ફાતિમા ગુલની ચિઠ્ઠી – ઉદયન ઠક્કર
(વનવેલી)
મારા પ્યારા મણિલાલ*
યાદ છે? હું
આલુ ખરીદતી હતી.
નાતાલમાં**
ત્યારે તમે દુકાનમાં એકાએક
આવી ચડ્યા
મારી અને તમારી એ
પહેલી જ મુલાકાત.
એ પછી તો નિત નવા
બહાનાં ગોતીને જતા –
આવતા થયેલા તમે
મારે ઘેર
પ્રેમની હતી ઉંમર
મારા રુદિયામાં ડર
ધરમ જુદો ખરો ને…
તમને ભરોસો હતો
બાપુ મોટા મનના છે
માની જશે, હોંશે હોંશે
તમે ચિઠ્ઠી લખી હતી
બાપુનો ઉત્તર મળ્યો,
‘બ્રહ્મચર્યનું શું થયું?
શાદી ? અને તેય પાછી
મુસલમાન છોકરી સાથે?
તમારાં છોકરાં કયા
ધરમનાં કહેવાશે?
શું કહ્યું તેં?
હિન્દુ થવા તૈયાર છે એ ફાતિમા?
ધરમ શું લૂગડું છે
કે ઉતારી ફેંકી દીધું?
એના માટે ઘર ત્યજો,
લગ્ન ત્યજો, પ્રાણ ત્યજો !
તું કહે છે કે હું બાને
પૂછી જોઉં? નહીં પૂછું.
એનું બાપડીનું દિલ
ભાંગી જશે.
– તારો બાપુ.’
મહાત્માનાં મન કોણ
કળી શકે?
એમને ફિકર હશે કે પોતાનું
નામ ચહેરાઈ જશે?
મૌલવીઓ મહોલ્લાઓ ગજવશે?
મહાત્માયે ડરી ગયા?
મણિલાલ, સાંભળ્યું છે
એ લોકોએ હિંદુ કન્યા
ગોતી છે તમારા માટે.
સુખી રહો એની સાથે
આશ્રમે બેસીને ગાજો:
ઈશ્વર અલ્લાહ તેરો નામ!
બીજું તો શું કહેવાનું
હોય મારે, મણિલાલ?
સબકો સન્મતિ દે ભગવાન.
તમારી, એક વેળાની..
– ઉદયન ઠક્કર
* ગાંધીજીના પુત્ર
** દક્ષિણ આફ્રિકા
મહાન આત્મા પણ આખરે તો મનુષ્ય જ હોય છે અને માનવસહજ ભૂલોથી પર હોતા નથી એ વાત મહાત્મા ગાંધીના સુપુત્ર મણિલાલ ગાંધીની નિષ્ફળ પ્રણયકથાનો સંદર્ભ લઈ કવિએ બખૂબી ટાંકી છે. ગાંધીજી આફ્રિકા હતા ત્યારે એમના સહયોગી યુસુફ ગુલના પરિવાર સાથે એમનો પરિવાર ખૂબ હળીમળી ગયો હતો. ગાંધીજીએ ‘સર્વધર્મ એકસમાન’નું સૂત્ર બાળકોને શીખવ્યું હોવાથી બાળપણથી જેની સાથે રમતા આવ્યા હતા એવી, યુસુફ ગુલની પુત્રી ફાતિમા સાથે મણિલાલ પ્રેમમાં પડ્યા ત્યારે એમને ગળા સુધી ભરોસો હતો કે બાપુ કદી ના નહીં કહે. ૧૯૧૫માં ગાંધીજી આફ્રિકા છોડી ભારત આવ્યા એના બે જ વર્ષમાં મણિલાલ ફરી આફ્રિકા પહોંચી ગયા, આશ્રમનો વહીવટ કરવા કે ફાતિમાથી અલગ રહેવું અશક્ય લાગતું હતું એટલે એ તો એ જ જાણે. મણિલાલે બાપુને નાના ભાઈ રામદાસ મારફતે પોતાની ઇચ્છાની જાણ કરાવી ને જવાબમાં વીજળી ત્રાટકી. બાપુ ન માત્ર આંતર્ધમીય, આંતર્જાતીય લગ્નમાં પણ માનતા નહોતા. દોસ્ત તરીકે લખું છું કહીને દોસ્તના સ્વાંગમાં ધર્મચુસ્ત બાપનો પત્ર મણિલાલને મળ્યો, જેની વિગતો કવિએ કાવ્યમાં યથાતથ ઉલ્લેખી છે. ભારતમાં પોતાની છાપ ખરડાશે એવા ભયના લીધે અને રુઢિચુસ્ત વિચારોના ગુલામ હોવાના નાતે બાપુએ ચૌદેક વર્ષ લાંબી પ્રણયકથાનો ધ્વંસ કર્યો અને તાબડતોબ હિંદુ છોકરી શોધીને મણિલાલને પરણાવી દીધો. એ અલગ વાત છે કે પછીથી બાપુ હરિલાલને મુસ્લિમ કન્યા સાથે લગ્ન કરતાં કે મુસ્લિમ ધર્મ અંગીકાર કરતાં પણ અટકાવી શક્યા નહોતા. ૧૯૩૦ પછી બાપુના ધર્મવિષયક વિચારોમાં આમૂલ પરિવર્તન પણ આવ્યું પણ ફાતિમા અને મણિલાલ કદી એક થઈ શક્યા નહીં, આ ઐતિહાસિક હકીકત સાથે બાપુની સૌથી પ્રિય પ્રાર્થનાને જોડી દઈને કવિ આપણને સ્તબ્ધ કરી મૂકે છે. અંતે તમારી, એક વેળાની… માં તમારી પછી વપરાયેલ અલ્પવિરામચિહ્નના કારણે વાક્યાર્થમાં જે દાબ આવે છે, એ વ્યાકરણના પાઠ્યપુસ્તકોમાં ખપ લાગી શકે એવું ઉદાહરણ છે.