મારા હોવાનું સખા, કારણ છે તું !
તારા હોવાની છું હું સંભાવના.
ઊર્મિ

(બહુ મોડે સમજાયું, ઉધ્ધવ!) – વીરુ પુરોહિત

બહુ મોડે સમજાયું, ઉધ્ધવ!
જલ પીવા કૈં ઊડે કૂવે ખાબકવાનું હોય?!
સીંચણિયાંથી ઘડો ભરીને તૃપ્ત થવાનું હોય!

ગગન સ્પર્શવા અમે વેલીઓ વૃક્ષ ઉપર જઈ ચડ્યાં;
હતું બટકણું વૃક્ષ એટલે કડડભૂસ થઈ પડ્યાં!
લાભ થાય શું, ઝોળી લૈને સૂર્યકિરણ ભરવાથી?
માટીની પૂતળી થઈને શું મળે નદી તરવાથી?

બહુ મોડે સમજાયું, ઉધ્ધવ!
અંધારે ડગ ભરતાં પહેલાં વિચારવાનું હોય!
જલ પીવા કૈં ઊંડે કૂવે ખાબકવાનું હોય?!

કહ્યું હોત જ્ઞાનીએ તો સહુ જાગી જાતને વ્હેલાં;
પાળ બાંધવી પડે, વિરહનું પૂર આવતાં પ્હેલાં!
હતાં અમે અણસમજુ, પણ શું ક્હાન જાણતા નો’તા?
ઉધ્ધવજી! એ ગયા ઉખેડી સઘળાંને મૂળસોતાં!

બહુ મોડે સમજાયું, ઉધ્ધવ!
અબળાએ તો પ્રેમ કરી, બસ કરગરવાનું હોય!

બહુ મોડે સમજાયું, ઉધ્ધવ!
જલ પીવા કૈં ઊંડે કૂવે ખાબકવાનું હોય?!
સીંચણિયાંથી ઘડો ભરીને તૃપ્ત થવાનું હોય!

– વીરુ પુરોહિત

કૃષ્ણ-રાધા સદીઓથી કવિઓનો મનમાનીતો વિષય રહ્યો છે. એમાંય કૃષ્ણ ગોકુળ છોડી ગયા અને પોતાને ભૂલી જવાનો સંદેશો ગોપીઓને આપવા માટે જ્ઞાનીજન ઉદ્ધવને મોકલ્યા. ઉદ્ધવને માધ્યમ બનાવીને પોતાની ફરિયાદ કરતાં અનેક ગોપીગીત અનેક ભાષાઓમાં મળી આવે છે. પણ કોઈ એક કવિએ આખેઆખો સંગ્રહ ઉદ્ધવને સંબોધીને લખેલ ગીતોનો આપ્યો હોય એવી બીના ભાગ્યે જ જોવા મળશે. શ્રી વીરુ પુરોહિતના બાવન ઉદ્ધવગીતોના ગીતસંગ્રહ ‘ઉદ્ધવગીતો’માંથી કેટલાંક આપણે અગાઉ માણ્યાં છે… આજે વળી એક ઉદ્ધવગીત માણીએ….

જળ પીવાની ઇચ્છા હોય તો સીંચણિયા પરથી ઘડો ભરીને સંતોષ માનવાનો હોય એ દુનિયાદારીથી અજાણ ગોપીઓ તો કાનજી નામના કૂવામાં સમૂચી ખાબકી પડી હતી… પોતે જે વૃક્ષનો આધાર લઈ આકાશને-ઈશ્વરને આંબવા નીકળી હતી એ વિશ્વાસનું વૃક્ષ સાવ બટકણું નીકળ્યું. માટીની પૂતળી નદીમાં તરવા પડે તો એનું અસ્તિત્વ જ મટી ન જાય? ગોપીઓનું અસ્તિત્વ ઓગળી ગયું, પણ કૃષ્ણને કોઈ ફરક ન પડ્યો.. નદીની જેમ એ સદૈવ આગળ જ વહેતા રહ્યા…

ઉદ્ધવ જ્ઞાન આપવા આવ્યા હતા. એટલે ગોપી કટાક્ષ કરે છે કે, કોઈ જ્ઞાનીએ કહ્યું હોત તો અમે વેળાસર જાગી ગયાં હોત. વિરહના પૂરમાં તણાઈ જવાનો અંજામ વેઠવાના બદલે પહેલેથી જ પાળ બાંધી દીધી હોત…

11 Comments »

  1. Er Bharat Jobanputra said,

    April 23, 2022 @ 1:18 PM

    ખુબ જ સરસ…👍 ભાઈશ્રી વીરુ પુરોહિત ને દિલથી અભિનંદન…આ જ પ્રકારના બીજા ગીતો પણ માણવાનું જરૂર થી ગમશે…

  2. Varij Luhar said,

    April 23, 2022 @ 1:21 PM

    વાહ.. ખૂબ સરસ ગીત અને આસ્વાદ

  3. Vipul Mangroliya said,

    April 23, 2022 @ 6:49 PM

    વાહ ખૂબ સરસ ગીત, આસ્વાદ પણ એટલો જ સરસ

  4. કિશોર બારોટ said,

    April 23, 2022 @ 11:39 PM

    સંવેદનાઓની ઉમદા અભિવ્યક્તિ.
    ‘ઉદ્ધવ ગીતો’ સંગ્રહ વિષે માહિતી આપશો?
    મારે વસાવવો છે. 🙏

  5. pragnajuvyas said,

    April 24, 2022 @ 2:03 AM

    કવિશ્રી વીરુ પુરોહિતનુ સુંદર ગીત
    ડૉ વિવેકનોૂ સ રસ આસ્વાદ
    કહ્યું હોત જ્ઞાનીએ તો સહુ જાગી જાતને વ્હેલાં;
    પાળ બાંધવી પડે, વિરહનું પૂર આવતાં પ્હેલાં!
    હતાં અમે અણસમજુ, પણ શું ક્હાન જાણતા નો’તા?
    ઉધ્ધવજી! એ ગયા ઉખેડી સઘળાંને મૂળસોતાં!

    બહુ મોડે સમજાયું, ઉધ્ધવ!
    અબળાએ તો પ્રેમ કરી, બસ કરગરવાનું હોય!
    વાહ્

  6. જયેન્દ્ર ઠાકર said,

    April 24, 2022 @ 6:36 AM

    બહુ સરસ ગીત છે! ફરિયાદને નામે યાદ છે.

  7. હરીશ દાસાણી.મુંબઈ said,

    April 24, 2022 @ 7:31 AM

    સુંદર ગીત

  8. Indu Shah said,

    April 24, 2022 @ 9:09 AM

    ખૂબ સુંદર ગીત

  9. નેહા said,

    April 24, 2022 @ 2:55 PM

    Viru purohit geetmala sharu karo.
    emni kai rachna vakhaNie, ane kai
    samanya kahie!!!!!!

  10. Vimala Gohil said,

    April 24, 2022 @ 10:37 PM

    “કહ્યું હોત જ્ઞાનીએ તો સહુ જાગી જાતને વ્હેલાં;
    પાળ બાંધવી પડે, વિરહનું પૂર આવતાં પ્હેલાં!
    હતાં અમે અણસમજુ, પણ શું ક્હાન જાણતા નો’તા?”

  11. વિવેક said,

    April 25, 2022 @ 5:47 PM

    સહુ મિત્રોનો આભાર….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment