જિંદગીને કેમ જીવવી જોઈએ ?
એ પરીક્ષામાં તો પૂછાતું નથી !
નિનાદ અધ્યારુ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for September, 2020

તો કહું !- રાજેન્દ્ર શુક્લ

લો કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું !

આપની નજરો જે ફરમાવી રહી,
એ ગઝલ જો યાદ આવે તો કહું !

શાંત જળમાં એક પણ લહરી નથી,
કોઈ થોડું ખળભળાવે તો કહું !

હું કદી ઊંચા સ્વરે બોલું નહીં,
એકદમ નજદીક આવે તો કહું !

કોઈને કહેવું નથી, એવું નથી,
સહેજ તૈયારી બતાવે તો કહું !

-રાજેન્દ્ર શુક્લ

માસ્ટરકલાસ…..

Comments (2)

EPIDEMIC – રમેશ પારેખ

જોયું ને ઊઠ્યો ને ચોંક્યો ને કૂદ્યો ને નાઠો રે નાઠો
મારામાંથી એક મારો જ ભયભીત ફાંટો રે ફાંટો

આતંક આતંક ઘરમાં ગલીમાં ને આખા નગરમાં
વળી આંખની સાથે આંખોમાં આંખોની ગાંઠો રે ગાંઠો

તરસમાં બધા હાથ રઘવાતા રઘવાતા રઘવાઈ બેઠા
હથેળીમાં વીરડાઓ ગાળ્યાં; નથી જળનો છાંટો રે છાંટો

અને ઘાવ પ્રસર્યા વિચારોમાં એવી તો કરપીણ ઝડપે
ન શ્રદ્ધા, ન પીડા, ન મૃત્યુ, ન ઔષધ, ન પાટો રે પાટો

હજુ ઘેનમાં લંગડા લંગડા લંગડા શ્વાસ લવક્યા કરે છે
આ ચહેરાના જંગલમાં વાગ્યો’તો સોનેરી કાંટો રે કાંટો

થયો છે કચરઘાણ કેવો અકસ્માત હરએક જણમાં
છે સૌ પાસે પોતાનું ગંધાતું શબ : કોઈ દાટો રે દાટો

– રમેશ પારેખ

શીર્ષક વાંચીને હું ચોંક્યો !!! – બે વાર ચેક કર્યું કે બધું બરાબર છે ને ! અત્યારની હાલત સાથે સજ્જડ બંધબેસતી રચના !! અત્યાર પૂરતો તો કોરોનાનો કોઈ આરો-ઓવારો ભાળતો નથી…..

Comments (3)

(સહેલું નથી હોતું !) – આબિદ ભટ્ટ

દરદને પોંખવાનું કામ કંઈ સહેલું નથી હોતું,
સ્મરણમાં રાખવાનું કામ કંઈ સહેલું નથી હોતું!

દિલાસાના શબદ સઘળા અસરને ખોઈ બેઠા છે,
નયન જળ રોકવાનું કામ કંઈ સહેલું નથી હોતું.

પડે દીવાલ જો, આખી ચણી હું એક ચપટીમાં,
તિરાડો પૂરવાનું કામ કંઈ સહેલું નથી હોતું.

અમે તો જન્મ દેનારા, સવાલો પર સવાલોને,
ઉકેલો લાવવાનું કામ કંઈ સહેલું નથી હોતું !

સુગંધો મોકલી ફૂલો ગજબની ચાલ ચાલ્યા છે,
હવા ને ચૂમવાનું કામ કંઈ સહેલું નથી હોતું !

જુઓ મારી હથેળીમાં ઊગ્યું તે સર્વ મારું છે,
મળ્યું તે છોડવાનું કામ કંઈ સહેલું નથી હોતું !

પતંગોની હકીકતથી નથી વાકેફ તું સહેજે ,
બુલંદી પામવાનું કામ કંઈ સહેલું નથી હોતું !

– આબિદ ભટ્ટ

પરંપરાનો મિજાજ જાળવી રાખતી મજાની ગઝલ…

Comments (3)

બુગદામાંથી પસાર થતાં – પ્રજારામ રાવળ

સર્જ્યાં તેં આ ગિરિવર, અમે ભવ્ય અટ્ટાલિકાઓ.
તારા વ્હેતા નદ થકી વહાવ્યા જ વિદ્યુતપ્રવાહો.
તારાં પંખી; ગગન અમ આ વેગીલાં વાયુયાનો.
તારી બ્હોળી પ્રકૃતિ; નગરો શોભીતાં કૈં અમારાં.

તારી પૃથ્વી ઉપર નકશો ફેરવીએ મનસ્વી.
વીંધી પ્હાડો તુજ નીકળીએ તીર જેવા તરસ્વી.
પૂર્યો સિન્ધુ. ધરતી ઉરથી વારિ ખેંચ્યા ફુવારે.
તારાં બ્હોળાં રણ રસળવા હામ હૈયે અમારે !

કાલે જન્મ્યો મનુ વિકસતો વામનેથી વિરાટ.
વ્યાપી જાશે ત્રણ ભુવનમાં વર્ધતો એ અફાટ !
તારા મત્સ્ય સ્વરૂપ સરખો, એકથી અન્ય પાત્રે
થાતો ન્યસ્ત ક્ષણ મહિ અહો, દીર્ઘથી દીર્ઘગાત્રે !

આકાશો સૌ સભર મનુજે, તું તદા ક્યાં જ હોશે ?
કે, ત્યારે યે મનુસ્વરૂપમાં હે પ્રભો તું જ સ્હોશે?

– પ્રજારામ રાવળ

શીર્ષક પરથી સમજાય છે કે કવિ કોઈક પર્વતમાં કોરાયેલા કોઈક બુગદામાંથી પસાર થતાં હશે ત્યારે જે વિચારતંતુ હાથ લાગ્યો હશે એને ઝાલીને આ રચનાનું સર્જન થયું છે.

ઈશ્વરના સર્જનની મુખામુખ મનુષ્યોના સર્જન મૂકીને ઈશ્વરનો તાગ મેળવવાની કોશિશ એટલે આ રચના. કવિ ઈશ્વરને કહે છે કે તેં આ પર્વતોનું સર્જન કર્યું તો અમે ભવ્ય અટારીઓ, મહેલોનું. ઈશ્વરે વહેતી નદીઓ સર્જી તો મનુષ્યે એમાંથી વીજળી મેળવી. આકાશમાં ઈશ્વરસર્જિત પંખીઓ તો માનવસર્જિત વાયુયાનો ઊડી રહ્યાં છે. ઈશ્વરે વિશાળ કુદરત રચી, મનુષ્યે શહેરો.

આટલું ઓછું હોય એમ મનુષ્ય ઈશ્વરનિર્મિત પૃથ્વીનો આખો નકશો જ જાણે બદલી રહ્યો છે. પર્વતોમાં તીર જેવા વેગથી બોગદાંઓ કોરીને માણસ આરપાર નીકળી ગયો છે. દરિયાને પૂરીને જમીનો સર્જી અને જમીનમાંથી પાણી ખેંચી કાઢ્યાં. રણને પણ નંદનવન કરવાની હામ મનુષ્યો રાખે છે.

