ટહુકાનાં વન – ઉર્વીશ વસાવડા
નરસિંહ મહેતાની ભૂમિમાં જન્મેલા તબીબ કવિ ઉર્વીશ વસાવડા ઊર્મિઓના કવિ છે. વ્યવસાયે રેડિયોજિસ્ટ છે પણ કવિતા વાંચો તો એમ લાગે કે આ માણસ શબ્દોની સોનોગ્રાફી વધુ સારી રીતે કરી જાણે છે અને અર્થના સોંસરવા એક્ષ-રે પાડવામાં તો ખાસ પાવરધો છે. રણ-ઝાકળ-અરીસો-દરિયો-પીડા જેવા ગઝલના ચવાઈ ગયેલા સિક્કાઓને પણ એ કૈંક નવી જ અને એવી તાજગી સાથે પેશ કરી શકે છે કે એનો ચળકાટ દિલની આંખોને આંજી દે છે. સરળ વાક્યરચના અને વાતચીતમાં વપરાતા રદીફો લઈને આવતી એમની ગઝલો આમ-આદમી સાથે ક્ષણાર્ધમાં તાદાત્મ્ય સાધી લે છે. એમના બીજા ગઝલસંગ્રહ ‘ટહુકાનાં વન’માં ફરતા-ફરતા ગમી ગયેલા થોડા ટહુકાઓ સાંભળીએ:
મને ગમતી પ્રત્યેક ક્ષણ ગઝલમાં લઈને આવ્યો છું,
ઘણી વાતો તમારી પણ ગઝલમાં લઈને આવ્યો છું.
નથી મારી ખૂબી એમાં, લખાવે છે કૃપા એની,
સતત એ વાતની સમજણ ગઝલમાં લઈને આવ્યો છું.
ક્ષણોમાં જીવવાનો રંજ ના રહેશે કદી મનમાં
ક્ષણો શાશ્વત બને એવો કસબ મળશે ગઝલ પાસે.
ઘાવ કોના ? પૂછ ના
પૂછ કોનો છે મલમ
જો સ્વીકારી ના શકે તું સત્યને
તો જરૂરી છે કે તું ઈન્કાર કર
લે કલમ, ને લખ ગઝલ કોઈ નવી
એમ તારી ચેતના વિસ્તાર કર !
રાખજો અકબંધ નાતો ડાળ સાથે ને છતાં
વૃક્ષના મૂળમાં જઈને કેન્દ્રબિંદુ શોધજો.
શ્વાસની સાથે વણાઈ છે જીવનની હર પીડા,
શ્વાસની સાથે જ જીવતરની કથા પૂરી થઈ.
યુગ યુગાંતરથી ઊભો છું એમના દ્વારે છતાં
એમને મળવાનું કારણ શોધવા મથતો રહ્યો.
તું ભલે ઉલ્લેખ ટાળે, નામ તો મારું જ છે
તુજ કથાના હર મથાળે નામ તો મારું જ છે.
કાલ આંખોમાં એ ધસમસ પૂર માફક આવશે
આજ સંભવ છે તું ખાળે, નામ તો મારું જ છે
તુજ સ્મરણનો મ્હેલ સળગ્યાને વીત્યાં વરસો છતાં
કેમ ઊડે છે હજી આ રાખ, હું ના કહી શક્યો.
જે ડૂબ્યું રંજ એનો કરી અર્થ શું
જે બચ્યું એ બધું તારવાનું હતું
જનમ કે મરણ પર નથી કોઈ કાબૂ
બધાં માણસોને ઉભય છેતરે છે
એ સતત સીંચાય છે આંસુ વડે
વેદનાનાં વન તો વિસ્તરતાં રહે
ખુશીઓ બધી ઈશ્વરે મોકલી છે અને સર્વ વિપદાઓ આપી છે એણે
ખુશી હો કે આફત, છે એના દીધેલાં પછી શું જરૂરી દિલાસો અમારે
એક વર્તુળના પ્રવાસી આપણે
આજ છે આરંભ ને આ અંત છે
ધર્મ જુદા એટલા ઈશ્વર જુદા
એમ જે સમજે નહીં એ સંત છે
વેદના એ કાંકરીની કેટલી ઊંડી હશે
કોઈ પનિહારી વગરના જ્યાં સૂના પનઘટ હતા
અમારી જિંદગીમાં શબ્દનો છે માત્ર ફાળો એ
સતત એણે કર્યું છે કામ પીડાઓ સરજવાનું
તને હું મોકલું તો મોકલું સંદેશ શી રીતે
નથી કાગળ, નથી વાદળ, ન જાણું હું, શું લખવાનું
ઊગી આવ્યું તરત મનમાં નિહાળી તાજનાં ચિત્રો
જીવન થોડા વરસ માટે, કબર વરસો સુધી રહેશે.
ગઝલ મારી સુણી તું દાદ આપે, પણ હકીકતમાં
બધાં ભીતરના દર્દો છે તને એ કોણ સમજાવે?
લુપ્ત થયો છું ગૌરવ સાથે
બુંદ હતો ને થયો સમંદર
કોરી પાટી જેવી ધરતી નીરખો તો સમજાશે
ભૂંસાતા ઈશ્વરના અક્ષર, વૃક્ષ પડે છે ત્યારે
એ બધા ટોળાનાં માણસ, આપણે એકાંતનાં
એટલે હો હર જગાએ આપણો ખૂણો અલગ
ગઝલના આ નગરમાં કઈ રીતે આવી ગયો, કહી દઉં
કદી જાણે અજાણે આંગળી પકડી લીધી એની
ખબર ન્હોતી, નીકળશે બાદમાં જન્મોજનમની એ
અમે જે ઓળખાણે, આંગળી પકડી લીધી એની
કંઈ પણ જીવંત ક્યાં છે સંબંધોમાં આપણા
આ બોજ વ્યર્થ તો પછી ક્યાં લગ ઉપાડશું
મને શબ્દોએ શું દીધું તને હું કેમ સમજાવું
અને બદલામાં શું લીધું તને હું કેમ સમજાવું
આ પાનખરમાં પર્ણ ખરી જાય એ ક્ષણે
ઘટના ઘટે જે એ જ ખરેખર વસંત છે
આપણી મંઝિલ તો પેલે પાર છે
આ બધો તો શબ્દનો વિસ્તાર છે
સૌ સંબંધોનો તું સરવાળો ન કર
આ બટકણી ડાળ છે, માળો ન કર
સ્પર્શની લિપિ નથી સ્હેલી કદી
એક સંવેદન છે, ગોટાળો ન કર
આ સ્મરણના મંચ પર કિસ્સા બધા
ક્રમ, સમય માફક રજુ ના થઈ શકે
ના પડી બિલકુલ ખબર છાને પગે
કોણ શૈશવ આપણું ચોરી ગયું
શ્વાસનો દીવો બુઝાવાની ક્ષણે
કો’ક આવી શગને સંકોરી ગયું
આંગણું મારું ઉદાસીને ગમે
છે ખબર એને, છે આ સદ્ધરનું ઘર
હું કહું, વરસાદમાં આવી પલળ
તું કહે, મરજાદ જેવું છે કશુંક
તું ઉકેલી નહીં શકે આ મૌનની લિપિ કદી
આ બધી કોરી કિતાબો કઈ રીતે આપું તને ?
બરફ માફક થીજેલા આ સંબંધો ઓગળે માટે
સહી પીડા, આ સમજણના તિખારા પર અમે બેઠા
સાચું ગણો તો જ્ઞાનનો આ પણ પ્રકાર છે
ફાનસ ઠર્યું છે એટલે તો અંધકાર છે
ઘડી કે બે ઘડી માટે એ સંગાથી હતા એમાં
ચડ્યું છે નામ ચકચારે, હવે જે થાય તે સાચું
ઔ સભાગૃહમાં ઊભા થઈ તાલીઓથી દાદ દે
રંગભૂમિ આખરે એવી અદામાં છોડીએ
હું ટકોરો નહીં ભીતરનો સાદ છું
દ્વાર પર જઈને મને તું શોધ મા
હું ભલે છોડ હોઉં લજ્જાનો
એની મરજી જ છે તો અડવા દે
એક આંસુ કો’કનું લૂછી દીધું
જો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ
એમણે પીડા વિશે પૂછ્યા પછી
કેટલી પીડામાં રાહત થઈ ગઈ
સાવ સામે ઘર હતું એનું છતાં
જિંદગીભર માર્ગ ચકરાયો હતો
બાર ખોલ્યાં તો પડેલાં ફૂલ જોઈને થયું
મ્હેકથી ભરપૂર જાસો એમનો આવી ગયો
આપણે છુટ્ટા પડ્યા’તા ભાગ્યવશ
બેયને ફરિયાદ જેવું છે જ ક્યાં ?
હોય જો એકાંત ઠંડુગાર તો
એક બે યાદો હૂંફાળી જોઈએ
કેમ રોકાશે પીડાનું પૂર આ
ચાલ ને ગઝલોમાં વાળી જોઈએ
આપણા સૌની વ્યથાનું એ જ કારણ
સોડ કરતાં આપણી નાની પછેડી
સ્હેજ ગફલત ને મહા વિસ્ફોટ થાશે
છે સુરંગો શબ્દની કાગળને રસ્તે
એ તરફ રસ્તા હવે વળતા નથી
આપણે બસ એટલે મળતા નથી
એક ઘટનાને જ જોઈ તે છતાં
આપણા સૌનું અલગ તારણ હતું
એક ચ્હેરાની ત્રુટીને ઢાંકવા
આયનાઓ કેટલા શણગારવા
હું ગઝલમાં એ લખું કેવી રીતે
જે અનુભવ હોય શબ્દ પારનો
એ દગો દેશે નહીં ક્યારેય પણ
શબ્દ પર મારો અટલ વિશ્વાસ છે
બે લીટી વચ્ચે લખાયું વાંચવું સહેલું નથી
એ જ સૌ વાંચે કે જે કાગળ ઉપર અક્ષર થયો
આપણો ને શબ્દનો નાતો, પીડાનો છે ગહન
બ્હાર જો નીકળે ગઝલ, ભીતર સબાકો નીકળે
કો’ક ખૂણે બેસીને વાંચો ગઝલ
એ જ સર્જકનું ખરું સન્માન છે
(‘ટહુકાનાં વન’ લયસ્તરોને ભેટ આપવા બદલ કવિ શ્રી ઉર્વીશ વસાવડાનો આભાર !)
ધવલ said,
February 24, 2007 @ 5:08 PM
એ બધા ટોળાનાં માણસ, આપણે એકાંતનાં
એટલે હો હર જગાએ આપણો ખૂણો અલગ
કો’ક ખૂણે બેસીને વાંચો ગઝલ
એ જ સર્જકનું ખરું સન્માન છે
હું ટકોરો નહીં ભીતરનો સાદ છું
દ્વાર પર જઈને મને તું શોધ મા
– બહુ મઝાનું સંકલન !
Parul said,
February 25, 2007 @ 4:44 PM
ઊગી આવ્યું તરત મનમાં નિહાળી તાજનાં ચિત્રો
જીવન થોડા વરસ માટે, કબર વરસો સુધી રહેશે.
**** આજેજ્ ફિ્લાડેલિફ્યા માં ઇજીપ્તના બાળરાજા ટુટનખામેનની વસ્તુઓ નું પ્રદર્શન જોયું – જિવન ફક્ત દસજ વર્ષનું પણ યાદ હ્જ્જારો વર્ષો જુની …વાહ ઉરિવશભાઈ….
Harshad Jangla said,
February 26, 2007 @ 10:16 AM
પૂછ કોનો છે મલમ…….
સુન્દર પંક્તિ
Harshad Jangla
Atlanta, USA
dr.mahesh rawal said,
March 4, 2007 @ 9:17 AM
નમસ્તે,
મારો ગઝલ સ’ગ્રહ્”નવેસર્” ઉર્વિશભાઇને મોક્લ્યો ,ત્યારે જવાબરુપે મને ટૂહુકાનુ વન મલ્યુ”તુ
ખુબ સરસ ગઝલોના આસ્વાદ થકિ હુ તરબતર થયો.-ડૉ.મહેશ રાવલ
” જ્યોતિ”
૪,હસનવાડી
રાજકોટ -૨
લયસ્તરો » કાચના અસ્તિત્વ પર… - ઉર્વીશ વસાવડા said,
April 6, 2007 @ 11:15 AM
[…] આમ તો ગઝલ આખી સરસ છે. પણ બીજો શેર મને સૌથી ગમ્યો. હસ્તરેખાની લીપીની વાત સરસ રીતે આવી છે. એક બાજુ મુઠ્ઠી ખોલવાની વાત છે જ્યારે બીજી બાજુ ભવિષ્ય વાંચવાની વાત છે ! આગળ વિવેકે ઉર્વીશભાઈના સંગ્રહ ‘ટહુકાના વન’ની સફર કરાવેલી એ પણ આ સાથે જોશો. […]
Vinod manek said,
October 14, 2019 @ 8:06 AM
Very nice.. Collection.. Congratulations to urvish Vasavada ji… Nice share selection by laya staro… Vivekbhai n team