વાહન બરફના ચોસલા જેવા હશે કદાચ,
ગરમી પડે ને રોડનો ટ્રાફિક ઓગળે.
કુલદીપ કારિયા

સાક્ષીભાવ – પ્રદીપ ‘સુમિરન’

આવનારો શ્વાસ ક્યાં લઈ જાય, કૈં નક્કી નહીં,
મૃત્યુ ક્યારે કયા બહાને થાય, કૈં નક્કી નહીં!

ભાવ સાક્ષીનો લઈ, જોતા રહીએ જે થાય તે,
કિન્તુ, એવું કેટલી પળ થાય, કૈં નક્કી નહીં!

ખૂલવાની જેમ થાવું બંધ- ઘટના રોજની-
ભીંત, ક્યારે બારણું થઈ જાય, કૈં નક્કી નહીં!

આપણે વ્યાખ્યા કરીને ખુશ રહીએ એટલું,
શું જડે, ને શું અહીં ખોવાય, કૈં નક્કી નહીં!

મેઘધનુષો આભમાંથી વીણવાના ખેલમાં-
હાથની હિનાનું શું થાય, કૈં નક્કી નહીં!

લઈ ફરે છે ધૂપદાની, કૈંક છાયાઓ અહીં,
ધૂપ એમાં થાય કે ના થાય, કૈં નક્કી નહીં!

– પ્રદીપ ‘સુમિરન’

કાફિયાઓની બાબતમાં કવિએ પ્રમાણમાં ખાસ્સી આળસ સેવી હોવા છતાં મસ્ત મજાની ગઝલ લખાઈ પણ જાય, કૈં નક્કી નહીં!

6 Comments »

  1. NARESH SHAH said,

    December 27, 2019 @ 6:56 AM

    Tenth line would recite better as
    હાથની હિનાનું શું થઈ જાય, કૈં નક્કી નહીં!

  2. Kajal kanjiya said,

    December 27, 2019 @ 7:31 AM

    વાહહહ

  3. pragnajuvyas said,

    December 27, 2019 @ 9:30 AM

    કવિશ્રી પ્રદીપ ‘સુમિરન’ની મસ્ત મજાની ગઝલ સાક્ષીભાવના દરેક શેર સુંદર છે.
    તેમા આ શેર ખૂબ ગમ્યો
    ભાવ સાક્ષીનો લઈ, જોતા રહીએ જે થાય તે,
    કિન્તુ, એવું કેટલી પળ થાય, કૈં નક્કી નહીં!
    મનનાં સાક્ષી બનો, તો મન તમને અડશે પણ નહીં અને નડશે પણ નહીં,મનમાં જો રાગ ઉત્પન્ન થાય તો તમને સંગ્રહ કરાવે અને મનમાં જો તે દ્વેષ ઉત્પન થાય તો ત્યાગ કરાવે ..ફકત જોવું તે સાક્ષી ભાવ છે. જાગૃતીપૂર્વક હોંશપૂર્વક પક્ષ કે વિપક્ષમાં રહયા વિના ફકત સાક્ષી બની જોવાનું છે. અને આપણે જોવું કે જે વિચાર આવ્યો એ એની રમત રમે છે. ફકત જોતા – જોતા એક ક્ષણ એવી આવે જયારે કોઇ હોતું નથી. ન ભૂતકાળ, ન ભવિષ્ય કાળ ન વિચાર, એ ધ્યાન છે અને બે વિચારો વચ્ચેનો સમય વધતો જાય છે એમ ધ્યાન પ્રગાઢ બનતું જાય છે. ભાવદશા ગહેરી બને છે. આવી ભાવદશામા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ મા જગદંબા સાથેના સંવાદ સ્વરૂપે અને રોજ લખાતી ડાયરીના પાનાઓમાં વ્યક્ત કરેલી પ્રાર્થનાઓની ચિત્રમય રજૂઆત -‘ સાક્ષીભાવ’નું લોકાર્પણ કર્યુ હતુ.

  4. saryu parikh said,

    December 27, 2019 @ 9:41 AM

    સરસ રચના.
    “ખૂલવાની જેમ થાવું બંધ- ઘટના રોજની-
    ભીંત, ક્યારે બારણું થઈ જાય, કૈં નક્કી નહીં!” વિશેષ ગમી. સરયૂ પરીખ્

  5. vimala Gohil said,

    December 27, 2019 @ 3:05 PM

    “ભાવ સાક્ષીનો લઈ, જોતા રહીએ જે થાય તે,
    કિન્તુ, એવું કેટલી પળ થાય, કૈં નક્કી નહીં!” પ્રત્યેક સુન્દર શેરભરી રચના.
    માનન્ય મોદીજીનું ” સાક્ષીભાવ” ગુજરાતીપ્રેમીના ઘર પુસ્તકાલયમાં
    હોવું ઘટે.

  6. Jay said,

    December 27, 2019 @ 3:24 PM

    Read Modiji’s Sakshibha free here….https://www.narendramodi.in/category/ebooks

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment