મૌનનો મહિમા મને ઊંડે ઊંડે લઈ જાય છે,
શબ્દની સરહદ સુધી પહોંચી તમે પાછા ફર્યા.
અશોકપુરી ગોસ્વામી

રત્ય – પ્રદ્યુમ્ન તન્ના

કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!
રંગ રંગ છોળ્ય એની ઓસરતાં મોર્ય
અમીં ચિતને ચંદરવે લીધ ભરી!
કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!

મધુવનની ભોંય શા મજીઠ લાલ પોત પરે
ખાંતે આળેખી ભલી ભાત્ય,
કેવડાની મ્હેક મ્હેક કુંજ ચારે કોર્ય, બીચ
મોરલા ને કીર કરે વાત્ય.
એ જી ધાગે ધાગે તે હાંર્યે પોરવ્યો હુલાસ
ને ગુંજરતાં ગીત્યુંની કડી!
કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!

આભલિયે આભલિયે ટાંક્યું અંકાશ
ને અંકાશે દા’ડી ને રેણ,
દા’ડે દા’ડે તે ભર્યાં અંજવાળાં ઝોક
ને રેણ ભર્યાં ચંદણીનાં ઘેન,
એ જી ઘેન મહીં ઘોળ્યો છે ગમતો ઉજાગરો
ઉજાગરે ગલાલની ઝડી!
કોણ કે’ છે કે રત્ય રૂડી સરી?!…

માણી પરમાણીને ઝીણું મોટું જેહ કાંઈ
ભરી લઈં ભીતર મોઝાર,
એવું ને એવું રિયે જળવાયું, આછોયે
આવતો ન એને ઓસાર,
એ જી આપણે ઉખેળવાની ખોટી કે પરથમ શું
પ્રગટે સંધુંય ફરી ફરી!
કોણ કે’ છે કે રત્ય રૂડી સરી?!…

– પ્રદ્યુમ્ન તન્ના

एक ऋतु आए, एक ऋतु जाए… સમયની રેતશીશીમાંથી એક પછી એક ઋતુઓ સરતી રહે છે અને ઋતુઓ એમની સાથે લાવેલ અલગ-અલગ રંગોની છોળ પણ બીજા વરસે ફરી લઈ આવવાના વણકહ્યા પ્રોમિસ સાથે સાથે લઈ જાય છે… પણ કવિને આ સમયચક્રનો યથાતથ સ્વીકાર નથી. ઋતુના પાલવમાં રહેલ રંગબિરંગી છોળો ઋતુ સાથે અદૃશ્ય થઈ જાય એ કવિને મંજૂર ન હોય તો કવિ શું કરે?

અડધાથી વધુ જીવન ઇટાલીમાં વિતાવવા છતાં સવાઈ ગુજરાતી ભાષાનું વરદાન પામેલ પ્રદ્યુમ્ન તન્નાની આ રચનાના વિશદ આસ્વાદ માટે અહીં ક્લિક કરશો

3 Comments »

  1. Poonam said,

    April 14, 2022 @ 11:15 AM

    પ્રગટે સંધુંય ફરી ફરી!
    કોણ કે’ છે કે રત્ય રૂડી સરી?!…
    – પ્રદ્યુમ્ન તન્ના – Satyam, Sundaram 👌🏻

    Aasawad Swadishth 😊

  2. pragnajuvyas said,

    April 15, 2022 @ 12:31 AM

    કવિશ્રી પ્રદ્યુમ્ન તન્નાનુ મધુરું ગીત
    ડૉ . વિવેકજીનો વિશદ આસ્વાદ માણી ખૂબ મજા આવી.ઘણી નવી વાતો જાણવામા આવી.
    સાથે યાદ આવે-
    ગુજરાતી લિટરરી એકેડમી ઓફ નોર્થ અમેરિકાના નિમંત્રણને સ્વીકારી અમેરિકાના બારેક જેટલાં નગરોમાં પ્રદ્યુમ્નના કાવ્યપઠનના કાર્યક્રમો ગોઠવાયેલા. બધે જ પ્રદ્યુમ્નનાં ગીતોથી, તેના ભાવવાહી કાવ્યપઠનથી, ક્યારેક ગાનથી ઑડિયન્સ મુગ્ધ અને પ્રસન્ન.
    હેતે માંડીને તમે મીટ
    હોંકારો દીધો એક હળવો હુલાસનો
    કે રણઝણતાં ઊભર્યાં આ ગીત!
    કાવ્યસંગ્રહ ‘છોળ’,પ્રકૃતિ, પ્રણય, ગ્રામજીવન, વનવગડો અને વ્રજ. પ્રકૃતિસૌન્દર્ય તો અહીં મહોરી ઊઠ્યું છે. આ સૂરજ, ચાંદો ને અગણિત તારા. આ તેજ-છાયાની આવજા અને રંગ-સુગંધ-રસની છાકમછોળ. પોણી પૃથ્વી આવરતાં ને ભીતર વડવાનળ ભરી બેઠાં આ જીવતાં-જાગતાં જળ… આ ગગનચુંબી હિમશિખરો, ઊંડાં કરાડ-કોતરો ને ધીખતાં રણ. આ તળાવ-સરોવરો ને કોટિ કોટિ સરિત સરવાણીઓ થકી સિંચાતી અને ફૂલે-ફળે અને ધાને છલકાતી ધરા. આ ગાઢ અરણ્યો ને પણે સીમ, ખેતર અને પાદરે કોળતી વનરાજિ… આ સ્ફુરતા સૂડા-કુવેલ ને પણે ગ્હેંકતા મોર. આ ભાંભરતી ધેનુ ને પણે હણહણતા અશ્વ. આ ગુંજરતાં મધપૂડા ને પણે ઊભરાતાં કીડિયારાં…’
    અડકી ગઈ
    નેણ અચિંતી રંગની છાકમછોળ!
    રંગરંગનો બહુરંગી ફુવારો ઊછળે છે. ભૂરાં આભ, સોનલવરણાં ખેત, રૂપેરી વ્હેણ, જાંબલી ડુંગરા, રાનસૂડાનું લીલું ઝૂમખું, ખડમોરની કાબરી ડોક, પીળચટી થોરવાડ, એમાં વળી જળે-થળે પોતાની આભા ફેલાવતી રાતીચોળ, હીરાગળ ચૂંદડી. ‘તાપ’, ‘બપોરે’, ‘ધોમ’, ‘ભાદરવી બપોર’ વગેરે કાવ્યોમાં ઝળાંહળાં તડકાનાં તેજ અને ઝાંઝવાંનાં છલ નિરૂપાયાં છે.‘ઘટા’ — ‘માથે ઝભુંબ ઝળુંબ લળુંબ ઝળુંબ સરતી સાવનઘટા’. પ્રણયકાવ્ય —
    ‘અરી ઝટપટ કોરા કેશ મહીં સઈ ચંદણ-કાંગસી ફેરવો
    કંઈ કેટલે કાળ ફરીથી મનમાન્યાને હેરવો!’
    રમતું’તું રાત્ય દંન જીભે જેનું નામ
    ઈ જીવતો ને જાગતો જો આવી મળ્યો આમ
    તો ઝબ્બ લીધો ઝાલી, હવે છોડે ઇ બીજાં
    સઈ! અમી નહીં! અમી નહીં!
    ‘કોણ કહે વ્રજ વિસરાયું વ્રજ વિલસે રે કણકણમાં!’
    મોરલીનાં ગીતો તો બેમિસાલ છે.
    તમીં પાછાં તે વાંસ થઈ વાધો હો વાંસળી! પાછાં તે વાંસ થઈ વાધો,
    વાધી વાધીને ઠેઠ ઊંચે અંકાશ વસ્યા વૈકુંઠની ભાળ જઈ લાધો હો વાંસળી!
    વ્રજગીતોમાં ‘જાવ જાવ જાદવજી જૂઠા!’ અમર રહેવા સર્જાયું છે.
    ભૂરી ડુંગર ઓળ્ય રે — ધ્રાંગડ! સૂડાં લીલાં લોલ્ય રે — ધ્રાંગડ!
    ચાંચે રાતી ચોળ્ય રે — ધ્રાંગડ! ચૂગે ઊભાં મોલ્ય રે — ધ્રાંગડ!
    ઉગમણાંની કોર્ય રે — ધ્રાંગડ! વાગતાં ઢમક ઢોલ્ય રે — ધ્રાંગડ!
    +
    અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રદ્યુમ્ન તન્ના/ઢોલ્ય – Ekatra …https://wiki.ekatrafoundation.org

  3. Jay Thakar said,

    April 16, 2022 @ 1:55 AM

    Shri Tanna had visited Gaithersburg, MD and that was a very touching event. Not only he was a scholarly poet, but he also was down to earth individual. His recital gave lots of warmth to everybody. He had invited everyone in the audience to visit him in Italy.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment