શક્યતાને આ રીતે સાંધો નહીં,
ઉંબરા પર ઘર તમે બાંધો નહીં.
એટલી ખૂબીથી ચાદરને વણી,
ક્યાંયથી પણ પાતળો બાંધો નહીં.
અંકિત ત્રિવેદી

પથપ્રવર્તક કાવ્યો: ૦૩ : લાલ એકચક્રી ઠેલો – વિલિયમ કાર્લોસ વિલિયમ્સ

*

ઘણું બધું નિર્ભર
છે

સફેદ મરઘીઓની
બાજુમાં

વરસાદના પાણીથી
ચમકતા

લાલ એકચક્રી ઠેલા
પર

– વિલિયમ કાર્લોસ વિલિયમ્સ
(અનુ.: વિવેક મનહર ટેલર)

કેવું ટબુકડું કાવ્ય! ગણીને ચૌદ જ શબ્દનું બનેલ એક વાક્ય, બસ! પહેલી નજરે, બીજી નજરે ને કદાચ ત્રીજી નજરે પણ માથું જ ખંજવાળતા રહી જવાય એવી કવિતા. સફેદ મરઘીઓની બાજુમાં વરસાદના કારણે ચમકી રહેલ લાલ રંગના એકચક્રી ઠેલા પર ઘણું બધું આધાર રાખે છે – શું છે આ ઘણું બધું? ક્યાં આપણી સુષ્ઠુ સુષ્ઠુ સંવેદનાઓને પંપાળ્યા કરતાં ગુજરાતી અછાંદસ અને ક્યાં આ શરૂ થતાં પહેલાં જ પૂરો થઈ જતો વીજચમકારો? મરઘીઓના સફેદ રંગ અને વરસાદના કારણે ચમકતા ઠેલાના લાલ રંગમાં કાવ્યપ્રકાશ ક્યાં છે એ સમજવું અઘરું છે, પણ આ કવિતાનો પથપ્રવર્તક કવિતાઓની યાદીમાં સમાસ કેમ કર્યો છે એ પહેલાં સમજીએ.

વિલિયમ કાર્લોસ વિલિયમ્સ કોલેજમાં તેઓ આધુનિક કવિતા અને ઇમેજિઝમના પ્રણેતા એઝરા પાઉન્ડના સહપાઠી હતા પણ પછી તબીબ બની ન્યૂ જર્સી, અમેરિકામાં સ્થાયી થયા. ઢગલાબંધ હોમવિઝિટ અને સંખ્યાબંધ પ્રસૂતિઓની વચ્ચે પ્રિસ્ક્રીપ્શન પેડ પર લખાતી રહેતી નાનકી કવિતાઓ એમની આગવી ઓળખ બની. એઝરા પાઉન્ડે ઇમેજિસ્ટ પોએમ (દૃશ્યકાવ્ય)ને જન્મ આપ્યો પણ કવિતાને આધુનિક અને સાચા અર્થમાં અમેરિકન બનાવવાનું શ્રેય વિલિયમને ફાળે જાય છે. ટી. એસ. એલિયટ જ્યારે અમેરિકી કવિતાને અઘરી અને સમયચક્રમાં પાછળ તરફ લઈ જઈ રહ્યા હતા, ત્યારે એમના પ્રખર વિરોધી વિલિયમે કવિતામાં સમસામયિક અમેરિકી રીતભાત-બોલી અને રોજિંદા વિષયવસ્તુઓને કવિતાના તાણાવાણા બનાવી આધુનિક્તાના સ્વાંગે સજાવી બતાવી. આજથી સો વર્ષ પૂર્વે ૧૯૨૩માં પ્રગટ થયેલ આ કવિતાએ આખા વિશ્વના કવિઓ અને કાવ્યરસિકોને દિગ્મૂઢ કરી દીધા હતા. વીસમી સદીની અમેરિકી કવિતાની કાયાપલટ કરવામાં એનો સિંહફાળો છે. કેવળ અમેરિકા જ નહીં, વીસમી સદીનાં આધુનિક કવિતા, મુક્તપદ્ય તેમજ શાળાઓમાં કાવ્યશિક્ષણપદ્ધતિનો નવોન્મેષ કરવામાં આ રચના અગ્રેસર ગણાય છે. આ સીમાચિહ્નરૂપ કવિતાની અસર હજી આજેય કવિઓ અને કવિતાઓ પર વર્તાય છે.

એક વાક્યના ચાર ભાગ. દરેક ભાગમાં બે પંક્તિ. ચારેય ભાગમાં પહેલી પંક્તિ લાંબી પણ બીજી પંક્તિમાં એક જ શબ્દ –એકચક્રી ઠેલાનું શબ્દચિત્ર જ જાણે! વિદ્વાનોએ આ કવિતાને ‘મિનિમાલિસ્ટિક માસ્ટરપીસ’ કહી છે. બીજી પંક્તિમાં એક શબ્દ જાળવવા માટે કવિએ Wheelbarrow તેમજ Rainwater શબ્દના ટુકડા કરી દઈ કવિતાની ગતિમાં આરોહ-અવરોહ પણ જન્માવ્યા છે. આ કવિતાની શક્તિ શબ્દ-ભાષા કે રૂપકોની જટિલતામાં નહીં, પણ આપણું સમગ્ર ધ્યાન સમયસાગરની કોઈ એક જ પળ ઉપર કેન્દ્રિત થાય છે એમાં છે- વરસાદ પછીના ખેતર કે વાડાનું એક શાંત દૃશ્ય! એકચક્રી ઠેલો પ્રતિક બની જાય છે, રોજિંદા જીવનનિર્વાહ માટે અનિવાર્ય ક્ષુલ્લક કે સામાન્ય ચીજોનું, જે નજર સામે જ હોવા છતાં કદી આપણાં ધ્યાનમાં આવતી નથી. હકીકતે આપણું જીવન આવી નાની નાની રોજમરોજની ચીજો પર જ ટકેલું છે. એટલે જ કવિએ ‘ઘણું બધું નિર્ભર છે’ કહ્યું છે.

આ કવિતા આપણને કવિતા વાંચતા-સમજતા પણ શીખવાડે છે. એ કહે છે કે જોતાં શીખો, અર્થઘટન કે વિવેચના નહીં. કારણ કે કાવ્યસત્યાર્થ ઘણીવાર શબ્દો કે રૂપકમાંથી નહીં, પણ છબીની સટિકતા અને શુદ્ધતામાંથી સ્ફુટ થતો હોય છે.

*

The red wheelbarrow

so much depends
upon

a red wheel
barrow

glazed with rain
water

beside the white
chickens

– William Carlos Williams

9 Comments »

  1. Harnish A Desai said,

    December 11, 2025 @ 1:24 PM

    ઓછા શબ્દો દ્વારા , ચિત્ર દ્વારા, આ રચના , ભાવકોને એક ચમકારો આપી જાય છે . આ પ્રકારની રચનાઓ આપણાં ગુજરાતી કવિઓ લખે છે પરંતુ ખૂબ ઑછા શબ્દોમાં રજૂઆત થતી હોય એવી રચના જણાવશો તો સહુ મિત્રોને એની જાણકારી , અછાંદસ કવિતા લખવા પ્રોત્સાહિત કરી શકે.

  2. મનસુખ નારિયા said,

    December 11, 2025 @ 4:39 PM

    વિવેકભાઈ નમસ્કાર
    સરસ કવિતા ખોલી લાવ્યા છો અને તેનું અવલોકન પણ સરસ રીતે કરાવ્યું
    વૈશ્વિક કવિતાઓ ને જન સમાજ સુધી પહોંચાડવામાં આપનું કાર્ય ઉત્તમ છે
    ખૂબ ખૂબ અભિનંદન આનંદ અને ગૌરવ……

  3. Kishor Ahya said,

    December 11, 2025 @ 6:28 PM

    ઘણું બધું નિર્ભર
    છે
    સફેદ મરઘીઓની
    બાજુમાં
    વરસાદના પાણીથી
    ચમકતા
    લાલ એકચક્રી ઠેલા
    પર
    – વિલિયમ કાર્લોસ વિલિયમ્સ
    દુનિયાભરમાં પ્રસિદ્ધિ પામેલ આ અછાંદસનો કવિઓ અને વિશ્વ ભરના વિદ્વાનોએ ખૂબ અર્થ કાઢ્યા છે ને કૃતિ ખૂબ ખૂબ વખાણી પણ છે.નોસ્ટ્રાડમસની અગમ્ય વાણીના મન માં સુજે તેવા અર્થ કાઢી શકાય છે તેવું આ અછાંદસ છે. બહુ ટૂંકું ચાર લીટી ,દરેકને વિચારતા કરી દે છે. આખરે આ અછાંદસમાં એવું તો શું છે, જેથી એ જગ પ્રસિદ્ધ થયું?

    અહીં એક બે વાત મહત્વની છે. એકતો અછાંદસનું સ્વરૂપ કેટલું ટૂંકું? આવું સ્વરૂપને કારણે ટૂંકા સ્વરૂપ વાળા અછાંદસનો એક નવો વિચાર વહેતો થયો. બીજું અછાંદસનું એક પહેલી જેવું બનવુ. બધું નિર્ભર કરે છે લાલ એકચક્રી ઠેલા પર!

    વિદ્ધાનો વિચાર કરે છે એક સામાન્ય દેખાતા લાલ ચક્રી ઠેલા ને આટલા મહાન કવિ વિલિયમ કાર્લોસ વિલિયમ્સ એ આટલું બધું મહત્વ કેમ આપ્યું હશે? મને લાગે છે અહીં રચના જેટલુજ મહત્વ રચનાકારનું દેખી શકાય છે. આવી કૃતિ જાણીતા ન હોય તેવા કવિની હોત તો પરિણામ કઈક જુદુજ હોત! રચનાકાર કોણ છે એ વ્યક્તિ વિશેષ ,હમેશા દરેક સાહિત્ય કે કલાના દરેક ક્ષેત્ર માટે હમેશા મહત્વની બાબત રહૈ છે,તો પણ
    એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે આ અછાંદસમાં એક ગહન અર્થ તો છુપાયેલ છે જ.

    એ હકીકત છે કે મનુષ્યના વિચારો અને જીવન જોવાની દ્રષ્ટિએ આજે એક ભૌતિકવાદી જીવન શૈલી નું નિર્માણ કર્યું છે, જ્યાં દરેક નવી સગવડતા અને શોધનું મહત્વ છે.પણ ઉપયોગની દૃષ્ટિએ દરેક નાની મોટી બાબતનું મહત્વ એક સરખું સ્થાપિત કરવાનો આ અછાંદસમાં એક નમ્ર પ્રયાસ થયો દેખાય આવે છે.અહીં દા. ત. માણસના હાથમાં એક એટેચી હોય અને માણસના ખભે એક બગલથેલો લટકતો હોય, આ બંનેની કોઈ સરખામણી હોય શકે નહી કેમકે બંનેના ઉપયોગ અલગ અલગ છે ,જેથી એટેચી કિંમતી છે તેથી તે વધુ ઉપયોગીછે તેમ કહેવું યોગ્ય નથી. ઉપયોગની દૃષ્ટિએ બંનેનું મહત્વ એક સરખું જ છે. બધું નિર્ભર કરે છે લાલ એકચક્રી
    ઠેલા પર, તેમ કહીને કવિ અહીં ઠેલાગાડીના મહત્વ વિશે કહેવા ઈચ્છે છે, જે પણ ઠેલાગાડીનો ઉપયોગ કરે છે તેના માટે તે એક આજીવિકાનું સાધન પણ હોય શકે, જેવી રીતે કુટુંબમાં મુખ્ય વ્યક્તિનું મહત્વ છે કેમકે તે ભાર વહન કરે છે તેમ ઠેલા ગાડી પણ ભાર વહન કરે છે તેથી તેના પર બધું નિર્ભર છે તેમ જણાવી કવિ આડકતરી રીતે કુટુંબમાં વડા પર બધું નિર્ભર કરે છે તેવો એક ગહન અર્થ પણ અહીં ન હોય શકે?

    આતો થઈ અર્થની વાત ,પણ વાત અહીં પૂરી થતી નથી.ખરી વાત તો હવે છે. માણસની દરેક વાતમાં અર્થ કાઢવાની વૃતિ પર જબરો કટાક્ષ કવિએ આ અછાંદસમાં કર્યો છે.આ આછંદસમાં જોઈએ તો સીધો કોઈ અર્થ દેખાતો નથી. જાણે કેવિલિયમ કાર્લોસ કહેવા માગતા હોય કે શું અર્થનું જ મહત્વ છે? મનુષ્યની જોવાની દૃષ્ટિનું મહત્વ નથી?

    એક સરસ વાત.
    કવિ એ આ અછાંદસ લખ્યું, પણ કવિને આવું લખવાની પ્રેરણા કઈ રીતે મળી હશે? મને લાગે છે આના ઉતર કવિ પોતે જ આપી શકે. પણ કવિએ જે દ્રશ્ય જોયું, તે ઘણા બધાં રોજ જોતા હશે અને કવિએ પોતે પણ ઘણીવાર જોયુ જ હશે “સફેદ મરઘીઓની
    બાજુમાં
    વરસાદના પાણીથી
    ચમકતા
    લાલ એકચક્રી ઠેલો”
    અને આ દ્રશ્ય જોતાજ કવિ જાણે ભાવ વિભોર થઈ ગયા ને દ્રશ્ય કાગળ પર ઉતરી ગયું.
    આકસ્મિક લાગતી ઘટના પાછળ ઘણું રહસ્ય છુપાયેલ છે. મનુષ્યનું મન, ન જાણી શકાય તેવો ખજાનો છે, જ્યારે મન શાંત અને લગભગ નિર્વિચારની અવસ્થામાં હોય ત્યારે જે પણ મનુષ્ય જુએ છે, તે રોજ જોતા હોય તે કરતા જુદુ જ દેખાય છે.તે જુદુ એટલે એવું લાગે જાણે પહેલી વાર જોતા હોઈએ એવું. એક સ્તબ્ધ કરી દે તેવું દ્રશ્ય. જાણે કે કોઈ ચિત્રકાર દ્રશ્ય જુવે છે! એક એક રંગ અને ચમકતો પ્રકાશ. જોતાજ મન આનંદથી ભરાય જાય.આ આનંદ નિશબ્દ મનની ઉપજ છે. મને લાગે છે આવી ઉપજ કદાચ કવિ શ્રી વિલિયમ કાર્લોસને સફેદ મરઘીઓની બાજુમાં વરસાદના પાણીથી ચમકતા ઠેલાને જોતા થઈ હશે!

    સન ૧૯૨૩ માં લખાયેલ આ આછંદસ આજે સદી વટાવી દીધી છે તેમ છતાં આજે એટલુજ પ્રસ્તુત છે, ને આજેય દુનિયાભરની શિક્ષણ સંસ્થાઓ તેની ચર્ચાઓ કરે છે. ચીજ વસ્તુઓ જોવાની દ્રષ્ટિ બદલો.
    વિશ્વગુરુ જે.કૃષ્ણમૂર્તિ કહે છે
    જે પણ જુઓ એવી રીતે જુઓ જાણે પહેલીવાર જોતા હો.જેને પણ મળો એવીરીતે મળો જાણે પહેલીવાર મળતા હો. મનને નિર્વિચાર કરવાની આ એક અપનાવવા જેવી સરસ પ્રકિયા છે. અસ્તુ.

    હમેશની જેમ શ્રી વિવેકભાઈ ખૂબ સરસ અછાંદસની પસંદગી કરી ખૂબ સરસ અનુવાદ આપી અછાંદસને માનવાની તક આપી તે બદલ તેમને ખૂબ ખૂબ ધન્યવાદ.

    🌹🌹🌹🌹

  4. ઊર્મિ said,

    December 11, 2025 @ 9:02 PM

    ટચુકડી કવિતાનાં અદ્રશ્ય બારી-બારણાઓ ખોલી આપ્યા… સ-રસ આસ્વાદ કરાવ્યો.

  5. ધવલ said,

    December 11, 2025 @ 10:19 PM

    Great little poem ! 👍👍👍

  6. Premal Shah said,

    December 12, 2025 @ 6:53 AM

    વાહ

  7. Jigisha Desai said,

    December 13, 2025 @ 12:09 PM

    અદ્ભુત

  8. jyoti Patel said,

    December 14, 2025 @ 7:31 PM

    Really loved reading this short poem; it shows how much weight a single word can carry when used with such precision. Constraining vocabulary is indeed a demonstration that “limitations create power”

  9. વિવેક said,

    December 18, 2025 @ 11:54 AM

    બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર…

    આપ સહુની ઉપસ્થિતિ જ અમારું ખરું ચાલકબળ છે…

    આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment