ઝાંઝવાંની ભીંતો – ડૉ. વ્રજેશ મિસ્ત્રી
ઉચાટોનો હતો દરિયો, ઉપરથી રાત અંધારી,
ફકત બે શ્વાસના જર્જર હલેસે નાવ હંકારી.
છેવટે દરિયાય મીઠા થઈ ગયા,
આંસુઓના ખાર ઓછા ના થયા.
ગ્રીષ્મે એના શીત વિચારોમાં પગ બોળ્યા,
શિયાળામાં સ્મરણો ઓઢી તાપી રાતો.
શાને પ્રભાત ટાણે આંખો બની સરોવર?
છેલ્લા પ્રહર સુધી તો સ્વપ્નોને ઘાટ નહોતા!
ખોટો થઈ શોધે છે કાયમ,
માણસ માણસ સારા હો જી.
આભની જેમ વરસી પડાયું નહીં,
એટલો રહી ગયો આંખને વસવસો.
જ્યાં નીર લાગણીનું હતું, છે તરસ હવે,
સંબંધનાં તળાવ હવે નામશેષ છે.
ડૂમો જ જાળવે છે મોભો પછી રુદનનો,
આંસુય જ્યાં ધરાઈ સારી નથી શકાતા.
શું નામ દઉં સ્મરણની આ સાતમી ઋતુને?
કૈં કેટલાં વરસથી કેવળ અષાઢ ચાલ્યા!
જાણું છું, કાયમની વેરી છે,
વેદના તો પણ ઉછેરી છે.
ભાગ્ય મારા અશ્રુને કેવું મળ્યું?
કોઈના પાલવથી લ્હોવાયું નહીં.
શું ખબર કોની પ્રતીક્ષા આખરી વેળા હતી?
જીવ પણ થોડી મિનિટો લાશમાં બેસી રહ્યો!
– ડૉ. વ્રજેશ મિસ્ત્રી
લયસ્તરો પર કવિના પ્રથમ ગઝલસંગ્રહ ‘ઝાંઝવાની ભીંતો’નું સહૃદય સ્વાગત… સંગ્રહમાંથી થોડાં વીણેલાં મોતી આજે આપ સહુ માટે…
Varij Luhar said,
April 28, 2022 @ 1:35 PM
વાહ.. માણવા ગમ્યા શેર..
કવિશ્રી ને અભિનંદન
રિયાઝ લાંગડા (મહુવા). said,
April 28, 2022 @ 4:03 PM
વાહ…ખૂબ સરસ
શું ખબર કોની પ્રતીક્ષા આખરી વેળા હતી?
જીવ પણ થોડી મિનિટો લાશમાં બેસી રહ્યો!
pragnajuvyas said,
April 28, 2022 @ 9:11 PM
ડૉ. વ્રજેશ મિસ્ત્રી ‘ઝાંઝવાની ભીંતો’નું સહૃદય સ્વાગત
તેમાંથી ડૉ વિવેક દ્વારા સંગ્રહમાંથી થોડાં વીણેલાં મોતી માણ્યા
યાદ આવે તેમની ગઝલ
હાથમાંથી હાથ છોડી ક્યાં જવાશે? એ કહો
ને ઋણાનુબંધ તોડી ક્યાં જવાશે? એ કહો
ત્રસ્ત અંધારા નગરનો સૂર્ય પણ વેચાઈ ગ્યો
આગિયાથી પ્રીત જોડી ક્યાં જવાશે? એ કહો
લાગણીના દોર સૌ તોડી જશો પળવારમાં
દોર સ્મરણોના વછોડી ક્યાં જવાશે? એ કહો
એ હવામાં ઓગળી ગઈ છે, ગમે ત્યાંથી શ્વસો
વેદનાથી દૂર દોડી ક્યાં જવાશે? એ કહો
હાથ કાપી લઇ પછી દરિયો બતાવ્યો બાઅદબ
જર્જરિત લઇ સાવ હોડી ક્યાં જવાશે? એ કહો
+તેમનો ગમી ગયેલો શેર
તું ગઝલરૂપે મળે એ ભાવથી
મેં કલમને જીવમાં બોળી હતી.
Harihar Shukla said,
April 29, 2022 @ 9:37 AM
વાહ, અભિનંદન પ્રથમ ગઝલ સંગ્રહ માટે. પ્રજ્ઞબહેને પ્રતિભાવમાં મૂકેલી ગઝલ ચોટદાર 👌
Vimala Gohil said,
April 30, 2022 @ 12:00 AM
ઉચાટોનો હતો દરિયો, ઉપરથી રાત અંધારી,
ફકત બે શ્વાસના જર્જર હલેસે નાવ હંકારી.
છેવટે દરિયાય મીઠા થઈ ગયા,👍
Nehal said,
May 13, 2022 @ 2:08 PM
વાહ, કવિશ્રીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ!