ઉડવા માટે જ જે બેઠું હતું,
આપણો સંબંધ પારેવું હતું.
અંકિત ત્રિવેદી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ઉર્વીશ વસાવડા

ઉર્વીશ વસાવડા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

આ સમય છે... - ઉર્વીશ વસાવડા
કવિના મૃત્યુ પર યમરાજાનો આદેશ - ઉર્વીશ વસાવડા
કાચના અસ્તિત્વ પર... - ઉર્વીશ વસાવડા
ગઝલ - ઉર્વીશ વસાવડા
ગઝલ - ઉર્વીશ વસાવડા
ગઝલ - ઉર્વીશ વસાવડા
ગઝલ - ઉર્વીશ વસાવડા
ગઝલ - ઉર્વીશ વસાવડા
ગઝલ - ઉર્વીશ વસાવડા
ગઝલ - ઉર્વીશ વસાવડા
ગઝલ - ઉર્વીશ વસાવડા
ગુજરાતી ગઝલમાં 'મૃત્યુ' :કડી ૦૫
ટહુકાનાં વન - ઉર્વીશ વસાવડા
તારાં સ્મરણની વાદળી - ઉર્વીશ વસાવડા
નાનીલુ - ડૉ. એન. ગોપી (અનુ. ઉર્વીશ વસાવડા)
શંકા ન કર -ઉર્વીશ વસાવડા
હૃદય ભલા - એમિલિ ડિકિન્સન (અનુ : ઉર્વીશ વસાવડા)ગઝલ – ઉર્વીશ વસાવડા

image

ભીતરે બાળક રહી વરસાદનું સ્વાગત કર્યું,
નાવ કાગળની લઈ વરસાદનું સ્વાગત કર્યું.

આ ધરા માફક મહેકતાં છો મને ના આવડે,
તરબતર ભીના થઈ વરસાદનું સ્વાગત કર્યું.

પ્હાડની સંવેદનાઓ આ ક્ષણે સમજાય છે,
કૈંક ઝરણાંએ વહી વરસાદનું સ્વાગત કર્યું.

વૃક્ષ પાસે એ કસબ છે, આપણી પાસે નથી,
સાવ લીલાંછમ થઈ વરસાદનું સ્વાગત કર્યું.

માત્ર આ આકાશને પોષાય એવું આ રીતે,
એમ ધરતીએ કહી વરસાદનું સ્વાગત કર્યું.

– ઉર્વીશ વસાવડા

આમ તો હજી ચોમાસું પડું-પડું કરતુંક હાથતાળી જ દઈ રહ્યું છે પણ તબીબ-કવિમિત્ર ઉર્વીશ વસાવડા એમનો નવતર ગઝલસંગ્રહ “ઝાકળના સૂરજ” લઈ ઉપસ્થિત થયા છે ત્યારે મન દઈને ન આવેલા વરસાદની સાથોસાથ એમના આ સંગ્રહનું આપણે મન દઈને સ્વાગત કરીએ.

Comments (8)

ગઝલ – ઉર્વીશ વસાવડા

ગેં ગેં ફેં ફેં કંઈ ના ચાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે,
આજે નહીં તો તારે કાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે.

યાદ રાખજે, તેં ખાધા છે સમ ગમતીલી મોસમના,
ખુશબૂઓના એક સવાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે.

તારાં ગીતો સાંભળવાને મહેફિલમાં સહુ બેઠાં છે,
લોકોની તાલીના તાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે.

વાત ભલેને હોય વ્યથાની, જીવતરના મેળામાં તો,
ઢોલ નગારાં અને ધમાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે.

એની રીતો સાવ અલગ છે, મોકલશે કોરો કાગળ,
તો પણ એની એક ટપાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે.

– ઉર્વીશ વસાવડા

સરસ મજાની ગઝલ. સરળ ભાષા અને ઊંડી અભિવ્યક્તિ.

Comments (10)

તારાં સ્મરણની વાદળી – ઉર્વીશ વસાવડા

તૂટી નથી જતા એ પ્રભુનો જ પાડ છે
પ્રત્યેક સંબંધોમાં પડેલી તિરાડ છે

તારાં સ્મરણની વાદળી વરસી ગઇ છતાં
આંખોના આભમાં તો હજી ક્યાં ઉઘાડ છે

પ્રસ્તાવનામાં નામ ફક્ત એમનું લખ્યું
મારી કથાનો જોઇ લો કેવો ઉપાડ છે

થાકી ગયા છે સ્કંધ ઉપાડી અતીતને
લાગે છે બોજ એટલો જાણે કે પ્હાડ છે

ભાંગી પડ્યો છું સાવ ને રગરગ પીડા થતી
કારણમાં દોસ્ત ! કાળની ધોબીપછાડ છે

– ઉર્વીશ વસાવડા

Comments (7)

હૃદય ભલા – એમિલિ ડિકિન્સન (અનુ : ઉર્વીશ વસાવડા)

હૃદય ભલા, બે ભેળાં થઈને
એને ભૂલીએ ખાસ.
તું એની આપેલી ઉષ્મા, હું એનો અજવાસ.

જ્યારે તારું કામ પતે ને
દેજે મુજને સાદ,
સંકોરીશ હું વિચાર દીપની શગ
જલ્દી કરજે
સ્હેજ જરા પણ તું પડશે જો પાછળ
તો બસ એ જ પળે
એ આવી જાશે યાદ.

-એમિલિ ડિકિન્સન
(ભાવાનુવાદ: ઉર્વીશ વસાવડા)

*

વેલેન્ટાઇન ડે પર એમિલિ ડિકિન્સનની આ કવિતા રજૂ કરી એનો સાછંદ પદ્યાનુવાદ મોકલાવી આપ્યો એ આજે આપ સહુ માટે…

Comments (5)

ગઝલ – ઉર્વીશ વસાવડા

બધુંય ધ્વસ્ત થશે એ પછીય બચવાનું
કયું એ તત્ત્વ હશે એ જ તો સમજવાનું

પડાવો એક બે એવાય સફરમાં આવે
ગમે કે ના ગમે બે-ચાર પળ અટકવાનું

ઘટિકાયંત્રની રેતી સમી જીવનગાથા
સમયના છિદ્રમાં અટકી પછી સરકવાનું

બધાના ભાગ્યમાં છે આગિયાપણું કેવળ
ન કૈં પ્રકાશ મળે એ રીતે ચળકવાનું

તૂટેલી ભીતના ભીડેલ દ્વાર જેવો હું
ખુલ્યાનો અર્થ નથી તે છતાં ખખડવાનું

– ઉર્વીશ વસાવડા

બધા જ શેર મનનીય… ઘટિકાયંત્ર અને આગિયાના પ્રતીકોનો કેવો સક્ષમ પ્રયોગ !

Comments (10)

ગઝલ – ઉર્વીશ વસાવડા

શબ્દ મધ્યે સ્વર્ગ છે, સમજાય તો,
એ જ એનો અર્થ છે, સમજાય તો.

પ્રશ્ન છે તો ઉત્તરો એના હશે,
સાવ સીધો તર્ક છે, સમજાય તો.

કોઈ ના બોલે છતાં સહુ સાંભળે,
એ જ સાચું પર્વ છે, સમજાય તો.

માનવી ને માનવી ગણવો ફકત,
એ ખરેખર ધર્મ છે, સમજાય તો.

અ કલમ પર છે નિયંત્રણ કોકનું,
ને મને એ ગર્વ છે, સમજાય તો.

પુષ્પને સ્પશર્યા વિના પણ પામીએ,
દોસ્ત ઉત્તમ અર્ક છે, સમજાય તો.

– ઉર્વીશ વસાવડા

બધા જ શેર ખૂબ જ મજાના એવી આ ગઝલ ઘણી ઊંડી વાતો કરી જાય છે, સમજાય તો…

Comments (8)

કવિના મૃત્યુ પર યમરાજાનો આદેશ – ઉર્વીશ વસાવડા

કવિના ગામ મધ્યે જઈ, કવિના પ્રાણ લઈ આવો,
કવન અકબંધ રહેવા દઈ, કવિના પ્રાણ લઈ આવો.

ફૂલોથી પણ વધુ નાજુક કવિનું ઘર છે સમજીને,
સુકોમળ ઓસ જેવા થઈ, કવિના પ્રાણ લઈ આવો.

પડે વિક્ષેપ ના સ્હેજે કવિની ગાઢ નિદ્રામાં,
ચરણને મૌન રહેવા કહી, કવિના પ્રાણ લઈ આવો.

પ્રતીક્ષારત હશે શબ્દો જવા ઘરમાં ગરિમાથી,
અદબથી સાથ એના રહી, કવિના પ્રાણ લઈ આવો.

ખજાનો છે ખરેખર સ્વર્ગ માટે પણ મહામૂલો,
જતનપૂર્વક ને સાવધ રહી, કવિના પ્રાણ લઈ આવો.

કલમ હો હાથમાં તો બે ઘડી દ્વારે ઊભા રહેજો,
રજા મા શારદાની લઈ, કવિના પ્રાણ લઈ આવો.

– ઉર્વીશ વસાવડા

કવિના મૃત્યુ પર સાક્ષાત્ યમરાજા પણ કેવો મલાજો પાળે છે એ કલ્પન કોઈપણ ભાષા, કાળ કે સંસ્કૃતિના કવિની ખરી મહત્તા સ્થાપિત કરે છે.

Comments (13)

ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૫

મૃત્યુ વિષયક શેરોની ગલીઓમાં ફરી એકવાર થોડા આગળ વધીએ… આ વખતે કોઈ એક કવિ ‘મૃત્યુ’ નામના એક જ વિષય પર અલગ અલગ નજરિયાથી વાત કરે એના બદલે એક જ વિષય પર અલગ અલગ કવિઓ શું કહે છે એનો આસ્વાદ લઈએ…

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે, ભાન ની સૃષ્ટિની સીમાને પરખવા માટે,
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે, કોઈ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.
– હરીન્દ્ર દવે

મોત તારી કારી નિષ્ફળતા ઘડીભર જોઈ લે,
કેટલા હૈયે સ્મરણ મારા બિછાવી જાઉં છું,
-હરીન્દ્ર દવે

જેવું તને મેં જોયું ત્યાં ભાંગી પડ્યો, મરણ!
મંજિલ મળી તો લાગે છે મોકાનો થાક છે.
– હરીન્દ્ર દવે

એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર,
ઓ ‘જલન’ જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું.
– જલન માતરી

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’ ?
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
– જલન માતરી

જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,
નથી કાયમ અહીં કોઈ – મરણ સંદેશ આપે છે;
જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને,
ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે.
– ઇજન ધોરાજવી

બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું
મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે
– પ્રણવ પંડ્યા

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે
– આદિલ મન્સૂરી

મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક
બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે.
-આદિલ મન્સૂરી

જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,
થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.
– મુકુલ ચોકસી

મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો!
-શ્યામ સાધુ

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?
– ‘રૂસવા’

મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.
– મરીઝ

મોત તું શું બહાનું શોધે છે?
મારું આખું જીવન બહાનું છે
– મરીઝ

મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.
– મરીઝ

મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે,
હું તેથી મારા જીવનમાં જ આમતેમ રહ્યો.
– મરીઝ

હવે કોઈ રડી લે તો ‘મરીઝ’ ઉપકાર છે એનો,
કોઈને કંઈ નથી નુક્શાન જેવું મારા મરવાથી.
– મરીઝ

આપ ગભરાઈને જતા ન રહો,
આ છે છેવટના શ્વાસ, હાય નથી.
– મરીઝ

તંગ જીવનના મોહથી છું ‘મરીઝ’,
આત્મહત્યા વિના ઉપાય નથી.
– મરીઝ

મરણ હો કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે;
જનાજો જશે તો જશે કાંધે-કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
– મરીઝ

જીવનના બંધનો હસતા મુખે જેબે વિદાય આપે,
ફકત એ આદમીને હક છે કે આઝાદ થઈ જાએ.
– મરીઝ

મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
– મરીઝ

કેમ હો જીવનનું ઘડતર જ્યારે હું શીખ્યો ‘મરીઝ’,
વાહ રે કિસ્મત ! કે મૃત્યુનો સમય આવી ગયો.
– મરીઝ

‘મરીઝ’ એની ઉપરથી આપ સમજો કેમ ગુજરી છે,
મરણ આવ્યું તો જાણ્યું જિંદગાની લઈને આવ્યો છું.
– મરીઝ

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.
– મરીઝ

દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.
– મરીઝ

જીવનને કોઈ પણ રીતે નિષ્ફળ જવું હતું,
એવામાં કોઈ રોકે તો રોકે ક્યાં લગ મરણ ?
– રવીન્દ્ર પારેખ

આજે મરણનો ભેદ કાં પૂછે છે આ જગત?
પેદા થતાં ન પૂછ્યું કે કાં આવવું પડ્યું?!
– સૈફ પાલનપુરી

હવે તો સૈફ ઇચ્છા છે કે મ્રત્યુ દ્વાર ખખડાવે,
ઘડી ભર તો મને લાગે કોઈના આગમન જેવું
– સૈફ પાલનપુરી

જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી,
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
– ગની દહીંવાલા

જિંદગાનીને દુલ્હનની જેમ શણગારી ‘ગની’,
એને હાથોહાથ સોંપી જેમના ઘરની હતી.
– ગની દહીંવાલા

જિંદગી મૃત્યુની ખાતર જાળવી રાખો ‘ગની’,
આખરી મેહમાનને માટે ઉતારો જોઈએ.
– ગની દહીંવાલા

છોડીને એને ક્યારના ચાલી જતે અમે,
હક છે મરણનો એટલે રાખી છે જિંદગી
-અમર પાલનપુરી

દયા તો શું, હવે સંજીવની પણ કામ નહિ આવે,
જીવનના ભેદને પામી ‘અમર’ હમણાં જ સૂતો છે.
-અમર પાલનપુરી

એ ક્ષણે રંગો હશે, સૌરભ હશે, ઝળહળ હશે,
મૃત્યુ પણ કોઈ નવોઢા જેમ આંગણ આવશે
-ભગવતી કુમાર શર્મા

મને જીવન અને મરણની એટલી ખબર છે,
કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે
-જયંત શેઠ (?પાઠક)

ખુલ્લી આંખો જિંદગી છે, બંધ આંખો મોત છે,
પાંપણો વચ્ચેનું અંતર જિંદગાની હોય છે.
– ‘કાબિલ’ ડેડાણવી

પ્રભુ ના સર્વ સર્જનની પ્રતિષ્ઠા જાળવું છું હું,
મરણની લાજ લૂંટીને નથી થાવું અમર મારે
-ઓજસ પાલનપુરી

મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.
-ઓજસ પાલનપુરી

કોણે કહ્યું હતું કે મૃત્યુ થયું છે તારું,
ફરકી રહી છે આજે તારી ધજા હજુ પણ.
– અબ્બાસ રૂપાવાલા ‘રફીક’

તને હું કેમ સમજાવું સફર છે દૂરની ‘અકબર’ ?
ઉતારો છે, તને જે કાયમી રહેઠાણ લાગે છે.
– અકબરઅલી જસદણવાળા

કહે છે મોત જેને એ અસલમાં છે જબરજસ્તી,
હરિ ઇચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.
– ઘાયલ

એક પંખી મોત નામે ફાંસવા
જાળ છેલ્લા શ્વાસ કેરી પાથરો
– ડૉ. જગદીપ નાણાવટી

સામે છે મોત તો ય સતત ચાલતી રહે
આ જિંદગી ય ખૂબ નીડર હોવી જોઈએ
– રઈશ મનીઆર

ભલે મોત સામે થયો હો પરાજય,
છતાં જિંદગી ‘બાબુ’ વર્ષો લડી છે.
– બી. કે. રાઠોડ ‘બાબુ’

થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.
-સૈફ પાલનપુરી

હવે તો ‘સૈફ’ ઇચ્છા છે કે મૃત્યુ દ્વાર ખખડાવે,
ઘડીભર તો મને લાગે કોઈના આગમન જેવું.
-સૈફ પાલનપુરી

અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં;
સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં.
– શેખાદમ આબુવાલા

બે કદમ વધે છે એ રોજ શ્વાસની સાથે,
મોત પણ સલામત છે, જિંદગીની છાયામાં.
– મનહરલાલ ચોક્સી

જુઓ આ દેહમાં ઉષ્માનો પરપોટો નથી બાકી,
હવે કરશે મનન શું કોઈ કારાવાસ રોકીને ?
– મનહરલાલ ચોક્સી

મોત જો વરસાદ થઈ તૂટી પડે,
તો આ મરવું થાય મુશળધાર પણ !
-રવીન્દ્ર પારેખ

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

જીવન અર્પણ કરી દીધું, કોઈને એટલા માટે,
મરણ આવે તો એને કહી શકું ‘મિલકત પરાઈ છે’ !
– ‘શૂન્ય’ પાલનપુરી

જમાનો એને મરણ માને તો ભલે માને –
કદમ વળી ગયાં મારાં અસલ મુકામ તરફ.
– ‘શૂન્ય’ પાલનપુરી

છે તમારી જ હયાતિનું એ બીજું પાસું,
મોત આવ્યું તો ભલે, એનો યે પરદો ન કરો!
-ભગવતીકુમાર શર્મા

રમત શ્વાસના સરવાળાની,
મૃત્યુ રાહત વચગાળાની.
-ઉર્વીશ વસાવડા

સ્મરણ રૂપે રહ્યો છું જીવતો હું સર્વના હૈયે,
મને ના શોધશો અહીં, હું કબર નીચે નથી સૂતો.
– ‘દિલહર’ સંઘવી

‘નૂર’ કેવળ શ્વેત ચાદર લઈને દુનિયાથી ગયો,
જિંદગી એણે વિવિધ રંગોથી શણગારી હતી.
‘નૂર’ પોરબંદરી

નથી ભય મોતનો કે મોત કેવળ એક વેળા છે,
જીવનની તો ઘણીવેળા દશા બદલાઈ જાય છે.
-હસનઅલી નામાવટી

Comments (36)

નાનીલુ – ડૉ. એન. ગોપી (અનુ. ઉર્વીશ વસાવડા)

આજે ઉત્તરાયણના દિવસે નાનીલુના નાના નાના પતંગ ચગાવીએ…

*

During revolts
Stones grow wings.
Well, they are aimed
Through tearful eyes !

વિપ્લવ દરમ્યાન ફેંકાતા
પથ્થરોને ફૂટે છે પાંખો
હા ! એ સધાયેલ હોય છે
અશ્રુભીની આંખોથી !

*

When I look
Into crystal clear waters,
Into myself
I seem to journey

જ્યારે જ્યારે
નિહાળું છું નિર્મળ જળને
ત્યારે ત્યારે અનુભૂતિ થાય છે
અંતઃયાત્રાની

*

True
We are climbing the stairs.
But aren’t we moving on
Leaving behind the steps ?

હા એ સાચું છે કે
આપણે સર કરીએ છીએ સોપાન
પણ એમ કરવામાં નીચેનાં
પગથિયાં છૂટી નથી જતાં શું ?

*

What is it doesn’t fly
Like a butterfly
The flower
has its fragrance, hasn’t it ?

પતંગિયા માફક પાંખોને
પ્રસારી ન શકે તો શું થયું ?
પુષ્પ પોતાની
ખુશબૂ તો પ્રસારી જ શકે છે ને !

*

A sentence
Is never complete.
Finished sentence
Stops growing

વાક્ય કદી પણ
પૂર્ણ થતું નથી કારણ
પૂર્ણ થયેલા વાક્યનો
વિકાસ થંભી જાય છે.

– ડૉ. એન. ગોપી
અનુ. ઉર્વીશ વસાવડા

તેલુગુ ભાષામાં ચાર પંક્તિઓનો ‘ગદ્ય’ કાવ્ય પ્રકાર ‘નાનીલુ’ પ્રચલિત છે જેનો શાબ્દિક અર્થ ‘મારું, તમારું અને આપણું’ થાય છે. આ ચાર પંક્તિઓનો કાવ્યપ્રકાર આમ તો આપણા મુક્તક જેવો જ છે જેમાં પ્રથમ બે પંક્તિઓમાં એક ભાવવિશ્વ રચાય છે અને આખરી બે પંક્તિઓમાં એ ભાવ વિશ્વ પરિપૂર્ણતા પામી કાવ્યનો આકાર લે છે. કવિ ઉર્વીશ વસાવડા ‘નાનીલુ’ નામે એક આખો સંગ્રહ આપણી ભાષામાં લઈ આવ્યા છે…

Comments (7)

ગઝલ – ઉર્વીશ વસાવડા

નીર છે ઊંડા પતાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?
ને ઉપરથી આભ બાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?

બાગ જાણે કે નિભાડો થઈ ગયો બળબળ થતો
પ્રશ્ન છે આવા ઉનાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?

આભ બળતું, નીર ઓછાં ને દૂષિત વાતાવરણ
આ પ્રતિકુળતા વચાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?

નષ્ટ થઈ જાતી નવી કૂંપળ બધી વિકસ્યા વિના,
પર્ણ સૂકાં ડાળ ડાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?

ક્યાંક વર્ષા ભર શિયાળે, ને કશે શ્રાવણ સૂકા,
જો નિયમ કુદરત ન પાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?

– ઉર્વીશ વસાવડા

સાદ્યંત વૃક્ષપ્રેમની મુસલસલ ગઝલ… ગઝલ વાંચીએ અને એક વૃક્ષને જીવવાનું બહાનું પણ આપીએ…

Comments (9)

Page 1 of 212