રેત – ડમરી – મૃગ – તરસ – મૃગજળ વગેરે…
મન – મરણ – શ્વાસો – અનાદિ છળ વગેરે…

છે – નથી – હોઈ શકે – અથવા – કદાચિત;
હું – તું – આ – તે – તેઓની સાંકળ વગેરે…
-ભગવતીકુમાર શર્મા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for વિવેક મનહર ટેલર

વિવેક મનહર ટેલર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




થિરુક્કુરલ -તિરુવલ્લુવર (તામિલ) (અનુ.: વિવેક મનહર ટેલર)

સૌ કક્કામાં જોઈ લો, ‘અ’ જ કરે પ્રારંભ,
ઈશ્વરથી જ આ વિશ્વમાં પણ થાય શુભારંભ. ॥ ૦૧ ॥

વર્ષા છે સર્વસ્વ, એ સઘળું કરે બરબાદ,
ફરી ફરીને એ જ તો, બધું કરે આબાદ. ॥ ૧૫ ॥

પુત્રજન્મ પર માને મન આનંદનો નહીં પાર,
ઓર ખુશી જબ પુત્રનું નામ લિયે સંસાર. ॥ ૬૯ ॥

એવું કોઈ તાળું છે જે કરે પ્રેમને કેદ?
ખોલી નાંખે નાનકુ આંસુ સઘળા ભેદ. ॥ ૭૧ ॥

સત્કર્મોને ભૂલવું, દુષ્કર્મ એ જ મોટું,
દુષ્કર્મને ન ભૂલવું તુર્ત જ, બસ એ ખોટું. ॥ ૧૦૮ ॥

સામો હો બળવાન તો ગુસ્સાના શા દામ?
નબળાની આગળ કરો, એ મોટું બદકામ. ॥ ૩૦૨ ॥

ઊંડી ખોદો રેતને, પાણી લાગે હાથ,
ઊંડું વાંચો જેમ-જેમ, ડહાપણ વધતું જાય. ॥ ૩૯૬ ॥

અજવાળામાં માત દે ઘુવડને પણ કાગ,
જીતી લેશે શત્રુને જો સમય વર્તે રાજ. ॥ ૪૮૧ ॥

દુ:ખમાં રત છો હોય પણ દુઃખી કદી ના થાય,
દુઃખ ખુદ એના ઘેરથી દુઃખી થઈને જાય. ॥ ૬૨૩ ॥

એક રીતે વરદાન છે, આ આપત્તિનો શાપ,
ફૂટપટ્ટી છે, એ વડે મિત્રોને તું માપ. ॥ ૭૯૬ ॥

શાલિનતા ક્યાં રૂપની? ને ક્યાં એની આંખ?
જીવન પી લે એનું, જે માંડે સામે આંખ. ॥ ૧૦૮૪ ॥

આસવ ચાખો તો જ એ આપે છે આનંદ,
પ્રેમમાં એક દૃષ્ટિ પણ દે છે પરમાનંદ. ॥ ૧૦૯૦ ॥

દુઃખ અને દુઃખની દવા, હોવાનાં નોખાં જ,
હે સુંદરી! આશ્ચર્ય છે: તું દર્દ, તું ઈલાજ! ॥ ૧૧૦૨॥

ફરી ફરી ભણતી વખત, જ્ઞાત થાય અજ્ઞાન,
ફરી ફરી સંભોગથી દિવ્યાનંદનું ભાન ॥ ૧૧૧૦ ॥

-તિરુવલ્લુવર (તામિલ)
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

બે-અઢી હજાર વર્ષ પૂર્વે તામિલનાડુની ધરતી પર થઈ ગયેલા સંતકવિ તિરુવલ્લુવરની અજરામર રચના-થિરુક્કુરલ-ના ખજાનામાંથી કેટલાક મોતી આજે આપણા માટે.

તિરુવલ્લુવર. તામિલનાડુમાં આશરે ૨૧૦૦થી ૨૪૦૦ વર્ષ પહેલાં જન્મ. વ્યવસાયે વણકર પણ કર્મે સંતકવિ. ઉત્તમ મનોવિજ્ઞાની અને ફિલસૂફ. મનુષ્યમનની સંકુલતાઓને જે સહજતા અને સરળતાથી એ કવિતાના કેમેરા વડે બબ્બે પંક્તિની ફ્રેમમાં કેદ કરી શક્યા છે એ न भूतो, न भविष्यति છે. મહાભારતની જેમ જ ‘થિરુક્કુરલ’ વિશે પણ કહેવાય છે કે એમાં બધું જ સમાવિષ્ટ છે અને એવું કશું નથી જે અહીં સમાવવાનું રહી ગયું હોય. ‘થિરુ’ એટલે પવિત્ર. ‘કુરલ’ એટલે ટૂંકાણ. થિરુક્કુરલ એટલે પવિત્ર શ્લોક. બબ્બે પંક્તિના ટૂંકા શ્લોકને ‘કુરલ’ કહે છે. દરેક કુરલમાં કુલ સાત શબ્દ (સર) હોય છે, પહેલી પંક્તિમાં ચાર અને બીજીમાં ત્રણ. એક અથવા એકથી વધુ શબ્દો જોડાઈને જે શબ્દ બને એને સર કહે છે. થિરુક્કુરલ એ થિરુ અને કુરલ બે શબ્દ ભેગા થવાથી બનતો એક સર ગણાય છે. ધર્મ, અર્થ અને કામ – આ ત્રણ મુખ્ય વિભાગોમાં લગભગ ૧૩૩ જેટલા પેટાવિષયો પર દરેક પર ૧૦, એમ કુલ ૧૩૩૦ જેટલા કુરલ આ પુસ્તકમાં ઉપલબ્ધ છે. કુરલના સાત શબ્દોના સ્વરૂપ અને તામિલ સંગીતના લયને યથાવત્ રાખીને તો ગુજરાતીમાં અનુવાદ શક્ય જ નથી એટલે દોહરા તરીકે કેટલાક કુરલનો અનુવાદ અહીં પ્રસ્તુત કર્યો છે.

આશ્ચર્યની વાત છે પણ મહાત્મા ગાંધીજીનો થિરુક્કુરલ સાથેનો પરિચય જર્મન ભાષામાં થિરુક્કુરલ વાંચી એમાંથી અહિંસાનો સિદ્ધાંત તારવનાર લેવ ટોલ્સ્ટોયે કરાવ્યો હતો. જો કે આપણી કરુણતા જ એ છે કે પશ્ચિમના વિવેચકો વખાણે નહીં તો આપણને આપણી દૂંટીમાં રહેલી કસ્તૂરીની કિંમત સમજાતી નથી.

Comments (11)

ઘર વિશે, વિદેશથી – રોબર્ટ બ્રાઉનિંગ (અનુ. વિવેક મનહર ટેલર)

આહ, હમણા હોવું ઇંગ્લેન્ડમાં
એપ્રિલ આવ્યો છે ત્યાં જ્યારે,
અને જાગશે જે પણ કોઈ ત્યાં ઇંગ્લેન્ડમાં
એ જોશે કે, જાણબહાર જ, કો’ક સવારે,
નીચામાં નીચી ડાળીઓ ને ગુચ્છા ઝાડીઝાંખરાના
વિશાળ એલ્મ વૃક્ષની ફરતે ફૂટી રહ્યાં છે પાંદડા નાના,
જ્યારે ફળવાટિકાની ડાળોમાં કોયલ ગીતો ગાઈ રહી છે,
ઇંગ્લેન્ડમાં -અત્યારે!

અને આ એપ્રિલ જશે પછી જે વસંત લઈને મે આવશે,
અને આ સઘળા અબાબિલો ને આ શ્વેતકંઠો ગળું ગજવશે!
સાંભળ, વાડામાંનાં મારાં ફુલ્લ કુસુમિત નાસપતિ જ્યાં
ખેતની ઉપર લચી પડીને ઘાસની ઉપર વિખેરે છે
ફૂલ ને ઝાકળ – સ્પ્રેની વક્ર નળીના છેડે બેસીને ત્યાં-
જો ને કેવી ડાહી ચકલી, ગીત દરેક જે દોહરાવે છે,
ક્યાંક આપ એવું ન વિચારો, ઝીલી ન શકશે ફરી એ ક્યારેક
એ પહેલો બેફિકર હર્ષોદ્રેક!
અને ભલેને જીર્ણ તુષારે મેદાનો નિષ્પ્રાણ લાગતા,
બધું જ આનંદિત ભાસશે, બપોર જ્યારે જગાડશે નવલાં
બટરકપ્સના પીળાં ફૂલો, બચ્ચાંઓના ખરા ખજાના
– આ ભદ્દા તડબૂચના ફૂલો કરતાં તો ભઈ, લાખ મજાના!

– રોબર્ટ બ્રાઉનિંગ
(અનુ. વિવેક મનહર ટેલર)

‘ઘરને ત્યજી જનારને મળતી વિશ્વ તણી વિશાળતા’વાળી વાત ગમે એટલી સાચી કેમ ન હોય, ‘ધરતીનો છોડો ઘર’ જ હોવાનો. ઘર-ઝુરાપો અને વતન-ઝુરાપો ખરેખર શું છે એનો અનુભવ મોટા ભાગના મનુષ્યોને જીવનના કોઈકને કોઈક તબક્કે તો થતો જ હોય છે. રોબર્ટ બ્રાઉનિંગની આ રચના ઘરઝુરાપાની જ વ્યથા છે. કવિતામાં ભલે અઢારમી સદીના ઇંગ્લેન્ડનું વાતાવરણ છે પણ કવિતાનું હાર્દ કાળાતીત અને સ્થળાતીત છે. કોઈપણ સદીના કોઈપણ શહેરને આ કવિતા પૂરેપૂરી તાજગી સાથે સ્પર્શે છે.

સ્વરૂપની દૃષ્ટિએ જોઈએ તો કવિતા બે અંતરામાં વહેંચાયેલી છે. પહેલો અંતરો નાનો 8 પંક્તિનો છે, જેમાં ટ્રાઇ, ટેટ્રા અને પેન્ટામીટર, 3-3-4-4-5-5-5-3 મુજબ પ્રયોજાયા છે અને પ્રાસરચના અ-બ-અ-બ-ક-ક-ડ-ડ મુજબની છે. બીજો લાંબો અંતરો 12 પંક્તિનો, જેમાં આઠમી પંક્તિના ટેટ્રામીટરને બાદ કરતાં લગભગ બધી જ પંક્તિમાં પેન્ટામીટર પ્રયોજાયા છે અને પ્રાસરચના અ-અ-બ-ક-બ-ક-ડ-ડ-ખ-ખ-ગ-ગ જેવી અટપટી છે. બે અસમાન અંતરાઓ, બંનેમાં અસમાન પંક્તિલંબાઈ –પહેલા અંતરામાં વધઘટ તો બીજામાં લગભગ સમાન પંક્તિઓમાં એક જ ટૂંકી પંક્તિ અને અસમાન પ્રાસરચના – બ્રાઉનિંગ જેવા માસ્ટર-પોએટને શું છંદ અને પ્રાસમાં સમજ નહીં હોય ? કે પછી હોમ-સિકનેસથી વ્યથિત માનવીની અસ્તવ્યસ્ત મનોદશાનો તાદૃશ ચિતાર આપવા માંગે છે કવિ?

ખેર, મૂળ કવિતાના સ્વરૂપને વફાદાર રહીને પંક્તિસંખ્યા અને પ્રાસરચના અનુવાદમાં પણ યથાવત્ રાખવા સાથે મૂળ રચનાની સમાંતરે જ માત્રામાં પણ વધઘટ કરીને છંદ પ્રયોજવાનો વ્યાયામ મેં અહીં કર્યો છે. જોઈએ, આ પ્રયાસ કેટલો સફળ નીવડ્યો છે તે.

Home Thoughts from Abroad

Oh, to be in England
Now that April’s there,
And whoever wakes in England
Sees, some morning, unaware,
That the lowest boughs and the brushwood sheaf
Round the elm-tree bole are in tiny leaf,
While the chaffinch sings on the orchard bough
In England—now!

And after April, when May follows,
And the whitethroat builds, and all the swallows!
Hark, where my blossomed pear-tree in the hedge
Leans to the field and scatters on the clover
Blossoms and dewdrops—at the bent spray’s edge—
That’s the wise thrush; he sings each song twice over,
Lest you should think he never could recapture
The first fine careless rapture!
And though the fields look rough with hoary dew,
All will be gay when noontide wakes anew
The buttercups, the little children’s dower
—Far brighter than this gaudy melon-flower!

– Robert Browning

Comments

હું – ચૈરિલ અનવર (ઇન્ડોનેશિયા) (અનુ. વિવેક મનહર ટેલર)

જ્યારે મારો સમય આવશે
મારે કોઈનેય રડતાં સાંભળવા નથી
તને પણ નહીં

રડવું બિલકુલ જરૂરી નથી!

આ છું હું, એક જંગલી જાનવર
પોતાના ઝુંડમાંથી હાંકી કઢાયેલો

ગોળીઓ મારી ચામડી છેદી નાંખશે
પણ હું વધતો જ રહીશ

આગળ મારા ઘા અને મારા દર્દને ઊંચકીને હુમલો કરતો,
હુમલો કરતો,
જ્યાં સુધી યાતના ગાયબ ન થઈ જાય

અને હું તસુભાર પણ પરવા નથી કરવાનો

હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.

– ચૈરિલ અનવર
(અનુ. વિવેક મનહર ટેલર)

*
ચૈરિલ અનવર. ઇન્ડોનેશિયાનો યુવા કવિ. ભરવસંતે ખરી ગયેલું ફૂલ. એના હોઠ વચ્ચેની સિગારેટ સળગીને રાખ થાય એ ઝડપે સત્તાવીસથીય અલ્પાયુમાં માત્ર ૭૧ જેટલી કવિતાઓ અને ગણતરીબંધ લેખો, મુઠ્ઠીભર અનુવાદો કરીને આ માણસ ઇન્ડોનેશિયાનો આજદિનપર્યંતનો સૌથી નોંધનીય કવિ બની ગયો. ફાકામસ્તીમાં જીવતો, સૂકલકડી, ફિક્કો અને લઘરવઘર નફિકરો નવયુવાન દુકાનમાંથી પુસ્તકો પણ ચોરતો. ૧૫ વર્ષની ઊંમરે એને ખબર હતી કે એનો જન્મ કળાકાર થવા માટે થયો છે. ૧૮ વર્ષની ઊંમરે શાળા છોડી દીધી. હૉસ્પિટલમાં જ મૃત્યુ થયું પણ મૃત્યુનું કારણ અનિર્ણિત. ભાષામાં એની શોધખોળ-પ્રયોગોએ ઇન્ડોનેશિયાની પરંપરાગત ‘શૃંગારિક’ ભાષા અને બીબાંઢાળ કાવ્યપ્રણાલિઓના લીરેલીરા ઊડાવી દીધા. એનો નિર્વાણદિન આજેપણ ઇન્ડોનેશિયામાં ‘સાહિત્ય દિન’ તરીકે ઉજવાય છે.

આખી રચના ‘હું’ની ફરતે વીંટળાયેલી છે. સૈનિક તરીકે યુદ્ધમાં જવાનો કે મૃત્યુના ખોળામાં સૂઈ જવાનો કે કોઈપણ સમય જ્યારે આવશે ત્યારે કવિ નથી ઇચ્છતા કે કોઈપણ રૂદન કરે, શોક મનાવે. કેમ? કેમકે નાયક એના દળમાંથી હાંકી કાઢવામાં આવેલ જંગલી જાનવર છે. ભલે ન્યાતબહાર મૂકાયો હોય પણ એની ભીતરનો સૈનિક મર્યો નથી ત્યાં સુધી એ આગળ ધપશે જ ધપશે. બધી યાતનાઓ તન-મનને વીંધી-વીંધીને હથિયાર ફેંકી દે, જ્યાં જઈને દુઃખ-દર્દની સરહદ જ ખતમ થઈ જાય એ સ્થળે પહોંચી ન જવાય ત્યાં સુધી નાયક અવિરત ધપતા રહેવાની નેમ ધરાવે છે. मुश्किलें मुझ पर पड़ीं इतनी कि आसां हो गईं | અને કવિને કોઈ વાતની પડી પણ નથી. મૃત્યુને રડ્યા વિના, રડવા દીધા વિના, ખુશી ખુશી ગળે લગાડવાનું આહ્વાન આપતી આ રચના હકીકતમાં તો આઝાદી અને જીવન માટેનું બુલંદ આક્રંદ છે. એટલે જ અંતને ગળે લગાડતી આ કવિતાના અંતમાં કવિ તારસ્વરે એલાન કરે છે: ‘હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.

*
I

When my time comes
I want to hear no one’s cries
Nor yours either

Away with all who cry!

Here I am, a wild beast
Driven out of the herd

Bullets may pierce my skin
But I’ll keep on

Carrying forward my wounds and my pain Attacking,
Attacking,
Until suffering disappears

And I won’t care any more

I wish to live another thousand years.

– Chairil Anwar
(Eng. Trans: Burton Raffel)

Comments (3)

વાખ્યાની : લાલ દીદ (કાશ્મીરી) (અનુ. વિવેક મનહર ટેલર)

દેવ છે પથ્થર,મંદિર પથ્થર,
શિરથી પગ લગ એક જ પથ્થર,
પૂજ્ય પૂજારી! તું શું પૂજે છે?
મન પવન એક ક્યારે કરશે?

સૂર્ય ગયો ત્યાં પ્રકાશ્યો ચંદ્ર,
ચંદ્ર ગયો તો બસ, બચ્યું ચિત્ત;
જો ચિત્ત ગયું તો ક્યાંય કશું નહીં,
આભ, ધરા, અવકાશ ગયા ક્યાં?

જે જે કરું એ મારે જ માથે,
ફળ એનું કોઈ બીજાના હાથે?
આશ વિના અર્પું સૌ એને,
જ્યાં જઉં ત્યાં સહુ શ્રેષ્ઠ છે મારે.

– લાલ દીદ
અનુ. વિવેક મનહર ટેલર

*

સાતસો વર્ષ પહેલાં કાશ્મીરના હિંદુ-મુસ્લિમ મિશ્ર સમાજ વચ્ચે કપડાં વગર નિર્વસ્ત્ર નાચતી-ફરતી લલ્લા, અથવા લાલ દીદ કે લલ્લેશ્વરી નામની સ્ત્રી એ વાતની પ્રતીતિ છે કે આડંબરના વસ્ત્રો ઠેઠ ભીતરથી ફગાવી દઈ તમે સાચા અર્થમાં જ્ઞાનપ્રાપ્તિ, પ્રકાશપ્રાપ્તિ તરફ પ્રયાણ કરો તો પુરુષ જેવો પુરુષ પણ જન્મજાત મેલી મથરાવટી ફગાવીને ચામડીના દેહને મંદિરસ્વરૂપે જોઈ ભીતરના ઈશ્વરને વંદન કરશે. લલ્લાની આસપાસ સેંકડો કથાઓ વણાયેલી છે પણ એમાંની ભાગ્યે કોઈ સાચી લાગે છે.

આગળ એક વાખ આપણે માણી હતી. કશ્મીરની વાદીઓમાં ગવાતી આપણા મુક્તક જેવી ચાર લીટીની રચનાઓને વાખ તરીકે ઓળખવામાં આવે છે. वाख़ (ઉચ્ચારણ) શબ્દમાં સંસ્કૃત वाक् (વાણી) અને वाक्य (વાક્ય) –બંનેના અર્થ સંમિલિત છે. ૨૫૦થી વધુ વાખ લલ્લાના નામે આજે ફરી રહ્યાં છે. લલ્લાની વાખ્યાનીનું મહત્ત્વ એ રીતે પણ ખૂબ છે કે એ કાશ્મીરી ભાષામાં ઉપલબ્ધ સૌથી પ્રાચીન નમૂનો છે. જેમ આપણે ત્યાં કબીર એમ કાશ્મીરમાં લલ્લાનું સ્થાન છે. ત્યાંના લોકો કહે છે કે ઉપર અલ્લા, નીચે લલ્લા.

લલ્લાની કવિતાઓ એકતરફ સંશયપ્રચુર છે તો બીજી તરફ ખાતરીથી ભરપૂર છે. એકતરફ એને અસ્તિત્વ અને ઈશ્વર વિશે શંકા છે તો બીજી તરફ સમર્પણ, સાધના અને સ્વ જ સર્વ હોવાનો- अहम ब्रह्मास्मिના અનાહત નાદમાં સંપૂર્ણ શ્રદ્ધા છે. લલ્લાની કવિતાઓ સંશયથી શ્રદ્ધા તરફની અનવરત યાત્રા છે. મીરાંનું સમર્પણ, કબીરનું તત્ત્વચિંતન, અખાના ચાબખા અને ભર્તૃહરિનો શૃંગાર – આ બધુંજ રસાઈને ટૂંકી બહેરની ચાર જ પંક્તિમાં ગંગાસતીની પેઠે વીજળીના ચમકારે મોતીડાં પરોવી લે છે. ફરક એટલો જ કે લલ્લાની વીજળી એકવાર પ્રકાશે પછી સનાતન બની રહે છે, અચાનક અંધાર થાતો નથી.

*

देव् वट्टा देवरो वट्टा
पिट्ठ बुन् छोय् एक वाट् ॥
पूज् कस् करिक् होट्टा बट्टा
कर् मनस् त पवनस् संगाट् ॥

भान गलो सुप्रकाशा जोनि
चन्द्र् गलो ता मुतो चित्त् ॥
चित्त् गलो ता किंह् ना कोनि
गय् भवा विसर्जन कित् ॥

यो यो कम्म् करि सो पानस् ॥
मि जानो जि बियीस् कीवूस्॥
अन्ते अन्त हारीयि प्राणस्
यौळी गच्छ् ता तौळी छ्योस्॥

– लाल दीद

(મૂળ કાશ્મીરીમાંથી ગુજરાતી અનુવાદ કરવા માટે George Grierson અને Lionel Barnettના ‘લલ્લા વાક્યાની’ પુસ્તકમાંના શબ્દકોશ અને સંસ્કૃત-અંગ્રેજી ભાષાંતરનો સહારો લીધો છે.)

