જિંદગી ! આ કેવી ક્ષણ છે !
સાંજનું વાતાવરણ છે,
તું નથી, તારાં સ્મરણ છે…
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for September, 2021

સાદ કરો ના અમને – ઉષા ઉપાધ્યાય

મૂળથી જઈએ ઉખડી એવો
.                       સાદ કરો ના અમને.

તમે પવનનું રૂપ બાવરું
.                       પળમાં આવી ઘેરો,
અમે ન લાવ્યાં પાંખ અમોને
.                       ફોગટ લાગે ફેરો,
ઊડવાની રઢ જાગે એવો
.                       સાદ કરો ના અમને.

જળના છાંટે જલી જવાનું
.                       પથ્થરને ક્યાં સ્હેલ?
રણ વચ્ચે અટવાતાં પાને
.                       અમથી સઘળી રેલ,
જાચું કરવત-કાશી હરપળ એવો
.                       સાદ કરો ના અમને.

– ઉષા ઉપાધ્યાય

સાદ આવી રહ્યો છે. કોના તરફથી? પ્રિયજન તરફથી કે પરમેશ્વર તરફથી? હશે, પણ આ સાદ જેવોતેવો નથી. અસ્તિત્વને હચમચાવી મેલે એવો આ સાદ છે. આવા સાદનો પ્રતિસાદ શું આપવો એ અવઢવ હોવાથી કથક એ ન આપવા વિનવે છે. પણ કવિતાનો અંડરકરંટ તો આ સાદની તો જાણે યુગયુગોથી પ્રતીક્ષા ન હોય એવો છે!

ગીતના બંને બંધ બહુ સ-રસ થયા છે.

કાશીએ જઈ કરવત મુકાવવી એવી જાણીતી કહેતી છે. અગાઉના વખતમાં કાશીએ જઇને હરિજનને હાથે માથા ઉપર કરવત મુકાવીને મરી જવાથી મોક્ષ મળતો એવી માન્યતા હતી તે ઉપરથી આ કહેવત બનેલ છે. મયૂરધ્વજ નામના રાજાએ કાશીએ જઇને કરવત મુકાવેલ હતી એવી માન્યતા પણ પ્રચલિત છે. કાશીએ જઈને માથે કરવત મૂકાવવાનું પળેપળ મન થાય એવો સાદ અહીં પેલી તરફથી આવી રહ્યો છે.

Comments (6)

(સખી) – રશીદ મીર

ષોડશી લાગણીના કોડ સખી,
રુંવેરુંવેથી મને તોડ સખી,

કાગડો બોલે ને ઉઘલે હૈયું,
માઢ મેડીએ મચે દોડ, સખી.

શું શું કલ્પું છું; કશું પૂછ નહીં,
સાત ગાંઠોને જરા છોડ સખી.

આંગણું રવરવે; ઘૂઘરા વાગે,
એના હોવાની બકે હોડ સખી.

પાછલી રાતની નીંદર અચબચ
અડવી લાગે છે બહુ સોડ સખી.

– રશીદ મીર

ગામડાની બોલીની લઢણ સુવાંગ ઝીલતી મજાની ગઝલ. આજે તો સ્ત્રીઓની લગ્નની વય ઓછામાં ઓછી અઢાર થઈ ગઈ, પણ એ જમાનો બહુ દૂર નથી ગયો જ્યારે સોળ વરસની અને એથીય નાની કન્યાઓના વિવાહ થઈ જતા. સોળ વર્ષની લાગણીના કોડ કંઈ એવા જન્મે છે કે રુંવેરુંવે તોડપીટ થાય છે. કાગડાનો અવાજ આવતાં જ હૈયું છલકાઈ જાય છે અને અસ્તિત્વના મકાનમાં દોડધામ મચી જાય છે. સાત ગાંઠોમાં પિયુએ શાં શાં વચન બાંધ્યાં હશે એ કલ્પના મનની મનમાં જ રાખવાની છે, કોઈએ પૂછવાની નથી. ચોથો શેર બીજા શેરનો જ પડઘો જાણે.

Comments (4)

રહી બેઈમાની – રાહુલ બી. શ્રીમાળી

રગેરગમાં જેના રહી બેઈમાની,
એ કહેતા ફરે છે અમે ખાનદાની.

કરે કોણ પ્રશ્નો સભાગૃહ વચ્ચે?
ડરાવીને રાખે છે શિષ્યોને જ્ઞાની.

બીજાના ભલામાં ભલું ખુદનું માને,
એ લોકોની દુનિયા કરે છેડખાની.

વધુ આથી શું હોય ખાનાખરાબી?
અગર જિંદગી હોય તારા વિનાની.

બધા સ્પષ્ટ ભાવો ચહેરા ઉપર છે,
પછી સાંભળીને કરું શું જુબાની?

શરૂઆત મિલકતના ઝઘડાની થઈ ગઈ,
હજી રાખ ટાઢી નથી થઈ ચિતાની.

– રાહુલ બી. શ્રીમાળી

શીઘ્રાતિશીઘ્ર પ્રત્યાયિત થઈ જતી હોવા છતાં સાચા અર્થમાં મનનીય ગઝલ… દરેક શેર વાંચી લીધા પછી થોડું થોભીને ફરી મમળાવવા જેવા છે… જુઓ, વધુ મજા આવે છે કે નહીં!

Comments (14)

(લાગણીનાં દોરડાં) – મેઘબિન્દુ

સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ?
લાગણીનાં દોરડાં ઘસાયાં!
વાતોની વાવનાં ઊતરી પગથિયાં
અમે પાણી પીધું ને ફસાયા!

કેટલીય વાર મારી ડૂબેલી ઇચ્છાને
મીંદડીથી કાઢી છે બા’ર,
ગોબા પડેલી ખાલી ગાગરનો
મને ઊંચકતા લાગે છે ભાર,
નિર્જન આ પંથે સાવ ધીમી ચાલુ
તોયે સ્મરણોનાં નીર છલકાયાં.

અફવાઓ સુણી સુણીને મને રોજરોજ,
પજવે છે ઘરના રે લોકો,
એકલી પડું ત્યારે આંસુંના સથવારે
હૈયાનો બોજ કરું હલકો,
એક પછી એક ગાંઠ વધતી રે જાય
ને લાગણીનાં દોરડાં ટુંકાયાં!

– મેઘબિંદુ

સંબંધ અને સમજણના નામે મોટા ભાગના લોકો પાસે ઉપલક વાતો જ રહી ગઈ છે. મોટાભાગના લોકો વાતોની વાવમાં જ ઊંડા ઊતરીને પાણી પીતાં રહે છે, પરિણામે જીવનના કૂવામાંથી જીવનઅમૃત કાઢવું શક્ય બનતું નથી. કારણ? લાગણીનાં દોરડાં જ ઘસાઈ ગયાં છે. હવે સંબંધની ગાગર કેમ કરીને ભરાશે? મીંદડી એટલે વાવ, કૂવા વગેરેમાં પડેલી વસ્તુ કાઢવાનું આંકડિયાઓવાળું એક સાધન. કવિ કહે છે, એમણે જીવનજળમાં ડૂબી ગયેલ ઇચ્છાઓને અનેકવાર મીંદડીની મદદથી બહાર કાઢવાની કોશિશ કરી છે, પણ વૃથા! સરવાળે સંબંધ તો ખોખલો જ રહ્યો છે, વળી ગોબાઈ પણ ગયો છે. આ ખાલી સંબંધને વેંઢારવું પણ ભારઝલ્લું બની ગયું છે. સાથે હોઈએ તોય સાથ ન વર્તાય અવી નિર્જન પથ પર જૂની મીઠી યાદોના આંસુ છલકાયા વિના રહેતાં નથી. ખાલી ગાગર પણ છલકાય છે ત્યાં છે ખરી કવિતા!

મુખડું અને પ્રથમ બંધ જેટલો ગીતનો બીજો બંધ પ્રભાવક થયો નથી. વળી લોકો સાથે હલકોની પ્રાસસગાઈ પણ પ્રમાણમાં નબળી અનુભવાય છે. પણ છેલ્લી કડી ગીતને અદભુત રીતે કાવ્યશિખરે લઈ જાય છે. ઘસાઈ ગયેલી દોરી તૂટી ન જાય એ માટે ઘસારો હોય ત્યાં-ત્યાં ગાંઠ મારતાં જઈએ છીએ, પરિણામે દોરી સતત ટૂંકી થતી જાય છે. આ વાત લાગણીની ઘસાઈને ક્રમશઃ ટૂંકી થતી જતી દોરી સાથે સાંકળીને કવિએ કમાલ કરી છે.

Comments (8)

સહદેવ – ચુનીલાલ મડિયા

ભ્રાતા ગયા છે દ્યૂત ખેલવાને,
છે ધર્મ ને અર્જુન, ભીમ, સાથે
કનિષ્ઠ કિન્તુ નકુલેય, આજે
સતી રહ્યાં છે સહદેવ સંગે,

દીસે પ્રિયાનું મુખ આશપૂર્ણ,
જ્ઞાની સખાનું અવ ચિત્ત ક્ષુણ્ણઃ
વસ્ત્રો હરાશે મુજ દ્રૌપદીનાં
નિર્લજ્જ હસ્તે, કુલયોગિનીનાં.

જાણે બધુંયે, ૨જ ક્હૈ શકે ના
સંતપ્ત, કાં કે જીરવી શકે ના.
ધિક્કાર હો શાપિત જ્ઞાન જેનાં
જેવાં ભર્યાં હો જલ, વ્હૈ શકે ના

સ્પર્શ પ્રિયાને કરવા જતો જ્યાં,
નિહાળતો એ નિજમાં દુઃશાસન.

– ચુનીલાલ મડિયા

દાયકાઓ પછી આ સોનેટ વાંચ્યું…..સ્કૂલમાં ભણવામાં આવતું. ત્યારે જ એક સવાલ ઉઠેલો જેની થોડી ચર્ચાઓ પણ થયેલી તે સમયે – શું સહદેવ દ્યૂત વખતે ગેરહાજર હતો ?? મોટેભાગે એમ નહોતું…

પરંતુ કાવ્યને એ વાત સાથે નિસબત નથી. જે ઉપયોગમાં ન આવે તે જ્ઞાન શા ખપનું…..?? નકરા સંતાપનું જનક બને…

Comments (2)

આ દેખાય છે તેવી નથી….- લલિત ત્રિવેદી

બહુ જ અંગત વાત આ દેખાય છે તેવી નથી
એક જણની રાત આ દેખાય છે તેવી નથી

છેવટે તો હાથમાં ગજરો સુકાતો હોય છે
સાંજની શરૂઆત આ દેખાય છે તેવી નથી

ઊખડે છે પડ કદી તો અશ્મિઓ દેખાય છે
ટેરવે રળિયાત આ દેખાય છે તેવી નથી

છે બહુ લાવણ્યમય શરૂઆત કોઈ ભેદની
ઓસની રજૂઆત આ દેખાય છે તેવી નથી

સાંજ પડતાં કેમ એ પાછો ફરે છે ઘર તરફ ?
કેમ એની વાત આ દેખાય છે તેવી નથી ?

ઊંડાં ભમ્મર પાણીમાં મોતી જ ચળકે તે પછી
ધ્યાન ધ૨ કે જાત આ દેખાય છે તેવી નથી

કેટલાં સપનાં અને ઘટનાઓનો ઇતિહાસ છે !
આપણી નિરાંત આ દેખાય છે તેવી નથી

સુસવાટા હો કવનના કે ખૂણાની જ્યોત હો
કયાં ખૂલે છે રાત આ દેખાય છે તેવી નથી.

– લલિત ત્રિવેદી

ખરી વાત છે…. ન માણસ, ન સંબંધ, ન ઘટના, ન વિચાર, ન સમાજ….- કશુંય દેખાય તેવું નથી હોતું. કદાચ ક્ષતિ મારી સમજની જ છે….

 

Comments (2)

(જનમોજનમની આપણી સગાઈ) – મેઘબિંદુ

જનમોજનમની આપણી સગાઈ
હવે શોધે છે સમજણની કેડી,
આપણા અબોલાથી ઝૂર્યા કરે છે
હવે આપણે સજાવેલી મેડી.

બોલાયેલા શબ્દોના સરવાળા-બાદબાકી
કરતું રહ્યું છે આ મન,
પ્રત્યેક વાતમાં સોગંદ લેવા પડે
છે કેવું આ આપણું જીવન;
મંઝિલ દેખાય ને હું ચાલવા લાગું ત્યાં
વિસ્તરતી જાય છે આ કેડી.

રંગીન ફૂલોને મેં ગોઠવી દીધાં છે તેથી
ખીલેલો લાગે આ બાગ,
ટહુકાને માંડ માંડ ગોઠવી શક્યો, પણ
ખરી પડ્યો એનોય રાગ;
ઊડતાં પતંગિયાઓ પૂછે છે ફૂલને !
તારી સુગંધને ક્યાં વેરી?

– મેઘબિંદુ

લંડનના શ્રી વિપુલ કલ્યાણીના ‘ઓપિનિયન’ સામયિકમાં ૧૩-૧૨-૨૦૧૮ના રોજ નંદિની ત્રિવેદીએ આ ગીત સાથે ટાંકેલ પ્રસંગ સાભાર એમના જ શબ્દોમાં જોઈએ:

કવિતાના શબ્દોનું વજન કેવું જબરજસ્ત છે, એની વાત કરતાં આ ગીતનાં ગાયિકા હંસા દવેએ એક ખૂબ સુંદર પ્રસંગ વર્ણવ્યો હતો. પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવે અમેરિકાની ટૂર પર હતાં અને ત્યાંના ડલાસ શહેરમાં એમનો કાર્યક્રમ હતો. હંસાબહેને આ ગીત શરૂ કર્યું. કાર્યક્રમ પૂરો થયો. ઓડિયન્સમાં એક પ્રોફેસર દંપતી બેઠું હતું. આંખમાં ઝળઝળિયાં સાથે બન્ને સ્ટેજ ઉપર આવ્યાં અને અમને કહ્યું, “અમારી વચ્ચે આઠ વર્ષથી અબોલા હતાં. બાળકોને ખાતર એક જ છત નીચે, એક જ ઘરમાં રહેવા છતાં અમે અલગ હતાં, પણ આ તમારાં ગીતની અમારા પર એવી અસર થઈ છે કે આજથી અમે સાથે મળીને સરસ રીતે જીવવાની કોશિશ કરીશું.” આનાથી મોટો પુરસ્કાર બીજો કયો હોઈ શકે? આશ્ચર્યજનક વાત તો હવે આવે છે. દસ વર્ષ બાદ અમદાવાદના ટાઉનહોલમાં અમારો કાર્યક્રમ હતો. પુરુષોત્તમભાઈએ આ પ્રસંગનો ઉલ્લેખ કર્યો. તમે માનશો? અમારા આશ્ચર્ય વચ્ચે એક બહેન ઊભાં થયાં અને એમણે કહ્યું કે એ હું જ એ વ્યક્તિ છું. અમેરિકાથી થોડા સમય માટે અમે અહીં અમદાવાદ આવ્યાં છીએ અને છેલ્લાં ૧૦ વર્ષથી સુંદર સહજીવન ગાળી રહ્યાં છીએ. કવિના શબ્દોની આ જ તો કમાલ છે! ધારદાર કવિતા કેટકેટલાંનું જીવન બદલી શકે છે.

Comments (9)

(જોઈએ) – મયૂર કોલડિયા

‘હું-પણું’ મારું મને પીંછાંથી હળવું જોઈએ,
એક બસ, આ સ્વપ્ન છે, આ સ્વપ્ન ફળવું જોઈએ.

વરસાદમાં નીકળો તો એ શરતે નીકળવું જોઈએ,
ડિલ ભલે પલળે–ન પલળે, દિલ પલળવું જોઈએ.

છે રગોમાં લોહી તો લોહી ઉકળવું જોઈએ,*
માટીમાં દુશ્મન ભળે કાં તારે ભળવું જોઈએ.

ક્યાં? સતત ઉગેલ રહેવું એ કદાપિ શક્ય ક્યાં?
સૂર્યની માફક ફરી ઉગવાને ઢળવું જોઈએ.

આટલા નજદીક આવીને પછી અળગા રહો!
જો તમે મળવા જ આવો છો તો મળવું જોઈએ.

આ ગઝલ નામે દીવો પ્રગટે, શરત છે એટલી-
રાત સાથે જાતમાં પણ કંઈક બળવું જોઈએ.

જેમ કાંટો સોયથી કાઢી શકાતો હોય છે,
કારસો એવો કરીને મનને છળવું જોઈએ.

– મયૂર કોલડિયા

(*તરહી પંક્તિ: શ્રી ભગવતીકુમાર શર્મા)

સરસ મજાની ગઝલ… બધા જ શેર આસ્વાદ્ય… મળવા જ આવો છો તો મળવું જોઈએ વાળા શેરની બારીકી તો જુઓ!

Comments (31)

સલીમ મામુ ઔર ઉસકી ડૂબકી કા ગીત – વિરલ શુક્લ

સિક્કા મેં રહેતા થા મામુ સલીમ એક નમ્ભરજી ડૂબકી વો મારતા…
મોતી ફોતી તો ઉસે મલતે ન કાંઈ પર ડૂબકી કા ઇલમ વો જાણતા…

અસલમ જીલાણી તો કહેતા થા ન્યા લગ કે સિક્કા મેં મોતી ક્યાં થાતે!
મામુ કો જાદુ સે બાંધના હૈ દરિયે કુ, એટલે આ ડૂબકી લગાતે!
વૈસે તો અસલમ ગપોડી હૈ સાલા પર લગતી થી સાચી યે વારતા…

મામદ ફકીરે ભી કીધા થા કિસ્સા જબ મામુ કો મલ્યા તા મોતી;
ગંગાસતી ને જીસે વીંધા થા ઉસકો હી મામુને લીધા તા ગોતી.
મામદેય વૈસે તો ગંજેરી માણા પણ મામુ કી તાકત વો માનતા….

અસલી મેં દરિયે કો આદત થી મામુ કી, મામુ કો દરિયાથી પ્યાર થા.
મોતી તો આંખુ કે ખીચ્ચેમેં પયડે થે, દરિયા હી મામુ કા યાર થા.
એક એક ડૂબકી મેં દરિયે કે અંદર વો અણમૂલે મોતી પધરાવતા…

સિક્કા મેં રહેતા થા મામુ સલીમ એક નમ્ભરજી ડૂબકી વો મારતા…
મોતી ફોતી તો ઉસે મલતે ન કાંઈ પર ડૂબકી કા ઇલમ વો જાણતા…

– વિરલ શુક્લ

ગીત વાંચવા-સમજવાનું તો પછી થાય, સૌપ્રથમ તો આપણને ગીતની બોલી જડબેસલાક પકડી લે છે… આવી કેવી ગુજરાતી! કચ્છી-સિંધી-હિંદી-ઉર્દૂ મિશ્રિત ગુજરાતી ભાષાનું આ કૉકટેલ વાંચતાવેંત નશો થઈ જાય એવું છે. જે સિક્કા શબ્દથી ગીતનો ઉપાડ થાય છે, એ સિક્કા જામનગર જિલ્લામાં દરિયાકાંઠે આવેલ છે, જ્યાં વસતા મુસલમાન વાઘેરો આવી બોલી બોલે છે, જેને કવિએ અહીં યથાર્થ ઝીલી બતાવી છે.

સિક્કા ગામમાં રહેતો સલીમ મામુને મોતી ભલે ન મળે, પણ ગોતાખોરીની બધી તરકીબોથી વાકેફ એક નંબરનો ડૂબકીમાર હતો. અસલમ ગપોડી કહેતો કે સિકકામાં મોતી થતાં જ નથી, પણ આ તો મામુને જાદુથી દરિયો બાંધવો છે એટલે એ ડૂબકી લગાવે છે. ગંજેરી મામદ ફકીરના કહેવા મુજબ સલીમને ગંગાસતીએ જેને વીંધ્યું હતું એવાં જ મોતી મળ્યાં હતાં. ગંજેરી માણસની વાતનો જો કે ખાસ ભરોસો ન થાય. કાવ્યાંતે કવિ પોતે જ પર્દાફાશ કરતાં કહે છે કે દરિયાને મામુની અને મામુને દરિયાની આદત હતી અને મામુની આંખના આંસુ જ સાચાં મોતી હતાં, જે ડૂબકીએ ડૂબકીએ એ દરિયાને અર્પતો હતો.

આમ જુઓ તો એક સીધુંસાદું કથાકાવ્ય છે આ. પણ વિશિષ્ટ બોલી અને આંખોના ખિસ્સામાં પડેલાં મોતી જેવા વિશિષ્ટ કલ્પન, ગંજેરી-ગપોડી જેવા એક શબ્દના વિશેષણોથી ગામડાને જીવતં કરવાની કવિની સર્ગશક્તિના કારણે એ નખશિખ મનનીય થયું છે…

Comments (17)

એક ઇચ્છા – કલાપી

પડ્યા જખમ સૌ સહ્યા, સહીશ હું હજુયે બહુ,
ગણ્યા નવ કદી, ગણું નવ કદી, પડે છો હજુ ;
અપાર પડશે અને જિગર હાય ! આળું થયું,
કઠિન ન બનો છતાં હૃદય એ જ ઇચ્છું, પ્રભુ !

પડી વીજળી તે પડી સુખથી છો, બળું છું સુખે !
અનન્ત ભભૂકા દહે, દહો, ગળું છું સુખે !
ન દાહ વસમો કદી, જિગર બૂમ ના પાડતું,
કઠિન બનજો નહીં હૃદય, એ જ ઇચ્છું પ્રભુ !

બહુય રસ છે મને, હૃદય છે હજુ તો, અહો !
અરે ! હ્રદય જો ગયું, ૨સ ગયો પછી તો બધો;
ભલે મૃદુ રહી સહી જખમ છેક ચૂરો થતું,
કઠિન ન બનો કદી હૃદય એ જ ઇચ્છું, પ્રભુ !

– કલાપી

મારુ નમ્રપણે માનવું છે કે ગુજરાતી સાહિત્યજગતે કલાપીને જાણતા-અજાણતા અન્યાય કર્યો છે. કલાપી એક માત્ર ઉચ્ચ દરજ્જાનો કવિ જ નહોતો પણ એનામાં માનવમનની ગૂઢ઼તમ ગહેરાઈઓમાં ઝાંકવાની અનૂઠી તાકાત હતી-દ્રષ્ટિ હતી….

વાત vulnerability ની છે. આ શબ્દ માટે કોઈ સચોટ ગુજરાતી શબ્દ દીસતો નથી. કદાચ માનવી પોતાની આસપાસ અભેદ્ય કિલ્લો બનાવીને તદ્દન સાજો-નરવો, લેશમાત્ર ઘા-પીડા વિના જીવી શકે. પણ સાથે જ એ ઈશ્વરદત્ત અણમોલ દિવ્ય આનંદોથી પણ વઁચિત રહી જાય !! જે પ્રેમ જ ન અનુભવે, તે પ્રેમની પીડાથી તો બચી જાય કદાચ, પણ પ્રેમના આસવની મસ્તીથી પણ તો એ વાંઝણો રહે ને !!

જખમ સહેવા પોસાય……હૃદયને કિલ્લેબંધ રાખવું ન પાલવે…..

Comments (3)

સખી! પરણ્યાને હળવે જગાડું…- હરિહર જોષી

સખી ! પરણ્યાને હળવે જગાડું !

વહેલી સવારનું સપનું મમળાવતી
હું ખુદના પડછાયામાં ભળતી
વીતેલી રાત મારી આંખ્યુંમાં કોણ જાણે
ઘી ને કપૂર જેમ બળતી
હવે અધમણ રૂની બાળી દિવેટ એના અજવાસે આભલાં લગાડું
સખી ! પરણ્યાને હળવે જગાડું !

મેડી છોડીને ચાંદ ચાલ્યો ઉતાવળો
એ પલકારે વહી ગઈ રાત.
કહેતાં કહેતાંમાં પ્હો ફાટ્યું ને
સાવ મારી કહેવાની રહી ગઈ વાત !
એવું થાતું કે પે…લા બુઝાતા ચાંદને ઝાલરની જેમ રે ! વગાડું
સખી ! પરણ્યાને હળવે જગાડું !

પીપળા સન્મુખ જઈ ઊભી રહું તો
મારી માનેલી માનતાઓ ફળતી
એવી શ્રદ્ધાથી નિત મસ્તક નચાવી
હું મીઠા ઉજાગરાને દળતી
મને ચીડવતું ગામ કહીઃ ‘ભાંગ્યું ભરૂચ તો કોઈ કહે ભાંગ્યું રજવાડું ! ‘
સખી ! પરણ્યાને હળવે જગાડું !

– હરિહર જોષી

 

મધુરું મજાનું ગીત….

Comments (1)

અજાણ્યો સૈનિક – અબ્દુલ્લા પાશ્યુ (અનુ.: વિવેક મનહર ટેલર)

કોઈ દિવસ કોઈ મારી ધરતી પર આવે અને મને પૂછે,
‘અહીં અજાણ્યા સૈનિકની કબર ક્યાં છે?’
તો હું એને કહીશ:
‘મહોદય,
કોઈપણ નદીનાળાંના કિનારા પર, કોઈપણ મસ્જિદની બેઠક પર,
કોઈપણ ઘરની છાંયમાં,
કોઈપણ ચર્ચના ઉંબરા પર,
કોઈપણ ગુફાના દરવાજે,
પર્વતોમાં કોઈપણ ચટ્ટાન પર,
બગીચાઓમાં કોઈપણ ઝાડ પાસે,
મારા દેશમાં
જમીન પર કોઈપણ જગ્યાએ
આકાશમાંના કોઈપણ વાદળ તળે,
સહેજ પણ ચિંતા કર્યા વિના,
આદરથી સહેજ ઝૂકીને
પુષ્પમાળા મૂકી દો.’

– અબ્દુલ્લા પાશ્યુ
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

યુદ્ધના રક્તિમ આકાશમાં કદી સુખનો સૂરજ ઊગતો નથી એ હકીકત પરાપૂર્વથી સર્વવિદિત હોવા છતાં મનુષ્ય જાતિનો ઇતિહાસ કદી યુદ્ધમુક્ત રહ્યો નથી. યુદ્ધમાં સરહદની બે તરફ માત્ર સૈનિકો ઊભેલા હોતા નથી. દરેક સૈનિક એક આખેઆખો પરિવાર હોય છે અને એક સૈનિકની ખુવારી એક પરિવારની ખુવારી હોય છે.

રણાંગણમાં ખપ્પર હાથમાં લઈને પ્રતીક્ષારત ઊભેલ મૃત્યુ પુરુષોને લલચાવનારી લલના સમું છે. પુરુષો પર પોતાની ભૂરકી નાંખવામાં એને કોઈ શરમ નથી. ગમે એવો ભડ માણસ કેમ ન હોય, મરણસુંદરી એને પાણી-પાણી કરી દે છે. યુદ્ધના ભ્રામક ખ્યાલોમાં રત, પુરુષો માટે પોતાના ગણવેશ પર લાગનાર તારક-ચંદ્રકો અને પદવીથી વિશેષ કશું નથી. યુદ્ધમાં મરીને અમર થઈ જવાના ભ્રમથી ભરેલા-મરેલા આવા લોકોની કબરોથી દુનિયા ભરી પડી છે. કદાચ આજે ધરતીનો કોઈ ભગ એવો નહીં હોય જ્યાં સમયના કોઈ એક ખંડમાં યુદ્ધ ન ખેલાયું હોય અને કોઈને કોઈ સૈનિક દફન ન થયો હોય. મનુષ્યજાતિના આખા ઇતિહાસને એક જ પાનાં પર એકસાથે મૂકવામાં આવે તો કદાચ ધરતીનું તસુએ તસુ રક્તરંજિત હશે. આ વાત કુર્દીશ કવિએ કેટલી સરળતા છતાં વેધકતાથી રજૂ કરી છે, એ જુઓ…

The Unknown Soldier

If someday a delegate comes to my land
And asks me:
“Where is the grave of the Unknown Soldier here?”
I will tell him:
“Sir,
On the bank of any stream,
On the bench of any mosque,
In the shade of any home,
On the threshold of any church,
At the mouth of any cave,
In the mountains on any rock,
In the gardens on any tree,
In my country,
On any span of land,
Under any cloud in the sky,
Do not worry,
Make a slight bow,
And place your wreath of flowers.”

– Abdulla Pashew (Kurdish)
(English Trans.: Rikki Ducornet)

Comments (8)

હોમવર્કનો કાંટો – કિરીટ ગોસ્વામી

આ બાજુ છે એબીસીડી,
આ બાજુ છે કક્કો…
વચ્ચે બેઠો મૂંઝાતો,
આ નાનકડો એક ચક્કો!

ચક્કાભાઈનું મન તો જાણે
પતંગિયું રૂપાળું…
નાનું-નાનું, રંગબેરંગી,
સુંવાળું-સુંવાળું…
હમણાં ઊડું, હમણાં ઊડું
એવું એને થાય.……
ઊડવાની બસ વાત માત્રથી
એ તો બહુ હરખાય…
ત્યાં જ ચોપડા ખડકી,
પપ્પા કરતા, હક્કો-બક્કો!
તેથી બેઠો મૂંઝાતો
આ નાનકડો એક ચક્કો!

ચોપડીઓની સાથે પાછી
આવી ઢગલો નોટ…
પતંગિયું મટીને થાશે
મન એનું રોબોટ…
હોમવર્કનો કાંટો
એની પાંખોમાં ભોંકાય…
પપ્પા કાઢે આંખો,
તેથી કશુંય ક્યાં બોલાય?
‘ચોપડીઓ સારી કે ઊડવું?’
ખંજવાળે એ ટક્કો!
મનમાં-મનમાં, ખૂબ મૂંઝાતો
નાનકડો આ ચક્કો!

– કિરીટ ગોસ્વામી

મસ્ત મજાનું બાળગીત આજે માણીએ. શરૂઆત વાંચીને એમ લાગે કે કવિ કદાચ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ વચ્ચે પીસાતા બાળકની તકલીફોની વાત કરશે પણ ગીત માધ્યમની માથાકૂટના બદલે ભણતરના ભાર પર ઝોક આપે છે. જે હોય તે, આબાલવૃદ્ધ સહુને મોટા અવાજે લલકારવું ગમે એવું ગીત… કહેવા માટે તો બાળગીત છે, પણ પુખ્ત કવિતાની જેમ બાળવેદનાને પણ સમુચિત ન્યય આપી શક્યું છે એનો સવિશેષ આનંદ.

Comments (4)

(પી ગયો છું) – રાજેશ હિંગુ

દર્દ ઘોળી પી ગયો છું,
એટલે જીવી ગયો છું.

આપ તો સપનું હતા, બસ!
હું હવે જાગી ગયો છું.

પગ હજીયે છે ધરા પર,
આભને આંબી ગયો છું.

તું ભલેને ના બતાવે,
વેદના વાંચી ગયો છું.

એટલે મસ્તી ચડી છે,
પ્રેમરસ ચાખી ગયો છું.

– રાજેશ હિંગુ

ટૂંકી બહેરમાં સ-રસ કામ…

Comments (15)

(પી જાઉં) – રશીદ મીર

જામની ખાલી ક્ષણને પી જાઉં,
આમ, તારા સ્મરણને પી જાઉં.

હું ચસોચસ પીવાનો આદી છું,
બુંદ હા કે ઝરણને પી જાઉં.

મારા હોવાપણામાં તું રજરજ,
તારા એક એક કણને પી જાઉં.

જેમાં તારા બદનની ખુશબૂ હો,
એવા વાતાવરણને પી જાઉં.

તે જે મળવાની શકયતા આપી,
એવા પ્રત્યેક પણને પી જાઉં,

ઝાંઝવાને નીચોવી જાણું છું,
‘મીર’ ધગધગતા રણને પી જાઉં.

– રશીદ મીર

સાચે જ કોઈ ચસોચસ પીવાના આદીની ગઝલ… એક-એક શેર આકંઠ પી જવા ગમે એવી…

Comments (4)

(ચાન્સ આપું છું) – કિરણસિંહ ચૌહાણ

ખુશાલી, વ્યગ્રતા, મસ્તી, વ્યથાને ચાન્સ આપું છું,
બધાં જાણે જ છે કે હું બધાંને ચાન્સ આપું છું.

પછી એ નીકળ્યો ખોટો તો એમાં વાંક શું મારો?
મને તો એમ કે હું તો ખરાને ચાન્સ આપું છું.

બગાડ્યું કેટલું એણે! છતાં બદલો નથી લીધો,
હું ક્યારેક ન્યાય કરવાનો ખુદાને ચાન્સ આપું છું.

ખબર છે જિંદગી મૂકાઈ ગઈ છે દાવ પર તોયે,
દવા પડતી મૂકી તારી દુઆને ચાન્સ આપું છું.

એ મારી નમ્રતાને જો અગર કાયરતા સમજી લે,
પછી નાછૂટકે હું ઉગ્રતાને ચાન્સ આપું છું.

– કિરણસિંહ ચૌહાણ

સૉશ્યલ મિડીયાના પ્રતાપે ચારેતરફ જ્યાં જુઓ ત્યાં ગઝલોની અતિવૃષ્ટિ થઈ રહી છે. ગઝલોની આ ભરમારમાંથી કવિતા શોધી કાઢવાનું કામ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું વિકટ છે. આવામાં બહુ ઓછા ગઝલકાર એવા છે જેઓ persistently સારી ગઝલ આપતા રહે છે. કિરણસિંહ ચૌહાણ આવું જ એક નામ છે. ચાન્સ આપવા જેવી એકદમ રુઢ થઈ ગયેલી રદીફને બોલચાલની ભાષા સાથે ઓગાળી દઈને કવિ કેટલી મજબૂત ગઝલ આપે છે એ જુઓ!

Comments (7)

અધ્યાપક અંગ – ધીરુ પરીખ

પહેર્યાં સ્યૂટ-બૂટ-મોજાં-ટાઇ, પછી વર્ગમાં ઊપડ્યા ભાઈ,
ભારો થોથાં લીધાં સાથ, બુદ્ધિનો ક્યાં છે સંગાથ?
બોલે પટપટ પોપટ-વેણ, ના સાંધો ના છે કૈં રેણ!

રેણ વગરનો વાક્-પ્રવાહ, મોટરને વળી લિસ્સો રાહ,
ઊપડ્યો તે ક્યાં જૈ અટકે? વાગે ઘંટ શબદ બટકે!
વેરાયા વીણે તે શબ્દ, ક્યારે પૂરું થાયે અબ્દ?

શબ્દે આંજ્યા શ્રોતા-કાન, પૃષ્ઠોમાં ઝૂરે છે જ્ઞાન!
ઝુરાપો એને ના કઠે, પૃષ્ઠોથી પીછે જે હઠે!
સત્ર એમ તો હાલ્યું જાય, પવન થકી વાદળ ખેંચાય.

વારિ વણ વાદળની કાય, ગગન મધ્ય એ ગળતી જાય,
તેવો એનો વાણી-મેહ, સ્ત્રવે નહીં ને ગાજે જેહ;
ધરતીને શો એનો તોષ? કોરા-મોરા ઝીલે ઘોષ!

ઘોષ ઠાલવી ખિસ્સું ભરે, વર્ષ પછી એમ વર્ષો સરે,
વર્ગે એમ આવે ને જાય, એક વખત કંઈ ગોથું ખાય,
થોથું પડ્યું ને ઊડે પાન, ગાઈડ મહીં ત્યાં બૂડે જ્ઞાન!

– ધીરુ પરીખ

નવેક વર્ષ પહેલાં લયસ્તરો પર કવિના અક્ષર-અંગ રચનાના બે’ક છપ્પા- https://layastaro.com/?p=8418 -આપણે માણ્યા હતા, આજે માણીએ અંગ-પચીસીમાંથી અધ્યાપક-અંગ વિષય અન્વયે થોડા બીજા છપ્પા. અખા ભગતની શૈલીમાં લખાયેલ આ આધુનિક છપ્પા પણ અખાના છપ્પાની જેમ જ ચાબખામાર જ છે. આજના પોપટિયા ભણતર વિશે કવિએ માર્મિક કટાક્ષ કર્યા છે. કાવ્યવિધા સળંગસૂત્રી હોવાથી દરેક છપ્પો એના આગળના છપ્પાની આંગળી ઝાલીને આગળ વધે છે.

Comments (4)

એક્સ-રે તું પાડ….- મુકેશ જોષી

સ્મરણોનો લેપ છતાં દુ:ખે છે હાડ
ક્યાંક લાગે છે અંદર તિરાડ
તો પાડ,
મારી ગમગીનીનો હવે એક્સ-રે તું પાડ

સોળે શણગારે સજાવીને મોકલી,
શુકનમાં આપ્યું’તું દહીં
પાછી ફરી તો સાંજ સાવ રે ઉદાસ
એના અંગ ઉપર આભૂષણ નહીં
આંખમાંથી પંખીઓ ઊડ્યાં
જ્યાં અથડાયાં ધ્રાસકાનાં કમાડ

તો પાડ… મારી ગમગીનીનો હવે એક્સ-રે તું પાડ

ફૂલોની ટોપલીમાં સપનાંઓ લાવનાર
રાતનીયે આંખો ઉદાસ
મારે માટે જ સ્મિત લાવનાર દિવસોને
પોતાને ચાલે અમાસ
ખડખડાટ નામનું ગામ મેં વસાવ્યું ને
આંસુએ પાડી જ્યાં ધાડ

તો પાડ… મારી ગમગીનીનો હવે એક્સ-રે તું પાડ

– મુકેશ જોષી

અંદરની તિરાડો પૂરતી નથી……પહોળી અને ઊંડી થતી જાય છે…..

” જો તાર સે નીકલી હૈ વોહ ધૂન સબને સૂની હૈ…….જો તાર પે ગુઝરી હૈ વોહ કિસ દિલ કો પતા હૈ…? “

Comments (7)