તું હિસાબોની બ્હાર રહેવાનો,
શું કરું હું તને ઉધારીને...!
અંકિત ત્રિવેદી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for April, 2022

ચોરી – દાસી જીવણ

સતગુરુએ મુંને ચોરી શિખવાડી
ને જ્ઞાન ગણેશિયો ઘડાયો રે.

પવન રૂપી ઘોડો પલાણ્યો, ઊલટી ચાલ ચલાયો રે,
ગંગા-જમનાના ઘાટ ઉલંઘી, જઈને અલખ ઘરે ધાયો રે…

ધમણ ધમુંકે તિયાં વીજું ચમુંકે, અનહદ નોબત વાગે રે,
ઠારોઠાર ત્યાં જ્યોતું જલત હૈ, ચેતન ચોકીમાંઈ જાગે રે…

સાંકડી શેરી ન્યાં વાટું વસમી, માલમીએં મુંને મૂક્યો રે,
નામની તો નિસ૨ણી કીધી, જઈને ધણીને મો’લે ઢૂક્યો રે…

શીલ સંતોષનાં ખાતર દીધાં, પ્રેમેં પેસારો કીધો રે,
પેસતાંને પા૨સમણિ લાધી, માલ મુગતિ લીધો રે….

આ રે વેળાએઁ હું ઘણું જ ખાટ્યો, માલ પૂરણ પાયો રે,
દાસી જીવણ સત ભીમને ચ૨ણે, મારો ફેરો ફાવ્યો રે…

સતગુરુએ મુંને ચોરી શિખવાડી.

– જીવણ સાહેબ

દુનિયામાં કયા સદગુરુ શિષ્યને ચોરી કરતાં શીખવાડે? ગુરુ તો જ્ઞાન આપે, ઉદ્ધાર અને મોક્ષનો માર્ગ પ્રશસ્ત કરતાં શીખવાડે પણ આ રચના જુઓ… આ એવા ગુરુને છે જે પોતાના શિષ્યને ઘરફોડ ચોરી કઈ રીતે કરવી એનું જ્ઞાન આપે છે… આંચકો લાગે એવી વાત છે ને? દાસી જીવણ કઈ ચોરીની વાત કરે છે એ વિશે વિસ્તારથી જાણવું હોય તો અહીં ક્લિક કરવા વિનંતી છે…

Comments (2)

ઝાંઝવાંની ભીંતો – ડૉ. વ્રજેશ મિસ્ત્રી

ઉચાટોનો હતો દરિયો, ઉપરથી રાત અંધારી,
ફકત બે શ્વાસના જર્જર હલેસે નાવ હંકારી.

છેવટે દરિયાય મીઠા થઈ ગયા,
આંસુઓના ખાર ઓછા ના થયા.

ગ્રીષ્મે એના શીત વિચારોમાં પગ બોળ્યા,
શિયાળામાં સ્મરણો ઓઢી તાપી રાતો.

શાને પ્રભાત ટાણે આંખો બની સરોવર?
છેલ્લા પ્રહર સુધી તો સ્વપ્નોને ઘાટ નહોતા!

ખોટો થઈ શોધે છે કાયમ,
માણસ માણસ સારા હો જી.

આભની જેમ વરસી પડાયું નહીં,
એટલો રહી ગયો આંખને વસવસો.

જ્યાં નીર લાગણીનું હતું, છે તરસ હવે,
સંબંધનાં તળાવ હવે નામશેષ છે.

ડૂમો જ જાળવે છે મોભો પછી રુદનનો,
આંસુય જ્યાં ધરાઈ સારી નથી શકાતા.

શું નામ દઉં સ્મરણની આ સાતમી ઋતુને?
કૈં કેટલાં વરસથી કેવળ અષાઢ ચાલ્યા!

જાણું છું, કાયમની વેરી છે,
વેદના તો પણ ઉછેરી છે.

ભાગ્ય મારા અશ્રુને કેવું મળ્યું?
કોઈના પાલવથી લ્હોવાયું નહીં.

શું ખબર કોની પ્રતીક્ષા આખરી વેળા હતી?
જીવ પણ થોડી મિનિટો લાશમાં બેસી રહ્યો!

– ડૉ. વ્રજેશ મિસ્ત્રી

લયસ્તરો પર કવિના પ્રથમ ગઝલસંગ્રહ ‘ઝાંઝવાની ભીંતો’નું સહૃદય સ્વાગત… સંગ્રહમાંથી થોડાં વીણેલાં મોતી આજે આપ સહુ માટે…

Comments (6)

શેર – શારિક કૈફી

“कैसे टुकड़ों में उसे कर लूँ क़ुबूल
जो मिरा सारे का सारा था कभी ”

-शारिक कैफ़ी

 

ક્યાં તો બધું જ આપ ઓ ખુદા ક્યાં તો આ ટુકડા પાછા લઈ જા……

Comments (4)

(બહુ મોડે સમજાયું, ઉધ્ધવ!) – વીરુ પુરોહિત

બહુ મોડે સમજાયું, ઉધ્ધવ!
જલ પીવા કૈં ઊડે કૂવે ખાબકવાનું હોય?!
સીંચણિયાંથી ઘડો ભરીને તૃપ્ત થવાનું હોય!

ગગન સ્પર્શવા અમે વેલીઓ વૃક્ષ ઉપર જઈ ચડ્યાં;
હતું બટકણું વૃક્ષ એટલે કડડભૂસ થઈ પડ્યાં!
લાભ થાય શું, ઝોળી લૈને સૂર્યકિરણ ભરવાથી?
માટીની પૂતળી થઈને શું મળે નદી તરવાથી?

બહુ મોડે સમજાયું, ઉધ્ધવ!
અંધારે ડગ ભરતાં પહેલાં વિચારવાનું હોય!
જલ પીવા કૈં ઊંડે કૂવે ખાબકવાનું હોય?!

કહ્યું હોત જ્ઞાનીએ તો સહુ જાગી જાતને વ્હેલાં;
પાળ બાંધવી પડે, વિરહનું પૂર આવતાં પ્હેલાં!
હતાં અમે અણસમજુ, પણ શું ક્હાન જાણતા નો’તા?
ઉધ્ધવજી! એ ગયા ઉખેડી સઘળાંને મૂળસોતાં!

બહુ મોડે સમજાયું, ઉધ્ધવ!
અબળાએ તો પ્રેમ કરી, બસ કરગરવાનું હોય!

બહુ મોડે સમજાયું, ઉધ્ધવ!
જલ પીવા કૈં ઊંડે કૂવે ખાબકવાનું હોય?!
સીંચણિયાંથી ઘડો ભરીને તૃપ્ત થવાનું હોય!

– વીરુ પુરોહિત

કૃષ્ણ-રાધા સદીઓથી કવિઓનો મનમાનીતો વિષય રહ્યો છે. એમાંય કૃષ્ણ ગોકુળ છોડી ગયા અને પોતાને ભૂલી જવાનો સંદેશો ગોપીઓને આપવા માટે જ્ઞાનીજન ઉદ્ધવને મોકલ્યા. ઉદ્ધવને માધ્યમ બનાવીને પોતાની ફરિયાદ કરતાં અનેક ગોપીગીત અનેક ભાષાઓમાં મળી આવે છે. પણ કોઈ એક કવિએ આખેઆખો સંગ્રહ ઉદ્ધવને સંબોધીને લખેલ ગીતોનો આપ્યો હોય એવી બીના ભાગ્યે જ જોવા મળશે. શ્રી વીરુ પુરોહિતના બાવન ઉદ્ધવગીતોના ગીતસંગ્રહ ‘ઉદ્ધવગીતો’માંથી કેટલાંક આપણે અગાઉ માણ્યાં છે… આજે વળી એક ઉદ્ધવગીત માણીએ….

જળ પીવાની ઇચ્છા હોય તો સીંચણિયા પરથી ઘડો ભરીને સંતોષ માનવાનો હોય એ દુનિયાદારીથી અજાણ ગોપીઓ તો કાનજી નામના કૂવામાં સમૂચી ખાબકી પડી હતી… પોતે જે વૃક્ષનો આધાર લઈ આકાશને-ઈશ્વરને આંબવા નીકળી હતી એ વિશ્વાસનું વૃક્ષ સાવ બટકણું નીકળ્યું. માટીની પૂતળી નદીમાં તરવા પડે તો એનું અસ્તિત્વ જ મટી ન જાય? ગોપીઓનું અસ્તિત્વ ઓગળી ગયું, પણ કૃષ્ણને કોઈ ફરક ન પડ્યો.. નદીની જેમ એ સદૈવ આગળ જ વહેતા રહ્યા…

ઉદ્ધવ જ્ઞાન આપવા આવ્યા હતા. એટલે ગોપી કટાક્ષ કરે છે કે, કોઈ જ્ઞાનીએ કહ્યું હોત તો અમે વેળાસર જાગી ગયાં હોત. વિરહના પૂરમાં તણાઈ જવાનો અંજામ વેઠવાના બદલે પહેલેથી જ પાળ બાંધી દીધી હોત…

Comments (11)

ફરી સાંજ પ્રગટી – દક્ષા બી. સંઘવી

ફરી સાંજ પ્રગટી, અને આભ આખું થયું સોનવ૨ણું!
ફરી યાદ તારી, અને આંખમાં એક ચહેરાનું તરવું!

ફરી રાતમાં ઝલમલે સૌ સિતારા, ઝીણું ઝીણું ગાતા;
ફરી એ ઉજાસી મુલાયમ ક્ષણોનું હથેળીમાં ઝ૨વું!

ફરી કોઈ ડાળે સૂબાબીલની જોડી અનાયાસ ટહુકે;
ફરી એ યુગલગીતનું અશ્રુ થઈ આંખમાંથી નીતરવું!

ફરી કોઈ ભૂલું પડેલું સ્મરણ રાતવાસો કરે, ને;
ફરી મધ્ય રાતે અમસ્તું સૂરજનું ભ્રમણ પર નીકળવું !

ફરી રાતની બેય કાંઠે છલોછલ નદી સ્વપ્ન ઘેલી;
ફરી ડૂબવાની ક્ષણે હાથમાં હોય એકાદ તરણું!

ફરી લીંબડે ઘૂઘવે એક હોલો, સ્મરે પ્રિયજનને;
ફરી તું હી તુંથી ભરે રાન, હૈયું અજંપાથી ભરતું!

– દક્ષા બી. સંઘવી

સાંજનો સમય દિવસભરનો સૌથી રંગીન અને ગમગીન સમય હોય છે. સાંજે વાતાવરણ સોનવરણું તો થાય જ છે, પણ આ જ સમય યાદોના મધ્યાહ્નનો પણ છે. સંધ્યાટાણે જ આંખોમાં ખોવાયેલો ચહેરો વધુ તરવરતો હોય છે. ઝલમલ સિતારાઓનું ગાન ક્રમશઃ વધતું જાય છે, સાથોસાથ જ સંગાથની મુલાયમ ક્ષણો હથેળીમાં ઝરતી વર્તાય છે. સુબાબુલની ડાળે કોઈ પક્ષીની જોડી અચાનક ટહુકારી બેસે છે, ત્યારે આંખમાંથી આંસુ નીકળી પડતું રોકી શકાતું નથી. ભૂલું પડેલું સ્મરણ ક્યાંય જવાના બદલે રાતભર માટે અડીંગો જમાવી બેઠું હોય ત્યારે મધરાતે સૂર્ય કારણ વિના ભ્રમણ પર નીકળ્યો હોય એમ લાગે. સ્મરણના અજવાળાનો આ પ્રતાપ છે. હરીન્દ્ર દવે તરત યાદ આવે: ‘તારા સ્મરણનો સૂર્ય સતાવે છે, શું કરું? મધરાતે મારા આભમાં આવે છે, શું કરું?’ રાતની સ્વપ્નઘેલી નદીમાં ડૂબી જવાની પળે કોઈક આવા જ સ્મરણનું તરણું બચાવી પણ લે છે. ક્યાંક એક લીમડા પર કોઈ હોલો ઘુઘવાટો કરે છે ત્યારે કેવળ રાન આખું તું હી તુંથી નથી ભરાઈ જતું, હૈયુંય અજંપાથી છલકાઈ ઊઠે છે…

આખી રચનામાં દરેક પંક્તિનો ‘ફરી’થી થયે રાખતો પ્રારંભ રચનાના લયહિલ્લોળને નવું જ આયામ બક્ષે છે… મજાનું ઊર્મિગાન! પણ એને કહીશું શું? ગઝલ કહીશું? ગીત કહીશું? ગીતનુમા ગઝલ કહીશું કે ઊર્મિકાવ્ય?

Comments (9)

(મારી કથા લોહિયાળ છે) – વિકી ત્રિવેદી

હમણાં જગતમાં પ્રેમકથાનો જુવાળ છે,
હું શું લખું કે મારી કથા લોહિયાળ છે.

હું પુરી લઈને બેઠો એ છો ઊંચી ડાળ છે,
પણ નીચે એક લુચ્ચું સમયનું શિયાળ છે.

આ ચાંદ જેનો ચાંદલો છે એનું મુખ બતાવ,
હે! આસમાન, બોલ તું કોનું કપાળ છે?

હું પાણી પાણી થઈ ગયો છું તમને જોઈને,
ને જ્યાં તમે ઊભા છો એ બાજુ જ ઢાળ છે.

છૂટ્યો છતાંય બહાર નથી નીકળી શક્યો,
આ દુનિયા જાળ છે અને સાલી વિશાળ છે.

મારા અસલ વિચાર તો કચડી ગયો સમય,
ગઝલોમાં જે બતાવું એ તો કાટમાળ છે.

બહુ બહુ તો ગર્વ લઈ શકો બીજું કશું ન થાય,
‘હું આપનો હતો…’ એ હવે ભૂતકાળ છે.

– વિકી ત્રિવેદી

લયસ્તરો પર કવિના પ્રથમ ગઝલસંગ્રહ ‘હાજ૨ હૃદયથી હોઈએ’નું સહૃદય સ્વાગત.

મત્લા સરસ થયો છે, પણ કપાળ અને ઢાળવાળા બે શેર તો શિરમોર થયા છે. છેલ્લા બે શેર પણ જાનદાર થયા છે.

Comments (16)

જલનની નમાઝ – ‘જલન’માતરી

સુખ જેવું જગમાં કંઈ નથી જો છે તો આજ છે,
સુખ એ અમારા દુ:ખનો ગુલાબી મિજાજ છે.

હું જો અનુકરણ ન કરું તો કરું યે શું ?
અહીંયા મરી જવાનો પ્રથમથી જ રિવાજ છે.

અસ્તિત્વ તારું આસ્થાનું નામ છે ખુદા,
એ વહેમ છે તો વહેમનો તો ક્યાં ઇલાજ છે ?

દુનિયાના લોક હાથ પણ ના મૂકવા દિયે
ને તું કહે સમસ્ત જગત મારે કાજ છે.

ઊઠ-બેસ વિણ, અજાન વિણ, પળમાં પતી જશે,
મસ્જિદમાં આખરી આ જલનની નમાઝ છે.

– ‘જલન’માતરી

યાદ આવે –

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’?
આ જીવનની ઠેસની તો હજી કળ વળી નથી ?

Comments (2)

સાકી ! – અમૃત ઘાયલ

કહીં છે લ્હેર લીલા, ક્યાંક કાળો કેર છે સાકી !
કહું શું કે જગતમાં કેટલું અંધેર છે સાકી !

અહીં દુઃખ એ જ છે મોટું, સમજમાં ફેર છે સાકી !
અને તેથી હૃદય સાથે હૃદયને વેર છે સાકી !

દુખી કેવા છીએ એ વાત જગજાહેર છે સાકી !
છતાં કે’વું પડે છે કે પ્રભુની મ્હેર છે સાકી !

જવાનીને હું વશમાં રાખું તો કેવી રીતે રાખું ?
અચાનક ઊઠતા તોફાનની એ લ્હેર છે સાકી !

કહું તો ક્યાં કહું? કોને કહું? જઈ વાત અંતરની,
જગતમાં ધૂમ આજે બુદ્ધિની ચોમેર છે સાકી !

જગતની ખાનગી વાતોથી કંટાળી ગયો છું હું,
મને તું ત્યાં લઈ જા, જ્યાં બધું જાહેર છે સાકી !

નહીં મસ્તી, નહિ સાહસ, નહિ પૌરુષ, નહિ ઓજસ,
અમારી જિન્દગી ને મોતમાં શો ફેર છે સાકી?

પરિવર્તન થયું છે મૂલ્યમાં એવું કે બસ તૌબા,
હતા જે લાખના તે ત્રાંબિયાના તેર છે સાકી !

કરી દે અન્ય સાથોસાથ જીર્ણોદ્ધાર એનો પણ,
હૃદય ઘાયલ તણું વર્ષો થયાં ખંડેર છે સાકી !

– અમૃત ઘાયલ

અમૃતના ટીપાં !!!!

Comments (1)

ખંડિતા – રમણલાલ વ. દેસાઈ

(રાગ ઝિંઝોટી)

જાઓ, જાઓ જ્યાં રાત ગુજારી;
ભૂલી પડી મદભર તમ નૈયા!
ચરણ ચલિત, તંબોલ અધર પર,
લાલ છૂપે નહીં છલબલ ચૈના!

હારચુમ્બિત હૈયું ક્યમ ઢાંકો?
કંકણવેલી ક્યહાં ચિતરાવી?
અંજન ડાઘથી ઓપે કપોલ !–
બધી રજની ક્યમ ત્યાં ન વિતાવી!

– રમણલાલ વસંતલાલ દેસાઈ

થોડા દિવસો પહેલાં આપણે કવિશ્રી વિનોદ જોશીની કલમે ભરત મુનિ વ્યાખ્યાયિત અષ્ટનાયિકાઓમાંની ત્રણ –વાસકસજ્જા , કલહાંતરિતા અને ખંડિતા સાથે મુલાકાત કરી.… લયસ્તરોના સૌથી વફાદાર વાચક પ્રજ્ઞાજુએ આ રચના મોકલી આપી… એમના સહૃદય આભાર સાથે આ રચના અહીં પૉસ્ટ કરું છું.

ખંડિતા એટલે પ્રિયના અન્ય સ્ત્રી સાથેના અનુરાગથી વ્યથિત અને રોષમગ્ન સ્ત્રી. અમરુશતકની યાદ આવી જાય એવું આ લઘુકાવ્ય છેતરાયેલી સ્ત્રીના મનોભાવોને કેવું સુંદર રીતે વ્યકત કરે છે તે અનુભવવા જેવું છે!

હવે અહીં આવવાનું શું પ્રયોજન છે, નાથ? જ્યાં જઈને રાત પસાર કરી હોય ત્યાં જ જાઓ. તમારી નૈયા ભૂલી પડી ચૂકી છે. પગ બીજે પડ્યો છે. હોઠ પરના પાનના ડાઘ છૂપ્યા છૂપાતા નથી. પ્રણયકેલિના નિશાન જ્યાં ને ત્યાં પિયુના શરીર પર દૃષ્ટિગોચર થઈ રહ્યાં છે. આખી રાત કેમ ત્યાં જ ન વિતાવી કહીને નાયિકા જે છણકો કરે છે એની જ મજા છે…

Comments (12)

(દરવાજાને ખેાલ હવે) – રમેશ પટેલ ‘ક્ષ’

આ સ્તબ્ધ નગરના દરવાજાને ખેાલ હવે,
તું દ્વાર વગરના દરવાજાને ખેાલ હવે!

આ સરસર સરતાં દૃશ્યોને અટકાવ નહીં,
વિક્ષુબ્ધ નજરના દરવાજાને ખોલ હવે !

કંઈ કેમ ભીતરના ભાવ જગતને સ્પર્શે ના?
લે, આજ અસરના દરવાજાને ખેાલ હવે !

તું માર હથેાડા શબ્દો ને સંદર્ભોના,
ને દોસ્ત! ભીતરના દરવાજાને ખેાલ હવે

– રમેશ પટેલ ‘ક્ષ’

ચાર જ શેર, પણ કેવા મજાના!

દરવાજો! કેવી સરસ વિભાવના! જેમાંથી કશું આરપાર જઈ-થઈ જ ન શકે એવી ભીંતમાં શક્યતાઓનું મસમોટું બાકોરું એટલે દરવાજો… પણ આ વાત ઘરના દરવાજાની નહીં, જીવનના દરવાજાની છે… જીવનમાં કેટલી બધી જગ્યાઓએ આપણે કેવળ ભીંત જ બાંધી રાખીએ છીએ એ વિચારવા જેવું છે… આપણે સહુ દરવાજાઓ બંધ કરીને બેઠા છીએ. નવીનતાને કે સત્યને માટે પ્રવેશ જ નથી. નવાઈ વળી એ કે દરવાજાની આ ફ્રેમમાં દ્વાર પણ નથી કે ખોલવાની સંભાવના જન્મે. આપણે સહુ પોતપોતાની માન્યતાઓના બંધ ઘરમાં સદીઓથી કેદ છીએ. નજરની વ્યગ્રતા ઓછી કરી જે છે એનો આનંદ લેવાના બદલે આપણે દુનિયાને અટકાવવા જ મથ્યે રાખીએ છીએ. આ સિકાની બીજી બાજુ એ પણ છે કે બરાબર આ જ રીતે આપણા ભીતરી ભાવ પણ દુનિયા માટે બેઅસરદાર બની ગયા છે. શબ્દો અને સંદર્ભોનો હાથ ઝાલી આ ભીતરી દરવાજા ખોલવાના છે… ખોલીશું?

Comments (6)

રત્ય – પ્રદ્યુમ્ન તન્ના

કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!
રંગ રંગ છોળ્ય એની ઓસરતાં મોર્ય
અમીં ચિતને ચંદરવે લીધ ભરી!
કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!

મધુવનની ભોંય શા મજીઠ લાલ પોત પરે
ખાંતે આળેખી ભલી ભાત્ય,
કેવડાની મ્હેક મ્હેક કુંજ ચારે કોર્ય, બીચ
મોરલા ને કીર કરે વાત્ય.
એ જી ધાગે ધાગે તે હાંર્યે પોરવ્યો હુલાસ
ને ગુંજરતાં ગીત્યુંની કડી!
કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!

આભલિયે આભલિયે ટાંક્યું અંકાશ
ને અંકાશે દા’ડી ને રેણ,
દા’ડે દા’ડે તે ભર્યાં અંજવાળાં ઝોક
ને રેણ ભર્યાં ચંદણીનાં ઘેન,
એ જી ઘેન મહીં ઘોળ્યો છે ગમતો ઉજાગરો
ઉજાગરે ગલાલની ઝડી!
કોણ કે’ છે કે રત્ય રૂડી સરી?!…

માણી પરમાણીને ઝીણું મોટું જેહ કાંઈ
ભરી લઈં ભીતર મોઝાર,
એવું ને એવું રિયે જળવાયું, આછોયે
આવતો ન એને ઓસાર,
એ જી આપણે ઉખેળવાની ખોટી કે પરથમ શું
પ્રગટે સંધુંય ફરી ફરી!
કોણ કે’ છે કે રત્ય રૂડી સરી?!…

– પ્રદ્યુમ્ન તન્ના

एक ऋतु आए, एक ऋतु जाए… સમયની રેતશીશીમાંથી એક પછી એક ઋતુઓ સરતી રહે છે અને ઋતુઓ એમની સાથે લાવેલ અલગ-અલગ રંગોની છોળ પણ બીજા વરસે ફરી લઈ આવવાના વણકહ્યા પ્રોમિસ સાથે સાથે લઈ જાય છે… પણ કવિને આ સમયચક્રનો યથાતથ સ્વીકાર નથી. ઋતુના પાલવમાં રહેલ રંગબિરંગી છોળો ઋતુ સાથે અદૃશ્ય થઈ જાય એ કવિને મંજૂર ન હોય તો કવિ શું કરે?

અડધાથી વધુ જીવન ઇટાલીમાં વિતાવવા છતાં સવાઈ ગુજરાતી ભાષાનું વરદાન પામેલ પ્રદ્યુમ્ન તન્નાની આ રચનાના વિશદ આસ્વાદ માટે અહીં ક્લિક કરશો

Comments (3)

સહારા મળ્યા – ગૌરાંગ ઠાકર

એક નદીને અલગ બે કિનારા મળ્યા,
છેક સાગર સુધીના સહારા મળ્યા.

આ તમારાં નયન જોઈ એવું થયું,
સ્વપ્નને સિંચવા જાણે ક્યારા મળ્યા.

કોઈ પાંખોમાં પીછાં ઉમેરી ગયું,
ત્યારથી અમને આભે ઉતારા મળ્યા.

ફાળવેલા અમે શ્વાસ લેતા હતા,
ને ઉપરથી આ મનના ધખારા મળ્યા.

કૈંક નોખું નવું તો થશે કઈ રીતે ?
આ વિચારોય અમને તમારા મળ્યા.

હાથમાંથી હથેળી તમે જ્યાં લીધી,
ના પછી કોઇથી હાથ મારા મળ્યા.

– ગૌરાંગ ઠાકર

કવિને જન્મદિન મુબારક

Comments (3)

એવું કંઈ નથી…. – ભગવતીકુમાર શર્મા

તારા વિના જિવાય નહીં, એવું કંઈ નથી,
જીવ્યા છતાં મરાય નહીં, એવું કંઈ નથી.

ટેકો લઈને બેઠો છું, તૂટેલી ભીંતનો;
પડછાયો પણ દટાય નહીં, એવું કંઈ નથી.

મૃગજળમાં ઝૂકી ઝૂકીને પ્રતિબિંબ જોઉં છું;
આછી છબી કળાય નહીં, એવું કંઈ નથી.

છબીના કોટ-કિલ્લા રચાયા સડક ઉપ૨;
વાદળથી ઝરમરાય નહીં, એવું કંઈ નથી.

હાથે-પગે છે બેડીઓ, પાટો છે આંખ પર;
તેથી ગઝલ લખાય નહીં, એવું કંઈ નથી.

વીતી ગયેલી ક્ષણ અને છૂટેલું તીર છું;
પાછા વળી શકાય નહીં, એવું કંઈ નથી.

માણસ મરે ને સ્વપ્નાઓ જીવતાં રહે છતાં
કબરો કદી ચણાય નહીં, એવું કંઈ નથી.

– ભગવતીકુમાર શર્મા

અર્થગંભીર ગઝલ….

Comments (3)

એના કરતાં – હરદ્વાર ગોસ્વામી

એના કરતાં, હે ઈશ્વર! દે મરવાનું,
ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું!

એ જ પામશે પાન નવાં ને નવી હવા,
જેણે શીખ્યું દોસ્ત, સમયસ૨ ખ૨વાનું.

મોજું આવ્યું માથે ત્યારે સમજાયું,
પુસ્તક વાંચી શીખાશે નહીં તરવાનું.

બટન ટાંકવાનો લાગે છે વેંત નથી,
તો જ બને ખુલ્લી છાતીએ ફ૨વાનું.

ઈશ્વરથી પણ મોટો હો તો કહી દે તું,
શરૂ આજથી તને સલામો ભરવાનું.

– હરદ્વાર ગોસ્વામી

લયસ્તરોના આંગણે કવિશ્રીના નૂતન સંગ્રહ ‘લખચોરાશી લાગણી’નું સહૃદય સ્વાગત..

આપણી ભાષાની સાંપ્રત કરુણતાને યથાતથ રજૂ કરતો મત્લા તો વર્ષોથી સાચા ગુજરાતીઓના હૈયે મઢાઈ ગયેલ છે. પણ એ સિવાયના શેર પણ બધા જ સુવાંગ સંતર્પક થયા છે.

Comments (1)

(ચૂંટેલા શેર) – વિકી ત્રિવેદી

ગઈ વખતની સરભરા એને બહુ સ્પર્શી હશે,
વેદના નહિતર ઉતાવળ આવવાની ના કરે.

બાળપણના હાથમાં છે જિંદગી તારું સુકાન,
આટલી ભૂલો ભલા મારી જવાની ના કરે.

*

છાંયડો આવી જશે તો બેસવાનું મન થશે,
મંજિલે પહોંચી જવા રસ્તે ધખારો જોઈએ.

*
અવકાશ ક્યાંથી મળશે ખુશી કે ઉમંગને?
જીવન તો સાચવે છે ન ગમતા પ્રસંગને.

અભરાઈથી લઈ ગઈ કાંટાળા ઝાડ પર,
દોરીની મિત્રતા પડી મોંઘી પતંગને.

મહેનતને પૂછવાના જે પ્રશ્નો હતા વિકી,
પૂછી રહ્યો છે એ બધું વીંટીના નંગને!

*
પામવાની તો હજારો રીત તે આપી પ્રભુ,
એ ન કીધું કેવી રીતે ત્યાગવાનું હોય છે.

હે પ્રભુ! બસ એટલું કર કે એ લોકો હોય ખુશ,
મારે જેને ‘કેમ છો’ એમ પૂછવાનું હોય છે.

– વિકી ત્રિવેદી

આ વખતે કવિની આખી રચના પૉસ્ટ કરવાના બદલે કવિની ચાર ગઝલોમાંથી દિલને સ્પર્શી ગયેલ થોડા પસંદગીના શેર ટાંકવાનું મન થાય છે, જેથી કવિની રેન્જનો સાક્ષાત્કાર થાય. ચાર ગઝલના આઠ શેર. દરેક પહેલી નજરે સમજાઈ જાય એવી સરળ સહજ બાનીમાં લખાયેલા છે, પણ બીજી નજર કરશો તો દિલમાંથી આહ અને વાહ એકસાથે નીકળી જશે અને ત્રીજી નજર કરશો તો પ્રેમમાં પડી જવાની ગેરંટી…

Comments (10)

વીણેલાં મોતી – મેહુલ એ. ભટ્ટ

છાતીમાં અકબંધ રણ સારું નહીં,
હદ વગરનું કાંઈ પણ સારું નહીં.
દિલ સુધી પહોંચે નહીં દિલનો અવાજ,
આટલું પણ શાણપણ સારું નહીં.
જીતનો જુસ્સો ભલેને રાખ પણ,
જીતવાનું ગાંડપણ સારું નહીં.
સૂર્યનું કે ચન્દ્રનું સાંખી શકાય,
પણ સમજ પરનું ગ્રહણ સારું નહીં.

અણજાણ થઈ જવાનો કોઈ મંત્ર હોય તો,
આપીને ભૂલવાનો કોઈ મંત્ર હોય તો.
ઈશ્વર વિશે તો ગ્રંથોના ઢગલા છે ચારેકોર,
દ્યો, ખુદને જાણવાનો કોઈ મંત્ર હોય તો.

ફરીવાર સિક્કો ઊછાળી જુઓ તો,
પરિણામ ત્રીજું જ ધારી જુઓ તો.
કદાચિત મળી જાય દિલને દિલાસો,
ફરીવાર પત્રોને વાંચી જુઓ તો.
જો અજવાસ આવે નહીં તો કહેજો,
ફકત એક બારી ઉઘાડી જુઓ તો.

‘આપ-લે’ની વાત વચ્ચે ના લવાય,
મૈત્રીમાં સર્વસ્વ આપીને પમાય.

રાત-દી’-વરસોવરસ આઠે પ્રહર,
કરગરું છું, યાદ! તું આવ્યા ન કર.
દૂર લગ રણ, રણ અને રણ છે છતાં
આર્દ્ર આંખો, આર્દ્ર હૈયું, આર્દ્ર સ્વર!

– મેહુલ એ. ભટ્ટ

લયસ્તરો પર કવિના પ્રથમ ગઝલસંગ્રહ ‘કાન અવાજો ઝંખે છે’નું સહૃદય સ્વાગત.

સંગ્રહમાંથી કેટલાક પસંદગીના શેરોનો ગુલદસ્તો વાચકમિત્રો માટે રજૂ કરું છું…

Comments (3)

मेरे हम-नफ़स मेरे हम-नवा….- શકીલ બદાયૂંની

मेरे हम-नफ़स मेरे हम-नवा मुझे दोस्त बन के दग़ा न दे
मैं हूँ दर्द-ए-इश्क़ से जाँ-ब-लब मुझे ज़िंदगी की दुआ न दे

ઐ મારા દોસ્ત, મારા હમજબાં, મને મિત્ર બની દગો ન દે….ઈશ્કના દર્દથી હું મૃતઃપ્રાય છું, મને જિંદગીની દુઆઓ ન દે…..

मेरे दाग़-ए-दिल से है रौशनी इसी रौशनी से है ज़िंदगी
मुझे डर है ऐ मिरे चारा-गर ये चराग़ तू ही बुझा न दे

મારા સળગતા હૈયાથી જે રોશની છે, તે રોશનીથી જ તો મારી જિંદગી છે ! મને ડર છે ઐ મારા હકીમ, કે તું પોતે જ આ ચિરાગને બુઝાવી ન દે….[ અર્થાત – મને તારું ડહાપણ નહીં આપ, મને સળગવા જ દે….]

मुझे छोड़ दे मिरे हाल पर तिरा क्या भरोसा है चारा-गर
ये तिरी नवाज़िश-ए-मुख़्तसर मिरा दर्द और बढ़ा न दे

મને મારા હાલ પર છોડી દે ઐ મારા હકીમ, તારો વળી શું ભરોસો ?! આ તારી નાનકડી મહેરબાની ક્યાંક મારુ દર્દ વધારી ન દે… [ આગલા શેરના અનુસંધાનમાં આ શેર કહ્યો લાગે છે – તારી દવા કદાચ ક્ષણભર માટે મને સારો કરી પણ દે, પણ એ ક્ષણિક રાહતને લીધે ત્યાર પછી પાછું જે દર્દ મારી તકદીરમાં છે તે દર્દ તો મીનમેખ છે જ ! ક્ષણભરની રાહત પછી એ દર્દ અસહ્ય થઈ પડશે…. ]

मेरा अज़्म इतना बुलंद है कि पराए शो’लों का डर नहीं
मुझे ख़ौफ़ आतिश-ए-गुल से है ये कहीं चमन को जला न दे

મારો હૌંસલોં એટલો બુલન્દ છે કે પરાયા અગનગોળાઓનો લેશ ડર નથી. મને ડર પુષ્પોતણી આગનો છે, જે જરૂર ચમનને ફૂંકી મારશે… [ મારી દુશમન મારી અંદર રહેલી જ્વાળામુખી સમી ઊર્મિઓ છે….]

वो उठे हैं ले के ख़ुम-ओ-सुबू अरे ओ ‘शकील’ कहाँ है तू
तिरा जाम लेने को बज़्म में कोई और हाथ बढ़ा न दे

તેઓ સુરાહી-જામ લઈને ઉઠ્યા છે, અરે શકીલ ! ક્યાં છે તું ? તારો જામ લેવા તારે બદલે કોઈ બીજું હાથ લંબાવી ન દે !!

– શકીલ બદાયૂંની

 

બેગમ અખ્તરસાહેબા 👇🏻👇🏻

 

Comments (1)

અષ્ટનાયિકા : ૦૩ : ખંડિતા – વિનોદ જોશી

ખાલી રાખી મને, ભર્યા શ્રાવણમાં…
વળી ક્યાંક વ૨સીને અંતે આવ્યો તું આંગણમાં,
ભર્યા શ્રાવણમાં…

તારા મઘમઘ મનસૂબાને વળગી કોઈ ચમેલી,
ટળવળતી રહી ખુલ્લી મારી ડૂસકાં ભરતી ડેલી;

તરસબ્હાવરી હું ક૨માઈ લૂથી લથપથ રણમાં,
ભર્યા શ્રાવણમાં…

તારા અણથક ઉજાગરાએ ભર્યો પારકો પહેરો,
ફૂટેલા પરપોટામાં હું ભ૨વા બેઠી લહેરો;

ગઈ હારને હારી, લઈને મોતી હું પાંપણમાં,
ભર્યા શ્રાવણમાં…

– વિનોદ જોશી

ભરતમુનિ વ્યાખ્યાયિત અષ્ટનાયિકાઓમાંની બે –વાસકસજ્જા અને કલહાંતરિતા– સાથે આપણે મુલાકાત કરી. આજે ત્રીજી નાયિકા ખંડિતા સાથે મુલાકાત કરી આ શૃંખલાને વિરામ આપીએ… જે મિત્રોને આઠેય નાયિકા સાથે મુલાકાત કરવાની ઇચ્છા હોય, એમને જાન્યુઆરી ૨૦૨૨નું નવનીત સમર્પણ મેળવી લેવા વિનંતી… અથવા મને વૉટ્સએપ કે મેસેજ કરશો તો હું તમામ રચનાઓ મોકલી આપીશ…

ખંડિતા એટલે પ્રિયના અન્ય સ્ત્રી સાથેના અનુરાગથી વ્યથિત અને રોષમગ્ન સ્ત્રી. શ્રાવણ જેવી પ્રણયપ્લાવનની ઋતુમાં પ્રિયજન બીજે ક્યાંક વરસીને ખાલી થઈને પોતાના આંગણમાં આવ્યો હોવાની પીડા અહીં સુપેરે વ્યક્ત થઈ છે. પોતાની ડેલી ખુલ્લી પડી હોવા છતાં એના નસીબમાં કેવળ ટળવળાટ અને ડૂસકાં જ આવ્યાં છે, જ્યારે નાયકના મઘમઘ મનસૂબાઓને કોઈ અન્ય જ ચમેલી વળગી છે. શ્રાવણની ઋતુમાં તરસની પરાકાષ્ઠા લઈને લૂથી ભર્યાભાદર્યા રણમાં એકલા પડવાનું થાય તો કોણ કરમાયા વિના રહી શકે? શયનકક્ષમાં ક્યારેક થતા મીઠા ઉજાગરા પર હવે નવું સરનામું લખાઈ ચૂક્યું છે. પતિ એટલે પત્નીના હૈયાનો હાર. હાર હારવાનો યમક અલંકાર ધ્યાનાર્હ છે. સરવાળે, ખંડિતાની પીડામાં આપણને સહભાગી થવા મજબૂર કરે એવું લયાન્વિત કાવ્ય…

Comments (9)

અષ્ટનાયિકા : ૦૨ : કલહાંતરિતા – વિનોદ જોશી

મુજથી સહ્યું ન જાય….
આમ નજ૨થી દૂર ન રાખે, આમ અડે નહીં ક્યાંય.

મુખ મરડી લીધું તે લીધું, ખબર ન ક્યારે મલકે,
મને વીંધતાં અંગ અંગ અણિયાળાં આંસુ છલકે;

થાઉં આજ તો હુંય અજાણી એવું મનમાં થાય,
મુજથી સહ્યું ન જાય….

લખ્યા વગરની લેખણ જેવી પડી રહું કાગળમાં,
હું ના પાછી વળું જેમ ના વળે નદી વાદળમાં;

પંડ સાવ પોચું ને પાછું પથ્થરમાં પછડાય,
મુજથી સહ્યું ન જાય…

– વિનોદ જોશી

ગઈ કાલે આપણે ભરતમુનિ વ્યાખ્યાયિત અષ્ટનાયિકાઓમાંની એક -વાસકસજ્જા- સાથે મુલાકાત કરી. આજે મળીએ કલહાંતરિતાને…

કલહાંતરિતા એટલે નાયકના પ્રેમાપરાધને લીધે ઈર્ષ્યા અને ક્રોધથી તેની સાથે કલહ કરી તેને તરછોડી દેનારી અને પછી પશ્ચાત્તાપ કરનારી સ્ત્રી. જુઓ, આ વાત આ રચનામાં કેવી બખૂબી ચાક્ષુષ થઈ છે તે! નાયક પોતાને છોડીને બીજી સ્ત્રીમાં મોહ્યો હોવાની વેદના શબ્દે-શબ્દે નીંગળે છે. મનનો માણીગર દૂર પણ ન જવા દે અને સંસર્ગ પણ ન રાખે એ કેમ સહ્યું જાય? નાયક અપરા સાથે મલકતો હશે એ પોતે જોઈ નથી શકતી એ વાતનો ઈશારો મુખ મરડી લીધું કહીને આબાદ કરાયો છે. આંસું અંગાંગને વીંધી રહ્યાં છે. પોતેય અજાણી થઈ જાય તો ‘ઉસ મોડ સે શુરુ કરેં ફિર યે જિંદગી’ જેવો ઘાટ કદાચ થઈ શકે એવીય આશા મનમાં જન્મે છે. લેખણનું કામ લખવાનું. એ વિના ભલે કાગળનો કાયમી સંગ હોય તોય અવતાળ એળે ગયો ગણાય. નાયિકાની હાલત વપરાશમાંથી નીકળી ગયેલી કલમ જેવી થઈ ગઈ છે અને જે રીતે વાદળ વરસીને નદીમાં ભળી ગયા બાદ નદી ફરી વાદળ તરફ ગતિ કરી શકતી નથી એમ જ નાયિકા પણ બેવફા પતિને લાખ ચાહના છતાં અપનાવી પણ શકતી નથી. નાજુક જિંદગીને કપરા સંજોગો માથે પડવાનું થયું હોય ત્યારે આવી જ વેદના સૂર બનીને રેલાય…

Comments (6)