કોમીએકતા, હિન્દુ-મુસ્લિમ સંવાદિતા, સામાજીક જોડાણ અને સાંપ્રદાયિક એકતાનું પ્રતિક ગણાય છે. અમીર ખુશરોએ ભારતીય સંસ્કૃતિના સદ્‌ભાવનાના મૂલ્યોને “ખિદમત-એ-ખલ્ક” એટલેકે માનવતાની સેવાથી આગળ વધાવ્યો છે. તેમણે “સુલ્હ-એ-કુલ” પ્રથા એટલે કે સમાધાનની પ્રથાની પણ શરૂઆત કરી જેના અનુસાર ઈશ્વર એ લોકોનું દામન થામે છે જે માનવતા માટે તેનાથી પ્રેમ કરે છે અને તેથી જ સમગ્ર માનવતા તેનાથી પ્રેમ કરે છે. આજના સમયમાં અમીર ખુશરોની નજ્મો-કવિતા અને શિક્ષાઓ કોમી એકતા, સહનશીલતા, આધ્યાત્મિકતાને મજબૂત કરવા ઉપયોગી બને છે.

ખુશરો સૂફી વિચારના ચિશ્તી પરંપરાના જાણીતા સંત હઝરત મુહંમદ નિઝામુદ્દીન ઓલિયાના વિચારોથી પ્રભાવિત થઈ તેમના શિષ્ય બની ગયા, જે તેમના આધ્યાત્મિક ગુરુ પણ હતા. પાંચ હજાર દોહા અને શાયરીનાં પાંચ પુસ્તકો લખનાર અમીર ખુસરોની રચનાઓમાં સૂફી વિચારોનો અર્ક માણવા મળે છે. તેમના ગુરુ નિઝામુદ્દીન ઓલિયાના અવસાનના સમાચાર તેમને ઘણા મોડા મળેલા અને સમાચાર મળતાં જ અમીર ખુસરો તેમની દરગાહ પર જઇ ચોધાર આંસુએ રડેલા અને ત્યારે તેમની અંદરનો કવિ બોલી ઊઠેલો,

‘ખુસરો રૈન સોહાગ કી, જાગી પી કે સંગ
તન મોરો મન પિઉ કો, દાઉ ભયે એક સંગ
ગોરી સોવે સેજ પર, મુખ પર ડારે કેસ
ચલ ખુસરો ઘર અપને, રૈન ભઈ ચહું દેસ’

આ દોહા સાથે ખુસરો ગુરુની મઝાર પાસે બેભાન થઈ ગયેલા. આવા ગહન વિચારને સરળ શબ્દોમાં સાકાર કરનાર ખુસરોની પ્રખ્યાત રચનાઓમાં ‘ખ્જૈન- અલ -ફતહ’ અને ‘તારીખ-એ – અલાય’ છે. જ્યારે ઐતિહાસિક રચનાઓમાં ‘નૂહ સિફિર’ અને ‘તુગલખનામ’ જાણીતી છે. ઈ .સ. ૧૩૨૫માં તેમનું અવસાન થયું. તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમને તેમના ગુરુ નિઝામુદ્દીન ઓલિયાની કબર પાસે જ દફ્નાવાવમાં આવ્યા.

Source: WikiPedia અને અન્ય

*
अपनी छवि बनाय के जो मैं पी के पास गई
जब छवि देखी पीहू की तो अपनी भूल गई

छाप तिलक सब छीनी रे मोसे नैनाँ मिलाय के
बात अधम कह दीन्हीं रे मोसे नैनाँ मिलाय के

बल-बल जाऊँ मैं तोरे रंग-रेजवा
अपनी सी रंग दीन्हीं रे मोसे नैनाँ मिलाइ के

प्रेम-भटी का मदवा पिलाय के मतवारी कर दीन्हीं रे
मोसे नैनाँ मिलाइ के

गोरी गोरी बइयाँ हरी हरी चूड़ियाँ
बईयाँ पकर धर लीन्हीं रे मोसे नैनाँ मिलाय के

‘ख़ुसरव’ ‘निजाम’ के बल-बल जइए
मोहे सुहागन कीन्हीं रे मोसे नैनाँ मिलाइ के

Comments (4)

સૂફીનામા : ૦૪ : પ્રેમમાં – ફરીદુદ્દીન અટ્ટાર

પ્રેમમાં યુવાન અને વૃદ્ધ એક સમાન છે
પ્રેમમા ખોટ અને નફો એક સમાન છે
પ્રેમમાં દુનિયાના બધા રંગ એક સમાન છે
પ્રેમમાં વસંત અને પાનખર એક સમાન છે
પ્રેમમાં ઊંચું અને નીચું એક સમાન છે
પ્રેમમાં ધરતી અને સ્વર્ગ એક સમાન છે
પ્રેમનું સ્થાનક વર્તુળાકાર છે
એના પરનું દરેક બિંદુ એક સમાન છે
પ્રિયતમનું વ્હાલ ને આક્રોશ એક સમાન છે
પ્રેમની પરંપરામાં મૃત્યુ ને અમરત્વ એક સમાન છે

-ફરીદુદ્દીન અટ્ટાર

પ્રેમ માત્ર સાધન નથી સાધ્ય છે: આ જરા જેટલા વિચારમાં આખી દુનિયાને ક્ષણાર્ધમાં સરળ કરી નાખવાની તાકાત છે.

Comments (2)

સૂફીનામા : ૦3: ખાલી શ્વાસ – રૂમી

ન ઇસાઇ કે યહૂદી કે મુસ્લિમ,
ન હિન્દૂ કે સૂફી કે ઝેન.
ન કોઈ ધર્મ કે ન કોઈ સંસ્કૃતિ.

ન હું પૂર્વથી કે પશ્ચિમથી.
ન સાગરમાંથી કે ન ધરતી પરથી,
ન પાર્થિવ કે ન અપાર્થિવ,
નથી બન્યો હું તત્વોથી.

હું હોવામાં નથી.
હું નથી આ દુનિયાનો કે નથી બાજુની દુનિયાનો,
નથી હું આદમ-ઇવથી જન્મ્યો કે સ્વર્ગથી ઉતારી આવ્યો.

મારું સ્થાન સ્થાનરહિત છે, પગેરાવિહીન પગેરું .
ન આત્મા ન શરીર.

હું મારા પ્રિયતમનો છું ને જોયા છે એમાં
બે જગતને એક થઇ જતા જેને હું પોકારું છું અને જાણું છું.
એ જ પહેલો અને છેલ્લો, એ જ બાહરનો અને અંદરનો,
ખાલી એ શ્વાસ લેતો માનવ.

– રૂમી (કોલમેન બાર્કસના અનુવાદના આધારે)

સૂફીવાદની વાત નીકળે તો પહેલો રૂમી યાદ આવે. એની રહસ્યવાદી કવિતાઓ આજે લગભગ હજાર વર્ષ પછી પણ એટલી જ પ્રસ્તુત લાગે છે. એની હજારો કવિતાઓ છે અને એકે એક ઉમદા છે.

સુફીમાર્ગમાં ‘ફિત્ર’ની વાત છે. ફિત્ર એટલે નિર્દોષ અને નિર્મળ સ્થિતિ. દરેક માનવ જન્મે આ જ સ્થિતિમાં હોય છે. સંસારના રંગે ના રંગાય ત્યાં સુધી. બીજે બધે વાત છે વધારે જ્ઞાન મેળવીને આગળ જવાની, અહીં વાત છે બિનજરૂરી આવરણો ઉતારીને શુદ્ધ થવાની. બધું પોતાની અંદર છે જ. માત્ર શોધવાની જ વાર છે.

અહીં રૂમી પોતાની જાતને એક પછી એક આવરણમાંથી મુક્ત કરતા જાય છે. પોતાના પરથી જાણે એક પછી એક ‘લેબલ’ ઉખાડતા જતા હોય એમ. કવિને ધર્મ કે સંસ્કૃતિ ખપતા નથી. નથી એમને શરીરનો ભાર ખપતો. પોતાના અસ્તિત્વનું પોત કવિને એટલું પાતળું કરી દેવું છે કે એ શબ્દ વાપરે છે – ‘સ્થાનરહિત સ્થાન’ અને ‘પગેરાવિહીન પગેરું.’ કવિ આત્મા અને શરીર બંનેથી આગળ વધી જવા માંગે છે. એમનુ ગંતવ્ય છે પ્રિયતમ. પોતાના પ્રિયતમમાં એમને બંને જહાન એક થતા દેખાય છે. છેલ્લે રહી જાય છે ખાલી એક શ્વાસ લેતો માનવ. કોઈની પણ આટલી ઓળખાણ પર્યાપ્ત હોય છે. એનાથી વધારેના કોઈ પણ આવરણો આખરે તો અડચણ જ બની રહેતા હોય છે.

Comments (2)

સૂફીનામા : ૦૨ : અનાયાસે – મન્સૂર

I do not cease swimming
in the seas of love,
rising with the wave,
then descending;
now the wave sustains me,
and then I sink beneath it;
love bears me away
where there is no longer any shore.

Al Hallaj Mansoor

પ્રેમસિંધુઓ મહીં
તરવું બંધ કરતો નથી.
ઉપર જતો મોજા સાથે,
પછી નીચે.
હમણા મોજું મને ટકાવે છે
ને પછી હું એની નીચે ડૂબું છું.
કિનારાના તો ઓછાયામાત્રથી
પ્રેમ મને આઘો રાખે છે.

– મન્સૂર

આ મારો સૌથી પ્રિય માથાનો ફરેલો સૂફી છે. અંગત રીતે મને આ સંત સૌથી હિમતવાન અને નીડર લાગે છે. એને સત્ય સિવાય કશાનો ખપ પણ નહોતો અને ખોફ પણ નહોતો. એ સારી પેઠે જાણતો હતો કે એના વિચારો પ્રગટ કરવાનો અર્થ શું હતો અને અંત શું હતો,છતાં એણે ડંકાની ચોટ પર એલાન કરેલું – ‘ અનલહક ‘ – અર્થાત ‘ હું જ સત્ય છું ‘ – બીજા શબ્દોમાં – “અહં બ્રહ્માસ્મિ”…… રૂઢિચૂસ્તો આ ગુસ્તાખી માટે એના એક પછી એક અંગો છેદતા ગયા અને તેને પોતાનો અભિપ્રાય બદલવાનો મોકો આપતા ગયા, પણ તે ટસનો મસ ન થયો. અંતે ગળા પર તલવાર મૂકાઈ ત્યારે પણ એનો સૂર દ્રઢ રહ્યો. તેની હત્યા આખા ઇસ્લામને હચમચાવી ગઈ. હૃદયથી બધા જ એની સામે નતમસ્તક થયા. ખાનગીમાં તે ઇસ્લામનો મહાનાયક કહેવાયો.

કાવ્ય સરળ છે…..જયારે કર્તા અદ્રશ્ય થાય છે ત્યારે જે રહી જાય છે તે છે અદ્વૈત….. આ જ વાત જિબ્રાન,રવીન્દ્રનાથ અને જે.કૃષ્ણમૂર્તિ ભિન્નભિન્ન શબ્દોમાં કહે છે…..

Comments (2)

સૂફીનામા : ૦૧ : વાસ્તવિકતા – રાબિયા

પ્રેમમાં કશું જ હોતું નથી હ્ર્દય-હૃદય વચ્ચે.
વાણી જન્મે છે વિરહમાંથી,
હૂબહૂ વર્ણન જન્મે છે સાચા સ્વાદમાંથી.
જે ચાખી ચૂક્યો છે, તે જાણકાર;
જે માત્ર વર્ણવે તે ખોટ્ટાડો.
જે હજરાહજૂર થતા તમારું અસ્તિત્વ જ નામશેષ થઈ જાય
તેનું મૂળ સ્વરૂપ તમે કઈ રીતે વર્ણવી જ શકો ?
વળી તમારું અસ્તિત્વ હજુ જેના સ્વ માં છે (તેનું મૂળસ્વરૂપ તમે કઈ રીતે વર્ણવી શકો) ?
વળી જે તમારી યાત્રાની નિશાનીરૂપે જીવંત છે (તેનું મૂળસ્વરૂપ તમે કઈ રીતે વર્ણવી શકો) ?

– રાબિયા

In love, nothing exists between heart and heart.
Speech is born out of longing,
True description from the real taste.
The one who tastes, knows;
the one who explains, lies.
How can you describe the true form of Something
In whose presence you are blotted out?
And in whose being you still exist?
And who lives as a sign for your journey?

-Rabia al-Adawiyya

મંદિરમાં જેમ ગર્ભગૃહ, મહાભારતમાં જેમ ગીતા તેમ ઇસ્લામમાં સૂફી. ઉત્તમ ઉદાહરણ આપવું હોય તો જે સ્થાન ઝેનનું બૌદ્ધપંથમાં છે તે જ સ્થાન સૂફીનું ઇસ્લામમાં છે. ઇસ્લામનો પાયો અદ્વૈત નથી. સૂફીમાં અદ્વૈતનો ઈશારો છે. ‘અનલહક’ એ અદ્વૈતનો ઉદ્દગાર છે. અદ્વૈતની ઉદ્દઘોષણા છે. સૂફીની કોઈ સ્પષ્ટ મર્યાદિત વ્યાખ્યા નથી. ઈશ્વરને પ્રિયતમ સ્વરૂપે અનુભવવો, માશૂક સરીખો સંવાદ સાધવો, સખાભાવે ઝઘડવું-રૂઠવું-રીઝવું… આ બધા સૂફીના સ્વભાવ-સ્વરૂપ. જયારે કોઈક સાધક ઈશ્વરના પ્રચલિત ખ્યાલને વીંધીને ઈશ્વર-તત્વનું ચિંતન કરે ત્યારે તે સૂફી-ભોમકામાં પદાર્પણ કરે. જલાલુદ્દીન રૂમીએ સૂફી પરંપરામાં એવું મોટું સિમાચિહ્ન સર્જ્યું છે કે ત્યાર બાદના તમામ સૂફીપરંપરાના સર્જનો એ જ માપદંડે મપાય છે. અસંખ્ય સાધકોએ આ પરંપરામાં અદભૂત સર્જન આપ્યા છે.

પ્રસ્તુત રચના એક લાક્ષણિક સૂફી કાવ્ય છે- સંપૂર્ણપણે અદ્વૈતનું ગાન !! એક ગુલામડી તરીકે યુવાન થનાર બહેન ઇસ્લામની પૂજ્ય સંત બને છે સાતમી સદીના અતિરૂઢીચૂસ્ત સમાજમાં. તેઓએ પરમતત્વને આત્મસાત કર્યું હતું, અને સ્પષ્ટ કહે છે કે “પ્રેમમાં કશું જ હોતું નથી હ્ર્દય-હૃદય વચ્ચે” – દ્વંદ્વ શમે છે ત્યારે પ્રેમ જ રહી જાય છે, બીજું કશું હોતું નથી. કિરણ અને સૂર્ય અલગ નથી, બૂંદ અને મોજું અને સાગર અલગ નથી. અલગતાની જનની ભ્રમણા છે. ઈશ્વરને શોધવો નરી મૂર્ખતા છે.

Comments (2)

આજે લયસ્તરોની પંદરમી વર્ષગાઠ

લયસ્તરો દ્રારા કવિતાના આનંદનો ગુલાલ કરવાના ઉદ્યમને આજે 15 વરસ પુરા થાય છે. કવિતાની હુંફમાં આટલો પસાર કરવાનો અવસર થયો એ ઈશ્વરનો ઉપકાર જ ગણાય. આ અવસરે હું લયસ્તરોની ટીમ – મોના, તીર્થેશ, વિવેક અને મારા – તરફથી સઘળા કવિઓ, સ્નેહીજનો અને વાચકોનો આભાર માનું છું.

મા ગુજરાતીને ઇન્ટરનેટ પર પ્રસરતી જોવાનો આનંદ બહુ મોટો છે. ગુજરાતી કવિતા રોજે રોજ બદલાઈ રહી છે અને વિસ્તરી રહી છે. વધુને વધુ લોકો પોતાના સાંસ્કૃતિક (અને સાહિત્યિક) મૂળિયાંની શોધમાં ગુજરાતી ભાષા તરફ પાછા ફરી રહ્યા છે. ગુજરાતી સાહિત્ય, નાટકો, ફિલ્મો બધું ઓસરવાને બદલે ઉભરાતું જાય છે. ઉમદા કામ કરવા સક્ષમ એવું નવું લોહી ગુજરાતી ભાષાપ્રવાહમાં ઉમેરાતું જાય છે. આ બધું એક ચમત્કારથી ઓછું નથી.

દર વર્ષે લયસ્તરોની વર્ષગાંઠ કંઈક નવું કરીને ઉજવવાનો ક્રમ અમે આ વખતે પણ ચાલુ રાખીશું. આવતું અઠવાડિયું આપણે સૂફી કવિતાઓની સાથે પસાર કરીશું. એનો પહેલો મણકો આવતી કાલે આવશે. તો આજે શું? આજે લયસ્તરોની પંદરમી વર્ષગાઠ નિમિત્તે હું તમારી સાથે કવિતાની મને ગમતી પંદર વ્યાખ્યાઓ રજુ કરું છું, ‘કવિતા એટલે શું?’ એ અનુત્તરણીય પ્રશ્નનો જવાબ શોધવામાં એ હાથવાગી થશે એવી આશા સાથે 🙂

કવિતા માનવીનો પોતાના હોવાપણાની સામેનો વિદ્રોહ છે. – જેમ્સ બ્રાન્ચ કાબેલ

કવિતા એક પડઘો છે જે એક પડછાયાને નાચવા માટે આમંત્રિત કરે છે. – કાર્લ સેન્ડબર્ગ

જે અનુવાદમાં ખોવાઈ જાય છે એ કવિતા હોય છે. – રોબર્ટ ફ્રોસ્ટ

કવિતા એટલે હકીકતની વ્યાખ્યા. – ઇડિથ સીટવેલ

કવિતા કે ગીત એ તમે સમજી શકો એવી ચીજ નથી, એ એવી ચીજ છે જે તમને સમજી શકે છે. – વિન્ની ધ પૂ(એ.એ. મિલ્ને)

કવિતા એ રોજનીશી છે જમીન પર રહેતા જળચરોની, જે હવામાં ઉડવાની ઈચ્છા રાખે છે. – કાર્લ સેન્ડબર્ગ

ખરી કવિતા એ જે સમજાતા પહેલા જ સમજાઈ જાય. – ટી. એસ. ઇલિયટ

કવિતા અવાજના આશીર્વાદથી જન્મેલું ચિત્ર છે. – સિમોનિડીસ

કવિતા મૌનનું અનાથ બાળક છે જેને શબ્દોએ દત્તક લીધેલું છે. – ચાર્લ્સ સિમિક

મારું માથું કોઈએ વાઢી લીધું હોય એવું લાગે, ત્યારે હું માનું કે એ કવિતા છે. – એમિલી ડીકીનસન

કવિતા એ જિંદગીનો પુરાવો છે. એ બળતી જિંદગીની ખરતી રાખ માત્ર છે. – લેનાર્ડ કોહન

જીવનમાં યાદ રાખવા જેવું જે કશું છે એ કવિતા છે. – વિલિયમ હાઝલીટ

કવિતા એ સુખ અને સત્યનું ચોખટુ બેસાડવાની કળા છે. – સેમ્યુઅલ જ્હોનસન

કવિતા એટલે જિંદગીને ગળચીથી પકડી લેવાની કરામત. – રોબર્ટ ફ્રોસ્ટ

કવિતા એટલે આત્માની માતૃભાષા. – ઉમાશંકર જોશી

લોહીનું  શ્યાહી  માં  રૂપાંતર  એટલે  કવિતા. – હરીન્દ્ર  દવે (આભાર: કેતન યાજ્ઞિક)

Comments (54)