ગઈકાલનો મનુષ્ય આજે એ રીતે વિરાટસ્વરૂપ ધારી રહ્યો છે, જે રીતે મત્સ્યાવતારમાં મત્સ્ય એક પાત્રમાંથી બીજા પાત્રમાં સતત મોટું ને મોટું કદ પ્રાપ્ત કરતું હતું. કવિએ એકસાથે વિષ્ણુના બે અવતારોને અહીં ખપમાં લીધા છે. પળવારમાં એ વિશાળમાંથી અતિવિશાળ બની શકવાનું સામર્થ્ય પ્રાપ્ત કરી ચૂક્યો છે. પણ કવિને સવાલ એ થાય છે કે આખું આકાશ જો મનુષ્યોથી ભરાઈ જશેવ તો ઈશ્વર ક્યાં રહેશે? અને કાવ્યાંતે પ્રશ્નરૂપે જ કવિ ઉત્તર પણ આપે છે કે મનુષ્ય પોતે ઈશ્વરનું જ સ્વ-રૂપ છે.

આ કવિતા લખાઈ હશે એ સમયગાળાથી આજે તો મનુષ્ય એટલો આગળ નીકળી ગયો છે કે કવિતા આપણને ગઈકાલની હોય એમ લાગે, પણ એ છતાંય કવિતાનો જે ભાવસમગ્ર છે, એ હજીય તરોતાજા અનુભવાય છે. પહેલા ચતુષ્કને બાદ કરતાં કવિએ આખા સૉનેટમાં ચુસ્ત પ્રાસ પ્રયોજ્યા છે એની નોંધ લેવાનું કેમ ચૂકાય?

Comments (2)

(ઉત્તરમાં) – જયંત શેઠ

હવે ઓ જીવ! રહેવા દે ફરી ફરવાનું ચક્કરમાં
રઝળવાથી નથી દાખલ થવાતું એમના ઘરમાં

નથી એ મારા જીવતરમાં, છતાં છે મારા અંતરમાં
ગયા જો એક ઘરમાંથી તો આવ્યા એ બીજા ઘરમાં

દિલાસાની જરૂરત છે મને પ્રત્યેક ઠોકરમાં
પ્રભુ થોડીઘણી વાચા મૂકી દે સર્વ પથ્થરમાં

બચાવીને રહો નહીં જાતને, જગના અનુભવથી,
પ્રહારો એ જરૂરી છે, જીવનના શિલ્પ ઘડતરમાં

ન આવ્યા આપ તો ઉત્સાહ ઓસરતો ગયો નિશદિન
નદી આવી નહીં તો રોજ આવી ઓટ સાગરમાં

ખબર નહોતી કે સપનું, રાતનું સાચું પડી જાશે
ઉઘાડી આંખ જોયું તો, ઊભા’તા આપ ઉંબરમાં

તમારા સ્વપ્ન મેં જાગ્રત અવસ્થામાંય જોયાં છે
વીત્યું આખું જીવન મારું પ્રણયની ગાઢ નીંદરમાં

ખીલવવા ફૂલ આશાના કરું છું લોહીનું પાણી
નથી એ ફૂલ એવાં જે ખીલે ઝાકળની ઝરમરમાં

જીવન મારું ટૂંકાવો ના તમે મારી ખબર પૂછી
ઘણાંયે શ્વાસ ઓછા થઈ ગયા છે એના ઉત્તરમાં

– જયંત શેઠ

આવી સંઘેડાઉતાર ગઝલો આજકાલ બહુ ઓછી જોવા મળે છે. નવ શેર છે, પણ નવરસ જેવા, નવરંગ જેવા. બધા જ શેર ફરી-ફરીને વિચારતા કરી દે એવા ઉમદા…

Comments (9)

હૃદયના તાર એવા ઝણઝણે – મુકેશ જોષી

તું કદી સામે મળે ત્યારે હૃદયના તાર એવા ઝણઝણે કે
કંપને નીરવ થતાં વર્ષો વીતે.
આપણી વચ્ચે અકળ જે મૌન કેરું દ્વાર તું ખોલે નહીં
જાણે કદાપિ ના મળ્યાં એવી રીતે !
તે પછી નિ:શ્વાસની ભીંતો ઉપર માથું પછાડી
શબ્દના નાજુક કપોલે લોહીના ટશિયા ફૂટે કહું શી રીતે ?

મધ્યરાતે તપ કરું, સમણાં તણા હું જપ કરું ને
આંસુની આહુતિઓ આપી ઘણાંયે વ્રત કરું-
તે છતાં પામું અગર વરદાનમાં વેરાન તો
છાતી વચાળે હોય જે પોલાણ એ ક્યાંથી ભરું ?
ચાલ શતરંજી સમય એવી ઘડે, મ્હોરાં બધાં ઘેરી વળે ને
મધ્યમાં હો કેદ એ રાજા છતાં ક્યાંથી જીતે !?

ને સંબંધોના બધા ઝળહળ દીવામાં એક ગમતો
દીપ જો બુઝાય તો આ આંખ પણ ફાટી પડે,
કે ધુમાડો યાદનો વંટોળ થઈ ઘૂમરાય ત્યારે ચોતરફ
ત્યાં આયખું જાણે તણખલું થઈ ઊડે !
રક્તરંગી જે મુકાતો કાપ કે સમજાય નહીં અનુરાગ
કરવા સો હૃદયના ભાગ એવું કેટલું
પટકાય આ વ્યાકુળ ચિત્તે…

– મુકેશ જોષી

रहिमन धागा प्रेम का, मत तोड़ो चटकाय।
टूटे से फिर ना जुड़े, जुड़े गाँठ परी जाय॥

Comments (1)

કંટકની સુવાસ – ગની દહીંવાલા

હૃદયને ભૂખ હતી, આંખડીને પ્યાસ હતી,
ખુદાનો પાડ એ સોગાદ તારી પાસ હતી !

સદા એ તેજ-તિમિરની જ આસપાસ હતી,
પૂનમ કદી, તો કદી જિંદગી અમાસ હતી.

ફનાગીરી જ અમરતાનો અંશ ખાસ હતી,
કે આપ લક્ષ્ય હતાં જિંદગી પ્રવાસ હતી.

સુણી એ વાત, વળ્યો છે ફૂલોને પરસેવો,
ચમનમાં પ્રસરી તે કંટક તણી સુવાસ હતી.

એ વર્ષગાંઠ હતી પાનખરની ઉપવનમાં,
વસંત ચાર દિવસ, રેશમી લિબાસ હતી.

રૂપેરી ચાંદનીમાં શ્યામ કેશ લહેરાયા,
પૂનમની રાતમાં ખીલી ઊઠી અમાસ હતી.

દુઃખી જીવનને હતી ઝંખનાઓ કોઈની,
કે જન્નાતો ય જહન્નમની આસપાસ હતી.

અજબ સ્વભાવ હતો નિત્યની નિરાશાનો,
મુસીબતોની પળેપળ, સ્વયં વિલાસ હતી.

ગમીની વાત કરું છું ઘણી ખુશીથી ‘ગની’
ખુશીની વાત અધાર પર બહુ ઉદાસ હતી.