Comments (6)

આખરી દેવતાઓ – ગાલવે કિન્નલ (અનુ. વિવેક મનહર ટેલર)

એ એક પથ્થર પર નિર્વસ્ત્ર બેઠી છે
પાણીમાં કેટલેક અંદર. એ કિનારા પર ઊભો છે,
નિર્વસ્ત્ર જ, બ્લુબેરીઝ ચૂંટતો.
પેલી બોલાવે છે. આ ફરે છે. પેલી ખોલે છે
એના પગ પોતાનું મહાન સૌંદર્ય આને બતાવતા,
અને સ્મિત વેરે છે, હોઠોની એક કમાન
જાણે સાથે બાંધી ન રાખતી હોય
ધરતીના છેડાઓને.
તેણીના પ્રતિબિંબને ટુકડાઓમાં
છબછબાવતો, એ તેની સામે
આવીને ઊભો રહે છે,
ઘૂંટી સમાણા લીલ-પાંદડાઓ
અને તળિયાના કીચડને ફેંદતો – આત્મીયતા
દૃશ્યમાન જગતની. એ મૂકે છે
ધુમ્મસના ખમીસવાળી એક
બેરી તેણીના મોઢામાં.
પેલી ગળી જાય છે. એ બીજી એક મૂકે છે.
પેલી ગળી જાય છે. તળાવ ઉપર
બે અબાબિલ ચકરાવા લે છે, મસ્તી કરે છે, દિશા બદલે છે
અને જ્યારે એક ચીલઝડપે ઝપટી લે છે
એક જીવડું, એ બંને ગોળગોળ ફરે છે
અને આનંદિત થાય છે. એ ઉત્તેજિત અને કડક થયો છે
દૈવત્વથી નહીં પણ પુરુષત્વથી-
ને મુખમૈથુનથી તો વધારે.
પુરુષ ઘૂંટણિયે નમે છે, ખોલે છે
ગાઢ, ઊભું સ્મિત
સ્વર્ગ અને પાતાળને જોડતું
અને ચાટે છે એના સુંવાળતમ માંસને વધુ સુંવાળપથી.
પથ્થરની ઉપર એ બંને જોડાય છે.
ક્યાંક એક દેડકો બોલે છે, કાગડો કરાંજે છે.
એમના શરીર પરના વાળ
ચોંકી ઊઠે છે. તેઓ આક્રંદે છે
આખરી દેવતાઓની જુબાનમાં,
જેઓએ જવાની ના કહીને,
મૃત્યુ પસંદ કર્યું હતું, અને રોમાંચિત થઈ ઊઠ્યા હતા
આનંદમાં અને વિખેરાઈ ગયા હતા ટુકડાઓમાં,
મૂકી ગયા હતા એમનું આક્રંદ
મનુષ્યના મુખમાં. હવે તળાવમાં
બે ચહેરા તરી રહ્યા છે, ઉપર જોતા એક માતૃતુલ્ય દેવદારને જેની ડાળીઓ
બધી જ દિશાઓમાં ખુલે છે
બધું જ સમજાવી દેતી.

– ગાલવે કિન્નલ
(અનુ. વિવેક મનહર ટેલર)

વસ્ત્રો એ સંસ્કૃતિના નામે મનુષ્યે ઊભી કરેલી સૌથી મોટી દીવાલ છે. વસ્ત્રો નહોતાં ત્યારે મનુષ્યને એકમેકમાં ઓગળી જવાનું હાથવગું હતું. આજે તો સેક્સ સાધ્ય બનવાને બદલે સાધન બની ગયું છે. ‘આખરી દેવતાઓ’ નિર્વસનતાનું, પારદર્શિતાનું ગાન છે. ગ્રીક પુરાણકથાઓ અનુસાર કેટલાક દેવતાઓ અમરત્વ અને સ્વર્ગલોકના સ્થાને નાશવંત શરીર અને પૃથ્વીલોક સ્વીકાર્યાં હતાં અને મનુષ્ય સંવેદનાસભર જીવનના આનંદ-આક્રંદ સાથે એમણે મૃત્યુ આવકાર્યું હતું. સમ્-ભોગની ક્ષણે મનુષ્ય દેવતાઓની સમકક્ષ હોય છે.

કાવ્યનાયિકા ઘૂંટીસમાણા પાણીમાં કેટલેક અંદર એક પથરા પર નિર્વસ્ત્ર બેઠી છે. અને આ નિર્વસ્ત્ર સૌંદર્યથી નિર્લેપ કાવ્યનાયક પણ નિર્વસ્ત્ર કિનારા પર ઊગેલી બ્લુબેરીઝ ચૂંટી રહ્યો છે. પોતાના પગ પહોળા કરીને નાયિકા યોનિપ્રદેશનું સૌંદર્ય છતું કરે છે અને વેલકમ સ્માઇલ વેરે છે. આવકારનું સ્મિત હંમેશા સૃષ્ટિના બંને અંતિમોને સાંકળી લે એવું પહોળું જ હોવાનું. નાયક ઘૂંટણિયે નમે છે. નાયિકાને માન આપે છે અને પછી સ્વર્ગ-પાતાળ વચ્ચે સેતુ સર્જતા, અસ્તિત્વના ઊભા સ્મિત સમા યોનિમાર્ગને મંદિરના દ્વાર પેઠે ખોલે છે. બંનેના દૈવી મિલનમાં પ્રકૃતિ પણ સંમિલિત થાય છે. સંભોગ પછીની સમાધિસ્થ અવસ્થામાં બંનેના ચહેરાઓ પર ઝળુંબી રહ્યું છે બધી જ દિશાઓમાં ડાળી ફેલાવતું માતુલ્ય દેવદારનું વૃક્ષ. પ્રેમ જ મનુષ્યના અસ્તિત્વનો ચરમ આવિર્ભાવ છે એમ બધું જ સમજાવી દેતી આંતર્દૃષ્ટિ ચરમસ્થિતિએ જ ખુલે-ખીલે છે.

Comments (5)

એ લગભગ ઈશ્વર છે, તારી સાથેનો પુરુષ – સેફો (અનુ.: વિવેક મનહર ટેલર)

એ લગભગ ઈશ્વર છે, તારી સાથેનો પુરુષ,
તારી વાતોથી, તારા હાસ્યથી વશીભૂત.
જોઈને જ મારું હૃદય વધુ ઝડપે ધબકે છે
કેમ કે, ઓછું જોઈને, હું વધુ કલ્પું છું.
તું મારા ગાલોમાં આગ લગાડે છે.
અવાજ અટકી ગયો છે. મારા કાન વાગી રહ્યા છે.
બીજા બધાથી અનભિજ્ઞ, હું પસીને રેબઝેબ થાઉં છું અને તોતડાઉં છું.
હું કાંપી રહી છું, ઘાસની જેમ,
મૃત્યુથી એક ઈંચ દૂર.

હું એટલી ગરીબ છું, મારે કંઈ જ ગુમાવવાનું નથી, મારે જુગાર રમી જ લેવો જોઈએ…

– સેફો (ગ્રીક)
(અંગ્રેજી અનુવાદ: સેમ હમિલ)
અનુ.: વિવેક મનહર ટેલર

*

ગઈકાલે આ કવિતાનો કાવ્યસ્વરૂપને વફાદાર અનુવાદ જોયો… આજે ગ્રીક ભાષામાંથી અંગ્રેજી ભાષાંતર કરતા ખ્યાતનામ અનુવાદક સેમ હમિલનો અનુવાદ પણ જોઈએ.

કવયિત્રી અથવા કાવ્યનાયિકાની સ્ત્રીસહજ ઈર્ષ્યાનું આ કાવ્ય છે. કવિતામાંથી પસાર થતાં સમજી શકાય છે કે આ દૃશ્ય કોઈક પાર્ટીનું હોઈ શકે. નાયિકા જે સ્ત્રીના સમલૈંગિક પ્રેમમાં બદ્ધ છે એ કોઈક બીજા પુરુષના આશ્લેષમાં પ્રેમના ગીત ગાઈ રહી છે. નોંધવા જેવી વાત એ છે કે કવિતાની શરૂઆત નાયિકા ન તો પોતાનાથી કરે છે કે ન તો પોતાની દિલોજાન પ્રેયસીથી. કવિતાની શરૂઆત થાય છે પેલા અજાણ્યા પુરુષથી. પોતાના પ્રેમને છિનવી શકવાની ક્ષમતાયુક્ત એ પુરુષ નાયિકાને ભગવાનની સમકક્ષ લાગે છે, કેમકે બીજું તો કોણ આવું દુર્ગમ કાર્ય સફળતાપૂર્વક કરી શકે? પુરુષ નાયિકાની પ્રેયસીને અડોઅડ બેઠો છે. ખૂબ નજીકથી એ એને હસતાં-બોલતાં સાંભળી રહ્યો છે અને એ બેનું તારામૈત્રક જોઈને નાયિકા ઈર્ષ્યાથી બળી મરે છે. નાયિકાનું હૃદય ઝડપથી ધડકી રહ્યું છે. જીભ ભાંગી ગઈ હોય એમ કશુંય બોલવું અશક્ય બની રહે છે. તનબદનમાં આગ ફરી વળે છે. આંખ આગળ ઝાંખપ ફરી વળે છે. કાનમાં તમરાં બોલી રહ્યાં છે. શરીર આખું પસીને રેબઝેબ ઠંડુગાર પડી જાય છે. શરીર કાંપવા માંડે છે અને સૂકા ઘાસ કરતાં પણ ફિક્કું પડી જાય છે. અબઘડી મોત આવી જાય તો સારુંની લાચારી ઘેરી વળે છે. કવયિત્રીનું ધ્યાન હકીકતમાં પ્રેયસી કે ભગવાન-જેવા પુરુષ તરફ છે જ નહીં, માત્ર અને માત્ર પોતાની તરફ છે. કાળજીપૂર્વક સભાનતા સાથે જે પ્રેમ એને બેસુધ બનાવી દે છે, એના કારણે સર્જાતી સંવેદનાની આંધીને સ્ટેપ-બાય-સ્ટેપ એ રજૂ કરે છે. મૃતપ્રાય અવસ્થાની લાચારી ઘેરી વળે છે. કવિતાના પાંચમા અંતરાની એક જ પંક્તિ સંશોધકોને હાથ લાગી છે. આ અધૂરી પંક્તિમાં કંઈક એવું સમજી શકાય છે કે હાથથી સરી જતી પ્રેયસીને પામવા માટે સાહસ તો કરવું જ જોઈએ કેમકે આમેય પ્રેયસી કોઈ બીજું છિનવી ગયું જ હોય એવી ગરીબ-નિર્માલ્ય અવસ્થામાં આથી વધુ તો શું ગુમાવવાની બીક હોઈ શકે?

 

He Is Almost A God, A Man Beside You

He is almost a god, a man beside you,
enthralled by your talk, by your laughter.
Watching makes my heart beat fast
because, seeing little, I imagine much.
You put a fire in my cheeks.
Speech won’t come. My ears ring.
Blind to all others, I sweat and I stammer.
I am a trembling thing, like grass,
an inch from dying.

So poor I’ve nothing to lose, I must gamble…

– Sappho (Greek)
(Eng Translation: Sam Hamill)

Comments

મને લાગે છે… – સેફો (ગ્રીક) (અનુ.: વિવેક મનહર ટેલર)

પેલો પુરુષ મને ભગવાન બરાબર લાગે છે,
જે તારી સામે બેઠો છે
અને તને નજીકથી સાંભળી રહ્યો છે
મીઠું બોલતી

અને મજાનું હસતી, જે ખરેખર
મારા હૃદયને છાતીમાં ફડફડાવે છે;
કેમ કે જ્યારે હું ક્ષણાર્ધ માટે પણ તારી તરફ જોઉં છું
મારા માટે કંઈ પણ બોલવું શક્ય રહેતું નથી

જાણે કે મારી જીભ ભાંગી કેમ ન ગઈ હોય
અને તરત જ એક ઝીણી આગ મારી ચામડી પર ફરી વળે છે.
મારી આંખો આગળ ઝાંખપ ફરી વળે છે,
અને મારા કાન વાગવા માંડે છે.

એક ઠંડો પસીનો ફરી વળે છે, લખલખુ
મને ઝડપી લે છે, હું ફિક્કી પડી જાઉં છું
ઘાસ કરતાં, અને હું, લાગે છે કે, લગભગ
મૃત્યુ પામું છું.

પરંતુ બધામાં સાહસ કરવું જ જોઈએ, કેમ કે (અને ગરીબ…)

-સેફો (ગ્રીક)
અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર

*

લગભગ ૨૬૦૦ વર્ષ પહેલાં ગ્રીસના લેસ્બૉસ ટાપુ પર થઈ ગયેલી સેફો નામની કવયિત્રી સેફો તેના લઘુકાવ્યો, શોકાંતિકાઓ અને પ્રણયપ્રચૂર ગીતકાવ્યો; સ્ત્રીગત સંવેદનોનું તાદૃશ આલેખન; ભાષાની સફાઈ, વિચારની સરળતા અને ઉત્તમ શબ્દચિત્રો વડે અમર થઈ ગઈ. એની રચનાઓ, એના સમકાલીનો અને અનુજોની રચનાઓમાંથી એનું એક ચિત્ર વિદ્યાર્થીનીઓ સાથેના એના સમલૈંગિક સંબંધોનું ઊભું થાય છે અને એ એ હદ સુધી કે આજે સેફો એ લેસ્બિનિઝમનું પ્રતીક ગણાય છે.

સેફોની પ્રસ્તુત રચના ૩૧મો ટુકડો ગણાય છે, જેના સોથી વધુ તો માત્ર અંગ્રેજી અનુવાદ થયા છે, બીજી ભાષાઓના તો અલગ! મોટા ભાગના અનુવાદકોએ છેલ્લી મુખ્ય રચનાથી છૂટી લખાયેલી અને અધૂરી ગણાતી પંક્તિને અવગણી છે. વિકીપિડિયા પર મૂળ ગ્રીક કવિતાના સ્વરૂપને (છંદને નહીં) વફાદાર રહીને કરાયેલા અંગ્રેજી અનુવાદને અહીં આધારભૂત ગણ્યો છે. સેફોના ગીત અને શૈલી એટલા બધા પ્રભાવક છે કે જે છંદોલયમાં એ રચના કરતી હતી એનું નામ Sapphic stanza પડ્યું, જેમાં ચાર પંક્તિના અંતરામાં પહેલી ત્રણ પંક્તિમાં અગિયાર-અગિયાર (hendecasyllable)અને ચોથી, ટૂંકી પંક્તિમાં પાંચ (adonic) શબ્દાંશ (syllable) આવે છે. સેફોની ભાષા પણ લેસ્બૉસ ટાપુની સ્થાનિક ઇઓલિક બોલી હતી. આપણે ત્યાં મરાઠી ભાષામાંથી ઊતરી આવેલું અંજનીગીત મૂળે આના પરથી ઊતરી આવ્યું હોય તો નવાઈ નહીં. અંજનીગીતમાં પણ ચાર પંક્તિના અંતરામાં પહેલી ત્રણમાં સોળ-સોળ માત્રા અને ચોથી પંક્તિ ટૂંકી-દસ માત્રાની હોય છે.

*

It seems to me…

That man seems to me to be equal to the gods
who is sitting opposite you
and hears you nearby
speaking sweetly

and laughing delightfully, which indeed
makes my heart flutter in my breast;
for when I look at you even for a short time,
it is no longer possible for me to speak

but it is as if my tongue is broken
and immediately a subtle fire has run over my skin,
I cannot see anything with my eyes,
and my ears are buzzing

a cold sweat comes over me, trembling
seizes me all over, I am paler
than grass, and I seem nearly
to have died.

but everything must be dared/endured, since (?even a poor man) …

– Sappho (Greek)

Comments (4)

મકાનમાલિકનું ગીત – લેન્ગ્સ્ટન હ્યુઝ (અનુ. વિવેક મનહર ટેલર)

મકાનમાલિક, મકાનમાલિક,
મારું છાપરું ગળતું છે.
મેં એના માટે કઇલું’તું તે હો યાદ નંઈ,
ગયા અઠવાડિયે?

મકાનમાલિક, મકાનમાલિક,
આ પગથિયાં હો તૂટી ગઇલાં છે.
નવી નવાઈ કે તું પઇડો નઈં
ઉપર આઇવો તિયારે.

દહ રૂપિયા, તું કે’ય કે મારે તને આલવાના છે?
તું કે’ય છે કે અજી બાકી છે દહ રૂપિયા?
અંહ, આ દહ રૂપિયા ફાલતુના છે તો બી આલી દઈશ,
તું ઘર તો રિપેર કરાવ પેલ્લા.

હું કીધું ? તું ખાલી કરાવવાનો ઓડર લાવહે?
તું મારી લાઇટ કપાવવાનો કે હું ?
મારો સામાન હો તું ઊંચકીને
હેરીમાં ફેંકાવવાનો કે હું?

ઉહ-અંહ ! બઉ મોટી ફિશિયારી ની માર.
બોલ, બોલ – જે બોલવું હોય એ બોલી કાઢ તો.
એક અખ્હર બી બોલવાને લાયક ની રે’હે,
હું એક જ ફેંટ આલીશ ને તો.

પોલિસ ! પોલિસ !
આવો અને આ માણસને પકડી લો !
એ સરકાર બરબાદ કરી નાંખવા માંગે છે
ને ઉથલાવી દેવા માંગે છે જમીન!

પોલીસની સીટી !
રોનની ઘંટડી !!
ધરપકડ.

જિલ્લા મથક.
લોખંડી કોટડી.
છાપાંની હેડ-લાઇન્સ:

માણસે મકાનમાલિકને આપેલી ધમકી.
ભાડૂતને જામીન નહીં.
ન્યાયાધીશે હબસીને આપેલો ૯૦ દિવસનો કારાવાસ.

– લેન્ગ્સ્ટન હ્યુઝ
અનુ. વિવેક મનહર ટેલર

સમય અને અનુભવ માણસને સતત ઘડતા રહે છે. લગભગ પાંચ વરસ પહેલાં આ જ કવિતાનો અનુવાદ મકાનમાલિકનું ગીત લયસ્તરો પર મૂક્યો હતો. એ વખતે અભણ ગરીબ હબસીની સ્લમ-ભાષાના સ્થાને શિષ્ટ ગુજરાતી પ્રયોજી હતી પણ આ ગ્લૉબલ કવિતા કૉલમ માટે આ કવિતા તૈયાર કરતી વખતે આ ભાષા ડંખી. કવિએ મૂળ અંગ્રેજી ભાષામાં જેવી ભાષા વાપરી છે એવી ભાષા અને પ્રાસરચનાનો વિચ્છેદ કરીને મેં કવિતાનું હાર્દ ખતમ કરી હોવાનું અનુભવાયું. એટલે એ જ કવિતાનો ફરી એકવાર અનુવાદ કરી હુરતની હેરીમાં બોલાતી ભાહામાં પાછી લખી કાઇઢી છે તે અંઈયા મેલું છું. ગમે તો બી કે’જો ને ની ગમે તો બી કે’જો.  હમજા કે ની?

Comments (4)

એક ગીત – હેલન મારિયા વિલિયમ્સ (અનુ. વિવેક મનહર ટેલર)


નાના અમથા ખજાનામાંથી,
મારો પ્રિયતમ લાવે પણ શું?
દિલ દઈ દીધું, એથી વધીને
વર અવર કોઈ, ભાવે પણ શું?


દિલનો દોલો, એની દોલત
મારે હૈયે કંપ જગાવે,
મેં માંગ્યું જ્યાં સુખ ધરાનું,
ચાહ્યું’તું બસ, સ્નેહ એ લાવે.


મારા માટે કંઈક લાવવા
કાંઠે કાંઠે ઘુમી રહ્યો છે,
શા માટે એ જ્યાં-ત્યાં ભટકે,
પ્રેમને જ્યાં મેં સકળ કહ્યો છે?


સસ્તું ભોજન, ભોંય તળાઈ,
તારા સાથથી ધન્ય થયાં હોય,
આ ઝીણકી પરમ કૃપા પણ
વધુ છે મુજ મન, દોલતથી કોઈ.


કરે છે એ સર દુર્ગમ દરિયા,
આંસુ મારાં વૃથા વહે છે,
દયા છે શું શ્રદ્ધાહીન લહરમાં,
મુજ ઉર જેને વ્યથા કહે છે?


રાત છે ઘેરી, પાણી ઊંડા,
હા, મોજાંઓ ઊઠે હળવાં:
હાય! રડું હર વાયુઝોલે,
છે આંધી મારી ભીતરમાં

– હેલન મારિયા વિલિયમ્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

*

દિલની ખરી દોલતનું ગીત છે. પ્રેમનું આ ગીત ખરા સોના જેવું છે, જેટલું વધારે વાપરો, વધુ ચળકે. પ્રિયતમ પાસે કોઈ સવિશેષ દોલત નથી. એણે દિલ દઈ દીધું એથી વિશેષ કોઈ વરદાન કાવ્યનાયિકાને અપેક્ષિત પણ નથી. પ્રિયજનના સદગુણો જ એના હૈયાને ધડકાવે છે. એણે સુખ મતલબ સ્નેહ માંગ્યો પણ પ્રિય દુન્યવી અર્થની તલાશમાં દૂર દેશાવર નીકળી પડ્યો. પ્રેમ જ સર્વસ્વ છે એમ કહેવા છતાંય કસ્તૂરીમૃગ જેવો કઈ કસ્તૂરીની શોધમાં આ દેશ-પેલે દેશ રઝળી-રખડી રહ્યો છે? સ્નેહીના સાથનું ઐશ્વર્ય હોય તો હલકી ગુણવત્તાનું ભોજન કે પલંગના બદલે ભોંય પર પાથરેલી રજાઈ પણ ધન્ય થઈ જાય. પ્રિયાએ કહેલા સુખની તલાશમાં એ દુર્ગમ સાગરો સર કરી રહ્યો છે ને અહીં આંખેથી દરિયા વહી નીકળ્યા છે. પ્રિયજનને સલામત રાખવા જેટલી દયા પ્રિયા એ મોજાંઓ પાસે માંગે તો છે પણ શું એમની પાસે એ દયા-માયા છે ખરી? કાળી રાત જેવી મુસીબતો અને ઊંડા પાણી જેવા દુશ્મનોથી બચીને શું એ પરત ફરશે ખરો? ભીતરનું તોફાન એવું પ્રબળ બન્યું છે કે હવાનો નાનો અમથો હડસેલો પણ કંપાવી દે છે…

*

A Song

I

No riches from his scanty store
My lover could impart;
He gave a boon I valued more —
He gave me all his heart!

II

His soul sincere, his generous worth,
Might well this bosom move;
And when I asked for bliss on earth,
I only meant his love.

III

But now for me, in search of gain
From shore to shore he flies;
Why wander riches to obtain,
When love is all I prize?

IV

The frugal meal, the lowly cot
If blest my love with thee!
That simple fare, that humble lot,
Were more than wealth to me.

V

While he the dangerous ocean braves,
My tears but vainly flow:
Is pity in the faithless waves
To which I pour my woe?

VI

The night is dark, the waters deep,
Yet soft the billows roll;
Alas! at every breeze I weep —
The storm is in my soul.

– Helen Maria Williams

Comments (6)

અજાણ્યો નાગરિક -ડબ્લ્યુ. એચ. ઑડેન (અનુ.: વિવેક મનહર ટેલર)

(જે.એસ./07એમ378
આ આરસનું સ્થાપત્ય
રાજ્યસરકાર વડે ઊભું કરાયું છે)

એના વિશે અંકશાસ્ત્રના ખાતા દ્વારા તપાસમાં જણાયું છે કે
એની સામે કોઈ અધિકૃત ફરિયાદ નહોતી,
અને એના વર્તન વિશેના બધા જ અહેવાલો સહમત છે એ વાતે
કે, એક જૂનવાણી શબ્દના આધુનિક સંદર્ભમાં,
એ એક સંત હતો,
કેમકે એણે જે બધું કર્યું, એણે સમાજની સેવા જ કરી.
એ નિવૃત્ત થયો ત્યાં સુધીમાં, એક યુદ્ધને બાદ કરતાં,
એ ફેક્ટરીમાં કામ કરતો હતો અને કદી છૂટો કરવામાં આવ્યો નહોતો,
પણ સંતોષ્યા હતા, ફજ મોટર્સ ઇન્ક.ના માલિકોને.
એ એની દૃષ્ટિએ બદમાશ કે વિચિત્ર નહોતો,
કેમ કે એના યુનિયને રિપોર્ટ કર્યો છે કે એણે બધું કર્જ ચૂકવી દીધું હતું,
(એના યુનિયન વિશેનો અમારો રિપોર્ટ કહે છે કે એ યોગ્ય હતું)
અને અમારા સામાજિક મનોવિજ્ઞાન કાર્યકર્તાઓ શોધ્યું હતું કે
એ એના સાથીઓમાં પ્રિય હતો અને એને શરાબ ગમતો હતો.
અખબારોને ખાતરી છે કે એ રોજ અખબાર ખરીદતો હતો
અને જાહેરખબરો વિષયક એના પ્રતિભાવો દરેક રીતે સામાન્ય હતા.
એના નામ પર લેવાયેલી પોલિસી સાબિત કરે છે કે એણે પૂર્ણપણે વીમો ઉતરાવ્યો હતો,
અને એનું આરોગ્ય-પત્રક સૂચવે છે કે એ એકવાર હૉસ્પિટલમાં દાખલ થયો હતો પણ સારો થઈને છોડી ગયો હતો.
બંને સંશોધન તથા ઉચ્ચ-સ્તરીય જીવન નિર્માતાઓ જાહેર કરે છે કે
એ હપ્તા પદ્ધતિના ફાયદાઓથી સંપૂર્ણપણે વાકેફ હતો
અને આધુનિક માનવીને આવશ્યક તમામ ચીજો એની પાસે હતી,
મોબાઇલ, રેડિયો, કાર અને રેફ્રિજરેટર.
અમારા જાહેર મંતવ્યના સંશોધકો એ વાતે સંતુષ્ટ છે
કે એ સમસામયિક ઘટનાઓ અંગે યોગ્ય અભિપ્રાયો ધરાવતો હતો;
જ્યારે શાંતિ હોય, એ શાંતિના પક્ષમાં રહેતો; યુદ્ધ થાય ત્યારે એ માટે જતો.
એ પરિણીત હતો અને વસ્તીમાં પાંચ બાળકોનો એણે ઉમેરો કર્યો હતો,
જે વિશે અમારા સુપ્રજનનશાસ્ત્રી કહે છે કે એની પેઢીના મા-બાપ માટે યોગ્ય આંકડો હતો.
અને અમારા શિક્ષકો કહે છે કે એ કદી એમના શિક્ષણ અંગે દખલ કરતો નહોતો.
શું એ આઝાદ હતો? શું એ ખુશ હતો? પ્રશ્ન જ અસંગત છે:
જો કંઈક ખોટું હોત, તો અમે ચોક્કસ એ વિશે સાંભળ્યું જ હોત.

-ડબ્લ્યુ. એચ. ઑડેન
(અનુ.: વિવેક મનહર ટેલર)

સત્તાધીશો-રાજકારણીઓની નજરે સામાન્ય નાગરિકની હકીકતમાં શી કિંમત છે એ બતાવતું, છરીની જેમ સીધું જ કલેજાની આરપાર નીકળી જતું કાવ્ય…

Comments (5)

ઈર્શાદગઢ : ચિનુ મોદી અને ‘ખારાં ઝરણ” વિષે…

આજે શ્રી ચિનુ મોદી આપણી વચ્ચે નથી રહ્યા… પંદરમી ઑગસ્ટ, ૨૦૧૬ના રોજ ચિનુકાકા વિશે અને એમના સંગ્રહ “ખારાં ઝરણ”વિશે લખેલો એક સમીક્ષાત્મક લેખ આજે પ્રસ્તુત છે:

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઇચ્છાને હાથ-પગ છે, એ વાત આજે જાણી.

સ્વર્ગની લાલચ ન આપો, શેખજી !
મોતનો પણ એક મોભો હોય છે.

એક જણ સાચું રડે તો બહુ થયું,
મૌન ક્યાં આખી સભાનું જોઈએ ?

મુસીબત પડી એ તો સારું થયું,
સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.

– આમાંથી કોઈ પણ શેર કવિના હસ્તાક્ષરનો મહોતાજ નથી. ગુજરાતી ગઝલ પરંપરાના આ અમર શેર કોઈ આપણી સામે વાંચે કે તરત જ આપણી નજર સમક્ષ ગુજરાતી ગઝલનો એક મજબૂત અને અડીખમ યુગસ્તંભ આવી ઊભો રહી જાય.

જી હા. ચિનુ ચંદુલાલ મોદી. ઈર્શાદ. મહેસાણામાં વિજાપુર ગામમાં ૩૦-૦૯-૧૯૩૯ના રોજ જન્મેલા ચિનુ મોદી વિજાપુર, ધોળકા અને અમદાવાદ ખાતે ભણ્યા. બી.એ., એમ.એ, એલ.એલ.બી., અને પી.એચ.ડી. ચિનુ મોદીના સ્વભાવમાં બળવાખોરી પહેલેથી જ આમેજ હતી. પિતાજી ઇચ્છતા કે એ આઇ.એ.એસ. બને, પણ સાહેબ બન્યા ગુજરાતી શિક્ષક. પહેલા લગ્ન ૧૯૫૮માં જ્ઞાતિ બહાર. બીજા લગ્ન ૧૯૭૭માં હિંદુ છોકરી સાથે. ગુજરાતી કવિતાને સાવ શીર્ષાસન સમો કાયાકલ્પ કરાવનાર ‘રે’ મઠના પાયામાંના એક.

‘રે’મઠના અન્ય સાહસિકોની જેમ જ ચિનુ મોદી ‘ઈર્શાદ’ નો ગુજરાતી ગઝલના નવોન્મેષમાં અમૂલ્ય ફાળો છે. ગઝલને બીબાઢાળ બનતી અટકાવનાર સજાગ પ્રહરીઓમાં એ મોખરે આવે. ગઝલો ઉર્દૂમાં પણ લખે પરંતુ બે ભાષા પરની હથોટી કદી સીમા વળોટતી ન ભાસે એ એમની સિદ્ધહસ્તતા. ચીલાચાલુ રદીફ-કાફિયાથી દૂર રહી, આડંબરી ભાષાથી હટીને, લપસણા વિશેષણોમાં લપસ્યા વિના, પુનરાવર્તન અને પુનરોક્તિના ભયસ્થાનોથી અળગા ચાલતા ચિનુ મોદીની ગઝલો એ ગુજરાતી ભાષાની સવારની ચા સમી તાજગી છે. ગઝલમાં તસ્બી અને ક્ષણિકા જેવા કાવ્યપ્રકારોના એ સર્જક છે.

સિદ્ધ સર્જક કદી જમાનાએ નક્કી કરેલા રસ્તે આંખ મીંચીને ચાલતો નથી. ચાલુ રચનાની વચ્ચે જ ચિનુ મોદી આપણી ધારણાને જમીનદોસ્ત કરતી ગુંલાટી મારી શકે છે… શોભિત દેસાઈ કહે છે, ‘રદીફ-કાફિયા અથવા શે’રની ગૂંથણી કે અન્ય નક્કર છાપ ઊભી કરવાના સજાગ પ્રયાસને લીધે ગઝલ પર નજર પડતાંની સાથે કવિની ‘બ્રાંડ’ પકડાઈ જતી હોય ત્યારે ચિનુ મોદી ‘ઈર્શાદ’ કોઈની પણ અસર; અરે ! ખુદ પોતાની પણ અગાઉની ગઝલોની અસર ન ઝીલતા હોવાને કારણે કાયમ નવી જ બાની લઈ આવે છે. સતત આશ્ચર્ય આપવા એ ઈર્શાદની ગઝલનો સ્વભાવ રહ્યો છે.’ પ્રયોગ અને પરંપરાનું એ મજાનું ફ્યુઝન કરી જાણે છે… જાણીતા અભ્યાસુ-વિવેચક-સંપાદક શકીલ કાદરી ચિનુ મોદી વિશે કહે છે, ‘પ્રયોગશીલ કવિઓમાં ચિનુ મોદીનું પ્રદાન નોંધપાત્ર ગણાવી શકાય એમ છે. એમણે ગઝલોમાં વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. પરંપરાગત ઉર્દૂ-ફારસી છાપવાળી ગઝલોથી મુક્ત એવી ભાષા દ્વારા એમણે કાફિયા-રદીફના ચુસ્ત બંધન અને સચોટ ધારદાર અભિવ્યક્તિથી ગઝલનો મિજાજ જાળવ્યો છે.’

જોકે ગઝલસમ્રાટ તરીકેની ઓળખ ભૂલાવે એવાં બળકટ ગીતો પણ કવિએ આપ્યાં છે. ઉદયન ઠક્કરનો જાણીતો શેર ‘ગઝલ ને ગીતને એ વારાફરતી પહેરે છે, કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે?’ ચિનુ મોદી જેવા વિરાટ કવિને સ્પર્શી શકે એમ નથી. કવિતાના સ્વરૂપોના ખેડાણની બાબતમાં ચિનુ મોદીની સમકક્ષ એમની સમકાલીન ગઈકાલ કે આજની પેઢીના કોઈ પણ કવિ ઊભા રહેવાનું વિચારી પણ નહીં શકે. ગઝલ, સૉનેટ, છંદોબદ્ધ, અછાંદસ, ગીત, દીર્ઘ કાવ્ય, ખંડ કાવ્ય, પારંપારિક આખ્યાન, આધુનિક આખ્યાન, પદ્ય નાટકો, પદ્યસભર વાર્તાઓ – કવિએ જે સફળતા અને સાહજિકતાથી નાનાવિધ કાવ્યસ્વરૂપોમાં હૃદયંગમ સ્વૈરવિહાર કર્યો છે એ ન ભૂતો, ન ભવિષ્યતિ છે.

લબ્ધપ્રતિષ્ઠ કવિ-વિવેચક ચન્દ્રકાન્ત શેઠ લખે છે, ‘ચિનુભાઈની કવિતા એટલે ચાંચલ્યની કવિતા, પણ એમાં ગાંભીર્ય ને ગહરાઈ પ્રચ્છન્ન રીતે રહેલાં સહૃદયને તુરત જ પકડાય –પરખાય !’

એક વિહંગાવલોકન કરીએ કવિના સર્જન પર :

કાવ્યસંગ્રહ: વાતાયન, ઊર્ણનાભ, શાપિત વનમાં, દેશવટો, ક્ષણોના મહેલમાં, દર્પણની ગલીમાં, ઈર્શાદગઢ, બાહુક, વિ-નાયક, કાલાખ્યાન, અફવા , ઈનાયત, એ, સૈયર, શ્વેત સમુદ્રો, નકશાનાં નગર, પર્વતને નામે પથ્થર, હથેળી

નાટક – ડાયલનાં પંખી, કોલબેલ, હુકમ માલિક, જાલકા, અશ્વમેઘ

નવલકથા– શૈલા મજમુદાર (આત્મકથાનક) , ભાવચક્ર, લીલા નાગ, હેંગ ઓવર, ભાવ અભાવ, પહેલા વરસાદનો છાંટો

વાર્તાસંગ્રહ – ડાબી મૂઠી, જમણી મૂઠી

વિવેચન – મારા સમકાલીન કવિઓ, બે દાયકા ચાર કવિઓ, ખંડકાવ્ય સ્વરૂપ અને વિકાસ

ચરિત્ર – કૃષ્ણલાલ શ્રીધરાણી

સંપાદન – ગુજરાતી પ્રતિનિધી ગઝલો, ચઢો રે શિખર રાજા રામના, ગમી તે ગઝલ

અનુવાદ– વસંતવિલાસ ( મધ્યકાલીન ફાગુકાવ્યોનો અનુવાદ)

ચિનુ મોદી કેવી બહુમુખી પ્રતિભા છે એ આ યાદી પર નજર નાંખતાવેંત સમજી શકાય છે.

‘બાહુક’ આધુનિક ખંડકાવ્ય છે તો ‘વિ-નાયક’ શિખરિણી છંદમાં પચાસ ષટકસ્વરૂપે લખાયેલું ત્રણસોપંક્તિનું દીર્ઘ કાવ્ય છે. ‘કાલાખ્યાન’ પ્રેમાનંદની આખ્યાનશૈલીનો સાદ્યંત સફળતાથી કરવામાં આવેલો સાક્ષાત્કાર છે. ‘ડાયલનાં પંખી’ પદ્યમાં લખેલા એબ્સર્ડ એકાંકી નાટકોનો સંગ્રહ છે. ‘ડાબી મૂઠી, જમણી મૂઠી’ પદ્ય-સભર વાર્તાઓ છે.

ગઝલની સાથે કવિનો ઘરોબો કંઈક આકસ્મિક રીતે થયો છે. પ્રારંભિક કવિજીવનમાં છંદોબદ્ધ સૉનેટ્સ અને ક્યારેક ગીતો એ જ એમનું લક્ષ્ય હતું. ચિનુ મોદી કહે છે, ‘ગઝલ સાથે નિકટવર્તી સંબંધ બંધાવાનાં બે નિમિત્ત કારણ: મનહર અને આદિલ. મનહર મોદીએ કોલેજમાં મુશાયરો રાખ્યો હતો ત્યારે સહજભાવે કવિને કહ્યું હતું: ‘તું પણ ગઝલ લખ ને.’ અને એમ ચિનુ મોદી ગઝલ સાથે મનમાં પણ નહોતું ને અવિનાભાવી સંબંધાયા.

ચિનુ મોદીની ગઝલોનો પોતીકો જ અવાજ છે. એમના શેર જેટલા સરળ ભાસે છે એટલા જ એ ઊંડા પણ હોય છે. ચિનુભાઈ ગઝલ નથી લખતા, જિંદગી લખે છે માટે જ એમના શેર દરેકને પોતાની આત્મકથાના પાનાં જેવા લાગે છે. એમના જ શબ્દોમાં કહીએ તો, ” ગઝલ એ હું આત્મકથાની અવેજીમાં લખું છું એટલું જ નહીં, ગઝલના રદીફ-કાફિયા મારે માટે શ્વાસ અને ઉચ્છવાસ જેટલા જ સહજ અને અ-નિવાર્ય બન્યા છે. હજી પણ પ્રત્યેક ગઝલ શરૂ થાય ત્યારે કાબો લૂંટી જશે એવો ડર લાગે છે. ગઝલથી વધારે છેતરામણું સ્વરૂપ ન સોનેટ છે, ન ખંડકાવ્ય છે. અ-છાંદસ, ગીત અને ગઝલ મને સૌથી છેતરામણાં કાવ્ય સ્વરૂપ લાગ્યાં છે.”

રમેશ પુરોહિત કહે છે, “ગઝલના આંતર-બાહ્ય તત્ત્વને સમજીને, ગઝલના રંગના ખુમારને જાણીને, ગઝલના મુલાયમ મિજાજને પિછાનીને, ગઝલના બયાનને પચાવીને, શબ્દોની છટકબારીઓ વાસીને, ચમત્કૃતિઓના શણગારોને નવાં રૂપ આપીને સભાનતાપૂર્વક નવી ગઝલોથી ગુર્જરીગિરાના અસબાબને અભિવ્યક્તિના નવોન્મેષોથી ચાર ચાંદ લગાવી દેનારા શાયરોમાં મોખરાનું નામ છે ચિનુ મોદી.”

એ સાચી વાત કરે છે અને ચેતવે પણ છે કે આ વાતો સાચી છે એટલે એ સારી હોવાની શક્યતા ઓછી છે.

આપણા માટે સમજદારી નથી
મારી વાતો સાચી છે, સારી નથી.

પોતાની ગઝલો વિશે ચિનુ મોદી પોતે કહે છે, ‘શ્રી ચિનુ મોદીની ગઝલો બે ભાગમાં વહેંચાય છે : ‘ઈર્શાદ’ થયા પહેલાં અને પછી.’ જાણીતા કવિ-વિવેચક હેમંત ધોરડા એમના બહુચર્ચિત પુસ્તક ‘તાણાવાણા’માં ઈર્શાદ થયા પહેલાંના અને પછીના કવિને તાણા અને વાણા અલગ કરીને રસસ્પદરીતે રજૂ કરે છે.

આટલી પૂર્વભૂમિકા પછી ચિનુ મોદીના ઇનામી ગઝલસંગ્રહ “ખારાં ઝરણ’ તરફ વળીએ. સંગ્રહ વિશે વાત કરતાં પહેલાં આટલી પ્રસ્તાવના એ માટે જરૂરી લાગી કે આ સંગ્રહ ચિનુ મોદીની ખરી ઓળખ નથી. ઈર્શાદ થયા પહેલાંની અને પછીની ગઝલોના બે તબક્કા પૂરા થાય છે એ પછીનો આ ત્રીજો નવતર તબક્કો છે. આ ગઝલો નથી ચિનુ મોદીની, નથી ઈર્શાદની, આ ગઝલો છે ચિનુ મોદી ઈર્શાદની. એકંદરે ડાબા હાથે લખવામાં આવી હોવાનો ભાસ કરાવતી આ રચનાઓની મજબૂતી બહુધા કવિના બહોળા અનુભવ અને કસબને આધારિત છે.

“ખારાં ઝરણ” ગઝલસંગ્રહમાં સિત્તેર ગઝલો સામેલ છે. ગાલગાગાના વત્તા ઓછા આવર્તનોને રમલ છંદ તરીકે ગણીએ તો સિત્તેરમાંથી 52 ગઝલો માત્ર રમલ છંદમાં છે. રમલ સિવાયના છંદો પર નજર કરીએ તો બાકીની રચનાઓમાં કવિએ લગભગ આઠ જેટલા જ છંદોમાં નહિવત્ ખેડાણ કર્યું છે. કવિના અગાઉના સંગ્રહોનું પણ પૃથક્કરણ કરીએ તો માલુમ પડે છે કે બે તૃત્યાંશથી પણ વધુ ગઝલોમાં કવિને રમલ જ માફક આવ્યો છે, જે રીતે સંસ્કૃત વૃત્તોમાં શિખરિણી ફાવ્યો ને ફળ્યો હતો એ જ રીતે. કવિની સિદ્ધિ અને શક્તિ જોતાં એ કદાચ ગુજરાતી ગઝલનું કમનસીબ લાગે છે.

છંદબાહુલ્ય કે એક જ છંદ પ્રત્યેની પ્રીતિને બે રીતે જોઈ શકાય. એક, કે કવિને અલગ અલગ છંદોની ચેલેન્જ બહુ માફક આવતી નથી. બીજું, કવિની જે-તે છંદમાં માસ્ટરી છે. ચિનુ મોદીના કેસમાં કદાચ બંને વાત સાચી છે. પણ જો માત્ર ખારાં ઝરણની વાત કરીએ તો કદાચ પહેલી પૂર્વધારણા જ વધુ સાચી જણાય છે. કેમકે આખા સંગ્રહમાં અમર થવા સર્જાયેલા શેર નહિવત જ હાથ ચડે છે. એક જ છંદમાં કવિ પક્ષપાતપૂર્વક ખેડાણ કરતા હોય ત્યારે એ છંદની તમામ શક્યતાઓ એ ચકાસી જુએ, છંદની બંને હાથે પરીક્ષા લે અને અગાઉ જોવા મળ્યાં ન હોય એવા કાફિયા કે એવી અનૂઠી રદીફો સાથે કામ લઈ વાંચતાવેંત કે વિચારતાવેંત આફરીન પોકારી જવાય એવી રચનાઓ કવિ આપે એ સહજે અપેક્ષિત છે પણ ખારાં ઝરણમાં આ અપેક્ષા સાંગોપાંગ પાર પડતી જણાતી નથી.

“ખારાં ઝરણ”માંથી પસાર થતી વખતે મકરન્દ દવેએ ગઝલ માટે જરૂરી જે ચાર પરિબળ – આગવી અભિવ્યક્તિ (અંદાજે-બયાઁ), સૌન્દર્યબોધ (હુસ્ને-ખયાલ), સંગીતમયતા (મૌસિકી) તથા આધ્યાત્મિકતા (મારિફત) – ગણાવ્યા હતા એ ડગલે ને પગલે વેરાયેલાં નજરે ચડે છે.

એકાક્ષરી કે વાતચીતના કાકુ ધરાવતી રદીફો આ સંગ્રહમાં ધ્યાનાર્હ છે. કેટલાક ઉદાહરણ જોઈએ:

યાદ આવે તું જ વારંવાર, હોં,
છે બધું મારી સમજની બ્હાર, હોં.
વય વધે છે એમ વધતી જાય છે,
તન અને મનની જૂની તકરાર, હોં.

આ જ રદીફ પર, આજ મીટરમાં એક બીજી ગઝલના શેર પણ જોઈએ:

છે ધધખતું પણ ઉપરથી શાંત, હોં,
વૃદ્ધ બનતાં પ્રાપ્ત આ એકાંત, હોં.
કંઈક એ જોઈ ગયો છે ત્યારથી,
ચિત્ત-ચક્ષુ બેય સરખાં શાંત, હોં.

બીજી એક એકાક્ષરી રદીફ:

રોજ મારામાં રહીને,
દિનબદિન મોટા થતા ભૈ.

શું ટકોરા માર ખુલ્લા દ્વાર પર ?
તું કરે છે ઠીક શિષ્ટાચાર, લે.

સપનાં આવે, આંસુ લાવે,
આંખોને ક્યાં જાણ છે, વ્હાલા ?
આ કાંઠે વરસોથી હું છું,
સામે કાંઠે વહાણ છે, વ્હાલા.

જેમ ટૂંકીટચરક અને બોલકી રદીફ કવિને માફક આવી છે એમ જ ટૂંકી બહેરની સાંકડી ગલીમાં પણ કવિનો વિહાર અદભુત રહ્યો છે:

અંગને સંકોચ, વહાલા,
આ ગલી તો સાંકડી છે.

થોડા બીજા ઉદાહરણ જોઈએ:

આભની અદૃશ્ય સીડી,
પંખીની નજરે ચડી છે.
– બહેર ટૂંકી પણ કવિની દૃષ્ટિ કેવી વિશાળ !

છેદ કરી હોડીમાં આવ્યું,
એ પાણી, પાણીમાં નાખું ?

કોણ હલેસે હોડીને ?
વાયુ કૈં ઓછો દેખાય ?

ઓછા શબ્દોમાં મોટી વાત કરવાના ખરા કિમિયાગર છે કવિ. જુઓ:

શહેરની શેરી હતી,
સ્તબ્ધતા પહેરી હતી.
બંધ ઘરની બારીઓ,
દૃશ્યની વેરી હતી.

અને આ એક કલ્પન તો ખાસ ધ્યાન આપીને જોવા જેવું છે. એકદમ ઝીણું કાશ્મીરી પશ્મીના જેવું પોત – વીંટીમાંથી આખી સાડી પસાર થઈ જાય એવું અદભુત ! સાંભળો :

કેવળ રહી છે યાદો,
તકદીરનો તકાદો.

આંખનાં પાણી તું પા,
આ ધરા પડતર નથી.
બે ઘડી તો રાજી થા,
છો કશો અવસર નથી.

જોઈ તપાસી શ્વાસો લો,
એ ખોટા સિક્કા પધરાવે.

ચિનુ મોદીની કલમની વાત કરતાં હોઈએ અને મૃત્યુ નજર સામે ન આવે એ બને ? એમના અન્ય તમામ સંગ્રહની જેમ પ્રસ્તુત સંગ્રહમાં પણ મૃત્યુ પાને-પાને જીવતું નજરે ચડે છે. પત્ની હંસાબેનની મૃત્યુતિથિ પર લખાયેલી ગઝલ પરથી જ “ખારાં ઝરણ” નામકરણ કરવામાં આવ્યું છે.

રાતભરનાં જાગરણ તેં ક્યાં મૂક્યાં?
આંખમાં ખારાં ઝરણ તેં ક્યાં મૂક્યાં?

તેલુગુ કવિ ડૉ. એન. ગોપી કહે છે: “To the poets death is poetic. If it were to be touched, would know it is hell.” પણ મૃત્યુનો સાક્ષાત્કાર થયા બાદ કોઈ પરત ફરતું નથી એ કહેવા માટે કે એ પોએટિક છે કે હેલ. એટલે જીવતેજીવ અફર અટળ અને અકળ મૃત્યુને શા માટે રળિયામણું ન કરી રાખીએ? આપણે ત્યાં બરકત વિરાણી ‘બેફામ’ મક્તાના ઉત્તમોત્તમ શેરોમાં મૃત્યુને સતત જીવતાં જોવા મળે છે. મૃત્યુ ચિનુ મોદીનો પણ સર્જન વિશેષ રહ્યું છે. સંગ્રહની પ્રસ્તાવનામાં કવિ કહે છે, “મારી ગઝલોમાં વિચ્છેદની વ્યથા છે, તો, આવનાર નિર્ણિત મૃત્યુ સાથેની બાથ ભીડવાની અનેકવિધ સંવેદનકથા છે.” સંગ્રહમાંની આવી કેટલીક મૃત્યુ વિષયક સંવેદનકથાઓનું આચમન કરીએ:

જાય છે, એ જાય છે, ક્યાં જાય છે ?
આ બધું જાણ્યા વગર મરવું નથી.

કવિ કહે છે કે મને મૃત્યુએ જીવતેજીવત ઓછું દુઃખ નથી દીધું.

શ્વાસને ‘ઇર્શાદ’ એક જ ડર હતો,
મોત પાછું ફાવશે તો શું થશે ?

માંગ તે બધું જ છે, પણ, વ્યર્થ છે,
દેહ શણગારું શું ધબકારા વગર ?

અને આ એક કમાલનું કલ્પન તો માણો, સાહેબ:

રોજ ચલાવી ક્યાં પહોંચ્યો છે ?
અટકાવી દે શ્વાસનો સંચો.

મૃત્યુને છેટું રાખે, ‘ઇર્શાદ’ છે ને દાદો ?!

વરસો જૂની હવેલી ક્યારેક તો પડત, પણ,
તારે લીધે બધુંયે સત્વર બની ગયું છે.

અને આ એક શેર પર તો કુરબાન કુરબાન પોકારી ઊઠાય એમ છે :
જીવ માટે દેહ એ,
પારકી પંચાત છે.

એમને છટકી જવું છે,
શ્વાસ શોધે લાગ, બાળક.
– મૃત્યુની કેવી સરળ પરિભાષા ! બાળકને સંબોધન કરીને કેવી બાળસાહજિકતાથી કવિ જીવનની સૌથી મોટી ફિલસૂફી સાત જ શબ્દોમાં આપી દે છે. આ છે ખરા ચિનુ મોદી ઈર્શાદ…

બધો વૈભવ ત્યજીને આવશું તારે ઘરે, કિંતુ,
મરણના દેવ ! શ્વાસોનો નિકટવર્તી સગો ક્યાં છે ? – નિકટવર્તી સગો જેવો શબ્દપ્રયોગ આટલી સ્વાભાવિક્તાથી ફક્ત ઈર્શાદ જ પ્રયોજી શકે.

ખૂબ જ નિરાંતે દેહમાં બેઠેલ જીવને,
ગાંડું થયેલું શ્વાસનું ટોળું ભગાડતું.

અને છેલ્લે આ શ્વાસના પૂરમાં તણાઈ જતા શરીરની દાસ્તાન તો સાંભળો :
પછી શ્વાસનું પૂર એવું ચઢ્યું,
અમે સાચવેલી મઢૂલી ગઈ.

સિદ્ધહસ્ત કવિ ક્યારેક પોતાને મનગમતા પોતાના જ શેરનું પણ અનુકરણ કરી બેસતા હોય છે. ચિનુ મોદી પણ આમાં અપવાદ નથી. એક શેર જોઈએ:

કોઈ પણ ઇચ્છા હજી બાકી ખરી ?
હોય તો પહેલાં પ્રથમ બાકાત કર.

– કહો તો, કયો શેર યાદ આવ્યો ?
કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો,
એ ય ઇચ્છા છે, હવે એ પણ ન હો.

ઇચ્છા વિશેનો જ એક બીજો લાક્ષણિક શેર માણીએ:

અંગ આખું ઝેરથી ‘ઇર્શાદ’ લીલું થાય છે,
સર્વ ઇચ્છાઓ, અરે રે ! સાપની ભારી હતી.

ચિનુ મોદી મિજાજના કવિ છે. ખુમારી એમની બિમારી નથી, સ્વભાવ છે, સહજ ભાવ છે. જો કે એમની દાદાગીરી વહાલી લાગે એવી છે. કડક નારિયેળની અંદર રહેલી મલાઈ જેવી એ નરમ, ભીની અને મીઠી છે. એની એક મજા છે ને એટલે જ આટઆટલા દાયકાઓથી લખતા હોવા છતાં અને આટઆટલી પેઢીઓ સાથે કાર્યરત રહ્યા હોવા છતાં ચિનુ મોદી દરેક દાયકાના લોકપ્રિય અને નોંધનીય કવિ રહ્યા છે. કોઈ પણ પૂર્વભૂમિકા વિના કેટલાક શેરોનું આચમન કરીએ:

એક એવો પણ સમય ક્યારેક હોવો જોઈએ,
જે ક્ષણોનો માત્ર તું માલેક હોવો જોઈએ.

સાવ ખાલીખમ થયો ‘ઇર્શાદ’ તું,
ખાલીને એકાંતથી ભરવું નથી.

તું યાદ આવે એ ક્ષણો,
નમણી છે, ભીનેવાન છે.

તું કહે છે કે હવે હું જાઉં છું,
હું કહું છું, દોસ્ત ! હું ભૂસાઉં છું.
કોઈ છે ‘ઇર્શાદ’ કે જેને લીધે,
છૂટવા ઇચ્છું અને બંધાઉં છું.

મેં લુછેલાં આંસુ સાચકલાં હશે, હાથ જો ને ગંગા ગંગા થૈ ગયાં.

પાંચ જણને પૂછ કે ક્યાં હોય છે ?
સ્વર્ગ ના જડશે તો ક્યાં ફરશો પરત ?

રંગબેરંગી બગીચો, વૃક્ષ, વેલી, પાંદડાં,
કૈંક ખૂટે છે કે બુલબુલ તે છતાં ગાતું નથી.
છેક તળિયે હોય માની ડૂબકી ઊંડે દીધી,
મન છતાં ચાલાક કે ‘ઇર્શાદ’ પકડાતું નથી.

એક તરફ કવિ મનની ચાલાકી અને હાથચાલાકીથી અવગત કરે છે તો બીજી તરફ પવનના સંદર્ભમાં પોતાનું પારાપણું પણ અભિવ્યક્ત કરે છે:

તું પવનની જાત છે ‘ઇર્શાદ’ કે,
મુઠ્ઠી વાળી નાસતો ફરતો રહ્યો ?

ચિનુ મોદી સંભાવનાઓ અને શક્યતાના કવિ છે. ગમે એવી વિપરિત પરિસ્થિતિમાં પણ એ હામ નથી હારતા, નથી હારવા દેતા. જુઓ, થીજીને બરફ થઈ ગયેલી નદીને એ કેવી ઉશ્કેરે-પ્રેરે છે ? –

તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી,
આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

અને નદીના જ રૂપકથી સંભાવનાઓની પોઝિટિવિટિને એ આ રીતે હાકલ કરે છે:

પહાડથી છૂટો પડ્યો છે, યાદ છે ?
તું નથી પથ્થર, નદીનો નાદ છે.

આદિલની નદીની રેતમાં રમતું નગર યાદ આવી જાય એવો અને એવો જ ઉત્તમ શેર ચિનુ મોદી પણ આપણને આપે છે:

માત્ર સરનામું નથી ‘ઇર્શાદ’નું, ‘ શ્વાસ ને ઉચ્છ્વાસ અમદાવાદ છે.

આ એક શેર જુઓ. વક્રોક્તિ અને કટાક્ષ અહીં ચરમસીમા પર છે. શેર પર ધ્યાન આપજો. પહેલી નજરે ખુલે છે એના કરતાં એ અનેકગણો વધુ ગહનગંભીર છે:

કૈંક વરસોથી ચલણમાં ના રહ્યું,
સત્યનો ચળકાટ ક્યાંથી કમ પડે ?

સમસામયિકતા પણ કવિને હાથવગી છે. સમયની સાથે એ તાલમાં તાલ મિલાવી જાણે છે. અંગ્રેજી ભાષા આજે આપણા રોજિંદા વ્યવહારમાં દૂધમાં સાકર ભળે એમ ભળી ગઈ છે. ભાષાની આ વેલકમ પ્રવાહિતાને ચિનુ મોદી પણ ખુલ્લા હાથે અને મોકળા મને આવકારે છે. બે’ક ઉદાહરણ જોઈએ:

હાથે ચડી ગયું છે રિમોટનું રમકડું,
એ જણ મનુષ્યમાંથી ઈશ્વર બની ગયું છે.

લાખ સ્ક્રિનિંગ બાદ પત્તો ક્યાં મળે ?
ભલભલાને છેતરે છે, જીવ છે.

અંતે થોડા બીજા ચોટદાર શેરોનો આસ્વાદ લઈએ:

સાંકડું ને સાંકડું ઘર થાય છે વરસોવરસ,
વૃદ્ધ બનતા શ્વાસને લાંબો પટારો જોઈશે. સાવ કોરી આંખની એક જ હતી બસ માંગણી,
છો થવાનું થાય, પણ અશ્રુ વધારો જોઈશે.

– આ અશ્રુવધારો પ્રયોગ જે રીતે કવિએ કોઇન કર્યો છે એ આફરીન પોકારાવી દે છે. પગારવધારો એ સાંપ્રત સમયની સાર્વત્રિક માંગ રહી છે. એને બદલે અશ્રુવધારો સંયોજીને કવિએ જે સંવેદનાની કમાલ કરી છે એ તો બસ, વાહ વાહ ને વાહને જ કાબિલ છે.

થોડા બીજા શેર જોઈએ:

શહેર, શેરી, ઘર તો ઓળંગી ગયા,
પણ, મને આ એક પડછાયો નડ્યો.
સ્વસ્થ મનથી તું વિચારી જો ફરી,
છેક છેલ્લીવાર તું કયારે રડ્યો ?

એમ તો જીવાય છે તારા વગર,
તું હશે ને ક્યાંક તો મારા વગર ?
શ્વાસ ચાલે છે અને છોલાય છે,
પોઠ ચાલી જાય વણઝારા વગર.

અને છેલ્લે બે મક્તા માણીએ:

ઝીણી ઝીણી છાંટ છે વરસાદની,
વહાલની આ રીત છે ‘ઇર્શાદ’ની.

મ્યાન કર ‘ઇર્શાદ’ તું તલવારને,
ક્યારના શિર વાઢીને બેઠા છીએ.

કવિના ભાથામાંનુ ભલે આ બાણ સર્વશ્રેષ્ઠ નથી, પણ નિઃશંક ઉત્તમ તો છે જ. કવિનો કસબ કળા સાથે હાથમાં હાથ મેળવીને નિશાન તો ઊંચુ જ તાકે છે અને આ સંગ્રહ એ વાતની પ્રતીતિ છે કે જીવનની આથમતી સંધ્યાએ પણ કવિ નિવૃત્તિ કરતાં પ્રવૃત્તિને જ પ્રાધાન્ય આપે છે. ભલે ક્યારના શિર વાઢીને બેઠા હોવાની વાત કેમ ન કરતા હોય, કવિએ કલમ હજી મ્યાન કરી નથી. સંગ્રહમાં કવિ કહે છે કે, “મને જાણ છે, મારો હાથ સમય ઓગાળી નાંખશે અને એટલે નાસ્તિ મૂલો, કૃત શાખા? પણ, એથી હું હાથ નહીં ઓગળે ત્યાં સુધી તલવાર મ્યાન કરવાનો નથી.” કવિની અનવરત અનવરુદ્ધ કલમને ‘ઈર્શાદ’, ‘ઈર્શાદ’, ‘ઈર્શાદ’ કહેવાની સાથે આપણે એ જ પ્રાર્થના કરી શકીએ: अल्लाह करे जोरे कलम और ज्यादा|

– વિવેક મનહર ટેલર
(૧૫-૦૮-૨૦૧૬)

Comments (7)

કોની સંગ રમવી રે હોળી? – મીરાંબાઈ (અનુ. વિવેક મનહર ટેલર)

કોની સંગ રમવી હોળી?
ગયા પિયા મને એકલી છોડી.

બાંધી ગળામાં તારી કંઠી,
છોડ્યા સઘળાં માણેક-મોતી,
મહેલ ને ભોજન થયાં અકારાં,
થઈ એકલી હું પિયાને કાજ, ભોળી.
મને દૂર કેમ તરછોડી?

મુજ સંગ પ્રીત કરી ક્યમ પહેલાં?
હવે બીજાની સાથે ક્યમ જોડી?
કેટલા દિવસ થયા, હજીય ન આવ્યા,
થઈ રહી તાલાવેલી,
કેમ દિલમાં આવી હેલી?

શ્યામ વિના આ જીવ મુરઝાતો,
જળ વિણ વેલ શું મહોરી?
મીરાંને પ્રભુ દર્શન આપો,
દાસી જનમ જનમની, હો રી !
દરસ વિના દુઃખિયારી તોરી.

-મીરાંબાઈ
(અનુ. વિવેક મનહર ટેલર)

*

પ્રેમલક્ષણા ભક્તિનું સર્વોત્કૃષ્ટ શિખર છે મીરાં. મીરાંની ભક્તિનું પાનું કાઢી લો તો કૃષ્ણ અધૂરો લાગે. મીરાં કહે છે, કહે છે, ‘फ़ागुन के दिन चार रे, होली खेल मना रे…’ પણ આજે પરિસ્થિતિ સાનુકૂળ નથી. પ્રિયતમ છોડીને ચાલ્યો ગયો છે અને હોળી તો આ માથે આવી ઊભી! હવે રમવું કોની સાથે?રંગોના મેળાની વચ્ચોવચ એકલતાથી વધુ ફિક્કો ને પ્રાણહીન અવર કયો રંગ હોઈ શકે? પ્રેમમાં ફરિયાદ જાયજ છે. મીરાં તો નિતાંત નખશિખ પ્રેયસી છે. એણે મહેલની વાહવા છોડીને ચાહવા સિવાય કશું કામ જ નથી કર્યું. એ ફરિયાદ કરે છે કે બીજાની સાથે જ પ્રીતડી બાંધવી હતી તો પહેલાં મારી સાથે પ્રીત કરી જ કેમ? કૃષ્ણ તો આજન્મ Casanova છે. એણે આખા સંસારને પ્રેયસી બનાવીને પ્રેમ કર્યો છે. પણ મીરાં મનુષ્ય છે. મનુષ્યના પ્રેમમાં માલિકીભાવ તો આવી જ જાય અને આરત તો સમગ્રની જ હોય. મીરાંની તરસ પણ આકંઠ છે. એ કૃષ્ણને અન્યોને ચાહતો જોઈ શકતી નથી. વિરહ અને પ્રતીક્ષાની તાલાવેલી ચરમસીમાએ પહોંચી છે. દિલની તપ્ત જમીન પર દર્શનની નહીં, લગાવ અને અભાવની હેલી વરસી રહી છે. જેમ જળ વિના વેલ મહોરી ન શકે એમ મીરાંનું અસ્તિત્વ શ્યામ વિના કેમ સંભવે? એટલે જ દર્શન વિના દુઃખિયારી મીરાં પ્રભુને ફરી ફરીને દર્શન આપવા કહે છે… દર્શનના રંગે, ભક્તિના રંગે રંગાવું એ જ તો છે સાચી હોળી…

લયસ્તરોના વાચકમિત્રોને હોળી-ધૂળેટીની રંબિરંગી સ્નેહકામનાઓ…

*

केनू संग खेलू होली
पिया त्यज गये है अकेली..!

माणिक मोती सब हम छोडे
गले में पहनी सेली
भोजन भवन भलो नही लागे
पिया कारन भयी रे अकेली
मुझे दुरी क्युँ मेली ?

अब तुम प्रीत अवर सु जोडी
हम से करी क्युं पहेली ?
बहु दिन बीते, अजहुन आये,
लग रही ताला वेली
केनु दिल मा ये हेली ?

श्याम बिना जीयडो मुरझावे,
जैसे जल बिन बेली,
मीरा को प्रभू दरसन दिजो
मै तो जनम जनम की चेली
दरस बिना खडी दुहेली…

– मीरांबाई

Comments (6)

“શબ્દો છે શ્વાસ મારા”ની અગિયારમી વર્ષગાંઠ પર…

લયસ્તરોની સમાંતર ચાલતી મારી પોતાની વેબસાઇટ પર પધારવા આજે આપ સહુ વાચકમિત્રોને નેહનિમંત્રણ…

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઇટ “શબ્દો છે શ્વાસ મારા” આજે નિયમિત બ્લૉગિંગના અગિયાર વર્ષ પૂરાં કરી બારમા વર્ષમાં પ્રવેશે છે… આ પ્રસંગે મારી આ યાત્રામાં ડગલે ને પગલે સાથ અને પ્રોત્સાહન આપતા રહેનાર સૌ સ્નેહીમિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું. આગળ ઉપર પણ આપ સહુ આ વેબસાઇટની નિયમિત મુલાકાત લેતા રહી ઉત્સાહિત કરતા રહેશો એવી વિનમ્ર અપેક્ષા…

ક્લિક કરો: http://vmtailor.com/archives/4228

બે મિનિટ જેટલો સમય ફાળવીને આપના પ્રતિભાવ વેબસાઇટ ઉપર જ આપશો તો વધુ આનંદ…

આભાર,
વિવેક

Comments (13)

યાદગાર મુક્તકો : ૦૯ : ખલીલ ધનતેજવી, ભગવતીકુમાર શર્મા, વિવેક મનહર ટેલર

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને

– ખલીલ ધનતેજવી

જીવનમાં ‘Ego’ રાખીને જીવીશું તો પેલા આંધીના વૃક્ષની જેમ સાવ જળમૂળથી ઉખડી જઈશું… પણ જો તરણા જેવા હળવા બનીશું તો ગમે એટલા સંઘર્ષમય સમયમાંથી પણ સહજતાથી પસાર થઈ જઈને ભારવિહીન જીવનને ભરપૂર માણી શકીશું… જિઁદગી અંતે ભલે થાકી જાય પણ જીવવાનો થાક નહીં લાગે એ રીતે જીવાયેલું જીવન જ સાચા અર્થમાં સાર્થક કહેવાય… કવિતામાં ખુમારી ભારોભાર પિરસવી એ ખલીલભાઈની ખૂબી છે.

સમય કેરી મુઠ્ઠીમાં હું બંધ છું
છું સૂરજ, ઘુવડ શો છતાં અંધ છું
કોઈ કૃષ્ણ રેતીનો ઢગલો કરે
હું જીવું છું કિન્તુ જરાસંધ છું

– ભગવતીકુમાર શર્મા

આ મુક્તક વાંચતાવેંત જ એક ઘોર નિરાશા ઘેરી વળે છે… જે આપણને અંદરથી અકળાવી જાય છે. જરાસંધની સાથે પોતાને સરખાવીને કવિ જણાવી દે છે કે પોતાના જીવનને વરદાન નહીં પરંતુ શાપરૂપ માને છે. જેમ જરાસંધના જીવનનો અંત એના શરીરનાં બે ટુકડા વચ્ચે રેતીનાં ઢગલો કરી શિવલીંગ બનાવવાથી થતો શ્રીકૃષ્ણને ભીમને બતાવેલો… એમ જ કવિ પણ ઈશ્વર પાસે જીવનથી છુટકારો માંગે છે.

હૈયું ભરાઈ આવ્યું, છલકી ઊઠ્યાં છે નેણ,
હું શું કહું? અધરથી પાછાં વળ્યાં છે વેણ;
તારો આ પ્રેમ સાંધે, સંબંધ એવી રીતે-
ટુકડો જડ્યો જડે ન, ક્યાંયે જડે ન રેણ.

-વિવેક મનહર ટેલર

ચિરવિરહ પછી વિરહની બધી ફરિયાદો અને સઘળી વેદનાઓને પળમાં ઓગાળી નાંખતું મધુરું મિલન.. એમ જ માણીશું!

Comments (2)

સાપ્તાહિક કોલમ ~ એક નવી શરૂઆત…

એક નવી શરૂઆત… “ગુજરાત ગાર્ડિયન” દૈનિકમાં દર મંગળવારની પૂર્તિમાં મારી કોલમનો પ્રારંભ… “ગ્લોબલ કવિતા” – અન્ય ભાષાની કવિતાઓનો ગુજરાતી અનુવાદ તથા ટૂંકો આસ્વાદ….

01

જેનીએ ચૂમી લીધો મને

જેનીએ ચૂમી લીધો મને જ્યારે અમે મળ્યા-
જે ખુરશીમાં એ બેઠી હતી એમાંથી ઊછળીને;
કાળ ! ચોર ! તને આદત છે બધી મીઠી વસ્તુઓ
તારી યાદીમાં સમાવી લેવાની, આ પણ નોંધ !
કહેજે કે હું થાકી ગયો છું, કહેજે કે હું દુઃખી છું,
કહેજે કે આરોગ્ય અને સંપત્તિ -બંને મને ચૂકી ગયાં છે,
કહેજે કે હું ઘરડો થઈ રહ્યો છું, પણ ઉમેરજે,
કે જેનીએ ચૂમી લીધો મને.

– જેમ્સ લે હન્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)

કવિતાના શબ્દો અને સામાન્ય વાતચીતના શબ્દોમાં તાત્વિક રીતે કંઈ જ ફરક નથી. તો પછી એવું શું હશે જે વાતચીતના શબ્દોને કવિતાની કક્ષાએ લઈ જતું હશે ? જેમ્સ લે હન્ટની આ કવિતા પર નજર નાંખીએ.

પહેલી નજરે જોઈએ તો માણસ પ્રેમમાં પડે ત્યારે સાવ સરળ બાબત પણ કેવી ઉત્તેજના, કેવો ગર્વ જન્માવે છે એનું સર્વાંગસંપૂર્ણ ઉદાહરણ ! એક ચુંબન. સાવ સામાન્ય ઘટના. વિદેશમાં તો બિલકુલ સાહજિક બાબત. પણ ચુંબન કરવાની સામાન્ય પ્રણાલિને ખુરશીમાંથી ઊછળીને ચુંબન કરવામાં આવે છે એમાં જે ‘ઉછળવા’ની ક્રિયા કવિ ઉમેરે છે એ આખી વાતને અસામાન્ય બનાવી દે છે. આગળ જોઈએ તો કવિ સમય સાથે ગુફ્તેગૂ માંડતા નજરે ચડે છે. સમય પર આરોપ છે કે એ બધી મીઠી વાતો પોતાની યાદીમાં સમાવી લેતો હોય છે. ભલભલી યાદોને ચોરી લેતો સમય ઊછળીને કરવામાં આવેલા ચુંબનની આ અનૂઠી ક્ષણ ચૂકી ન જાય એ માટેની કવિની ટકોર વાતને કાવ્યની કક્ષાએ લઈ જાય છે. વાતચીતના શબ્દો કઈ રીતે કાવ્યનું સ્તર આંબી શકે છે એ સમજવા માટે આ કવિતાના શબ્દો અને એની રચના –બંને મદદરૂપ થઈ શકે છે.

