તમારી યાદ આવ્યા બાદની મારી દશા -
ખુદાની તો શું ? ખુદની બાદબાકી થઈ ગઈ.
વિવેક ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for February, 2025

(ગાંડાં કાઢે!) – સંદીપ પૂજારા

કાઢે, પણ કંઈ આવાં કાઢે?
ગઝલોમાં જે ગાંડાં કાઢે!

ભૂલથી પણ જો ભૂલ બતાવો,
કેવાં કેવાં બહાનાં કાઢે!

જાણે પણ એ માને તો નહિ,
ભૂલને ઢાંકવા રસ્તા કાઢે!

ખુદને સાચા સાબિત કરવા,
અન્યોમાં પણ વાંધા કાઢે!

અહમ્ ઘવાશે એવા ભયથી,
સૂચન સૌનાં પાછાં કાઢે!

એમ ભણાવે સૌને, જાણે
બાવો દોરાધાગા કાઢે!

– સંદીપ પૂજારા

પ્રવર્તમાન ગુજરાતી ગઝલનો ચહેરો જેટલો ઉજ્જવળ છે, એટલો જ કાલિમાયુક્ત પણ છે. એક વર્ગ એવો છે જે ગંભીરતાપૂર્વક ગઝલસાધના કરે છે, પણ બહુ મોટો ફાલ એવો છે જે તુકબંદીને જ ગઝલ માની બેઠો છે. વળી આ વર્ગની સૉશ્યલ મિડિયા પર ઉપસ્થિતિ તથા પ્રભુત્વ એટલું બધું છે કે નવોદિતો આ તુકબંદીને જ ગઝલકાળનું એકેમેવ સત્ય ગણી લે તો નવાઈ નહીં. સત્વશીલ વાંચનના શરણે જવાના બદલે વૉટ્સએપ અને ફેસબુક યુનિવર્સિટીમાં જ સાહિત્ય ભણતાં આ કથિત સાહિત્યકારોએ તો દાટ વાળ્યો જ છે, પણ પ્રસ્તુત ગઝલનું નિશાન આવા નવશીખિયાઓ કરતાં વધારે “વિદ્યા ભણતાં વધ્યો શેર; ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો”નો સિદ્ધાંત આત્મસાત્ કરીને જીવતા સિદ્ધહસ્ત પણ આત્મરતિમાં રત સર્જકો તરફ છે. અખાના છપ્પાની જેમ જ આ ગઝલ આવા સર્જકોને સણસણતા ચાબખા મારે છે. ઈશ્વર સહુને સદબુદ્ધિ આપે એ જ પ્રાર્થના…

Comments (19)

ગોરંભા ઊમટ્યા – સંજુ વાળા

.

જી રે… ગોરંભા ઊમટ્યા ઘેઘૂર આભમાં
.                           ઘેરા પડછંદા ડણકે આરંપાર રે
ઊંડે અજવાળાં તબકી-ઝબકી જાગતાં
.                           જાણે ઝીણેરું ઝળકંતી તલવાર રે
.                           ઘેરા પડછંદા ડણકે આરંપાર રે

.          તપતી માટીએ કીધી કંઈ કંઈ આરદા
.          ઊંચું ઝાંખે રે જળતળ થઈને સાબદા
.          વેરી તૂટયાં-તૂટયાં કાંઈ વચનું, વાયદા
ક્યાંથી ચડશે, ક્યાં ઢળશે ચતરંગ સાયબો
.                           કોઈ અણસારો ઊગે ના લગાર રે
.                           ઘેરા પડછંદા ડણકે આરંપાર રે

.          કેવા ગઢની કુંવરીયુ કોણે નોતરી
.          અક્ષત-કંકુ લૈ ઊભી જે આગોતરી
.          દીધી જળના સ્વયંવરની કંકોતરી
કરશે લેખાં-જોખાં ને અક્ષર માંડશે
.                           મોંઘા મૂલે મૂલવાશે મુશળધાર રે
.                           ઘેરા પડછંદા ડણકે આરંપાર રે

– સંજુ વાળા

(ચતરંગ = હાથી, ઘોડા, રથ અને પયદળ એમ ચતુરંગી સૈન્યવાળો)

લયસ્તરો પર કવિના નૂતન કાવ્યસંગ્રહ “આજ અનુપમ દીઠો” (૨૦૨૪)નું સહૃદય સ્વાગત છે…

ઉનાળાએ માઝા મૂકી હોય ત્યારે તપતી માટીની એકમેવ આરદા વરસાદ પડે એ જ હોય. જળાશય સૂકાઈ જતાં દેખાવા લાગતું તળિયું સાબદું થઈ ઊંચે આભમાં ઝાંખી રહ્યું હોવાનું કલ્પન ગરમીની તીવ્રતા અને વરસાદની અનિવાર્યતાને કેવી સ-રસ રીતે અધોરેખિત કરે છે! ઘેઘૂર આભ ગોરંભે ચડ્યું છે. જંગલમાં સિંહ ડણક દેતો હોય અને એના પડધા કોતરોને ભરી દેતા હોય એવું વાતાવરણ ઘેરાયેલા આકાશમાં સર્જાયું છે. વીજળીના ચમકારા તબકી-ઝબકીને જાગતી તલવાર જેવા ઝળકે છે, પણ વરસાદ એના વાયદા પાળશે કે તોડશે એનો સહેજ પણ અણસારો આવતો નથી. ઊગવા આથમવા ટાણે આકાશને રંગોથી ભરી દેતો સૂરજ પણ આ વાદળોના કારણે દેખાતો ન હોવાથી એ ક્યાંથી ઊગશે અને ક્યાં આથમશે એય કળાતું નથી. જળનો સ્વયંવર યોજાયો હોય અને પ્રકૃતિ અક્ષત-કંકુ લઈ ઊભી હોય એવું મનોરમ્ય ટાણું કવિએ રચ્યું છે. કંકોતરી લખતી વેળા બે પક્ષ સામસામે બેસીને લેખાંજોખાં કરી, મોંઘા મૂલે કરિયાવર મૂલવી લીધા બાદ જ કંકોતરી પર અક્ષર પાડે એ લોકરિવાજને કવિએ મેઘરાજાના સ્વાગતમાં બખૂબી વણી લીધો હોવાથી ગીત વધુ આસ્વાદ્ય બન્યું છે. અંતે એ પણ સમજવાનું છે કે આ સંજુ વાળાનું ગીત છે. તરસી ધરતી અને વરસું વરસું કરવા છતાં ન વરસતા મેઘ એ ઈશ્વરને કાજ તરસતા આત્મા અને દર્શન-દુર્લભ પરમાત્માના સંદર્ભે પણ જોઈ શકાય. જે પ્રકારે કવિએ અનૂઠા લયને સાદ્યંત જાળવી રાખ્યો છે એય સારા કવિકર્મની સાહેદી પૂરે છે…

Comments (8)

(ક્યાં સંતાડું?) – વ્રજેશ મિસ્ત્રી

ક્યાં સંતાડું દરિયો? કાંઠા ક્યાં સંતાડું?
આંસુ ને આંસુના ડાઘા ક્યાં સંતાડું?

પડઘાને તો પલભરમાં ઓગાળી નાંખું,
પણ વીંઝાતા આ સન્નાટા ક્યાં સંતાડું?

સંતાડી દઉ દીકરીનાં ઝાંઝર ને કડલાં;
પણ ભીંતે આ કંકુથાપા ક્યાં સંતાડું?

લાગી છે એને પણ જાણે હવા સમયની;
રસ જીવનના ખાટા-ખાટા ક્યાં સંતાડું?

– વ્રજેશ મિસ્ત્રી

સીધેસીધી જ માણવા જેવી સરસ મજાની ગઝલ….

Comments (16)

મળી માતૃભાષા મને ગુજરાતી…

આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. બાંગલાદેશ જ્યારે પૂર્વ-પાકિસ્તાન હતું ત્યારે ઉર્દૂ ભાષાને રાષ્ટ્રભાષા તરીકે માથા પર મારી બેસાડવાની આજના પાકિસ્તાનની ચેષ્ટા સામે 1952ની સાલમાં આજના દિવસે હજારો વિદ્યાર્થીઓ અને ભાષાશાસ્ત્રીઓ-પ્રેમીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલિસે કરેલ અંધાધૂંધ લાઠીમાર અને ગોળીબારમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા પણ આ ઘટનાનો પડઘો આખી દુનિયામાં પડ્યો. બંગાળી બાંગ્લાદેશની માતૃભાષા બની અને બાંગ્લાપ્રજાએ પોતાની ભાષા માટે દાખવેલ અપ્રતિમ પ્રેમના માનમાં 2000ની સાલથી યુનેસ્કોએ આજના દિવસને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું.

આજે લયસ્તરો પર માતૃભાષાનો મહિમા અને ચિંતા કરતી કેટલીક કાવ્યકડીઓ વડે આપણે પણ આપણી ભાષાના સંવર્ધન માટે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ થઈએ… પણ પહેલાં કેટલીક પ્રતિજ્ઞા લઈએ-

• ઘરમાં અને રોજમરોજના વ્યવહારમાં ગુજરાતી ભાષાના પ્રયોગને પ્રાધાન્ય આપીશું. ખાસ કરીને બાળકો સાથે ફક્ત માતૃભાષામાં જ વાત કરીશું અને એમને પણ આપણી સાથે માતૃભાષામાં જ વાત કરવાની ટેવ પાડીશું.

• રોજ ઓછામાં ઓછો અડધો કલાક સત્વશીલ ગુજરાતી સાહિત્યનું વાંચન કરીશું. વૉટ્સએપિયા અને ફેસબુકિયા સાહિત્યનો પ્રયોગ વિવેકબુદ્ધિથી કરીશું

• મોબાઇલમાં ઓનલાઇન ગુજરાતી શબ્દકોશો અને જોડણીકોશોની એપ ડાઉનલોડ કરી એનો નિયમિત વપરાશ કરવાની આદત કેળવીશું. (ભગ્વદગોમંડલ, ગુજરાતી લેક્સિકોન અને સાર્થ ગુજરાતી જોડણીકોશ)

• મોબાઇલ પર ગુજરાતી ભાષામાં લખતી વખતે ભાષાશુદ્ધિ તરફ ખાસ ધ્યાન આપીશું

હવે થોડી કાવ્યકણિકાઓ:

દલપતરામે મહારાજા ખંડેરાવ પાસે ગુજરાતી ભાષાના પુસ્તકાલય માટે હિંમતભેર ધા નાંખી ધાર્યું કરાવ્યું હતું… બે’ક કડી જોઈએ:

આવ ગિરા ગુજરાતી તને, અતિ શોભિત હું શણગાર સજાવું;
જાણની પાસ વખાણ કરાવું, ગુણી જનમાં તુજ કીર્તિ ગજાવું;
દાખે દલપતરામ ખુદાવંદ ખંડેરાવ,
રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.

વાત ગુજરાતી ભાષાની હોય અને ઉમાશંકર જોશીને યાદ ન કરીએ એ કેમ ચાલે?:

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.

ઉમાશંકરે જ બહુ તાર્કિક સવાલ પણ કર્યો છે-

એ તે કેવો ગુજરાતી
જે હો કેવળ ગુજરાતી ?
હિંદભૂમિના નામે જેની ઊછળે ના છાતી?

વિનોદ જોશીએ બહુ માર્મિક જવાબ આપ્યો-

હું એવો ગુજરાતી જેની;
હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી….
હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી…
હું ગિ૨નારી ગોખ, દ્વારિકા હું જ સુધા૨સ પાતી….

અરદેશર ખબરદારની ઉક્તિ તો કહેવત બની એક-એક ગુજરાતીનો હૃદયધબકાર બની રહી છે-

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં ગુજરાતી બોલાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત.

ઉશનસ્ શું કહી ગયા એય સાંભળીએ:

સહજ, સરલ મુજ માતૃભાષા, મા સમ મીઠી-વ્હાલી,
જેનાં ધાવણ ધાવી ધાવી અંગ અંગ મુજ લાલી,
જેના ઉદગારે ઉદગારે ઊછળતી મુજ છાતી,
ધન્ય ગિરા ગુજરાતી, મારી ધન્ય ગિરા ગુજરાતી.

તો ખલીલ ધનતેજવીનો હુંકાર પણ કંઈ જેવો તેવો નથી-

વાત મારી જેને સમજાતી નથી;
એ ગમે તે હોય ગુજરાતી નથી.!

તુષાર શુક્લ પણ આ જ વાત કહે છે, પણ મિજાજ પોતાના સ્વભાવ મુજબ જ ઋજુ રાખીને:

શબ્દ એક પણ લખી બોલી ના બિરદાવું ગુજરાતીને
ગુજરાતીનો મહિમા, શાને સમજાવું ગુજરાતીને!

વિશ્વપ્રવાસી રઈશ મનીઆરે પણ વિશ્વસાહિત્યના આચમન બાદ પણ પોતાના ધબકારાની ભાષા બદલાઈ ન જાય એની તકેદારી રાખી છે:

મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે.
ભૂંસાવા કયાં દીધો કક્કો, હજી પાટીમાં રાખ્યો છે.
મલક કંઈ કેટલા ખૂંદયા, બધાની ધૂળ ચોંટી પણ,
હજુ પણ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે.

તો રઈશ મનીઆરે જ ભાષા માટે અદકેરી ચિંતા અને આવનારી પેઢી સામેના પડકારને ગાગરમાં સાગર પેઠે શબ્દસ્થ કર્યો છે:

પુત્રમાં શોધું છું ગુજરાતીપણું, શું મેં વાવ્યું ને હવે હું શું લણું?
આ વસિયત લે લખી ગુજરાતીમાં પુત્ર એ વાંચી શકે તોયે ઘણું.

રઈશ મનીઆરની ચિંતામાં વિકી ત્રિવેદી પણ સૂર પૂરાવે છે-

એથી આશા ઘાયલ થઈ છે,
મારી ભાષા ઘાયલ થઈ છે.

પણ રમેશ આચાર્યને આવી પરિસ્થિતિમાં કાળા વાદળની કોરે સોનેરી આભા વર્તાય છે:

હું છું અને મારી ભાષા છે;
કૈક થશે એવી આશા છે!

આવી જ કંઈક આશા પીયૂષ ભટ્ટ પણ સેવી રહ્યા છે-

કેવળ એ અભિલાષા,
સકળ જગતને ખૂણે ખૂણે પહોંચે મારી ભાષા.

કેશુભાઈ દેસાઈની અભિલાષા પણ મનોરમ્ય છે:

ત્રિલોકમાં ને નવે ખંડ તુજ ફોરમ રહો છવાતી,
તું ઘણું જીવો ગુજરાતી

હરીશ જસદણવાળા લિપિની વિશિષ્ટતાને ખપમાં લઈ મજાનું ભાષાકર્મ કરી બતાવે છે:

વાંચે કાનો, બોલે રાધા,
છે એવી ગુજરાતી ભાષા!

પણ આજે હાલત એવી છે કે આજની પેઢીને ઉમાશંકર-સુંદરમ-મુનશી-પન્નાલાલ વગેરે મૂર્ધન્ય સાહિત્યકારોની ગુજરાતી પરદેશની ભાષા જેવી અજાણી લાગવા માંડી છે. હરદ્વાર ગોસ્વામી આપણને આ બાબતે અજરામર શેર આપે છે:

એના કરતાં, હે ઈશ્વર! દે મરવાનું,
ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું!

અદમ ટંકારવી આંગ્લભાષા સામે વિલાઈ જતી ગુજરાતીનો ખરખરો કેવો હૃદયંગમ રીતે કરે છે-

આંગ્લકન્યા જોઈ વિલાઈ ગયું
ગુર્જરીનું રૂપ નજરાઈ ગયું
સોળ શણગારો સરર સરકી ગયા
સેંથીનું સિંદૂર ભૂંસાઈ ગયું

પન્ના નાયક એમના એક લઘુકાવ્યની પ્રારંભે માતૃભાષાની સર્ળ પણ મજાની વ્યાખ્યા આપે છે:

આપણને
જે ભાષામાં સપનાં આવે

આપણી માતૃભાષા.

રવીન્દ્ર પારેખે પણ એ જ રીતે ગુજરાતી ભાષાની દુર્દશા પર લખેલ કવિતાના પ્રારંભે માતૃભાષાની સ-રસ વ્યાખ્યા કરી છે:

જન્મનું નિમિત્ત પિતા છે
પણ જન્મ આપે છે માતા
એ દૂધ નથી પાતી
ત્યારે ભાષા પાય છે
એ પાય છે તે
તળની ભાષા છે.

તો વિપિન પરીખ એક કાવ્યના અંતે પોતાને માતૃભાષા ગમવાનું પ્રમુખ કારણ છતું કરે છે:

બા નવી નવી ‘ડીશ’ શીખવા ‘Cooking Class’માં ગઈ નહોતી.
છતાં ઇંગ્લિશ નામ ખડક્યા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.
મને મારી ભાષા ગમે છે.
કારણ મને મારી બા ગમે છે.

ડૉ. મનોજ જોશી ‘મન’ પણ મજાનું મુક્તક આપે છે:

પ્રેમ, ખુશી ને પીડમાં કાયમ વ્હારે ધાતી;
ક્રોધ, વિવશતા, ચીડમાં સ્હેજે ના શરમાતી;
દુનિયાનાં આ નીડમાં ટહુકા કરતી! ગાતી;
ભાષાઓની ભીડમાં નોખી છે ગુજરાતી!

શબનમ ખોજા પણ શબનમ જેવો તાજો-મુલાયમ શેર કહે છે:

મારા લોહીનું એ ગુજરાતીપણું
ટેરવાની ટોચ પર કક્કો ફૂટે!

ભાવિન ગોપાણી અમદાવાદના અને અમદાવાદીથી સારો વ્યવહારુ ગુજરાતી બીજો કોણ હોય? જુઓ તો-

ઈશારાથી કીધું બચાવો તો સમજ્યું ન કોઈ,
જો ભાષાના શરણે ગયો તો બચાવ્યો છે સૌએ.

જગદીપ નાણાવટી પણ દેશદેશાવરમાં આપણી ભાષાનો સિક્કો પાડવા કૃતનિશ્ચયી જણાય છે:

ચટ ને પટ, કે ક્રોસ-કિંગ હો, દુનિયાને હર ખૂણે
જ્યાં પણ પડશે, પડશે મારી ગુજરાતીનો સિક્કો

અંતે માતૃભાષાની સમસ્યા અને ઉકેલ બંનેને રજૂ કરતા વિવેક મનહર ટેલરના થોડા શેર માણીએ વિરમીએ-

આડે-અવળે નહીં, સીધા સામા મળો,
દિલ સુધી પહોંચો એ આશામાં મળો;
‘હાય-હેલ્લો’ છોડો, પૂછો- ‘કેમ છો?’
મળવું છે? તો માતૃભાષામાં મળો.

માતૃભાષાની દશા પર દિલ દ્રવે,
કેટલું ને ક્યાં સુધી રડવું હવે?
આ તરફ રંગમંચ છે, ત્યાં બ્રોડ-વે,
જોઉં, દીકરો કોને કેટલું સાચવે?

પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.

– વિવેક મનહર ટેલર

Comments (10)

ગંધ – બ્રિજેશ પંચાલ

આજે મૂડ નહોતો,
બંને કીકીઓને બહાર કાઢીને-
લખોટીઓ રમવા માંડ્યો.
વાળને હવામાં ખુલ્લા મૂકી દીધા.
હોઠને મૌન શું છે
એ શોધવા મોકલ્યા…
કાનને નકરા ઘોંઘાટ વચ્ચેથી
ટાંકણીનો અવાજ શોધી લાવવા કહ્યું.
હાથને એકબીજા સાથે બાંધી દીધા,
પગને ખીંટી ઉપર ટાંગી દીધા.
પેટને ભૂખમાં ઓગાળી દીધું.
ત્યાં મારા નાકને પાંપણ ઢળી ગયાની ગંધ આવી!
પણ,
હું કંઈ કરું એ પહેલાં જ કોઈએ મને—
ચંદન વચ્ચે સુવાડી ધુમાડો બનાવી દીધો.

– બ્રિજેશ પંચાલ

લયસ્તરો પર કવિના પ્રથમ કાવ્યસંગ્રહ ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’નું સ્વાગત…

જીવન જીવવાના મૂડના અભાવનું બીજું નામ મૃત્યુ. આમ તો આવાં મૂડ-ઑફ મૃત્યુ આપણે હજારોવાર જીવતાં હોઈએ છીએ, પણ કવિએ આખરી મૂડ-ઑફની કવિતા કરી છે. સામાન્યરીતે મન ઉદાસીન હોય અને કશામાં લાગતું ન હોય એ પળે આપણે કાચબો સ્વયંને કોચલામાં સંકોરી લે એમ આપણા અસ્તિત્ત્વને બને એટલું સંકોરી લેતાં હોઈએ છીએ, પણ અહીં આથી સાવ વિપરીત ક્રિયાઓ થઈ રહી છે. કીકીઓને આંખના ગોખલામાંથી બહાર કાઢી કથક લખોટીઓ રમવા માંડે છે. જેનું કામ બોલવાનું છે એને ન બોલવાનું શોધવા માટે મોકલી દેવાય છે, અને કાનને ઘાસની ગંજી જેવા અવાજના ખડકલામાંથી ટાંકણીનો અવાજ શોધવાનું અશક્યવત્ કામ સોંપવામાં આવે છે. હાથ-પગ-પેટ બધા જ અવયવોને નિષ્ક્રિયતાની સજા આપવામાં આવી છે… સ્વયંનું મૃત્યુ થવાની ગંધ નાકને આવે એ પહેલાં તો મૃતદેહ ચંદનની ચિતા પર ભડભડ બળી રહે છે… પ્રસ્તુત કાવ્ય બિનજરૂરી વાણીપ્રલાપથી દૂર રહી શક્યું છે એ આપણું સદનસીબ. સરવાળે, આ કાવ્ય અનુભૂતિનું કાવ્ય છે. સામાન્ય ગુજરાતી અછાંદસોથી એ અલગ તરી આવે છે.

Comments (4)

(મન ભરી જોવા તો દે!) – જિગર જોષી

તું નહીં આપે ભલે ઘાવ, ઉઝરડા તો દે,
આંસુ પણ લઈ લે, મને ખાલી તું રોવા તો દે.

જિંદગી! શેની ઉતાવળ છે, જરા કહે તો ખરી;
સામે બેસાડી તને મન ભરી જોવા તો દે!

તું કહે એવી રીતે હું પછી ઊભો થાઉં,
મારે પડવું છે એ રીતે મને પડવા તો દે.

તક જવલ્લે જ મળે છે તો આ તક તું વાપર,
આંખને આંસુ કોઈ વાર ખરચવા તો દે.

રાખ થૈ જાશે ઘડીભરમાં સ્મરણ પણ તારાં,
હૈયું સળગ્યું છે, જરા આગ પકડવા તો દે.

– જિગર જોષી

ગુજરાતી ગઝલોમાં પ્રમાણમાં ઓછા ખેડાયેલ છંદમાં મજાની ગઝલ. ગઝલમાં જે ખરી મજા છે એ રદીફારંભે આવતા તોત્તેર મણના ‘તો’ની છે. કવિ આ ‘તો’નું વજન બરાબર નિભાવી શક્યા છે એ આનંદની વાત છે. આમ તો આખી ગઝલ સરાહનીય થઈ છે, પણ મારું મન તો આખરી શેર પર જ અટકી ગયું છે….

Comments (5)

(લાગી કટારી પ્રેમની) – મીરાંબાઈ

પ્રેમની, પ્રેમની, પ્રેમની રે,
મને લાગી કટારી પ્રેમની.

જળ જમુનાનાં ભરવા ગયાં’તાં,
હતી ગાગર માથે હેમની રે. મને૦

કાચે તે તાંતણે હરિજીએ બાંધી,
જેમ ખેંચે તેમ તેમની રે. મને૦

મીરાં કે પ્રભુ ગિરધર નાગર,
શામળી સૂરત શુભ એમની રે. મને૦

– મીરાંબાઈ

સાચો પ્રેમ કોઈ જ આડંબરના આલંબન સ્વીકારતો નથી. પ્રેમ એટલે દિલની વાત અને દિલ તો દુનિયાના પ્રપંચોથી પરે જ હોવાનું. એટલે જે વાત દિલથી નીકળી હોય એ સરળ અને સહજ જ હોવાની. મીરાંનો પ્રેમ સમર્પણનો પ્રેમ હતો. કૃષ્ણને મેળવવાની કોઈ જ અબળખા રાખ્યા વિના એણે સ્વયંને પૂર્ણસમર્પિત કરી દીધી હતી… આપવું એ જ એના માટે પ્રેમની એકમાત્ર વ્યાખ્યા હતી. પોતે શ્રીકૃષ્ણના પ્રેમમાં ઘાયલ થઈ હોવાનો એકરાર કરતી વખતે સાવ નાની અમથી પંક્તિઓમાં ચાર-ચારવાર પોતાને વાગેલી કટારી પ્રેમની હોવાની વાતની એ પુનરુક્તિ કરે છે. આ પુનરુક્તિ કવિતાનો પ્રાણ છે. માથે સોનાની ગાગર લઈ જમુનાજળ ભરવા ગયેલ મીરાં કાચા તાંતણે બંધાઈ જઈ હરિ જેમ ખેંચે એમ ખેંચાય છે. સોનાની ગાગર અને કાચા તાંતણા વચ્ચેનો આ વિરોધાભાસ રાજરાણીની દોમદોમ સમૃદ્ધિ વચ્ચે પણ મીરાંએ કરેલ સાદગીના સ્વીકારને કેવો સ-રસ રીતે અધોરેખિત કરે છે!

Comments (2)

ચુંબન – સારા ટિસડેલ (અનુ.: વિવેક મનહર ટેલર)

શ્યામ મને ચૂમ્યો વસંતમાં,
પાનખરમાં લક્ષ્મણ,
નીરવે કેવળ જોયે જ રાખી,
ચૂમ્યો નહીં કદી પણ.

એકનું ચુંબન ગુમ ગમ્મતમાં,
બીજાનું થઈ ક્રીડા;
પણ નજરોનું ચુંબન દે છે
રાત’દી હજીય પીડા.

– સારા ટિસડેલ
(અનુ.: વિવેક મનહર ટેલર)

સાવ ટબૂકડું ગીત, પણ કેવું પ્રભાવક! જીવન ગમે એટલું ભર્યુંભાદર્યું હોય કે સાવ જ ખાલીખમ–પરિસ્થિતિ કોઈપણ હોય, શારીરિક સ્પર્શ કે સંસર્ગ તો ક્ષણજીવી જ હોવાના… પણ નજર નજર સાથે ગુફ્તેગૂ માંડીને છે…ક ભીતર સુધી જે સ્પર્શ કરી શકે છે એ કોઈ કાળે વિસ્મૃતિની ગર્તામાં લુપ્ત થઈ શકે નહીં…. દૈહિક ઉપર ઐહિકની મહત્તા કવયિત્રીએ કેવી બખૂબી પ્રસ્થાપિત કરી બતાવી છે!

*

The Look – Sara Teasdale

Strephon kissed me in the spring,
Robin in the fall,
But Colin only looked at me
And never kissed at all.

Strephon’s kiss was lost in jest,
Robin’s lost in play,
But the kiss in Colin’s eyes
Haunts me night and day.

– Sara Teasdale

Comments (4)

(જિંદગી જાય છે) – હર્ષવી પટેલ

જેમ રણની વચાળે નદી જાય છે,
બસ, અદ્દલ એ રીતે જિંદગી જાય છે.

પગ ન મૂકું ફરી ત્યાં — વિચાર્યું હતું,
એ જ બાજુ કદમ ખુદ વળી જાય છે.

એક પળ જે જુદાઈ સદી નહીં મને,
એ જુદાઈના ટેકે સદી જાય છે.

જે નહીં આવડે લાગણીને કદી,
એ બધું બુદ્ધિને આવડી જાય છે.

એની પાસે ન શીખ્યા કશું, ભૂલ થઈ—
એવું અંતે સમય શીખવી જાય છે.

– હર્ષવી પટેલ

નદીનું ગંતવ્ય સમુદ્રમિલન છે પણ બનાસ, રુપેણ અને સરસ્વતી જેવી કુંવારી નદીઓ તો રણમાં જ પૂરી થઈ જાય છે… કવયિત્રી જ્યારે પોતાની જિંદગી પણ જે હેતુસર પ્રાપ્ત થઈ છે એ હાંસિલ કર્યા વિના જ ખતમ થઈ રહી હોવાનો સ્વીકાર આ સંદર્ભ સાથે કરે છે ત્યારે સીધાસાદા વિધાન જેવો લાગતો ગઝલનો મત્લા આપણને મજાનો લાગવા માંડે છે. આમેય, હર્ષવી પટેલ પાસેથી સાવ સરળ ભાસતી ગઝલ મળે ત્યારે સૌપ્રથમ હું સ્વયંને એક ટપલી મારી લેવાનું રાખું છું. એના શેરો સહલે-મુમ્તના (ભ્રામક સરળતા) શ્રેણીમાં આવે એવા હોય છે, જે સહેજ અટકીને ફરી વાંચો તો ચમકારો થાય… ત્રીજા શેરમાં પણ ‘સદી’ શબ્દ વડે સર્જકે મજાનો યમક અલંકાર સિદ્ધ કરી બતાવ્યો છે.

Comments (3)

રસ્તો કરી જવાના – અમૃત ઘાયલ

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મુંઝાઈ મનમાં મરી જવાના!

નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિન્દુ મહીં ડૂબીને સિન્ધુ તરી જવાના!

કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના!
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.

છો ને ફર્યા, નથી કંઈ દીથી ડરી જવાના!
એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના!

મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે,
પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના.

એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે,
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.

સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ!
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના.

સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ!
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.

અય કાળ, કંઈ નથી ભય, તું થાય તે કરી લે!
ઈશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના!

યાંત્રિક છે આ જમાનો ફાવે છે વેગવાળા,
એ યુગ ગયા વિચારી પગલાં ભરી જવાના…

દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
આ ખોળીયું અમે ખુદ ખાલી કરી જવાના.

– અમૃત ઘાયલ
(૧૭-૦૫-૧૯૪૪)

આજનો ગઝલકાર પાંચ શેર લખીને ગઝલ લખાઈ ગયાની હાશ અને શ્વાસ લેતો જોવા મળે છે, પણ આ એ સમયની ગઝલ છે, જ્યારે ગઝલકાર પોતાની જાત આખી નિચોવાઈ ન જાય ત્યાં સુધી ગઝલ પૂરી થવાનો શ્વાસ લેતો નહોતો. આજથી એંસી વર્ષ પૂર્વે ૧૯૪૪ની સાલમાં લખાયેલ આ ગઝલ આઠ-આઠ દાયકા પછી પણ એવીને એવી તરોતાજા અને કદાચ વધુ સમસામયિક અનુભવાય છે. મજા તો એ છે કે અગિયારમાંથી એકેય શેર નબળો કે ડાબા હાથે લખાયેલ હોવાનું મહેસૂસ નથી થતું. આ ગઝલના અગિયારે અગિયાર શેરમાં જે જુસ્સો છે એ સાચે જ પાળિયાને બેઠા કરી શકે એવો છે.

Comments (7)

પણ… – દાન વાઘેલા

રણ તો તરસ્યું લાગે છે, પણ-
લૂની સાથે કરારનામું કરી ઊભેલાં વાદળ સાથે
કેમ તોડવું સગપણ!                           ૦ રણ તો…

સમય ઉપરના સળને કોઈ ભરચક ઝામણ નખ્ખ ભરાવી
ઊતરડે છે પળમાં!
સાંઠગાંઠની સમજણ જેવા તપાસ પંચો પંપાળે છે
ખુદને પણ પોકળમાં!

મૃગજળ સંગે જંગે ચડ્યા પણ-
ભીતરમાંથી દોમદોમ પ્રહારો જેવા પરસેવાના
ટપટપ ફૂટે દર્પણ!                            0 રણ તો…

પાણીનું હોય પાઉચ એમ જ પવન પડીકાંમાં વેચાતો
હોય એમ શું નથી?
ભરબપ્પોરે સૂરજ ફરતું મેઘધનુ જોયું હોય એને
અચરજ જેવું નથી!

પ્રમાણનો પરપોટો છે, પણ-
શ્વાસ ઉલેચી રેતીનો વિશ્વાસ કર્યો એ ભીનપનું પણ
ક્યાંથી છૂટે વળગણ!                          0 રણ તો…

– દાન વાઘેલા

કેટલીક તરસ તરસાવનાર સાથે પણ નાતો તોડવા નથી દેતી… જે વાદળ લૂ સાથે કરારનામું કરી નહીં વરસવાનું પણ લઈ બેઠાં હોય એની સાથે પણ સગપણ તોડી ન શકે એવી પ્રીતનું સ-રસ ગીત કવિ લઈ આવ્યા છે.

Comments (8)

(બતાવ્યું) – અંજના ભાવસાર ‘અંજુ’

હતું કામ અઘરું, કરીને બતાવ્યું;
કરી યાદ તમને હસીને બતાવ્યું!

તમારી સ્મરણશક્તિને દાદ આપું,
વચન ભૂલવાનું ભૂલીને બતાવ્યું.

ફકત જોર ઇચ્છાનું કારણમાં એના;
વગર પાંખે મેં જે ઊડીને બતાવ્યું.

ભલે લોકો ગુણગાન ગાતાં હવાનાં,
તમારા વિચારે શ્વસીને બતાવ્યું!

સહજ સ્મિત ને સાથ આંખોમાં મસ્તી;
તમે સાદગીથી સજીને બતાવ્યું.

પ્રવાહી ગુણો અવગણીને સ્વયંના,
ગજબ! આંસુઓએ ઠરીને બતાવ્યું.

હવે મન મગન એની મસ્તીમાં રહેશે;
મેં સ્પર્ધાથી બસ, દૂર રહીને બતાવ્યું.

– અંજના ભાવસાર ‘અંજુ’

પ્રવર્તમાન ગઝલકાર સ્ત્રી સર્જકોમાં અંજના ભાવસાર વિચારશીલ શેર અને છંદની સફાઈના કારણે અલગ તરી આવે છે. એમની ગઝલના પ્રમાણમાં સરળ લાગતા શેર પણ બીજા-ત્રીજા વાંચને વધુ પ્રભાવિત કરી શકે છે એ મારી પ્રત્યક્ષાનુભૂતિ છે. પ્રસ્તુત ગઝલ એનું એક ઉદાહરણ છે… બધા જ શેર મનનીય થયા છે…

Comments (17)

(હું કદી ન જંગ લડત) – ડો. પ્રણય વાઘેલા

અવકાશ હોત સહેજ અગર ફેરફારનો,
તો હું કદી ન જંગ લડત આરપારનો.

લેવો પડયો છે ભાર ન કોઈ પ્રકારનો,
આભાર માનું એટલો પરવરદિગારનો.

સહકાર કે પ્રયત્ન ન હો કંઈ બિમારના,
ત્યાં આપ દોષ કાઢશો શું સારવારનો?

આપી ફકીરી એવી કે છોડી શકું બધું,
આપ્યો દમામ જેમણે જાગીરદારનો.

હું કેવી રીતે માંડુ કદમ એના આંગણે?
ના સ્મિત, ના ઉમળકો કોઈ આવકારનો,.

કર્યો સરળ-સહજ અને નિસ્વાર્થ મેં ‘પ્રણય’,
શીખ્યો ન છળકપટ કે નિયમ હું બજારનો.

– ડો. પ્રણય વાઘેલા

ગુજરાતના તબીબોને કવિતા સાથે ઊંડો રખરખાવ હોય એમ માલમ પડે છે. લયસ્તરો પર આજના ગઝલકાર પણ એમ.ડી. (મેડિસીન) કર્યા બાદ દવાના પ્રિસ્ક્રિપ્શન સાથે ગઝલ બાંધી આપે છે. સહજ ભાષામાં લખાયેલી આ ગઝલના લગભગ બધા જ શેર હૃદયંગમ થયા છે. મત્લાના શેરમાં કવિનો મિજાજ તો છતો થાય જ છે, મહાભારતના યુદ્ધની પાર્શ્વભૂ પણ તાદૃશ થાય છે. બીજો શેર પણ ખુમારીની બુલંદીઓને તાકે છે. જીવનમાં કોઈનાય ઉપકારનો ભાર લેવા મજબૂર થવું પડ્યું ન હોવાની બાબતે સર્જક ઈશ્વરનો આભાર માને છે.

Comments (19)