– ગની દહીંવાલા

“સુણી એ વાત, વળ્યો છે ફૂલોને પરસેવો, ચમનમાં પ્રસરી તે કંટક તણી સુવાસ હતી.”……..-જીવનની નકરી વાસ્તવિકતા….

બધા જ શેર સરસ….

Comments (2)

(વાદળ વરસ્યું કે પછી તું?) – નેહા પુરોહિત

વેણીથી વીંછીયા લગ લથબથ ભીંજાઈ, જાણે સપનાની નગરીમાં છું !
અલ્યા, વાદળ વરસ્યું કે પછી તું ?

ઓઢણીમાં છાપેલી લીલવણી વેલ ઉપર સાચકલાં ઉગ્યાં છે ફૂલ;
નીતરતી પીઠને વળગીને એ પાછું શું શું કરાવે કબૂલ !
કેમ રે કહું કે તારે શ્રાવણની મોજ, મારે રોમરોમ વૈશાખી લૂ..
અલ્યા, વાદળ વરસ્યું કે પછી તું ?

વરસે આવે, ને ગાજીવાજીને વરસે એ વાદળને કરવું શું વહાલ ,
ચાહું હું તારો કાયમનો સંગાથ બાજે મીઠો મૃદંગી જપતાલ !
વાદળમાં સરસરસર સરે જેમ વિજ, એમ તારા આલિંગનમાં હું..
પછી વાદળ વરસ્યું… ને પછી તું…

– નેહા પુરોહિત

કવયિત્રીએ આ ગીત એક પરિણીતાની સ્વગતોક્તિ છે એવું ક્યાંય લખ્યું ન હોવા છતાં ગીત શરૂ થતાં જ આ વાત સ્પષ્ટ થઈ જાય છે. જે રીતે કુમારિકાઓને શિવલિંગની પૂજા કરવાનો નિષેધ ગણાવાયો છે, એ જ રીતે વિંછીયું માત્ર પરિણીત સ્ત્રીઓ જ પહેરી શકે. પગે વિંછીયા પહેરવાથી ગર્ભાધાન સુગમ બને છે, માસિકની સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે વગેરે જેવા કારણો આ માટે સામે ધરાય છે. પણ અત્રે એ ચર્ચા અસ્થાને છે.

માથાની વેણીથી લઈને પગના વિંછીયા સુધી પરિણીતા લથબથ ભીંજાઈ છે, પણ આ ઘટના શું હતી એ બાબતમાં એ સાશંક છે. આ હેલી વરસાદની હતી કે વહાલમના વહાલની એ બાબતમાં એ નિશ્ચિત થઈ શકતી નથી. અવઢવની આ પાતળી નાજુક દોર પર આખું ગીત કેવું સુગમ સહજતાથી ટક્યું છે એ જોવા જેવું છે. ઓઢણીમાં જે વેલ છાપી હતી, એમાં જાણે આ ભીંજામણીથી અચાનક ‘સાચાં’ પુષ્પો મહોરી આવ્યાં છે. પોતે જાગતાંમાં ભીંજાઈ છે કે સ્વપ્નમાં, વરસાદમાં ભીંજાઈ છે કે વહાલમાં એની ખાતરી નથી પણ ઓઢણીમાં ખીલેલાં ફૂલ એને સાચાં લાગે છે. આ છે કવિતા! નાયિકા સ્વાભાવિકપણે ગામડાંની ગોરી છે એટલે કમખો પણ ‘બેકલેસ’ જ હોવાનો. ‘નવપલ્લવિત’ થયેલી આ ભીની ઓઢણી એની વહાલ/વરસાદ નીતરતી પીઠને વળગી પડીને વહાલમ જે કહે એ બધું કબૂલ કરવાની વળી ફરજ પાડે છે. જો કે આ ફરજ ઓઢણી પાડે છે કે વહાલમ ખુદ એય અધ્યાહાર રહે છે. બંને અર્થ સમજી શકાય છે અને બંનેમાં મોજ છે. વહાલમજી તો કદાચ સ્વપ્નમાં જ આવ્યા હોવા જોઈએ કેમકે એને પરદેશમાં વરસાદી મસ્તી છે અને નાયિકાને રોમેરોમ વિરહની વૈશાખી લૂ દઝાડે છે.

બારમાસી તરસની સામે વાદળ વરસે એકવાર ચોમાસામાં આવીને ગાજવીજ સાથે વરસે તો એને ચાહવું-ન ચાહવુંની મીઠી મૂંઝવણ છે. પંક્તિમાં બે વાર વપરાયેલ ‘વરસે’માં જે યમક અલંકારની મીઠી મહેક ઊઠે છે એ ચૂકવા જેવી નથી. વાદળ કે વહાલમની અવઢવ અહીં આવીને એકાકાર થાય છે. હૈયાના મૃદંગ પર સંગાથનો જપતાલ કદીમદીના સ્થાને કાયમી બનેની આરત સાથે પરિણીતા વાદળમાં વીજ, એમ મનના માણીગરના આલિંગનમાં સરે છે ને એય વાદળ ભેળો એના પર વરસે છે…

આસ્વાદ લાંબો થઈ જવાની ભીતિ હોવા છતાં કવિતામાં રહેલી વર્ણસગાઈ (alliteration)ની વાત કરવાનો મોહ જતો કરી શકાય એમ નથી. પહેલી પંક્તિથી શરૂ થઈ આખર લગ ગીતમાધ્રુર્યમાં પ્રાણ પૂરતો એનો રણકાર સતત સંભળાતો જ રહે છે. વીણી-વિંછીયા, લગ-લથબથ, વાદળ-વરસ્યું, વરસે-વરસે-વાદળ-વહાલ, વાદળ-વીજ, સરસરસર-સરે… ગીત સતત આ નાદખંજરીથી રણકતું જ રહે છે. આ એક કડી તો જુઓ – (ઓઢણીમાં) (છાપે)લી-લી-લ(વણી) (વે)લ (ઉપર) (સાચક)લાં (ઊગ્યાં) (છે) (ફૂ)લ – ‘લ’કારનો વરસાદ વરસ્યો છે… અને એના છાંટા કબૂલ-લૂ-વહાલ-જપતાલ એમ અંત લગી  ભીંજવતા રહે છે…

Comments (24)

ઘડૂલી કયારે શિર પર ચડી? – પ્રભુલાલ દ્વિવેદી

.             ઘડૂલી ક્યારે શિર પર ચડી?
.             માટીને મોટપ કયારે મળી? –
માટી ખોદી, મૂકી ગધેડે કુંભાર ઘર લઈ આવ્યો,
ગારો કીધો પગથી ખૂંદી ખૂંદી પિંડ બનાવ્યો,
આકાર પામવા ચડી ચાકડે ત્યારે કાયા ઘડી.
.                     ઘડૂલી કયારે શિર પર ચડી?

છાંયે સૂકવી ટપલે ટીપી રાખ મહીં રગદોળી,
હશે હજી સંસ્કારો ઓછા, કાય રંગમાં રોળી,
છતાંય કાચી હતી તે પાકી થવા નિંભાડે ચડી.
.                     ઘડૂલી કયારે શિર પર ચડી?

પછી ટકોરે તપાસી જોઈને લઈ ગઈ કોઈ પનિહારી,
ગળે દોરડું બાંધી એને ઊડેં કૂવે ઉતારી,
બડબડ કરતી બૂડી કૂપમાં જાણ્યું મુક્તિ જડી.
.                     ઘડૂલી કયારે શિર પર ચડી?

દીધો આંચકો, એક પલકમાં પાછી ઉપર તાણી,
અગર છાકમાં હતી છલકતી તો અધૂરી કહેવાણી,
પૂર્ણ હતી તો ચડી શિશ પર મુસીબતોથી લડી.
.                     ઘડૂલી કયારે શિર પર ચડી?

– પ્રભુલાલ દ્વિવેદી

માટીમાંથી બનેલો ઘડો માથા પર ચડવાની લાયકાત મેળવે એ પહેલાં એણે કઈ કઈ કસોટીઓમાંથી પસાર થવાનું રહે છે એ વાત તત્કાલીન કાવ્યબાનીમાં કરીને કવિ આપણને પણ કેટલી વીસે સો થાય નું જીવનગણિત શીખવાડે છે..

Comments (3)

કૃષ્ણ – કમલા દાસ (અનુ. વિવેક મનહર ટેલર)

તારી કાયા મારી કેદ છે, કૃષ્ણ,
તારાથી આગળ હું જોઈ શકતી નથી.
તારી કાળાશ મને આંધળી બનાવી દે છે,
તારા પ્રેમવચન શાણી દુનિયાના કોલાહલને ઢાંકી દે છે.

– કમલા દાસ

માણસ પ્રેમમાં હોય ત્યારે અત્ર, તત્ર, સર્વત્ર પ્રેમ અને પ્રેમી જ દેખાય. પ્રેમથી મોટું કોઈ બંધન નથી અને પ્રેમથી વધીને કોઈ આઝાદી પણ નથી. પ્રેમમાં માણસ પ્રેમીની આંખ અને પાંખ પહેરી લે છે એટલે પ્રેમી જે જુએ એ જ જોઈ શકાય છે, અને પ્રેમી ચાહે એટલું જ ઊડી શકાય છે. કમલા દાસની આ ટૂંકી ટચરક કવિતા આમ તો કૃષ્ણપ્રેમની છે, પણ એ માત્ર કૃષ્ણ પૂરતી સીમિત નથી… વાત વયષ્ટિની છે, પણ સમષ્ટિને સમાવી લે છે… જો કે કૃષ્ણ તો આમેય સૃષ્ટિપુરુષ, યુગપુરુષ છે…

Krishna

Your body is my prison, Krishna,
I cannot see beyond it.
Your darkness blinds me,
Your love words shut out the wise world’s din.

– Kamala Das

Comments (6)

सख़्तियाँ करता हूँ दिल पर – અલ્લામા ઇકબાલ

सख़्तियाँ करता हूँ दिल पर ग़ैर से ग़ाफ़िल हूँ मैं
हाए क्या अच्छी कही ज़ालिम हूँ मैं जाहिल हूँ मैं

મારા દિલ પર હું જ કેર વર્તાવું છું, ગૈરથી હું અજાણ્યો છું. વાહ ભાઈ ! શું વાત કરી તમે !- હું જાલિમ છું…હું જાહિલ છું !! [ અર્થાત, મારા દિલ પર અત્યાચાર અન્ય કોઈ નથી કરતુ, હું પોતે જ કરું છું, અને તેથી જમાનો મને જાલિમ અને જાહિલ કહે છે ! જો કોઈ અન્ય ગુનેગાર હોતે તો બધું બરાબર હતું ! ]

मैं जभी तक था कि तेरी जल्वा-पैराई न थी
जो नुमूद-ए-हक़ से मिट जाता है वो बातिल हूँ मैं

“હું” જ્યાં સુધી હતો ત્યાં સુધી તારો સાક્ષાત્કાર શક્ય નહોતો. “હું” એ સત્યનો પ્રકાશ ફેલાતાંની સાથે જ મટી જાય એવો અજ્ઞાનરૂપી અંધકાર છે-અન્ય કશું જ નથી. આ મારો પ્રિય શેર છે. ઇસ્લામિક દર્શનની સીમા લાંઘીને શાયર બહાર આવે છે.

इल्म के दरिया से निकले ग़ोता-ज़न गौहर-ब-दस्त
वाए महरूमी ख़ज़फ़ चैन लब साहिल हूँ मैं

આત્મજ્ઞાનના દરિયેથી મરજીવા હાથે મોતી લઈ નીકળ્યા. હાય દુર્ભાગ્ય ! હું કિનારે આરામથી હાથ હલાવતો આંટા મારતો રહ્યો.

है मिरी ज़िल्लत ही कुछ मेरी शराफ़त की दलील
जिस की ग़फ़लत को मलक रोते हैं वो ग़ाफ़िल हूँ मैं

અહીં વક્રોક્તિ છે – મારી બેઆબરૂઈ એ જ મારી શરાફતની સાબિતી છે, જેની ગફલતો પર આખો મુલ્ક છાજિયાં લે છે હું એવો ગાફિલ છું. અર્થાત – હું જો ચબરાક-ચતુર હોતે તો હું બેઆબરૂ હોતે જ નહિ !! મારામાં ગુનો કરવાની પણ સુધ-બુધ નથી.

बज़्म-ए-हस्ती अपनी आराइश पे तू नाज़ाँ न हो
तू तो इक तस्वीर है महफ़िल की और महफ़िल हूँ मैं

અસ્તિત્વની મહેફિલ ! તારી ચમક-દમક પર તું ઘમંડ નહી કર, તું તો મહેફિલની એક તસ્વીર માત્ર છે – અને હું મહેફિલ સ્વયં છું !! [ આ ઇકબાલનો અસલ મિજાજ છે – ફરી અહીં ઇસ્લામિક દર્શન ઉપરાંતની વાત છે – ” હું છું, તો જ બધું છે ” – અહં બ્રહ્માસ્મિનો નાદ છે ]

ढूँढता फिरता हूँ मैं ‘इक़बाल’ अपने-आप को
आप ही गोया मुसाफ़िर आप ही मंज़िल हूँ मैं

હું ‘ઇકબાલ’ મારી જાતને શોધતો ફરું છું, જાણે કે હું જ મુસાફર છું અને હું જ મઁઝીલ છું [ અદ્વૈતવાદની ઝલક !! ]

– અલ્લામા ઇકબાલ

અંગતરીતે જો મારે ઉર્દુના ત્રણ મહાકવિ ગણાવવાના હોય તો ગાલિબ પછીનું નામ અલ્લામાનું આવે. ઇકબાલની રાજકીય વિચારધારાને લીધે સ્વતંત્ર ભારતમાં તેઓનું નામ રંજીશ સાથે લેવાય છે, પણ ન્યુટ્રલી જોઈએ તો ભાષાના તેઓ જેવા બળકટ કલાકાર બહુ ઓછા થયા છે. તેઓનું ફિલોસોફીનું જ્ઞાન ખરેખર તલસ્પર્શી હતું અને તેઓ જીવ્યા ત્યાં સુધી માનવજાતના ઉત્થાન માટે સતત વિચારતા રહ્યા. પ્રસ્તુત આખી ગઝલ અત્યંત મજબૂત છે…..

Comments (1)

જીવવાનું છે….-રઈશ મનીઆર

ઘણું છોડી પછી થોડાની સાથે જીવવાનું છે,
ફગાવી દે વજન નૌકાની સાથે જીવવાનું છે.

વિકટ જ્યાં એક પળ પોતાની સાથે જીવવાનું છે,
જીવનભર ત્યાં સતત બીજાની સાથે જીવવાનું છે.

દિવસનો બોજો લઈ રાતે સૂવાનો ડોળ કરવાનો,
ઊઠી, આખો દિવસ, શમણાંની સાથે જીવવાનું છે.

બધાએ પોતપોતાની જ બારીમાંથી દેખાતા,
ભૂરા આકાશના ટૂકડાની સાથે જીવવાનું છે.

જીવનના ચક્રને તાગી શકે તું પણ સરલતાથી,
તલાશી કેન્દ્રને, ત્રિજ્યાની સાથે જીવવાનું છે.

તું સાચું બોલજે, ઈશ્વર ! તને શ્રદ્ધા છે માણસ પર ?
ને માણસજાતને શ્રદ્ધાની સાથે જીવવાનું છે.

-રઈશ મનીઆર

મક્તા પર મુગ્ધ થયો….જો કે બધા જ શેર માતબર….

Comments (6)

ભમ્મરિયું વ્હેણ – મનોજ ખંડેરિયા

આપણી જુદાઈનું આ ભમ્મરિયું વ્હેણ
મને કોણ જાણે ક્યાંય જશે તાણી

ચંપાની ડાળ જેવું અહીંયાં નિત લીલુંછમ
ઝૂલવા છતાં ન કૂલ ઊગ્યું
ઝંખ્યાનો કેવડો તો કૉળ્યો ના કોઈ દિ’
ના એકેય વ્રત મારું પૂગ્યું
સુસવાતા દિવસોએ કાગળના જેવી આ
જાતને ક્યાં આજ મૂકી આણી

જળથી ભીનાશ બધી અળગી થઈ જાય
અહીં ચૈતરના તાપ પડ્યા એવા
અહલ્યાની જેમ મારી ઇચ્છા તો પથ્થર
આ જીવતરના શાપ કોને કે’વા
એકલી કદંબ હેઠ બેઠેલી સૂનંમૂન
ધેનુની આંખનું હું પાણી

– મનોજ ખંડેરિયા

ધીરગંભીર ગીત…..જળથી ભીનાશ અળગી થઈ જાય !!! – વાહ !!

Comments (2)

વાઇરસ જ્યારે આવશે – એન્જેલો ગેટર (અનુ.: વિવેક મનહર ટેલર)

વાઇરસ જ્યારે આવશે,
ટેલિવિઝનના પડદા પરના બોલકણાં માથાંઓ
તમને કહેશે કે જહાજનો ત્યાગી દો.
એકલતાના દરિયામાં તમારી જાતને ડૂબાડી દો.
ઘરોને લાઇઝોલ વાઇપ્સ અને હેન્ડ સેનિટાઇઝર્સમાં ગરકાવ કરી દો.
શરીરને ફેસ માસ્ક અને હાથમોજાંથી એ રીતે ઢાંકી લો
જ્યાં સુધી એ તમારી બીજી પ્રકૃતિ ન બની જાય.

એ લોકો તમને કહેશે કે તમારા રસોડાને પેનિક રૂમમાં તબદીલ કરો,
ભોંયરાને અણુવિસ્ફોટ સમયના આશ્રયસ્થાનમાં.
સૂચના આપશે કે તમે જે કંઈ પણ એકઠું કરી શકો છો,
હાથવગું કરી લો.
તેઓ કહેશે કે દુકાનો ખાલી થઈ ગઈ છે,
અને ખ્યાલ સુદ્ધાં નથી કે તેઓ તમારા વિશે પણ વાત કરી રહ્યા છે.

તેઓ ક્વૉરન્ટીનના ધર્મસૂત્રોમાંથી ઉપદેશ આપશે.
નીતિકથાઓના બરાડા નાંખશે:
“તમારે તમારા હાથ ધોવા જોઈએ.”
“ભગવાન દુનિયાને એટલો બધો પ્રેમ કરતા હતા
કે જે લોકોને એ બચાવવા ઇચ્છતા હતા
એમનાથી જ એણે સૉશ્યલ ડિસ્ટન્સ રાખ્યું.”
આ વાત તમને અચંબિત કરી દેશે કે કઈ રીતે કોઈ નાયક
કે કોઈ સરકાર
કોઈ એવી વ્યક્તિને બચાવી શકે છે, જેને તેઓ સ્પર્શી પણ નથી શકતાં.

જ્યારે વાઇરસ આવશે,
તમે તમારા પ્રિયજનને એવી રીતે ચૂમશો જાણે કે એ છેલ્લી વાર ન હોય,
કારણ કે કદાચ એમ જ હશે.
તમે ટાઇમલાઇન પર એવી રીતે નાચશો
જાણે પગનાં પંજા તળે દાયકાઓ ચોંટી ન ગયા હોય.
ગાવ જાણે ગાયકો ગળામાં ન ફસાઈ ગયા હોય.
હસો એમ જાણે આનંદ કેવો હોય એ તમે આખરી વાર ન અનુભવતા હોવ,
કારણ કે કદાચ એમ જ હશે.

અને આજ પૂરતું આટલું બસ.

– એન્જેલો ગેટર
(અનુ.: વિવેક મનહર ટેલર)
*

કોરોના મહામારીએ આખી દુનિયાને છેલ્લા આઠેક મહિનાથી નાગચૂડમાં એવું જકડી છે કે સૌની જિંદગીમાં સ્વપ્નેય વિચાર્યા નહીં હોય એવા આમૂલ ફેરફાર આવી ગયા. પ્રસ્તુત રચના ખાસ્સી મુખર હોવા છતાંય એમાં કંઈક એવું તત્ત્વ છે, જે આપણી છે…ક ભીતર સ્પર્શ્યા વિના રહેતું નથી. પોતાની જાતને બચાવવા માટેની ગાઇડલાઇન્સને અનુસરતાં અનુસરતાં આપણે સહુ અંદરથી કદાચ સાવ જ ખાલીખમ થઈ ગયાં છીએ. આવતીકાલે આપણે ‘હોઈશું કે કેમ’ની સરાબોળ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. કાવ્યમાંથી ઊઠતો આજમાં જીવી લેવા -Carpe Diem- નો સંદેશ ચૂકવા જેવો નથી.

*
When the Virus Comes

When the virus comes,
Talking heads on television screens
will tell you to abandon ship.
To drown yourself in a sea of isolation.
Submerge homes in lysol wipes and hand sanitizer.
Engulf body in face mask and plastic glove
until it becomes second nature.

They will tell you to turn your kitchen into a panic room,
basement into fallout shelter.
Instruct you to grab everything you can,
while you still can.
They will say
the shelves at the stores are empty,
and not realize they are also talking about you.

They will preach from the gospel of quarantine.
Shout parables of
“Thou Shalt wash thine hands.”
“For God so loved the world
he socially distanced himself
from the very people he wanted to save.”
It will make you wonder how a hero
or a government
Can rescue someone they can’t even touch.

When the virus comes,
you will kiss your lover like it’s the last time,
because maybe it is.
You will dance on timelines
like decades are stuck on the balls of your feet.
Sing like a quartet is trapped in your throat.
Laugh like this is the last time you know what joy feels like,
because maybe it is.

And today that will be more than enough.

– Angelo Geter

Comments (13)

(બે વાત પર) – રિન્કુ રાઠોડ ‘શર્વરી’

હું ગઝલ લખતી રહું બે વાત પર,
એક તારા પર, બીજી વરસાદ પર.

હું અરીસો થઈ જરા ઊભી રહી,
પથ્થરો આવી ગયા છે જાત પર.

હું પ્રથમ આખું નગર ભેગું કરું,
ને પછી ચર્ચા કરું એકાદ પર.

મેં કહ્યું કે, માપમાં રહેજે જરા,
યાદ ત્યાં આવી ચડી વિખવાદ પર.

તું બધી ફરિયાદ લઈને આવજે,
પણ શરત છે, આવજે વરસાદ પર.

– રિન્કુ રાઠોડ ‘શર્વરી’

વરસાદ પર કંઈ કેટલાંય કાવ્યો લખાયાં હશે, લખાતાં રહેશે. આ ગઝલમાં મત્લા અને આખરી શેર- એમ બે શેર વરસાદ પર છે પણ કેવા મજાના! ગઝલ લખવાનું કારણ ક્યારેક ‘આંખના ખૂણે હજીય ભેજ છે’ હોય તો ક્યારેક ‘સ્વયંથી એક પ્રકારે અલગ થવાનું છે’ હોય છે; ક્યારેક એ ‘કોઈ લખાવે છે ને લખ્યે જાઉં છું ‘ફના’’, તો વળી ક્યારેક ‘સમયનું ઝેર ચડ્યું છે, ઉતારવું પડશે’ એમ પણ હોય. કવચિત્ ‘મને વ્યક્ત કર કાં તને તોડું ફોડું’નો જાસો મળે ત્યારે ગઝલ લખાય છે. કવયિત્રી પણ બે વાત પર ગઝલરત રહેવાનું કબૂલે છે, એક પ્રિયજન પર ને બીજી વરસાદ પર. વરસાદની સર્વવ્યાપક અખિલાઈને પ્રિયજન સાથે સાંકળી લઈ કવયિત્રી બંનેનું સમાન ગૌરવ કરે છે. છેલ્લો શેર પણ એવો જ મજાનો છે. ફરિયાદ લઈને આવવાની મનાઈ નથી. એક-બે નહીં, બધી જ ફરિયાદ લઈને આવવાની સામા પાત્રને છૂટ છે પણ શરત માત્ર એટલી જ છે કે વરસાદ પડતો હોય ત્યારે જ આવવું, જેથી આંસુ આંખથી દડે તો ફરિયાદ કરનારને ખબર ન પડે. પોતીકી દર્દ છૂપાવીને સામાને સંપૂર્ણ અભિવ્યકત થવાની આઝાદી આપતો આ શેર પણ ચિરસ્મરણીય થવા સર્જાયો છે.

Comments (18)

જોઉં છું – મનહરલાલ ચોક્સી

કદી હું તમારા તરફ જોઉં છું
મને થાય છે કે બરફ જોઉં છું

કદી હું તમારા પ્રતિ જોઉં છું
વહેતી નદીની ગતિ જોઉં છું

હૃદયથી તમારા ભણી જોઉં છું
તો લાગે છે પારસમણિ જોઉં છું

તમારો ચહેરો સરસ જોઉં છું
કે વીતી ગયેલાં વરસ જોઉં છું

તમારી તરફ હું સતત જોઉં છું
કે મારા હૃદયની વિગત જોઉં છું

તને એમ છે કે તને જોઉં છું
હકીકતમાં હું તો મને જોઉં છું

– મનહરલાલ ચોક્સી

ગઝલના ચોકઠામાં ન મૂકી શકાય એવી આ રચનાને આપણે શું કહીશું? ગઝલનો છંદ છે, રદીફ છે, કાફિયા છે પણ દરેક શેરમાં અલગ. મતલબ છ અલગ-અલગ મત્લા. શું કહીશું? ગઝલ? નઝમ? ગઝલનુમા નઝમ? ઊર્મિકાવ્ય? ખેર, કવિના સુપુત્ર મુકુલ ચોક્સીની બહુખ્યાત સજનવાના મૂળિયાં કદાચ અહીં નજરે ચડે છે.

વાત તો એક જ છે. પ્રેમી પ્રેમિકાને જોઈ રહ્યો છે. પણ આ તારામૈત્રકના જે છ અલગ-અલગ અંદાજ કવિએ રજૂ કર્યા છે, એ કાબિલે-તારીફ છે.

Comments (4)

વૈશાખી તાપ – મુકેશ જોષી

ઝાંઝવા તે આંખને રમવા અપાય કંઈ,
આવી તે હોય કંઈ મજાક ?
લીલેરા વન જાય ઓચિંતા સળગી ને
રણની ફેલાઈ જાય ધાક.

ઝાળઝાળ ફૂંકાતી લૂની તેજાબીથી
ફેફસામાં ભરવી બળતરા !
કાન લગી આવીને સૂરજ જ્યાં વાત કરે
એવા તે હોય કંઈ અખતરા ?
ખોબો એક છાંયડાને તરસો તમે ને
તો ય ચપટી મળે ના જરાક… લીલેરા…

હોઠ પર ફરકે ના ક્યાંયથી પરબ
એવા પહેરાઓ લાગે તરસના,
આયખામાં રણ એમ ઓગળતું જાય
ને રેતી વહે નસેનસમાં.
મોસમની ઓળખાણ કેવી
વૈશાખના વરસે જ્યાં ધોધમાર તાપ… લીલેરા…

– મુકેશ જોષી

 

વાત મૌસમના તાપની છે કે જીવનના તાપની ? વેરાની રણની છે કે અંતરમનની ? તૃષ્ણા જળની કે લાગણીની ??

Comments (2)

શેર – કૈલાશ પંડિત

ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
હશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે…

– કૈલાશ પંડિત

જાણે કેમ કેટલા વખતથી આ શેર મનમાં ગૂંજ્યા જ કરે છે….આ શેર સાથે બહુ જૂનો નાતો છે, ઘણીવાર આ શેરની ઝાટકણી કાઢતા અભિપ્રાય પણ વાંચ્યા છે, પણ આ શેરના તાર્કિક ગુણ-દોષ તેમજ તેમાં રહેલી મૂળ વાતની ફિલોસોફિકલ યથાર્થતાને બાજુ એ મૂકીને માત્ર શેરને જ માણીએ….મને હંમેશા આ શેર યાદ આવે તે સાથે દેવદાસ યાદ આવે – હૂબહૂ દેવદાસની મનોવૃત્તિ આલેખતો શેર છે આ ! પણ એવું બનતું નથી, લાગણી તો ખૂબ હતી પારોના હ્ર્દયે પણ તે પાછી ન આવી….ન જ આવે ! માત્ર લાગણીથી સંબંધ ક્યાં ટકે !!?? લાગણી સાથે સન્માન જોઈએ,કમિટમેન્ટ જોઈએ,લાગણીની કદર જોઈએ….સંબંધ બહુ જ નાજૂક તંતુ છે, અને અત્યંત મજબૂત તંતુ પણ છે…..ઈશ્વર બધા ગુના માફ કરતો હશે પણ કોઈ પ્રેમાળ દિલને ઠેસ પહોંચાડવાનો ગુનો કદી માફ નહીં કરતો હોય…..

Comments (2)

છોડવું નથી….– ભગવતીકુમાર શર્મા

આખું ભલે હો ગામ અભણ છોડવું નથી,
શબ્દો વહેંચવાનું વલણ છોડવું નથી.

રેતીનું ભીનું ભીનું કળણ છોડવું નથી,
મૃગજળના ડરથી મારે આ રણ છોડવું નથી.

છેલ્લી ઘડીનું મારે નથી છોડવું શરણ,
આવ્યું છે હોંશથી તો મરણ છોડવું નથી.

કોને ખબર કે ક્યારે ફરી સૂર્ય ઉગશે?
સંધ્યાનું છેલ્લું ઝાંખું કિરણ છોડવું નથી.

તૃષ્ણા, મિલન-વિરહની હવે ક્યાં કશી રહી?
હા, અંત લગ આ નામ શરણ છોડવું નથી.

– ભગવતીકુમાર શર્મા

Comments (2)

એક ગીત – હેલન મારિયા વિલિયમ્સ (અનુ. વિવેક મનહર ટેલર)


નાના અમથા ખજાનામાંથી,
પ્રિયતમ મારો લાવે શું?
દિલ દઈ દીધું આખું, આથી
વધી અવર વર ભાવે શું?


દિલનો દોલો, એની દોલત
કંપ જગાવે હૈયામાં,
મેં ચાહી’તી ફક્ત મહોબત
દુનિયાનું સુખ માંગ્યું જ્યાં.


કંઈક લાવવા મારા માટે
કાંઠે કાંઠે ભટકે છે,
શાને રખડે ને શા સાટે?
પ્યાર બધાથી હટ કે છે.


ભોંય તળાઈ, સસ્તું ભોજન,
ધન્ય થાય તુજ સોબતથી!
કૃપા નજીવી આ મારે મન,
વધુ છે હર કોઈ દોલતથી.


કરે છે એ સર દુર્ગમ દરિયા,
આંસુ મારાં વૃથા વહે,
દયા હશે શું દ્રોહી લહરમાં,
મુજ ઉર જેમાં વ્યથા લહે?


રાત છે ઘેરી, જળ ઊંડાં છે,
પણ, મોજાં ઊઠે હળવાં:
હાય! રડું હર વાયુલહરે —
છે આંધી મુજ ભીતરમાં.

– હેલન મારિયા વિલિયમ્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

પ્રેમથી ચડિયાતી બીજી કોઈ સંપત્તિ છે જ નહીં એ જાણવા છતાં, સમજવા છતાં, ને વારે-તહેવારે બીજાને કહેવા-સમજાવવા છતાં આપણામાંથી મોટાભાગનાનું જીવન ભૌતિક સંપત્તિ પાછળ દોડવામાં જ પૂરું થઈ જતું હોય છે. ‘જગતની સૌ કડીમાં સ્નેહની સર્વથી વડી’ એ વાત પાઠ્યપુસ્તકના પાનાં વળોટીને જીવનપોથીમાં કેમ કદી પ્રવેશતી નથી એને કદાચ યક્ષપ્રશ્ન ગણી શકાય.

રચના સવિસ્તર આસ્વાદ માટે અહીં ક્લિક કરશો : http://tahuko.com/?p=18941

A Song

I

No riches from his scanty store
My lover could impart;
He gave a boon I valued more —
He gave me all his heart!

II

His soul sincere, his generous worth,
Might well this bosom move;
And when I asked for bliss on earth,
I only meant his love.

III

But now for me, in search of gain
From shore to shore he flies;
Why wander riches to obtain,
When love is all I prize?

IV

The frugal meal, the lowly cot
If blest my love with thee!
That simple fare, that humble lot,
Were more than wealth to me.

V

While he the dangerous ocean braves,
My tears but vainly flow:
Is pity in the faithless waves
To which I pour my woe?

VI

The night is dark, the waters deep,
Yet soft the billows roll;
Alas! at every breeze I weep —
The storm is in my soul.

– Helen Maria Williams

Comments (3)

રાતરાણી – જૉન ક્લેર (અનુ. વિવેક મનહર ટેલર)

પશ્ચિમના આકાશ મહીં એકવાર સૂરજ જ્યાં બૂડે,
ઓસબુંદ શણગારે સંધ્યાના સ્તનને મોતીડે;
લગભગ લગભગ ચંદ્રકિરણના અજવાળાં-શી પાંખી
કે એના સંગાથી તારલિયાની માફક ઝાંખી,
રાતની રાણી હળવે હળવે એનાં પુષ્પો નમણાં,
નૂતન રૂપે ખીલવીને ઝાકળને ધરે છે બમણાં;
ને સાધુ પેઠે કરતી અજવાળાંથી આંખમિચામણ,
નવયૌવનની નિજના કરતી રાત ઉપર એ લ્હાણ;
રાત, જે પાછી એના પ્રેમલ આલિંગનથી અંધ,
નથી જાણતી રૂપ જે છે એની મુઠ્ઠીમાં બંધ;
આમ રહે એ ખીલી જ્યાં લગ રાત રહે રૂપાળી;
પણ જે પળ દિવસ આવીને જુએ આંખ ઊઘાડી,
છટક્યે ના છટકાય એવા ત્રાટકની શરમથી મારી,
મૂર્ચ્છા પામી, ને કરમાતી, થાય ખતમ બિચારી.

-જૉન ક્લેર
(અનુ. વિવેક મનહર ટેલર)

ક્યારેક કવિતા ભાવક પાસે અપ્રતિમ સજ્જતાની આકરી ઉઘરાણી કરે છે તો ક્યારેક એ રગોમાં દોડતા રક્તની જેમ ચુપચાપ અસ્તિત્વમાં ઓગળી જાય છે. ક્યારેક, કવિતા એક-એક પાંદડી-કાંટાનો હિસાબ માંગે છે, તો ક્યારેક ગુલાબની પાંખડીઓનો આકાર, સંખ્યા, ગોઠવણ, રંગ-છટા, અને કાંટા – તમામને સદંતર અવગણીને માત્ર ખુશબૂ જ માણવાનું ઈજન આપે છે. પુષ્પનો રંગ-રૂપ-આકાર કવિતા હોય તો માત્ર સુગંધનો અહેસાસ પણ કવિતા જ છે.

કવિતાના વિશદ આસ્વાદ માટે ક્લિક કરો: http://tahuko.com/?p=18939

Evening Primrose

When once the sun sinks in the west,
And dew-drops pearl the Evening’s breast;
Almost as pale as moonbeams are,
Or its companionable star,
The Evening Primrose opes anew
Its delicate blossoms to the dew;
And hermit-like, shunning the light,
Wastes its fair bloom upon the night;
Who, blindfold to its fond caresses,
Knows not the beauty he possesses.
Thus it blooms on while night is by;
When day looks out with open eye,
‘Bashed at the gaze it cannot shun,
It faints, and withers, and is gone.

– John Clare

Comments (3)

ભૂલી ગયો છે – સંજુ વાળા

ગરબડ ‘ને ગોટાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
માણસ ધોળા-કાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે

ગલી ગલીનું બચ્ચેબચ્ચું પોપટ પોપટ કહી પજવે છે
કોઇ બિચારો માળામાંથી બ્હાર નીકળવું ભૂલી ગયો છે

ઘરથી મંદિર, મંદિરથી ઘર; સર્કિટ જેવું જીવ્યા કરે છે
એ માણસ કુંડાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે

રાતું – પીળું ગાતા એક ફકીરનું નિદાન થયું કે –
ગુલમ્હોર – ગરમાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે

જોશી-જાદૂગરના ચરણે પરખ-પાસવર્ડ શોધે છે, એ-
ભીતર ભીડ્યા તાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે

નથી જવાતું ઉપર કે ના પાછો નીચે ફરી શકે છે
વિકટ કોઇ વચગાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે

પદ-પ્રતિષ્ઠા, જ્ઞાન-ગરથના સામે પલ્લે ગઝલ મૂકી, તું
સમજણ નામે શાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે

ખબરદાર, આ ચેતવણી છે : સ્હેજે ના અનુસરશો એને
સંજુ, સંજુ વાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે

– સંજુ વાળા

આમ તો ગઝલ માત્ર ગાવા માટે જ હોય છે, પણ અહીં બોલચાલની ભાષામાં અષ્ટકલના ચાર અવર્તનોની પસંદગીના કારણે ગઝલમાં મજાની મૌસિકી ઉમેરાઈ ગઈ છે. છંદની પ્રવાહિતા ઉપરાંત આ માટે જવાબદાર વધુ એક ગુનેગાર લગભગ બધા જ શેરમાં જોવા મળતી વર્ણસગાઈ (alliteration) છે. જુઓ, ગરબડ-ગોટાળા, ગલી ગલી, બચ્ચે-બચ્ચુ, પોપટ-પોપટ, ઘર-મંદિર-મંદિર-ઘર, ગુલમ્હોર-ગરમાળા, જોશી-જાદુગર, પરખ-પાસવાર્ડ, ભીતર-ભીડ્યા, વિકટ-વચગાળા વગેરે… આ સિવાય શબ્દયુગ્મકો પણ આ માટે નિમિત્ત બન્યા છે: ધોળા-કાળા, ગલીગલી, બચ્ચેબચ્ચુ, પોપટપોપટ, રાતુંપીળું, પદ-પ્રતિષ્ઠા, જ્ઞાન-ગરથ, સંજુ-સંજુ વગેરે…

લગભગ બધા જ શેર ધ્યાનાર્હ અને મનનીય થયા છે… કોઈ એક શેર પર આંગળી મૂકવી શક્ય બનતું નથી… બધા જ શેર ગહન-ગંભીરા છે…

Comments (13)

પ્રેમમાં તો એવું યે થાય છે – તુષાર શુક્લ

પ્રેમમાં તો એવું યે થાય છે
સાવ અણધાર્યું કોઈ ગમી જાય છે.
પ્રેમમાં ના પડવાનું, ઉપડવાનું છે રે સખી
ઉડવાનું સંગાથે થાય છે.
જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

આકાશે આષાઢી વાદળનો વૈભવ
ને છાતીમાં અણજાણ્યો ડૂમો
ઝરમરની આંખોમાં જામે તૈયારી
તમે પાલવને એકલાં ન ચૂમો
ત્યારે અંદરથી મેઘ કોઈ ગાય છે
જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

આસપાસ બળબળતું રેતીનું રણ હો જાણે
એવું પથારીમાં લાગે
ફાટ ફાટ નસનસમાં પૂર હો તરસનાં ને
કંઠે કોઈ શોષ બની જાગે
ત્યારે અંદર વસંત કોઈ ગાય છે
જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

ઓરડાની એકલતા થથરાવી જાય અને
હૈયું આ સાથ કોઈ માગે
હાથ મહીં હાથ હો ને ગમતો સંગાથ હો
તો રૂંવાડે આગ કોઈ જાગે
ત્યારે અંદર હેમંત કોઈ ગાય છે
જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

મોસમ બદલાય ભલે, મનડું બદલાય નહીં
પ્રીત તણી રીતો બદલાય છે
પ્રેમમાં જો હોઈએ તો પ્રેમમાં જ રહીએ,
બસ એવું એવું પ્રેમમાં તો થાય છે
જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

– તુષાર શુક્લ

 

 

કલાપી યાદ આવી જાય –

પ્રેમને કારણો સાથે સંબન્ધ કાંઈયે નથી,
કારણ પ્રીતિનું પ્રીતિ : પ્રેમીની લક્ષ્મી તે બધી

Comments (4)

અમે ગીતોના માણસ રે લોલ – હિતેન આનંદપરા

અમે ગીતોના માણસ રે લોલ
તમે આપીને કોઈ દી પાળો નહી, અમે સાચવીએ વણદીધા કોલ.

આંખ ભેદી બખોલ, એમાં અંધારું ઘોર, કોઈ હૈયા લગ કેમ કરી પહોંચે ?
રાત સૂની નઘરોળ, ઝીલે બાવળના સોળ, કોઈ શય્યા લગ કેમ કરી પહોંચે ?
દરવાજા-બારીને બંધ કરી દો છો ને હળવેથી કો’ છો કે બોલ !
અમે ગીતોના માણસ રે લોલ.

આભ તલસે તલભાર, કોઈ આવી પળવાર, સૂના આયખાનો ઢોલિયો ઢંઢોળે,
પાય સોંસરવી ઝાળ, પડે ધરતીને ફાળ, કોણ થાશે ગરક મારે ખોળે !
પડતા પતંગ પાસ ભાગે સૌ કોઈ, અમે ભાગીએ પકડવાને ઝોલ.
અમે ગીતોના માણસ રે લોલ.

તાકધીંતાને તાલ, બજે ઢોલક પર વ્હાલ, સૂર સગપણનો સથવારો શોધે,
થયા શ્વાસો તો લાલ, લોહી રમતું ત્રિતાલ, ચૂર શબ્દોમાં અર્થોને ઘોળે,
કોઈ આંગળીની થાપ માટે તરસી રહેલા અમે ચામડીના ગણવેશે ઢોલ.
અમે ગીતોના માણસ રે લોલ.

– હિતેન આનંદપરા

રળિયામણું ગીત…..

Comments (2)