આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.
રમેશ પારેખ
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for પ્રકીર્ણ
પ્રકીર્ણ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
September 18, 2010 at 12:40 AM by વિવેક · Filed under પ્રકીર્ણ, વિવેક મનહર ટેલર
દોસ્તો,
‘ચિત્રલેખા’ના સાડા ચાર લાખ પરિવારના હાથમાં એકીસાથે પહોંચવાનું સપનું કઈ આંખ ન જુએ? આજે આ શમણું સાચું પડ્યું એનો તો આનંદ છે જ પણ સુરેશ દલાલ જેવી માતબર કલમના હાથે આ સૌભાગ્ય પ્રાપ્ત થયું એ આનંદ તો કંઈ ઓર જ છે. આ આનંદ આપ સહુ સાથે વહેંચવાનો પણ એક આનંદ છે… ‘ગરમાળો’ અને ‘શબ્દો છે શ્વાસ મારા’ થોડા મહિનામાં જ આપના હાથમાં મ્હોરશે…
-વિવેક
*

Permalink
September 14, 2010 at 10:19 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
લે, આ મને ગમ્યું તે મારું
પણ જો તને ગમે તો તારું!
મારું, તારું ને ગમવું પણ,
લાવ, લાવ કરીએ સહિયારું!
તું જીતે ને થાઉં ખુશી હું,
લેને, ફરી ફરીને હારું!
ઈટ્ટા-કિટ્ટા એક ઘડીના,
બાકી સઘળું પ્યારું પ્યારું!
હસિયે રમિયે મીઠું લાગે,
થૂ, આંસુ તો લાગે ખારું!
ગીત હોય તો શીદ અબોલા,
તું ઝીલી લે, હું લલકારું!
રમિયે ત્યાં લગ હાથ રમકડું,
મોજ મહીં શું તારું-મારું!
– રાજેન્દ્ર શુક્લ
ગમતાને સહિયારું કરવું – એ એક વામન પગલામાં આ જનમ આખો જીતી લેવાની તાકાત છે.
Permalink
August 24, 2010 at 10:24 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
આકાશ છે, અંધકાર છે, ઈશ્વર છે
આભાસ છે, મૌન છે, હવાનો સ્તર છે
છો મારી પ્રતીક્ષા કોઈ પોલાણ રહી
પણ તારી એ ગેરહાજરી ક્યાં નક્કર છે ?
– જવાહર બક્ષી
Permalink
August 17, 2010 at 4:51 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
પાણીનું એક ટીપું
જો એ તાવડી પર પડે
તો એનું અસ્તિત્વ જ મટે છે.
એ જો કમળના પાન પર પડે
તો મોતી જેવું ચમકી ઊઠે છે.
અને જો છીપમાં પડ્યું
તો મોતી જ થઈ જાય છે.
પાણીનું ટીપું એ જ
તફાવત માત્ર સહવાસનો.
– અશ્વિની પાનસે (અનુ. અરુણા જાડેજા)
સોબતની અસરને ઓછી ન આંકશો. હમણા જ કશે વાંચેલું કે What you will become in five years depends on the people you meet and the books you read.
Permalink
August 9, 2010 at 10:59 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
કૃષ્ણ તારી પ્રીતના તો કંઈક દાવેદાર છે
કોઈ તારી પીડાને જીરવી જવા તૈયાર છે?
રંગ મહેલોની ઉદાસી કોઈએ જાણી નથી
લોક સમજે દ્વારિકામાં તો બધું ચિક્કાર છે
કમનસીબી એ જ, કે આંખ ખાલી બે જ
શું કરે રાધા કે એના અશ્રુઓ ચોધાર છે
વાંસળી છોડી સુદર્શન હાથ ધરવું પડ્યું
આ જગત સામે બિચારો ઈશ્વરેય લાચાર છે
એક અમથું તીર એને કઈ રીતે મારી શકે?
આ ગુનામાં સ્વયમ પોતે જ હિસ્સેદાર છે.
– હિતેન આનંદપરા
કૃષ્ણ આનંદ-ઉલ્લાસ-પ્રેમના દેવ છે. એમની પીડાની વાત ભાગ્યે જ કોઈ કરે છે. એ અવતારની પાછળની પીડાને જે.વી.એ આ લેખમાં બહુ ઉમદા રીતે સમજાવી છે. આ લેખ અને ગઝલ બન્ને બહુ મનનીય થયા છે. ( આભાર, શ્રુતિ મેહતા)
Permalink
August 9, 2010 at 10:48 PM by ઊર્મિ · Filed under પ્રકીર્ણ, બ્લોગજગત
મિત્રો, તમને જાણ તો હશે જ કે શનિવારે ‘શિકાગો આર્ટ સર્કલ‘ના મિત્રો તરફથી આપણા કવિ શ્રી ડૉ. અશરફ ડબાવાલાની કાવ્યપ્રવૃત્તિને ગયા શનિવારે સાંજે શિકાગોમાં યોજાયેલા કવિ સંમેલનમાં બિરદાવવામાં આવ્યા હતા. આ સાથે જ આપણા ગુજરાતી બ્લોગ જગત માટે એક અત્યંત આનંદનાં સમાચાર જણાવું ?……… અચ્છા ચાલો, હવે બહુ રાહ નહીં જોવડાવું, એમ પણ શિર્ષક પરથી તો પેપર ફૂટી જ ગયું ને… 
આપણા ગુજરાતી બ્લોગ જગત માટે એક અત્યંત આનંદનાં સમાચાર એ છે કે શિકાગોનાં એ જ બે દિવસીય કાર્યક્રમનાં ભાગરૂપે રવિવારે મુનશી ત્રિપુટીનાં ગુજરાતી સુગમ સંગીતનાં કાર્યક્રમ દરમ્યાન આપણા વ્હાલા ટહુકો.કૉમની સંચાલક ટીમ, જયશ્રી અને અમિતને, ટહુકો.કૉમ દ્વારા થતી ગુજરાતી સાહિત્ય અને સંગીતના અવિરત પ્રચારની નિ:સ્વાર્થ પ્રવુત્તિ માટે ‘શિકાગો આર્ટ સર્કલ’નાં મિત્રો તરફથી એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ગુજરાતી બ્લોગ જગતમાં ચાલતી સાહિત્યિક પ્રવૃત્તિની નોંધ અગ્રગણ્ય અખબારોએ તો ઘણા વખતથી લેવા જ માંડી છે. હવે બ્લોગજગતની પ્રવૃત્તિને એવોર્ડ પણ પ્રાપ્ત થઈ રહ્યો છે એ આપણા સૌ માટે અત્યંત ખુશી અને ગૌરવની વાત છે.
સૂરજની બાંગ પુકારતા કૂકડા જેટલી નિયમિતતાથી ક્યારેક શબ્દ તો ક્યારે શબ્દ સાથે સૂર પીરસતા ટહૂકો.કૉમ અને એની ટીમને મારા, ધવલ અને વિવેકનાં પરિવાર તરફથી તથા ઊર્મિસાગર.કૉમ અને લયસ્તરો.કૉમનાં વાચકો તરફથી તેમ જ આપણા સમગ્ર ગુજરાતી બ્લોગ જગત તરફથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન… અને ભવિષ્યમાં આવા ઘણા પારિતોષિક મળતા રહે એવી અઢળક શુભકામનાઓ…
Permalink
July 21, 2010 at 12:40 AM by વિવેક · Filed under ઉમાશંકર જોશી, ઉમાશંકર વિશેષ, પ્રકીર્ણ

(ઉમાશંકર જોશી… …૨૧-૦૭-૧૯૧૧ થી ૧૯-૧૨-૧૯૮૮)
*
ગુજરાતી કવિતાના રવીન્દ્ર શ્રી ઉમાશંકર જોશીનું જન્મ શતાબ્દી વર્ષ આજથી પ્રારંભ થાય છે. નેટ-ગુર્જરી પર લયસ્તરો.કોમ આ ઉજવણીના શ્રી ગણેશ કરે છે પરિણામે આવનાર આખું વર્ષ કવિશ્રીની કવિતાઓનો મેહુલો લયસ્તરોના વાદળ થકી તમારા હૃદયના કાગળ અનરાધાર ભીંજવતો રહેશે.
ગુજરાતમાં ના જન્મ્યા હોત તો આખા વિશ્વે એમની નોંધ સગર્વ લીધી હોત અને એ સમગ્ર વિશ્વના મોખરાના કવિ લેખાયા હોત. ઉમાશંકર સાચા અર્થમાં માનવ નહીં, વિશ્વમાનવ હતા. એમની કવિતાઓ સચરાચર પ્રકૃતિના તમામ ઘટકની વેદના અને સંવેદનાની સંવાહક છે. મનુષ્ય સ્વભાવનો તળસ્પર્શી અભ્યાસ અને પ્રકૃતિના કણ-કણ માટેનો બિનશરતી પ્રેમ એમના સર્જનનો ખરો આત્મા છે.
સાહિત્યના જે આયામને એમની લેખિનીનો પારસ અડ્યો એ સોનું થઈ ગયો. કવિતા, નવલિકા, નાટક, પદ્યનાટક, નિબંધ, આસ્વાદ, વિવેચન, અનુવાદ, પ્રવાસ લેખન, સંશોધન, સંપાદન અને ‘સંસ્કૃતિ’ના તંત્રી. પણ કવિ ઉમાશંકર બધામાં શ્રેષ્ઠ. સાડા પાંચ દાયકાની એમની વિશાળ સર્જનયાત્રા એમની સંનિષ્ઠતા અને સમર્પિતતાની આરસી છે.
પ્રથમ કાવ્ય સંગ્રહ ‘વિશ્વ શાંતિ’ના પહેલા કાવ્યની પહેલી લીટી ‘ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો’ અને આખરી કાવ્યસંગ્રહ ‘સપ્તપદી’ની આખરી કવિતાની આખરી લીટી ‘ છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે’ની વચ્ચે એમણે સતત શબ્દને પોંખ્યો છે અને શબ્દે સતત એમને. સર્જક તરીકે એ સતત વિકાસ પામતા રહ્યા. અનુકરણ અને અનુરણનના બે મસમોટાં જોખમોથી એ સદા બચીને ચાલ્યા, બીજાથી તો ખરું જ, પોતાથી પણ. પરિણામે એમની દરેક કવિતામાં આપણને નવા ઉમાશંકર મળ્યા. એમની કવિતા એકાંગી નથી. એ સારાંને પણ સ્વીકારે છે, નરસાંને પણ ભેટે છે. ઉમાશંકરના હૃદયકોશમાં રાત એટલે અંધારું નહીં પણ અજવાળાનો પડછમ. એમની કવિતા ઝેર પચાવીને પણ અમૃતનો ઓડકાર ખાય છે. એમની કવિતા કાળાતીત છે. એ જગત આખાને અઢેલીને બેઠી છે. એમની કવિતામાં વિશ્વ છે અને એમના વિશ્વમાં કવિતા છે.
સૉનેટ, અછાંદસ, છાંદસ, ગીત, ખંડકાવ્ય, પદ્યનાટક, મુક્તક – કવિતાના બધા પ્રકાર એમણે સપૂરતી સમજણ અને સજાગતાથી ખેડ્યા છે. ગાંધીયુગ અને અનુગાંધીયુગ, પરંપરા અને આધુનિક્તા, વ્યક્તિ અને સમષ્ટિ – એમની કલમ બધાયને સમાનભાવે અડી છે.
સાબરકાંઠાના બામણા ગામમાં જન્મ. એમ.એ. સુધીનો અભ્યાસ. ગુજરાત વિદ્યાસભા (૧૯૩૯ થી ૧૯૪૬) અને પછી ગુજરાત યુનિવર્સિટી (૧૯૫૪થી) માં અધ્યાપક. ગુજરાત યુનિવર્સિટી અને બાદમાં વિશ્વભારતી(૧૯૭૯ થી ૧૯૮૧) ના કુલપતિ. દિલ્હી સાહિત્ય અકાદમી(૧૯૭૮) ના પ્રમુખ પણ બન્યા. નાનાવિધ પુરસ્કારો અને સન્માનથી અભિષિક્ત.
ગુજરાતી કવિતાના આકાશમાં પ્રકાશેલા એ સર્વશ્રેષ્ઠ સૂર્ય હતા એમ કહીએ તો એમાં કશું ખોટું નથી ‘વિશ્વશાંતિ’, ‘ગંગોત્રી’, ‘નિશીથ’, ‘પ્રાચીના’, ‘આતિથ્ય’, ‘વસંતવર્ષા’, ‘મહાપ્રસ્થાન’, અભિજ્ઞા’, ‘ધારાવસ્ત્ર’, ‘સપ્તપદી’ જેવા દસ સશક્ત કાવ્યસંગ્રહો. ‘સમગ્ર કવિતા’માં આ તમામ સમાવિષ્ટ.
(આવતીકાલથી એક અઠવાડિયા સુધી રોજ ઉ.જો.ની બે કવિતાઓ જન્મ શતાબ્દીની ઉજવણી નિમિત્તે)
Permalink
July 20, 2010 at 10:23 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
કવિ ડો. આશરફ ડબાવાલાને ગુજારાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક, ગુજારાત રાજ્ય સાહિત્ય અકાદમીનો પુરસ્કર, ગુજરાતી લિટરરી એકેદેમી ઓફ નોર્થ અમેરિકા દ્વારા આપાતું ચુનીલાલ વેલજી મહેતા પારિતોષિક અને આઇ.એન.ટી.(INT)નો કલાપી એવોર્ડ પ્રાપ્ત થયો છે. તેમના કાવ્યસંગ્રહ ‘ધબકારાના વારસ’ને ભાવનગર યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ.એ. ના અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તક તરીકે પસંદ કરવામાં આવેલ છે. છેલ્લાં ૧૫ વર્ષથી ડો.ડબાવાલા ‘શિકાગો આર્ટ સર્કલ’ સંસ્થાથકી ગુજારાતી સાહિત્ય, સંગીત અને કલાના વિવિધ કાર્યક્રમો રજૂ કરી શિકાગો વિસ્તારમાં આપણી સાંસ્કૃતિક પ્રવૃત્તિના પ્રચાર ને પ્રસારમાં પ્રવૃત્ત છે.
ડો.ડબાવાલાની કાવ્યપ્રવૃત્તિને બિરદાવવા ‘શિકાગો આર્ટ સર્કલ’ના મિત્રોએ ૭મી ને ૮મી ઓગસ્ટે શબ્દ ને સંગીતના મહોત્સવનું આયોજન કરેલ છે.

Permalink
July 13, 2010 at 10:51 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
ફક્ત બે ચહેરા :
અવાક.
જિંદગીના પરિઘમાં અટવાયેલા,
પોતાનામાં જ ઊંડે ડૂબેલા.
ભાષા કેટલું અર્થહીન શસ્ત્ર હોય છે
અંધારું ભેદવા માટે.
આ સંબંધનો નિ:શબ્દ સમુદ્ર.
અને તારામારા પાર્થિવ ચહેરા,
આંખો પણ છેતરામણી
પ્રતિબિંબમાં કેવળ
ઘટનાઓની પ્રસંગોની રેખા.
એટલે તો કહું છું દેહ ભૂલી જા.
– વસંત ડહાક
(મરાઠીમાંથી અનુ. જયા મહેતા)
સાથે જ છીએ. પણ સાથે હોવાની આ પાતળી હકીકત પર ચાલે છે જિંદગી નામની ઘટનાનું સતત આક્રમણ. ભાષા, સંબંધ, ચહેરા, આંખો – બધું ય નિષ્ફળ. ક્યાં સુધી દોડીશું ? ચાલ, દેહ ઊતારીને જરા આરામથી બેસીએ.
Permalink
June 14, 2010 at 11:03 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
જીવતરના બે ભાગ કર્યા, પછી એક અડધિયું જીવ્યા
પ્રેમ પણ અર્ધો કર્યો, ધિક્કાર અર્ધો જીવ્યા
સત્ય બોલ્યાપણ પહેલાં એના બે ભાગ કર્યા
સાહસ હતું ઓછું, જૂઠાણું પણ અર્ધું જીવ્યા !
ન્યાય હતો સહેજ છેટો, પણ મજલ અર્ધી જ કાપી
મન પણ પૂરેપૂરું પાપી નહોતું, છેહ તો પુણ્યને ય આપ્યો
પૂછો, પૂછો –
તરસ છીપી નહિ કે
આપણે જ ઓછું પાણી પીધું ?
– કુંતલકુમાર જૈન
(અનુ. રમેશ પારેખ)
આપણે કશું જીગર ફાડીને પૂરેપૂરું કરી શકતા નથી. પ્રેમ – સત્ય – ન્યાય – જીવન -મૃત્યુ બધું જ અડધું કરે રાખીએ છીએ. એ અડધામાંથી કંઈ ન ઊગે એમાં વાંક કોનો ? – આપણો જ સ્તો !
Permalink
May 28, 2010 at 11:50 AM by વિવેક · Filed under પ્રકીર્ણ
દૂરતા કોઈ વખત મોંઘી પડી,
પણ નિકટતા તો સતત મોંઘી પડી.
જીવવા જેવું જ જીવાયું નહીં,
જીવવાની આવડત મોંઘી પડી.
મ્હેંક તારા શહેરમાં સારી હતી,
શ્વાસમાં ગઈ કે તરત મોંઘી પડી.
આમ તો ઘરમાં કશું નહોતું છતાં.
બહાર રહેવાની શરત મોંઘી પડી.
શક્યતાઓમાં સતત સળગ્યા કર્યો,
શબ્દ સાથેની રમત મોંઘી પડી.
-જવાહર બક્ષી
સંબંધમાં અંતર તો ક્યારેક જ તકલીફદાયક હોય છે પણ સાથે રહેવું તો ક્ષણેક્ષણ અગ્નિપરીક્ષા જેવું છે…
Permalink
May 26, 2010 at 10:12 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
એક પાંદડું પડી રહ્યું ડાળ પર
ઉદાસી કે આશાનો કોઈ સૂર નહીં
એક પાંદડું પડી રહ્યું ડાળ પર
અને કોઈ અસુખ નહીં.
એક પાંદડું : કેવળ પાંદડું
હવામાં, અને એકલતા કે મૃત્યુ વિશેની
કોઈ વાત નહીં. એક પાંદડું અને એ પોતાને ખર્ચી નાખે છે.
ઝૂલીને હળવેથી લહરમાં.
-ડેવિડ ઈગ્નાતો
(અનુ. સુરેશ દલાલ)
એક પછી એક અનાવશ્યક આવરણો દૂર કરીને આપણી છેક પોતાની અંદર સુધી જઈએ તો આપણું ‘હોવાપણું’ પણ ચોક્કસ આ પાંદડા જેવી જ અવસ્થામાં મળે.
હોવું એટલે કે being એટલે કે સરળતા. થવું એટલે કે becoming એટલે કે સંકુલતા.
અત્યારની ક્ષણથી આગળ ન જવું અને અત્યારની ક્ષણથી પાછળ પણ ન પડવું – બસ ઝૂલી લેવું લહેરમાં, આ ક્ષણમાં – એ જ જિંદગી !
Permalink
May 25, 2010 at 10:34 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
એના પાયામાં પડી બારાખડી
ચોસલાંથી શબ્દોનાં ભીંતો ચણી
એક તત્સમ બારણું પ્રવેશનું
સાત ક્રિયાપદની બારી ઊઘડી
ભોંયતળિયે પાથર્યાં વિરામચિહ્ન
ને અનુસ્વારોનાં નળિયાં છાપરે
ગોખમાં આઠે વિભક્તિ ગોઠવી
ભાવવાચક નામ મૂક્યું ઉંબરે
થઇ ધજા ફરક્યું ત્યાં સર્વનામ તું
ટોડલે નામોના દીવા ઝળહળ્યા
સાથિયા કેવળપ્રયોગી આંગણે
રેશમી પડદા વિશેષણના હલ્યા
જ્યાં અનુભૂતિનો સુસવાટો થયો
ત્યાં જ આ પત્તાંનો મહેલ ઊડી ગયો
– અદમ ટંકારવી
બહુ કાળજીથી રચેલો નક્શીદાર શબ્દ-મહેલ પણ એક જ અનુભૂતિના પ્રભાવની સામે કાંઈ નથી. અનુભૂતિ હંમેશા શબ્દરમતથી ચડી જ જાય છે. કવિ અહીં ભાષાના વિવિધ તત્વોને બહુ મઝાની રીતે સાંકળી લીધા છે.
Permalink
April 20, 2010 at 9:26 PM by ધવલ · Filed under કિસન સોસા, ગઝલ, પ્રકીર્ણ
બે ઘડી તું ઘર બની, ઉંબર બની, આંગણ બની;
કંકણે રણકી ઊઠી, સિંદૂરે સોહાગણ બની.
સ્વપ્ન જેવું યાદ તારું ઘૂંઘટે ઢાંક્યું વદન;
કેડીએથી તું વહી ચાલી ઝીણી રણઝણ બની.
રેતમાં જળના ચરણ કેટલું ચાલી શકે ?
આખરે થાકી નદી રણમાં ઠરી ગૈ રણ બની.
જે કદી સ્વપ્નેભર્યા વિસ્તૃત સમય જેવી હતી,
એ સમેટાતી સમેટાતી હવે એક ક્ષણ બની.
– કિસન સોસા
પહેલા શેરમાં કુમકુમવરણા સૌભાગ્ય-સૌદર્યનું જે સંક્ષિપ્ત પણ મદમદ વર્ણન છે – કહો, બીજે ક્યાંય જોયું છે ? એક જ શેર આજનો આખો દિવસ સોનેરી કરી દેવા પૂરતો છે ! બીજા શેરમાં ચાલનું શ્રાવ્ય વર્ણન અને છેલ્લામાં વિસ્તૃત સ્વપ્ન સંકેલાઈને છેવટે યાદની એક ક્ષણ બની રહેવાની વાત પણ અસરદાર રીતે આવી છે.
Permalink
January 13, 2010 at 2:22 AM by વિવેક · Filed under પ્રકીર્ણ, સાહિત્ય સમાચાર
પ્રિય મિત્રો,
ભારતના અગ્રણી અખબાર ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના ઉપક્રમે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ અને ભાઈચારો પ્રસ્થાપિત થાય એવા ઉજળા હેતુથી બંને દેશના ગઝલકારો માટે એક ઑન-લાઇન તરહી મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત, પાકિસ્તાન અને વિદેશોમાં વસતા ભારત અને પાકિસ્તાની મૂળના ગઝલકારોને નિમ્નલિખિત પંક્તિ પર પોતાની રચના વીસમી જાન્યુઆરી સુધીમાં મોકલી આપવા વિનંતી છે:
“सरहद की दोनों ओर चहकता चमन रहे |”
– આ પંક્તિ ઉપર હિંદી અથવા ઉર્દૂ ભાષામાં પાદપૂર્તિ કરી વીસમી સુધીમાં dr_vivektailor@yahoo.com અથવા “વિવેક મનહર ટેલર, 47, આયુષ્ય મેડીકેર હૉસ્પિટલ અને કાર્ડિયાક સેન્ટર, 47, સ્વીટી સૉસાયટી, ભટાર રોડ, સુરત-395001, ગુજરાત (ભારત)” પર મોકલી આપવા નમ્ર અનુરોધ છે. પ્રયોગશીલ કવિઓ હિંદી પંક્તિ ઉપર ગુજરાતીમાં ગિરહ બાંધીને રચના મોકલાવી આપે તો એ પણ આવકાર્ય છે…
આપના કવિમિત્રોને, ખાસ કરીને પાકિસ્તાનના કવિમિત્રો જો આપના સંપર્કમાં હોય તો એમને આ ફિલબદીમાં ભાગ લેવા આપ અમારા તરફથી શીઘ્રાતીશીઘ્ર આમંત્રો એવી આપ સહુને અમારી વિનંતી છે…
Permalink
December 21, 2009 at 1:43 AM by વિવેક · Filed under પ્રકીર્ણ, યાદગાર ગીત
ગુજરાતી કવિતાઓની સહુથી વિશાળ વેબસાઈટના પાંચ વર્ષની ઉજવણી નિમિત્તે છેલ્લા પંદર દિવસોમાં આપણે ગુજરાતી સાહિત્યના ત્રીસ યાદગાર ગીતો કવિ-પરિચય અને ગીત-પરિચય સાથે માણ્યાં. વીસમી સદીના ઉત્તરાર્ધમાંશ્વાસ ભર્યા હોય એવા ત્રીસ જ ગીતકારનું ચયન અમે અમારા વાંચન અને સૂઝ-બૂઝના આધારે કર્યું છે ત્યારે ઘણા સારા ગીતકારોને અમે ચૂકી ગયા હોવાની પૂરેપૂરી વકી છે… એ તમામ ગીતકારોની ક્ષમાપ્રાર્થના સાથે યાદગાર ગીતોની આ શૃંખલા હાલ અહીં અટકાવીએ છીએ… પણ હા… આ કંઈ અંત નથી સફરનો… ‘લયસ્તરો’ની યાત્રા તો શક્ય હશે ત્યાં સુધી અનવરત ચાલુ જ રહેવાની…
…આશા રાખીએ કે આપ સહુને ગુજરાતી ગીતોની આ સફરમાં મજા પડી હશે…
-ધવલ-ઊર્મિ-વિવેક
(લયસ્તરો ટીમ)
Permalink
December 11, 2009 at 6:21 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
‘લયસ્તરો’ની હોસ્ટિંગ કંપનીના સર્વર પરમ દિવસે કોઈ જાતની ‘નોટિસ’ વગર અચાનક જ રજા પર ઉતરી ગયા. એટલે છેલ્લા બે દિવસથી ‘લયસ્તરો’ને ગ્રહણ લાગી ગયું હતું. અને વેબસાઈટ પર ગીતોની આશાએ આવતા રસિકો લુખ્ખો જાકારો જ પામતા હતા.
હવે સદનસીબે સર્વરભાઈ માની ગયા છે એટલે સમસ્યાનું હવે નિવારણ થઈ ગયું છે. (ન થયું હોત તમે આ ક્યાંથી વાંચી શકતે ?
) હવે પછી વર્ષગાંઠની ઉજવણી રાબેતા મુજબ ચાલુ રહેશે.
Permalink
December 4, 2009 at 12:30 AM by ધવલ · Filed under ઈન્ટરનેટ પર ગુજરાતી, પ્રકીર્ણ, બ્લોગજગત, યાદગાર ગીત
‘લયસ્તરો’ને આજે પાંચ વર્ષ પૂરા થાય છે. પાંચ વર્ષ આમ તો બહુ નાનો ગાળો છે અને રોજેરોજ આખી દુનિયામાં બનતી અગણિત રોમાંચક ઘટનાઓમાં ‘લયસ્તરો’ના જન્મદિવસનું મહત્વ અલ્પ છે. છતાં પણ, આ નાના ડગલાને આટલી મજલે પહોંચતા જોવું મનને એક અજબ શાતા આપે છે.
‘લયસ્તરો’ બ્લોગ કવિતાના આનંદને વહેંચવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરેલો ત્યારે આ કાફલો આટલો મોટો થશે એવો ખ્યાલ ન હતો. તે વખતે વિશ્વભરમાં ગુજરાતી કવિતાના આટલા ચાહકો હશે એવું કોઈને કહીએ તો લોકો તમને ગાંડા ગણે એવી સ્થિતિ હતી. પણ આજે એ વાત સાચી ઠરી છે. ‘લયસ્તરો’ જ નહીં પણ બીજી અનેક ગુજરાતી કવિતાની વેબસાઈટ્સ-બ્લોગ્સ હોંશભેર વંચાય છે, એ પોતાની રીતે જ એક મહત્વની ઘટના છે. એમ કહી શકાય કે ગુજરાતી કવિતાને એનું નવું સરનામું સાંપડ્યું છે… ૫૫૦થી વધુ કવિઓની ૧૬૫૦થી વધુ રચનાઓ આજે આ ખજાનામાં ક્લિક્વગી થઈ પડી છે અને પ્રતિદિન એક નવી કવિતાનો એમાં ઉમેરો થતો રહે છે… ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે આ એક સીમાચિહ્નરૂપ ઉપલબ્ધિ છે…
આ અવસરે જે જે લોકોએ ‘લયસ્તરો’ને ટેકો કર્યો છે એ બધાનો અમે અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ. ખાસ આભાર તો એ કવિઓનો કે જેમની રચનાઓ અહીં સંગ્રહિત થઈ છે. અને સૌથી વધુ આભાર અમારા વાચકોનો, જે અમને સતત પ્રોત્સાહિત કરતા રહ્યા છે.
દર વર્ષે ‘લયસ્તરો’ની વર્ષગાંઠે કંઈક નવું કરવાની કોશિશ કરીએ છીએ. આ વખતે આવતા 15 દિવસમાં ગુજરાતી સાહિત્યના 30 યાદગાર ગીતો ‘લયસ્તરો’ પર મૂકીશું. ગુજરાતી ગીતોના ઈતિહાસનો ફલક તો બહુ વિશાળ છે એટલે આ યાદગાર ગીતોની શ્રેણીને વીસમી સદીના ઉત્તરાર્ધમાં હયાત હોય એવા ગીતકારોના ગીત સુધી જ સીમિત રાખવાનું નક્કી કર્યું છે. એક ગીતકાર દીઠ એક ગીત પસંદ કરીને આપની સમક્ષ 30 અલગ અલગ ગીતકારોના 30 યાદગાર ગીતો રજૂ કરીશું. તો તૈયાર થઈ જાવ … આવતી કાલથી યાદગાર ગીતોની સફરમાં જોડાવા માટે !
– ધવલ-વિવેક-ઊર્મિ
Permalink
October 12, 2009 at 9:46 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
હું રૂપેરી છું અને સ્વાયત્ત છું
મારી પાસે કોઈ પૂર્વખ્યાલો નથી
હું જે કાંઈ જોઉં છું
તેને તરત જ
જેમ છે તેમ જ ગળી જાઉં છું.
પ્રેમ અને અણગમાના ધુમ્મસ વિના.
હું ક્રૂર નથી
કેવળ સત્યભાષી છું.
નાનકડા ઈશ્વરની ચાર ખૂણાવાળી આંખ છું.
મોટાભાગનો સમય તો
હું સામેની દીવાલનું ધ્યાન ધરું છું.
એ ગુલાબી છાંટવાળી છે.
મેં એના તરફ એટલું બધું જોયા કર્યું છે
કે મને લાગે છે કે
એ મારા હ્રદયનો ભાગ છે.
પણ એ થરથરે છે.
ચહેરાઓ અને અંધકાર
અમને અવારનવાર એકમેકથી અળગા કરે છે.
હવે હું છું સરોવર
એક સ્ત્રી મારા તરફ ઢળે છે
ફંફોળે છે મારા તળિયાને
પોતે ખરેખર શું છે તે પામવા
પછી તે વળે છે જુઠ્ઠાઓ તરફ –
મીણબત્તીઓ અથવા ચાંદા તરફ.
હું એની પીઠ જોઉં છું.
અને વફાદારીથી પ્રતિબિંબિત કરું છું.
મને તે સોગાદ આપે છે
આંસુઓની અને વિરોધમાં ઉગામેલા હાથની.
એને માટે મારું મહત્વ છે
એ આવે છે અને જાય છે
દરરોજ સવારે.
એનો ચહેરો અંધકારનું સ્થાન લે છે.
મારામાં જ એણે ડૂબાડી દીધી છે
જુવાન છોકરીને અને મારામાંથી વૃધ્ધ સ્ત્રી
રોજબરોજ એની તરફ જાય છે
ભયાનક માછલીની જેમ.
– સિલ્વિયા પ્લાથ
( અનુ. સુરેશ દલાલ )
સાચું અને સાચા સિવાય બીજું કશુ ન બોલવાની સજા શું હોય એ અરીસાને પૂછી જુઓ. વહી જતા સમય, જુવાની અને સૌંદયની ગવાહી આપવાનું કામ અરીસાના ભાગે જ આવે છે.
Permalink
October 6, 2009 at 9:01 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
આજ ફરીથી જીવન શરૂ થયું !
આજ મેં નાનકડી સરળ કવિતા વાંચી !
આજ મેં સૂરજને ડૂબતો જોયા કર્યો, – ક્યાંય લગી !
આજ મે શીતલ જલથી સ્નાન કર્યું – હાશ કરીને.
આજ એક નાનકડી છોરી આવી
. ને ઝડપથી ચઢી ગઈ મારે ખભે.
આજ મેં આદિથી અંત લગી પૂરું કર્યું એક ગીત.
આજ જીવન ફરીથી શરૂ થયું !
– રધુવીર સહાય
(અનુ.સુરેશ દલાલ)
આપણા અસ્તિત્વને ખરેખર શણગારવા માટે જે સામાન જરૂરી છે એ તો તદ્દન સાદો, સરળ અને સર્વ-સુલભ છે. એને શોધવા માટે ક્યાંય દૂર જવાની જરૂર નથી.
Permalink
August 11, 2009 at 3:40 PM by ઊર્મિ · Filed under પ્રકીર્ણ
પ્રિય વાચકમિત્રો, ગઈકાલે રાત્રે મોડે સુધી અમારી ઘણી કોશિશો બાદ પણ જ્યારે વર્ડપ્રેસનો આ અટપટો કોયડો ન ઉકલ્યો, ત્યારે કંટાળીને અમે ગોદડાગ્રહણ કર્યું. પરંતુ સવારે ઉઠીને જોયું તો ધવલભાઈની વાત સાવ સાચી જ નીકળી હતી. અડધી રાત પછી એની મેળે જ કોમેંટો આવવાની શરૂ થઈ ગઈ હતી. વર્ડપ્રેસનું આ મનસ્વી વલણ જોઈને મનમાં થયું કે- होता होगा, होता होगा, ऐसा भी तो होता होगा, ‘कोई शरारत मैं भी कर लूं’, उसका भी मन कहेता होगा ! 
મતલબ કે હવે તમે કોઈપણ જાતની તકલીફ વગર અહીં કોમેંટ લખી શકો છો.
Permalink
August 10, 2009 at 8:16 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
‘લયસ્તરો’ પર આપને કોમેંટ મૂકવામાં તકલીફ પડી રહી છે ? તો ચિંતા ન કરતા, એ તકલીફ અમારા ધ્યાનમાં જ છે. અત્યારે જો કોમેંટ મૂકો તો માત્ર ‘કોરું પાનુ’ જ દેખાય છે. લાગે છે કે આ વર્ડપ્રેસના ડેટાબેસની કોઈ ગડબડ છે. અમે આ તકલીફ બને એટલી જલ્દી દૂર કરવાની કોશિશ કરી રહ્યા છીએ. પણ કહેવત છે કે રાજા, વાજા અને વર્ડપ્રેસનો કોઈ ભરોસો નથી એટલે જરા ધીરજ ધરવા વિનંતી છે 
Permalink
July 18, 2009 at 12:30 AM by વિવેક · Filed under ઈન્ટરનેટ પર ગુજરાતી, પ્રકીર્ણ, બ્લોગજગત
ગુજરાતી બ્લૉગ્સની જ્યારે શરૂઆત થઈ ત્યારે જ ખાતરી હતી કે આવતીકાલે પુસ્તકનો ઉંબરો વળોટીને સાહિત્ય અહીં આવશે જ અને ઇન્ટરનેટ ગુજરાતી સાહિત્યનું નવું સરનામું બની રહેશે… સાહિત્યરસિકો તો લગભગ મચી જ પડ્યા છે પણ પ્રતિષ્ઠિત કવિઓ અને એમના પરિવારજનો પણ હવે આમાંથી બાકાત નથી… વધુ ને વધુ કવિઓ નેટ-ગુર્જરીના સભ્ય બની રહ્યા છે એ જોતાં ‘નવા સરનામાં’વાળી ભવિષ્યવાણી લગીરેય ખોટી પડે એમ લાગતું નથી… નથી માનતા ? આ કવિઓ અને એમની વેબસાઈટ્સનું લિસ્ટ જ જોઈ લ્યો ને !!
– અને હવે દિગ્ગજ કવિઓ પણ આ હરોળમાં જોડાયા છે… ક્યારેક કવિ પોતે પોતાની હયાતીમાં તો ક્યારેક કવિના સંતાનો કે મિત્રો એમના દેહાવસાન બાદ… પણ આ ‘ટ્રેન્ડ’ સૂચક છે આવતીકાલના ઊજળા અજવાળાનો !
(તા.ક.: કોઈ કવિની વેબસાઈટ કે બ્લૉગ આ લિસ્ટમાં સરતચૂકથી રહી ગયું હોય તો જણાવવા વિનંતી)
Permalink
July 5, 2009 at 12:30 AM by વિવેક · Filed under પ્રકીર્ણ
૪ ડિસેમ્બર, ૨૦૦૪ના રોજ ધવલે ‘લયસ્તરો.કોમ’ની શરૂઆત એકલા હાથે કરી ત્યારે ઇન્ટરનેટ પર ગુજરાતી બ્લૉગ્સની હજી શરૂઆત થઈ નહોતી પણ ‘ટ્રેડિશનલ’ ફોન્ટ્સવાળી કેટલીક વેબસાઈટ્સ અસ્તિત્વ ધરાવતી હતી. લયસ્તરો શરૂ થયું એના ગણતરીના મહિનાઓમાં બ્લૉગ્સની સંખ્યા વધવી શરૂ થઈ અને આજે અધિકારપૂર્વક ગણવું દોહ્યલું થઈ પડે એ હદે ગુજરાતી બ્લૉગ્સ ફૂલ્યા-ફાલ્યા છે.
પ્રતિદિન એક કવિતા ટૂંકા રસાસ્વાદ અથવા કવિપરિચય સાથે મૂકવાના નિયમ સાથે આ યાત્રામાં હું ૧૩ જાન્યુઆરી, ૨૦૦૬થી જોડાયો અને અમારી આ સહિયારી સફરના આજે લગભગ સાડા પાંચ વરસે ૫૦૦થી વધારે કવિઓની ૧૫૦૦ જેટલી રચનાઓ અહીં માઉસની એક ક્લિક્ પર હાથવગી થઈ છે. આજે લયસ્તરો ગુજરાતી કવિતાઓની સહુથી વિશાળ વેબસાઈટ છે અને આજે જ્યારે અમે બે મિત્રો ૧૫૦૦ના જાદુઈ આંકનો અક્ષુણ્ણ સ્પર્શ કરી રહ્યા છીએ ત્યારે શું કહેવું એ સમજાતું નથી…
…‘આભાર’ શબ્દ આ પહેલાં આટલો વામણો કદી લાગ્યો નહોતો !
ધવલ – વિવેક
(તા.ક. : પંદરસો પોસ્ટનો આ સોનેરી અવસર આવવાનું એકમાત્ર કારણ આપ સહુ ‘લોકો’નો અનવરત સ્નેહ જ છે અને એટલે જ અમે આવતીકાલથી પાંચ દિવસ સુધી રોજ બે લોકગીતો અહીં પીરસીશું.)
Permalink
June 13, 2009 at 2:55 AM by વિવેક · Filed under પ્રકીર્ણ
નેટ-ગુર્જરીનું આકાશ અને પ્રિન્ટ મિડીયાની ધરતી હવે વધુ ને વધુ એકાકાર થઈ રહ્યા છે. લંડનથી પ્રકાશિત થતા ‘ઑપિનિયન’માં લયસ્તરોમાં પ્રકાશિત એક રચના એના ટૂંકા આસ્વાદ સાથે અહીં પ્રકાશિત થઈ છે…

(ઓપિનિયન- મે-2009… …તંત્રી શ્રી વિપુલ કલ્યાણી)
*
આવતા વર્ષે સોળ વરસની સળંગ યાત્રા પછી બંધ થનાર લંડનથી પ્રગટ થતા આ માસિકમાં તંત્રીનોંધ ખાસ વાંચવા જેવી છે. વિદેશમાં ભાષાને જીવતી રાખવાના આટલા સંનિષ્ઠ પ્રયત્ન અને ‘કમિટમેન્ટ’ મેં અન્યત્ર ક્યાંય જોયા નથી. તંત્રી લખે છે: “ભાષા સારી માઠી હશે તેને વિશે લખનારે જરા પણ અચકાવાનું નથી. અમારી શક્તિ પ્રમાણે અમે સુધારી લઈશું. ઓછામાં ઓછી ગુજરાતી જાણનાર વાચક પણ સામયિકની મારફતે જેટલી દાદ લઈ શકે તેટલી દાદ દેવી એ અમારી ફરજ સમજશું“…
…આ નોંધ સામે નતમસ્તક થયા વિના રહી શકાય એમ નથી…
Permalink
June 10, 2009 at 9:59 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
દિવાનાએ એક વાત કહી મુજને નવીન
અર્થ એમાં છે ગંભીર, મને છે યકીન
તૂટી જો પડે મહેલ તો ખંડેર બને
ઝૂંપડી જો ધસી જાય મળે સાફ જમીન !
– મરીઝ
Permalink
April 14, 2009 at 12:30 AM by વિવેક · Filed under महेंदी हसन, પ્રકીર્ણ
મહેંદી હસનના નિરામય દીર્ઘાયુષ્યની પ્રાર્થના માટે સુરત ખાતે યોજાયેલો કાર્યક્રમ જબરદસ્ત સફળતાને વર્યો. હકડેઠઠ ભરાયેલ ગાંધી સ્મૃતિ ભવન મધ્યાંતર પછી પણ એ જ રીતે ભરાયેલું રહ્યું. અમદાવાદથી આવેલ અનિકેત ખાંડેકર, મુંબઈના વિકાસ ભાટવડેકર તથા રાજકોટના ગાર્ગી વોરા ઉપરાંત સુરતના અમન લેખડિયાએ રઈશ મનીઆરના રસતરબોળ કરતા સંચાલન હેઠળ મહેંદી હસને ગાયેલી ગઝલ, લોકગીત અને હીરની રમઝટ બોલાવી સતત ત્રણ કલાક શ્રોતાજનોને ભીંજવ્યા. આ કદાચ વિશ્વભરમાં મહેંદી હસનની આર્થિક સહાય માટે કરવામાં આવેલી સર્વપ્રથમ ટહેલ હતી અને આખા કાર્યક્રમનું પ્રારંભબિંદુ ઇન્ટરનેટ અને ગુજરાતી બ્લૉગ્સ- લયસ્તરો.કોમ, ટહુકો.કોમ અને ઊર્મિસાગર.કોમ બન્યા હતા. આ કાર્યક્રમી થોડીક ઝલક ટૂંકસમયમાં ટહુકો.કોમ અને ઊર્મિસાગર.કોમ પર માણવા મળશે. અભિયાન જેવું લબ્ધપ્રતિષ્ઠ સામયિક પણ આ કાર્યક્રમની નોંધ લેવાનું ચૂક્યું નહીં… સદભાવના દર્શાવનાર અને મદદ માટે હાથ લંબાવનાર તમામ મિત્રોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ…

(અભિયાન…… …..૧૮-૦૪-૨૦૦૯)
Permalink
April 4, 2009 at 2:30 AM by વિવેક · Filed under પ્રકીર્ણ

પ્રિય મિત્રો,
થોડા દિવસો પહેલાં શહેનશાહ-એ-ગઝલ જનાબ મહેંદી હસનની નાદુરસ્ત તબિયત અને એથીય વધુ નાદુરસ્ત આર્થિક પરિસ્થિતિની વાત કરી અમે જાહેર અપીલ કરી હતી કે એમના હૉસ્પિટલ બીલ પેટે ચૂકવવાના બાકી નીકળતા રૂ. પાંચ લાખમાંથી જેટલી રકમ ભેગી કરી શકાય એટલી ભેગી કરી પાકિસ્તાન પહોંચતી કરીએ. નેટ પર અને યાહૂ ગ્રુપ્સ પર મૂકેલી આ ટહેલ સામે કેટલાકે જાતિવાદી વિરોધ નોંધાવ્યો તો કેટલાકે પાકિસ્તાન સામે તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો. અમે અમારા દિલને અનુસર્યા અને એમને પણ એમ જ કરવા કહ્યું. અમારે મન હિંદુ-મુસ્લિમ-શીખ જેવી જાતિભેદની ભાવના મનમાં જન્માવવી શક્ય નહોતી તો મહેંદી હસન જેવી વિરાટ હસ્તી માટે ભારત-પાકિસ્તાન નામના વાડા બાંધવા પણ શક્ય નહોતા કેમકે અમે માનીએ છીએ કે “सूर की कोई सीमा नहीं”…
આપને વિશ્વાસ નહીં આવે પરંતુ જોતજોતામાં ઢગલાબંધ મિત્રો તરફથી લગભગ સવા લાખ રૂપિયા જેવી મોટી રકમ ભેગી થઈ ગઈ અને સુરત ખાતે યોજવામાં આવનાર કાર્યક્રમમાં બીજા બેએક લાખ રૂપિયા ભેગા થવાની આશા હતી… નસીબજોગે કરાંચીની આગાખાન યુનિવર્સિટી હૉસ્પિટલ ખાતે ફોનથી વાત કરતાં અને નેટ ઉપર પાકિસ્તાનના અગ્રણી અખબારોમાં આવેલા સમાચાર પરથી જાણવા મળ્યું કે સરકાર અને હૉસ્પિટલ તરફથી ખાંસાહેબની સારવારની પૂરી કાળજી લેવાઈ ચૂકી છે. એટલે જે મિત્રોએ મહેંદી હસન સહાયતા નિધિ માટે મદદ કરવાનું વચન આપ્યું હતું એ સહુ મિત્રોનો હૃદયપૂર્વક અને સંગીતપૂર્વક ખાસ ખાસ આભાર માનીને અમે જણાવીએ છીએ કે હવે આપે કોઈ ધનરાશિ મોકલવાની રહેતી નથી.
પોતાના દિવ્ય સંગીત અને જાદુઈ અવાજના રંગોથી જેમણે આપણા જીવનની અનેક સંધ્યાઓ રંગીન બનાવી છે એ ખાંસાહેબના જીવનની આખરી અને રંગહીન સંધ્યામાં આપણે સાચા દિલની દુઆના થોડા રંગ ભરી શકીએ એવા અંદરના અને અંતરના અવાજને અનુસરીને અનેં સંગીત કે કળાની કોઈ સરહદ હોતી નથી એ કાયદા મુજબ ગુજરાતી કવિતાની સહુથી વિશાળ વેબસાઈટ – લયસ્તરો.કોમ – www.layastaro.com તથા સધર્ન ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સ એન્ડ ઈંડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે આ ફિનોમિનલ ગાયકના નિરામય સ્વાસ્થ્યની દુઆ કરવા માટે છઠ્ઠી એપ્રિલ, સોમવારે રાત્રે ગાંધી સ્મૃતિ ભવનમાં એક સદભાવના સંગીત મહોત્સવ – “ सूर की कोई सीमा नहीं ” યોજવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં જાણીતા ગાયક કલાકારો ભાગ લેશે. મુંબઈથી વિકાસ ભાટવડેકર, અમદાવાદથી અનિકેત ખાંડેકર તથા રાજકોટથી ગાર્ગી વોરા મહેંદી હસને ગાયેલી ગઝલો રજૂ કરી આ ગાયક કલાકારના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરશે. કાર્યક્રમનું સંચાલન ડો. રઈશ મનીઆર, ડૉ. મુકુલ ચોક્સી અને ડૉ. વિવેક ટેલર કરશે.
આ કાર્યક્રમ માણવા માંગતા સંગીતપ્રેમીઓને કાર્યક્રમના નિઃશુલ્ક પાસ મેળવવા માટે ‘લયસ્તરો.કોમ’ વેબસાઈટના સંચાલક ડૉ. વિવેક ટેલર, આયુષ્ય મેડીકેર હૉસ્પિટલ, ઉમાભવનની ગલીમાં, ભટાર રોડ (9824125355)નો સંપર્ક કરવા જાહેર વિનંતી છે.
(ગુજરાત મિત્ર…. …તા.: 03-04-2009)
*
(દિવ્ય ભાસ્કર… …તા.: 04-04-2009)
Permalink
March 25, 2009 at 11:03 PM by વિવેક · Filed under પ્રકીર્ણ

(ટાઈમ્સ ઑફ ઇન્ડિયા… …તા. 25-03-2009)
‘વૉઈસ ઑફ ગોડ’ તરીકે લતા મંગેશકરે જેમને નવાજ્યા હતા એ વીસમી સદીના શાસ્ત્રીય ગઝલોના બેતાજ બાદશાહ એવા ભારતીય મૂળના પાકિસ્તાની ગઝલ ગાયક જનાબ મહેંદી હસનની તબિયત આજે શરીર અને પૈસા- બંને દૃષ્ટિએ સાવ કથળી ચૂકી છે અને એમની સારવાર પેટે ખાનગી હૉસ્પિટલને ચૂકવવા માટે એમના કુટુંબીજનો પાસે આજે પાંચ લાખ રૂપિયા પણ નથી એવો અહેવાલ ગઈકાલના ટાઈમ્સ ઑફ ઇન્ડિયામાં આવ્યો છે. ક્યારેક જેમની ગઝલો પર લાખો ઝુમી ઊઠતા હતા એવા આ મહાન ગાયકને મદદ કરવા માટે ગુજરાતી બ્લૉગ જગત તરફથી અમે જાહેર ટહેલ નાંખીએ છીએ….
આજ સુધીમાં કેટલાય સાહિત્યકારો અને કળાકારો બિમારી સામે લડવા માટેના નાણાંના અભાવે આપણે અકાળે ગુમાવ્યા છે… આવા નગુણા, બેકદરદાન ઈતિહાસનું ફરી એકવાર પુનરાવર્તન થતું રોકવા માટે આપ સહુને યથાશક્તિ આગળ આવવા અમારી આ જાહેર આહલેક છે….
આપના તરફથી મળેલ દરેકેદરેક પૈસાનો જાહેરમાં આપને હિસાબ આપવામાં આવશે. આપે મદદનિધિમાં સહાય શી રીતે મોકલાવવી એની વિગતો સત્વરે આપને પહોંચાડવામાં આવશે. કવિશ્રી ડૉ. મુકુલ ચોક્સીની નિગેહબાની હેઠળ અમે સતત કાર્યરત્ છીએ. હાલ પૂરતું આપ આપનું નામ, સરનામું, ટેલિફોન નંબર સાથે આપ કેટલી સહાય કરવા માંગો છો એ અમોને ઇ-મેઈલ દ્વારા નોંધાવી શકો છો:
જયશ્રી ભક્ત પટેલ – shree49@gmail.com
ઊર્મિ – urminosaagar@yahoo.com
ડો. ધવલ શાહ – mgalib@gmail.com
ડો. વિવેક મનહર ટેલર – dr_vivektailor@yahoo.com

(ટાઈમ્સ ઑફ ઇન્ડિયા… …તા. 27-03-2009)
અત્યાર સુધીમાં જાહેર થયેલ મદદની રકમની માહિતી:
ડૉ. મુકુલ ચોક્સી, સુરત રૂ. 11000/=
ડૉ. નીરવ શાહ, સુરત રૂ. 5000/=
ડૉ. તીર્થેશ મહેતા, સુરત રૂ. 5000/=
ડૉ. વિવેક ટેલર, સુરત રૂ. 5000/=
કેદાર જાગીરદાર, સુરત રૂ. 5000/=
ડૉ. કેતન દેસાઈ, સુરત રૂ. 5000/=
ડૉ. પ્રફુલ દોશી, સુરત રૂ. 5000/=
ડો. ધવલ શાહ, અમેરિકા રૂ. 5000/=
શિવાલી પટેલ રૂ. 1001/=
કિરણ પંડ્યા, સુરત રૂ. 5000/=
સંદીપ ઠાકોર રૂ. 10000/=
અનામી, (ટોરોંટો, કેનેડા) રૂ. 5000/=
જયશ્રી ભક્ત, અમેરિકા રૂ. 5000/=
નીરવ પંચાલ રૂ. 2500/=
ભાવના શુક્લ, અમેરિકા $. 50/=
હરીશ બજાજ, સુરત રૂ. 5000/=
ધનંજય દેસાઈ, સુરત રૂ. 11,000/=
જનક નાયક, સુરત રૂ. 10,000/=
દેવેન મોદી રૂ. 1,000/=
દેવેન્દ્ર ગઢવી, યુ.કે £50/=
નવિન વોરા, યુ.એસ. $50/=
આરાધના ભટ્ટ, ઓસ્ટ્રેલિઆ રૂ. 5000/=
ડો. ગિરીશ શાહ, સુરત રૂ. 15,000/=
ભરત એટોસ, પાલનપુર રૂ. 1000/=
Permalink
January 20, 2009 at 9:06 PM by ધવલ · Filed under ગઝલ, પ્રકીર્ણ, હરિશ્ચન્દ્ર જોશી
સાવ અંગત એક સરનામું મળ્યું
આજ વર્ષો બાદ એ પાનું મળ્યું
મેં લખેલી ડાયરી વાંચી ફરી,
યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું.
સોળમા પાને પતંગિયું સળવળ્યું,
જીવવા માટે નવું બહાનું મળ્યું.
જાણ થઈ ના કોઈને, ના આંખને,
સ્વપ્ન એ રીતે મને છાનું મળ્યું.
એક પ્યાસાને ફળી સાતે તરસ,
બારણા સામે જ મયખાનું મળ્યું.
– હરિશ્ચન્દ્ર જોશી
સહજ શબ્દો, કોમળ ભાવ, સુંવાળી ગઝલ.
Permalink
December 4, 2008 at 4:42 PM by ધવલ · Filed under પ્રકીર્ણ

આજે લયસ્તરો ચાર વર્ષ પૂરા કરે છે. કવિતાના આનંદને વહેંચવાનો આ પ્રયોગ શરૂ કર્યો ત્યારે આટલો લાંબો ચાલશે એવો ખ્યાલ નહોતો તો કવિતાના આટલા ચાહનારાઓ દુનિયાભરમાં મળી આવશે એવી તો કલ્પના જ ક્યાંથી હોય ! લયસ્તરો દ્વારા ચાર વર્ષમાં જે દોસ્તો મળ્યા છે એ જ સૌથી મોટી ખુશીની વાત છે. ચાર વર્ષમાં કાંઈ કેટલાય એવા લોકો જોડે ઓળખાણ થઈ, કેટલાય લોકોને જાણવાનો મોકો મળ્યો… અને કવિતા આપણા બધાના જીવનમાં કેટલી હદે વણાઈ ગયેલી છે એ નજીકથી જાણવાનું મળ્યું. આજે લયસ્તરો પર 450થી પણ વધારે કવિઓની 1250થી વધુ રચનાઓ છે.
કવિતા એ આમ તો બહુ જ અંગત વાત છે. તમને કઈ કવિતા ગમે છે એ ઉપરથી તમારા વ્યક્તિત્વ અને વિચારશ્રેણીને જાણવાનું બહુ સહેલુ થઈ પડે છે. કવિતા વિષે વાત કરવી એ જાહેરમાં દિલના અંદરના દરવાજાને ખોલવાનું કામ છે. છતાંય કવિતા ઉપરનો પ્રેમ લોકોને આ મહેફીલમાં આખરે ખેંચી જ લાવે છે. અને આપણે અહીં જોયું છે કે લોકો વર્ષો સુધી મનનાં ખૂણામાં જતનથી જાળવી રાખેલી બે-ચાર કાવ્યપંક્તિઓ પણ અહીં બધા જોડે વહેંચીને માણે છે. આ ઘટના પોતે જ કવિતાના જાદૂનો પુરાવો છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ એક અલગ પ્રયોગ કરીને લયસ્તરોની વર્ષગાંઠને ઊજવવાનો વિચાર છે. આવતા દસ દિવસમાં આપની સામે ગુજરાતી ગઝલના લાંબા ઈતિહાસમાંથી ખાસ પસંદ કરેલી વીસ સૌથી યાદગાર ગઝલો રજૂ કરવાના છીએ.
આટલી બધી ગઝલમાંથી માત્ર વીસ ગઝલ પસંદ કરવાનું કામ લગભગ અશક્ય છે. અને કઈ ગઝલ પસંદ કરવી અને કઈ ન કરવી એ એક મોટો અને મહા વિકટ પ્રશ્ન છે. આના ઉપાયરૂપે પહેલા અમે વીસ ગઝલકારોને પસંદ કર્યા (જે કામ ધારવા કરતાંય અઘરું જ જણાયું) જેમણે ગુજરાતી ગઝલના વિકાસમાં ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો છે. અને પછી અમે એ ગઝલકારોની અમને ગમતી ગઝલોની પસંદગી કરી છે. આ આખો ઉદ્યમ માત્ર અમારી અંગત પસંદગી ઉપર જ આધારિત છે. વીસ ગઝલની મર્યાદાને કારણે કેટલીય યાદગાર ગઝલોનો સમાવેશ નથી થઈ શક્યો એનો પણ અમને ખ્યાલ છે જ. તેમ છતાં ગુજરાતી ગઝલના યાદગાર ઈતિહાસની ઝાંખી કરાવતી આ યાદગાર સફરમાં આપને બધાને સો ટકા મઝા આવશે જ, એવું અમારું વચન પણ છે!
… તો આવતી કાલથી દસ દિવસ માટે લયસ્તરો પર માણો, ગુજરાતી ગઝલના ઈતિહાસની સૌથી યાદગાર વીસ ગઝલો !
Permalink
November 28, 2008 at 12:07 AM by વિવેક · Filed under પ્રકીર્ણ
વ્હાલા મિત્રો,
મુંબઈમાં ફરી એકવાર થયેલા ભારતવર્ષના ઈતિહાસના સૌથી મોટા આતંકવાદી હુમલાના સમાચાર આપે જાણ્યા જ હશે. તાજ અને ઑબેરોય જેવી પંચતારક હોટલ, રેલ્વે સ્ટેશન અને અન્યત્ર સ્થળો પર થયેલા ઢગલાબંધ બૉમ્બ વિસ્ફોટ, અંધાધૂંધ ગોળીબાર અને આગજનીના કારણે સેંકડો નિર્દોષ લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે. એ જિંદગીઓ ઉપર અવલંબિત સેંકડો કુટુંબો પોતાના ભવિષ્યના સ્વપ્નાંઓના ફુરચેફુરચા ઊડતાં અનુભવી રહ્યાં હશે. કેટલાય લોકો ઘાયલ થઈને બચી ગયા જેઓ આખી જિંદગી મૃત્યુના દરવાજે ટકોરા મારી પાછાં ફર્યા હોવાનો અનુભવ હાશકારાથી નહીં પણ હાયકારાથી અનુભવતા રહેશે. મુંબઈ અને ભારતવર્ષની કરોડોની જનતા અવારનવાર કોઈપણ પૂર્વચેતવણી વિના ગમે તે સ્થળે અને ગમે તે સમયે ગમે તેના પર થતા આ આતંકવાદી હુમલાઓના પરિણામે સતત અસુરક્ષિતતાના ઓથાર તળે જીવતી થઈ જશે…
…કદી જેનો અંત આવવાનો જ નથી એવા આ ભયાવહ દુઃસ્વપ્નના વિરોધમાં અને નિર્દોષ મૃતકોના માનમાં ‘લયસ્તરો’ આજે એક દિવસ પૂરતું મૌન પાળશે. જાણીએ છીએ કે અમારા આ નાનકડા વિરોધનો કોઈ અર્થ નથી. પણ અમે જણાવવા માંગીએ છીએ કે અમે પણ આ હુમલાના કારણે ઘવાયા છીએ. અમે એ પણ જણાવવા માંગીએ છીએ કે ઝેડ કેટેગરીના સુરક્ષાકવચ વચ્ચે નિરાંતે ઊંઘતા અર્થહીન અને સંવેદનહીન રાજકારણીઓથી અલગ અમારા પોતાના આત્માની શુદ્ધતા અને મુઠ્ઠીમાં સતત શ્વસતા મૃત્યુને અડોઅડ અડધીપડધી ઊંઘ સાથે પણ અમે આવા હિચકારા અને કાયર હુમલાઓથી ડરતા નથી… અમે નથી હિંદુ કે નથી મુસલમાન. અમે સહુ માત્ર ભારતીયો જ છીએ. અમે સહુ સાથે જ હતા અને સાથે જ રહીશું…
અસ્તુ !
Permalink
November 15, 2008 at 2:22 AM by વિવેક · Filed under ગીત, પ્રકીર્ણ, મીરાંબાઈ
ઝેર તો પીધાં છે જાણી જાણી, મેવાડા રાણા !
ઝેર તો પીધાં છે જાણી જાણી. મેવાડા 0
કોયલ ને કાગ રાણા ? એક જ વર્ણાં રે;
કડવી લાગે છે કાગવાણી. મેવાડા 0
ઝેરના કટોરા જ્યારે રાણાજી મોકલે રે;
તેનાં બનાવ્યાં દૂધપાણી. મેવાડા 0
સાધુનો સંગ મીરાં છોડી દિયો રે;
તમને ગણીશું પટરાણી. મેવાડા 0
બાઇ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ;
મન રે મળ્યાં સારંગપાણિ. મેવાડા 0
-મીરાંબાઈ
‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ જેવી અમર અને અદ્વિતીય કહેવતકક્ષાની પંક્તિ મીરાં આપણને આ ગીત વડે આપે છે. મીરાંબાઈ ‘ઝેર’ શબ્દનો પણ કેવો સરસ વિનિયોગ કરે છે ! આ ઝેર સંસારનું ઝેર હોઈ શકે, અપમાન, નિંદા કે તિરસ્કારનું પણ હોઈ શકે. એ વાસ્તવિક અર્થમાં પણ ઝેર હોઈ શકે અને જે મીરાંબાઈને વધુ અભિપ્રેત જણાય છે એવું પ્રેમલક્ષણા ભક્તિનું ઝેર પણ હોઈ શકે જેને મીરાંબાઈ અમૃત ગણીને પીવે છે. રાણો શ્યામભક્તિ છોડી દેવા માટે મીરાંને પટરાણીપદની લાલચ પણ આપે છે પણ મીરાં જાણે છે કે કાગડો અને કોયલ બંને એક જ રંગના હોવા છતાં જેમ કાગવાણી કર્કશ અને અપશુકનિયાળ ગણાય છે એમ સંસાર અને હરિ – બંનેમાં પ્રેમ હોવા છતાં હરિવરના પ્રેમ આગળ સંસારનો પ્રેમ કાગવાણી જેવો છે…
Permalink
November 10, 2008 at 11:36 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
કોયલ ટહુકે સવારના
ને સાંજે કનડે યાદ
સૈયર, શું કરીએ?
આંખોમાં છે ફાગણિયો
ને પાંપણમાં વરસાદ
સૈયર, શું કરીએ?
ઊંધમાં જાગે ઉજાગરો
ને શમાણાંની સોગાદ
સૈયર, શું કરીએ?
મૂંગામંતર હોઠ તો મારા
ને હૈયું પાડે સાદ
સૈયર, શું કરીએ?
પિયર લાગે પારકું
કે સાસરિયાનો સ્વાદ
સૈયર, શું કરીએ?
પગમાં હીરનો દોરો વીંટાયો
ને ઝરણાંનો કલનાદ
સૈયર, શું કરીએ?
તનમાં તરણેતરનો મેળો
ને મનમાં છે મરજાદ
સૈયર, શું કરીએ?
– અનિલા જોશી
પ્રેમની વિષમતાઓ અને પ્રેમીજનની વિવશતાઓનું ઝટ જીભે ચડી જાય એવું ગીત.
Permalink
September 25, 2008 at 12:30 AM by વિવેક · Filed under ઈન્ટરનેટ પર ગુજરાતી, પ્રકીર્ણ, સાહિત્ય સમાચાર
વ્હાલા મિત્રો,
13 એપ્રિલ, 2008ના રોજ લયસ્તરો પર એક પોસ્ટ મૂકી હતી જેના ઢગલાબંધ મિશ્ર પ્રતિભાવો સાઈટ ઉપર અને ઈ-મેઈલ દ્વારા સાંપડ્યા હતા. પોસ્ટ હતી, “દાળભાતખાઉં ગુજરાતીપણાને ખુલ્લો પડકાર…“. વાત હતી ગુજરાતી ભાષાના મહાન જ્ઞાનકોશ ‘ભગવદ્ગોમંડલ’ના પુન: પ્રકાશન અંગેની અને માત્ર એક હજાર નકલો વેચવા માટે પડતી તકલીફની. (એક ખુશીની વાત જોકે એ પણ હતી કે આ પોસ્ટની સહાયથી કુલ્લે દસ નકલો (1%) વેચાવડાવવામાં હું સહાયભૂત બની શક્યો!) આ વાતને હજી પાંચ મહિના પણ માંડ થયા છે અને આ આખ્ખેઆખ્ખો ખજાનો ‘મફત’માં ઓન-લાઈન ઉપલબ્ધ થઈ ગયો છે. છાપેલા ચોપડાઓ માથે પડે એ હકીકતથી જ્ઞાત હોવા છતાં આવું મોટ્ટું સાહસ ખેડનાર પ્રવીણ પ્રકાશન ફરી ફરીને અભિનંદનના અધિકારી બને છે.

મોટી ‘જમ્બો’ સાઈઝના નવ-નવ દળદાર ગ્રંથોના ૯૨૭૦ સુવર્ણ પૃષ્ઠોની વચ્ચે આશરે ૨,૮૧,૩૭૭ શબ્દોના ૫,૪૦,૪૫૫ જેટલા અર્થો અને બોનસમાં ૨૮,૧૫૬ જેટલા રૂઢિપ્રયોગો ધરાવતો આ મહાજ્ઞાનકોશ સ્કૅન કરીને ઓન-લાઈન ઉપલબ્ધ કરાયો છે જે કોઈ પણ શબ્દનો અર્થ તમારા ક્મ્પ્યુટરની એક જ ક્લિક્ પર ક્ષણાર્ધમાં શોધી આણે છે. જેમને યુનિકોડમાં ટાઈપ કરતાં ન ફાવે એમના માટે કી-બૉર્ડ પણ હાજર છે.ઈચ્છિત શબ્દને ટાઈપ કરી Exact word અથવા Anywhere in the word અથવા Start with the word આ ત્રણ વિકલ્પમાંથી કોઈ એક પસંદ કરી સર્ચ ક્લિક્ કરવાથી કી-બૉર્ડની નીચે એ શબ્દ લખાયેલો જોવા મળશે. એ શબ્દ પર ક્લિક્ કરવાથી એ શબ્દ જે પાનાં પર હશે એ આખું સ્કૅન કરેલું પાનું ખૂલશે અને તમને સતત આશ્ચર્યમાં રમમાણ રાખે એવા અર્થોની કદી ન જોઈ હોય એવી અને કદી ન વિચારી હોય એવી એક આખી દુનિયા તમારી સમક્ષ ઉઘડવા માંડશે….
તો મિત્રો, રાહ શાની જુઓ છો? કરવા માંડો ક્લિક્ ક્લિક્ ક્લિક્ :
http://bhagavadgomandalonline.com/
Permalink
September 6, 2008 at 2:21 AM by વિવેક · Filed under પ્રકીર્ણ, સામયિક
ગુજરાતી કાવ્ય સામયિક શ્રેણીની વાત ચાલતી હોય ત્યારે લુણાવાડા, પંચમહાલથી પ્રગટ થતા “કવિ”ની નોંધ લેવાનું વિસરી જઈએ એ ન ચાલે. પ્રો. મનોજકુમાર શાહ અને દિલીપ શાહના સંપાદન હેઠળ પ્રગટ થતું આ દ્વિમાસિક ઘણા વર્ષોથી નોંધપાત્ર કવિતાઓ ભાવક સમક્ષ પીરસે છે. ગણનાપાત્ર વિશેષાંકો એ આ સામયિકની ખૂબી છે. દેશ-વિદેશના કવિઓની કવિતાઓ ઠાંસી-ઠાંસીને ભરી હોવાથી વાચકને પૈસા વસૂલની લાગણી થયા વિના નહીં રહે. તમામ પ્રકારની કવિતાઓ ઉપરાંત અહીં પણ કાવ્યાસ્વાદો, કાવ્યાનુવાદો, કાવ્ય વિષયક પુસ્તકોની સમીક્ષાઓ, દેશ-વિદેશના સાહિત્યસ્વામીઓના પરિચય, સાહિત્યવૃત્ત અને કવિતા-ગઝલના સ્વરૂપ અંગેની અવારનવાર ચર્ચાઓ પણ દૃષ્ટિગોચર થાય છે.
*
કવિ” – દ્વિમાસિક
સંપાદક: શ્રી પ્રો. મનોજકુમાર શાહ, દિલીપ શાહ
લવાજમ : વાર્ષિક – દેશમાં રૂ. 100/-, પરદેશ: 11 ડોલર, 8 પાઉન્ડ, આજીવન લવાજમ: રૂ. 1500/-
લવાજમ ‘કવિ’ના નામે ડિમાંડ ડ્રાફ્ટ અથવા મની ઑર્ડરથી જ મોકલવું. (’લયસ્તરો.કોમ’ના સૌજન્યથી લખવાનું ન ભૂલાય!!!)
સરનામું: પ્રો. મનોજકુમાર શાહ, 18, મહર્ષિ અરવિંદ સોસાયટે, લુણાવાડા-389230. જિ. પંચમહાલ ફોન.: 02674-250273, 09377119646
Permalink
August 31, 2008 at 12:01 AM by વિવેક · Filed under પ્રકીર્ણ, સામયિક

“શહીદે ગઝલ” એટલે વડોદરાથી પ્રગટ થતું શકીલ કાદરીનું ગઝલની સાચી વિભાવનાને વરેલું ત્રૈમાસિક. શરૂઆતના માત્ર બીજા વર્ષમાં જ પગ મૂકતું આ ત્રૈમાસિક એક જ વર્ષમાં ગઝલ ચાહકો અને ગઝલકારોમાં સમાન લોકચાહના પ્રાપ્ત કરી શક્યું છે એ એની ગુણવત્તાનું ખરું પ્રમાણપત્ર છે. નોંધપાત્ર જાણીતા-અણજાણીતા ગઝલકારોની ઢગલાબંધ ગઝલોના મઘમઘતા રસથાળ ઉપરાંત અહીં ઘણું એવું છે જે આ સામયિક તમારા ઘરે આવતું ન હોય તો તમને અધૂરપની લાગણી જન્માવી શકે છે. ગઝલ અને ગઝલના બાહ્ય-આંતર્સ્વરૂપ, છંદશાસ્ત્રની તબક્કાવાર છણાવટ દરેક અંકે કોઈને કોઈ રૂપે થતી હોવાથી ભાવકની ગઝલ વિશેની વૈજ્ઞાનિક સમજ અંગેની શોધ અહીં અંત પામતી લાગે. ગઝલના ક્ષેત્રમાં થતા વિવાદો વળી સંપાદકનો પ્રિય વિષય છે અને સ્વસ્થ ચર્ચા જ જ્ઞાનમાર્ગની શ્રેષ્ઠ કેડી હોઈ શકે, ખરું ને? ગઝલ ઉપરાંત અહીં નઝમ, ઉર્દૂ ગઝલ, ગઝલ વિવેચન-આસ્વાદ, ગઝલને લગતા પુસ્તકોની સમીક્ષા જેવા ચમકદાર મોતીઓ પણ છે… ટૂંકમાં, સાચી ગઝલના ચાહકની ગઝલયાત્રા શહીદે ગઝલ વિના અધૂરી જ રહેવાની…
*
“શહીદે ગઝલ” – ત્રૈમાસિક
સંપાદક: શ્રી શકીલ કાદરી
લવાજમ : વાર્ષિક – દેશમાં રૂ. 200/-, પરદેશ: રૂ. 600/-, શુભેચ્છક લવાજમ: રૂ. 2000/-
લવાજમ ‘એમ.એ.કાદરી’ના નામે રોકડેથી, ડિમાંડ ડ્રાફ્ટ અથવા મની ઑર્ડરથી જ મોકલવું. (’લયસ્તરો.કોમ’ના સૌજન્યથી લખવાનું ન ભૂલાય!!!)
સરનામું: મોહંમદ શકીલ એ કાદરી (Mohammed Shakeel A. Kadri), ડી-114, મધુરમ સોસાયટી, તાંદલજા રોડ, વડોદરા- 390012.
Permalink
August 21, 2008 at 10:31 PM by ધવલ · Filed under અછાંદસ, ઓકતે રિફાત, પ્રકીર્ણ
રોટલી મારા ખોળામાં
અને તારાઓ દૂરદૂર
હું તારાઓને તાકતો-તાકતો રોટલી ખાઉં છું
ક્યારેક વિચારોમાં એટલો ખોવાયેલો –
ભૂલથી હું તારા ખાઉં છું
રોટલીને બદલે.
– ઓકતે રિફાત
(તુર્કીમાંથી અનુવાદ : ઉત્પલ ભાયાણી)
હકીકતને ભૂલીને સપનાને આલિંગવામાં આપણે બધા જ પાવરધા છીએ !
Permalink
August 17, 2008 at 12:03 AM by વિવેક · Filed under પ્રકીર્ણ, સામયિક

કેટલાક બાળકોની પ્રતિભા પારણાંમાંથી જ પરખાઈ જતી હોય છે. ‘ગઝલવિશ્વ’ ગુજરાતી કાવ્યસામયિકોની દુનિયામાં આવું જ એક નવજાત શિશુ છે. પ્રકાશનના પહેલા જ વર્ષથી એણે કવિઓ અને ભાવકવૃંદમાં એક સન્માનનીય સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. ગુજરાત સાહિત્ય અકાદમીના નેજા હેઠળ વલી ગુજરાતી ગઝલકેન્દ્ર તરફથી પ્રગટ થતું આ ત્રૈમાસિક સામયિક ગઝલ, ગઝલ અને માત્ર ગઝલનું સામયિક છે. એના દરેક અંક એક આખા ગઝલસંગ્રહની ગરજ સારે છે. નવા-જૂના ગઝલકારોની પચાસ જેટલી ગઝલ ઉપરાંત ગઝલને લગતી ‘ક’થી ‘જ્ઞ’ સુધીની માહિતી આ લગભગ નિઃશુલ્ક ગણી શકાય એવા સામયિકના બે પૂંઠા વચ્ચે ખીચોખીચ ઠાંસેલી હોય છે. ગઝલના છંદશાસ્ત્રને લગતા લેખ અને ચર્ચાઓ, જૂના મુલ્યવાન સંગ્રહોમાં લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકારોએ લખેલી દુર્લભ પ્રસ્તાવનાઓ, ગઝલ વિષયક અભ્યાસ અને સંશોધનાત્મક લેખો, અનુવાદ, નવા પ્રકાશિત સંગ્રહોનું આચમન, આસ્વાદ ઉપરાંત ગઝલકારોની જૂની-નવી અને ગુજરાતી સાહિત્યની અલભ્ય તસ્વીર પણ તમને અહીં મળશે. ટૂંકમાં, ગઝલવિશ્વને આપ સમયની એરણ પર ટિપાઈ-ટિપાઈને તૈયાર થઈ રહેલો એક સંપૂર્ણ ગઝલ-વિષયક એન્સાઈક્લોપીડિયા ગણી શકો છો…
*
“ગઝલવિશ્વ” – ત્રૈમાસિક
સંપાદક: શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, શ્રી અંકિત ત્રિવેદી
પરામર્શક: જલન માતરી, યોગેશ જોષી
લવાજમ : વાર્ષિક – દેશમાં ફક્ત 40/-રૂ., પરદેશ: રૂ. 500/-
લવાજમ ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ના નામે રોકડેથી, ડિમાંડ ડ્રાફ્ટ અથવા મની ઑર્ડરથી જ મોકલવું. (’લયસ્તરો.કોમ’ના સૌજન્યથી લખવાનું ન ભૂલાય!!!)
સરનામું: 1) ગુજરાત સાહિત્ય અકાદમી, અભિલેખાગાર ભવન, ગુલાબ ઉદ્યાન સામે, સેક્ટર-17, ગાંધીનગર-382017.
. 2) ‘ગ્રંથમાધુર્ય’, ‘રજવાડું’, મલાવ તળાવ પાસે, જીવરાજપાર્ક રોડ, અમદાવાદ-380051.
Permalink
August 10, 2008 at 12:25 AM by વિવેક · Filed under પ્રકીર્ણ, સામયિક

કવિલોક એટલે ખરા અર્થમાં ‘ગુજરાતી કવિતાનું ઋતુપત્ર’. છેલ્લા એકાવન વર્ષથી પ્રગટ થતું માત્ર કવિતાને વરેલું આ દ્વિમાસિક શિશિર, વસંત, ગ્રીષ્મ એમ ઋતુ પ્રમાણે તમારા દરવાજે ટકોરા મારે છે અને ઋતુ-ઋતુનો ફાલ લઈ તમને આલિંગે છે. કવિવર રાજેન્દ્ર શાહે શરૂ કરેલ આ સામયિક આજે ‘કુમાર’ના તંત્રી શ્રી ધીરુ પરીખ ચલાવે છે. ગઝલ, અછાંદસ, ગીત, ઊર્મિકાવ્ય, સૉનેટ, હાઈકુ, મુક્તક જેવા તમામ પ્રકારના કાવ્ય-પ્રકાર અહીં એકસાથે માણવા મળે છે અને ગુજરાતી ભાષાની કસાયેલી કલમ અહીં બાળસૂર્યના પહેલાં કિરણ સાથે એક જ પંગતમાં બેઠેલી જોવા મળે છે. કવિઓના આખા જીવનકાર્ય ઉપર દૃષ્ટિપાત કરાવતા લેખ ઉપરાંત કાવ્યાસ્વાદ, ગ્રંથાવલોકન અને અનુવાદ પણ આ ખજાનામાં સામેલ છે. ગુણવત્તા અને જથ્થો એ સિક્કાની બે વિપરિત બાજુઓ અહીં એકસાથે વિદ્યમાન છે એ જોતાં આ સામયિક આપણી ભાષાનો એક નોખો સિક્કો ગણી શકાય અને કવિતાની દુનિયામાં એ અલગ જ રુક્કો ધરાવે છે… કવિતાપ્રેમીઓના ઘરનું પુસ્તકાલય ‘કવિલોક’ વિના કદી પૂર્ણ ગણી નહીં શકાય…
*
“કવિલોક” – દ્વિમાસિક
તંત્રી: શ્રી ધીરુ પરીખ
લવાજમ : વાર્ષિક- દેશમાં 100/-રૂ., પરદેશ: અમેરિકા- 7 $ અથવા રૂ. 350/-, ઇંગ્લેન્ડ: 6 પાઉન્ડ
આજીવન- દેશમાં 1500/-રૂ., પરદેશ: અમેરિકા- 150 $, ઇંગ્લેન્ડ: 100 પાઉન્ડ
લવાજમ ‘કુમાર ટ્રસ્ટ’ના નામે ડિમાંડ ડ્રાફ્ટ અથવા મની ઑર્ડરથી જ મોકલવું. (‘લયસ્તરો.કોમ’ના સૌજન્યથી લખવાનું ન ભૂલાય!!!)
સરનામું: કુમાર ટ્રસ્ટ, 1454, રાયપુર ચકલા, અમદાવાદ – 380001.
Permalink
August 3, 2008 at 12:04 AM by વિવેક · Filed under પ્રકીર્ણ, સામયિક

‘લયસ્તરો’ પર નિયમિતપણે કવિતા અને કાવ્યાસ્વાદની વાત કરતા રહીએ અને આપણી ભાષાના અગ્રગણ્ય કાવ્ય-સામયિકોને ન સ્મરીએ એ કેમ ચાલે? ગુજરાતી ભાષાના અગ્રગણ્ય અને/અથવા નોંધપાત્ર કાવ્યસામયિકોનો ટૂંક-પરિચય કરવાના અમારા આ અભિગમમાં આપ સૌને જોડાવાનું અમારું સહૃદય આમંત્રણ છે. પણ સામયિકનો પરિચય વાંચીને આપને એમ લાગે કે આ સામયિક વિના મારા ઘરની લાઈબ્રેરી અધૂરી છે તો એનું લવાજમ તાત્કાલિક ભરીને થોડા વધુ ગુજરાતી હોવાનો અહેસાસ મેળવો અને આપની આવનારી પેઢી આ ભાષાનો વારસો જાળવી રાખશે એની ખાતરી પણ મેળવો. (હા, લવાજમ ભરતી વખતે ‘લયસ્તરો.કોમ’ના સૌજન્યથી એવું લખવાનું ભૂલશો નહીં. પુસ્તકોના પાનાંઓમાં કેદ આપણી ભાષાના સુસજ્જ સંપાદક-મિત્રોને એ વાતની જાણ થવી જરૂરી છે કે ગુજરાતી ભાષા પુસ્તકના પાનાંનો ઉંબરો વળોટીને ક્યારનીય ગ્લોબલ-ગુજરાતી બની ગઈ છે!!)
મુંબઈથી છેલ્લા એકતાળીસ વર્ષોથી નિયમિતપણે પ્રગટ થતું ‘કવિતા’ એ આપણા કાવ્ય-સામયિકોમાં હાલની તારીખે મોખરાનું સ્થાન ધરાવે છે. એકતાળીસ વર્ષોની યાત્રા દરમિયાન આ દ્વિમાસિકે આજપર્યંત 245 મનભાવન અંકો કાવ્યરસિકોને પીરસ્યા છે. અગ્રગણ્ય કવિઓ અને નવોદિતોને કાળા-ધોળાના ભેદભાવ વિના એક જ પંગતમાં બેસાડતા આ સામયિકમાં ગીત-ગઝલ-સૉનેટ, મુક્ત સૉનેટ, ઊર્મિકાવ્ય, અછાંદસ, મુક્તક અને તમે નામ દઈ શકો એ તમામ પ્રકારના કાવ્ય-પ્રકાર કોઈ પણ છોછ રાખ્યા વિના અનવદ્યપણે પ્રગટ થાય છે. વિશ્વના શ્રેષ્ઠ કવિઓની શ્રેષ્ઠ કાવ્યકૃતિઓના ગુજરાતી અનુવાદ, ઉત્તમ કવિતાઓના અર્થગહન કાવ્યાસ્વાદ, દેશ-વિદેશના કવિઓના ફૉટોગ્રાફ્સ, કાવ્યસંગ્રહોનો ટૂંક-પરિચય પણ અહીં સામેલ છે. દરેક અંકનું મુખપૃષ્ઠ પોતે પણ એક કવિતાથી કંઈ કમ નથી હોતું !
“કવિતા” – દ્વિમાસિક
તંત્રી: શ્રી સુરેશ દલાલ, સહયોગી તંત્રી: શ્રી હિતેન આનંદપરા, મુખપૃષ્ઠ સજાવટ: શ્રી સંદીપ ભાટિયા.
લવાજમ : વાર્ષિક- દેશમાં 200/-રૂ., પરદેશમાં સી-મેલ 280/- રૂ., ઍરમેલ 425/- રૂ.
લવાજમ ‘સૌરાષ્ટ્ર ટ્રસ્ટ’ના નામે ડિમાંડ ડ્રાફ્ટ અથવા મની ઑર્ડરથી જ મોકલવું. (‘લયસ્તરો.કોમ’ના સૌજન્યથી લખવાનું ન ભૂલાય!!!)
સરનામું: સર્ક્યુલેશન મેનેજર, જન્મભૂમિ ભવન, જન્મભૂમિ માર્ગ, કોટ, પોસ્ટ બૉક્સ નં. 62, મુંબઈ-400001
Permalink
July 13, 2008 at 12:53 AM by વિવેક · Filed under પ્રકીર્ણ, વર્ષાકાવ્ય
વરસાદની મોસમ શિયાળાની ઋતુની જેમ બિલ્લી પગલે આવતી નથી. એ તો આવે છે રાજા-મહારાજાની જેમ ઢોલ-ત્રાંસા-પડઘમ-નગારાં લઈને. આકાશમાં નવોઢાના ગાલે શરમના લાલ શેરડા ફૂટે એમ વાદળ ગાઢા થાય, કૂણાં તૃણ ઉદગ્રીવ બને, ચાતકના ગાન ને મોરલિયાની તાન અસ્તિત્વના આસવને ભીંજવવા જાણે કે હોડ બકે, જમીનમાં ક્યાંય ઊંડે જઈ સૂતેલા દેડકા યુગો પછી જાગૃતિનો ઓડકાર ખાઈ કાનને તર કરી દે, વૃક્ષો ભીનાં નવલાં પાનેતર સજીને આ આખી જાનમાં જોડાય અને વરસાદના ટીપાં એના નવકાર સૂર સાથે ટપ્પ-ટપ્પ કરતાં પંચેન્દ્રિયને સંવેધે છે ત્યારે ધરતી હંમેશની જેમ ચૂપ જ રહે છે પણ એના મૌનની ભાષા આપણું નાક સાંભળે છે. માટીની ભીની ગંધ એ વરસાદ સાથે ધરતીના અનંગવેગપ્રચૂર સંવનનની દ્યોતક છે. બેજુબાન માટીની જે અવર વાણી છે એ તો વળી અજોડ છે. પગ નીચે કોઈ કૂંપળના મ્હોરવાનો સળવળાટીયો સાદ કદી અનુભવ્યો છે? અને સૂરજ જે વાદળની પછવાડે સંતાઈને આખી ઘટનાને વધુ આસ્વાદ્ય બનાવે છે એ વરસાદ પછી પ્રકટ થઈ આકાશમાં સાત રંગની કવિતા બનાવે છે…રાતના કાળા છાબડામાં ઝબુકી જતી દામિની એ ચોમાસાની વળી એક અલગ અને અલભ્ય અનુભૂતિ સ્તો.
…લયસ્તરો પર આપણે એક આખ્ખા અઠવાડિયા સુધી તરબતર થવાનું કાલથી આદરીએ એ પહેલાં કેટલાક વહી ગયેલા છાંટાઓમાં પુનઃ નાહી ન લઈએ? એક પછી એક કવિતા પર ક્લિક કરતા જાઓ અને માણતા જાઓ આ મોસમે-બહારને મનભરીને – તનભરીને….
ઝીણા ઝરમર વરસે મેહ – ન્હાનાલાલ
એકલતાઓ એમ વરસતી જાણે કે ચોમાસું- મણિલાલ હ. પટેલ
અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે- ભગવતીકુમાર શર્મા
આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે – રમેશ પારેખ
આંખોમા બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે – તુષાર શુક્લ
ચાલ, વરસાદની મોસમ છે – હરીન્દ્ર દવ
ડૂબવાનું હોય જાણે કે જગત – રવીન્દ્ર પારેખ
આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં – સંદીપ ભાટિયા
ક્યાંય ના ધિક્કાર છે વરસાદમાં – સુધીર પટેલ
અહીં મેં પ્રથમ મેઘને વ્યથા સંભળાવી લીધી -ઉદયન ઠક્કર
આખા ડિલે ઊઠી આવ્યા જળના ઝળહળ સોળ – કરસનદાસ લુહાર
મેં તો તુલસીનું પાંદડું બીયરમાં નાખીને પીધું – અનિલ જોશી
પાણીના ટીપે ઘાસમાં જઈએ – શોભિત દેસાઈ
મને થવું તરબોળ હવે તો ભીની ભીની રાતો લઈને, આવ સજનવા – દિલીપ રાવળ
તાપી નથી, આ દ્રૌપદીની સાડી છે – વિવેક મનહર ટેલર
જલ ભીંજેલી જોબનવંતી લથબથ ધરતી – લાભશંકર ઠાકર
Permalink
July 1, 2008 at 1:00 AM by ઊર્મિ · Filed under અગમ કોસંબવી, અશરફ ડબાવાલા, અહમદ આકુજી સુરતી 'સીર, ગૌરાંગ ઠાકર, પ્રકીર્ણ, બેફામ, મોહમ્મદ અલી ભૈડુ વફા, રઈશ મનીયાર, વિવેક મનહર ટેલર, શૂન્ય પાલનપુરી, શેર, સંકલન
બે વર્ષ પહેલાં ડૉક્ટર્સ ડેનાં દિવસે આપણા એક વ્હાલા તબીબે આપણને ‘ગઝલમાં દર્દ અને દવા’ નું ખૂબ જ મજાનું પ્રિસ્કીપ્શન આપ્યું હતું. પરંતુ આજે મને થયું કે આજે આપણે જ આ બંને તબીબ-મિત્રોને સરપ્રાઈઝ-પ્રિસ્કીપ્શન આપી દઈએ તો?!!
પહેલાં થયું કે ‘ગઝલમાં દર્દ અને દવા’નો ભાગ-3 બનાવું… પછી થયું કે એ ડૉક્ટરે તો મારા માટે કોઈ પણ શેરની દવા જ નથી રહેવા દીધી, હવે નવા શેર ક્યાંથી લાવું?!! તો વિચાર આવ્યો કે તબીબ, હકીમ કે વૈદવાળા શેર શોધીએ… પરંતુ ખોજ કરતા ખ્યાલ આવ્યો કે આ તો દર્દ અને દવા કરતાં અડધા શેર પણ ના મળ્યાં… પણ કંઈ નહીં મિત્રો, આપણે સૌ ભેગા મળીને શોધીએ અને એમને અર્પણ કરીએ… તમે સૌ મને શોધવા લાગશો ને?!!
મને મળેલા તબીબ/હકીમ/વૈદ નાં આટલા શેર આપણા વ્હાલા ડૉક્ટર-મિત્રો વિવેક અને ધવલને સપ્રેમ અર્પણ તથા અન્ય સૌ ડૉક્ટર-મિત્રોને પણ… અને ખાસ કરીને તમામ તબીબ-કવિ-મિત્રોને સપ્રેમ અર્પણ…!! વળી આજે વિવેકની હોસ્પિટલની આઠમી વર્ષગાંઠ પણ છે તો એ માટે વિવેકને ખાસ અભિનંદન.
સૌથી પહેલાં એકદમ તાજા શેર, જે ગૌરાંગભાઈએ ખાસ લખી મોકલ્યો છે… (જે મને આ તબીબ-મિત્રોને ખાસ કહેવાનું મન થાય છે!
)
હું ય પાસે રહીમ રાખું છું,
દોસ્ત મારો હકીમ રાખું છું.
-ગૌરાંગ ઠાકર
તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને,
જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈ ને.
-બેફામ
દર્દ દેખી જો હૃદય ગદગદ નથી,
વૈદ! તારી ભાવના ભગવદ નથી.
-અગમ કોસંબવી
તું તબીબો જેમ માપે છે હૃદયનાં ઘાવને,
તું ગમે તે કર હવે આ દર્દ પકડાશે નહીં.
-અશરફ ડબાવાલા
અય હકીમો જાવ, દુનિયામાં દવા મારી નથી,
હું ઈશ્કનો બિમાર છું, બીજી કંઈ બિમારી નથી.
-અહમદ આકુજી સુરતી ‘સીરતી’
પોતે તબીબ છું પણ મારો ઈલાજ ક્યાંથી ?
વર્ષોથી સંઘરેલા રોગો મને ગમે છે.
-રઈશ મનીઆર
તારો ને મારો મેળ નહીં ખાય ઓ તબીબ,
મુજને પડી દરદની, તને સારવારની
– શૂન્ય પાલનપૂરી
તબીબ જ સમજી શકશે દર્દ જાણી એમ આવ્યા છો,
તમારી સામે બેઠો છે પરંતું માનવી કોઈ.
-વિવેક ટેલર
એ મટે ના તો તબીબનો દોષ શો,
છે ઘણા દર્દો પીએ દવા તું એકલો.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’
એ દર્દ કે જેને મેં પાળ્યું છે જતનથી,
મુજને તબીબ માફ કર એની ન દવા યાદ.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’
તું તબીબ મિથ્યા પ્રયાસો છોડી દે નિદાનના
વેદના જુની થઈ ગઇ એટલે ભારી નથી.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’
અંતે શૂન્ય પાલનપુરીનાં બે મુક્તકો…
પીડા શમી ગયાનું કદી છળ નહીં કરે,
સેવાના કોઈ યત્નને નિષ્ફળ નહીં કરે,
સુંદર તબીબ હોય તો એક વાતનો છે ડર,
સજા થવાની કોઈ ઉતાવળ નહીં કરે.
-શૂન્ય પાલનપુરી
તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.
– શૂન્ય પાલનપૂરી
*
…અને હા મિત્રો, આ ડૉક્ટર્સ ડે પર ‘ગાગરમાં સાગર’ પર ડૉ.મધુમતી મહેતાનું ‘વૈદ મળ્યાં’ ગીત કાવ્યપઠન સાથે માણવાનું તેમ જ ‘ટહુકો’ પર ડૉ.અશરફ ડબાવાલાની અછાંદસ રચના SCHIZOPHRENIA વાંચવાનું પણ ચૂકશો નહીં હોં…!
Permalink
June 14, 2008 at 12:30 AM by વિવેક · Filed under આદિલ મન્સૂરી, જલન માતરી, પ્રકીર્ણ, રાજેશ વ્યાસ મિસ્કીન, વિવેક મનહર ટેલર, સાહિત્ય સમાચાર
શનિવાર, 07/06/2008ની સાંજનો સૂર્યાસ્ત યાદગાર રંગો લઈને સૂરતની ક્ષિતિજને અડ્યો… ‘બુક વર્લ્ડ’નામની પુસ્તકોની દુકાન ચલાવતા રિટાયર્ડ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી સરવૈયાના આયોજન હેઠળ ‘પસંદગીના શ્વાસ’ કાર્યક્રમનું ‘સમૃદ્ધિ’ સભાગૃહમાં આયોજન કરવામાં આવ્યું હતું. જનાબ શ્રી આદિલ મન્સૂરી, શ્રી જલન માતરી અને શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ -એમ ત્રણ પેઢીના ગઝલકારોની ગઝલ ગોષ્ઠી મંડાણી.
કાર્યક્રમની પ્રારંભમાં આદિલભાઈને મળવા ગયો. મને હતું કે મને નામથી તો એ ઓળખતા જ હશે પણ ચહેરાથી તો કેમ કરી ઓળખે? હું મારી ઓળખાણ આપું એ પહેલાં જ મને જોઈને એ જાતે જ આગળ આવ્યા અને કેમ છો વિવેકભાઈ કહી હસ્તધૂનન માટે લંબાવેલા મારા હાથને અતિક્રમીને એમણે મને એક ગાઢ ઉષ્માસભર આલિંગન પણ આપ્યું. આ અણધાર્યું આલિંગન અને મારી બન્ને વેબ સાઈટ્સ – શબ્દો છે શ્વાસ મારા અને લયસ્તરો– વિશે જે ઉમળકાથી એમણે વાત કરી એ મારા માટે કોઈ પણ પુરસ્કારથી વિશેષ હતા.
ગઝલોની આ રંગારંગ મહેફિલમાં એમણે વચ્ચે-વચ્ચે મુકુલ ચોક્સી, એષા દાદાવાલા, ગૌરાંગ ઠાકર અને મને પણ પોતાની ગઝલોનું પઠન કરવા નિમંત્ર્યા. કાર્યક્રમના અંતે ત્રણેય દિગ્ગજ શાયરો, મુકુલભાઈ અને હું અમારા જીવનસાથીઓ સાથે, રઈશભાઈ, એષા, રાજકોટના કુ. કવિ રાવલ હોટલમાં જમવા ગયા. અને ત્યાં રાત્રે દોઢ વાગ્યા સાથે ગઝલોની રમઝટ ચાલી. આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે મોડી રાત્રિના ભોજન બાદ રેસ્ટૉરન્ટના માલિકે બિલ પેટે એક પણ રૂપિયો ન લીધો… આદિલ મન્સૂરીના પગલાં પડે એ ઘટનાને પોતાનું અહોભાગ્ય ગણાવી પોતાનું આખ્ખું બિલ જતું કરનાર હૉટેલિયર્સ પણ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી ગુજરાતી કવિતા અને ભાષાને વાંધો આવે એવું લાગે છે, ખરું?

(ડાબેથી આદિલ મંસૂરી, જલન માતરી, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)
*

(દુન્યવી અંધેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો… …મારું ગઝલવાચન)
*

(હું, વચ્ચે એષા દાદાવાલા અને આદિલ મન્સૂરી)
*

( જનાબ આદિલ સાહેબ સાથે હું…)
*

(ડાબેથી ગુલ અંકલેશ્વરી, એષા દાદાવાલા, મુકુલ ચોક્સી, ગૌરાંગ ઠાકર, આદિલ મન્સૂરી, જલન માતરી, હું, બુક વર્લ્ડવાળા સરવૈયા સાહેબ અને રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)
Permalink
June 10, 2008 at 11:36 PM by ધવલ · Filed under પ્રકીર્ણ, મુક્તક, સાગર સિદ્ધપુરી
બને તો આપબળથી તું તરી જા તારો ભવસાગર,
કિનારા પર ડુબાડે છે, ઘણાએ તારનારાઓ.
બધાએ જીતનારાઓ વિજેતાઓ નથી હોતા,
જીવનમાં દાવ જીતે છે ઘણાએ હારનારાઓ !
– સાગર સિદ્ધપુરી
Permalink
May 19, 2008 at 8:01 PM by ધવલ · Filed under અછાંદસ, પ્રકીર્ણ, ર.કૃ.જોશી
કાલે હું મારી સંપત્તિ જાહેર કરવાનો છું
ભાંગીતૂટી
ત્રણ
ખુરશી
ઘોબા પડેલા
ચારપાંચ
વાસણો
સનમાયકામાં
તડ પડેલું
ટેબલ
એક
બે ડિઝાઈનના
બે કપરકાબી
ન ચાલતું લાઈટર
લીક
થતો
ગેસ
ભેટ મળેલી બૉલપેન
ગયા
વર્ષની
ડાયરી અને આ કવિતા.
– ર.કૃ.જોશી ( અનુ. જયા મહેતા)
કવિ ‘સાંભળો રે સાંભળો’થી કવિતાની શરૂઆત કરે છે – ગામમાં દાંડિયો આવ્યો હોય એમ. કવિનો પૂરો અસબાબ થોડી જ લીટીમાં આવી જાય છે જેમાં જરીપૂરાણી ચંદ ચીજો સિવાય કાંઈ નથી… પહેલી નજરે આ કાવ્ય કવિની દરિદ્રતા પર કટાક્ષ લાગે પરંતુ કવિતાની ખરી ચોટ છેલ્લી લીટીમાં છે… જેમા કવિ પોતાની સંપત્તિમાં આ કવિતાને ઉમેરે છે. જે કવિને પોતાની ખરી જણસનો ખ્યાલ છે એ તો પોતાની જ અલગ દુનિયામાં રહે છે. એને માટે સંપત્તિની વ્યાખ્યા જ અલગ છે. લોકો દારિદ્ર સહન કરે છે અને છુપાવે છે જ્યારે કવિ એને ભરબજારે ‘સાંભળો રે સાંભળો’ કહીને સંભળાવે છે. એ કવિની આગવી ખુમારી છે. ફકીરીનો નશો જેણે કરેલો છે એને માટે દુનિયાના સમીકરણો તદ્દન અલગ હોય છે.
Permalink
April 13, 2008 at 12:35 AM by વિવેક · Filed under પ્રકીર્ણ, સાહિત્ય સમાચાર


ગુજરાતી ભાષાનો દુર્લભ અને અમૂલ્ય ખજાનો – ભગવદ્ગોમંડલ – ફરી એકવાર ભાષાના સદનસીબે ઉપલબ્ધ થયો છે. જે ભાષા પાસે પોતાનો ‘એન્સાઈક્લોપીડિયા’ નથી એ કેમ જીવી શકે ? ગુજરાતી ભાષાના લલાટે લખાયેલું આ મહેણું ગોંડલના મહારાજા શ્રી ભગવતસિંહજીએ પહેલ-પહેલીવાર તોડ્યું. એક બાજુ દેશભરમાં આઝાદીની લડતનો જુવાળ ફાટી નીકળ્યો હતો ત્યારે આ રાજવીએ શબ્દયજ્ઞ આદર્યો. પહેલી ઓક્ટોબર, ૧૯૨૮ના રોજ એમણે વિશાળ શબ્દકોશ રચવાના ભગીરથ કાર્યના શ્રીગણેશ કર્યા અને લાગલગાટ છવ્વીસ વર્ષોની એકધારી તપશ્ચર્યાના અંતે જ્ઞાનગંગાનું અવતરણ મા ગુર્જરીના ખોળે કરી શક્યા. મોટી ‘જમ્બો’ સાઈઝના નવ-નવ દળદાર ગ્રંથોના ૯૨૭૦ સુવર્ણ પૃષ્ઠોની વચ્ચે આશરે ૨,૮૧,૩૭૭ શબ્દોના ૫,૪૦,૪૫૫ જેટલા અર્થો અને બોનસમાં ૨૮,૧૫૬ જેટલા રૂઢિપ્રયોગો પણ સમાયા છે. ૧૯૪૮માં પ્રથમવાર છપાયેલા આ જ્ઞાનકોશનું પુનર્મુદ્રણ ઠેઠ ૧૯૮૬માં શક્ય બન્યું અને આજે પુનઃપુનર્મુદ્રણ ૨૦૦૭-૦૮માં કરવામાં આવ્યું છે. આ મહાકાય અને લગભગ આકાશકુસુમવત્ ભાસતા, માથે દેવાનો ડુંગર ખડકી શકે એવા ખર્ચાળ સાહસ કરવાનું ગાંડપણ રાજકોટના ‘પ્રવીણ પ્રકાશને’ કર્યું છે એ બદલ ‘લયસ્તરો’ ટીમ તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન…
પરંતુ એક દુઃખની વાત એ પણ છે કે કબાટનું એક આખું ખાનું રોકી લે એવા આ મહાગ્રંથની માત્ર ૧૦૦૦ પ્રત જ છાપવામાં આવી છે. કદાચ પ્રકાશક પણ જાણે છે કે ભાષાને જીવાડવાના બણગાં ફૂંકતી દાળભાતખાઉં પ્રજા કાગળ પરના વાઘની ગર્જનાથી વિશેષ કંઈ નથી. આપણામાંથી ઘણાના ઘરે ‘એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ જરૂર હશે, પણ ભગવદ્ગોમંડલ ખરીદવાનો તો વિચાર પણ નહીં આવે. રૂ. ૧૦૦૦૦ જેવી આજના જમાનામાં મામૂલી ગણાતી રકમમાં વેચાતી આ જ્ઞાનની બહુમૂલ્ય સરિતા 30મી એપ્રિલ સુધીમાં તો માત્ર રૂ. ૭૫૦૦માં જ મળશે.
ગુજરાતમાં, ગુજરાત બહાર અને દૂર દેશાવરોમાં પાણીના રેલાની માફક પથરાઈ ગયેલ કરોડો ગુજરાતીઓની વચ્ચે ૧૦૦૦ પુસ્તકોની સંખ્યા પણ કેમ વધુ પડતી લાગે છે ? રિબોકના ૩૦૦૦-૪૦૦૦ રૂ.ના જોડા પગમાં ઘાલીને કે રેબનના ૨૫૦૦-૩૦૦૦ના ગૉગલ્સ આંખે ચઢાવી થિયેટર-રેસ્ટૉરન્ટની એક મુલાકાતમાં જ ૫૦૦-૧૦૦૦ રૂપરડીની ચટણી કરતી પ્રજાના ખિસ્સામં સાડા-સાત હજાર રૂપરડી પણ નથી? કે મરતી માને પાણી પૂછવાનું પણ હવે આપણે સાવ જ વિસારી દીધું છે ?

(‘રાગ’ શબ્દનો અર્થ ત્રણ-ત્રણ પાનાં ભરીને કેવી રીતે આ ગ્રંથોમાં આપ્યો છે એ આ નમૂનામાં જોઈ શકાય છે. રાગ વિશે કોઈ પણ જાતની જાણકારી ન ધરાવનાર પણ આ પૃષ્ઠોમાંથી પસાર થઈ સંતોષનો ઓડકાર ખાઈ શકે છે. આ એક નમૂનો છે. આપણી ભાષાના કોઈ પણ શબ્દના અર્થની જે વિશદતાથી અને વિસ્તારથી અહીં છણાવટ કરવામાં આવી છે એ અભૂતપૂર્વ છે…) (Click on the photograph to get an enlarged view)
Permalink
January 13, 2008 at 1:37 AM by ધવલ · Filed under ઈન્ટરનેટ પર ગુજરાતી, પ્રકીર્ણ
ગુજરાતીનો વ્યાપ વેબ પર ખૂબ વધી રહ્યો છે એ તો આનંદની વાત છે જ. પરંતુ એનાથી પણ વધુ આનંદની વાત એ છે કે સત્વશીલ સાહિત્ય સામયિકો પણ હવે વેબ પર આવી રહ્યા છે. થોડા દિવસ પર સુધીરભાઈ પટેલે મને ‘ઉદ્દેશ’ની વેબસાઈટ વિશે ખાસ લખી જાણાવ્યું.
‘ઉદ્દેશ’ની વેબસાઈટ ગુજરાતી સાહિત્યના દરેક રસિયા માટે નાના ખજાના સમાન છે. એમાં ‘ઉદ્દેશ’ના તાજા અંકમાંથી સામગ્રી (ઉદ્દેશ-સુરખી) ઉપરાંત બીજા ઊંચી ગુણવત્તાવાળા સામાયિકોમાંથી ચયન (આચમન) અને સાહિત્ય સમાચાર (ઉદ્દેશ વૃત્ત) પણ છે. ‘ઉદ્દેશ’ના સન 1990-91ના બધા અંકો પૂરેપૂરા અહીં મૂક્યા છે. કદાચ આગળ જતા બીજા અંકો પણ મૂકાશે એવી આશા રાખીએ. વધારામાં, સુંદરમ સંપાદિત ‘દક્ષિણા’ના થોડા વિરલ અંકો પણ મૂક્યા છે.
વેબસાઈટ સરસ ‘ડિઝાઈન’ કરેલી છે. કમનસીબે, કોઈ ફોંટનો ઉપયોગ કરવાને બદલે બધી સામગ્રી ‘સ્કેન’ કરીને મૂકેલી છે. સામગ્રી ઘણી છે પણ તેને કોઈ પણ રીતે ‘સર્ચ’ કરવાની વ્યવસ્થા નથી એ એક બીજી મર્યાદા છે. આ નાની બાબતોને નજરઅંદાજ કરી તમે જરૂરથી આ સાહિત્યના ખજાનાની સત્વરે મુલાકાત લેશો.
Permalink
December 4, 2007 at 12:53 AM by વિવેક · Filed under પ્રકીર્ણ
પોતાના વ્હાલસોયા સંતાનને મોટું થતું જોવું કોને ન ગમે? દીકરાની વર્ષગાંઠ પર કયો બાપ ખુશીથી ન ઊછળી ઊઠે? દોસ્તો, આજે ‘લયસ્તરો’ ત્રણ વર્ષ પૂરા કરી ચોથા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે અમારું હૈયું હર્ષોલ્લાસથી છલકાઈ રહ્યું છે. થોડો પોરો ખાઈ પાછાં વળીને જોઈએ છીએ તો દેખાય છે કે ગુજરાતી કવિતા અને કાવ્યાસ્વાદની અમારી આ સફર ખાસ્સું ગજું કાઢી શકી છે. સવા ત્રણસો જેટલા કવિઓની લગભગ નવસોથી વધુ કવિતાઓનો આ રસથાળ શું સાચે જ અમારી મહેનતના કારણે શક્ય હતો? શું અમે સાચે જ આટલું ચાલી શક્યા હોત?
…ના…
અમારી આ અવિરત સફર અગર જારી રહી શકી છે તો એ શ્રેયના એકમાત્ર અને સાચા હકદાર આપ છો… માત્ર આપ જ! આપનો સ્નેહ એ જ અમારો શ્વાસ છે… ગુજરાતી કવિતા આજે પુસ્તકના પાનાંના ઉંબરા વળોટીને વિશ્વના સીમાડાઓ આંબી રહી છે ત્યારે લયસ્તરોના વાચકમિત્રોને અમારા તરફથી એક અઠવાડિયા સુધી દરરોજ બબ્બે વિશ્વ-કવિતાઓ -એક ભારતીય ભાષા અને એક વિદેશી ભાષા- ની નાનકડી ભેટ આપી અમે અમારા હૈયાને આભારના ભારથી થોડું હળવું કરીએ…
અને હા… પ્રતિદિન એક નવી કવિતાની અમારી આ સફર તો શક્ય હશે ત્યાં સુધી ચાલુ જ રહેવાની… રૉબર્ટ ફ્રોસ્ટની અમારા બંનેની મનગમતી કડીઓથી “વિશ્વકવિતા સપ્તાહ”ની શરૂઆત કરીએ?
Woods are lovely, dark and deep
but I have promises to keep
and miles to go before I sleep
and miles to go before I sleep…
-ધવલ શાહ, વિવેક ટેલર
‘લયસ્તરો’ ટીમ
Permalink
November 23, 2007 at 1:04 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, ચંદ્રિકાબેન પાઠકજી, પ્રકીર્ણ
જવું હતું ગામ પરોઢિયામાં,
ખાલી હતી કૈં કરવાની ઓરડી.
લીધી હતી સર્વ ચીજો સમેટી,
છતાંય શું કૈંક ભૂલી જતી હતી?
મેં બારીએ, દાદર ને દીવાલે,
એ શૂન્યતામાં કંઈ દૃષ્ટિ ફેરવી,
અનેક ચિત્રો હજુ ત્યાં રહ્યાં હતાં,
એને ન ત્યાંથી શક્તી ખસેડી.
-ચંદ્રિકાબહેન પાઠકજી
ચંદ્રિકાબહેનનું આ કાવ્ય વાંચતા જ શ્રી બાલમુકુન્દ દવેનું ‘જૂનું ઘર ખાલી કરતાં‘ સૉનેટ યાદ આવી જાય છે. કંઈક અંશે એના જેવો જ મિજાજ ધરાવતા છતાં કદમાં ખાસ્સા નાના અને શબ્દોમાં સાવ સરળ આ કાવ્યમાં કયા ગામ જવાની અને કઈ ઓરડી ખાલી કરવાની વાત છે? (જન્મ: ૨૬-૦૭-૧૯૧૦, મૃત્યુ:૨૦-૦૫-૧૯૯૬, કાવ્યસંગ્રહ: ‘રાતરાણી’)
Permalink
Page 3 of 4« First«...234»