ખંડિતા – રમણલાલ વ. દેસાઈ
(રાગ ઝિંઝોટી)
જાઓ, જાઓ જ્યાં રાત ગુજારી;
ભૂલી પડી મદભર તમ નૈયા!
ચરણ ચલિત, તંબોલ અધર પર,
લાલ છૂપે નહીં છલબલ ચૈના!
હારચુમ્બિત હૈયું ક્યમ ઢાંકો?
કંકણવેલી ક્યહાં ચિતરાવી?
અંજન ડાઘથી ઓપે કપોલ !–
બધી રજની ક્યમ ત્યાં ન વિતાવી!
– રમણલાલ વસંતલાલ દેસાઈ
થોડા દિવસો પહેલાં આપણે કવિશ્રી વિનોદ જોશીની કલમે ભરત મુનિ વ્યાખ્યાયિત અષ્ટનાયિકાઓમાંની ત્રણ –વાસકસજ્જા , કલહાંતરિતા અને ખંડિતા સાથે મુલાકાત કરી.… લયસ્તરોના સૌથી વફાદાર વાચક પ્રજ્ઞાજુએ આ રચના મોકલી આપી… એમના સહૃદય આભાર સાથે આ રચના અહીં પૉસ્ટ કરું છું.
ખંડિતા એટલે પ્રિયના અન્ય સ્ત્રી સાથેના અનુરાગથી વ્યથિત અને રોષમગ્ન સ્ત્રી. અમરુશતકની યાદ આવી જાય એવું આ લઘુકાવ્ય છેતરાયેલી સ્ત્રીના મનોભાવોને કેવું સુંદર રીતે વ્યકત કરે છે તે અનુભવવા જેવું છે!
હવે અહીં આવવાનું શું પ્રયોજન છે, નાથ? જ્યાં જઈને રાત પસાર કરી હોય ત્યાં જ જાઓ. તમારી નૈયા ભૂલી પડી ચૂકી છે. પગ બીજે પડ્યો છે. હોઠ પરના પાનના ડાઘ છૂપ્યા છૂપાતા નથી. પ્રણયકેલિના નિશાન જ્યાં ને ત્યાં પિયુના શરીર પર દૃષ્ટિગોચર થઈ રહ્યાં છે. આખી રાત કેમ ત્યાં જ ન વિતાવી કહીને નાયિકા જે છણકો કરે છે એની જ મજા છે…