હું ઈબાદત એટલે કરતો નથી
કોક એવી માંગણી તો જોઈએ
ચિરાગ ત્રિપાઠી

(પ્રથમ વરસાદની વેળા) – ઉર્વીશ વસાવડા

ભૂંસાઈ ગ્રીષ્મની પાટી, પ્રથમ વરસાદની વેળા
પછી મહેકી ઉઠી માટી, પ્રથમ વરસાદની વેળા

ફૂટી નીકળી અચાનક કૂંપળો શૈશવની યાદોની
ભીતર જેને હતી દાટી, પ્રથમ વરસાદની વેળા

મળ્યાં છે મોતીઓ મબલખ હથેળી જેમણે ખોલી
ખરેખર એ ગયા ખાટી, પ્રથમ વરસાદની વેળા

નર્યા ઉન્માદથી ડોલે બધાયે વૃક્ષ મસ્તીમાં
કોઈ ભૂરકી ગયું છાંટી, પ્રથમ વરસાદની વેળા

ક્ષણિક ઝબકારમાં પણ વીજનું નર્તન પ્રથમ દીઠું
પછી માણી ઘરેરાટી, પ્રથમ વરસાદની વેળા

– ઉર્વીશ વસાવડા

ભલે ચોમાસુ ચાર માસ ચાલે અને મનભર ખાબકતું રહે પણ પ્રથમ વરસાદની તો વાત જ અલગ. ચાર મહિના સુધી ધરતીની પાટી ઉપર ઉકળાટની કલમથી ઉનાળાએ જે કંઈ લખ્યું હોય એ બધું એક જ વરસાદના ડસ્ટરથી સાવ સાફ થઈ જાય… કેવી મજાની વાત! પ્રથમ વરસાદની ભીની હૂંફ જીવનની આપાધાપીમાં હૈયામાં ક્યાંક ઊંડે દાટી દીધેલ બાળપણની યાદોને પુનર્જિવિત કરી દે છે. પહેલા વરસાદને શરીર પર ઝીલી શકે એ જ સાચો અમીર. પહેલા વરસાદના પ્રભાવથી કોઈ બચી શકતું નથી. સૃષ્ટિ સમગ્ર કોઈ ભૂરકી ન છાંટી ગયું હોય એમ નર્યા ઉન્માદમાં નર્તન કરે છે. વિજ્ઞાનશાખાના વિદ્યાર્થી હોવાથી તબીબકવિ પ્રકાશની ગતિ અવાજની ગતિ કરતાં વધુ હોવાની વૈજ્ઞાનિક ઘટનાને પણ ગઝલના આખરી શેરમાં બખૂબી સાંકળી લે છે.

5 Comments »

  1. PRAVIN SHAH said,

    June 29, 2023 @ 2:10 AM

    સરસ્ ! ખૂબ સરસ !

  2. pragnajuvyas said,

    June 29, 2023 @ 6:38 AM

    કવિશ્રી ઉર્વીશ વસાવડાની સુંદર ગઝલનો ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ
    પહેલા વરસાદનું મહત્ત્વ જ કંઈ ઓર છે. જીવનમાં કોઈનું આવવું એ પહેલાં વરસાદ સમું હોય છે. ફાગણ મહિનાએ તેની ગરમીનો પૂરેપૂરો પરચો કરાવ્યો હોય છે. ચારેબાજુ જાણે અગનઝાળ ઉડતી હોય એવા સમયમાં અચાનક વાદળ ઘેરાય, અંધારું થાય, મોરના ટહૂકા સંભળાય અને વરસાદ તૂટી પડે. કવિશ્રી રમેશ પારેખનો વરસાદ ઉપરનો એક શેર આ ક્ષણે યાદ આવી રહ્યો છે.
    ફાગણની ઝાળઝાળ સુક્કી વેળામાં
    તારું પહેલા વરસાદ સમું આવવું
    હવે આંખોને કેમ રે ભુલાવવું.
    બળતે બપ્પોર ભીનો પગરવ સુણીને
    વધુમા યાદ આવે
    વા વાદળ ને વીજલડી
    આવી આષાઢી બીજલડી
    વ્હાલા! આવો ને સૂની સેજલડી
    મને ડારે ઝબૂકતી વીજલડી
    હવે કરશો ના વ્હાલા ત્રીજલડી! … આવા દિવસો હવે વેગળા ને વેગે વહી ગયા છે. પણ આષાઢ આવે છે ત્યારે ચારે તરફથી અમને ઘેરી લે છે છાતીમાં ઝીણું ઝીણું દર્દ છે, આંખોમાં વ્યતીતની ભીનાશ ને મનમાં થોડોક ઉન્માદ. પહેલા વરસાદે મહેકી ઊઠતી આ માટીની સુગંધ… એની મધુરતા લઈ જાય છે દૂર દૂર…આષાઢનો પહેલો વરસાદ ચૂપચાપ આવે તે ગમતું નથી. એની શાહી સવારી ધૂળને ઘોડે ને વાયરા સંગે, વાદળને સાફે ને વીજળીવેગે કડાકા- ભડાકા સાથે આવવી જોઈએ. એ જોવા મારે મારા ગામડે જવું છે. પણ હવે એ ક્યાં છે?

  3. Shah Raxa said,

    June 29, 2023 @ 12:54 PM

    વાહ..વાહ..વાહ..ખૂબ સરસ🙏💐

  4. Poonam said,

    June 29, 2023 @ 7:55 PM

    ફૂટી નીકળી અચાનક કૂંપળો શૈશવની યાદોની
    ભીતર જેને હતી દાટી, પ્રથમ વરસાદની વેળા…
    – ઉર્વીશ વસાવડા – 👌🏻 jal jeevan ! ♻️

    Aaswad saras sir ji 😊

  5. દિનેશ ગોગરિ said,

    July 3, 2023 @ 5:56 PM

    Im not getting your poUst

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment