ચીતરું છું એનું નામ હથેળી ઉપર ‘મરીઝ’,
વિશ્વાસ મુજને મારા મુકદ્દર ઉપર નથી.
મરીઝ

(ઉત્તરમાં) – જયંત શેઠ

હવે ઓ જીવ! રહેવા દે ફરી ફરવાનું ચક્કરમાં
રઝળવાથી નથી દાખલ થવાતું એમના ઘરમાં

નથી એ મારા જીવતરમાં, છતાં છે મારા અંતરમાં
ગયા જો એક ઘરમાંથી તો આવ્યા એ બીજા ઘરમાં

દિલાસાની જરૂરત છે મને પ્રત્યેક ઠોકરમાં
પ્રભુ થોડીઘણી વાચા મૂકી દે સર્વ પથ્થરમાં

બચાવીને રહો નહીં જાતને, જગના અનુભવથી,
પ્રહારો એ જરૂરી છે, જીવનના શિલ્પ ઘડતરમાં

ન આવ્યા આપ તો ઉત્સાહ ઓસરતો ગયો નિશદિન
નદી આવી નહીં તો રોજ આવી ઓટ સાગરમાં

ખબર નહોતી કે સપનું, રાતનું સાચું પડી જાશે
ઉઘાડી આંખ જોયું તો, ઊભા’તા આપ ઉંબરમાં

તમારા સ્વપ્ન મેં જાગ્રત અવસ્થામાંય જોયાં છે
વીત્યું આખું જીવન મારું પ્રણયની ગાઢ નીંદરમાં

ખીલવવા ફૂલ આશાના કરું છું લોહીનું પાણી
નથી એ ફૂલ એવાં જે ખીલે ઝાકળની ઝરમરમાં

જીવન મારું ટૂંકાવો ના તમે મારી ખબર પૂછી
ઘણાંયે શ્વાસ ઓછા થઈ ગયા છે એના ઉત્તરમાં

– જયંત શેઠ

આવી સંઘેડાઉતાર ગઝલો આજકાલ બહુ ઓછી જોવા મળે છે. નવ શેર છે, પણ નવરસ જેવા, નવરંગ જેવા. બધા જ શેર ફરી-ફરીને વિચારતા કરી દે એવા ઉમદા…

9 Comments »

  1. Anjana bhavsar said,

    September 24, 2020 @ 2:19 AM

    ખૂબ સરસ ગઝલ..વિવેકભાઈ એ ઉપર ટાંકેલો શેર તો લાજવાબ

  2. Kajal kanjiya said,

    September 24, 2020 @ 4:28 AM

    દિલાસાની જરૂરત છે મને પ્રત્યેક ઠોકરમાં
    પ્રભુ થોડીઘણી વાચા મૂકી દે સર્વ પથ્થરમાં

    સરસ 👌👌

  3. Prahladbhai Prajapati said,

    September 24, 2020 @ 4:36 AM

    સુપેર્બ્

  4. yogesh tailor said,

    September 24, 2020 @ 4:39 AM

    ખીલવવા ફૂલ આશાના કરું છું લોહીનું પાણી
    નથી એ ફૂલ એવાં જે ખીલે ઝાકળની ઝરમરમાં/ વાહ વાહ

  5. નેહા said,

    September 24, 2020 @ 5:09 AM

    તમારા સ્વપ્ન મેં જાગ્રત અવસ્થામાંય જોયાં છે
    વીત્યું આખું જીવન મારું પ્રણયની ગાઢ નીંદરમાં

    આ શેર મને ખૂબ જ ગમ્યો.
    સાદ્યાંત સુંદર ગઝલ..

  6. Rajul said,

    September 24, 2020 @ 8:09 AM

    આહા..

  7. Pravin Shah said,

    September 24, 2020 @ 8:14 AM

    એક ઉમદા ગઝલ..
    કવિને ખૂબ ખૂબ અભિનંદન..

  8. pragnajuvyas said,

    September 24, 2020 @ 11:06 AM

    સુંદર ગઝલ નો સ રસ આસ્વાદ
    જીવન મારું ટૂંકાવો ના તમે મારી ખબર પૂછી
    ઘણાંયે શ્વાસ ઓછા થઈ ગયા છે એના ઉત્તરમાં
    અફલાતુન મક્તા

  9. Megha Soni 'Snehi' said,

    September 24, 2020 @ 3:06 PM

    Wahhhh

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment