શી ખબર ક્યારે અને કઈ રીતથી ઢોળાઈ જાશું એ વિશે કે’વાય નૈં,
આપણે લોહી ભરેલાં ચામડીનાં વાસણો છીએ વધારે કૈં નથી.
અનિલ ચાવડા

જલનની નમાઝ – ‘જલન’માતરી

સુખ જેવું જગમાં કંઈ નથી જો છે તો આજ છે,
સુખ એ અમારા દુ:ખનો ગુલાબી મિજાજ છે.

હું જો અનુકરણ ન કરું તો કરું યે શું ?
અહીંયા મરી જવાનો પ્રથમથી જ રિવાજ છે.

અસ્તિત્વ તારું આસ્થાનું નામ છે ખુદા,
એ વહેમ છે તો વહેમનો તો ક્યાં ઇલાજ છે ?

દુનિયાના લોક હાથ પણ ના મૂકવા દિયે
ને તું કહે સમસ્ત જગત મારે કાજ છે.

ઊઠ-બેસ વિણ, અજાન વિણ, પળમાં પતી જશે,
મસ્જિદમાં આખરી આ જલનની નમાઝ છે.

– ‘જલન’માતરી

યાદ આવે –

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’?
આ જીવનની ઠેસની તો હજી કળ વળી નથી ?

2 Comments »

  1. pragnajuvyas said,

    April 21, 2022 @ 12:45 AM

    કવિશ્રી જલન માતરીની સુંદર ગઝલ
    ધન્યવાદ ડૉ.તીર્થેશજીને
    મઝાના મત્લા સાથે યાદ આવે
    I walked a mile with Pleasure;
    She chatted all the way;
    But left me none the wiser
    For all she had to say.
    I walked a mile with Sorrow,
    And ne’er a word said she;
    But, oh! The things I learned from her,
    When sorrow walked with me.
    -Robert Browning Hamilton માણસ સુખમાં રહીને જેટલું નથી શીખતો, તેના કરતાં અનેકગણું તે દુઃખ સાથે રહીને શીખે છે. દુઃખી અવસ્થા માણસ માટે શિક્ષકનું કામ કરે છે. આપણે ત્યાં કહેવાયું છે કે, અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે, તેમાંય દુઃખદ અનુભવ તો સર્વશ્રેષ્ઠ શિક્ષક છે!
    સૌમ્ય જોશીએ એક કવિતામાં સુખ અને દુઃખની વ્યાખ્યા બહુ સટિક રીતે કરી છે. તેમણે કહ્યું, “સુખનું કદ ઠીંગણું, પાતળો બાંધો,
    રંગ ઘઉવર્ણો, શરદીનો કોઠો, શ્વાસની તકલીફ,
    સ્વભાવ ભોળો, આંખો બીકણ, શરીર ઘોડિયેથી
    જ માંદલું અને રીસાવાની તાસીર.”
    રઈશ મનીઆરનો એક શેર છે,
    “ચેતજે જીતમાં ય હાર ન હો,
    સુખ એ દુ:ખનો કોઈ પ્રકાર ન હો;”
    આપણે ત્યાં કહેવત છે, કાગડાને રમત થાય ને દેડકાના પ્રાણ જાય. કાગડો દેડકાને ચાંચ મારે એટલે તે કૂદે છે, આનાથી કાગડાને ગમ્મત થાય છે. પણ વારંવાર થતા ચાંચના પ્રહારથી દેડકો જીવ ખોઈ બેસે છે.આપણે જેને સુખ માનીએ છીએ એ કેવળ આપણી ઇચ્છાઓની પૂર્તિ સિવાય બીજું કશું નથી. ઇચ્છાની પૂર્તિ ન થાય તો દુઃખ, થાય તો સુખ!

  2. Maheshchandra Naik said,

    April 22, 2022 @ 6:44 AM

    જલન માતરીને સલામ….
    પ્રગ્નાબાનો ખુબ જ મનનીય પ્રતિભાવ…….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment