તમે કહો તો – આશા ગોસ્વામી
ઈશ્વર,
તમે કહો તો
મીણબત્તીથી
સૂરજને સળગાવી મૂકું.
સોયદોરો લઈને આભને
થીંગડા મારી આવું.
તમે કહો તો
સમયની બધી જ મર્યાદાઓ તોડીને ગાંડીતૂર
સરિતાની જેમ બેય કાંઠે છલકાઉં –
ને સાગર ઉલેચીને ખીણો સર્જું.
તમે કહો તો
પર્વતો તોડીને
ખીણો બનાવું ને ખીણોમાં
મારા આંસુના સાગર છલકાવું.
ઈશ્વર,
પછી તો તમે મને પ્રેમ કરશોને ?
તમે બોલોને ?
પછી તો તમે મને પ્રેમ કરશો જ ને ?
– આશા ગોસ્વામી
સ્ત્રી અને પુરુષની વચ્ચેનો મૂળભૂત તફાવત કયો ? પુરુષ પ્રેમ કરે છે પણ સેક્સ પામવા માટે અને સ્ત્રી સેક્સ ધરે છે, પ્રેમ પામવા માટે. સ્ત્રી શરીર શણગારે છે પણ સંવેદનાઓને નહીં… પુરુષ શરીર નથી શણગારતો પણ સંવેદનાઓને કાયમ શણગારે છે. સ્ત્રીને જે કહેવું છે એ સીધું જ અને આડંબરહીન ભાષામાં કહી શકે છે. આ કવિતા એનું એક બોલતું ઉદાહરણ છે. સ્ત્રી કયા ઈશ્વરને સંબોધે છે એ સહુએ પોતપોતાની રીતે જ નક્કી કરવાનું…