દાવો -પન્ના નાયક
ના, ના, ના.
હું
કવિતા લખવાનો દાવો નથી કરતી.
હું તો
મારાં સ્તનો નીચેના
પિંજરામાં પૂરાયેલા શબ્દોને
પાંખો આપી
વિહરતાં મૂકું છું ગગનમાં…
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
અછાંદસ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
ના, ના, ના.
હું
કવિતા લખવાનો દાવો નથી કરતી.
હું તો
મારાં સ્તનો નીચેના
પિંજરામાં પૂરાયેલા શબ્દોને
પાંખો આપી
વિહરતાં મૂકું છું ગગનમાં…
૧૦ x ૧૨ ની ઓરડીમાં
ભીંત પરના ચિત્રમાં
આકાશ પણ
કેવું વિશાળ !
– વિપિન પરીખ
ગાગરમાં સાગર…
આપણી ભાષાના ઉજ્જડ સીમાડે ઊભો છું હું,
એરંડો
ઝોડ જેવું ઝાડ છું, ભોંકાય તો લોહી કાઢે એવા કાંટા
ઉગાડી શકું છું ફળની સાથોસાથ,
મૂળિયાં મારાં ઊંડાં છે, ને મજબૂત,
ડાળીઓ દિશાઓની ભીંત ઉપર કોલસાના ગાંગડાથી ચીતરેલી છે.
સૂકીભઠ આ જમીનની અંદર
જળ ક્યાં છે
એની મને જાણ છે.
પાણીકળાઓ મારાં મૂળિયાંમાંથી લાકડીઓ બનાવી લે છે.
હાઈડ્રોલિક એન્જિનિયરો મારી પાસે ભણે છે.
પથરાઓ પાણીદાર છે, ધૂળ ને ઢેફાં યે ભીનાશવાળાં છે,
સૂરજે સળગાવી નાખેલા આભમાં ઝાકળજળ ક્યારે આવી પહોંચે છે,
ને આપણી આંખોમાં, એની
રજેરજ માહિતી મારી પાસે ન હોય
તો, તમે શું માનો છો? – હું આમ ટકી રહ્યો હોત
આપણી સમઝણના જોખમી છેવાડે?
એક સાંજે
ટ્રેનના ચાલ્યા ગયા પછી
રેલ્વેના પાટા અરસપરસ પૂછતા હતા :
‘ બે માણસને એકબીજાથી દૂર જવા માટે
કેટલું DISTANCE જોઈએ ? ‘
– વિપિન પરીખ
Distance is a space between two objects… પણ શું દૂરી distance-આધારિત હોય છે ?
દીવાદાંડીઓ કવિઓ જેવી લાગે છે:
જ્યાં જ્યાં જોખમનો ભય –
ત્યાં બન્નેની સાબદી નજર.
પવનના ઉદરમાં જ આકાર લેતું તોફાન
અથવા તો
ફૂંફાડાબંધ આવી રહેલું
મહાસાગરનું મોજું….
કવિઓ દીવાદાંડીઓ જેવા લાગે છે :
વેદનાની અનુભૂતિ આત્મસાત કરીને
તેઓ પોતાનું એકાંત ઊભું કરે છે,
કારણકે બન્નેના ભર્ગ-વરણ્યને
હમ્મેશાં દૂર દૂરનો ફાસલો હારી જાય છે.
તેમનું ભીતર
કોઈ પણ અંધકાર કરતાં વધુ અતલ હોય છે.
સ્ટાલિન પોતાના સેનાપતિઓને કહેતો કે – ‘શત્રુપક્ષનો એક સેનાપતિ છટકી જશે તે ચાલશે પણ શત્રુપક્ષનો એકપણ કવિ છટકવો ન જોઈએ.’ !!!
જે માગતો નથી,
એની જ માગણી પ્રચંડ હોય છે,
જે મેળવતો નથી
એને જ સૌથી વધુ મળે છે;
જે ફરતો નથી
એની જ યાત્રા કબૂલ થાય છે;
જે ભૂલો કરે છે
એની સમક્ષ ક્ષમાનો પારાવાર છે;
જે ઊભો છે
એની જ ગતિનો મહિમા છે.
આ કાવ્ય જાણે Lao Tzu લિખિત ‘ Tao Te Ching ‘ નું હોય તેવું લાગે છે !
કોઈ અચાનક બહારથી આવીને પૂછે:
‘અહીં ક્યાંય અજ્ઞાત સૈનિકની કબર છે?’
હું એને બેધડક કહી દઉં,
‘સર, તમે કોઈ નદીકિનારે ચાલ્યા જાવ,
કોઈ મસ્જિદની બેન્ચ પર બેસી જાવ,
કોઈપણ ઘરના પડછાયા પાસે ઊભા રહી જાવ,
કોઈપણ ચર્ચના દરવાજા પાસે પગ મૂકો,
કોઈ પર્વતની શિલા ઉપર,
બગીચાના કોઈ વૃક્ષ નીચે,
અરે, મારા દેશની જમીનના કોઈપણ ખૂણે.
ચિંતા કરશો નહીં.
તમે સહેજ નીચે ઝૂકીને
ફૂલોનો બુકે અહીં જ મૂકી દો.’
-અબ્દુલ્લા પેસિઉ (ઇરાક)
(અનુ. અનિલ જોશી)
*
આ કવિતા વાંચીએ અને આપણી અંદરથી એક ચિત્કાર ન ઊઠે તો આપણા મનુષ્યત્વ અંગે શંકા કરવાની છૂટ છે… યુદ્ધ કદી કોઈ સમસ્યાનો ઉકેલ હોતો નથી. પણ મનુષ્યજાતને એના અસ્તિત્ત્વના આરંભથી આ એક સરળ વાત સમજાણી નથી… મારા વિના આ દુનિયા ચાલશે જ નહીં એવું માનનારાઓથી કબ્રસ્તાનો ચિક્કાર ભરેલાં છે…
*
The Unknown Soldier
Whenever an ambassador goes to any country,
he takes with him a wreath of flowers for The Unknown Soldier
And if someday an ambassador comes to my land
and asks me:
‘Where is the grave of The Unknown Soldeir?’
I will tell him:
‘Sir,
On the bank of any stream,
In any place in any mosque,
In the shade of any home,
In the nave of any church,
At the mouth of any cave,
In the mountains – on any rock,
In the gardens – on any treetop,
In my country,
Under any cloud in the sky…
Do not hesitate:
Bow your head
And place your wreath of flowers
anywhere.
– Abdulla Pashew
(Translated by Omid Varzandeh from the Kurdish)
જમીનમાંથી હાથ જોડીને જ બહાર આવે છે બી.
ધીમેધીમે નતમસ્તક થઈને
હાથ ફેલાવીને કરે છે પ્રાર્થના.
એક જ જગ્યાએ સ્થિર રહી
ઋષિની માફક કરે છે તપ.
તપ કરતાં કરતાં વીતે છે
એનો સમય.
એક પછી એક.
અને અચાનક પ્રગટી ઊઠે છે ફૂલ
એક દિવસ.
આખાયે વિશ્વને આવરી લે છે એની સુવાસથી
ઈશ્વરની જેમ.
આપણે આ ક્રમ હંમેશા જોઈએ છીએ.
જોઈએ છીએ
માત્ર જોઈએ છીએ
દૃષ્ટિ વિનાની આંખો હોય એમ.
– સુધીર દેસાઈ
આંખ ઉઘાડો તો આપણી ચારે તરફ ચમત્કાર છે… ન તો કોઈ બાબા પાસે જવાની જરૂર છે કે ન તો કોઈ ગુરૂ પાસે !
મેલાંઘેલાં કપડાંવાળો તે
રસ્તાના વળાંક પર
મને રોજ દેખાતો,
હું પણ ક્યારેક ક્યારેક
મારી પાસેના સિક્કાઓ
મૂકતો એની
નાનકડી હથેળીઓમાં
એ દર વખત
આભારવશ ભીની આંખોથી
આકાશ તરફ જોતો
એક દિવસ મેં છંછેડાઈને પૂછ્યું
‘અલ્યા, દેનારો તો હું છું-
અને તું ઊંચે જોઈને
કોને, શું કહે છે?’
‘જે મને આપે છે,
એને તું હજી વધુ આપ’
પીળી આંખોવાળાએ જવાબ આપ્યો.
– કૈલાસ વાજપેયી
(અનુ. નલિની માડગાંવકર)
માખણમાં છરી ઊતરી જાય એમ દિલની આરપાર નીકળી જાય એવી કવિતા… ખરું કહો, કોણ વધુ દાતાર છે?!
માણસને શું જોઈએ ?
છ ફૂટ જમીનથી શરૂ કરો તો
ઘર, ખાવાનું ને પહેરવાનું જોઈએ.
માન્યું.
અને પછી એક બે માણસ જોઈએ – પોતાના
કહેવાય એવા.
એક બે ચાલે ? કે વધારે ?
અરે બાપા, બે મળે તો ય ઘણું!
દિવસના છવ્વીસ સ્મિત જોઈએ.
છવ્વીસ જ કેમ?
અઠવાડિયે કે મહિને ત્રણ-ચાર વાર
રડવા જોઈએ.
રડવું આત્મા માટે સારું છે.
સંતોષ થાય એટલું કામ જોઈએ.
જે થોડા થોડા વખતે થોડું અઘરું
લાગે, મથાવે.
પણ પાછું માની જાય,
સહેલું લાગે.
વચ્ચે વચ્ચે દૂર દોડી જવા જોઈએ.
થાકી ગયા – નાસી ગયા.
ત્યાંય થાકી ગયા – પાછા આવી ગયા – એવું.
વખતોવખત
રીસાવા, મનાવવા, છેડવા,
કારણ વગર હસવા, આખી
રાત જાગવા, ઉશ્કેરાવા,
વરસી પડવા
– ને એવું બધુ ગાંડું
ગાંડું કરવા જોઈએ.
આવતી કાલ માટે પાંચ – સાત
આશા જોઈએ. (એ કહેવાની, અને બીજી
પાંચ-સાત છૂપાવી રાખવાની.)
બસ.
આટલું જ ?
આટલું જ.
ને બસ આટલા
ખાતર
આટલી બધી
જંજાળ ?
– શ્વેતલ શરાફ
સરળ જીંદગીને અ-સરળ કરી નાખવામાં આપણો જોટો નથી. દોસ્તો, એક હાથ દિલ પર રાખો ને બીજા હાથે ભીની હવાને પ્રેમથી અડકી લો. આ જીંદગીને ફરીથી સરળ કરી દો !
જ્યારે મારો જનાજો નીકળે
એમ ન વિચારશો
કે હું આ જગતમાં ચાલ્યો ગયો છું
ન આંસુ સારશો
રખે શોક કે અફસોસ કરતા.
હું કોઈ રાક્ષસી ખાઈમાં
નથી પડી રહ્યો.
મારું શબ લઈ જતી વેળા
મારા જવા ઉપર રડશો નહીં
હું જઈ નથી રહ્યો
હું શાશ્વત પ્રેમના મુકામે પહોંચી રહ્યો છું
તમે જ્યારે મને કબરમાં મૂકો
મને અલવિદા ન કહેતા
યાદ રાખજો કે કબર તો
એક પરદો માત્ર છે
એની પેલી તરફ આખી નવી દુનિયા છે
તમે મને કબરમાં ઉતરતો જોયો
હવે મને ઉપર ઉઠતો જુઓ
જ્યારે સૂર્ય કે ચંદ્ર અસ્ત પામે
ત્યારે એ કંઈ અંત નથી પામતા
જે અંત કે અસ્ત સમાન લાગે છે
એ ખરે તો ઉદય જ લાવે છે
કબર જ્યારે બંધ થાય
ત્યારે આત્માની પાંખો ઉઘડે છે
તમે કદી જોયું છે કે ઘરતી પર પડેલું
બીજ અંકુરિત ન થાય ?
તો પછી શું કામ માનવના નવપલ્લવિત
થવા પર શંકા કરો છો ?
કૂવામાં ગયેલી ડોલ કદી ખાલી
પાછી આવતી જોઈ છે ?
તો આત્મા માટે શું શોક
જે અચૂક પાછો ફરવાનો છે.
છેલ્લી વાર માટે તમારું
મોઢું બંધ થાય
પછી તમારા શબ્દો અને આત્મા
એ જગાના રહેવાસી થઈ જાય છે
જ્યાં સ્થળ કે કાળનું કોઈ બંધન નથી.
– રુમી
(અનુ. ધવલ શાહ)
રુમીની કવિતા શાતા અને વિશ્વાસની કવિતા છે. મરણ માત્ર એક મુકામ છે અને એની આગળ આખો નવો રસ્તો છે એ સૂફી વિચારધારા છે. કવિતા એટલી સરળ છે એને સમજાવવાની કોઈ જરૂર નથી.
કહેવાય છે કે રુમીના શબ્દો જાદૂઈ મીઠાશ છે. આ કવિતામાં મૃત્યુ જેવા વિષયમાં પણ એ જાદૂઈ મીઠાશના દર્શન થયા વગર રહેતા નથી. આખી કવિતા એ પોતે જ પોતાનો જનાજો નીકળતો જોતા હોય એમ લખેલી છે. અને એ રજૂઆત કવિતાને એટલી વધારે ચોટદાર બનાવે છે.
આ અનુવાદ રુમીની કવિતાના નાદેર ખલીલીએ કરેલા અંગ્રેજી અનુવાદના આધારે કરેલો છે.
મ્રત્યુ તું એક કવિતા છે
કવિતાનો વાયદો છે, મળશે મને
આથમતા શ્વાસોમાં જ્યારે પીડાઓ પોઢી જાય
ફિક્કો ચાંદો જ્યારે ક્ષિતિજે પહોંચે
દિવસ તો હજુ પાણીમા અને રાત કિનારા પર
ન અંધારુ ન અજવાસ, ન હજુ દિવસ ન હવે રાત
જ્યારે શરીરનો અંત આવે ને આત્મા ઉઘડતો જાય
કવિતાનો વાયદો છે, મળશે મને
– ગુલઝાર
(અનુ. ધવલ શાહ)
આ કવિતા મારી ખૂબ પ્રિય કવિતા છે. આ કવિતા ઘણા જુદા જુદા પ્રસંગે વાંચવામાં આવી ત્યારે, સમય સાથે, મારા મનમા એના અર્થવિભાવો બદલાતા ગયા છે. પણ કવિતાનો કેફ હજુ એવોને એવો જ છે.
પહેલી જ લીટી જુઓ તો કવિ સીધી જ મૃત્યુ સાથે વાત કરે છે : મૃત્યુ તુ એક કવિતા છે. અને એ પણ તુંકારાથી !
કવિ મૃત્યુને કવિતા કેમ કહે છે ? અરે ભાઈ, કવિને કઈ વસ્તુ પોતિકી લાગે ? કવિતા જ ને. કવિતા કવિની ઓળખીતી ચીજ છે. કવિતા પર કવિને વિશ્વાસ છે. કવિ મૃત્યુને કવિતા સાથે સરખાવે છે કારણ કે મૃત્યુ કવિને ઓળખીતું અને વિસ્વસનીય લાગે છે. જાણે કે પોતાનો ઓળખીતો ‘પર્સનલ ગાઈડ’ જેણે કવિને ચોક્કસ સમયે મળવાનો વાયદો કરેલો છે.
મૃત્યુની ક્ષણનું વર્ણન કવિ બે લીટીમાં આબેહૂબ કરે છે. આથમતા શ્વાસોમાં જ્યારે પીડાઓ પોઢી જાય. મૃત્યુ જીવનનો અંત તો છે એ વાત આપણે એટલી બધી ઘૂંટ્યા કરી છે કે મૃત્યુ બધી પીડાઓનો પણ અંત છે એ વાત આપણે ભૂલી જઈએ છીએ. (પીડાઓના અંતને તો વધાવવાનો જ હોય ને ?!! ) ફીક્કા ચહેરાવાળો ચંદ્ર પક્વફળ જીંદગીનું પ્રતિક છે જે છેક ક્ષિતિજ સુધી આવી પહોંચીં છે ને ડૂબવાની તૈયારીમાં છે.
એના પછીની બે પંક્તિમાં જીવન અને જીવન પછીની અવસ્થાના સંધિકાળની વાત છે. મૃત્યુની ક્ષણે જીંદગી પૂરી થવામાં છે પણ હજુ પૂરી થઈ નથી. અને જીંદગી પછીની અવસ્થા શરૂ થવામાં છે પણ હજુ શરૂ થઈ નથી.
આ સંધિકાળે કવિ મૃત્યુને કવિતારૂપે જુએ છે. મૃત્યુ માણસને જીવનમાંથી હાથ ઝાલીને જીવન પછીની અવસ્થામાં લઈ જશે એવી વાત છે. મૃત્યુ એક ‘પર્સનલ ગાઈડ’ છે જે કવિને તદ્દન નવી જગ્યાની ઓળખાણ કરાવશે.
આ બધુ ચિંતન કવિએ કશુ છ્તું કર્યા વિના તદ્દન સહજ શબ્દોમાં વણી લીધું છે.
ભાગ્યે જ કોઈને એ ખબર નહીં હોય કે આ કવિતા ગુલઝારે ‘આનંદ’ ફિલ્મ માટે લખેલી. ફિલ્મમાં અમિતાભે એટલી જ ભાવવાહી રીતે એને રજુ પણ કરેલી. તો સાંભળો મૂળ કવિતા અમિતાભના અવાજમાં :
હું બધાં જ મરણ મરી ચૂક્યો છું
અને હું બધાં જ મરણ ફરીથી મરવાનો છું
વૃક્ષમાં હું લાકડાંનું મરણ મરીશ
પથ્થરનું મરણ મરીશ પથ્થરમાં
પૃથ્વીનું મરણ રેતીમાં
પાંદડાનું મરણ ખખડતા ગ્રીષ્મના ઘાસમાં
અને રંક લોહિયાળ મનુષ્યનું મૃત્યુ હું મરીશ.
હું ફરી પાછો જન્મીશ, ફૂલો
વૃક્ષ અને ઘાસ થઈને
માછલી અને હરણ, પંખી અને પતંગિયું
થઈને ફરી પાછો જન્મીશ.
અને પ્રત્યેક સ્વરૂપમાંથી
ઝૂરાપો મને ખેંચશે ઉપરના દાદરને રસ્તે
ઠેઠ અંતિમ યાતના લગી,
મનુષ્યોની યાતના લગી.
એકમેક તરફ વળવા માટે
જયારે ઝંખનાની આક્રમક મુઠ્ઠી
જીવનના બંને ધ્રુવ તરફ જોહુકમી બજાવતી હોય છે
ત્યારે તું થાય છે ધ્રુજતી તંગ પણછ.
તોપણ અનેકવાર, કેટલીયે વાર
તું મને મૃત્યુથી જન્મ લગી શિકારીની જેમ ખેંચી લાવશે,
સર્જનના યાતનાભર્યા રસ્તે, સર્જનના ભવ્ય પંથ પર.
હરમન હૅસ બુદ્ધત્વના રંગે રંગાયેલો જીવ હતો. તેણે લખેલું પુસ્તક ‘ સિદ્ધાર્થ ‘ વિશ્વપ્રસિદ્ધ છે. ઉપરોક્ત કાવ્યમાં પણ ભગવાન બુદ્ધના સંદેશની સ્પષ્ટ છાંટ વર્તાય છે.
મૃત્યુ વિષે વાતો ચાલે છે તો એક વાત નિખાલસતાથી કહેવાની ઈચ્છા છે- મને અંગત રીતે મૃત્યુનો અત્યંત ભય લાગે છે-મારાં પોતાના તેમ જ અંગત સ્વજનોના…. મૃત્યુને વધાવવાની,તેને પ્રેમ કરવાની,તેનાથી નિર્લેપ હોવાની….ઇત્યાદિ વાતો મારે માટે પોથીમાંનાં રીંગણાથી વિશેષ કંઈ જ નથી.
ચંદ્ર
મને અહીં જુએ છે,
તને ત્યાં જોતો હશે…
તું એકલી નથી
એમ મારે કહેવું છે.
– વસંત આબાજી ડહાકે (મરાઠી)
(અનુ. જયા મહેતા)
કવિ ખૂબ જ ઓછા શબ્દોમાં અનૈક્યમાં ઐક્યની વાત કરી શકે છે ! આ કવિતા વાંચતા જ કવિ કાન્તની ગઝલ ‘તને હું જોઉં છું, ચંદા!’ યાદ ન આવે તો જ નવાઈ.
મેલા વરસાદમાં પલળ્યા હો
છાંયડા વિનાના રસ્તે ન હટતા પરસેવાને હડસેલતા હો
લોકલ ટ્રેનની ગરદીમાં છુંદાતા હો
દુર્ગંધમાં અકળાતા હો
જીવવા સાથે લગરીક પણ લગાવ ન રહ્યો હો
અને ચાલવાનું ખૂટે નહીં
ત્યારે સમજાય
ઘર એટલે શું
તમે જેને ઘર સમજો છો
તે મારા માટે કવિતા છે
ઘર તો ક્યારેક જ સજાવેલું હોય
બાકી તો વેરવિખેર
પણ એની એ જ ખુરશીમાં બેસી
એની એ જ રંગની ભીંત સામે જોતાં જોતાં
ફૂંકથી છારી હઠાવી ટાઢી ચાને હોઠે લગાડતાં
જૂના ધાબામાં એકાદ નવો ચહેરો વરતાય
કે મિજાગરે ત્રાંસી બારીની ફાટમાંથી દેખાતી
ઓળખીતી અણગમતી શેરીમાં
અજાણ્યો પવન ફરફરિયાં ઉડાવી જાય
અને એની એ જ રોજની ભૂખ માટે
એની એ જ દાળમાં
એનો એ જ રાઈમેથી લસણનો વઘાર પડે
તોય જીભે નવેસરથી રઘવાટ થાય
એમ જ
કવિતા નવા શબ્દને જીભ પર સળવળતો કરી દે છે.
– દિલીપ ઝવેરી
કવિની કરામત અહીં શીર્ષકથી જ જોવા મળે છે. જીવતરના સ્થાને કવિ જીભતર જેવો શબ્દ ‘કોઇન’ કરે છે જે કવિતા માટેની ઉત્સુક્તા વધારે છે અને કવિ પણ આગળ જતાં નિરાશ નથી કરતાં. ઘરની વ્યાખ્યા નિશ્ચિત કરીને કવિ પછી ઘરની અંદરના નાનાવિધ રોજિંદા ચિત્રોને તાદૃશ કરે છે… પણ આ તો ઘર થયં… કવિનું ઘર તો એની કવિતા જ ! ઘર એટલે એક લગભગ નિશ્ચિત કરી શકાય એવી ઘરેડ. એનું એ જ ભોજન પણ જીભને દર વખતે નવેસરથી ઉત્તેજે છે… એ જ રીતે કવિતા પણ !
મારી દસ ફૂટની વાંસની ઝૂંપડીમાં
આ વસંત,
ત્યાં કશુંયે નથી;
ત્યાં બધું જ છે.
– સોદો
(અનુ. કિશોર શાહ)
આ ઝેન કવિતા સંતોષની કવિતા છે. જે છે એને જીવી જાણો તો જે નથી એની પાછળ દોડવાની જરૂર જ નથી. મન સંતોષી હોય તો એવું દુનિયામાં કશું નથી જે પોતાના ઘરમાં ન મળી આવે.
પ્રથમ દિનના સૂર્યે
પ્રશ્ન કર્યો હતો
સત્તાના નૂતન આવિર્ભાવે
કોણ તું ?
મળ્યો ના ઉત્તર.
વર્ષ વર્ષ વીતી ગયાં
દિવસના શેષ સૂર્યે
શેષ પ્રશ્ન કર્યો
પશ્ચિમ સાગર તીરે
નિસ્તબ્ધ સંધ્યાયે
કોણ તું ?
પામ્યો ના ઉત્તર.
maturity brings brevity. કોઈ સિદ્ધહસ્ત કવિ જ આટલા ટૂંકા કાવ્યમાં માનવજાતને નિરંતર મૂંઝવતા પ્રશ્નને અનોખી રીતે રજૂ કરી શકે.
કહો મને-
મને ખેંચીને તળિયે લઈ જતાં
નિદ્રાનાં અર્ધપારદર્શક પાણીથી
જેની રેતી તર થયેલી છે
એવા આ કિનારા પરના
આજના પ્રભાતની સાથે
ગઈકાલનું શું સામ્ય છે !
જ્યાંથી કૂદી શકાય અને શ્વસી શકાય
એવી સપાટી શોધતી
શબ્દોની માછલીઓ
પોતે ઉડવાને શક્તિમાન છે એવો ભ્રમ
ક્ષણાર્ધ માટે સેવીને
મારી પાસેથી મંથરતી તરતી સરકી જાય છે.
ત્વચાની સપાટી નીચે છે અંધકાર
યુગો ત્યાં કટાતા પડ્યા છે.
ઉપર તેજના રજતવરણાં ભીંગડાં-
અર્ધ કુમારી સુંદર, અને અર્ધ અશબ્દ મીન.
પ્રત્યેક પંક્તિ પાસે જરા અટકીને તેને સમજવા જેવી છે, વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ જુદા છે. કાવ્યસર્જનની પ્રક્રિયા અંગે વાત કરતા કરતા કવિ એક ગહન વાત છેડે છે…. – પ્રથમ પંક્તિ દર્શાવે છે કે કવિ જાણે કે એક કોયડો રજૂ કરે છે-કવિ પોતે જવાબ અંગે સ્પષ્ટ નથી. ‘પ્રભાત’ એટલે સભાનાવસ્થા. નિદ્રા એટલે પ્રભાત પહેલાંની અભાનાવસ્થા.
‘….ગઈકાલનું શું સામ્ય છે ! ‘ -સુધીની પંક્તિઓનો ભાવાર્થ કંઈક આમ બેસે છે- અભાનાવસ્થામાં અજ્ઞાન અસ્તિત્વના તળિયા તરફ જાતને ખેંચે છે. નિદ્રાના અગાધ જળમાંથી કવિ કિનારે આવે છે અને ત્યારે પ્રભાત થાય છે. પરંતુ કિનારાની રેતી પણ એ જ પાણીથી તર થયેલી છે [ કે જે ઊંડું હતું ત્યારે અર્ધપારદર્શક હતું,પરંતુ પાણી એનું એ જ છે. ] અર્થાત, સભાનાવસ્થામાં પણ અભાનાવસ્થાના અંશ રહેલા છે.
‘જ્યાંથી કૂદી શકાય….’ થી શરુ થતી પંક્તિઓમાં કવિ કહે છે કે એક વ્યક્ત શબ્દની આસપાસ અસંખ્ય અવ્યક્ત શબ્દો વીંટળાયેલા હોય છે. છેલ્લી ચાર પંક્તિઓ અદભૂત છે- ત્વચાની સપાટી નીચેનો અંધકાર એટલે અર્ધચેતન અને અચેતન મનસ. ત્યાં અનેક યુગો કટાતા પડ્યા છે-અર્થાત આપણે અસંખ્ય યુગોના વારસાથી જબરદસ્ત conditioned પ્રાણીઓ છીએ,આપણે spontaneous નથી રહ્યા. આપણી reactions માં અનેક યુગોની અસર જોવા મળે છે. મત્સ્યકન્યાને અરધી જોવાથી ભ્રમ પેદા થાય છે-સત્યદર્શન થતું નથી. વ્યક્ત અને અવ્યક્ત બંનેને જયારે જાણીએ ત્યારે જ પૂર્ણ ચિત્રનો રસાસ્વાદ શક્ય બને.
‘અર્ધપારદર્શક’ , ‘ અર્ધ કુમારી સુંદર ‘ , ‘ અર્ધ અશબ્દ મીન ‘ ……. આ શબ્દોથી એક સુંદર સળંગ ધ્વનિ નિષ્પન્ન થાય છે જે સમગ્ર કાવ્યને એકસૂત્રે બાંધે છે.
છંદમાં નહીં કવિતા કરું હું
છંદ તો પ્રજ્ઞાચક્ષુઓએ પહેરેલાં ગોગલ્સ છે.
મને તો સગી આંખે બધું જ સંભળાય છે.
લયમાં પણ નહીં કવિતા કરું હું
મારી પાસે તો
પ્રલંબિત નિઃશ્વાસ છે, અમારા દુઃખોનો,
એટલે
મારે તો કંડારવી છે,
તારા અવમૂલ્યનની-વિલયની કથા.
ક્યાં છે સમાનતા ?
તે બેસાડું હું પ્રાસ શબ્દનો !
અને સુખનો અનુપ્રાસ તો હજી વાંઝીયો છે.
રૂપ અને આકારની
રચના અને સંરચનાની
વ્યાભિચારી ચર્ચામાં મને રસ નથી.
કારણ કે આ પેટ ખાલી છે.
મને ભૂખનો સાક્ષાત્કાર થયો છે.
લાગે છે
હું માણસ થઈ જઈશ
તો શેતાનોને મારા પુત્ર બનાવી દઈશ.
પછી મારે લખવી છે,
છેવાડાના માણસની આનંદની કવિતા.
– યશવંત વાઘેલા
‘દલિત કવિતા’ શીર્ષક સામે મને ગુસ્સો છે પણ આ કવિઓની કવિતામાંથી પસાર થતી વખતે એમની સંવેદના અને તકલીફ મને વધુ ગુસ્સે કરે છે. એકવીસમી સદીમાં પણ હજી આવી સામાજીક વિષમતા? શી રીતે સહી શકાય આવા હાડોહાડ અન્યાયને? હજી કેટલા ગાંધી અને આંબેડકરની આપણને જરૂર પડશે? આ સાચે જ એકવીસમી સદી છે કે એક વસમી સદી છે?
ભૂખનો સાક્ષાત્કાર થયો હોય ત્યારે છંદ-લય, પ્રાસ-અનુપ્રાસના શણગાર ક્યાં કરવા જવાના ભાવ સાથે આવતી આ કવિતા સંપ્રત સમાજની અવ્યવ્સ્થા પર જનોઈવઢ ઘા કરે છે…
આલબેલ ! આલબેલ !
નવટાંક સુખડી ઘાલમેલ ઘાલમેલ !
ઘંટાકર્ણના છેદાયેલા કાન
અને અલ્લલટપ્પુ, ભીમ જેવા કૂતરાના મોંમાથી
ટપકતા ગળપણ જેવું આ આપણું કંઈ –
કંઈ તે કંઈ ન્હૈં –
આપણું કહું તોય શું ?
છત્રી ઓઢ્યાથી કંઈ વરસાદ થંભી જવાનો છે ?
ને તોય ઈધરઉધર ને અધ્ધરપધ્ધર ઈચ્છાઓનો
પરદેશી ટિકિટસંગ્રહ – તો કે અધધધ એકવીસ મણ.
હાથમાં દસિયાનો બરફગોળો
અને પગમાં સ્વિટ્ઝરલેન્ડના સ્કેટિંગ શૂઝ !
ધન્ય છે મા ઈચ્છાકુંવરી, તમને !
મેં તો ક્યારનાંય ચુંદડીચોખા
ગાંઠે બાંધી રાખ્યાં છે.
મણિયારાની ઈકોતેર પેઢીને મૂલવી રાખી છે ને
ઘૂઘરિયું ઘડાવી રાખી છે.
છોડ નહિ, વાડ નહિ પણ ખેતરના ખેતર ખરીદીને
મેંદી સિંચી રાખી છે –
વ્હાણું વાતાંક્ને
ચપ ઉઠતાંક્ને
મેં તો કીડીને કણ ને હાથીને મણ નીરી રાખ્યાં છે.
પાંદડે પાણી પાઈને સૂકાં તોરણ લીલાં કરી રાખ્યાં છે
જાણીજોઈને મેં તો અણજાણ્યા ને અણમાગ્યા
આકારો પર લગાડી દીધાં છે નામનાં લેબલ –
અને પછી એ પોર્ટ્રેઈટ ગેલેરીને આપી દીધું છે
બાપદાદાનું નામ.
સામદામનું દંડકારણ્ય ભેદી નાખ્યું છે –
તેમ છતાંય જો હજીય મારાથી
સાવ પોતાના જેવું ન થવાય તો પછી,
બોલો શ્રી ઈચ્છામાત કી જે !
– સરૂપ ધ્રુવ
માનવને ઈચ્છાના ગુલામ રહેવાનું ચિર વારદાન છે. ઈચ્છાઓ આપણને ચોતરફ ઘસડે રાખે છે. બધું કરી છૂટો પણ છેલ્લે તો શ્રી ઈચ્છામાતની જે જ બોલવાની રહે છે.
આપણે તો છીએ
પુસ્તકનાં સામસામાં બે પૃષ્ઠો –
સંપૃક્ત પણ અલગ અલગ
માત્ર સિવાઈ ગયેલાં
કોઈ ઋણાનુબંધના દોરાથી !
– પન્ના નાયક
અંત સુધી પહોંચતા સોય જેવું લાગતું આશ્ચર્યચિહ્ન જાણે ખુદ ભોંકાય છે અને વેદનાનો તીવ્ર અનુભવ કરાવી જાય છે… મધુસુદનભાઈ કાપડિયાનાં શબ્દોમાં કહું તો: ‘પુસ્તકનાં પૃષ્ઠો’ ના જોડાક્ષરો અને અઘોષ વર્ણોમાં કેવી કઠોરતા છે; ‘સિવાઈ ગયેલાં’ એ ક્રિયાપદ કોઈ જીવતેજીવત પડખાંને બખિયા ભરી લેતું હોય તેવી વેદનાનો અનુભવ કરાવે છે અને પતિપત્નીને પુસ્તકનાં પૃષ્ઠો સાથે સરખાવીને તથા ઋણાનુબંધના દોરાથી પેલાં પૃષ્ઠોની માફક સિવાઈ ગયેલાં નિરૂપાતાં રૂપક સાંગોપાંગ અને સંઘેડાઉતાર નીવડે છે.
તુકોબાને મળવા શેક્સપિયર આવ્યો,
તે થયો ઉત્સવ દુકાનમાં.
મિલન તે રૂડું હૈયેહૈયું મળ્યું
માંહ્યલાનું ઠેઠ માંહ્યલામાં
તુકા કહે, "વિલ્યા, તારું કામ છે મહાન
આખોયે સંસાર ઊભો કરી દીધો."
શેક્સપિયર કહે, "એક તોય બાકી
તેં જે જોયા, ઈંટ પરે."
તુકા કહે, "બાબા, એ તો થયું સારું
તેથી પડી તિરાડો સંસાર માંહે
વિઠ્ઠલ અટ્ટલ રીત એની ન્યારી
મારી પાટી કોરી લખીનેય."
શેક્સપિયર કહે, "તારા શબ્દ થકી
માટીમાં રમિયા શબ્દાતીત"
તુકા કહે, "સાંભળ ઘંટ તે મંદિર,
કર્કશા ઘરે જુએ છે વાટ"
બેઉ પડ્યા છુટ્ટા ગયા પોતાની વાટે
કૌતુક આકાશનું, ઉભરાય.
– વિંદા કરંદીકર
(અનુ. અશ્વિની બાપટ)
તુકારામ અને શેક્સપિયર મળે એ કલ્પના જ કેટલી રોમાંચક છે ! શબ્દ અને સત્યને નજીકથી ચકાસનાર બે મહાનુભવોનો સંવાદ માણો.
![]()
(આવજો…. ….મારા કેમેરાની આંખે, સુરત, ૧૦-૦૧-૨૦૦૯)
*
કવિશ્રી નટવરલાલ કુબેરભાઈ પંડ્યા ‘ઉશનસ્’ નામનો એક યુગ આજે અસ્ત થયો. વડોદરાના સાવલી ખાતે ૨૮-૦૯-૧૯૨૦ના જન્મેલા કવિશ્રીએ વલસાડને એમની કર્મભૂમિ બનાવી. ત્યાંની આર્ટ્સ કોલેજમાં આચાર્ય રહ્યા. કવિતાને એમણે ચાહી કે કવિતાએ એમને ચાહ્યા એ કહેવું દોહ્યલું છે. વિપુલમાત્રામાં વિવિધતાસભર કાવ્યો એમણે આપ્યા. અન્ય યુગપુરુષ કવિઓની જેમ નવા યુગની કવિતા- ખાસ તો ગઝલ સામે નાકનું ટોચકું ચડાવવાને બદલે એમણે પોતાની સ્થિતિસ્થાપકતાનો સબળ પુરાવો આપીને આખો ગઝલ સંગ્રહ પણ આપ્યો… ગઈ કાલ અને આજની વચ્ચે આવું અદભુત સમતુલન જાળવી શકનાર ગુજરાતી કવિ ભાગ્યે જ બીજો કોઈ થયો હશે…
લયસ્તરો ટીમ તરફથી આ યુગપુરુષને સાદર શ્રદ્ધાંજલિ !
*
![]()
(કવિશ્રીના વલસાડના નિવાસ સ્થાને મારા સંગ્રહો સ્વીકારવાની ક્ષણે, ૦૬-૦૩-૨૦૧૧)
*
તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો હે પૃથ્વી !
ને ચરણ ક્યાં જતાકને અટકીને ઊભા રહ્યા !
ચરણો ચાલી ચાલીને પોતાનાં ઘરઆંગણે
પોતાની સામેસ્તો આવીને ઊભા રહ્યા !
છેવટે તો આ યાત્રા મુખ મુખની સુખયાત્રા હતી !
કેટકેટલાં મુખોને ચૂપચૂપ ચાહવાનું મળ્યું !
અને બધાં જ મુખોમાં તારી જ રેખાના
ઉઘાડની ઓળખ એ તો આ પ્રેમયાત્રાની ફલશ્રુતિ છે.
તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો, ને હે પૃથ્વી !
ક્યાં આવતોક ને ઊભો રહ્યો ! છેવટે મારી સામે જ !
તને સમજવા નીકળ્યો હતો
ને આવીને ઊભો છું પ્રેમના એક આંસુની આગળ !
– અહંકાર થોડોકે ઓગળ્યો હોય તો સારું.
તને સમજવા નીકળ્યો હતો મોટા ઉપાડે
એક દિવસ જ્ઞાનયાત્રાએ,
ને પ્રેમયાત્રાને અંતે છેવટ ઘેર આવીને ઊભો છું !
તને તો શું સમજી શક્વાનો હતો ?
હું મને થોડોકેય સમજી શક્યો હોઉં તો સારું.
– ઉશનસ્
ધખધખતા રણમાં
એક અજાણ્યા કૂવામાંથી
હું તળિયા વગરની ડોલ વડે
કશુંક સીંચું છું
અને પછી
હવાથી મોઢું ધોઈને
આગળ આગળ જાઉં છું.
– કિશોર શાહ
મોઢું શેનાથી ધોયું એ કવિ કહે છે – હવાથી. પણ શું સીંચ્યું એ કવિ કહેતા નથી. તળિયા વગરની ડોલમાં શું હોય ? એનો જવાબ આપણને બધાને ખબર છે. તોય કવિ કહેતા નથી કે શું સીંચ્યું. આખી ઘટના એબ્સર્ડ છે. છતા કવિ એનું વર્ણન કરે છે. પણ આખી ઘટનામાં મુખ્ય વાતનો એટલે કે ‘પાણી’નો ઉલ્લેખ કવિ કરતા નથી.
તો પછી આ કવિતા કહે છે શું ?
આ આશા, શક્યતા અને વિશ્વાસની વાત છે. માણસ આ આખી ઘટનામાંથી પાણીની બાદબાકી કરીને એની જગ્યાએ આશા, શક્યતા અને વિશ્વાસ ભરી દે તો ? – શક્ય છે કે આટલી ક્રિયા માત્રથી પણ માણસને આગળ વધવાની હિંમત મળી જાય. શક્ય છે કે માણસની આટલી હિંમત જોઈને રણને પણ પસીનો પડી જાય 🙂
(૧)
મારી પોથીનાં પાનાંમાં છે
મેં લખેલી કવિતા; ને
એનાં વચવચ્ચેનાં કોરાં પાનાંમાં છે
મેં નહીં લખેલી કવિતા – જે
વાંચશો તો
મારી લખેલી કવિતાને વધુ પામશો;
કદાચ તમને એમ પણ થાય
કે
મેં લખેલી કવિતા ન લખી હોત તો સારું
મેં નહીં લખેલી કવિતા લખી હોત તો સારું.
(૨)
કવિતા !
એકલા કવિથી એ ક્યાં પૂરી લખાય છે !
ભાવક એને સુધારીને વાંચે છે
વાંચીને સુધારે છે
ત્યારે જ તે પૂરી થાય છે !
(૩)
જેણે કાવ્ય કર્યું તેણે કામણ કર્યું !
હવે તમને પેલા પીપૂડીવાળાની પાછળ પાછળ
દોડવામાં ક્ષોભ નથી;
હવે મજા આવે છે – આગળ આગળ
દરિયામાં ડૂબકી દઈને
પાતાળલોકમાં પહોંચી જવાની !
– જયન્ત પાઠક
જેમ ઈશ્વરની, એમ કવિતાની વિભાવનાના મૂળમાં જવાની મથામણ માણસ સતત કરતો રહેવાનો. જેમ ઈશ્વર, એમ કવિતા વિશેનું સત્ય પણ દરેક કવિનું સાવ નોખું હોઈ શકે. એક જ કવિનું કવિતા વિશેનું સત્ય પણ અલગ અલગ સમયે અલગ હોઈ શકે. જયન્ત પાઠકની જ કવિતા વિશેની કવિતા અને કવિતા ન કરવા વિશે કવિતા – બંને આ સાથે ફરીથી માણવા જેવા છે.
હે પ્રિય !
પ્રેમ એકલો જ તમામ દલીલબાજીને છેદી નાખે છે,
કારણ કે
જયારે દ્વિધા – વિવાદ ને સંકટ સમયે
તું મદદ માટે પોકારી ઉઠે છે,
ત્યારે કેવળ પ્રેમ જ એકલો તને ઉગારે છે.
પ્રેમની સામે મુખરતા થાય છે સ્તબ્ધ !
ત્યાં વાચાળ બનવાનું સાહસ થઈ શકે નહીં.
કારણ કે –
પ્રિયતમને લાગે છે ડર
કે જો આપીશ હું ઉત્તર
તો અંતરનિગૂઢ પ્રેમાનુભૂતિનું મોતી
મોંમાંથી બહાર ફેંકાઈ જશે,
વેડફાઈ જશે.
રૂમી કવિ નહોતો-નખશિખ સૂફી હતો……એ જે બોલતો તે કવિતા થઈ જતી ! એણે હજારોની સંખ્યામાં ગદ્ય-પદ્ય રચનાઓ લખી છે. સરળ વાણીમાં ભારોભાર ગૂઢાર્થ સંતાયેલા હોય છે તેની રચનાઓમાં.
દલીલ એટલે reaction . પ્રેમ એટલે pure effortless action.
દુનિયાએ જુઠાણું હાંક્યું હોય તો મને ખબર નથી
મેં હાંક્યું છે
દુનિયાએ પ્રેમ સામે કાવતરાં કર્યાં હોય તો મને ખબર નથી
મેં કાવતરાં કર્યાં છે
જુલ્મના વાતાવરણમાં ચેન ક્યાંય નથી
મેં જુલ્મો કર્યાં છે
વાદળના ખીચોખીચ ખડકલા વગર પણ
મેં તો ધિક્કાર કર્યો જ હોત.
સાંભળી લ્યો:
મૃત્યુ જેવું કંઈ ન હોત તો પણ
મેં તો જે કૈં કર્યું… એ જ કર્યું હોત
કોઈ દારૂડિયાની માફક
હકીકતના ઠંડા નળ નીચે
મને નહીં રાખી શકો
એ સર્વસામાન્ય બહાનું મને ખપતું નથી.
રાત્રે પસાર કરી ગયેલા ખાલી ટેલિફોન-બૂથની જેમ,
સિને-ગૃહમાંથી બહાર નીકળતાં-નીકળતાં સંતલસ કરી લેવા માટે,
છેક છેલ્લી પળે યાદ આવી જતાં લૉબીના અરીસાઓ જેમ,
સેંકડોને વિચિત્ર બંધુભાવે સાંકળતી કોઈ નિમ્ફોમેનિઍકની જેમ,
હું પ્રતીક્ષા કરી રહ્યો છું –
તમારામાંનો પ્રત્યેક… એકરાર કરે તેની.
– લ્યૉનાર્ડ કોહેન (કેનેડા)
(અનુ. જગદીશ જોષી)
*
પહેલો પથ્થર એ મારે જેણે પાપ ન કર્યું હોય…
*
What I’m doing here
I do not know if the world has lied
I have lied
I do not know if the world has conspired against love
I have conspired against love
The atmosphere of torture is no comfort
I have tortured
Even without the mushroom cloud
still I would have hated
Listen
I would have done the same things
even if there were no death
I will not be held like a drunkard
under the cold tap of facts
I refuse the universal alibi
Like an empty telephone booth passed at night
and remembered
like mirrors in a movie palace lobby consulted
only on the way out
like a nymphomaniac who binds a thousand
into strange brotherhood
I wait
for each one of you to confess
હું તને ઝરણ મોકલું
ને તું જવાબમાં મૌન બીડે
હું તને દરિયો મોકલું
ને તું જવાબમાં મૌન બીડે
હું તને પંખી મોકલું
ને તું જવાબમાં મૌન બીડે
હું તને આખું આભ મોકલું
ને તું જવાબમાં મૌન બીડે
જા, હવે બહુ થયું
હું મૌન વહેતું કરું છું
તું મારાં આભ, દરિયો ને પાંખ
પાછાં મોકલ …..
– લતા હિરાણી
વાંચતાની સાથે ભીતરમાં સળવળાટ કરી જાય એવું નાનું પણ બળુકુ અછાંદસ, વિશ્વકવિતાની સમકક્ષ ઊભું રહી શકે એવું !
મારા આનંદલોકમાં
ચંદ્ર આથમતો નથી
દરિયો અતળ પ્રેમનો
કદી વાવાઝોડાતો નથી
મારા આનંદલોકમાં
કર્યું વસંતે ઘર
આંબે આંબે ડાળીઓ પર
ફૂટે કોકિલના સ્વર.
સાત રંગોની મહેફિલ
વહે અહીં હવા
અહીં મરણ પણ નાચે
મોરપિચ્છકલાપ લઈને.
– કુસુમાગ્રજ
(અનુ. જયા મહેતા)
દુ:ખને સંઘરવા માટે એક ખૂણો જોઈએ, જ્યારે આનંદને માટે તો આખુ જગત – આનંદલોક – જોઈએ. કવિએ મારા આનંદલોકની વાત કરી છે – પોતાના અંગર આનંદલોકની. દરેકે પોતાનું આનંદલોક રચવાનું હોય છે. એવું આનંદલોક કે જેમાં મૃત્યુ પણ એક ઓચ્છવ બનીને આવે !
Life of my life, I shall ever try to keep my body pure, knowing that thy living touch is upon all my limbs.
I shall ever try to keep all untruths out from my thoughts, knowing that thou art that truth which has kindled the light of reason in my mind.
I shall ever try to drive all evils away from my heart and keep my love in flower, knowing that thou hast thy seat in the inmost shrine of my heart.
And it shall be my endeavour to reveal thee in my actions, knowing it is thy power gives me strength to act.
– Ravindranath Tagore
*
હે પ્રાણેશ્વર! હું સદા મારા શરીરને વિશુદ્ધ રાખવા પ્રયત્ન કરીશ કેમકે હું જાણું છું કે મારા અંગાંગમાં તારો જીવંત સ્પર્શ છે.
બધા અસત્યોને મારા વિચારથી પણ બહાર રાખવા હું સદા પ્રયત્નશીલ રહીશ કેમકે હું જાણું છું કે એ તારું જ સત્ય છે જેણે મારા માનસમાં કારણનો પ્રકાશ રેલાવ્યો છે.
હું મારા હૃદયમાંથી તમામ અનિષ્ટને હાંકી કાઢવા હંમેશા મથીશ અને પુષ્પને ચાહીશ કેમકે હું જાણું છું કે તું મારા હૃદયની અંતરતમ બેઠકમાં વિરાજે છે.
અને એ મારી કોશિશ રહેશે કે મારા તમામ કર્મોમાં તું જ દૃશ્યમાન થાય કેમકે હું જાણું છું કે તારી શક્તિ જ મને ચાલકબળ પૂરું પાડે છે.
-અનુ. વિવેક મનહર ટેલર
*
આપણા જીવનનું સાચું ચેતન ખુદ ઈશ્વર જ છે. આપણા અસ્તિત્વના કણકણમાં એનો વાસ છે. આપણે જે કંઈ પણ કરીએ છીએ એ એનાથી અછતું નથી. માટે જ આપણે આપણા વાણી, વિચાર અને વર્તન- બધાને પરિશુદ્ધ રાખવા જોઈએ. અને આપણા બધા જ કૃત્યોમાં એનો સ્નેહ તરવરી ઊઠે એ માટે આપણે સદૈવ પ્રયત્નશીલ રહેવું જોઈએ…
I know not how thou singest, my master! I ever listen in silent amazement.
The light of thy music illumines the world. The life breath of thy music runs from sky to sky. The holy stream of thy music breaks through all stony obstacles and rushes on.
My heart longs to join in thy song, but vainly struggles for a voice. I would speak, but speech breaks not into song, and I cry out baffled. Ah, thou hast made my heart captive in the endless meshes of thy music, my master!
– Ravindranath Tagore
*
મને ખબર નથી નથી, ઓ મારા માલિક ! તું શી રીતે ગાય છે. હું હંમેશા મૂકાશ્ચર્યથી સાંભળતો રહું છું.
તારા સંગીતનું અજવાળું વિશ્વને ઝળાંહળાં કરે છે. તારા સંગીતનો પ્રાણવાયુ આકાશે આકાશમાં વિસ્તરતો રહે છે. તારા સંગીતનું પવિત્ર ઝરણું ભલભલા પત્થર જેવા અવરોધો ભેદીને પણ અનવરત વહેતું રહે છે.
મારું હૃદય તારા ગીતમાં જોડાવા તો ઝંખે છે પણ અવાજ માટે નિરર્થક પ્રયાસ કરે છે. હું બોલવા તો જાઉં છું પણ મારા બોલ ગીતમાં પરિણમતા નથી, અને હું મૂંઝાઈને રડી પડું છું. આહ, મારા માલિક ! તારા સંગીતની અંતહીન જાળમાં તેં મારા હૃદયને બંદી બનાવ્યું છે.
-અનુ. વિવેક મનહર ટેલર
*
ઈશ્વરના સૂરમાં સૂર પુરાવવાની મંશા કોને ન થાય? પણ એના ગીત-સંગીતની રીત કોણ કળી શકે છે? એનું સંગીત આખા વિશ્વને રોશન કરે છે, બ્રહ્માંડમાં પ્રાણવાયુ થઈ રેલાય છે અને ભલભલા પથ્થર જેવા હૈયાને પણ ભેદી રહે છે. એના સૂરમાં તાલ પુરાવવાની વાત તો દૂર રહી, એમ કરવા જતાં આપણને તો અવાજ માટેય ફાંફા મારવા પડે છે. કારણ? કારણ એ જ કે એના અનંતગાનની જાળમાં આપણું અંતઃકરણ સદા માટે કેદ થયું છે…
જ્યારે તે બુલબુલ હતી ત્યારે એણે રસોઇ કરી,
પછી હરિણી થઇને પણ રસોઇ પકાવી.
પછી તમે એની રસોઇ વખાણી,
એટલે બમણા ઉત્સાહથી રસોઇ પકાવી.
બચ્ચાને ગર્ભમાં સંતાડીને પણ એણે રસોઇ પકાવી.
પછી બચ્ચાને ગોદમાં લઇને એણે
પોતાનાં સ્વપ્નોમાં પણ રસોઇ કરી.
તમે એની પાસે અડધી રાતે રસોઇ કરાવી
વીસ માણસોની રસોઇ કરાવી.
એ આસમાનના સિતારાને સ્પર્શીને આવી
ત્યારે પણ બે બટેટામાંથી શાક બનાવ્યું.
દુખતી કમરમાં, ચડતા તાવમાં એણે રસોઇ કરી
એ કલર્ક થઇ, ઓફિસર થઇ, એ ડોક્ટર થઇ,
એ તંત્રી થઇ, એ અંતરિક્ષમાં જઇ આવી.
પણ દરેક વાર એની સામે કસોટી મૂકવામાં આવી: રસોઇ આવડે છે?
હવે એ થકાનની ચટ્ટાન ઉપર ચટણી વાટી રહી છે
રાતની કડાઇમાં પૂરીઓ તળી રહી છે
ગરમ ગરમ ફુલકાં ઉતારીને પતિને ખવડાવી રહી છે.
પણ પતિ બૂમ પાડે છે: ‘થૂ થૂ થૂ… આટલું બધું નમક?’
એ બિચારા પતિને ક્યાંથી ખબર હોય કે
ભૂલથી એના ખારા આંસુ જમીન ઉપર પડવાને બદલે
ફુલકાં ઉપર પડી ગયા છે.
ખાવાની ગંધથી જ એની ભૂખ મરી ગઇ છે.
એની અંદર ભરાઇ ગયો છે વઘારનો ધુમાડો
સ્ત્રીઓ રસોઇ બનાવે છે.
નાસ્તાના પૌંઆ પછી પરાઠા બનાવે છે
ભીંડી બનાવ્યા પછી કારેલાં છોલે છે…
– કુમાર અંબુજ (હિંદી)
આપણા સમાજમાં સ્ત્રીઓને માત્ર શાસ્ત્ર અને શ્લોકોમાં જ ઊંચું સ્થાન મળ્યું છે. વાસ્તવિક જીવનમાં તો…
કાનુડાએ કર્યો પ્યાર
કેટલીય ગોપીઓને કેટલીય વાર !
પણ જેના પર ઊભરાતું રહ્યું
એનું સમસ્ત વ્હાલ
પામ્યો નહિ તે
હાથ આવ્યું નહિ તેને એવું રૂપ !
કદાચ, કોઈ પ્રેયસીમાં
પામ્યો હોત,
તો ફરી કોઈનેય પ્રેમ કર્યો હોત ?
કવિએ ગીત લખ્યાં નવાં નવાં
કેટલીય વાર !
પણ જે એક વિષયનો કરતો રહ્યો એ વિસ્તાર
તેને તે પૂરો પામ્યો નહિ
કોઈ ગીતમાં સમાવી શક્યો નહિ
કદાચ, કોઈ ગીતમાં એનો
પાર પામ્યો હોત,
તો ફરી ક્યારેય ગીત લખ્યું હોત ?
સરળ લાગતું કાવ્ય ઘણું ગહન છે-આખી વાત કાર્ય કરવા માટેના કારણની છે,પ્રેરક બળની છે,મૂળભૂત life force ની છે. બુદ્ધત્વ પામ્યાં પછી બુદ્ધ શા માટે પાછાં સમાજમાં આવે છે ? ઇસુ શા માટે પાછાં ફરે છે ? ‘ગાવું’ એ પંખીનો સ્વ-ભાવ છે,તેની essence છે-તે માટે તેને કોઈ કારણની જરૂર નથી….તેને કોઈ મંઝીલ પર પહોચવાનું નથી.
When thou commandest me to sing it seems that my heart would break with pride; and I look to thy face, and tears come to my eyes.
All that is harsh and dissonant in my life melts into one sweet harmony—and my adoration spreads wings like a glad bird on its flight across the sea.
I know thou takest pleasure in my singing. I know that only as a singer I come before thy presence.
I touch by the edge of the far-spreading wing of my song thy feet which I could never aspire to reach.
Drunk with the joy of singing I forget myself and call thee friend who art my lord.
– Shri Ravindranath Tagore
જ્યારે તું મને ગાવા માટે આજ્ઞા કરે છે ત્યારે મારું હૃદય જાણે ગર્વથી તૂટી જવાનું ન હોય એમ લાગે છે અને હું તારા ચહેરા તરફ જોઉં છું અને મારી આંખોમાં આંસુ આવે છે.
મારા જીવનમાં એ બધું જે કર્ણકટુ અને બેસૂરું છે એ એક મધુર સ્વરસંવાદિતામાં ઓગળી જાય છે અને મારી ભક્તિ સમુદ્ર પાર કરવા નીકળેલ એક ખુશહાલ પક્ષી પેઠે પોતાની પાંખો પ્રસારે છે.
હું જાણું છું કે તું મારા ગાયનમાં આનંદ લે છે. હું જાણું છું કે ફક્ત ગાયક તરીકે જ હું તારી સન્મુખ આવી શકું છું.
મારા ગાનની વિસ્તીર્ણ પાંખોની કિનારી વડે હું તારા ચરણોને સ્પર્શું છું જ્યાં પહોંચવાની અન્યથા હું આકાંક્ષા પણ રાખી શક્તો નથી.
ગાયનની મસ્તીમાં ઘેલો હું મારી જાતને પણ વિસરી જાઉં છું અને તને, જે મારો માલિક છે, હું મારો દોસ્ત કહી બેસું છું.
-અનુ. વિવેક મનહર ટેલર
આપણી પ્રાર્થના કે આપણો અહમ કે આપણી અંદરની ભારોભાર વિસંવાદિતતા નહીં, પણ આપણી ભીતરથી ઊઠતું પ્રાર્થનાનું સંગીત જ આપણને ઈશ્વર સુધી લઈ જઈ શકે છે. આપણો સૂર જ્યારે ઈશ્વર માટે ઊઠે છે ત્યારે એ ભવસાગર પાર કરવા નીકળેલ પક્ષીના ઉડ્ડયન સમો વિસ્તારિત થાય છે. આત્માના સંગીતથી જ્યારે આપણે નિરાકાર સાથે અદ્વૈત અનુભવીએ છીએ એ ચરમસીમાએ જગતપિતાને દોસ્ત કહી બેસવામાંય કશું ખોટું નથી. મટુકીમાં માધવને વેચવા નીકળેલી ગોપી યાદ છે?
ઊડવાની
પહેલી જ પળે
તેણે, નક્કી કરી નાખ્યું હોય છે
ઊતરાણ.
હાડેહાડમાં છુપાયેલાં
હજાર હજાર હલેસાં
તેને ઊડવા હડસેલે.
છતાં, દરેક ફેરે
તેને ઊડવાનો હાંફ.
ગમે તેટલું ઊંચું ઉડે
ધરતી પર પડતો પડછાયો
ના છોડે.
ઊડવાના આવેગમાં
ભુલતું નથી પાંખોનો ભાર
ઊડતું નથી અપરંપાર.
એટલેસ્તો
આભાસી તંતુનો
અનેરો વિચ્છેદ, સર્જાતો નથી.
ને ઊડ્યું હોય છે ક્યારેક
ઘણું ઘણું દૂર
પણ પાછું ફર્યું હોય છે
ત્યારે જ, જ્યાંથી
માંડી હોય છે શરૂઆત.
એક દિવસ તેણે જોયું
ઉતરાણમાં કપાયેલા પતંગમાંથી
કેટલાક બની જતા હોય છે
આકાશ.
તેના પીંછેપીંછામાં
પરસેવાનાં ટીપેટીપાંમાં
ક્ષિતિજો એ પ્રસારી પાંખ.
જેમ વધુ
ઊડવા મથે ઊંચે
તેમ વધુ
પહોચે ઊંડે.
ચડાણ અને ઉતરણ વચ્ચે
એ એટલું રહેસાયું
એટલું રહેસાયું
ઊંચકાયું
સાંગોપાંગ.
-રાજેન્દ્ર પટેલ
ઊડવું જાતમાં ઊંડા ઉતારવાની કશ્મકશના પ્રતીકરૂપ છે. માણસ એટલી વાત સમજે કે કપાયેલો પતંગ આકાશ બની જાય છે, ત્યારે જ એને ખરા અર્થમાં ઊડવાની ગડ બેસે છે.
હવે મેં છાતીમાં ભરી લીધો છે ઠંડો અંધકાર
અને આંખો થઈ છે નિર્જન રસ્તાઓ
આ કૌટુંબિક ઘરોનાં શહેરો
છોડીને નીકળ્યા છે મારાં વિરક્ત પગલાં.
આ વાટ તારી કને આવતી નથી
અને ઉદાસ એવો હું ભટકું છું
તે તારા માટે નહીં.
હવે પગલાં ફર્યાં કરે છે તે
ફક્ત રસ્તાઓ છે માટે
અને રસ્તાઓ ક્યાં જાય છે
તે હું ભૂલી ગયો છું.
રૂંવાડા ઉભા કરી દેતું dejection નું ચિત્ર…..
કવિવર રવીન્દ્રનાથ ટાગોર (૦૭-૦૫-૧૮૬૧,૦૭-૦૮-૧૯૪૧)ના જન્મનું આ દોઢ શતાબ્દિ વર્ષ છે. એ નિમિત્તે એમના નોબલ પારિતોષિક વિજેતા ગીતાંજલિનો ભાવાનુવાદ લયસ્તરોના ભાવકો માટે…
1
Thou hast made me endless, such is thy pleasure. This frail vessel thou emptiest again and again, and fillest it ever with fresh life.
This little flute of a reed thou hast carried over hills and dales, and hast breathed through it melodies eternally new.
At the immortal touch of thy hands my little heart loses its limits in joy and gives birth to utterance ineffable.
Thy infinite gifts come to me only on these very small hands of mine. Ages pass, and still thou pourest, and still there is room to fill.
– Ravindranath Tagore
તેં મને અંતહીન બનાવ્યો છે, એ જ તારી ઇચ્છા છે. આ તકલાદી વાસણને તું ફરી ફરીને ખાલી કરે છે અને ફરી ફરીને નવજીવનથી ભરી દે છે.
વાંસની આ નાનકડી વાંસળીને ઊંચકીને તું પર્વતો અને ખીણોમાં ફર્યો છે અને એમાં શ્વસીને તેં નૂતન શાશ્વતી સૂરાવલિઓ રેલાવી છે.
તારા હાથોના અમૃત્ય સ્પર્શે મારું નાનકડું હૃદય એની સીમાઓ આનંદમાં ગુમાવી દે છે અને અવર્ણનીય ઉદગારોને જન્મ આપે છે.
તારી અનંત ભેટો માત્ર આ મારા નાનકડા હાથોમાં આવતી રહે છે. યુગો વહી જાય છે, અને છતાં તું ભરતો જ રહે છે અને છતાં હજી એમાં જગ્યા ખાલી જ રહે છે.
-અનુ. વિવેક મનહર ટેલર
*
ઈશ્વરની અસીમ કૃપાઓનું નિરવરત ભક્તિગાન એટલે ગીતાંજલિ. જીવન તો નાશવંત છે છતાં કવિ એને અનંત કહે છે કેમકે મનુષ્યજીવનનું આ વાસણ ઘડી ઘડી ખાલી થાય છે પણ ઈશ્વર એને સદા નવજીવનથી નપવપલ્લવિત કરતો જ રહે છે. જીવનના બધા ઉતાર-ચઢાવ કવિની નજરે ઈશ્વરકૃપાને જ આધીન છે. આપણા સુખ-દુઃખનો ખરો સંગીતકાર એ પોતે જ છે. માટે આપણે સુખ જોઈ છકી ન જવું જોઈએ અને દુઃખ જોઈ ભાંગી પડવું ન જોઈએ. એના હાથોના અમર્ત્ય સ્પર્શનો અહેસાસ થાય ત્યારે આપણે નિરવધિ આનંદની અવર્ણનીય ચરમસીમા અનુભવીએ છીએ. એની ભેટ સ્વીકારવા માટે આપણા હાથ કેવા નાનકડા છે ! છતાં એની કૃપા વરસતી જ રહે છે અને આશ્ચર્ય તો એ વાતનું છે કે આવા નાનકડા વાસણમાં એ સતત કૃપામૃત રેડતો જતો હોવા છતાં વધુ ને વધુ કૃપા માટે સદૈવ જગ્યા રહે જ છે.. એ કદી પૂરાતી જ નથી.
પ્રેમાનંદની ચોટલીને
સિતાંશુની દાઢી સાથે જોડતી રેખા દોરો
હવે ગણો
કેટલાં માથાં એની ઉપર નીકળી શક્યા છે?
*
બધાને હતી આમ તો
બાકીનાએ રોકડી કરી લીધી
દાઢીના દોઢસો
ચોટલીના ચારસો
*
રોજ રાતે ઊગે
ટમક ટમક
સપનાના લયમાં
સવારે
ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરે
*
સુંવાળા ચહેરા સહેલા હોય
હાથ ફેરવીએ તો હાથમાં કશું ન આવે
દાઢીનો વાળ ઝાલી
છલાંગી શકાય
અર્થોને પેલે પાર
જોકે પડી જાય
ભૂલકાંઓ તો
*
ગુફામાનવને પણ હતી
એ પીંછી બોળતો
સાબુમાં નહિ
રંગોમાં
ભીંતો ચીતરતો
આપણે ભીંત ભૂલ્યા છીએ
બોળી બેઠા છીએ
– ઉદયન ઠક્કર
ઉદયન મોટા ગજાની વિનોદવૃત્તિનો માલિક છે. એનો વ્યંગ સુંવાળો છે ને ધ્યાનથી ન વાંચો તો તદ્દન ચૂકી જાવ એવો સૂક્ષ્મ છે. સર્જનશક્તિને પહેલા એ ખૂબીથી દાઢી સાથે સાંકળી લે છે. તે પછી એનો ઉપયોગ કરીને વિનોદ-વ્યંગની મીઠી ચાસણી પાડે છે. આટલો સૂક્ષ્મ વિનોદ કાવ્યમાં ભાગ્યે જ દેખાય છે.
તા.ક. આખી કવિતાની સમજ ઉમેરી છે.
(૧) કવિતા ઘટતી જતી સર્જનાત્મકતા (creativity) પર વ્યંગ છે. પ્રેમાનંદની ચોટલી અને સિતાન્શુની દાઢીને જોડતી રેખા – સર્જનાત્મકતા એક લેવલ – સુધી બહુ ઓછા લોકો પહોચી શક્યા છે. આ પહેલી કણિકાથી કવિ સર્જનાત્મકતાને દાઢી સાથી સાંકળી લે છે. બાકીની કવિતા માટે દાઢી=સર્જનાત્મકતા એવું સમજવું.
(૨) સર્જનશક્તિ આપણા બધા પાસે હતી પણ, મોટાભાગના લોકો પૈસા પાછળ દોડવામાં ખરા સર્જનને ભૂલી જાય છે.
(૩) ઢાંકણીમાં પાણી લઈને દાઢી કરવાનો પહેલા રીવાજ હતો. એને સાંકળીને રોજ રાત્રે ઉગતી દાઢી, સવારે ઢાંકણીના પાણીમાં ડૂબી મરે એવું કલ્પન રચ્યું છે. અર્થ એવો પણ થાય કે રોજ રાત્રે કલ્પના-સપના-સર્જનમાં રચતા આપણે, સવારે ક્રૂરતાથી એનું ‘વિમોચન’ કરી નાખી ‘રુટિન’ જીંદગીમાં લાગી જઈએ છીએ.
(૪) નો અર્થ આ સંદર્ભે સીધો સમજી શકાય એમ છે.
(૫) ગુફમાનાવો પણ પોતાની સર્જનાત્મકતાનો ઉપયોગ કરતા. એ ય ગુફાચિત્રો બનાવતા (- જો કે એ દાઢીથી નહોતા બનાવતા!). પણ આપણે, આટલા આગળ વધ્યા પછી ઓછા સર્જનાત્મક થતા જઈએ છીએ. Creativityની દાઢી બોડાવી જીંદગીની ધૂંસરી ખેચે રાખીએ છીએ.
તું મને ના ચહે,
ને ચહું હું તને,
પ્યાર ના એ મને આવડે છે.
પ્રેમમાં માત્ર પરિત્યાગનો ભાવ,
તો આપણા પંથ જુદા પડે છે.
હું ના બંધન કોઈ માનનારો કદી,
હું ન ‘ચિરકાળ ચાહીશ’ એવું કહું;
કાલ સૌંદર્ય તારું જશે ઓસરી
ને નહીં હુંય તે આજ જેવો રહું.
કાલ તો ઉગશે કાલ
આ આજને માણવા ચિત્ત તારું ચહે છે ?
આવ, તો, આવ હે !
અધરને આંગણે
હ્રદય ત્યાં વાટ તારી લહે છે.
– હરીન્દ્ર દવે
તદ્દન જુદા જ મિજાજની કવિતા……
જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ
ત્યારે આપણા ખમીસને ખીસું નથી હોતું,
તે પેલીનો હોય છે,
પેલી તેની હોય છે.
કદરૂપો ગવૈયો રંગમાં ગાતાં ગાતાં
જેવો સુંદર દેખાય
તેવા આપણે સુંદર હોઇએ છીએ.
જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ,
ત્યારે આપણે આપણે નથી હોતાં :
આપણે હોઇએ છીએ કોઇક અનોખા જાદુગર :
કંડમ પાંસળીમાં
ગંધે ઉભરાઇ જતા ફૂલબાગ ખીલવનાર,
ક્યારેક પણ કદીક પણ કોઇએ એક કાળે
પ્રેમ કરવો હોય ભલે ચીલાચાલુ તો પણ
તેણે તેના ફિક્કા ચહેરાને સુખચંદ્ર કહેવો.
તેને હોય પંચોત્તેરનો બેઝિક તો પણ
તેણે તેને સાદ કરવો રાજા કહીને.
તેના જન્મદિવસે તેણે લાવવો યાદ કરીને
પાણી છાંટેલો જૂઇનો ગજરો છ પૈસાનો.
(અચ્છી વસ્તીમાં તે રાતના સસ્તો મળે છે.)
છ બાય છની ખોલીમાં પોપડા ઉખડેલાં,
લંગડા ટેબલ પાસેના કાટ ખાધેલા ખાટલાને
તે બન્ને એ કહેવાનો ‘શયનમહાલ’
આ બધું સોગંદ ખાઇને કહું છું કે, સાચું હોય છે.
કારણ જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ,
ત્યારેજ આપણે સાચા હોઇએ છીએ ચૂકીને એકાદ વાર
જ્યારે પેલી પ્રેમ કરે છે
ત્યારે તે તેને ગાઇને બતાવે છે
કંપતા બેસૂર અવાજમાં :
તેને પણ તે સૂર દેખાય છે પોપટી પાંદડી જેવાં.
કારણ ત્યારે પેલી પોતે જ એક ગીત હોય છે,
કારણ ત્યારે પેલો પોતે જ એક ગીત હોય છે.
પછીથી જીભ દાઝે છે, હોઠ બળી જાય છે.
વાસી ભજીયાનાં બળેલા ઓડકારા આવે છે જિંદગીને.
મોંમાં ભરાઇ જાય છે કડવા દ્વેષનું થૂંક.
પણ તે થૂંકતો નથી જગત પર :
કમમાં કમ એક વાર ગળી જાય છે તે સમજણથી :
કારણ પેલીએ સીવેલા હોય છે તેના – તેના રાજાનાં –
બે જ ફાટેલા પુરાણાં શર્ટ ફરી ફરીને
અને પેલાએ થીંગડા મારેલા પાલવથી
તેણે સાંધેલું હોય છે એક આકાશ.
True love reinvents itself every second…….
મારી દીકરી મને બહુ ગમે છે
નાની અમસ્તી, બોલતી, રમતી,
ફોટા જેવી ઢીંગલી.
દોડતાં દોડતાં પડી જાય છે ત્યારે
ફૂલના ઢગલા જેવી લાગે છે
કાંઈ પણ ખવડાવો તો એ
ડ્રેસ ઉપર જરૂર નાંખે છે તોય એ
ગંદા થતા જ નથી.
એ ખિલખિલાટ હસે છે ત્યારે
ખોબલો ધરી હાસ્ય ભેગું કરી
પર્સમાં મૂકી દઉં છું હું
પછી આખો દિવસ એ પર્સ ખોલી
દીકરીના હાસ્યથી મારા ચહેરાને
ભર્યા કરું છું.
દીકરી મોટી થઈ જશે ત્યારે ?
– મીનાક્ષી કૈલાસ પંડિત
ગઈકાલે દીકરી વિશે શેફાલી રાજની એક મજાની કવિતા વાંચી. આજે એ જ કાવ્ય સંગ્રહ ‘ત્રિધા’માંથી એવા જ મિજાજની એક કવિતા મીનાક્ષી પંડિતની કલમે…
દીકરીની વિસ્મયભરી આંખોમાં છે
પ્રશ્નો, આશ્ચર્ય અને ભોળપણ
એના પ્રશ્નો
મને મૂંઝવી દે છે
એના ફૂલોના ઢગલા જેવા હાસ્યને
સૂંઘીને હું જીવવા માટેના શ્વાસ
એકઠા કરી લઉં છું
કદાચ… આવતી કાલે…
એનું હાસ્ય
આટલું બધું સુગંધિત નહીં હોય.
– શેફાલી રાજ
એક સાવ નાનકડું, ખોબલામાં સમાઈ જાય એવું કાવ્ય પણ એટલામાં મા-બાપની આખી જિંદગીનું, એક-એક શ્વાસનું સરનામું જડી આવે છે. સંતાનો મોટા થશે એટલે બદલાઈ જરૂર જવાના એ ખાતરી એક ફેફસાંમાં ઢબૂરી દઈને મા-બાપ સંતાન જ્યારે પુષ્પ જેવા સુવાસિત હોય છે ત્યારના સંસ્મરણોના પ્રાણવાયુથી બીજા ફેફસાની ટાંકી ભરી રાખે છે જેથી પાછળની જિંદગી જીવી શકાય…
તારી સ્મૃતિ મારે બારણે ટકોરા મારે છે
આ મારા ગીતના શબ્દો નથી
પણ પ્રેમના લલાટ પરના પસીનાનાં બિંદુઓ છે.
આ મારા ગીતના શબ્દો નથી
મારી કલમના રુંધાતાં આંસુઓ છે.
આ મારા ગીતના શબ્દો નથી
ઘવાયેલા મૌનનું આક્રન્દ છે.
મેં પ્રેમનું તમામ દેવું ચૂકવી દીધું છે
અને દરેક દેવું ચૂકવવાનું હોય છે –
કેમ ક્યારેય દેવું ઓછું નથી થતું ?
તારી સ્મૃતિ બાકીનાની સાથે આવીને
આજની રાતે મૃત્યુના કોરા ચેક પર
સહી કરવાનું જિંદગીને ફરમાન કરે છે.
તારી સ્મૃતિ મારે બારણે ટકોરા મારે છે.
– અમૃતા પ્રીતમ ( અનુ. સુરેશ દલાલ)
એક યાદ મોડી રાત્રે ત્રાટકે ત્યારની ઘડીનું કાવ્ય. આ ઘડીએ માણસે કોરા ચેક પર સહી કરવા સિવાય કાંઈ કરવાનું રહેતુ નથી.
મુંબઈમાં અંધારપટ છવાઈ ગયો
ભાગી રહેલી મોટરોને જોઈ
દોડતા કૂતરા મૂંગાય થઈ ગયા
તારના દોરડે ચકરાતા ટેલિફોને
પાટાઓ પર ચાલી રહેલાઓની
ઠેકડી ઉડાડી.
રસ્તાની હૉટલોમાં પાણી સાથે ચા પીને
આગળ જતા સહુએ અજાણ્યા સાથે
દોસ્તી બાંધી
એક જ મકાનમાં રહેતા ભાડૂતોની
બંધ પડેલી લિફ્ટમાં ઓળખાણ થઈ
ટેબલ પર બળતી મીણબત્તીએ
પ્રગટાવેલા દીવા સાથે વાત કરી
વીજળી આવી જતાં ફરી બધે અંધારું ?!!
– મીનાક્ષી કૈલાશ પંડિત
આમ તો આપણી દુનિયા સાવ નાનકડી થઈ ગઈ છે. મોબાઇલ, ઇન્ટરનેટ, હવાઈ જહાજના માધ્યમથી હજારો કિલોમીટરનું અંતર પણ વર્તાતું નથી પણ મુંબઈ જેવા મહાનગરમાં આપણા એપાર્ટમેન્ટમાં એક ફ્લેટથી બીજા ફ્લેટ જેટલું અંતર કાપવામાં મહિનાઓ અને વરસો લાગી જતા હોય છે. કૈલાશ પંડિત જેવા ગઝલકારના પત્નીની આ કવિતાના અંતે સૉનેટ જેવી ચોટ છે અને પંક્તિઓ પણ ચૌદ છે. કવિ શ્રી સુરેશ દલાલ આ અછાંદસને કદાચ મુક્ત સૉનેટ તરીકે પણ ઓળખાવે.
મેં મારાં દુઃખ-દર્દ તમને નહીં,
કલમને કહ્યાં હતા;
જો એણે તમારા સુધી પહોંચાડ્યાં નહીં
તો હું તમને દોષ નથી દેતો.
મેં મારા દુઃખ-દર્દ તમને નહીં
કાગળને કહ્યાં હતાં;
જો તમે મારા પ્રત્યે સહાનુભૂતિ ન દર્શાવી
તો હું તમને દોષ નથી દેતો.
મેં મારા દુઃખ-દર્દ તમને નહીં,
કાળી રાતોને કહ્યાં હતાં,
મૂંગા તારાઓને કહ્યાં હતાં,
સૂના આકાશને કહ્યાં હતાં,
જો એમનો પ્રતિધ્વનિ
તમારા અંતરમાંથી નહીં ઊઠે
તો હું તમને દોષ નથી દેતો.
મને ખબર હતી
કે એક દિવસ
મારી વેદનાઓનો સાથ મારાથી છૂટશે,
પણ મારા શબ્દોથી
મારી વેદનાનો સંબંધ ક્યારેય નહીં તૂટે.
– હરિવંશરાય બચ્ચન – અનુ.સુશી દલાલ
જિબ્રાને કહ્યું છે- ‘ મારા શબ્દો મારી વેદનાના એકમાત્ર સાક્ષી છે…..’
હું તને પ્રેમ કરું છું માત્ર એટલા માટે નહીં કે તું તું છે,
પણ તારી સાથે હોઉં ત્યારે હું જે હોઉં છું એટલા માટે પણ.
હું તને પ્રેમ કરું છું તેં તારી જાતને જે રીતે આકારી છે
એટલા માટે જ નહીં, પણ તું મને જેવો ઘડ્યા કરે છે
એટલા માટે પણ.
હું તને એટલા માટે પ્રેમ કરું છું કે મને એક અચ્છો જીવ બનાવવા માટે
કોઈ પણ સંપ્રદાય જે કંઈ કરી શક્યો હોત એના કરતાં અને
મને સુખી કરવા માટે કોઈ પણ વિધાતા જે કંઈ કરી શકી હોત એના કરતાં
તેં મારા માટે વધારે કર્યું છે.
તું આ સાધે છે તે પોતાપણું જાળવીને જ.
અંતે તો,
મિત્ર બનવાનો મરમ જ કદાચ આ છે.
અંગત રીતે ઈશ્વરે મારા પર એટલી કૃપા અવશ્ય કરી છે કે હું કાવ્યને મારી પોતાની લાગણીઓની અભિવ્યક્તિ માની શકું તેવા ચંદ મિત્રો એણે મને આપ્યા છે…..
એવો વખત આવશે
જ્યારે ઉમળકાથી,
તમે પોતાની જાતનું સ્વાગત કરશો –
તમારા પોતાના જ દરવાજે, તમારા પોતાના અરીસામાં,
ને સ્વાગતમાં બંનેના ચહેરા પર છલકાશે સ્મિત.
ને કહેશો, બેસ, સાથે ખાઈએ,
તમે ફરી એ અજાણ્યા શખ્સને પ્રેમ કરવા માંડશો જે તમે પોતે જ છો.
પાણી પુછજો. ખાવા બેસાડજો. ને ફરી પાછું તમારું દિલ
તમારી જાતને આપજો, એ શખ્શને જે તમને ખુબ પ્રેમ કરે છે
આખી જીદગીભર તમે બીજાઓ માટે થઇને જેને અવગણ્યા કર્યો
તે તો તમને પૂરા દિલથી જાણે છે.
ઉતારી લો અભેરાઈ પરથી પ્રેમપત્રો,
ફોટોગ્રાફ્સ, ને કાકલુદીભરી ચિઠ્ઠીઓ,
અરીસામાંની તમારી છબી ખંખેરી કાઢો.
બેસો. જિંદગીને મહેફિલ કરી દો.
– ડેરેક વોલ્કોટ
(અનુ ધવલ શાહ)
માણસ પોતાની જાત વિશે બધુ જ જાણતો હોય છે. અને એટલે જ કદાચ પોતાની જાતને ચાહી શકતો નથી. જે પોતાને ચાહી ન શકે એને તો આખી દુનિયામાં કયાંક પણ જાય, અણખટ જ થવાની. ચારે તરફ દોડવાને બદલે કવિ પહેલા પોતાની જાત સાથે comfortable થવાનું કહે છે. આટલું કરો એ આનંદની ચાવી છે. એ પછી આખી જિંદગી મહેફિલ જ છે.
ડેરેક વોલ્કોટ એ વેસ્ટ ઈન્ડિઝના રહેવાસી છે. ૧૯૯૨નું સાહિત્યનું નોબેલ પ્રાઈઝ એમને મળેલું. એમની આ કવિતામાં ઘૂંટાયેલો સંતોષ છલકે છે.આ કવિતા એમની સૌથી પ્રસિદ્ધ કવિતાઓમાંથી એક છે.
સાંજે તું આવશે તેથી
એક આખેઆખી સાંજને મેં
લાકડાના દાદરે ઊભી રાખી હતી.
રાતે તને સમય મળશે એ જાણીને
એક દિવસને ઉતાવળને બહાને
થોડીક વાતો કરી વિદાય કરી દીધો હતો.
પરોઢિયે તું પદ્મની શુભ્રતા બનશે એમ ધારીને
મેં રાતના બધા દીવાઓ
મારા હાથે જ ઓલવી નાખ્યા હતા.
અને બપોરે તું આરામથી મારી સંગિની થશે તેથી
ટેલિફોન, હોલા અને કાગડાને
મારી ચારેય હદમાં આવવાની મનાઈ કરી દીધી હતી.
અને આથમતી સાંજે તું આવશે એવા વિશ્વાસે
મેં દિવસની ઊંઘને રાતના અંધકારમાં
એક દિવસ માટે રજા આપી દીધી હતી.
– સાનાઉલ હક (અનુ.નલિની માડગાંવકર)
માનવીની મોટાભાગની conflicts અને miseries નું મૂળ- ‘આવતીકાલ’ માટે ‘આજ’ ને અવગણવી; અને ‘ગઈકાલ’ના હરખ-શોકમાં રચ્યાપચ્યા રહેવું.
સામે
સૂમસામ ઊભાં બુઠ્ઠાં ઝાડ,
પહાડ, ઉઘાડાં હાડ…
પથર પથરા પડ્યા ખખડિયાં નારિયેળ !
નદી તો,
કોક આદિવાસી કન્યાનું હાડખોખું
આંખો ફોડીને
ઊભી દિશાઓ,
વેળુ લઈને વાયરો ઊડે…
આભ
છાબ ભરી ભરીને નાંખે અંગારા
બળે પર્ણપીંછાં
વીંઝાય જટાયુ શો સીમવગડો
અહીં કોઈ અગ્નિમુખો ફરે…
પ્હેરો ભરે…
સૂર્યના હાથમાં આપીને ધારિયું !
– રામચન્દ્ર પટેલ
દુકાળ કદી ન જોયો હોય તો પણ તાદૃશ કરી આપે એવું બળકટ અછાંદસ. કવિતાનો આંતરિક લય પણ એવો જ સશક્ત. બુઠ્ઠાં ઝાડ, આદિવાસી કન્યાના હાડપિંજર જેવી સૂકી નદી, જટાયુ જેવો ઘાયલ વગડો અને તડકા જેવો કોઈ દશમુખો… એક-એક કલ્પન રૂંવાડા ઊભા કરી દે એવા છે.
તળાવ પુરાઈ જાય
એટલે શું પુરાઈ જાય?
તરસ?
ગામને પાદરે આવેલો એક વિસ્તાર
તેની ઓળખ ગુમાવી દે તેથી,
વહેલી સવારે હળવેથી
તળાવનાં પગથિયાં ઊતરીને
આત્મહત્યા કરવા જઈ રહેલું કોઈ
શું જીવી જાય છે?
તળાવ આજે હોય.
ને કાલે ન હોય.
પણ અહીં ડૂબી ગયેલી એક લાશ
નીતરતી રહે છે.
તેનું પેટ દબાવો ને પાણી વછૂટે છે,
ઘોડાપૂર જેવાં.
ડૂબી જાય છે કંઈકૅટલાં
ને છળી મરે છે તરસ.
– મનીષા જોશી
કહે છે કે તમારું હોવું એટલે તમારા પગલાનો સરવાળો. અને તળાવના ભૂતકાળમાં એક પગલું – ન ભરવાનું પગલું – આત્મહત્યાનું છે. જે કમનસીબે તળાવના ન હોવાથી પણ કદી ભ્ંસાવાનું નથી. (કદાચ એટલે જ તળાવ પુરાવી દીધું હશે.) આખા પ્રસંગની ભૂતાવળને તાદ્રશ કરવા માટે કવિને ચાર જ શબ્દની જરૂર પડે છે – ‘છળી મરે છે તરસ’.