થાક લાગ્યા છે! – ઉશનસ્
વગર ચાલ્યે જ, શય્યામાં જ જાણે પગ ભાંગ્યા છે
વીતેલા લાખ ભવના સામટા કંઇ થાક લાગ્યા છે.
ખરું કહું? છેક આદિથી ખડે પગે ઊંચકી પૃથ્વી
સૂરજની લાયમાં છાયા વગરના થાક લાગ્યા છે!
ગયા જન્મેય ‘માણસ’ નામની જાતે હું જન્મયો હઇશ
નહીં તો આવડા તે હોય, આ જે થાક લાગ્યા છે!
બહુ વપરાય લાગે ઢીલાઢસ તાર જંતરના,
પ્રણય જેવા પ્રણયમાંયે હ્રદયને થાક લાગ્યા છે!
ભલા, ખુદ ચાલવાથી શું ચરણને થાક લાગે કે?
અરે ચાલ્યું ગયું કોઇ અને અહીં થાક લાગ્યા છે!
તમે મનરથ લઇ ખોડાઇ ઊભા રહી જુઓ ઉમરે,
નર્યા હોવાપણાના ચાકમાં આ થાક લાગ્યા છે!
નહીં તો કેટલા હળવા હવાના શ્વાસ? પણ ઉશનસ્
બિચારે બે’ક લીધા, ના લીધા ત્યાં થાક લાગ્યા છે!
– ઉશનસ્
સાચું કહુંને તો આ ગઝલમાં મને કંઈક ખૂટતું હોય એવું લાગે છે….દરેક શેર પરાણે બેસાડ્યો હોય એવું લાગે છે, સહજતાથી સર્જન થયું હોય એમ નથી લાગતું. હું ખોટો પણ હોઉં…. છતાં ગઝલ મૂકવાનું કારણ એ કે દરેક શેરનો કેન્દ્રવર્તી વિચાર ખરેખર મજબૂત છે. ઘડામણ વધુ સારું થઇ શક્યું હોત પરંતુ સોનું તો સાચું જ છે.
KETAN YAJNIK said,
September 8, 2015 @ 7:51 AM
” નટવર” ની લીલા કે મથામણ
CHANDRESH KOTICHA said,
September 10, 2015 @ 8:35 AM
ભલા, ખુદ ચાલવાથી શું ચરણને થાક લાગે કે?
અરે ચાલ્યું ગયું કોઇ અને અહીં થાક લાગ્યા છે!
વિવેક said,
September 20, 2015 @ 1:50 AM
સૉનેટ અને ઊર્મિકાવ્યોના સિદ્ધહસ્ત કવિ શ્રી ઉશનસે સમયની માંગ પરખીને ગઝલો પણ આપવાની કોશિશ કરી. સંગ્રહ પણ આપ્યા પણ ગઝલોનું મૂળભૂત બંધારણ પરખવામાં એ બહુધા નિષ્ફળ ગયા હોવાથી આવી નબળી રચના જોવા ન મળે તો જ નવાઈ. પ્રસ્તુત રચનામાં ઘણી જગ્યાએ છંદ તો જળવાયો નથી જ પણ કવિ કાફિયા-રદીફ સમજવામાં જ મસમોટી ભૂલ કરી બેઠા છે.
કવિની ગઝલકાર તરીકેની મર્યાદા વિશેની વાત અહીં સવિસ્તાર જોઈ શકાશે: https://layastaro.com/?p=11529
અને આ જ કવિ જ્યારે એમના માટે ડાબા હાથની રમત ગણાતા સંસ્કૃત વૃત્તમાં ગઝલ લખે ત્યારે કેવી મજાની રચના આપે છે એ અહીં જોઈ શકાશે: https://layastaro.com/?p=11531