કાચના અસ્તિત્વ પર… – ઉર્વીશ વસાવડા
કાચના અસ્તિત્વ પર પ્રશ્નાર્થ લાગી જાય છે
હાથમાંથી એક પથ્થર જ્યારે ફંગોળાય છે
બંધ મૂઠ્ઠી ખોલવામાં પ્રશ્ન એ સર્જાય છે
હસ્તરેખાની લીપી ક્યાં કોઈને સમજાય છે
કેમ કોઈ સાંભળી શકતું નથી આ શહેરમાં ?
એક પંખી તારસ્વરમાં ગીત કાયમ ગાય છે
આ જગાએ એક ટહુકો સાંભળ્યો તો મે કદી
એ સતત મારા સ્મરણમાં આજે પણ પડઘાય છે
બુદબુદા ફૂટે સપાટી પર બધા દેખી શકે
કોઈને પેટાળના વિસ્ફોટ ક્યાં દેખાય છે.
– ઉર્વીશ વસાવડા
આમ તો ગઝલ આખી સરસ છે. પણ બીજો શેર મને સૌથી ગમ્યો. હસ્તરેખાની લીપીની વાત સરસ રીતે આવી છે. એક બાજુ મુઠ્ઠી ખોલવાની વાત છે જ્યારે બીજી બાજુ ભવિષ્ય વાંચવાની વાત છે ! આગળ વિવેકે ઉર્વીશભાઈના સંગ્રહ ‘ટહુકાના વન’ની સફર કરાવેલી એ પણ આ સાથે જોશો.
આ ગઝલ મોકલવા માટે આભાર, કલ્પન !
વિવેક said,
April 7, 2007 @ 12:07 AM
બુદબુદા ફૂટે સપાટી પર બધા દેખી શકે
કોઈને પેટાળના વિસ્ફોટ ક્યાં દેખાય છે.
-સાચી વાત ! આપણે સપાટી અને ચામડીની નીચે ઉતરી જ શક્તા નથી. તળસ્પર્શી અને મર્મસ્પર્શી જ સંતત્વને પામી શકે…