સૂર્ય ઊગે ને આંખ ખોલે છે
એક ટોળું હરેક જણમાંથી.
નયન દેસાઈ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ઉશનસ્

ઉશનસ્ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

અકર્મક પ્રેમ વિશે - ઉશનસ્
અષાઢે - ઉશનસ્
એ જિંદગી - ઉશનસ્
છાતી ખોલી જોયું તો ? - ઉશનસ
જિંદગી - ઉશનસ્
જો હોય - ઉશનસ્
નૂતન વર્ષે શાન્તિસૂક્ત - ઉશનસ્
પ્રભાત સૂર્યમાં - ઉશનસ્
પ્રીતનું વર્ણન - ઉશનસ્
મારી જ મુશ્કેલીઓ - ઉશનસ
The crescent moon: પ્રતિપદા - ઉશનસ્



The crescent moon: પ્રતિપદા – ઉશનસ્

In the arid dark space
In such a vast pathlessness
Rises
A tiny fingerlike crescent
which beckons like an arrow-
and reads
‘The Road to Fullmoonness‘.

*

વેરાન ને કાજળ શ્યામ આભમાં
અનંત આ નિષ્પથતા વિશે ઊગી
પ્રતિપદા, દેવની અંગુલિશી,
જે તીરની જેમ અણીથી દાખવે:
વંચાય છે-
‘આ પૂર્ણિમા તરફ જાય વળી વળાંક’.

-ઉશનસ્

કવિ ઉશનસ્.ના આ અંગ્રેજી કાવ્યનો અનુવાદ એમણે પોતે જ કર્યો છે. અને ગુજરાતી કવિતા કરતાં અંગ્રેજી કાવ્ય કદાચ વધુ સહજ-સાધ્ય બન્યું છે. અમાસ પછીની પહેલી રાતે ઘેરું કાળું આકાશ પથહિનતાનો આભાસ કરાવતું હોય તેવામાં નાનકડી આંગળી સમો ચંદ્ર માર્ગદર્શક તીરની જેમ ઊગે ત્યારે આકાશમાં આ રસ્તો પૂર્ણિમા તરફ લઈ જાય છે એવું કવિને વંચાય છે. આ ‘વંચાય છે’ શબ્દપ્રયોગ નાની અમથી આ વાતને ‘કવિતા’ બનાવે છે…

(પ્રતિપદા=હિંદુ મહિનાનાં બે પખવાડિયાંની પહેલી તિથિ, એકમ, પડવો.)

Comments (8)

અષાઢે – ઉશનસ્

અષાઢે તણખલું ના તોડીએ જી,
એ જી, એ તો ફૂટતું ઘાસ,
એમાં ધરતીના શ્વાસ,
એની પત્તીની પીમળમાં પોઢીએ જી. અષાઢે0

પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી,
એ જી, આવ્યાં અજવાળાં જાય,
આવ્યા વાયુયે વળી જાય,
આવ્યા રે અતિથિ ના તરછોડીએ જી. અષાઢે0

તારે આંગણિયે ઊગ્યું એ પરોઢિયે જી,
એ જી, એ તો ફાગણ કેરું ફૂલ,
એમાં એવી તે કઈ ભૂલ ?
પરથમ મળિયા શું મુખ ના મોડીએ જી. અષાઢે0

-ઉશનસ્

એક નાનું અમસ્તું કાવ્ય પણ કેવું મીઠું ! અષાઢથી ફાગણ સુધી લંબાતી આખી વાતમાં કવિ પ્રેમ, વર્ષા અને વસંતને એક જ તાંતણે કેવી હોંશિયારીથી બાંધી દે છે ! ઘાસના તણખલાંમાં તો ધરતીના શ્વાસ કહી એને તોડવાની ના ફરમાવી કવિ ખરેખર શું કરવું જોઈએ એ પણ તુર્ત જ કહી દે છે. અષાઢના ભીના-ભીના ઘાસમાં તો આડા પડીને એની સુગંધ માણવાની હોય. હું તો સુરતી બોલીમાં વપરાતો ‘પીમળ’ શબ્દ ગુજરાતી કવિતામાં પહેલવહેલી વાર વાંચીને જ આ કવિતાના પ્રેમમાં પડી ગયો…

આખા કાવ્યમાં સવારનો જ મહિમા છે. પરોઢની ખટઘડીએ સૂઈ ન રહેવાનું તો આદિ કવિ નરસિંહ મહેતાએ પણ કહ્યું છે. ઉશનસ્ એમની જ વાતમાં સૂર પુરાવતા હોય એમ કહે છે કે પ્રભાતે પછેડી ઓઢીને સૂઈ રહીએ તો પ્રકાશ અને વાયુ બંને પાછાં વળી જઈ શકે છે. આત્માને ઉજાળવો હોય કે શ્વાસને સીંચવો હોય, મનુષ્યનું ‘જાગવું’ ખૂબ જરૂરી છે અને એથી વધુ જરૂરી છે અજ્ઞાનની પછેડી માથેથી હટાવવાનું…

Comments (6)

છાતી ખોલી જોયું તો ? – ઉશનસ

છાતી ખોલી જોયું, મહીં ખીલા હતા !
યુગો પછી પણ એ ભીના-લીલા હતા !

ક્યાં સમયની છે જરા ઘા પર અસર ?
ત્યારે હતા એમ જ ખૂને ખીલ્યા હતા !

હચમચાવી જોયું તો હું ખુદ હાલ્યો !
એ થયા ક્યાં સ્હેજ પણ ઢીલા હતા ?

બ્હાર જોયું તોય ક્યાં છે ફેર કંઈ ?
એ જ ગાડરિયા પુરાણા સિલસિલા હતા.

કંઈક બદલાયું હશે, પણ તે ન મન;
ઊલટું ઊંડા ગયેલા ઊતરી ચીલા હતા !

આજેય ખીલા એ જ હાથે છે ઉગામ્યા;
ક્યાં છે પરંતુ છાતી જેણે ઘાવ એ ઝીલ્યા હતા ?

- ઉશનસ

Comments (4)

મારી જ મુશ્કેલીઓ – ઉશનસ


(કવિશ્રી ઉશનસે સ્વહસ્તે ખાસ લયસ્તરો માટે લખી આપેલ અક્ષુણ્ણ કૃતિ)

(શિખરિણી સૉનેટ)
તમે તો આખું યે ગગન મુજને દૈ મફતમાં
દીધું’તું ! દાખ્યું’તું પ્રીત પરમનું પોત પરમ;
ઉડાઉ પ્રીતિના ધણી ! પણ મહારાં જ કરમ
ફૂટેલાં ને; એનો કરી શકું પૂરો ભોગ ન; ક્ષમા.

જુઓ ને : એને ના ભજી શકું; ન તો ભોગવી શકું;
પડી ર્.હે છે આખું વગર વપરાશે જ અમથું;
તમે તો પૃથ્વીનું ઘર દીધું મને એમ જ દઈ;
પરંતુ મારાંસ્તો કરમ ફૂટલાં છે પ્રથમથી,
તમે આપેલી તે પૃથવી ય પૂરી ભોગવી નથી;
નડયો છે આ નાના કૃપણ મનનો શાપ જ કંઈ.

નહીં તો આપ્યાં’તાં અભિમુખ મને, આંખની કને
પહાડો, મેદાનો, ગગન, વગડો અર્ણવ; મને
તમે તો ઔદાર્યે સકલ જગ વચ્ચોવચ મૂક્યો;
મહારાં ફૂટ્યાં’તાં; હું જ ક્યહીં ન પ્રીતિ કરી શક્યો.

-ઉશનસ
૨૩-૦૯-૨૦૦૭

22મી સપ્ટેમ્બરના રોજ વલસાડ ખાતે શ્રી રમેશભાઈ શાહે લાયન્સ ક્લબ ઑફ વલસાડના ઉપક્રમે ‘ઈન્ટરનેટ પર ગુજરાતી સાહિત્ય અને સંગીત’ પર એક કાર્યક્રમ યોજ્યો હતો. મારે ‘ઈન્ટરનેટ-ગુજરાતી ભાષાનું નવું સરનામું’વિશે અને જયશ્રી ભક્તે ‘ટહુકો.કોમ‘ વિશે બોલવાનું હતું. સાથે જ મારા કાવ્યપઠનનો કાર્યક્રમ પણ હતો. વલસાડ ઉતરીને હું મારા સંબંધીના ઘરે ગયો અને જ્યારે રમેશભાઈને મને કયા સરનામે લેવા આવવું એ સમજાવ્યું તો આકાશમાં એ દિવસે થઈ રહેલી ભારે ગાજ-વીજ અને મુશળધાર વરસાદને પણ ઝાંખા પાડી દે એવો ચમકારો એમણે કર્યો- ‘એટલે ઉશનસના ઘરની સામે?’ હું ચમક્યો. મેં મારા યજમાનને પૂછ્યું અને પાંચ મિનિટમાં હું ગુજરાતી કવિતાની જીવંત દંતકથા સમાન કવિરાજનો ચરણસ્પર્શ કરી રહ્યો હતો. મારા યજમાને કવિ તરીકે મારી ઓળખાણ કરાવી પણ સિંધુ સામે બિંદુની અનુભૂતિ મને થઈ રહી હતી. એમના જ ટેબલ પર પડેલા ‘કુમાર‘નો એક અંક ખોલીને મેં મારી છપાયેલી ગઝલ એમને બતાવી અને એ ખુશ થઈ ગયા. એમના ચહેરા પરની એ ખુશી જ મારા માટે તો મોંઘેરું ઘરેણું હતું પણ હું રહ્યો લોભી જીવડો. મેં ‘લયસ્તરો’ની વાત માંડી અને એમની અપ્રગટ રચના એમના હસ્તાક્ષરમાં માંગી લીધી. બીજા જ દિવસે એમણે આ સૉનેટ ખાસ ‘લયસ્તરો’ માટે લખીને મારા સંબંધી હસ્તક મોકલાવી પણ આપ્યું… કવિવરનો આભાર માનવા માટે અમને હવે શબ્દો ન જડે તો આપ અમને ક્ષમા કરશો ને?


(દિવ્ય ભાસ્કર….                               ….૦૧-૧૦-૨૦૦૭)

Comments (9)

જિંદગી – ઉશનસ્

ઊંચકો, ઊઠવાની છે,
જામ લ્યો, લ્યો જવાની છે.

આમ તો સાવ ફાની છે,
બુદબુદી જ હવાની છે.

દ્રવ્ય છે, ફાંટ ફાટેલી;
નીતરી જ જવાની છે.

ક્યાય એ અટકી જોઈ ?
નામ જેનું રવાની છે.

આ જ છે, આટલી છે, ને
એ ય ક્યાં રુકવાની છે ?

છે ક્ષત્યું, કાકવંઝા છે,
ક્યાં ફરી ફૂટવાની છે ?

ઊંચકો, વાર શાની છે ?
સામટી પી જવાની છે.

- ઉશનસ

બેફામને શોભે એવી મગરૂરીથી લખેલી ગઝલ તરત જ ગમી ગઈ.  બુદબુદી શબ્દ પણ તરત જ દીલમાં વસી ગયો ! ફરી ફરી ગણગણવાની અને ટાંકવાની ગમે એવી ગઝલ થઈ છે.

(કાકવંઝા=એક જ વાર ફળે એવી વનસ્પતિ)

Comments (8)

જો હોય – ઉશનસ્

આવી જ એક ક્ષણ હોય,
સામે અષાઢધન હોય;

ફણગો ફૂટે અડકતાં જ
ભીનોભીનો પવન હોય;

જે તે ચણ્યું ગમે ના,
કાચું પીમળતું વન હોય;

ઊગી જવાય વાડે
જો આ ક્ષણે વતન હોય;

સિમેન્ટમાં ઢુંઢું છું :
એકાદ મીટ્ટીકણ હોય;

ઠરવા ચહે છે આંખો
હરિયાળું ક્યાંક તૃણ હોય;

બોલાવે ઘેર સાંજે
બાના સમું સ્વજન હોય.

-ઉશનસ્

Comments (2)

પ્રીતનું વર્ણન – ઉશનસ્

પ્રીત તો બે જ પ્રકારે વરતે;
પ્રિયસંમુખ એ ભજે સમાધિ
                      અથવા થનગન નરતે.

પ્રીત તો બે જ પ્રકારે બોલે;
ગહન મૌનથી થાય મુખર વા
                       છલકે ગીત કલ્લોલે.

- ઉશનસ્

પ્રીતને કાંઈ પણ સામાન્ય ન હોય. પ્રીત વિષે જે કાંઈ પણ હોય, છલકતું જ હોય ! ભલે એ સમાધિ જેવી લગની હોય કે અંગેઅંગ નાચી ઊઠે એવો ઉત્સાહ હોય. પ્રેમ મૌનથી પ્રગટ થાય કે પછી ગીતથી પણ એ બન્નેમાં અસિમ ઉત્કટતા હોવાની જ. પ્રેમની રીતને કવિએ સરસ રીતે આલેખી છે.

Comments (1)

પ્રભાત સૂર્યમાં – ઉશનસ્

આપણું પ્રાતના તાપમાં ચાલવું.

કેન્દ્ર લૈ ચરણમાં
ઈન્દ્રધનુ વરણમાં
કો અનાવરણમાં
વ્યોમના વ્યાસના વ્યાપમાં ચાલવું !

તેજ-છાયા-વણી
બિંબ-બિંબોતણી
ચો-ભણી ગૂંથણી,
આપણું કો મહાખાપમાં ચાલવું !

રેખનું ખરી જવું,
રૂપનું ગળી જવું,
આપમાં મળી જવું,
આપણું આપણા આપમાં ચાલવું !
આપણું પ્રાતના તાપમાં ચાલવું.

- ઉશનસ્

થોડા વખતથી બધી ગંભીર રચનાઓ જ મનમાં આવે છે. એટલે આ વખતે ખાસ આ પ્રસન્ન રચના શોધી ! આવું જ એક ગીત ઉમાશંકરનું પણ છે – ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ.

Comments (2)

અકર્મક પ્રેમ વિશે – ઉશનસ્

(વસંતતિલકા સૉનેટ)

પ્રેમને શું કરવો, નવ પીગળે જે;
ને ના વહે દશદિશે થઈને પ્રવાહ ?
ના કોઈની પણ ફળાવી શકે આહ,
એવો અહં શું કરવો, નવ ઓગળે જે ?

પ્રેમનું શું કરવું, નિજમાં જે રહે,
ને કર્મમાં પરિણમે નહીં અન્ય કાજે ?
આટાટલાં અસુખથી જગના લાજે ?
બુંદને શું કરું જે પ્રસરે , ના વહે ?

પ્રીતનું શું કરવું, નવ વિસ્તરે જે
ભૂમા સુધી ? નવ શકે પડી ગાંઠ ખોલી ?
ના જે સહે ધીરજપૂર્વક રહૈ અબોલી
સૌ દુઃખ વિશ્વભરનાં ઊંચકી શિરે જે ?

જો દીપ કો તમસ અન્યનું ના ઉજાળતો
તો અગ્નિ તે, નિજમહીં ખુદને બાળતો.

ઉશનસ્

Comments (5)

નૂતન વર્ષે શાન્તિસૂક્ત – ઉશનસ્

લયસ્તરોની ટીમ તરફથી સર્વ વાચકમિત્રોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ અને નૂતન વર્ષની ખૂબ ખૂબ વધાઈ…. નવું વરસ…સૌનું વીતે સરસ…!

ક્યાંય ના જરી ક્લેશ હો; ને ક્યાંય ના જરી ક્લાન્તિ હો;
સર્વને હો તાઝગી પ્રાતઃફૂલોની, શાન્તિ હો.

વ્યોમમાંયે શાન્તિ હો, ને ભોમમાંયે શાન્તિ હો,
વ્યોમભોમની મધ્ય રોમેરોમ સોમ શી શાન્તિ હો.

પૃથ્વી તો કંપે હજી ક્યારેક; એ જંપી નથી,
હો ધરીમાં સ્નિગ્ધતા, ને ક્ષુબ્ધતાને શાન્તિ હો.

એક જે હતું પૂર્ણ તે ખુદ કણકણોમાં ચૂર્ણ છે,
એ પૂર્ણપણમાં હોય તેવી ચૂર્ણકણમાં શાન્તિ હો.

ભવભવાટવિમાં ભટકવું છે લખ્યું જો ભાગ્ય; તો
એ ભાગ્યને પણ શાન્તિ હો, એ ભ્રાન્તિને પણ શાન્તિ હો.

પંચભૂતોની મહીં, ને સર્વ ઋતુઓના ઋતે
સંક્રાન્તિઓને શાન્તિ હો, ને ક્રાન્તિમાંયે શાન્તિ હો.

શપ્ત શાં સંતપ્ત રણ, નિઃસૂર્ય અંધારાં વનો;
એ રણો શાં, એ વનો શાં સૌ મનોમાં શાન્તિ હો.

કેટલું છે દુઃખ ઉશનસ્ ! ચેતનાથી ચિત્તમાં !
એ ચેહનેયે શાન્તિ હો, એ દેહનેયે શાન્તિ હો.

-ઉશનસ્

(સૂક્ત= વેદમંત્રો અથવા ઋચાઓનો સમૂહ, ભવભવાટવિ= જન્મ-જન્માંતરરૂપી વન, ઋતે= સિવાય, સિવાય કે, ચેહ= ચિતા)

Comments (5)

« Previous entries Next Page » Next Page »