કેટલા સાચા છે એ પડશે ખબર,
આયનાની સામે રાખો આયના.
– જુગલ દરજી

વીણેલાં મોતી – મેહુલ એ. ભટ્ટ

છાતીમાં અકબંધ રણ સારું નહીં,
હદ વગરનું કાંઈ પણ સારું નહીં.
દિલ સુધી પહોંચે નહીં દિલનો અવાજ,
આટલું પણ શાણપણ સારું નહીં.
જીતનો જુસ્સો ભલેને રાખ પણ,
જીતવાનું ગાંડપણ સારું નહીં.
સૂર્યનું કે ચન્દ્રનું સાંખી શકાય,
પણ સમજ પરનું ગ્રહણ સારું નહીં.

અણજાણ થઈ જવાનો કોઈ મંત્ર હોય તો,
આપીને ભૂલવાનો કોઈ મંત્ર હોય તો.
ઈશ્વર વિશે તો ગ્રંથોના ઢગલા છે ચારેકોર,
દ્યો, ખુદને જાણવાનો કોઈ મંત્ર હોય તો.

ફરીવાર સિક્કો ઊછાળી જુઓ તો,
પરિણામ ત્રીજું જ ધારી જુઓ તો.
કદાચિત મળી જાય દિલને દિલાસો,
ફરીવાર પત્રોને વાંચી જુઓ તો.
જો અજવાસ આવે નહીં તો કહેજો,
ફકત એક બારી ઉઘાડી જુઓ તો.

‘આપ-લે’ની વાત વચ્ચે ના લવાય,
મૈત્રીમાં સર્વસ્વ આપીને પમાય.

રાત-દી’-વરસોવરસ આઠે પ્રહર,
કરગરું છું, યાદ! તું આવ્યા ન કર.
દૂર લગ રણ, રણ અને રણ છે છતાં
આર્દ્ર આંખો, આર્દ્ર હૈયું, આર્દ્ર સ્વર!

– મેહુલ એ. ભટ્ટ

લયસ્તરો પર કવિના પ્રથમ ગઝલસંગ્રહ ‘કાન અવાજો ઝંખે છે’નું સહૃદય સ્વાગત.

સંગ્રહમાંથી કેટલાક પસંદગીના શેરોનો ગુલદસ્તો વાચકમિત્રો માટે રજૂ કરું છું…

3 Comments »

  1. ડૉ. રાજુ પ્રજાપતિ said,

    April 7, 2022 @ 7:14 PM

    સરસ સુંદર .. વાહ

  2. pragnajuvyas said,

    April 7, 2022 @ 8:11 PM

    કવિ મેહુલ ભટ્ટના પ્રથમ ગઝલસંગ્રહ ‘કાન અવાજો ઝંખે છે’નું સ્વાગત
    રાત-દી’-વરસોવરસ આઠે પ્રહર,
    કરગરું છું, યાદ! તું આવ્યા ન કર.
    દૂર લગ રણ, રણ અને રણ છે છતાં
    આર્દ્ર આંખો, આર્દ્ર હૈયું, આર્દ્ર સ્વર!
    વાહ સુંદર શેર, સંકલન

  3. જયેન્દ્ર ઠાકર said,

    April 8, 2022 @ 7:25 AM

    છાતીમાં અકબંધ રણ સારું નહીં,
    હદ વગરનું કાંઈ પણ સારું નહીં……આ બે પંકતિઓ માં વિરોધાભારસ જણાયો!
    અકબંધમાં હદ છે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment