માત્ર શું રાજઘાટે? – ઉશનસ્
(ખંડ મંદાક્રાન્તા)
રે હે ગાંધી! જગતહિતચિંતાતણી રુદ્ર આંધી
જે હૈયામાં જીવનભર બંધાઈ કેમે ન બાંધી
તેની હાવાં ચણી દીધી અમે રાજઘાટે સમાધિ!
શોચું: તારું દહન અહીં આ માત્ર શું રાજઘાટે?
ના ચોકે કે પુરજનપદોની પૃથુ રાજવાટે?
હાટેઘાટે ચણી દીધી અમે સ્મારકે શિલ્પમૂર્તિ!
– લાગે આખે વદન કરુણા ને પદે કૂચસ્ફૂર્તિ—
ને એ રીતે હૃદયથકી ઉત્સારીને બ્હાર કાઢી;
હા, ત્યાં આડી
ને હ્યાં ઊભી
તારી યાદી તણી ચણી અમે સ્મારકોમાં સમાધિ.
કેવી સ્હેલી સરલ ભૂલવા કેરી આ રીત, ગાંધી!
– ઉશનસ્
(૨૦-૧૧-૫૮)
આજે ત્રીસ જાન્યુઆરી. ગાંધીનિર્વાણ દિન. આજે આપણા દેશમાં અને જનમાનસમાં ગાંધીજીનું શું સ્થાન છે એ આપણે સહુ જાણીએ છીએ. પણ આ કવિતા તો આજથી સડસઠ વર્ષ પહેલાં ગાંધીજીની હત્યાને હજી તો દસ જ વરસ થયાં હતાં એ અરસામાં લખાઈ છે. સમજી શકાય છે કે ‘ગરજ સરી કે વૈદ વેરી’ના ન્યાયે આપણા સમાજે આઝાદી મળી ગયા બાદ તરત જ આઝાદીના કર્ણધારોને વિસારે પાડી દેવાનું ભગીરથ કાર્ય આદરી દીધું હશે. જેના હૈયામાં બાંધી બંધાઈ ન શકે એવી દુનિયાના હિતની ચિંતાની ઉગ્ર આંધી આજીવન ફૂંકાતી હતી, એને આપણે રાજઘાટ પર સમાધિ ચણી બાંધી લીધી. દેશના તમામ શહેરો અને ગામોની વિશાળ રાજવાટ પર ગાંધીવિચારોની જે આગ સતત સળગતી રહેવી જોઈતી હતી, એને રાજઘાટ પર શરીર બાળીને આપણે ભૂલી ગયા. બાપુના સદગુણો જેમ કે કરુણા અને ઉત્સાહને જીવનમાં ઉતારી જીવંત રાખવાના બદલે ચોરે ને ચૌટે આપણે એને તાદૃશ કરતી ઉમદા મૂર્તિઓ ઊભી કરી, અને એ ગુણોને હૃદયમાંથી વિદારી નાંખ્યા. જે યાદોને હૈયામાં કાયમ માટે તરોતાજા રાખવાની હતી એને આપણે પથ્થરોમાં ચણી દઈ પથ્થર બનાવી દીધી… ભૂલી જવા માટેનો કેવો સરળ કીમિયો!



Sandip Kotecha said,
January 30, 2026 @ 5:48 PM
I liked it.
One more excellent one by Madhav Ramanuj… 30th Jan… Very nicely recited by singer Amar Bhatt in a program Sahaj Samadhi Bhali… Bharti Vidhya Bhavan… Available on You tube..
૩૦ જાન્યુઆરી … – માધવ રામાનુજ ૧૯૭૦ ગાંધી નિર્વાણદિન
સવારે સૂર્ય તો ઊગ્યો હતો !
મેં આંખ ચોળી ભીંત પર જોયું :
તમારા ચિત્ર નીચે
કાલનો દિવસ હતો !
દાયકાઓ વીતતાં શી વાર ?
પણ એ એક ક્ષણ કેવી રીતે વીતી હશે !
જેમાં,
તમારા શ્વાસની
છેલ્લી ગતિ કંપી હશે ! –
તમને નહીં ,
એ – એક ક્ષણને
કેટલું વીત્યું હશે ;
જેમાં, તમારા શ્વાસની
છેલ્લી ગતિ કંપી હશે !
એ સાંજ પણ
ક્યાંથી હવે પાછી ફરે ક્યારેય –
જેણે એક સાથે
સૂર્ય બબ્બે આથમ્યા જોયા હશે !…
બીજી સવારે સૂર્યમાં
એ સાંજનું એકાદ આંસુ
સ્તબ્ધ થઈ ઊગ્યું હશે …
ને એ પછી ?
ને એ પછી ?
ને એ પછી ?
દાયકાઓ વીતતાં શી વાર ?
હરીન said,
January 30, 2026 @ 5:54 PM
સચોટ અને સરળ!
Poonam said,
January 30, 2026 @ 8:07 PM
કેવી સ્હેલી સરલ ભૂલવા કેરી આ રીત, ગાંધી!
– ઉશનસ્
(૨૦-૧૧-૫૮)
Gandhi ji ne janvano ne jovano drashtikon badlayo jyarthi Savarkar na drushtikon thi vanchyu ne vicharyu ! Emna manobal ne pranam 🙏🏻