લાંબા અંતરાલ પછી કાવ્યનાયક નાયિકા સાથે મુખામુખ થાય છે ત્યારે આનંદના ઉમળકામાં નાયિકા ઊછળીને એને એક ચુંબન ચોડે છે. ઘટના બસ આટલી જ છે. આ ચુંબન, આ સ્નેહાવિર્ભાવ આલિંગન કે પથારી સુધી પણ લંબાતો નથી. પણ ચુંબન પાછળનો જે ઉમળકો છે, જે આવેશ છે એ સ્પર્શી જાય છે. કેમકે કાવ્યનાયક ઊંમરના છેલ્લા પડાવ પર આવી ઊભો છે. સ્વાભાવિક છે કે કાવ્યનાયિકા પણ જરાવસ્થામાં જ છે. નાયક સ્વીકારે છે કે એ થાકી ગયો છે, હારી ગયો છે, દુઃખી પણ ઘણો છે અને તન-મન-ધન, ત્રિવિધ રીતે જીવનમાં નિષ્ફળ ગયો છે. આરોગ્ય કથળ્યું છે. ખિસ્સામાં નિર્ધનતા ભરેલી છે, મનમાં હતાશા. જીવન હારી જતું હોય છે, માણસ હારી જતો હોય છે પણ પ્રેમ ? પ્રેમ કદી હારતો નથી. પ્રેમ જ ખરું પ્રેરકબળ છે જે જીવનની સાંકડી ગલીમાંથી સોંસરા કાઢી આપે છે આપણને.

એક અવસ્થા સુધી માણસ પોતાની સ્થિતિ સામે સતત લડતો રહે છે પણ પછી એક સમયે એ પરિસ્થિતિને સ્વીકારી લેવાની સમ્યક્ અવસ્થા પર આવી ઊભે છે. ગાલિબ યાદ આવી જાય: ‘रंज़ से खूंगर हुआ इंसान तो मिट जाता है रंज़, मुश्किलें मुझ पर पडी इतनी कि आसान हो गई । (માણસ જ્યારે દુખનો આદિ થઈ જાય છે, ત્યારે દુઃખ મટી ગયેલું અનુભવાય છે. મુસીબતોનો બોજ જ્યારે સહનશક્તિની તમામ હદો પાર કરી જાય છે ત્યારે એ મુસીબતો પછી મુસીબત જણાતી નથી.) નાયક પોતાના હારેલ-થાકેલ ઘડપણને સ્વીકારીને નાયિકાની સન્મુખ આવી ઊભે છે કેમકે બધું જ હારી દીધા પછી પણ સ્નેહ પરની શ્રદ્ધા હજી ગત થઈ નથી. સુન્દરમે લખ્યું હતું, ‘જગતની સર્વ કડીમાં સ્નેહની સર્વથી વડી.’ નાયિકાનું ચુંબન સ્નેહની આ સર્વથી વડી કડીની પ્રતીતિ કરાવે છે.

નાયક સમયને જે ઉપાલંભ આપે છે આગળ કહ્યું એમ આ કાવ્યનો પ્રાણ છે. સમય ભલભલા ઘાનું સિદ્ધ ઔષધ છે. સારું-નરસું બધું જ સમય પોતાના પાલવમાં ભેદભાવ વિના સમાવી લે છે. પણ કવિ એને જે ચીમકી આપે છે એની મજા છે. કવિ સમયને કહે છે કે તું તારી ડાયરીમાં બધું જ નોંધી લેજે. મારી બરબાદી, મારો વિનાશ, મારી રોગિષ્ઠાવસ્થા, મારું ઘડપણ – બધું જ પણ હું જ્યારે જેનીને મળ્યો ત્યારે જેનીએ આ ઉંમરે પણ ખુરશીમાંથી ઊછળીને મને જે ચુંબન કર્યું એ નોંધવાનું ભૂલીશ નહીં કેમકે આ ચુંબન, આ સ્નેહ, નાયકની તમામ મોરચે થયેલી હાર પછી પણ નાયકનો સ્નેહપૂર્વક સ્વીકાર એ નાયકની જિંદગીની સાચી ઉપલબ્ધિ છે. આ જીત, આ પ્રાપ્તિ, આ દોલત સંસારની સમસ્ત સંપત્તિ કરતાં વધુ મૂલ્યવાન છે. સ્નેહ જ જીવનનો સાચો અર્થ છે.

રચનાની દૃષ્ટિએ જોઈએ તો અંગ્રેજીમાં જવલ્લે વપરાતા ટ્રોકેઇક મીટર (સ્વરભારવાળો શબ્દાંશ પછી સ્વરભારહીન શબ્દાંશ)નો અહીં પ્રયોગ થયો છે. સામાન્યરીતે અંગ્રેજી કવિતામાં આયેંબિક પેન્ટામીટરનો પ્રયોગ વધુ થાય છે જેમાં લઘુ-ગુરુ એમ સ્વરભારની યોજના જોવા મળે છે પણ અહીં સ્વરભારનો પ્રયોગ આનાથી ઊલટી રીતે –ગુરુ-લઘુ, ગુરુ-લઘુ – થાય છે. જેના કારણે કાવ્યપઠનની પદ્ધતિ પણ બદલાય છે જે અલગ પ્રકારની ફ્લેવર સર્જે છે. મૂળ અંગ્રેજી કવિતામાં અબઅબ-કડકડની પ્રાસરચના પણ પરંપરાથી જરા ઉફરી ચાલે છે. આ કવિતા વિશ્વ સાહિત્યમાં એટલી બધી પ્રસિદ્ધ થઈ છે કે ઢગલાબંધ લોકોએ આની પ્રતિ-કવિતાઓ પણ રચી છે.

એવી વાયકા છે કે ફ્લુની લાંબી બિમારીમાંથી ઊઠીને હન્ટ જ્યારે થોમસ કાર્લાઇલને મળવા જાય છે ત્યારે એની પત્ની જેન વેલ્શ કાર્લાઇલ ખુરશીમાંથી ઉછળીને એને ચૂમે છે. બે દિવસ પછી હન્ટનો નોકર આ કવિતા જેનને આપી જાય છે.
*

Jenny kiss’d me when we met,
Jumping from the chair she sat in;
Time, you thief, who love to get
Sweets into your list, put that in!
Say I’m weary, say I’m sad,
Say that health and wealth have miss’d me,
Say I’m growing old, but add,
Jenny kiss’d me.

– James Henry – Leigh Hunt

Comments (12)

અડધી રમતથી (English) – અનુ. મુકુર પેટ્રોલવાલા

Leave the game halfway,
To do that you are free!
Or win on your terms dear
To do that you are free!

To unburden our hearts,
Let’s talk, is my plea
Stay mum if you want,
To do that you are free!

Life today has become
A space so empty
Fill blanks where you can,
To do that you are free!

You went when you willed
As per your wish, buddy!
Open doors invite
To come, you are free!

In this life only
I want you mine to be!
Eighty four lakh births more
To suffer you are free!

It’s not life and soul we talk
But about you and me!
You can sure return later
To do that you are free!

This finger uses as air,
Words to breathe easy!
The life of the dependent
To spare, you are free!

– Vivek Manhar Tailor
(English Translation by Mukur Petrolwala)

*

લયસ્તરો પર સામાન્ય રીતે હું મારી પોતાની રચના મૂકવાનું ટાળું છું પણ મુકુરભાઈએ ઇ-મેલમાં મારી ગમતી ગઝલનો અનુવાદ મોકલી આપ્યો એટલે અહીં મૂકવાની લાલચ જતી ન કરી શક્યો. આભાર, મુકુરભાઈ !

*

અડધી રમતથી ઊઠવાની છૂટ છે તને,
તારી શરતથી જીતવાની છૂટ છે તને.

વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલા હોઠ લઈ જવાની છૂટ છે તને.

ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.

મરજીથી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.

નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મમાં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.

છે તારી મારી વાત, નથી દેહ-પ્રાણની,
રહી રહીને પાછા આવવાની છૂટ છે તને.

આ આંગળીના શ્વાસમાં થઈ શબ્દની હવા,
આશ્રિતને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.

-વિવેક મનહર ટેલર

Comments (15)

ફ્રાન્સિસ્કા – એઝરા પાઉન્ડ (અનુ. વિવેક મનહર ટેલર)

રાત્રિના અંધકારમાંથી તું બહાર આવી
અને તારા હાથમાં ફૂલો હતાં,
હવે તું લોકોના ગૂંચવાડામાંથી બહાર આવશે,
તારા વિશેના અવાજોના કોલાહલમાંથી.

હું જેણે નિહાળી છે તને આદિમ ચીજો વચ્ચે
ગુસ્સે હતો જ્યારે એ લોકો તારું નામ બોલતા હતા
સામાન્ય જગ્યાઓ પર.
કાશ ! ઠંડાગાર મોજાં મારા માથા પર ફરી વળે,
અને આ દુનિયા મરેલાં પાંદડાની જેમ સૂકાઈ જાય,
અથવા ડૅન્ડિલિઅનની દાંડી પરથી ઊડતા બીજની જેમ ઊડી જાય,
જેથી હું તને ફરીથી મેળવી શકું,
એકલી.

– એઝરા પાઉન્ડ
(અનુ. વિવેક મનહર ટેલર)

*
એક પ્રિયતમા જેની સાથે એકાંતમાં સાવ અંગત ક્ષણો વિતાવી છે એ આજે હવે જીવનમાં નથી રહી. એની જાહેર જિંદગી પર પ્રશ્નો ઊઠી રહ્યા છે, આંગળી ચિંધાઈ રહી છે જે કવિને પસંદ નથી. રાત્રિનો અંધકાર એ બદનામીનો અંધકાર છે. લોકોને જ્યારે ચોરે ને ચૌટે પોતાની પ્રેયસીનું નામ બોલતાં કવિ સાંભળે છે ત્યારે ઈર્ષ્યા અને ગુસ્સો બંને જન્મે છે. મન થાય છે કે કાશ મગજ શાંત થઈ જાય એવી કોઈ ઘટના બને અથવા દુનિયા આખીનો નાશ થઈ જાય જેથી તારી અને મારી વચ્ચે કોઈ બચે જ નહીં અને પોતે પ્રેયસીને પુનઃ મેળવી શકે. છેલ્લી પંક્તિમાં જે ‘એકલી’ શબ્દ એકલો વપરાયો છે એ પ્રેમની પઝેસિવનેસ ઈંગિત કરે છે, જેની પ્રબળતા આપણને “તારા રૂપની પૂનમનો પાગલ એકલો” તરત યાદ કરાવી દે છે…

ફ્રાન્સિસ્કા શીર્ષક કવિએ કેમ વાપર્યું હશે એ એક કોયડો છે. એઝરા પાઉન્ડ ‘ઇમેજીઝમ’ના રસ્તે વળ્યા એ પૂર્વેનું આ કાવ્ય શું તેરમી સદીમાં થઈ ગયેલ ગીડોની પુત્રી ફ્રાન્સિસ્કા, જે પોતાના દિયરના પ્રેમમાં પડી હતી અને પતિના હાથે જેની દિયસ સાથે હત્યા થઈ હતી, જે મહાકવિ દાન્તેની ‘ડિવાઇન કોમેડી’માં પણ એક નાયિકા છે, એને સ્મરીને લખાયું હશે? કોઈ પ્રકાશ પાડી શકશે?

*
Francesca – Ezra Pound

You came in out of the night
And there were flowers in your hands,
Now you will come out of a confusion of people,
Out of a turmoil of speech about you.

I who have seen you amid the primal things
Was angry when they spoke your name
In ordinary places.
I would that the cool waves might flow over my mind,
And that the world should dry as a dead leaf,
Or as a dandelion seed-pod and be swept away,
So that I might find you again,
Alone.

Comments (3)

જેલીફિશ – મરિઆન મૂર (અનુ.: વિવેક મનહર ટેલર)

jelly-fish
(કાતિલ સૌંદર્ય….      …જેલીફિશ, શેડ એક્વેરિયમ, શિકાગો, 2011)

*

દૃશ્ય, અદૃશ્ય,
વધઘટ થતું કામણ,
એક સોનેરી પીળા રંગનો નીલમણિ
એનો નિવાસ; તમારો હાથ
નજીક પહોંચે છે, અને
એ ખુલે છે અને
એ બીડાય છે;
તમે ધાર્યું હતું
એને પકડવાનું,
અને એ સંકોચાઈ જાય છે;
તમે પડતો મૂકો છો
તમારો ઈરાદો –
એ ખુલે છે, અને એ
બીડાય છે અને તમે
એને પકડવા જાવ છો-
એની ફરતે વીંટળાયેલી
ભૂરાશ
ડહોળી થઈ જાય છે, અને
એ દૂર સરી જાય છે
તમારાથી.

– મરિઆન મૂર
(અનુ.: વિવેક મનહર ટેલર)

કવિતાને ડુંગળી સાથે સરખાવી શકાય… એક પડ ઉખેડો ને બીજું નીકળે… બીજું ઉખેડો ને ત્રીજું… અને બધા પડ ઉખેડી નાંખો તો હાથમાં જે શૂન્ય આવે એ જ કદાચ કવિતાની સાચી ઉપલબ્ધિ… પડ પછી પડ ઉખેડવાની પ્રક્રિયા જ કદાચ કવિતાનું સાર્થક્ય છે…

જેમ જેલીફિશ દૂધની કોથળીની જેમ સતત આકાર બદલતી રહે છે એમ આ કવિતા પણ વધતા-ઘટતા કદના અનિયમિત વાક્યો, પ્રાસવિહીન, તાલવિહીન, છંદવિહીન છે. એમ કહી શકાય કે કવયિત્રીએ અહીં કવિતાના આકારની મદદથી જેલીફિશની મૂળભૂત પ્રકૃતિને ચિત્રાંકિત કરી છે. તમારા ઈરાદા પણ અહીં જેલીફિશ અને એ રીતે કાવ્યાકાર જેવા જ છે. તમે જેલીફિશને પકડવા આગળ વધો છો, પાછા વળો છો, વળી આગળ વધો છો…

તમે પકડવા જાવ અને એ સંકોચાય છે, તમે પાછા વળો છો અને એ ખુલે છે. તમે વળી પકડવા જાવ છો અને એ પાણીને ડહોળીને તમારી પહોંચની બહાર સરી જાય છે. જેલીફિશનું પ્રતીક લઈને કવયિત્રી હકીકતમાં કવિતા અને એ રીતે તમામ પ્રકારની કળાની જ વાત કરે છે. તમે સાયાસ એને સમજવાની કોશિશ કરશો, એમાંથી કોઈ નિશ્ચિત અર્થ તારવવાની કે નિષ્કર્ષ પામવાની ચેષ્ટા જેમ જેમ કરશો, તેમ તેમ કવિતા અને કળાનું હાર્દ તમારી પહોંચની બહાર સરતું જશે. કળા હકીકતે તો માત્ર અનુભૂતિની વસ્તુ છે…

હવે જેલીફિશને ભૂલી જાવ, કવિતાને પણ ભૂલી જાવ અને સ્ત્રીનો સંદર્ભ મૂકી જુઓ… એ પણ આવી જ અકળ ને !!!

*

A Jellyfish

Visible, invisible,
A fluctuating charm,
An amber-colored amethyst
Inhabits it; your arm
Approaches, and
It opens and
It closes;
You have meant
To catch it,
And it shrivels;
You abandon
Your intent—
It opens, and it
Closes and you
Reach for it—
The blue
Surrounding it
Grows cloudy, and
It floats away
From you.

– Marianne Moore

 

Comments (3)

સજા – રીના (અનુ. વિવેક મનહર ટેલર)


તે
કંઈ પણ
થઈ શકતું હતું…
અવળા વહેણ પર
સંભાવનાઓનો પુલ
હવાના ખભા પર
કદાચ બનાવી પણ લઉં….!!!!!

પણ…
પણ હવે જવા દો ને…
કેટલાક અહેસાસોને
શબ્દોની સજા ન દેવી જોઈએ !!!!!

– રીના
(અનુ. વિવેક મનહર ટેલર)

કેટલીક કવિતાઓ ઠે..ઠ ભીતરથી નાભિ વલોવાઈને આવતી હોય છે. આ એમાંની એક છે. કોઈ જાતનો લવારો નહીં, એક પણ વધારાનો શબ્દ નહીં.

એકાક્ષરી શબ્દોથી શરૂ થઈ કાવ્ય કદમાં અને ભાવમાં -બંને રીતે સપ્રમાણ વિસ્તરે છે. જીવનમાં ઘણા દોરાહા એવા આવે છે જેના પર પસાર થયા બાદ જ અહેસાસ થાય છે કે આ કે તે – કંઈ પણ શક્ય હતું. પણ road not taken તરફ – અવળા વહેણમાં ઉપરવાસ જવું કંઈ દર વખતે શક્ય નથી હોતું, પછી મનમાં ભલેને કંઈના કંઈ હવાઈ કિલ્લાઓ આપણે કેમ બાંધી ન લઈએ.

કવિતા આ એક જ બંધમાં પૂરી થઈ શકી હોત. પણ બીજો બંધ કવિતાને નવતર ઊંચાઈ બક્ષે છે. પણ કહીને અટક્યા પછી કવયિત્રી આગળ તો વધે છે પણ એટલું કહેવા જ કે કેટલાક અહેસાસ આઝાદ જ સારા… એ અહેસાસોને શબ્દોમાં કેદ કરવામાં અહેસાસ પોતે કદાચ મરી પરવારે છે…

*

ये
वो
कुछ भी….
हो सकता था…!!
उल्टे बहाव पे
इम्काँ का पूल
हवा के खँभों पर
अगर बना भी लूँ…..!!!!!

पर…
पर अब जाने भी दो…..
कुछ एहसासात को
लफ़्ज़ों की सज़ा नहीं देते !!!!!

रीना

Comments (11)

મારી કબર પાસે – મેરી એલિઝાબેથ ફ્રે (અનુ. વિવેક મનહર ટેલર)

મારી કબર પાસે ઊભા રહીને ડૂસકાં ન ભરીશ
હું ત્યાં નથી. હું ઊંઘી નથી ગઈ.
હું પવનો છું હજાર જે સુસવાય છે.
હું હીરાકણીઓ છું બરફ પર ચળકતી.
હું પક્વ દાણા પરનો સૂર્યપ્રકાશ છું.
હું પાનખરનો સૌમ્ય વરસાદ છું.
તમે જ્યારે જાગશો સવારની ચુપકીદીમાં,
શાંત પક્ષીઓના ઝુંડને વર્તુળાકાર ઉડાનમાં
ઉંચકનાર પરોઢપક્ષી છું હું.
હું રાતે ચમકનાર મૃદુ તારાઓ છું.
મારી કબર પાસે ઊભા રહીને રડીશ નહીં
હું ત્યાં નથી. હું મરી નથી.

– મેરી એલિઝાબેથ ફ્રે (૧૯૦૫-૨૦૦૪)
(અનુ. વિવેક મનહર ટેલર)

ખ્રિસ્તી અંતિમવિધિઓમાં કદાચ સહુથી વધારે વાર વાંચવામાં આવેલી આ કવિતાના સર્જક વિશે પણ એકમત નથી. એક પારિવારિક મિત્રને એની માતાના અવસાન પર દિલાસો આપવા માટે મેરી એલિઝાબેથ ફ્રેએ 1932માં આ કવિતા લખી હોવાનું માનવામાં આવે છે. આ કવિતાના એકાધિક સ્વરૂપો પણ ઉપલબ્ધ છે. કવયિત્રીની રચનાઓમાંથી આ એક જ કવિતા બચવા પામી છે. કદાચ કવયિત્રીએ લખેલી આ એકમાત્ર જ કવિતા પણ હોઈ શકે.

*

Do Not Stand At My Grave And Weep

Do not stand at my grave and weep
I am not there. I do not sleep.
I am a thousand winds that blow.
I am the diamond glints on snow.
I am the sunlight on ripened grain.
I am the gentle autumn rain.
When you awaken in the morning’s hush
I am the swift uplifting rush
Of quiet birds in circled flight.
I am the soft stars that shine at night.
Do not stand at my grave and cry;
I am not there. I did not die.

– Mary Elizabeth Frye

(Poem courtesy: Poonam Ganatra)

Comments (9)

પતંગ – કોબાયાશી ઇસા (અનુ. વિવેક મનહર ટેલર)

કેવો સુંદર
પતંગ ઊઠે આભે
ઝૂપડાંમાંથી

-કોબાયાશી ઇસા
(અનુ. વિવેક મનહર ટેલર)

ગરીબના ઝૂંપડામાંથી ઊઠીને ઊંચા આકાશને આંબવા મથતો રંગીન પતંગ એ આખરે તો ગરીબોના રંગીન સ્વપ્નાં જ છે. ઉમાશંકરની વિખ્યાત પંક્તિઓ યાદ આવ્યા વિના ન રહે: ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાધશે.

How beautifully
That kite soars up to the sky
From the beggar’s hut.

– Kobayashi Issa

Comments (6)

દિવાળી…

છુપાયું છે ભીતર એ સતના દીપકને પ્રજાળીને,
આ કાજળકાળી રાતોના હૃદય હરપળ ઉજાળીને;
કોઈની આંખમાં એકાદ–બે સ્વપ્નોની રોનક થાય,
મનાવીએ એ રીતે આ વરસ, ચાલો દિવાળીને !

– વિવેક મનહર ટેલર

ટીમ લયસ્તરો તરફથી સહુ કવિમિત્રો-વાચકમિત્રો અને ભાવકમિત્રોને દિવાળી તથા નૂતન વર્ષના હાર્દિક અભિનંદન !

Comments (5)

માન – મેલિસા સ્ટડાર્ડ (અનુ. વિવેક મનહર ટેલર)

કેમકે એનું શરીર ગુફા ભીતરનો શિયાળો છે
કેમકે કોઈકે ત્યાં આગ સળગાવી
અને હોલવવાનું ભૂલી ગયું છે
કેમકે નિદ્રાકાળ એક કિલ્લો છે
જે તેણી પોતાની ભીતર બાંધી રહી છે-
ખાઈ,
જાળીબંધ દરવાજા
અને ધુમ્મસભરી બાલ્દીઓથી
કેમકે જ્યારે તમે જતી કરો છો
લગામ
ઘોડાઓ
ગબડી પડે છે કરાડ પરથી અને
પતંગિયામાં પરિવર્તિત થાય છે
તળિયે પછડાતાં પહેલાં
કેમકે એમની ખરીઓ મધરાત્રિના લિસોટા છોડી જાય છે
આકાશમાં
કેમકે ઠાંસી ભરેલાં સસલાંઓ
રહસ્યો ગોપવી રાખવા માટે બહેતર છે
અટકાવી રાખતા હાથ કરતાં
કેમકે જ્યારે દુનિયા
એની ભીતર ઘુસાડી દેવાય છે
એ કેગલ બૉલની જેમ
એને ચુસ્ત પકડી રાખે છે
અને વિસ્મિત થાય છે
એ સંઘર્ષથી
જે એટલસે કરવો પડ્યો હતો
આવડી નાનકડી ચીજ
પીઠ પર ઊંચકવામાં

– મેલિસા સ્ટડાર્ડ
(અનુ. વિવેક મનહર ટેલર)

*

ગ્રીક પુરાકથાઓનો કથાનાયક એટલસ (શિરોધર) એક સજાના ભાગરૂપે માથા પર સ્વર્ગો ઊંચકે છે. પાછળથી કથા ખરડાઈ અને સ્વર્ગોનું સ્થાન પૃથ્વીએ લઈ લીધું. અહીં કવયિત્રી પણ એટલસને પૃથ્વી પીઠ-ખભે ઊંચકવામાં થયેલ તકલીફનો સંદર્ભ લઈ આવ્યા છે…

વાત એક યૌનપીડિતાની છે એ કવયિત્રીએ વાપરેલા સંદર્ભોથી સમજી શકાય છે. પણ મૂળ વાત સ્ત્રીની અંતર્ગત તાકાત અને પુરુષથી ચડિયાતાપણાની છે. રાતનો સમય એના માટે એક યુદ્ધ સમો છે. પણ પોતાના કિલ્લાને રક્ષવા એની લાચારી પાસે કેવળ ધુમ્મસ જ છે. લગામ છૂટી ગયેલા ઘોડાઓ કરાડ પરથી ખીણમાં નિરંકુશ પતન પામે છે એ વાત ભોગવવી પડતી પારાવાર તકલીફનું પ્રતીક છે પણ આ અશ્વો તળિયે પછડાતાં પહેલાં પતંગિયામાં પરિવર્તન પામે છે એ પોતાની આંતર્શક્તિમાં રહેલ વિશ્વાસ અને તકલીફોનું આધિભૌતિક રૂપાંતરણ સૂચવે છે – આપણે તળિયે પડીને ચકનાચુર નહીં થઈ જઈએ પણ પાંખ પામીને ઊડી જઈશું… तमसोमा ज्योतिर्गमय |

પૌરુષી અત્યાચારોનું વિશ્વ એની યોનિમાં ઘુસાડી દેવાયું હોવા છતાં એ જાણે કેગલ-બૉલ પગ વચ્ચે દબાવીને કસરત કરતી ન હોય એ સહજતાથી એ પોતાના વિશ્વને સાચવે છે. કવયિત્રી એની સામે એટલસના સંઘર્ષને juxtapose કરીને સ્ત્રીને- યૌનપીડિતાને માન આપે છે.

*
Respect

Because her body is winter inside a cave
because someone built
fire there and forgot to put it out
because bedtime is a castle
she’s building inside herself
with a moat
and portcullis
and buckets full of mist
because when you let go
the reins
horses
tumble over cliffs and turn
into moths before hitting bottom
because their hooves leave streaks of midnight
in the sky
because stuffed rabbits
are better at keeping secrets
than stopping hands
because when the world got
shoved up inside her
she held it tight like a kegel ball
and wondered
at the struggle Atlas had
carrying such a tiny thing
on his back

—Melissa Studdard

“This mighty, ethereal, unbreakable being appeared to me in a dream. She is part girl, part magic, making herself up in order to survive.”

—Melissa Studdard

Comments (12)

એક મજાનું ગીત હું જાણતો હતો – સ્ટિફન ક્રેન (અનુ. વિવેક મનહર ટેલર)

એકવાર, હું એક મજાનું ગીત જાણતો હતો,
-એકદમ સાચી વાત, મારો વિશ્વાસ કરો-
એ આખું પંખીઓનું હતું,
અને મેં એ ઝાલી રાખ્યું હતું મારી છાબલીમાં,
જ્યારે મેં ઝાંપો ખોલ્યો,
હે પ્રભુ ! એ બધા જ ઊડી ગયાં.
હું ચિલ્લાયો, “પાછા આવો, નાના વિચારો!”
પણ તે ફક્ત હસ્યા.
તેઓ ઊડતા ગયા
ત્યાં સુધી જ્યારે તેઓ ધૂળ સમા દેખાવા માંડ્યા,
મારી અને આકાશ વચ્ચે ફેંકાયેલી.

– સ્ટિફન ક્રેન
(અનુ. વિવેક મનહર ટેલર)

*

સાવ નાના અમથા કાવ્યમાં કવિ કવિતાને કેવી સરસ રીતે સમજાવે છે ! કવિ પાસે એક ખૂબ મજાનું ગીત છે પણ કવિએ એ મજાના વિચારોને અક્ષરોમાં કેદ કરી રાખવા ધાર્યું છે. જો કવિ એના વિચારોને એના મન, એના કાગળની કેદમાંથી મુક્ત કરે તો તે તરત જ દૂર ઊડી જશે… આકાશમાં ફેંકેલી ધૂળ જેવા છે આ વિચારો… એ ધૂળ પાછી ચહેરા પર જ આવી પડશે. પણ જરૂર છે એને મુક્ત કરવાની કેમકે વિચારોની આઝાદી જ સાચી કવિતા છે.

*
LXV [Once, I knew a fine song]

Once, I knew a fine song,
—It is true, believe me,—
It was all of birds,
And I held them in a basket;
When I opened the wicket,
Heavens! They all flew away.
I cried, “Come back, little thoughts!”
But they only laughed.
They flew on
Until they were as sand
Thrown between me and the sky.

– Stephen Crane

Comments (4)

દફ્તરને ગુસ્સો આવ્યો….

keLavNi ni kavita_01

*

વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ શ્રી ડૉ. દક્ષેશ ઠાકર સંપાદિત “કેળવણીની કવિતા” પુસ્તકમાં સમાવિષ્ટ મારું કાવ્ય આપ સહુ માટે… (આ સંગ્રહમાં એક બીજું કાવ્ય ભૂલથી મારા નામ સાથે છપાઈ ગયું છે, જો કે એ કવિતા મારી નથી)

*

દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું,
વીસ વરસ પહેલાંનું દફ્તર સપનામાં કેમ આવ્યું ?

વીસ વરસ પહેલાંનું દફ્તર – સળેખડું ને સોટી,
રંગ-રંગના વાદળિયાંની ભીતર ભરી લખોટી;
સપનાં ખિલખિલ કરતાં ખેંચે એક-મેકની ચોટી,
ભૂલ થઈ ક્યાં, ક્યારે? આજે પડી ગણતરી ખોટી,
વીસ વરસમાં દફ્તર ક્યાંથી ક્યાં જઈ પટકાયું?

સંતાકૂકડી, ખોખો, લંગડી પાડે છે પોકાર,
શેરી-ગલીઓ-મેદાનો પર કેવો અત્યાચાર ?
પગલાંઓને બદલે શાને રુંધે છે સુનકાર ?
ભાર વિનાનું ભણતર કે ભણતર વિનાનો ભાર ?
ટીવી ને કમ્પ્યૂટર નીચે પગપણું કચડાયું…
દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું.

દફ્તરમાં તૂટી ગ્યાં સઘળાં સપનાંઓ ધડુમ…
ટાઇમ-ટેબલ તો રહી ગયું પણ ટાઇમ થયો છે ગુમ;
દફ્તરમાં ઠાંસી છે ચોપડીઓની લૂમેલૂમ,
થોડી જગ્યા માંડ બચી ત્યાં ટ્યુશન પાડે બૂમ.
સ્કૂલ અને ટ્યુશનની વચ્ચે દફ્તર કેમ પિસાયું?
દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું

– વિવેક મનહર ટેલર
(૩૧-૧૨-૨૦૧૧/ ૧૭-૦૨-૨૦૧૩)

keLavNi ni kavita_02

Comments (6)

પ્રણયવિવાદ – વિલિયમ સ્ટ્રોડ (અનુ. વિવેક મનહર ટેલર)

મારી જાન અને હું ચુંબનો માટે રમતાં હતાં:
હોડ એ રાખશે- હું સંતુષ્ટ હતો;
પણ જ્યારે હું જીતું, મારે એને ચૂકવણી કરવાની;
આ વાતે મને પૂછવા પ્રેર્યો કે એનો મતલબ શો છે?
“ભલે, હું જોઈ શકું છું.” એણે કહ્યું, “તારી તકરારી મનોવૃત્તિ,
તારા ચુંબનો પરત લઈ લે, મને મારાં ફરી આપી દે.”

– વિલિયમ સ્ટ્રોડ (૧૬૦૨-૧૬૪૫)
(અનુ. વિવેક મનહર ટેલર)

*
કેવી મજાની ચુંબનોની રમત! રમતનું સ્વરૂપ ઇંગિત કરે છે કે પ્રેમ કેવો ગાઢ હશે ! શરૂઆતમાં તો પ્રેમી ઉદારતા બતાવે છે (સામાન્ય રીતે જોવા મળે એમ જ) પણ જેવી વાત પરિણામલક્ષી થઈ અને જીત્યા પછી મેળવવાના બદલે આપવા જેવી અવળી શરત પ્રેમિકા મૂકે છે (સામાન્ય રીતે સ્ત્રીઓ મૂકે એમ જ) કે તરત જ પુરુષ એનો સહજ રંગ બતાવે છે (સામાન્ય રીતે કરે એમ જ!)

પણ પ્રેમિકા જે જવાબ આપે છે એ આ સહજ રમતને કવિતાની કક્ષાએ લઈ જાય છે જેમાં એના પક્ષે ચુંબનોનો સરવાળો થવાના બદલે ગુણાકાર થઈ જાય છે.

આ કવિતાના એકાધિક સ્વરૂપ નેટ ઉપર જોવા મળે છે.

*
MY love and I for kisses played:
She would keep stakes—I was content;
But when I won, she would be paid;
This made me ask her what she meant.
“Pray since I see,” quoth she, “your wrangling vein, 5
Take your own kisses; give me mine again.”

– William Strode (1602–1645)

Comments (7)

બોલાવવા છતાંય – અરુણા રાય (અનુ. વિવેક મનહર ટેલર)

બોલાવવા છતાંય
પ્રતિ-ઉત્તર ન મળે
તો હવે બહાર નહીં રખડું
બલ્કે ફરીશ પાછી
ભીતર જ

હૃદયાંધકારમાં બેસી
જ્યાં
બળી રહ્યો હશે તું.

ત્યાં જ મધ્યમ આંચમાં બેસી
ઝાલીશ
તારા મૌનનો હાથ !

-અરુણા રાય
(અનુ. વિવેક મનહર ટેલર)

*

કવયિત્રીઓ ભીતરના ભાવ જે સબળતા અને સરળતાથી રજૂ કરી શકે છે, ક્યારેક પુરુષો એ કરી શકતા નથી. અરુણા રાયની આ હિંદી કવિતા અનુવાદની જરાય મહોતાજ નથી. પણ કવયિત્રીનો ‘ઇનર ફૉર્સ’ આ દુષ્કર્મ કરવા માટે મને મજબૂર કરી ગયો.

અવાજ દેતાંય જો એ હવે ન મળે તો કવયિત્રી એને શોધવા બહાર જવાની નથી કેમકે એ તો કવયિત્રીના હૃદયના અંધારાને ઉજાળતો ધીમો ધીમો અંદર જ સળગી રહ્યો છે. પ્રેમના પાવક દીપકનો શબ્દહીન હાથ ઝાલીને કવયિત્રી ત્યાં જ બેસી રહેશે… સાંન્નિધ્યની મૂક ઉષ્માની અદભુત અભિવ્યક્તિ! સલામ ! સો સો સલામ !

*
पुकारने पर

पुकारने पर
प्रति-उत्तर ना मिले
तो बाहर नहीं भटकूँगी अब
बल्कि लौटूँगी
भीतर ही

हृदयांधकार में बैठा
जहाँ
जल रह होगा तू

वहीं
तेरी मद्धिम आँच में बैठ
गहूँगी
तेरे मौन का हाथ।

अरुणा राय

Comments (8)

એક લાલ ગુલાબ – રોબર્ટ બર્ન્સ (અનુ. વિવેક મનહર ટેલર)

પ્રિય ! મારો પ્રેમ છે લાલ, લાલ ગુલાબ સમો,
જે જુનમાં ખીલે છે નવોનવો;
પ્રિય ! મારો પ્રેમ જાણે છે સંગીતની ધૂન,
જેને મીઠાશથી વહે છે સૂર.

જેટલી ગૌર તું છે, મારી નમણી રમણી,
એટલો ગળાડૂબ છું હું પ્રેમમાં;
અને હું ચાહતો રહીશ તને, મારી પ્રિયા,
સૂકાઈ જાય જ્યાં સુધી સહુ સમંદરો

સૂકાઈ જાય જ્યાં સુધી સહુ સમંદરો, પ્રિયે !
અને સૂર્ય પીગાળી દે સહુ ખડકોને;
અને હું છતાં પણ તને ચાહતો રહીશ, પ્રિયે,
જ્યાં સુધી જીવનની રેતી સરતી રહેશે…

અને હું રજા લઉં છું, મારી એકમાત્ર પ્રિયા !
અને હું રજા લઉં છું થોડી વાર માટે;
અને હું ફરીને આવીશ, મારી પ્રિયા,
ભલે વચ્ચે હજારો માઇલ કેમ ન પથરાયા હોય.

– રોબર્ટ બર્ન્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

*
અઢારમી સદીમાં લખાયું હોવા છતાં જુન મહિનામાં ખીલેલા લાલચટ્ટાક ગુલાબ જેવું તરોતાજા ગીત. સીધી દિલને સ્પર્શી જાય એવી વાત. અંગ્રેજી ભાષામાં આ ગીત ખૂબ વખણાયેલું અને ખૂબ ગવાયું છે.

*

O my Luve’s like a red, red rose
That’s newly sprung in June;
O my Luve’s like the melodie
That’s sweetly play’d in tune.

As fair art thou, my bonnie lass,
So deep in luve am I:
And I will luve thee still, my dear,
Till a’ the seas gang dry:

Till a’ the seas gang dry, my dear,
And the rocks melt wi’ the sun:
I will luve thee still, my dear,
While the sands o’ life shall run.

And fare thee well, my only Luve
And fare thee well, a while!
And I will come again, my Luve,
Tho’ it were ten thousand mile.
Robert Burns

Comments (2)

મમ્મીને – ઉષા એસ. (અનુ. વિવેક મનહર ટેલર)

મમ્મી, નહીં, પ્લીઝ નહીં,
નહીં રૂંધ આ સૂર્યપ્રકાશને
તારી સાડી આકાશમાં ફેલાવી
જીવનની હરિયાળી ઉતરડી નાંખીને.

નહીં કહે: તું સત્તરની થઈ,
નહીં લહેરાવ તારી સાડી શેરીમાં,
નહીં કર આંખ-ઉલાળા રાહદારીઓ સાથે,
નહીં કર ટોમબોયની જેમ વહેતી હવાઓ પર સવારી.

નહીં વગાડ ફરીથી એ જ ધૂન
જે તારી મમ્મી,
એની મમ્મી અને એની મમ્મીએ
મદારીના બીન પર
મારા જેવી મૂર્ખીઓના કાનમાં વગાડ્યે રાખી છે.
હું મારી ફેણ ફેલાવી રહી છું.
હું બેસાડી દઈશ મારા દાંત કોઈકમાં
અને ઓકી કાઢીશ વિષ.
જવા દે, રસ્તો કર.

ઓસરીમાં પવિત્ર તુલસી ફરતે
પ્રદક્ષિણા કરવી, સ્વર્ગપ્રાપ્તિ માટે
રંગોળી મૂકવી, હવા-ઉજાસ વિના જ
મરી જવું,
ભગવાનની ખાતર, મારાથી નહીં થાય.

તોડી નાંખીને બંધ
જે તેં બાંધ્યો છે, પૂર-તોફાન થઈને
ધસમસતી,
જમીનને ધમરોળતી,
મને જીવવા દે, સાવ જ વેગળી
તારાથી, મમ્મી.
જવા દે, રસ્તો કર.

– ઉષા એસ. (કન્નડ)
(અંગ્રેજી અનુવાદઃ એ.કે. રામાનુજન)
(અનુ. વિવેક મનહર ટેલર)

પરંપરાના નામે ઊભી કરી દેવાયેલી બેડીઓ-બંધનોને તોડીને પોતાનો રસ્તો કરવા માંગતી આજની પેઢીની યુવતીની વાત. સીધી અને સટાક. જવા દે, રસ્તો કર. પહેલી નવ પંક્તિમાં કવયિત્રી આઠ-આઠ વાર નકાર ઘૂંટીને પોતાનો આક્રોશ રજૂ કરે છે. સરવાળે સંવેદનાતંત્રને હચમચાવી મૂકે એવી રચના…

Comments (10)

પિતાજી ઘરે પાછા ફરતા – દિલીપ ચિત્રે (અનુ. વિવેક મનહર ટેલર)

મારા પિતાજી મોડી સાંજની ટ્રેનમાં મુસાફરી કરે છે
મૂક સહપ્રવાસીઓની વચ્ચે પીળા પ્રકાશમાં ઊભા-ઊભા
એમની વણ-જોતી આંખ સામેથી પરાંઓ પસાર થાય છે
એમનો શર્ટ અને પેન્ટ પાણીથી તરબોળ છે અને કાળો રેઇનકોટ
કાદવથી ખરડાયેલો અને ચોપડીઓ ઠાંસીને ભરેલો થેલો
પડુ પડુ થઈ રહ્યો છે. ઉંમરના કારણે ઝાંખી પડેલી એમની આંખો
ભેજાળ ચોમાસાની રાતમાં ઘર તરફ ધૂંધળી પડી રહી છે.
હવે હું એમને ટ્રેનમાંથી ઊતરતા જોઈ શકું છું
એક લાંબા વાક્યમાંથી ખરી પડેલા શબ્દની જેમ.
એ ઝડપ કરે છે ભૂખરા લાંબા પ્લેટફૉર્મ પર,
રેલ્વેલાઇન ઓળંગે છે, કતારમાં પ્રવેશે છે,
એમની ચપ્પલ કાદવથી ચપ-ચપ થાય છે પણ એ વધુ ઝડપ કરે છે.

ઘરે પાછા, હું જોઉં છું એમને ફિક્કી ચા પીતા,
વાસી રોટલી ખાતા, પુસ્તક વાંચતા.
એ સંડાસમાં જાય છે
માનવ-સર્જિત જગતમાં માનવના માનવથી વેગળાપણા વિશે ચિંતન કરવા માટે.
બહાર આવતાં સિન્ક પાસે એ જરા ધ્રુજારી અનુભવે છે,
ઠંડુ પાણી એમના કથ્થઈ હાથો પરથી દદડી રહ્યું છે,
કેટલાંક ટીપાં એમની હથેળી પરના ધોળાં વાળ પર લટકી રહ્યાં છે.
એમના અતડાં બાળકો ટૂચકાંઓ કે રહસ્યો
એમની સાથે વહેંચતા ઘણુંખરું બંધ થઈ ગયાં છે. એ હવે સૂવા માટે જશે
રેડિયો પર ઘોંઘાટ સાંભળતા સાંભળતા, પોતાના પૂર્વજો
અને પૌત્રોના સપનાં જોતા જોતા, વિચાર કરતા કરતા
એ રખડુ આર્યો વિશે જેઓ સાંકડા ઘાટ મારફત ઉપખંડમાં આવ્યા હતા.

– દિલીપ ચિત્રે (અંગ્રેજી)
(અનુ. વિવેક મનહર ટેલર)

ગુજરાતમાં જન્મેલા મરાઠી કવિની એક અંગ્રેજી કવિતાનો અનુવાદ…

હૃદયની આરપાર તીણી તીખી છરીની જેમ નીકળી જતી કારમી વાસ્તવિક્તાનું નગ્ન ચિત્રણ. કવિતા એટલી સાફ અને સીધી છે કે એના વિશે કશું પણ બોલવાની જરૂર નથી. મારે તો આ એક જ વાક્ય ગમતાંના ગુલાલના ન્યાયે ફરી વંચાવવું છે: “હું એમને ટ્રેનમાંથી ઊતરતા જોઈ શકું છું, એક લાંબા વાક્યમાંથી ખરી પડેલા શબ્દની જેમ.” – આ છે સશક્ત કવિતા! વાહ કવિ…

Comments (8)

મેટ્રો સ્ટેશન પર – એઝરા પાઉન્ડ (અનુ. વિવેક મનહર ટેલર)

ભીડમાં ઓછાયા આ ચહેરા તણા;
પાંદડીઓ ભીની, કાળી ડાળ પર.

– એઝરા પાઉન્ડ
(અનુ. વિવેક મનહર ટેલર)

*
Imagist poetryના અગ્રણી પ્રણેતા એઝરા પાઉન્ડની આ કવિતા, પહેલાં ૩૬ પંક્તિની હતી. કવિએ ત્યાર બાદ એને અઢાર પંક્તિની કરી દીધી અને આખરે માત્ર દોઢ લીટી અને ચૌદ શબ્દો. છત્રીસ પંક્તિમાંથી દોઢ પંક્તિની યાત્રા કાપવા માતે કવિએ એક આખું વરસ લીધું… એક આખા વરસની મથામણ માત્ર સાચા શબ્દ સાચી રીતે ગોઠવી શકાય એ માટે… ઇમેજિસમનો મૂળ સિદ્ધાંત તમામ બિનજરૂરી શબ્દોનો નિર્મમ ત્યાગ કરીને એક ચિત્ર માત્ર ભાવકની સામે મૂકી દેવું તે છે.

લગભગ સો વર્ષ પહેલાં ૧૯૧૨માં લખાયેલી આ કવિતા લાઘવની દૃષ્ટિએ સુન્દરમના દોઢ લીટીના પ્રેમના ઉપનિષદ “તને મેં ઝંખી છે”ની યાદ કરાવે. ચૌદ શબ્દોની આ કવિતાને કેટલાક ચૌદ પંક્તિના સૉનેટ સાથે પણ સરખાવે છે – પહેલી પંક્તિમાં આઠ શબ્દો (અષ્ટક) અને બીજીમાં છ (ષટક).

જીવની ક્ષણભંગુરતા એ આ કવિતાનો મુખ્યાર્થ છે. કાળી ડાળી ભીની છે. મતલબ વરસાદ પડી ચૂક્યો છે અને વરસાદના મારથી ફૂલની પાંદડીઓ ખરી પડી છે. કેટલીક રંગબિરંગી પાંદડીઓ આ કાળી અને ભીની ડાળ પર હજી ચોંટી રહી છે. પણ સમજી શકાય છે કે થોડા સમય બાદ ડાળી સૂકાશે અને પવન વાશે ત્યારે આ પાંદડીઓ પણ ત્યાં નહીં હોય.

પેરિસના અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન પરની સતત બદલાતી જતી ભીડ… ભૂતની જેમ ઉપસી આવતા અને તરત ખોવાઈ જતા હજારો ચહેરાઓ… જેમ મેટ્રો સ્ટેશન પર નજરે ચડતાં અને અલોપ થતાં ચહેરાઓની ક્ષણભંગુરતા એ આપણા સહુનું પૃથ્વી પરનું આવાગમન સૂચવે છે. આ ચિત્ર, આ સંવેદન ભાવકની સામે કઈ રીતે મૂકવું એની મથામણમાંથી જન્મ્યું આ લઘુ કાવ્ય..

*

In a Station of the Metro

The apparition of these faces in the crowd;
Petals on a wet, black bough.

– Ezra Pound

Comments (11)

હું કોણ ? – લલ્લા (કાશ્મીરી) (અનુ. વિવેક મનહર ટેલર)

नाथा पाना ना पर्जाना
साधित् बाधिम् एह् कुदेह ॥
चि मु चू मि मिलो ना जाना
चू कु मु कु क्यों सन्देह् ॥

– लल्ला

નાથ ! ન જાણું, હું છું કોણ ?
ચાહ્યા કીધો મેં સદા આ કુદેહ,
તું હું, હું તું, આ મેળથી અજાણ,
તું કોણ ? હું કોણ ? શો સંદેહ ?

– લલ્લા
અનુ. વિવેક મનહર ટેલર

*
લલ્લા કહો કે લાલ દીદ… ચૌદમી સદીના અંત ભાગમાં પ્રાચીન કાશ્મીરના જંગલ અને ગામોમાં ફરતી અર્ધનગ્ન વણજારણ સાધ્વી અને કવયિત્રી યોગિની હતી… શૈવ પંથની પ્રચારક.  એના વિશે વધુ જાણકારી નથી પણ એવું કહેવાય છે કે એની સાસુએ એને ત્રાસ આપી આપીને ઘરમાંથી ખદેડી કાઢી એ પછી એણે વણજારાની જિંદગી અપનાવી હતી.  રખડપટ્ટી દરમિયાન મળેલ ગુરુઓની મદદથી લલ્લાને જીવનપંથ જડ્યો. જેમ આપને ત્યાં કબીર એમ કાશ્મીરમાં લલ્લાનું સ્થાન છે.

अहम ब्रह्मास्मि । – એ આ કાવ્યનો પ્રધાન સૂર છે. હું કોણ છું નો સનાતન પ્રશ્ન લલ્લા પણ ઊઠાવે છે અને કહે છે કે આખી જિંદગી હું કોણ, તું કોણ કરવામાં વ્યતીત થઈ ગઈ. આ દેહની પાછળ જીવન પૂરું થઈ ગયું. પણ આપણો ‘હું’ એ અને બ્રહ્મનો ‘તું’ – આ બે અભિન્ન છે એ તથ્ય જ વિસરાઈ ગયું. પરમબ્રહમની સાથેનું આપણું સાયુજ્ય જાણી ન શકવું એ જ સૌથી મોટી ભૂલ છે.

*

Lord, I have not recognized myself (as one with Thee)
Continually have I shown affection for this single body.
That Thou art I, that I am Thou, that these are joined in one I knew not.
It is doubt to say, ‘Who am I?’ and ‘Who art Thou?’

– Lalla
(Eng. Translation: George Grierson)

Comments (7)

ખાતરી – એડવિન મૂર (અનુ. વિવેક મનહર ટેલર)

હા, તારો જ, મારી પ્રિયે ! છે સાચો માનવ ચહેરો,
મેં મારા મનથી અત્યાર સુધી રાહ જોયા કરી,
ખોટું જોતો રહ્યો અને હતો સત્યની તલાશમાં,
ત્યારે જ તું જડી એમ જેમ કોઈ પથિકને જડી જાય એક સ્થળ
સ્વાગત ભર્યું, ખોટાં ખીણ-પર્વતો અને વાંકળિયાળ રસ્તાઓમાં.
પણ તું, હું શું કહું તને ?
વગડામાંનો ફુવારો ?
ઉષર દેશમાં પાણીનો કૂવો?
અથવા કંઈ પણ જે પ્રામાણિક અને સારું છે, એક આંખ
જે વિશ્વ સમસ્તને પ્રકાશિત કરે છે.
આપવાના ઔદાર્યથી સરળ તારું વિશાળ હૃદય, બક્ષે છે આદિ કાર્ય.
સૌપ્રથમ સારી દુનિયા, વસંત, પ્રફુલ્લિત બીજ,
સગડી, અવિચળ ભૂમિ, ભટકતો દરિયો,
બધી રીતે સુંદર કે વિરલ નહીં
પણ તારી જેમ જ, જેમ એ હોવા જોઈએ એમ જ.

– એડવિન મૂર
(અનુ. વિવેક મનહર ટેલર)

જરા ધીરે રહીને ઊઘડતું મજાનું કાવ્ય. “જે શોધવામાં જિંદગી આખી પસાર થાય, ને એ જ હોય પગની તળે એમ પણ બને” (મ.ખંડેરિયા) જેવી વાત… પોતાના પ્યારનો ચહેરો જ સાચો ચહેરો છે એની ખાતરી કવિને કેવી સરસ રીતે થાય છે અને આપણને પણ કરાવવામાં આવે છે ! કશું જ સમગ્રતયા સુંદર કે વિરલ હોતું નથી. જે છે એ જેમ હોવું જોઈએ એમ જ હોય એમાં જ એનું સાચું સૌંદર્ય છે.

*
The confirmation

Yes, yours, my love, is the right human face,
I in my mind had waited for this long.
Seeing the false and searching the true,
Then I found you as a traveler finds a place
Of welcome suddenly amid the wrong
Valleys and rocks and twisting roads.
But you, what shall I call you?
A fountain in a waste.
A well of water in a country dry.
Or anything that’s honest and good, an eye
That makes the whole world bright.
Your open heart simple with giving, give the primal deed.
The first good world, the blossom, the blowing seed.
The hearth, the steadfast land, the wandering sea,
Not beautiful or rare in every part
But like yourself, as they were meant to be.

– Edwin Muir

Comments (5)

હું તૈયાર છું – વૉલ્ટર લેન્ડર (અનુ. વિવેક મનહર ટેલર)

હું કોઈ સાથે લડતો નથી, કેમકે કોઈ મારા ઝઘડાને લાયક નથી,
મેં કુદરતને ચાહી છે, અને કુદરત પછી, કળાને:
જીવનના આતશ કને મેં બંને હાથ તાપ્યા છે,
એ હોલાઈ રહ્યો છે, અને હું તૈયાર છું જવા માટે.

– વૉલ્ટર લેન્ડર
(અનુ. વિવેક મનહર ટેલર)

*
મૃત્યુની તૈયારીનું નાનું પણ કેવું મજાનું ચિત્ર ! કવિ કોઈ વિવાદમાં કદી પડતાં નથી કેમકે કવિ કોઈને એ લાયક ગણતા નથી. કવિને તો રસ હતો માત્ર પ્રકૃતિ અને એ પછી કળામાં. કહી શકાય કે કવિ જિંદગી ભરપૂર જીવ્યા છે. અને કવિ પોતે પણ એ જ કહે છે કે જિંદગીના અગ્નિ પાસે એમણે અસ્તિત્વને ખૂબ મજેથી તાપી લીધું છે. કોઈ ઝઘડો નથી. કોઈ અસંતોષ નથી હવે. જિંદગીના ઓલવાતા જતા અગ્નિ સામે કોઈ ફરિયાદ પણ નથી. કવિ તૈયાર છે…

સાવ ચાર પંક્તિનું કાવ્ય… પણ હળવેથી વાંચતા ભીતરથી એક ચીસ નીકળી જાય એવું…

*

I strove with none, for none was worth my strife.
Nature I loved and, next to Nature, Art:
I warm’d both hands before the fire of life;
It sinks, and I am ready to depart.

– Walter Savage Landor

Comments (6)

મારું હૃદય ઊછળી પડે છે – વિલિયમ વર્ડ્ઝવર્થ (અનુ. વિવેક મનહર ટેલર)

મારું હૃદય ઊછળી પડે છે જ્યારે હું જોઉં છું
આકાશમાં એક ઇન્દ્રધનુષ :
એમ જ હતું મારું જીવન શરૂ થયું ત્યારે પણ,
એમ જ છે જ્યારે હું હાલ પુરુષ છું:
એમ જ રહે જ્યારે હું ઘરડો થાઉં ત્યારે,
કે મરી જાઉં તો પણ !
બાળક એ પુરુષનો પિતા છે;
અને હું ઇચ્છું છું કે મારા દિવસો
સંપૃક્ત રહે એક-મેક સાથે કુદરતી ધર્મનિષ્ઠાથી.

-વિલિયમ વર્ડ્ઝવર્થ
(અનુ. વિવેક મનહર ટેલર)

*

નાનપણમાં મેઘધનુષ્યને જોઈને હૃદય જે રીતે હર્ષવિભોર બની જતું એ જ રીતે પુખ્તવયે પણ અનુભવાતું જોઈ કવિ ઇચ્છે છે કે આ આનંદની છોળ ઘડપણ સુધી, ના, ના ! મૃત્યુપર્યંત આમ જ અનુભવાતી રહે.

The Child is father of the Man – આ વિધાન વિશ્વના સહુથી વધુુ quote થયેલ વિધાનોમાંનું એક છે. બાળક એ પુરુષનો પિતા છે એવું અવળું વિધાન કરી કવિ કહે છે કે બાળપણના સંસ્કરણો જ મોટપણને આકાર આપે છે. અને એ નાતે બાળક જ માણસનો પિતા છે.

માત્ર નવ લીટીની આ નાનકી કવિતા ઉઘાડવાની ખરી ચાવી આ વિધાન ઉપરાંત natural piety શબ્દપ્રયોગમાં છે. આમ એનો અર્થ કુદરતી ધર્મનિષ્ઠા થાય છે પણ અહીં પૈતૃકસંબંધની વાત હોવાનું ફલિત થાય છે… પણ એનો અનુવાદ શો કરવો?

*

MY heart leaps up when I behold
A rainbow in the sky:
So was it when my life began,
So is it now I am a man,
So be it when I shall grow old
Or let me die!
The Child is father of the Man:
And I could wish my days to be
Bound each to each by natural piety

– William Wordsworth

Comments (4)

દરવાજામાં આંગળાં – ડેવિડ હૉલબ્રુક (અનુ. વિવેક મનહર ટેલર)

ક્ષણાર્ધ બેદરકાર અને મેં મારી બાળકીના આંગળા બારસાખમાં કચડી નાંખ્યા. એણે
શ્વાસ રોકી લીધો, આખેઆખી અમળાઈ ઊઠી, ભ્રૂણ-પેઠે,
પીડાની
બળબળતી હકીકત સામે. અને એક પળ માટે
મેં ઇચ્છ્યું કે હું વિખેરાઈ જાઉં સેંકડો હજાર ટુકડાઓ થઈ
મૃત ચળકતા તારાઓમાં. બચ્ચી આક્રંદી ઊઠી,
એ મને વળગી પડી, અને મને સમજાયું કે તે અને હું કઈ રીતે
પ્રકાશ-વર્ષો વેગળાં છીએ કોઈ પણ પારસ્પારિક સહાય કે આશ્વાસનથી. એના માટે મેં બી વેર્યાં’તા
એની માના ગર્ભમાં; કોષ વિકસ્યા અને એક અસ્તિત્વ તરીકે આકારાયા:
કશું જ એને મારા હોવામાં પુનઃસ્થાપિત નહીં કરે, અથવા અમારામાં, કે એની માતામાં પણ જેણે
પોતાની અંદર
એને ધારી અને અવતારી, અને જે એના નાળવિચ્છેદ પર રડી હતી,
મારી તમામ ઇર્ષ્યા ઉપરાંત,
કશું જ પુનઃસ્થાપિત નહીં કરી શકે. તેણી, હું, મા, બહેન, વસીએ છીએ વિખેરાઈને
મૃત ચળકતાં તારાઓ વચ્ચે:
અમે છીએ ત્યાં અમારા સેંકડો હજાર ટુકડાઓમાં !

– ડેવિડ હૉલબ્રુક
અનુ. વિવેક મનહર ટેલર

સંબંધની વાસ્તવિક્તાની જાંઘ ઉઘાડી આપતી આ તેજાબી કવિતા આપણામાંથી મોટાભાગનાને નહીં પચે.

અહીં બાપ-દીકરીના સંદર્ભમાં ગમે તેટલાં નજીક જણાતાં સંબંધમાં -મા-સંતાનના સંબંધમાં પણ- રહેલી પ્રકાશવર્ષો જેટલી અલગતા વિશે વાત થઈ છે. ગમે એટલા સ્નેહાસિક્ત કેમ ન હોઈએ, પીડા કે એ સંદર્ભમાં અન્ય કોઈપણ અનુભૂતિ આપણે પરસ્પર સહિયારી શકતાં નથી. ‘દો જિસ્મ-એક જાન’ની આપણી સદીઓ જૂની ફેન્ટસી પર કવિ સીધો જ કુઠારાઘાત કરે છે.

અજાણતાં જ પોતાની ફૂલ સમી બાળકીની આંગળીઓ દરવાજામાં આવી જતાં બાળકી જે રીતે આક્રંદી ઊઠે છે અને સગો બાપ હોવા છતાં અને દીકરીને જી-જાનથી ચાહતો હોવા છતાં દીકરીના દર્દને સહિયારી ન શકવાની અશક્તિનો અહેસાસ બાપને આપણા સંબંધોમાં બે તારાઓની વચ્ચે રહેલી દૂરતા જેવી અંધારી વાસ્તવિક્તાનો અહેસાસ કરાવે છે…

*
Fingers in the Door

Careless for an instant I closed my child’s fingers in the jamb. She
Held her breath, contorted the whole of her being, foetus-wise against the pain. And for a moment
I wished myself dispersed in a hundred thousand pieces
Among the dead bright stars. The child’s cry broke,
She clung to me, and it crowded in to me how she and I were
Light-years from any mutual help or comfort. For her I cast seed
Into her mother’s womb; cells grew and launched itself as a being:
Nothing restores her to my being, or ours, even to the mother who within her
Carried and quickened, bore, and sobbed at her separation, despite all my envy,
Nothing can restore. She, I mother, sister, dwell dispersed among dead bright stars:
We are there in our hundred thousand pieces!

– David Holbrook

Comments (8)

જેનીએ મને ચુંબન કર્યું

જેનીએ મને ચુંબન કર્યું જ્યારે અમે મળ્યા-
જે ખુરશીમાં એ બેઠી હતી એમાંથી ઊછળીને;
કાળ ! ચોર ! તને આદત છે બધી મીઠી વસ્તુઓ
તારી યાદીમાં સમાવી લેવાની, આ પણ નોંધ !
કહેજે કે હું થાકી ગયો છું, કહેજે કે હું દુઃખી છું,
કહેજે કે આરોગ્ય અને સંપત્તિ -બંને મને ચૂકી ગયાં છે,
કહેજે કે હું ઘરડો થઈ રહ્યો છું, પણ ઉમેરજે,
કે જેનીએ મને ચુંબન કર્યું.

– જેમ્સ લે હન્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)

માણસ પ્રેમમાં પડે ત્યારે સાવ સરળ બાબત પણ કેવી ઉત્તેજના, કેવો ગર્વ જન્માવે છે એનું સર્વાંગસંપૂર્ણ ઉદાહરણ ! વિદેશમાં મુલાકાત થાય ત્યારે ચુંબન કરવાની પ્રણાલિ તો સામાન્ય છે પણ અહીં ખુરશીમાંથી ઊછળીને ચુંબન કરવામાં આવે છે એ ‘ઉછળવા’ની ક્રિયા આખી વાતને અસામાન્ય બનાવી દે છે. ભલભલી યાદોને ચોરી લેતો સમય આ ક્ષણ ચૂકી ન જાય એ માટેની કવિની ટકોર વાતને કાવ્યની કક્ષાએ લઈ જાય છે.

રચનાની દૃષ્ટિએ જોઈએ તો અંગ્રેજીમાં જવલ્લે વપરાતા ટ્રોકેઇક મીટર (સ્વરભારવાળો શબ્દાંશ પછી સ્વરભારહીન શબ્દાંશ)નો અહીં પ્રયોગ થયો છે. સામાન્યરીતે અંગ્રેજી કવિતામાં સ્વરભારનો પ્રયોગ આનાથી ઊલટી રીતે થાય છે. અબઅબ-કડકડની પ્રાસરચના પણ પરંપરાથી જરા ઉફરી ચાલે છે.

એવી વાયકા છે કે ફ્લુની લાંબી બિમારીમાંથી ઊઠીને હન્ટ જ્યારે થોમસ કાર્લાઇલને મળવા જાય છે ત્યારે એની પત્ની જેન વેલ્શ કાર્લાઇલ ખુરશીમાંથી ઉછળીને એને ચૂમે છે. બે દિવસ પછી હન્ટનો નોકર આ કવિતા જેનને આપી જાય છે.

આ કવિતા વિશે વધુ જાણવું હોય તો : Jenny kiss’d me

આ કવિતાની કેવી-કેવી પ્રતિકવિતાઓ બની છે વાત પોતે આ કવિતાની લોકપ્રિયતાની દ્યોતક છે: પ્રતિકવિતાઓ

*

Jenny kiss’d me when we met,
Jumping from the chair she sat in;
Time, you thief, who love to get
Sweets into your list, put that in!
Say I’m weary, say I’m sad,
Say that health and wealth have miss’d me,
Say I’m growing old, but add,
Jenny kiss’d me.

– James Henry – Leigh Hunt

Comments (4)

કેમકે હવે કોઈ મદદ શક્ય નથી – માઇકલ ડ્રાઇટન, (અનુ. વિવેક મનહર ટેલર)

કેમકે હવે કોઈ મદદ શક્ય નથી, ચાલ ચુંબન કરીએ અને છૂટા પડીએ-
ના, બસ. પત્યું. હવે તું મને લગરિક વધુ નહીં મેળવી શકે;
અને હું ખુશ છું, હા, ખુશ છું હૃદયના ઊંડાણથી,
કે આમ આટલી સફાઈપૂર્વક હું મારી જાતને આઝાદ કરી શક્યો.
હાથ મેળવી દે હંમેશને માટે, રદ કરી દે આપણા બધા સોગંદ,
અને ક્યારેક કોઈ સમયે આપણે મળી જઈએ ફરીથી,
તો બેમાંથી એકેયના કપાળ પર એ નજરે ન ચડે
કે આપણામાં એક અંશ પણ પ્રેમ ભૂતકાળનો બચી ગયો છે.
હવે પ્રેમના આખરી શ્વાસના આખરી ડચકે,
જ્યારે, એની નાડી બંધ પડી રહી છે, ધબકાર વાચાહીન સૂતો છે,
જ્યારે શ્રદ્ધા એની મૃત્યુશય્યા પર ઘુંટણિયે પડી છે,
અને નિર્દોષતા એની આંખ બીડી રહી છે,
– હવે, જો તું ધારે તો, એના માટેની બધી આશા જ્યારે મૂકી દીધી છે,
મૃત્યુના મુખમાંથી કદાચ તું જ એને પરત આણી શકે.

– માઇકલ ડ્રાઇટન
અનુ. વિવેક મનહર ટેલર

કાયમ માટે છૂટા પડી જવાનો અડીખમ નિર્ણય કદાચ કેટકેટલાં મનોમંથનો પછી લેવાયો હશે… છૂટાં પડતી વખતે એક ઔપચારિક ચુંબન અને કાયમની ગુડ-બાય. જીરવી ન શકાતા બંધનમાંથી આઝાદ થતી વખતે હૃદય કેવો હર્ષ અનુભવતું હશે. એક-મેક સાથે ખુલાસાઓ થઈ રહ્યા છે. બધી યાદ, બધા સોગંદ-બધું જ હવે કાયમ માટે ભૂલી જવાનું છે. ક્યારેક જોગાનુજોગ ક્યાંક ભટકાઈ જવાય તો એકેયના ચહેરા પરની કરચલીઓમાં ભૂતકાળનો પ્રેમ નજરે પણ ન ચડવો જોઈએ એવી સમજૂતિ સાથે છૂટાં પડવાનું છે, કેમકે પ્રેમ હવે આઇસીસીયુમાં છેલ્લાં શ્વાસ ભરી રહ્યો છે.

અહીંયા સુધીની ઘટના વધતે-ઓછે અંશે આપણે સહુએ જીવનમાં ક્યાંક ને ક્યાંક અનુભવી છે. પણ ખરી કવિતા અને સૉનેટની ચોટ છે આખરી બે કડીઓમાં. (જોકે મને સંતોષ થઈ શકે એવું ગુજરાતી હું આ પંક્તિઓનું નથી કરી શક્યો). કવિ કહે છે કે તેં આ પ્રેમનો પૂર્ણપણે ત્યાગ કર્યો છે પણ હજી કદાચ તું પાછી ફરે… એક નજર આ તરફ કરે.. એક સ્મિત મારા તરફ ફેંકે… એક હાથ લંબાવે… તો કદાચ આ પ્રેમ ફરીથી એવોને એવો જીવિત થઈ ઊઠે…

કવિતાની શરૂઆતમાં અડીખમ દેખાતો નાયક કાવ્યાંતે કેવો વિહ્વળ નજરે ચડે છે… આ આશા જ પ્રેમ છે… આ પ્રેમ જ જિંદગી છે…

*

આખરી બે પંક્તિના અનુવાદમાં સહાયક થવા બદલ ડૉ. મુકુર પેટ્રોલવાલા તથા ધવલ શાહનો આભાર…

*

Since There’s No Help – Michael Drayton

Since there’s no help, come, let us kiss and part,
Nay, I have done, you get no more of me,
And I am glad, yea, glad with all my heart,
That thus so cleanly I myself can free.
Shake hands for ever, cancel all our vows,
And when we meet at any time again
Be it not seen in either of our brows
That we one jot of former love retain.
Now at the last gasp of Love’s latest breath,
When, his pulse failing, Passion speechless lies,
When Faith is kneeling by his bed of death,
And Innocence is closing up his eyes,
Now, if thou wouldst, when all have given him over,
From death to life thou mightst him yet recover.

Comments (19)

દફ્તરને ગુસ્સો આવ્યો…

we

*

૧૪ નવેમ્બર… બાળદિન… મારા દીકરા સ્વયમની પણ વર્ષગાંઠ… એક બાળગીતની મજા લઈએ…

*

દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું,
વીસ વરસ પહેલાંનું દફ્તર સપનામાં કેમ આવ્યું ?

વીસ વરસ પહેલાંનું દફ્તર – સળેખડું ને સોટી,
રંગ-રંગના વાદળિયાંની ભીતર ભરી લખોટી;
સપનાં ખિલખિલ કરતાં ખેંચે એક-મેકની ચોટી,
ભૂલ થઈ ક્યાં, ક્યારે? આજે પડી ગણતરી ખોટી,
વીસ વરસમાં દફ્તર ક્યાંથી ક્યાં જઈ પટકાયું?

સંતાકૂકડી, ખોખો, લંગડી પાડે છે પોકાર,
શેરી-ગલીઓ-મેદાનો પર કેવો અત્યાચાર ?
પગલાંઓને બદલે શાને રુંધે છે સુનકાર ?
ભાર વિનાનું ભણતર કે ભણતર વિનાનો ભાર ?
ટીવી ને કમ્પ્યૂટર નીચે પગપણું કચડાયું…
દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું.

દફ્તરમાં તૂટી ગ્યાં સઘળાં સપનાંઓ ધડુમ…
ટાઇમ-ટેબલ તો રહી ગયું પણ ટાઇમ થયો છે ગુમ;
દફ્તરમાં ઠાંસી છે ચોપડીઓની લૂમેલૂમ,
થોડી જગ્યા માંડ બચી ત્યાં ટ્યુશન પાડે બૂમ.
સ્કૂલ અને ટ્યુશનની વચ્ચે દફ્તર કેમ પિસાયું?
દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું

– વિવેક મનહર ટેલર
(૩૧-૧૨-૨૦૧૧/ ૧૭-૦૨-૨૦૧૩)

My Size Pencil

Comments (12)

મર્યાદાઓ – હોર્હે લૂઈસ બોર્હેસ (અનુ. વિવેક મનહર ટેલર)

મરીઝની એક પંક્તિ જે હું ફરી યાદ નથી કરવાનો,
એક નજીકની જ શેરી જે હવે મારા ચરણ માટે છે વર્જ્ય,
એક અરીસો જેણે બસ, છેલ્લી જ વાર મને જોયો,
એક દરવાજો જે મેં બંધ કરી દીધો પ્રલયના દિવસ સુધી,
મારા પુસ્તકાલયમાંના પુસ્તકો (જે મારી સામે જ પડ્યા છે)
એમાંના કેટલાક હું હવે ક્યારેય ઊઘાડવાનો જ નથી.
આ ઉનાળે મેં પચાસ પૂરાં કર્યાં;
મૃત્યુ અનવરત મને કોરી રહ્યું છે.

– હોર્હે લૂઈસ બોર્હેસ (સ્પેનિશ)
અનુ. વિવેક મનહર ટેલર

*

વનપ્રવેશ – જીવનની પચાસ વસંત પૂરી કરી એકા’વન’માં પ્રવેશવાની ઘડી ઘણા લોકો માટે યુ-ટર્ન બની રહે છે. જેટલાં ગયાં એટલાં હવે બાકી નથીનો નક્કર અહેસાસ ભલભલાને ધ્રુજાવી દે છે. મરણ ઢૂંકડું ભાસે એટલે સ્મરણ ઝાંખા પડવા માંડે ને ચરણ થાકવા માંડે… મર્યાદાઓ નજરે ચડવા માંડે…

*
Limits

There is a line in Verlaine I shall not recall again,
There is a street close by forbidden to my feet,
There’s a mirror that’s seen me for the very last time,
There is a door that I have locked till the end of the world.
Among the books in my library (I have them before me)
There are some that I shall never open now.
This summer I complete my fiftieth year;
Death is gnawing at me ceaselessly.

-Jorge Luis Borges
(English trans. Julio Platero Haedo)

(Verlaine- જાણીતા ફ્રેન્ચ કવિ)

*

આ કવિતાના ઉપસંહારમાં કવિ લખે છે કે,

“A man sets himself the task of portraying the world. Through the years he peoples a space with images of provinces, kingdoms, mountains, bays, ships, islands, fishes, rooms, instruments, stars, horses, and people. Shortly before his death, he discovers that that patient labyrinth of lines traces the image of his face.”

Comments (6)

શોકગીત – અજ્ઞાત (ચીન) (અનુ. વિવેક મનહર ટેલર)

તકિયા ઉપર ગાલને ગાલ અડાડીને,
પ્રેમ કરવાનું આપણે વચન આપ્યું હતું જ્યાં સુધી લીલા પર્વતોનું પતન ન થાય,

અને લોઢું નદી પર તરવા ન માંડે,
અને ગંગા નદી જાતે સુકાઈ ન જાય;

પ્રેમ કરવાનો જ્યાં સુધી સપ્તર્ષિ દિવસે ન ઊગે
અને ધ્રુવતારક દક્ષિણમાં ચાલ્યો ન જાય.

આપણે વચન આપ્યું હતું અમર પ્રેમનું જ્યાં સુધી સૂર્ય
મધરાત્રે આકાશ બાળી ન મૂકે.

– અજ્ઞાત (ચીન)
અનુ. વિવેક મનહર ટેલર

*

લગભગ ચૌદસો – પંદરસો વર્ષ પહેલાં ચીનના કોઈક કવિએ લખેલ આ શોક-ગીત ક્રૌંચવધ જોઈ વાલ્મિકીના હૃદયમાં જેવો ચિત્કાર જાગ્યો હતો એવો ચિત્કાર આપણી ભીતર જગાડે છે. પ્રેમમાં સંભોગની કોઈક અંતરંગ પળોમાં બંને પ્રેમી આકાશકુસુમવત્ પ્રતિકો વડે વચન આપે છે અને છૂટા પડે છે… જેણે દિલથી પ્રેમ કર્યો છે એ પ્રેમી માટે તો વિયોગની આ પળો હજી પણ પ્રેમની ઉત્કટતા જેટલી જ પીડાદાયક છે…

*

Cheek to cheek on our pillows,
we promised to love until green mountains fall,

and iron floats on the river,
and the Yellow River itself runs dry;

to love till Orion rises in the day
and the north star wanders south.

We promised undying love until the sun
at midnight burns the sky.

by Anonymous
(Chinese T’sang Dynasty)

(Yellow River = એશિયાની બીજા નંબરની મોટી નદી)

Comments (4)

(પૈસો) – હેનરી મિલર (અનુ. વિવેક મનહર ટેલર)

પૈસામાં ચાલવું રાત્રિની ભીડમાં થઈને,
પૈસા વડે રક્ષાવું, પૈસા વડે જ સૂવું, ઝાંખા પડવું
પૈસા વડે,
ટોળું પોતે જ પૈસો,
શ્વાસ પૈસો,
નાનામાં નાનો કોઈ એક પદાર્થ પણ ક્યાંય એવો નહીં જે પૈસો ન હોય,
પૈસો, પૈસો જ સર્વત્ર અને તોય અપૂરતો,
અને પછી પૈસાનો અભાવ,
અથવા થોડો પૈસો અથવા ઓછો કે વધુ પૈસો,
પણ પૈસો, હંમેશા પૈસો,
અને જો તમારી પાસે પૈસો છે અથવા નથી.

એ પૈસો જ છે જેની ગણના છે
અને પૈસો જ બનાવે છે પૈસાને,
પણ શું છે જે બનાવે છે પૈસાને પૈસો ?

– હેનરી મિલર
(અનુ. વિવેક મનહર ટેલર)

*

‘ધન’નો અર્થ તો વેદાંતકાળથી જ સ્પષ્ટ હતો. એ જમાનામાં ધનનો અર્થ થતો હતો દોડ અથવા દોડસ્પર્ધાના વિજેતાને મળતો પુરસ્કાર. આમ, એ સમયથી જ ‘દોડવું’ એ ધન સાથે જોડાઈ ગયું હતું અને ત્યારથી દેશ ભલે કોઈ પણ હોય, સંસ્કૃતિ ભલે કોઈ પણ હોય અને સમય પણ ભલે કોઈ પણ હોય, માણસ ધનની પાછળ દોડતો જ રહ્યો છે… કવિ કાવ્યાંતે એક મહત્ત્વનો પ્રશ્ન પૂછે છે કે કઈ વસ્તુ છે જે પૈસાને પૈસો બનાવે છે?

*

To walk in money through the night crowd,
protected by money, lulled by money, dulled
by money,
the crowd itself a money,
the breath money,
no least single object anywhere that is not money,
money, money everywhere and still not enough,
and then no money,
or a little money or less money or more money,
but money, always money,
and if you have money or you don’t have money.

It is the money that counts
and money makes money,
but what makes money make money?

– Henry Miller

Comments (3)

અતિથિગૃહ – રૂમી (અનુ. વિવેક મનહર ટેલર)

આ મનુષ્ય હોવું એ એક અતિથિગૃહ છે.
દરેક સવારે એક નવું આગમન.

એક આનંદ, એક હતાશા, એક હલકટાઈ,
કેટલીક ક્ષણિક જાગૃતિ
આવે એક અણધાર્યા મુલાકાતી તરીકે.

સર્વનું સ્વાગત કરો અને મનોરંજન પણ!
ભલે તેઓ દુઃખોનું એક ટોળું કેમ ન હોય,
જે હિંસાપૂર્વક તમારા ઘરના
રાચરચીલાંને પણ સાફ કરી નાંખે,
છતાં પણ, દરેક મહેમાનની સન્માનપૂર્વક સરભરા કરો.
એ કદાચ તમને સાફ કરતા હોય
કોઈક નવા આનંદ માટે.

ઘેરો વિચાર, શરમ, દ્વેષ,
મળો એમને દરવાજે સસ્મિત
અને આવકારો એમને ભીતર.

જે કોઈ આવે એમના આભારી બનો,
કારણ કે દરેકને મોકલવામાં આવ્યા છે
એક માર્ગદર્શક તરીકે પેલે પારથી.

– રૂમી
(અનુ. વિવેક મનહર ટેલર)

*

આ કવિતા માટે એક લેટિન વાક્યપ્રયોગથી વિશેષ કશું મનમાં આવતું નથી: res ipsa loquitur (It speaks for itself) (એ સ્વયંસ્પષ્ટ છે)

*

This being human is a guest house.
Every morning a new arrival.

A joy, a depression, a meanness,
some momentary awareness comes
as an unexpected visitor.

Welcome and entertain them all!
Even if they’re a crowd of sorrows,
who violently sweep your house
empty of its furniture,
still, treat each guest honorably.
He may be clearing you out
for some new delight.

The dark thought, the shame, the malice,
meet them at the door laughing,
and invite them in.

Be grateful for whoever comes,
because each has been sent
as a guide from beyond.

– Rumi
(English Translation by Coleman Barks)

Comments (10)

(સાક્ષી) – માર્કસ આર્જેન્ટેરિયસ (અનુ. વિવેક મનહર ટેલર)

છાતી છાતી સાથે આલિંગનબદ્ધ,
સ્તન સાથે સ્તન,
અધર દબાયા છે મીઠા અધર સાથે,
અને એન્ટિગનીની ત્વચાને મારી ત્વચા બનાવીને
હું રહું છું મૌન
બીજી બધી ક્રિયાઓ પરત્વે
જે સૌ માટે આ દીવો બન્યો છે સાક્ષી.

– માર્કસ આર્જેન્ટેરિયસ
(અનુ. વિવેક મનહર ટેલર)

*
ગઈ કાલે આપણે આ કવિતાનું એક ભાષાંતર માણ્યું જ્યાં એન્ટિગનીનો ઉલ્લેખ સમજણના પ્રદેશની જરા બહાર રહી ગયો હોય એમ લાગતું હતું. પ્રસ્તુત ભાષાંતરમાં વાત થોડી સ્પષ્ટ થતી લાગે છે. બે હજાર વર્ષ પહેલાંના પુરુષપ્રધાન ગ્રીસમાં એન્ટિગનીએ એકલા હાથે પોતાના ભાઈઓની દફનવિધિ માટે જે રીતે કમર કસી હતી એ એની તાકાતનો અહેસાસ કરાવે છે… અહીં રતિક્રીડામાં સ્ત્રી-પુરુષનું સર્જાતું મૂક સાયુજ્ય એની હાજરીની તાકાતનો અહેસાસ કરાવે છે…

*

Leaning chest to chest,
breast to breast,
pressing lips on sweet lips,
and taking Antigone’s skin to my skin,
I keep silent
about the other things,
to which the lamp is registered as witness.
– Marcus Argentarius
(Greece)

Comments (3)

પ્રેમ પછી પ્રેમ – ડેરેક વૉલ્કોટ (અનુ. વિવેક મનહર ટેલર)

સમય આવશે
જ્યારે, ઉત્તેજના સાથે,
તમે તમારી જાતને આવતી આવકારશો
તમારા પોતાના દરવાજે, તમારા પોતાના અરીસામાં,
અને બંને જણ સ્મિત કરશે પરસ્પરના આવકાર પર,

અને કહો, અહીં બેસો. આરોગો.
તમે ફરીથી આગંતુકને ચાહશો જે તમારી જ જાત હતો.
દારૂ પીરસો. રોટી આપો. પાછું આપો તમારું હૃદય
તમારા હૃદયને જ, આગંતુકને જેણે તમને ચાહ્યો છે

તમારું આખું જીવન, જેને તમે અવગણ્યો છે
બીજા માટે, જે તમને જાણે છે દિલથી.
અભરાઈ પરથી પ્રેમપત્રો ઉતારો,

ફોટોગ્રાફ્સ, વિહ્વળ નોંધો,
ઉતરડી નાંખો તમારું પોતાનું પ્રતિબિંબ અરીસામાંથી.
બેસો. તમારી જિંદગીને ઉજવો.

-ડેરેક વૉલ્કોટ
(અનુ. વિવેક મનહર ટેલર)

*
જીવનની દોડમાં ને અન્યોને ચાહવાની હોડમાં આપણે મોટાભાગે જાતને ચાહવાનું ભૂલી જતાં હોઈએ છીએ. અને જે જાતને નથી ચાહી શકતો એ અન્યને શી રીતે ચાહી શકે? પણ ક્યારેક એવો સમય જરૂર આવે છે જ્યારે તમારી પોતાની જાત તમને આગંતુક બનીને તમારા ઘરના દરવાજે, તમારા અરીસામાં મળે છે. એને આવકારો. એને ચાહો. અભરાઈ પરથી જૂની યાદો, જૂના સંબંધો ઉતારી દઈ, જે આભાસી જિંદગી તમે જીવતા આવ્યા છો એને જીવનના અરીસામાંથી ઉતરડી નાંખો અને તમારું પોતાનું હોવું ઉજવો…

વાઇન અને બ્રેડના સંદર્ભ ઇસુ ખ્રિસ્તને આ કવિતા સાથે સાંકળી કવિતાને આધ્યાત્મનો રંગ પણ આપે છે… દરવાજો, અરીસો અને પ્રેમને એ સંદર્ભમાં પણ જોઈ શકાય.

આ કાવ્ય અને ટિપ્પણી તૈયાર કર્યા પછી ધ્યાન ગયું કે આ કવિતાનો અનુવાદ તો ધવલે પણ લયસ્તરો પર મૂક્યો છે. આ સાથે જ ધવલનો અનુવાદ અને એની લાક્ષણિક ટિપ્પણીનો પણ લાભ લો: https://layastaro.com/?p=7076

*

Love after Love

The time will come
when, with elation,
you will greet yourself arriving
at your own door, in your own mirror,
and each will smile at the other’s welcome,

and say, sit here. Eat.
You will love again the stranger who was your self.
Give wine. Give bread. Give back your heart
to itself, to the stranger who has loved you

all your life, whom you ignored
for another, who knows you by heart.
Take down the love letters from the bookshelf,

the photographs, the desperate notes,
peel your own image from the mirror.
Sit. Feast on your life.

– Derek Walcott

Comments (10)

દિલ ભલા, આપણે એને ભૂલી જઈશું – એમિલી ડિકિન્સન

દિલ ભલા, આપણે એને ભૂલી જઈશું,
તું અને હું, આજ રાત્રે!
તું ભૂલી જજે એણે આપેલી ઉષ્મા,
હું ભૂલી જઈશ પ્રકાશ !

જ્યારે તું પરવારી લે, મહેરબાની કરી કહેજે મને,
ત્યારે હું મારા વિચારોને ધૂંધળા કરી દઈશ.
જલ્દી કર! રખેને તું પાછળ પડી જાય
ને હું એને યાદ કરી બેસું.

-એમિલી ડિકિન્સન
(અનુ. વિવેક મનહર ટેલર)

*
આજે વેલેન્ટાઇન ડે પર એક અનોખું પ્રેમકાવ્ય. કહે છે કે પ્રેમની ખરી તાકાતનો અંદાજ વિરહમાં મળે છે, મિલનમાં નહીં. પ્રેમભગ્ન થયા પછી નાયિકા પોતાના હૃદય સાથે સંવાદ સાધે છે અને બેવફા પ્રેમીને ભૂલી જવાનું નક્કી કરે છે. પણ ભૂલવાની પ્રક્રિયા કેટલી તો વસમી છે કે નાયિકા પહેલી ચાર લીટીમાં જ ત્રણ-ત્રણ વાર ‘ભૂલી’ શબ્દ દોહરાવે છે.

અને મજા તો ત્યાં છે જ્યારે નાયિકા હૃદયને મીઠો ઉપાલંભ આપે છે કે એને ભૂલવામાં જલ્દી કરજે. નાહક તું ધીમું પડશે અને હું એને યાદ કરી બેસીશ. કેવી વિવશતા ! કેવી મજાની પ્રેમની દિવાનગી હશે, કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.

Heart, we will forget him

Heart, we will forget him,
You and I, tonight!
You must forget the warmth he gave,
I will forget the light.

When you have done pray tell me,
Then I, my thoughts, will dim.
Haste! ‘lest while you’re lagging
I may remember him!

– Emily Dickinson

Comments (19)

તે રહેતી હતી વણકચડાયેલા રસ્તાઓ વચ્ચે – વિલિયમ વર્ડ્સવર્થ (અનુ. વિવેક મનહર ટેલર)

તે રહેતી હતી વણકચડાયેલા રસ્તાઓ વચ્ચે
હિમાલયના ઝરણાંઓની પાસે.
એક નોકરાણી જેને વખાણનારું ત્યાં કોઈ નહોતું
અને ચાહનારું તો જવલ્લે જ.

શેવાળિયા પથ્થર તળેનું એક જાંબુડી ફૂલ
આંખોથી અડધું ઓઝલ !
– તારા જેવું શુભ્ર, જ્યારે એક જ
ચમકતો હોય આકાશમાં.
એ ગુમનામ જ જીવી, અને બહુ ઓછાં જાણી શક્યાં
કે લ્યુસી ક્યારે હયાત ન રહી;
પણ એ એની કબરમાં છે, અને, આહ
મને પડેલો ફરક !

-વિલિયમ વર્ડ્સવર્થ
(અનુ. વિવેક મનહર ટેલર)

*
ગુજરાતી સાહિત્યમાં જેમ રમેશ પારેખની ‘સોનલ’, આસિમ રાંદેરીની ‘લીલા’, એમ અંગ્રેજી સાહિત્યમાં વર્ડ્સવર્થની ‘લ્યુસી’… લ્યુસી કોઈ જીવિત વ્યક્તિ હતી કે કાલ્પનિક, એ આપણી કલ્પનાનો વિષય છે. વર્ડ્સવર્થે લ્યુસી ઉપર કુલ માત્ર પાંચ જ કાવ્યો લખ્યાં છે પણ આ કાવ્યોએ ખૂબ વિશદ ચર્ચા જગાવી છે.

એક લગભગ ગુમનામ નોકરાણી જે અકાળે અવસાન પામી એના ન હોવાથી દુનિયાને શો ફરક પડે ? શેવાળછાયા પથ્થરો તળે જેમ નાનકડું રંગીન ફૂલ ઢંકાઈ જાય એમ દુનિયાની ઉપાધિઓ તળે આ છોકરીનું અસ્તિત્વ લગભગ વણપ્રીછ્યું જ રહ્યું. એના ન હોવાથી કવિને જે ફરક પડ્યો એ જ કદાચ એના આખાય જીવતરનું સાર્થક્ય !

આ કવિતા વિશે વિષદ ચર્ચા આપ અહીં માણી શકો છો.

*

She dwelt among the untrodden ways
Beside the springs of Dove,
A Maid whom there were none to praise
And very few to love.

A violet by a mosy stone
Half hidden from the eye!
– Fair as a star, when only one
Is shining in the sky.
She lived unknown, and few could know
When Lucy ceased to be;
But she is in her grave, and, oh,
The difference to me!

– William Wordsworth

Comments (11)

મૌનનો પડઘો : ૦૮ : ઝેન હાઇકુ – યૌસુનારી ફાટ્સોનાબી

japanese-woodcut-2

 

સાચું ! સૌ લખે
એક જ મૃત્યુકાવ્ય,
હુ છું અનેક.

– યૌસુનારી ફાટ્સોનાબી
(અનુ. વિવેક મનહર ટેલર)

 

મોટાભાગના ઝેન-માસ્ટર એક જ મૃત્યુકાવ્ય લખી ગયા છે. પણ ફાટ્સોનાબીએ હજારથી વધુ મૃત્યુકાવ્ય લખ્યા છે. એ સ્થૂળ સંદર્ભ બાજુએ મૂકીને આ હાઇકુ જોવા જેવું છે. આ ખરેખર કવિતાની વાત છે કે જિંદગીની? કવિ કદાચ કહે છે કે બધા એક જ જિંદગી જીવીને મરી જાય છે પણ હું એક માણસ નથી, હું અનેક માણસ છું. હું એક માસ્ટર નથી, હું અનેક માસ્ટર છું માટે હું એક નહીં, અનેક જિંદગી જીવી શક્યો છું.

Comments (4)

મૌનનો પડઘો : ૦૬: કુદરતી સર્જનશક્તિ – લાઓઝી

NM-CJ044Sb

ખીણનો આત્મા કદી ખૂટતો નથી.
આને કહે છે “તળહીન સ્ત્રી”.
તળહીન સ્ત્રીનો દરવાજો:
આને કહે છે “બ્રહ્માંડનું ઉદગમસ્થાન”.
રેશમી ! જાણે કે એનું અસ્તિત્વ છે.
એને વાપરવામાં, આરામથી.

– લાઓઝી

આ તે કવિતા કે કોયડો ?

ધ્યાનથી પસાર થઈએ તો પુરુષવાદી સમાજ વિરુદ્ધનો સૂર અહીં સંભળાય છે. કંફ્યુસિયસ, એરિસ્ટોટલ જેવાઓએ પુરુષને જ સૃષ્ટિનો આધાર ગણ્યો હતો એવા સમયે ઇસુના ત્રણસો વર્ષ પૂર્વે સ્ત્રીની કુદરતી સર્જનશક્તિને સલામ કરતી આવી કવિતા મળી આવે એ મોટી વાત છે. ખીણની ફળદ્રુપતા જે કદી ખૂટતી નથી અને જેની સમૃદ્ધિનું કોઈ તળિયું હાથ આવતું નથી એનો આકાર સ્ત્રીયોનિ જેવો છે જેને કવિ બ્રહ્માંડનાઅ ઉદગમસ્થાન સાથે સરખાવે છે. પણ કવિ ‘હેન્ડલ વીથ કેર’ જેવી ચેતવણી આપે છે. સ્ત્રીનું જાણે કે એનું અસ્તિત્વ જ ન હોય એવી રેશમી મુલાયમતાથી અને આરામથી ઉપયોગ અને ઉપભોગ કરો તો એનો આત્મા અખૂટ છે… એ આપતી જ રહેશે… આપતી જ રહેશે…

Comments (11)

મૌનનો પડઘો : ૦૫: મૂલ્યોનો ઉથલો – લાઓઝી

144597_full_1024x662

આકાશ તળે, પાણીથી વધુ કોમળ અને વધુ ઇચ્છાનુવર્તી બીજું કશું નથી.
અને તોય જ્યારે એ નક્કર, સખત પદાર્થો પર આક્રમણ કરે છે,
એમાનું કોઈ એની સામે જીતી શકતું નથી.
કારણ તેઓ પાસે એને ખસેડી શકે એવું કશું નથી.
એ જે સાનુકૂળતા તાકાત સામે જીતી જાય છે;
એ જે કોમળતા સખ્તાઇ સામે જીતી જાય છે,
એ વાત સામાજીક વિશ્વમાં કોઈ પણ સમજી શકવામાં નિષ્ફળ રહે છે.
કોઈ પણ એનો મહાવરો કરી શકતું નથી.
માટે જ સાધુઓએ કહ્યું છે,
સ્થિતિની અપૂર્ણતાનો સ્વીકાર કરો.
સાચું પ્રવચન એ વિરુદ્ધોને પલટાવવા જેવું છે.

-લાઓઝી
(અનુ. વિવેક મનહર ટેલર)

ઝેન વિચારધારા આપણી રુઢિગત વિચારધારાથી સાવ અલગ છતાં નકરી સચ્ચાઈભરી છે. કોઈ પણ સખત પદાર્થ સામે પાણી વિરોધ કર્યા વિના ઝૂકી જાય છે પરિણામે એ જીતી જાય છે. પાણીને જે રંગમાં મેળવો, એ રંગે રંગાઈ જાય છે, જે પાત્રમાં ભરો એનો આકાર લઈ લે છે. પાણી વિરોધ નથી, સમર્પણ છે માટે એ અજેય છે. આ કોમન સેન્સ છે પણ લોકો સમજી શકતા નથી. જીવનમાં જે અપૂર્ણતા છે એનો સ્વીકાર કરી લેવો એ પોતે અપૂર્ણતાથી મુક્તિ મેળવવા બરાબર છે. આપણી જિંદગી પૂર્ણતાની પ્રાપ્તિ પાછળ દોડવામાં પૂરી થઈ જાય છે. સ્થિતિનો યથાતથ સ્વીકાર એ જ ખરી પૂર્ણતા છે. આપણા પ્રવચનો, ધર્મ, ઉપદેશ એ વિરોધી વસ્તુઓને સાચું સાબિત કરવા જેવા છે.

નિરપેક્ષ સંપૂર્ણ તાટસ્થ્ય એ ઝેન વિચારધારાનો પ્રાણ છે, જો સમજી શકાય તો !

Comments (4)