સ્મરણ છુપાયાં છે બે-ચાર મનના કાતરિયે,
પડે જો મેળ તો સાથે ઉતારીએ, આવો.
વિવેક મનહર ટેલર
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for પ્રકીર્ણ
પ્રકીર્ણ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
May 8, 2015 at 1:22 AM by વિવેક · Filed under પ્રકીર્ણ
દર્દભીનાં આંસુ શાને પાંપણે શણગારવાનાં ?
જેટલા શ્વાસો મળ્યા, એને હૃદયથી માણવાના.
જે હકીકતમાં કદી પહેરી શકો નહીં જિંદગીભર,
આંખની ખીંટી ઉપર એ સ્વપ્ન શાને ટાંગવાનાં ?
રોજ મનની વ્હાલસોયી ડાળખી પર ફરફરે છે,
એ સ્મરણનાં પાંદડાંને શી રીતે અટકાવવાનાં ?
અન્ય ભાષાને ભલે પંપાળવા નીકળી પડ્યા સહુ,
પણ, અમે તો ગુર્જરીમાં લાગણી કંડારવાના.
જો ! ગઝલનું ગાંડપણ કેવી દશા સર્જી રહ્યું છે,
મારું મન સોગંદ લે છે, દર્દને વિસ્તારવાના !
– સુનીલ શાહ
દર્દથી શરૂ થઈને દર્દ પર પૂરી થતી ગઝલમાં કવિ સ્વપ્ન, સ્મરણ અને ભાષાની મજાની યાત્રા કરાવે છે.
Permalink
March 13, 2015 at 3:18 AM by વિવેક · Filed under પ્રકીર્ણ
આંખમાં આકાશને પ્રસરાવ મા !
વ્યર્થ હે વિશાળતા, લલચાવ મા !
ચિત્રમાં દરિયા બતાવીને પછી –
ભવ્યતાના અર્થને ભરમાવ મા !
ના ભલે આંબો ઉગાડે એક પણ –
બીજ બાવળનાં કદાપિ વાવ મા !
આવી છે લઈને ઉદાસી રેશમી,
સાંજને ચૂંગી મહીં સળગાવ મા !
આગ મારામાં અને તું બાગ છે,
ધીમે ધીમે પણ નિકટ તું આવ મા !
મન હજી મુશાયરા જેવું નથી,
દોસ્ત ! હમણાં તું ગઝલ સંભળાવ મા !
– કરસનદાસ લુહાર
કેવી મજાની ગઝલ ! છેલ્લો શેર વાંચતા જ હેમેન શાહ યાદ આવી જાય: તો દોસ્ત ! હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે…
Permalink
February 21, 2015 at 12:30 AM by વિવેક · Filed under પ્રકીર્ણ
પંખી પાસે આવ્યું બોલ્યું કાનમાં
આ ઋતુ આવી તમારા માનમાં.
પૃથ્વીએ પડકાર વાદળને કર્યો,
પાણી હો તો આવી જા મેદાનમાં.
ખીલવાનો કૈં નશો એવો હતો,
પાંદડાં ખરતાં, ન આવ્યા ધ્યાનમાં !
સત્ય ક્યાં છે એક સ્થળ પર કે સતત ?
ઓસ વેરાયું બધે ઉદ્યાનમાં.
કિમતી પળ આપીને સોદો કર્યો,
હું કમાયો પણ રહ્યો નુકસાનમાં !
સાબિતી કે તારણોમાં શું મળે ?
જો હશે તો એ હશે અનુમાનમાં.
મોંઘી ને રંગીન કંઈ ચીજો હતી
માત્ર મેં કક્કો લીધો સામાનમાં !
– હેમેન શાહ
ગઝલનો પહેલો જ શેર પહેલી બોલ પરના છગ્ગા જેવો. જો કે ખીલવાના નશાની વાત અને કિમતી પળોના સોદાની વાત બધામાં શિરમોર છે.
Permalink
December 4, 2014 at 12:29 AM by ધવલ · Filed under પ્રકીર્ણ
મારા માટે માનવું અઘરું છે કે લયસ્તરો આજે દસ વર્ષ પૂરા કરે છે. જે સફરમાં જ આનંદ હોય એમાં પછી પડાવનું મહત્વ ઓછું જ રહેતું હોય છે. પણ છતાંય… દસ વર્ષ ! બહુ લાંબો સમય છે દસ વર્ષ !
દસ વર્ષ પહેલા ઈન્ટરનેટ પર ગણી ગાંઠી ગુજરાતી વેબસાઈટ હતી. તો એમા કવિતાની વેબસઈટ તો ક્યાંથી હોય? બીજી વેબસાઇટ પર ગુજરાતી કવિતા ભાગ્યે જ વાંચવા મળે. ને વાંચવા મળે તો વતનથી દૂર આંખ ભરાઈ આવે અને મનઆનંદનો દરિયો થઈ જાય. આવા વખતે ‘લયસ્તરો’ની શરૂઆત કરેલી.
ધીરે ધીરે કરતા ‘લયસ્તરો’ એક વ્યસન થઇ ગયું. ચારે બાજુથી ગમતી કવિતાઓ શોધી શોધીને રજૂ કરવાનો નશો થતો ગયો. કવિતાનુ ઋણ ઓછુ કરવાનો આનાથી સારો કોઈ રસ્તો દેખાતો નહોતો. એટલે એ જ રસ્તે ચાલતો ગયો.
ને પછી તો ‘લયસ્તરો’ મહેફીલ થઇ ગઇ. દોસ્તો જોડાયા. વિવેક ‘લયસ્તરો’માં જોડાયો તે બહુ મોટું પગલું હતું. હું કવિતાનો માત્ર કાનસેન પણ વિવેક તો પોતે તાનસેન. એ પોતે કવિ. અને એનો લાભ ‘લયસ્તરો’ને અઢળક મળ્યો. પછી તો મોના જોડાઇ જે પણ પોતે કવિ. અને છેલ્લે તીર્થેશ પણ જોડાયો. ‘લયસ્તરો’ની ટીમ સધ્ધર થઈ ગઈ. કવિતા + દોસ્તો = અઢળક જલસો : આ સમીકરણ પર ‘લયસ્તરો’ તર થઇ ગયું.
ચાર વર્ષ પહેલા ઈન્ડિયાની ટ્રીપ પર વડોદરામાં એક બૂકસ્ટોરમાં હું ચોપડીઓ જોતો’તો. મારી પાછળ બે જણા વાત કરતા’તા. એક ભાઈને કોઇ કારણોસર અનિલ જોશીના શ્રેષ્ટ હોય એવા ચાર-પાંચ ગીતો જોઈતા હતા. એ માટે એ બીજા ભાઇને પૂછતો હતો. બીજા ભાઈએ એને જે જવાબ આપ્યો એ સાંભળીને મને આનંદ આનંદ થઈ ગયો બીજા ભાઇએ કહ્યું ‘લયસ્તરો.કોમ’ પર જાવ સારામાં સારા ગીતો તરત જ મળી જશે !
આજે ૩૨૦૦થી વધારે કવિતાઓ લયસ્તરોની મંજૂષામાં સચવાયેલી છે ને દુનિયાના ગમે તે ખૂણામાં હાથવગી છે. લોકો પ્રેમથી કવિતા માણે છે – મનભરીને માણે છે – કવિને દાદ આપે છે અને વતનથી દૂર પણ મા ગુર્જરીને સલામ કરી લે છે. એ બહુ મોટી વાત છે.
અત્યારે બધા કવિઓનો આભાર ન માનુ તો નગુણો જ ઠરું. શરૂઆતમાં લોકોએ ‘કોપીરાઇટ’ની વાત કરીને બહુ ડરાવેલો. વહેલા મોડા બધા કવિઓ આવીને તમારી ગરદન પકડશે એવું કહેતા. પણ કવિઓને સલામ કે દસ વર્ષમાં એક પણ કવિએ પોતાના રચના વહેંચવા માટે કદી ના નથી પાડી. કવિઓનું આ બહું મોટું ઋણ છે. આજે આ અવસરે બધાય ગુજરાતી કવિઓનો અમે ‘લયસ્તરો’ તરફથી અઢળક આભાર માનીએ છીએ.
દર વખતે ‘લયસ્તરો’ની વર્ષગાંઠ કંઇક નવું કરીને ઉજવીએ છે. આ વખતે પણ એવો જ વિચાર છે. આ વખતે એક અઠવાડિયું ઉર્દુ કવિતાનો આસ્વાદ કરીને ‘લયસ્તરો’ની વર્ષગાંઠ ઉજવવી છે. તો આવતી કાલથી શરૂ કરીશું એ સફર. ત્યાં સુધી અલવિદા !
Permalink
July 31, 2014 at 12:30 AM by વિવેક · Filed under પ્રકીર્ણ, સાહિત્ય સમાચાર
નરસિંહ મહેતાની સમગ્ર કવિતાના આગોતરા ગ્રાહક બનવાની વાત થોડા દિવસો પહેલાં અમે લયસ્તરોના આંગણે લઈ આવ્યા હતા… એ વખતે કેટલાક વાચકમિત્રોએ કેટલાક સવાલ ઊઠાવ્યા હતા. આશા રાખીએ કે આ સાથેની માહિતી આપના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં સહાયભૂત થશે…
સ્વાભાવિક રીતે જ આપણા આદિકવિની સમગ્ર કવિતાનો ખજાનો આપણા સહુના ઘરમાં હોવો જ જોઈએ… દરેક ગુજરાતી કાવ્યપ્રેમીને અમારી નમ્ર અપીલ છે કે આ અમૂલ્ય ખજાનો રાહત દરે મેળવવાની તકથી વંચિત ન રહે… મેં મારા માટે પાંચ પ્રત બુક કરાવી છે… આપ કેટલી નકલ મેળવશો?
*
Permalink
July 13, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under પ્રકીર્ણ
ભજન,પૂજન,સાધના,આરાધના – આ બધું પડ્યું રહેવા દે.
તું શું કરવા બારણાં કરીને દેવાલયના ખૂણામાં પડી રહ્યો છે ?
અંધકારમાં છુપાઈને
તું એકલો એકલો કોને પૂજી રહ્યો છે ?
આંખ ખોલીને જો તો ખરો,
ઓરડામાં દેવ તો છે નહીં !
તે તો
ખેડૂતો જ્યાં માટી ભાંગીને ખેડ કરી રહ્યા છે,
મજૂરો જ્યાં પથ્થર ફોડીને રસ્તો બનાવી રહ્યા છે,
ત્યાં ગયા છે,
અને તડકામાં ને વરસાદમાં
બારેમાસ
તેમની સાથે મહેનત મજૂરી કરે છે,
તેમને બે હાથે ધૂળ લાગી છે.
તેમની પેઠે પવિત્ર વસ્ત્ર કાઢી નાખીને તું પણ ધરતીની ધૂળમાં ચાલ્યો આવ.
મુક્તિ ?
અરે મુક્તિ ક્યાં મળવાની હતી, મુક્તિ છે જ ક્યાં ?
પ્રભુ પોતે જ સૃષ્ટિનાં બંધનથી આપણી સૌની સાથે બંધાયેલા છે.
રહેવા દે તારું ધ્યાન અને પડી રહેવા દે તારી ફૂલની છાબને.
વસ્ત્ર ફાટે તો ભલે ફાટતાં,
ધૂળ-માટી લાગે તો ભલે લગતી.
તું તારે કર્મયોગમાં તેમની સાથે થઈ જા,
અને માથાનો પસીનો પગે ઊતરવા દે.
-રવીન્દ્રનાથ ઠાકુર – અનુ. નગીનદાસ પારેખ
‘ મુક્તિ ? અરે મુક્તિ ક્યાં મળવાની હતી, મુક્તિ છે જ ક્યાં ? પ્રભુ પોતે જ સૃષ્ટિનાં બંધનથી આપણી સૌની સાથે બંધાયેલા છે. ‘ – આ પંક્તિઓ આખા કાવ્યનું હાર્દ છે….. તત્વમસિ…….
Permalink
July 10, 2014 at 12:30 AM by વિવેક · Filed under પ્રકીર્ણ, સાહિત્ય સમાચાર
સાક્ષાત્ નરસિંહ મહેતા તમારા ઘરના દરવાજે આવી ઊભા છે. ટકોરા દે છે. શું આપ દરવાજા નહીં ખોલો ?
ગુજરાતી ભાષાના આદિકવિ શ્રી નરસિંહ મહેતાના સમગ્ર પદ "શબ્દવેદ" નામે એક જ ગ્રંથમાં સંકલિત કરીને એમના જ ગામના તબીબ-કવિ શ્રી ઉર્વીશ વસાવડા મીડિયા પબ્લિકેશન્સના સહયોગથી આપના માટે લઈ આવ્યા છે. આગોતરો ઑર્ડર આપશો તો મસમોટું ડિસ્કાઉન્ટ પણ મળશે. જે લોકો પોતાને ગુજરાતી માનતા હોય એ તમામના ઘરમાં આ સંગ્રહ હોવો ઘટે… લયસ્તરોના તમામ વાચકોને આ ગ્રંથનું આગોતરું બુકિંગ કરાવવા માટે નમ્ર અપીલ છે…
Permalink
June 6, 2014 at 12:30 AM by વિવેક · Filed under પ્રકીર્ણ, બ્લોગજગત, સાહિત્ય સમાચાર
*
ઓનલાઇન ગુજરાતી સાહિત્યના એકલહથ્થુ ભેખધારી અને પાયાના ખેલાડીઓમાં મોખરાના એક ગણી શકાય એવા મૃગેશ શાહ હવે આપણી વચ્ચે નથી….
મગજમાં લોહીની નસ ગંઠાઈ જવાના (Superior Sagittal and Cavernous Sinus Thrombosis) કારણે માત્ર પાંત્રીસ વર્ષની કુમળી વયે મૃગેશ પર વડોદરા ખાતે ગઈ ૨૦મીએ ન્યુરોસર્જરી કરવામાં આવી. સર્જરી બાદ મૃગેશની તબિયત કથળી. કોમામાંથી બહાર જ આવી ન શક્યા અને ગઈકાલે બપોરે ૦૫/૦૬/૨૦૧૪ના રોજ બપોરે ૧૨.૧૫ કલાકે એમનું દેહાવસાન થયું…
ઓનલાઇન ગુજરાતી ગદ્ય તથા પદ્યના સહુથી વિશાળ ખજાના- રીડગુજરાતી.કોમનો આમ અકાળે અંત આવશે એવું કોણે ધાર્યું હોય ?
મિત્ર મૃગેશને ટીમ લયસ્તરો તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ…
*
મિત્ર મૃગેશના માનમાં લયસ્તરો.કોમ શનિવારે એક દિવસ માટે રજા પાળશે…
*
Permalink
May 23, 2014 at 3:08 AM by વિવેક · Filed under પ્રકીર્ણ, બ્લોગજગત
રીડગુજરાતી. કોમ… મૃગેશ શાહ…
જે મિત્રો ઓનલાઇન ગુજરાતી સાહિત્યજગતમાં વિહાર કરવાનો થોડો પણ શોખ ધરાવે છે એ લોકો આ બે નામથી ભાગ્યે જ અજાણ હોવાના. ગુજરાતી સાહિત્યની કદાચ સહુથી વિશાળ વેબસાઇટ રીડગુજરાતી. કોમના સંચાલક મૃગેશ શાહ ઘણા વરસોથી એકલા હાથે ગુજરાતી ગદ્ય અને પદ્યનો અમૂલ્ય ખજાનો આપણને વિના મૂલ્યે અનવરત પીરસી રહ્યા છે.
કમનસીબે માત્ર પાંત્રીસ વર્ષની નાની વયે મૃગેશ બ્રેઇન હેમરેજનો શિકાર થઈ લકવાગ્રસ્ત અને કોમાગ્રસ્ત થયા છે. ગણતરીના દિવસો પહેલાં જ વડોદરાની મેટ્રો હૉસ્પિટલ ખાતે એમના પર ન્યુરોસર્જરી કરવામાં આવી અને હેમરેજ દૂર કરવામાં આવ્યું પણ દુર્ભાગ્યે એ હજી કોમામાં છે.
ગુજરાતી સાહિત્યની સેવાનો ભેખ લેનાર આ યુવામિત્રને આજે આપણા સહુ તરફથી દુઆ અને વિશેષ તો આર્થિક સહાયની ખાસ જરૂર છે… લયસ્તરોના તમામ વાચકમિત્રોને નમ્ર અપીલ છે કે મદદનો હાથ લંબાવે…
બેંક ખાતાની માહિતી આ મુજબ છે.
Name : DHANANJAY THAKORLAL SHAH
Bank : CENTRAL BANK OF INDIA, KARELIBAUG BRANCH BARODA – 390018
A/C No : 00000001324943292
IFSC : CBINO280486
જે મિત્રો આર્થિક સહાય કરે એ મિત્રોને વિનંતી કે અહીં કોમેન્ટ બોક્સમાં પણ આપનું નામ લખી જરૂરથી જણાવજો કે આપે દુઆ સાથે મદદનો પણ હાથ લંબવ્યો છે, જેથી અન્ય મિત્રોને પણ પ્રોત્સાહન મળે…
*
વહાલા મૃગેશ ! જલ્દી કર… અમે સહુ તારી અને રીડગુજરાતી. કોમની રાહ જોઈ રહ્યાં છીએ…
*
Permalink
December 4, 2013 at 1:57 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
‘લયસ્તરો’ આજે નવ વર્ષ પૂરા કરે છે.
આમ તો સમયના વિરાટ ચક્રમાં નવ વર્ષ જરા જેટલો જ સમય છે. છતાં કવિતાના આનંદને વહેંચવાનો ઉદ્યમ આ મુકામે પહોંચ્યો એ બહુ સંતોષની ઘટના છે. કવિતા માટેનું ઋણ ચૂકવવાનો આટલો અવસર મળ્યો એ પોતે જ અનહદ આનંદ છે.
થોડા વખત પહેલા એવી વાત નીકળી કે કવિતા અને હકીકતમાં જીવાતું જીવન બહુ અલગ થઈ ગયા છે. કવિઓ જે લખે છે એને સામાન્ય માણસની રોજબરોજની જીંદગી સાથે બહુ પાતળો જ સંબંધ રહ્યો છે. આ વાતે મને વિચારતો કરી દીધો. આપણે જેને કવિતા કહીએ છીએ એ ખરેખર શું છે? એનું પ્રયોજન શું છે? એની જવાબદારી શું છે? એને આટલી ઊંચી કળા શા માટે ગણવામાં આવે છે? એવા પ્રશ્નો મને પૂછો તો એનો જવાબ તો મારી પાસે નથી. પણ એક વાત મનને અડકી ગઈ કે કવિતાને જીવ્યા પછી જે કવિતા બને છે એ અલગ જ કક્ષાની હોય છે. (મેઘાણી, કલાપી, મરીઝ કે મકરંદ દવેની કવિતા વાંચો એટલે વધારે કંઈ કહેવાનું રહેતું નથી.) કવિતાનો રોજબરોજની જીંદગી સાથે ગાઢ સંબંધ હોવો જરૂરી છે. કવિતા આજના સમયના પ્રશ્નોની સામે ઊઁધુ માથું કરીને લખી શકાય નહી. કવિતા એટલે સચ્ચાઈ અને સચ્ચાઈ એટલે કવિતા. એની સામે ઘણાનું કહેવું છે કે રોજબરોજની જીંદગીને વણી લેતી કવિતા ઓછી થતી જતી લાગે છે. કવિતાનું લોહી ઠંડુ થતું જતું લાગે છે. કવિતામાં સચ્ચાઈની ખોટ દેખાતી જાય છે.
આ વાત અહીં એટલા માટે કરી કે આ વિશે તમે -‘લયસ્તરો’ના વાંચકો- શું વિચારો છો એ જાણવું છે. ગુજરાતી કવિતાની દિશા વિશે તમારું શું કહેવું છે? કવિતા અને રોજબરોજની જીંદગી વચ્ચે તમને ભેદ લાગે છે કે નહીં? કવિતા લખવા માટે કવિતા ‘જીવવા’ની જરૂર ખરી? આ બધા વિશે તમે શું વિચારો છો એ સગવડે કોમેન્ટમાં લખશો.
દર વખતની જેમ આ વર્ષે પણ કંઈ નવું કરવાની ઈચ્છા છે. રોજ એક ગમતો શેર અને એ એક જ શેર પર ચિંતન. કવિતાના હાર્દ સુધી જવાની કોશિશ. આવતા સાત દિવસ સુધી.
Permalink
October 28, 2013 at 10:53 PM by ધવલ · Filed under ગઝલ, પ્રકીર્ણ, હિમાંશુ ભટ્ટ
આપણા યુવાન કવિ હિમાંશુભાઈ ભટ્ટનું આજે અવસાન થયું છે. ગુજરાતી કાવ્યજગતમાં મોટાભાગના લોકો એમની કેન્સર સાથેની લડતથી વાકેફ જ હતા. એ બહુ સમયથી મોતને નજીક આવતુ જોતા’તા. આવા અઘરા સમયમા પણ એમના વિચારો અને લાગણીની સ્પષ્ટતા ડગી નહોતી. આ આખી જીંદગીની ગઝલ-રચના કરતા ય મોટી સિદ્ધિ છે. શબ્દોને કાગળ પર રમતા મૂકવાનુ કામ સહેલું છે, પણ એને જીવનમાં જીવી બતાવવાનું કામ ભાગ્યે જ કોઈ કરી શકે છે. અલવિદા હિમાંશુભાઈ! સલામ હિમાંશુભાઈ!
ચાલો પછી તો આપણે મળશું ફરી કદી
બાકી રહી જે વાત તે કરશું ફરી કદી
ભીનાશ કોઇ પણ હવે તો સ્પર્શતી નથી
ઝાકળ થઇને ફુલથી ઝરશું ફરી કદી
ઘરથી પરે આ ઘર કર્યું, ચાલો ભલું થયું
શું મેળવ્યું ને શું ગયું? કળશું ફરી કદી
ગુંજ્યા કરે છે ચોતરફ, પડઘા અતિતના
વાળીને આજ, કાલમાં વળશું ફરી કદી
મારામાં પણ હવે કદી, હું કયાં મળું છું દોસ્ત?
મળશે ફરી જો ‘હું’ કદી, મળશું ફરી કદી
– હિમાંશુ ભટ્ટ (૨૦૦૪)
Permalink
October 16, 2013 at 2:21 AM by વિવેક · Filed under ઈન્ટરનેટ પર ગુજરાતી, પ્રકીર્ણ, બ્લોગજગત, સાહિત્ય સમાચાર
ઓન-લાઇન ગુજરાતી ભાષાની એકલહથ્થુ ક્રાંતિસર્જક મશાલ અચાનક ઓલવાઈ ગઈ… ઓલવાઈ ગઈ? ના… આ મશાલ તો જ્યાં સુધી ગુજરાતી ભાષી જીવે છે ત્યાં સુધી ઝળહળતી રહેશે…
રતિલાલ ચંદેરિયા…. ગુજરાતી નેટ-જગતનું એક અદકેરું નામ…
- વિજયાદશમીના દિવસે જન્મ… વિજયાદશમીના દિવસે જ નિર્વાણ… (૨૪/૧૦/૧૯૨૨- ૧૩/૧૦/૨૦૧૩)
- ગુજરાતી લેક્સિકોન.કોમ – ‘મારે મારી માતૃભાષા માટે કંઈક કરવું છે’ બસ આ એક જ લગની માટે તેમણે 25 વર્ષ કરતાં વધુ સમય આપ્યો અને સર્જાયું ગુજરાતીલેક્સિકોન’- ગુજરાતી કોશને હાથ ન અડાડનાર ગુજરાતી, હવે રોજના દસ હજારની સંખ્યામાં આ વેબસાઈટની મુલાકાત લે છે અને તે જ એનું સાર્થક્ય સિદ્ધ કરે છે. સ્પેલ ચેકર, લોકકોશ, ડિજિટલ સાર્થકોશ, અને છેલ્લે છેલ્લે અદભુત કહી શકાય એવું લેક્સિકોનનું મોબાઇલ એપ્લિકેશન
- ઓનલાઇન ભગ્વદ્ગોમંડલના આદ્ય પ્રણેતા. દસ હજારની કિંમતના અને તમારા ઓરડામાં ત્રણ ફૂટ બાય સવા ફૂટની તોતિંગ જગ્યા રોકી લેનાર ગુજરાતીભાષાના ઐતિહાસિક સીમાસ્તંભ સમાન ભગવદ્ગોમંડલનું ડિજિટાઇઝેશન- કમ્પ્યૂટરની એક ક્લિક પર આખો મહાસાગર અને એ પણ સંપૂર્ણપણે નિઃશુલ્ક !
- ‘ઉંઝાજોડણી’ના ખુલ્લા સમર્થક હોવા છતાં સાર્થ જોડણીના બબ્બે ખજાના આપણા માટે ઉલેચી આપનાર.
- જાણીતા ઉદ્યોગવીર અને દાનવીર
- વ્યાપારી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ સિવાય છેલ્લાં ૬૫ વર્ષથી આફ્રિકા, એશિયા, ઇન્ડોનેશિયા, ચીન, જાપાન, કેનેડા, યુનાઇટેડ કિંગડમ વગેરે દેશોમાં અનેક સામાજિક પ્રવૃત્તિઓ
- જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં વસે ગુજરાત,
જ્યાં જ્યાં વસે ગુજરાતીલેક્સિકોન, ત્યાં ત્યાં વસે રતિકાકા
આખી જિંદગી વિદેશમાં વિતાવવા છતાં પણ સવાયા ગુજરાતી સિદ્ધ થનાર ઓન-લાઇન ગુજરાતી જ્યોતિર્ધર રતિકાકાને ટીમ લયસ્તરો તરફથી શત શત કોટિ સલામ !
*
(સંદર્ભ-માહિતી માટે શ્રી ઉત્તમ ગજ્જરનો આભાર )
Permalink
August 26, 2013 at 2:54 AM by વિવેક · Filed under પ્રકીર્ણ
છેલ્લા થોડા મહિનાથી લયસ્તરોમાં સહ-સંપાદક તરીકે જોડાયેલા ડૉ. તીર્થેશ મહેતાની ઊંચી કાવ્યપસંદ, અદભુત રસદર્શન અને શનિ-રવિની નિયમિતતાથી હવે આપણે સહુ વાકેફ છીએ…
એમના માતુશ્રીનું ગતરોજ બપોરે સુરત એમના નિવાસસ્થાને દેહાવસાન થયું છે. પ્રભુ એમના આત્માને શાંતિ બક્ષે એ જ અભ્યર્થના…
અસ્તુ !
Permalink
December 22, 2012 at 2:15 AM by ધવલ · Filed under પ્રકીર્ણ
ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ‘પ્રથમ સર્જનાત્મક પુસ્તક’નું વર્ષ 2011 માટેનું પારિતોષિક વિવેકના પ્રથમ ગઝલસંગ્રહ ‘શબ્દો છે શ્વાસ મારા’ને મળ્યું છે. આજે સુરત ખાતે યોજાયેલા પરિષદના 27મા જ્ઞાનસત્રમાં પ્રમુખશ્રી વર્ષા અડાલજાના હસ્તે આ પારિતોષિક એનાયન થયું. લયસ્તરો માટે તો આ અનેરા આનંદ અને ગૌરવનો પ્રસંગ છે. લયસ્તરો પરિવાર તરફથી વિવેકને અભિનંદન અને એ હજુ આગળ વધુ ઉંચાઈ પર પહોંચે એવી શુભેચ્છા.
Permalink
December 4, 2012 at 10:03 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
લયસ્તરોને આજે આઠ વર્ષ પૂરા થાય છે. 2004થી આજે 2012.
કવિતાનો ક પણ માંડ સમજાયોતો ત્યારથી એના આનંદને વહેંચવાની ચળ આવતી’તી. એનું પરીણામ તે લયસ્તરો. શરુઆતમાં જે કંઈ યાદ આવે એ લખે રાખતો. પણ એક વાર લયસ્તરોની ગાડીએ જરા સ્પીડ પકડી પછી તો એ વ્યસન જેવું થઈ ગયું. એ દિવસોમાં ન તો કોઈ ખાસ વાંચતું કે કોમેંટ કરતું. એ બધું ય ધીમેધીમે બદલાયું. ગુજરાતી કવિતા વાંચનારાનો ડાયરો ઈંટરનેટ પર જામતો ગયો. કવિતાના રસિયાઓ દુનિયાના ખૂણે ખૂણેથી ફૂટી નીકળ્યા. ને એમાંય પછી દોસ્તોનો સાથ મળ્યો અને જાણે લયસ્તરોને પાંખો ફૂટી. ખૂબ ખૂબ વાંચકો મળ્યા અને કેટલાય જીગરજાન દોસ્તો થયા. કવિતાનું ઋણ ચૂકવવા શરુ કરેલા ઉદ્યમે એટલું બધું આપ્યું છે કે એ ઋણ ઘટવાને બદલે વધતું જ જાય છે.
કણે કણે ભેગી કરતા કરતા આજે 2700થી વધારે કવિતાઓ થઈ ગઈ છે. આટલી કવિતાઓ માટે 700થી વધારે કવિઓનું ઋણ છે. ગુજરાતી કવિતાઓનો આ સૌથી મોટો સંગ્રહ બની ગયો છે.
આ બધા માટે લયસ્તરોની ટીમ કવિઓ, વાંચકો, ચાહકો ને દોસ્તોનો આભાર માને છે.
દર વખતે લયસ્તરોની વર્ષગાંઠની ઉજવળી કંઈક નવું કરીને કરીએ છીએ. આ વખતે પણ એવો જ વિચાર છે. આવતું અઠવાડિયું ઝેન કવિતાના અઠવાડિયા તરીકે ઉજવવું છે. અલગ દેશમાં, અલગ સમયે લખાયેલી પણ સનાતન સત્યની નજીક લઈ જતી ઝેન કવિતાની ઉજવણીના સપ્તાહનું નામ રાખ્યું છે : મૌનનો પડઘો.
તો મળીશું આવતી કાલે, ઝેન કવિતાની પ્યાલી સાથે !
Permalink
November 20, 2012 at 11:46 AM by ધવલ · Filed under અછાંદસ, પ્રકીર્ણ, સંસ્કૃતિરાણી દેસાઈ
હું જેવી એક કવિતા પૂરી કરું છું કે
તે આખો આકાર લઈ ઊભી થઈ જાય
કાગળ ઉપરથી.
સ્વપ્નપરીની વાત કરું તો
તેનું આકર્ષક રૂપ લઈ
મોહક અદાથી ચાલવા માંડે છે મારી સામે
આંખોથી ઈશારા કરતી.
મશ્કરા શબ્દોની વાત કરું તો
પાંચસાતની ટોળી ઊભી થઈ
મારી સામે મશ્કરી અને ટીખળ કરવા માંડે છે
ને પછી બધા જ નીકળી પડે છે વિશાળ દુનિયામાં.
એક દિવસ મેં રાક્ષસની વાત કરી કવિતામાં
ને તે ધીમે ધીમે આકાર લેવા માંડ્યો.
એટલો બધો ભયાનક ચીતર્યો હતો કે
મને થયું કે જેવી હું પૂર્ણ કરીશ કે
કૂદી પડશે મારા ઉપર જ.
હવે હું ગભરાઈ, શું રસ્તો છે એનાથી બચવાનો?
ને મેં છેલ્લી પંક્તિ લખી જ નહીં.
પૂરી જ ન કરી કવિતા.
રાક્ષસ બિચારો હજી ઊભો છે
કાગળ સાથે પગ જકડાયેલો
છેલ્લી પંક્તિની રાહ જોતો.
– સંસ્કૃ તિરાણી દેસાઈ
દરેક કવિતાના મૂળમાં એક વિચાર હોય છે. દરેક વિચાર એક વાયરસ સમાન હોય છે. કવિતા લખી નાખો પછી એ છૂટી ગયેલા તીર જેવા વિચાર-વાયરસ પર કવિનો કોઈ અંકુશ રહેતો નથી. જે વિચારથી કવિ પોતે ગભરાય એને માટે એક જ રસ્તો છેઃ કવિતા ન લખવી. પણ આ રાક્ષસ તો ખરેખર કવિના મનની જ ઉપજ છે. બીજા બધા તો બચી શકે, પણ એ વિચાર-રાક્ષસથી કવિ પોતે કેવી રીતે બચી શકશે ?
Permalink
November 5, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, પ્રકીર્ણ, હરીન્દ્ર દવે
હોઠ હસે તો ફાગુન
ગોરી ! આંખ ઝરે તો સાવન,
મોસમ મારી તું જ,
કાળની મિથ્યા આવનજાવન.
તવ દર્શનની પાર સજન,બે લોચન મારાં અંધ,
અવર વાણીને કાજ શ્રવણનાં દ્વાર કર્યાં મેં બંધ;
એક જ તવ અણસારે
મારા વિશ્વ તણું સંચાલન.
અણુ જેવડું અંતર ને તવ મબલખ આ અનુરાગ,
એક હતું વેરાન હવે ત્યાં ખીલ્યો વસંતી બાગ ;
તવ શ્વાસોનો સ્પર્શ
હૃદય પર મલયહાર મનભાવન.
કોઈને મન એ ભરમ,કોઈ મરમીના મનનું મિત,
બે અક્ષર પણ ભર્યાભર્યા,પ્રિય,માની એવી પ્રીત;
પલ પલ પામી રહી
પરમ કો મુદા મહીં અવગાહન.
-હરીન્દ્ર દવે
[ અવગાહન=વિષયનું ઊંડુ અધ્યયન. ]
પ્રેમ એવો દરિયો છે જેમાં જેટલી ઊંડી ડૂબકી મારો, તળ એટલું જ ઊંડું ઉતરતું જાય….અર્થાત તે અતળ છે. વાચાળતા પ્રેમનું લક્ષણ નથી. પ્રેમ એટલે harmony . રૂમી એ અદભૂત વાતો કરી છે પ્રેમ વિષે. રસિકજનોને અવકાશે રૂમીને વાંચવા નમ્ર અનુરોધ છે.
Permalink
August 11, 2012 at 2:20 AM by વિવેક · Filed under પ્રકીર્ણ, સાહિત્ય સમાચાર, સુ.દ. પર્વ, સુરેશ દલાલ
(શ્રી સુરેશ દલાલ… …૧૧-૧૦-૧૯૩૨ થી ૧૦-૦૮-૨૦૧૨)
*
ગુજરાતી કવિતાની યુનિવર્સિટી રાતોરાત પડી ભાંગી… એક તોતિંગ ગઢ… એક આખું આકાશ… ગુજરાતી કવિતાના ઘરનો એક મોભી… એક જ રાતમાં શું શું નથી ગુમાવ્યું ગુજરાતી ભાષાએ? લગભગ એંસી વર્ષનું આયુષ્ય ભોગવીને ગઈ રાત્રે કવિશ્રી સુરેશ પુરુષોત્તમ દલાલે આખરી શ્વાસ લીધા. એની સાથે અસંખ્ય અનુવાદ અને આસ્વાદ આપણે ગુમાવ્યા. ગુજરાતી કવિતા વેચી શકાતી નથીની “ઇમેજ” સુ.દ.એ એકલા હાથે ધોઈ નાંખી. પાંચસો-છસો રૂપિયાની કિંમતના કાવ્યગ્રંથ ‘ઇમેજ’ બહાર પાડે અને ચણા-મમરાની જેમ ઊપડી જાય એવો સુખદ અકસ્માત સુ.દ. સિવાય કોઈ સર્જી ન શકે.
સુરેશભાઈ કવિતા માત્ર જીવ્યા નથી, શ્વસ્યા છે. એમની નસોમાં રક્તકણ નહીં, શબ્દ વહેતા હતા. કવિતા ગમે ત્યાંથી મળે, ગમે એ ભાષા-સંસ્કૃતિમાંથી મળે, એ સદૈવ એને આલિંગવા તત્ત્પર રહેતા. ગુજરાતના કંઈ કેટલાય નાના-મોટા સાહિત્યકારો એમના પારસ-સ્પર્શે પોતાના ગજાથીય વધુ મોટા બની શક્યા.
સુ. દ. (૧૧-૧૦-૧૯૩૨ થી ૧૦-૦૮-૨૦૧૨) શબ્દોના માણસ હતા. અછાંદસ કવિતા, છંદોબદ્ધ કાવ્યો, બાળકાવ્યો, ગીત, ગઝલ, સોનેટ, મુક્ત સોનેટ, દીર્ઘકાવ્ય, ગદ્યકવિતા – કવિતાના કોઈ અંગને એ સ્પર્શ્યા વિના રહ્યા નથી. કવિતા જીવતો આ માણસ ઊંમરની છેલ્લી સંધ્યાએ પણ અવિરત કાર્યરત રહ્યો હતો. કાવ્ય, અનુવાદ, આસ્વાદ, નિબંધ, કટારલેખન, વિવેચન, સંપાદન, વ્યક્તિચિત્ર – શબ્દની એકેય ગલી એવી નથી જ્યાં એમણે સરળતા, સહજતા અને અધિકૃતતાથી પગ ન મૂક્યો હોય. એમનાં નામ સાથે સંકળાયેલા પુસ્તકોની યાદી લખવા બેસીએ તો પાનાંઓ ઓછા પડી જાય. પચાસની નજીક પહોંચે એટલા તો એમના પોતાના કાવ્યસંગ્રહો જ છે. એમના પોતાના શબ્દમાં કહીએ તો – “આ માણસ લખે છે, ઘણું લખે છે. લખ-વા થયો હોય એમ લખે છે”
મૂળે એ ગીત અને અછાંદસના માણસ. ગઝલ વિશે એ પોતે જ કહે છે: “ગઝલ લખવાનો ચાળો કર્યો છે, પણ ગઝલમાં એનું ગજું નહીં” પણ એમણે આપણને જે અનુવાદો અને કાવ્યાસ્વાદો આપ્યા છે એના વિના આપણું સાહિત્ય પાંગળું લાગત એ હકીકત છે. એમને કોઈ કવિ પારકા કે પરાયા લાગતા નહોતા. એમના માટે કવિ એટલે કવિ. કવિ સાથે એમનો લોહીનો નાતો હતો કેમકે કવિ એમના કાનને ગાતો હોવાનું એ અનુભવતા. સુ.દ. પ્રણય અને પ્રકૃતિના અનહદ આરાધક હતા. વેદના અને આસ્થા એ જાણે એમની કવિતાના બે બાજુ હતા. જીવન પરત્વેની ચિરંજીવ આશા એમના કાવ્યોમાં સદા ડોકાતી. કૃષ્ણ-રાધા-મીરાંના પ્રણયત્રિકોણનો જાણે એ ચોથો ખૂણો ન હોય એમ કૃષ્ણને આરાધતા. અને જોગાનુજોગ કૃષ્ણજન્મના દિવસે જ પ્રાણ પણ ત્યાગ્યા…
એ રસ્તાના માણસ હતા, નક્શાના નહીં. એમની ગતિમાં પળેપળ પ્રગતિ હતી. શબ્દને અડે ત્યારે એમનો વેગ પ્રવેગમાં પલટાઈ જતો. સુ.દ.ને હકીકતને વળગમાં રસ ન હતો, એ એને ઓળંગવામાં માનતા. કેમકે શરીરથી આત્મા લગી, હકીકતથી સત્ય સુધીની યાત્રાને જ તેઓ કવિતા માનતા હતા. એ હંમેશા શબ્દો સાથે ભૂલા પડવાની મજા માણતા હતા. અઘરી કવિતાના વિરોધી. એમની તમામ રચનાઓ એની સરળ અને સહજ બાનીના કારણે ધ્યાન ખેંચે છે. ક્યારેક વધુ પડતી સરળતા કાવ્યપદાર્થને ખાઈ જતી હોય એમ પણ લાગે. પણ સરવાળે એ સામાન્ય માનવી સુધી કવિતાને લઈ જવાની અનવરત મથામણમાં હોય એમ લાગે છે. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ એમના વિશે લખ્યું હતું: “ભાઈ દલાલની કવિતાના બે-ત્રણ ઉપલક્ષણ ધ્યાન ખેંચે છે. અર્થાનુસારી કે અર્થપોષક શબ્દને બદલે રવાનુસારી પદ આવે છે અને પછી પદમાંથી અર્થનો ફણગો ફૂટે છે. સમગ્રતયા, ત્વરા તરવરાટ અને તરંગરતિનું પ્રૌઢિમાં, તેમ જ આન્તર આકુલતા, એકલતા, સંમૂઢતા અને વૈશ્વિક વક્રતાનું તીવ્ર સંવેદન સમાધાન અને શ્રદ્ધામાં વિશ્રાન્તિ લે છે, પરિપાક પામે છે.”
જન્મ થાણામાં. ૧૯૪૯માં મેટ્રિક. ૧૯૫૩માં ગુજરાતી વિષય સાથે બી.એ., ૧૯૫૫માં એમ.એ. અને ૧૯૬૯માં પી.એચ.ડી. ૧૯૫૬માં મુંબઈની કે.સી.સાયન્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ત્યારબાદ ૧૯૬૦થી ૧૯૬૪ સુધી એચ.આર.કૉલેજ ઑફ કોમર્સમાં, ૧૯૬૪થી ૧૯૭૩ સુધી કે.જે.સોમૈયા કૉલેજમાં અને ૧૯૭૩થી એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ. ૧૯૯૨માં નિવૃત્ત. ૧૯૮૯માં ‘ઈમેજ પબ્લિકેશન’ વૈયક્તિક સાહસ રૂપે શરૂ કર્યું. ૧૯૬૭થી ‘કવિતા’ દ્વિમાસિકના સંપાદક. ૧૯૮૩નો રણજિતરામ સુવર્ણચંદ્રક. નર્મદ સુવર્ણચંદ્રક પણ મળ્યો. ૨૦૦૫માં સાહિત્ય અકાદમીનો પુરસ્કાર. (આ અંતિમ પરિચ્છેદ ગુજરાતી સાહિત્ય પરિષદની સાઇટ પરથી સાભાર)
– વિવેક મનહર ટેલર
*
આવતીકાલથી લયસ્તરો સુ.દ.પર્વ નિમિત્તે કવિશ્રીના પ્રતિનિધિ કાવ્યોનો પરિચય કરાવશે. કવિશ્રીના પચાસથી વધુ કાવ્યો આપ અહીં પુનઃ અવલોકી શકો છો: https://layastaro.com/?cat=28
Permalink
July 10, 2012 at 11:57 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
મારી છેલ્લી કવિતા એવી હજો
જે નાજુક, સરળ અને પ્રયોજનમુક્ત વાત કરતી
ધગધગતી હોય આંસુરહીત ડુસકા જેવી
એમા હોય લગભગ સુવાસમુક્ત ફૂલોનું સૌંદર્ય
જેની જ્વાળાની પવિત્રતામાં ઉજ્જ્વળતમ હીરાઓ ભસ્મ થઈ જાય
આવેશ એમા હોય આત્મહત્યાનો જે પોતાની જાતને ખલાસ કરી નાખે કશાય ખુલાસા વિના.
– મેન્યુએલ બંડેરા
(અનુ. ધવલ શાહ)
છેલ્લી કવિતાની વાત છે. પણ એ શ્રેષ્ઠ કવિતાની વાત બનીને આવે છે. છેલ્લા બોલે કવિને છગ્ગો જ મારવો છે 🙂 શ્રેષ્ઠ કવિતાના લક્ષણ કવિએ જે રીતે વર્ણવ્યા છે એ અદભૂત છે. નાજુક, સરળ અને પ્રયોજનમુક્ત કવિતામાં કવિને આસુંરહીત ડુસકાની ધગધગતી આગ ભરવી છે. ઉપરથી સુવાસમુક્ત એટલે કે પવિત્રતમ ફૂલોનું સૌંદર્ય ભરવું છે. એમાં એવી જ્વાળા ભરવી છે કે જેમા ચળકતી વાસના બધી ભસ્મ થઈ જાય. અને એ કવિતા લખાવી જોઈએ આવેશની એવી ચરમસીમાએ જે આત્મહત્યાની ક્ષણે જ આવે છે. આવેશ જે બધી આસક્તિને ઉસેટી નાખે છે. કવિતામાંથી કવિની આપોઆપ બાદબાકી થઈ જાય એનાથી વધારે કવિતાની ચરમસીમા શું હોઈ શકે ?
Permalink
May 23, 2012 at 12:05 AM by ધવલ · Filed under પ્રકીર્ણ
નહીં નહીં પ્રભુ તારી પાસે
શક્તિ નહીં માંગું.
પ્રાપ્ત કરીશ એને મરીને વિખરાઈને
આજે નહીં તો કાલે આવીશ મુક્ત થઈને
કચડાઈ પણ જાઉં તો શરમ શાની
પડતા પહાડને રોકીશ
શરણે નહીં આવું
નહીં નહીં પ્રભુ તારી પાસે
શક્તિ નહીં માગું.
ક્યારે માગી છે સુગંધ તારી પાસે સુગંધહીન ફૂલે
ક્યારે માગી એ કોમળતા તીક્ષ્ણ કાંટાએ
તેં જે આપ્યું, આપ્યું,
હવે જે છે, મારું છે.
સૂઈ જા તું, વ્યથાની રાત હવે હું જ જાગીશ
નહીં નહીં પ્રભુ તારી પાસે
શક્તિ નહીં માંગું.
– સર્વેશ્વરદયાલ સક્સેના
(અનુ. સુશીલા દલાલ)
પ્રાર્થના એ પ્રભુ પાસે મદદ માંગવાની અરજી બની જતી હોય છે. એ પોતાની જાતને -અને એ રીતે- ઈશ્વરને માન આપવાની રસમ બનવી જોઈએ.
Permalink
May 15, 2012 at 11:49 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
ઝૂરીઝૂરીને થાક્યો છું,
બેહોશ છું પ્રેમમાં;
મારા માથા પર ચાંદની
પડી છે
તલવારની જેમ.
– સ્કિપવિથ કનેલ
(અનુ.સુરેશ દલાલ)
અમેરિકન કવિતામાં ‘ઈમેજીસ્મ’ના એક પુરસ્કર્તા કવિની નાનકડી કાવ્ય-છબી. સાદી અને સીધી રજૂઆત, અને ધારદાર સચોટ વર્ણન ‘ઈમેજીસ્મ’ના લક્ષણો છે.
Permalink
May 11, 2012 at 12:30 AM by વિવેક · Filed under પ્રકીર્ણ
ઝળહળ થતા ગગન તળે ઝાકળનો જીવ હું,
ચળકી લઉં અનંતે તેજે પળનો જીવ હું.
ખુલ્લાપણું છે લોહીમાં મારા સમુદ્રનું,
તોડી પહાડ બ્હાર પડું જળનો જીવ હું.
મારાં ખરી પડેલ પીળાં પાન શું ગણું ?
ફૂટી રહેલી હર પળે કૂંપળનો જીવ હું.
થોડાંક બીજ હાથમાં છે કલ્પવૃક્ષનાં,
બેઠો છું એના છાંયડે અટકળનો જીવ હું.
આ જળ પ્રશાંતનું હશે મારું સગું કશુંક,
ખેંચાઈ આવ્યો છું જે ગંગાજળનો જીવ હું !
જગદીશ નામે ઓળખાયું ખોળિયું ફકત,
બાકી હતો ક્યાં કાળ અને સ્થળનો જીવ હું ?
– જગદીશ વ્યાસ
આ ગઝલ લખી ત્યારે આ કવિને પોતાને કેન્સર થયું છે એની જાણ હશે કે કેમ એની મને જાણ નથી પણ આ ગઝલના શેરોમાં મૃત્યુનો અહેસાસ હચમચાવી દે એ રીતે વહી આવ્યો છે. કદાચ આવનાર અંતની અપ્રત્યક્ષ અનુભૂતિ થઈ જતી હશે ? ગગન અને ઝાકળ, અનંત અને પળને juxtapose કરીને કવિએ કમાલ મત્લા આપ્યો છે. કવિએ પોતાના મૃત્યુના દોઢ મહિના પૂર્વે પોતાની આઠ વર્ષની દીકરીને સંબોધીને લખેલી ગઝલ તથા મૃત્યુ વિષયક શેરો પણ આ સાથે વાંચવા જેવા છે.
Permalink
May 2, 2012 at 10:38 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
લલાટે લેખ છઠ્ઠીના અને તકદીર મુઠ્ઠીમાં,
જીવન જીવી જવાની છે તો છે તદબીર મુઠ્ઠીમાં.
અગર લાગે છે, તો ખોબો જ એમાં કામ લાગે છે,
નથી ઝિલાતાં કોઈથી નયનના નીર મુઠ્ઠીમાં.
હશે કાં આટલી મોટી તે કિંમત બંધ મુઠ્ઠીની?
ખૂલી જ્યાં, જોયું તો ન્હોતું કશું યે હીર મુઠ્ઠીમાં.
કરી જો લાલ આંખોને, અને મુઠ્ઠી ઊગામી જો,
પછી તારે નહીં લેવી પડે શમશીર મુઠ્ઠીમાં.
નજુમીએ કહ્યું તો યે નથી કિસ્મત મળી અમને,
હથેળીમાં જ અંકિત છે હજુ જાગીર મુઠ્ઠીમાં.
– કિસ્મત કુરેશી
હાથ જો મુઠ્ઠી થઈ જાય તો કિસ્મતને પકડવાનું કામ સહેલું છે.
Permalink
April 19, 2012 at 8:51 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
ફૂલપાન ખરી જાય
એની રાહ જોતું
હું એક વૃક્ષ
બધો જ ભાર હળવો થાય
પછી મારી નગ્ન ડાળીઓમાં
આકાશ વીંટળાય.
– સુરેશ દલાલ
બધાએ આખરે તો પંચમહાભૂતમાં મળી જવાનું છે. કોઈ જમીનનો રસ્તો પસંદ કરે છે તો કોઈ અગ્નિનો રસ્તો પસંદ કરે છે… ને કોઈ આકાશનો રસ્તો પસંદ કરે છે.
Permalink
April 5, 2012 at 8:36 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
હું
અહીં
આવ્યો ત્યારે
હતો અજાણ્યો.
હવે રહ્યો નથી.
જાણી લીધા છે તમને,
બધાને.
પગથી માથા સુધી
કુહાડી અને હાથા સુધી
તમે જ તમે છો !
બહુ ઓછા લોકો
એ જાણે છે.
જે જાણે છે
તે બોલતા નથી.
જે બોલવા જાય છે
તે કપાઈ જાય છે.
જે બોલતા નથી
તે મપાઈ જાય છે.
હું અહીં –
આવ્યો ત્યારે
હતો અજાણ્યો.
હવે રહ્યો નથી.
– મંગળ રાઠોડ
પરિસ્થિતિની ભીંસ સતત તમને દબાવતી જાય અને સંજોગોનો રાક્ષસ બારે હાથથી તમને પકડી લે ત્યારે જ આવું બ્રહ્મજ્ઞાન લાધે છે : જાણવા કે ન જાણવા, બોલવા કે ન બોલવાથી કાંઈ ફેર પડતો નથી. કારણ કે આ ચક્રવ્યૂહમાંથી નીકળવાનો કોઈ રસ્તો જ નથી. ( સરખાવો : અર્ધસત્ય )
Permalink
December 4, 2011 at 10:00 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
લયસ્તરો આજે સાત વર્ષ પૂરા કરે છે.
સાત વર્ષની આ સફર માટે હું શું કહી શકું ? ‘લયસ્તરો’ની શરૂઆત કરી ત્યારે મારી પાસે કવિતાનું કોઈ શાસ્ત્રીય જ્ઞાન નહોતું કે ન તો મારી એવી કોઈ ખાસ લાયકાત હતી. વર્ષોનું કવિતાનું ઋણ અદા કરવાનો અને કવિતાના આનંદને વહેંચવાનો વિચાર માત્ર હતો. આજે એ વિચાર આટલો પરિપક્વ થયો છે એ કવિતાની શક્તિનો પૂરાવો છે.
આ અવસરે ‘લયસ્તરો’ની ટીમ – ઊર્મિ, તીર્થેશ, વિવેક અને ધવલ – કવિઓ અને રસિકોનો આભાર માને છે. કવિતાની આ સફરને નવા સોપાન પર લઈ જવાની અમારી હંમેશા વધારે ને વધારે કોશિશ રહેશે.
દર વર્ષે લયસ્તરોની વર્ષગાંઠ કંઈક નવું કરીને ઉજવીએ છીએ. આ વખતે પણ એવી જ ઈચ્છા છે. જો કે આ વખતનો અમારો વિચાર દર વર્ષની ઉજવણીથી જરા જુદો પડે છે.
માણસની આખી જીંદગીમાં એક જ વસ્તુ નિશ્ચિત છે. અને, તમને ગમે કે ન ગમે, એ વસ્તુ છે : મૃત્યુ. અને મઝાની વાત એ છે કે આપણે આખી જીંદગી મૃત્યુથી બને તેટલા દૂર ભાગવામાં વિતાવીએ છીએ. મૃત્યને અમંગળ, અવાંછનિય, અછૂત ગણીને ચાલીએ છીએ. મંગળ પ્રસંગે (દા.ત. સાતમી વર્ષગાંઠે !) એનુ નામ પણ વર્જ્ય ગણાય છે. રખે કોઈનાથી મૃત્યુનો ઉલ્લેખ થઈ જાય તો મોઢે હાથ કરવાનો રીવાજ છે. આ વખતે અમે આ પ્રથાથી ઊંધા જવાનો વિચાર કર્યો છે.
આવનારા થોડા દિવસોમાં મૃત્યુના વિષયને કેન્દ્રમાં રાખીને લખાયેલી કવિતાઓના માધ્યમથી અમે મૃત્યુ નામની ઘટનાને આભડછેટ વિના, પેમપૂર્વક, વિવેકપૂર્વક ઉકેલવાનો પ્રયત્ન કરીશું. આ અવસરનું નામ રાખ્યું છે : પરમ સખા મૃત્યુ.
આવતી કાલથી તમે પણ જોડાવ ‘લયસ્તરો’ના આંઠમા વર્ષની સફરમાં – પહેલો મુકામ છે : પરમ સખા મૃત્યુ.
Permalink
July 10, 2011 at 11:10 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
(આ પોસ્ટ થોડા દિવસ સુધી મથાળે રહેશે. નવા પોસ્ટ આ પોસ્ટની નીચે અપડેટ થાય છે.)
કમનસીબે, લયસ્તરોનું અત્યાર સુધી કામ આપતું ઈ-મેલ લીસ્ટ હવે ‘રિટાયર’ થાય છે. સો-બસો ઈ-મેલ મોકલવાની વાત હોય તો પહોંચી વળે એવું આ લીસ્ટ, હજારથી વધારે ઈ-મેલ સબસ્ક્રાઈબર્સના બોજ નીચે દબાઈ જતુ’તુ. હવે એને રિટાયર કરે જ છૂટકો હતો ઃ-)
એની જગા લેશે નવું ઈ-મેલ લીસ્ટ જે ‘ફીડબર્નર’ (ગૂગલની સેવા)થી ચાલે છે. આ લીસ્ટ માટે તમારે ફરી વાર સબસ્ક્રાઈબ કરવું પડશે. બસ, સાઈડબાર પરના બોક્સમાં તમારું ઈ-મેલ એડ્રેસ સબમીટ કરો એટલે ફરી આપને ઈ-મેલ મળતા થઈ જશે.
Permalink
May 24, 2011 at 9:54 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
હાથ લાંબા કરીને બાહરથી,
આપશે સૌ સહાય આદરથી,
માટે તૂટો તો તૂટજો ઓ મન !
ખૂબ ઊંડેથી, ખૂબ અંદરથી.
– મુકુલ ચોકસી
Permalink
May 19, 2011 at 3:29 PM by ઊર્મિ · Filed under પ્રકીર્ણ
પ્રિય પ્રભુ,
સેન્ટ પૅટ્રિક્સનું એક વાક્ય છેઃ
‘પરમાત્મા, મારા પર એવી કૃપા કરો,
કે આજના દિવસે જે કોઈ
મારા સંપર્કમાં આવે તે એને કારણે
જરાક વધારે સુખી બનીને જાય.’
આ વિધાન તમને પણ લાગુ પડી શકે છે.
બોલો,
મળવા આવો છો ને ?
લિ.
રાહ જોવામાં વ્યસ્ત……
-અંકિત ત્રિવેદી
Permalink
May 9, 2011 at 8:44 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
તું બાગમાં આવી :
ફૂલો ખીલેલા હતાં;
હું બાગમાં આવ્યો :
ફૂલો ખીલેલા જ હતાં !
તું બાગમાંથી ગઈ :
ફૂલો ખીલેલાં હતાં;
હું બાગમાં જ મરી ગયો :
ફૂલો ખીલેલા જ હતાં ?
– ગુરુનાથ સામંત
(અનુવાદ : જયા મહેતા)
કવિ છેલ્લી લીટીમાં સવાલ કરે છે એ માત્ર નામનો જ છે. બાકી એનો જવાબ તો આપણે જાણીએ જ છીએ : કોઈના હોવા કે ન હોવાથી બાગને કાંઈ ફરક પડતો નથી.
Permalink
May 2, 2011 at 9:06 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
ભીન્ન ભીન્ન બાગોમાં ઘૂમતો ફરું છું હું
હોય એ કળી કે ગુલ – ચૂમતો ફરું છું હું
મૃત્યુ કેરી ખીંટી પર જિન્દગીને ટિંગાવી
કોઈ પ્યારી મસ્તીમાં ઝૂમતો ફરું છું હું
– શેખાદમ આબુવાલા
Permalink
April 25, 2011 at 9:50 AM by વિવેક · Filed under પ્રકીર્ણ
બે પાક્કા હુરતીઓ રઈશ મનીઆર અને વિવેક ટેલર તથા એક અમેરિકન હુરતી મોના નાયક અમેરિકાના ચારેય ખૂણા ધમરોળવા આવી રહ્યા છે… શું આપ ગુજરાતી છો ? શું આપને આપની ભાષા માટે પ્રેમ છે ? તો, આ કાર્યક્રમમાં આપની હાજરી અનિવાર્ય છે… અમે આપની અને આપના મિત્રોની રાહ જોઈશું…
ડેટ્રોઇટ
01/05 (રવિવાર): સાંજે ચાર વાગ્યે
સમન્વય પ્રસ્તુતિ સાહિત્ય સંધ્યા, સાંજે ચાર વાગ્યે @ Costick Center, 28600 Eleven Mile Road, Farmington Mills, MI
[734-620-2233, 734-306-1180, 248-7608005]
*
શિકાગો
07/05 (શનિવાર): સાંજે 6 વાગ્યે
શિકાગો આર્ટ સર્કલ દ્વારા આયોજિત કાર્યક્મ, સાંજે 6 વાગ્યે. Elk Grove Village High School Auditorium, 500 West Elk Grove Blvd., Elk Grove Village, IL 60007
[(847) 803-9560, 757-6342, 566-2009, 490-0600]
*
ન્યુ જર્સી
14/05 (શનિવાર): બપોરે બરાબર ૨:૩૦ વાગ્યે
ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા આયોજિત મહેફિલે ગઝલ, બપોરે બરાબર ૨:૩૦ વાગ્યે @ Ramada Inn, 999 Route 1 South, North Brunswick, NJ 08902
[973-628-8269, 973-812-0565, 973-633-9348, 732-968-0867, 718-706-1715, 205-824-5349, 781-983-4941, 973-471-5344]
*
સાન ફ્રાંસિસ્કો
21/05 (શનિવાર): સાંજે 5.30 વાગ્યે
Desi Aericans of Gujarati Language Origin DAGLO (ડગલો) પ્રસ્તુત કરે છે “શબ્દોના રસ્તે”, સાંજે 5.30 વાગ્યે. Shreemaya Krishnadham ( Shreenathji Haveli ), 25 Corning Avenue, Milpitas, CA 95035
[408-410-2372, 408-607-4979, 408-425-9640 ]
*
લોસ એન્જેલિસ
22/05 (રવિવાર): કાર્યક્રમ (લોસ એન્જેલિસ)
Permalink
March 21, 2011 at 10:44 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
ગુલામીની બેડીઓ
કેવી હોય છે, દોસ્તો ?
નજરે જોઈ નથી.
રાજમાર્ગ પર ચાલતાં ચાલતા
હ્રદય થડકો ચૂકી જાય
પૂજા માટે ઝૂકેલું મસ્તક
છેદાય જાય
નજર સામે સંભોગાતી સ્ત્રીની ચીસ
સંભળાય, તો ય
મૌનનો કિલ્લો તૂટે નહીં
તેને શું કહીશું, દોસ્તો ?
– દલપત ચૌહાણ
ગુલામી તો માનસિક અવસ્થા છે. કોઈ કાયદો કદી કોઈને સ્વતંત્ર બનાવી શકતો નથી. સ્વતંત્રતાની કિંમત આપવાની તૈયારી, એને પચાવવાની તાકાત, અને એને જીરવવાની હિંમત આ બધુ હોય તો જ કોશિશ કરવી. બાકી તો ઘેટાંના ટોળામાં એક વધારે, બીજું શું ?
Permalink
February 27, 2011 at 12:19 AM by વિવેક · Filed under પ્રકીર્ણ, બ્લોગજગત, સાહિત્ય સમાચાર
પહેલી કડી: વીએમટેલર.કોમ
ત્રીજી કડી: ટહુકો. કોમ
ચોથી કડી: ગાગરમાં સાગર.કોમ
*
ત્રેવીસમી ફેબ્રુઆરી, 2011ની સાંજ… મારા જીવનની સહુથી યાદગાર સાંજ… સુરત ખાતે ગાંધી સ્મૃતિભવનમાં એક અલગ જ અંદાજમાં મારા બે પુસ્તકો ‘ શબ્દો છે શ્વાસ મારા’ (ગઝલસંગ્રહ) તથા ‘ગરમાળો’ (કાવ્યસંગ્રહ) અને ઑડિયો સી.ડી. ‘અડધી રમતથી’નું વિમોચન થયું પણ આખી વાત થઈ જરા હટ કે…
‘શબ્દોનું સ્વરનામું’ કાર્યક્રમ અંતર્ગત વિમોચન-નાટિકાનો પૂર્વાર્ધ આપે ‘શબ્દો છે શ્વાસ મારા’ પર માણ્યો… એ પછીની વિમોચન વિધિ અહીં લયસ્તરો પર…
આદમકદના પુસ્તકનું અનાવરણ કરતી મમ્મી…
અને મમ્મી બીજા પુસ્તકનું અનાવરણ કરે એ પહેલાં જ દોડી જઈને અમારા હૈયાના હાર સ્વયમે બીજા પુસ્તકનું અનાવરણ કરી દીધું…
…અને ઝળહળી ઊઠ્યો મારો ‘ગરમાળો’….
બે હાથમાં બે સ્વપ્ન લઈને ઊભેલ મારો પરિવાર…
પણ ઑડિયો સી.ડી. ક્યાં ગઈ? દોડતા આવી મુકુલભાઈએ નાદારી નોંધાવી કે મેહુલ સુરતી ક્યાંય નજરે ચડતા નથી… પણ હાથમાં મોટું સી.ડી. કવર લઈ મેહુલ સુરતી પણ દોડતા આવ્યા…
..અને આમ થયું ‘અડધી રમતથી’ ઑડિયો સી.ડી.નું વિમોચન…
…નેપથ્યમાં અડધી રમતથી ઊઠવાની છૂટ છે તને ગઝલ વાગવી શરૂ થઈ અને પડદો પડ્યો…
પણ ના… પડદો હજી પડ્યો નથી… આ તો માત્ર મધ્યાંતર છે… કાર્યક્રમનો બીજો ભાગ તો હવે શરૂ થાય છે પણ એ માટે આપે ટહુકો.કોમની મુલાકાત કરવી રહી…
Permalink
February 23, 2011 at 11:14 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
કવિતા પહેલાં
શરીર પાસે શિરાઓ છે,
વૃક્ષ પાસે ડાળીઓ છે,
શહેર પાસે રસ્તા.
પહેલાં નદીઓ
સંસ્કૃતિને પોષતી, આકારતી,
હવે રસ્તા.
ઘર કે દુકાન
ઈમારત કે મકાન નહિ,
શહેર બને છે રસ્તાઓથી.
કવિતા
રસ્તાને ખૂણે ઊભો છું
રાતની સફરને કારણે
શરીરમાં થોડો થાક છે
સિગ્નલ ખૂલે છે
હું રસ્તો ઓળંગું છું
કપડાંની દુકાનના કાચ પર
મોબાઈલ પર વાત કરતી એક છોકરી પસાર થાય છે
એને જોવા હું ફરું છું
પણ પારદર્શક કાચ હંમેશા દિશાઓ ગૂંચવી નાખે છે
હતાશ હું આગળ વધું છું
ચિત્તમાં અચાનક રયોકાનની પંક્તિ ઝબકી ઊઠે છે
‘અને માર્ગ કયાંય નથી જતો’
કવિતા પછી
જેમ જેમ રસ્તા વિકસતા જાય,
ઘર અને રસ્તા વચ્ચેનો ભેદ ભૂંસાતો જાય.
– અજય સરવૈયા
આમ તો એક નાની ઘટના અને મનમાં ઝબકેલી એક પંક્તિ જ છે કવિતામાં. પણ એને આકાર આપે છે કવિતા પહેલા અને પછીનું દર્શન. રસ્તો જ ઘર બની જાય – એ સારું કે ખરાબ ? … એ તો તમે જાણો.
Permalink
February 15, 2011 at 10:29 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
આંખોથી લાગ જોઈ ભટકવાનું હોય છે, ટહુકવાનું હોય છે
એકાદ વૃક્ષ થઈને પલળવાનું હોય છે વરસવાનું હોય છે.
ચકલીની પાંખ થઈને આખું ઘર ઊડે અને કલરવ સુંઘે મને
એવા સમયમાં કાવ્ય સરજવાનું હોય છે હરખવાનું હોય છે.
બિલ્લોરી સાંજ શબ્દથી વીંધાય છે કવિતા લખાય છે,
ફૂલોએ મહેંક જેવું પલળવાનું હોય છે પ્રસરવાનું હોય છે.
આ ઈંતજાર આખરે બારી બની ગયો, રસ્તો બની ગયો,
પગરવને શી ખબર કે પહોંચવાનું હોય છે ખખડવાનું હોય છે.
પંદર નવાના કાર્ડ પર આનંદમાં છું હું કુશળ હશો તમે,
શબ્દના છળકપટને સમજવાનું હોય છે વિસરવાનું હોય છે.
ગોપીપરાની ગેટમાં હાજર થઈ ગયો મારું જ ખૂન કરી;
બીજા ‘નયન’થી મારે ભટકવાનું હોય છે ચમકવાનું હોય છે.
– નયન દેસાઈ
પહેલા તો ગઝલને બે વાર વાંચો. ને પછી ઊંડો શ્વાસ લઈને હોય છે … હોય છે… ના આવર્તનને માણો. મૂર્ત સાથે અમૂર્ત – રીયલ સાથે સરિયલ – ની કવિએ એવી મઝાની ભેળસેળ કરી છે કે ગઝલના અર્થને બે ‘કોટ’ વધારે ચડે છે એ જુઓ.
(પંદર નવાનું કાર્ડ = પંદર પૈસાનું પોસ્ટકાર્ડ, ગોપીપુરા=સુરતનો વિસ્તાર જ્યાં કવિનું રહે છે)
Permalink
February 12, 2011 at 7:38 AM by વિવેક · Filed under પ્રકીર્ણ, સાહિત્ય સમાચાર
આપે ત્રેવીસમી ફેબ્રુઆરી તારીખ તો નોંધી જ લીધી હશે…. હવે આપ સહુના માટે આ આમંત્રણ પત્રિકા…. સમય કાઢી જરૂર પધારશો. આપને અંગત આમંત્રણ પત્રિકા જોઈતી હોય તો આપનું સરનામું મને dr_vivektailor@yahoo.com પર મેલ કરવા વિનંતી છે…
*
આપણો જ કાર્યક્રમ અને આપણે બધા જ અતિથિ વિશેષ…
*
-આપની પ્રતીક્ષામાં,
વિવેક
Permalink
February 8, 2011 at 5:28 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
આ ગુલાબની સૂકી ડાળી પર
તું જરા હાથ ફેરવે
તો પણ તેને ફૂલો આવે એવી તું!
અને હું ?
ઈંધણની જેવો-બળતો!
મને પણ ફૂલો આવે…
પણ તે અંગારાનાં!
– મ.મ.દેશપાંડે
અનુ. સુરેશ દલાલ
આ તદ્દન સરળ દેખાતી કવિતા મેં ત્રણ જણને અલગ અલગ વંચાવી જોઈ. અને દરેક જણે મને જુદો જ અર્થ કાઢી બતાવ્યો. ખરે જ, કવિતા દરેક માટે બહુ અંગત બાબત છે !
Permalink
February 5, 2011 at 1:30 AM by વિવેક · Filed under પ્રકીર્ણ, સાહિત્ય સમાચાર
ત્રેવીસમી ફેબ્રુઆરી…
આ દિવસ આપની ડાયરીમાં નોંધી રાખજો, દોસ્તો ! કેમકે આ દિવસ આપના એકધારા સ્નેહ અને હૂંફના કારણે જ મારી જિંદગીમાં આવ્યો છે…
આ દિવસે મારા બે પુસ્તકો ‘શબ્દો છે શ્વાસ મારા’ અને ‘ગરમાળો’ તથા ઑડિયો સીડી ‘અડધી રમતથી…’નું વિમોચન ગાંધી સ્મૃતિભવન, સુરત ખાતે થશે… સાથે જ ગાર્ગી વોરા, અમન લેખડિયા અને રાહુલ રાનડે રજૂ કરશે મારા ‘શબ્દોનું સ્વરનામું’ – જાણીતા-માનીતા ગુજરાતી ગીત-ગઝલનો મનહર કાર્યક્રમ…
આપ જો સુરત રહેતા હો અથવા આ દિવસે જો સુરત આવી શક્તા હો તો આપ સહુને મારા આ કાર્યક્રમમાં સહભાગી થવા મારું સ્નેહભીનું આમંત્રણ છે.
આપનું સરનામું જો મને dr_vivektailor@yahoo.com પર મોકલી આપશો તો આપને આમંત્રણ પત્રિકા પહોંચાડવામાં મને સુવિધા રહેશે…
આભાર !
Permalink
February 1, 2011 at 11:55 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
પ્રેમમાં ખેંચાણ છે આવી ગઈ શ્રધ્ધા મને,
એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને.
કંઈક ખામી આપણા આ પ્રેમનાં બંધનમાં છે,
છૂટવા માટે હજી દેખાય છે રસ્તા મને.
હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહીં,
તું મને જોતે તો જોતી થઈ જતે દુનિયા મને.
હાથમાં આવી ગયું’તું એમનું આખું જીવન,
હું હતો ગાફિલ નહીં દેખાયા એ મોકા મને.
આ સતત અવગણના એની મહેરબાની છે ‘મરીઝ’
ધીમે ધીમે એ કરી દેવાના બેપરવા મને.
– મરીઝ
આજે મરીઝની કારીગીરી માણીએ. આ ગઝલમાં વધારે સમજાવવાની જરૂર જ ક્યાં છે ?
Permalink
January 25, 2011 at 11:39 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
પ્રેમ
એ તો એક માત્ર પુત્રનું મરણ:
માતા કદી ચેનથી શું સૂએ ?
પ્રેમ
એ તો મધમાખી કેરા વિષડંખ:
લાગ્યા પછી ચેન કોઈ લહે ?
પ્રેમ
એ તો હૃદયે હુલાવેલી કટાર:
પછી એક નિસાસો ય રહે ?
– શેખ નુરુદ્દીન વલી
(અનુ. હરીન્દ્ર દવે)
પ્રેમની વ્યાખ્યા, એક વધારે વાર. કવિએ પ્રેમની કસકને ચાખી શકાય એટલી ધારદાર રીતે મૂકી આપી છે.
Permalink
January 24, 2011 at 10:44 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
એની યાદો બસ બાકી બચે છે,
કોઈ એવી રીતે વિસ્તરે છે.
શાંત દરિયો અને ખાલી હોડી,
બેઉ સાથે ઉદાસી ઘડે છે.
કાં તો સરનામું ખોટું કાં પોતે,
દ્વાર પરથી એ પાછો વળે છે.
લાખ હસવાની કોશિશ કરું છું,
એમને તોય ઓછી પડે છે.
છે મુમકીન મળે કોઈ પંખી,
એક પીછું હવામાં તરે છે.
– હિતેન આનંદપરા
(‘એક પીછું હવામાં તરે છે’)
તરતું પીછું એટલે પસાર થયેલા પંખીની રેશમી ગવાહી !
Permalink
December 5, 2010 at 12:01 AM by વિવેક · Filed under અંગત અંગત, પ્રકીર્ણ, બ્લોગજગત
ગુજરાતી કવિતાઓની સહુથી વિશાળ વેબસાઇટ ‘લયસ્તરો.કોમ’ આજે છ વર્ષની લાંબી મજલ પૂરી કરી સાતમા વર્ષમાં પ્રવેશે છે… વીતેલા છ વર્ષોમાં છસો જેટલા કવિઓની બે હજારથી વધુ કૃતિઓ આપણે ટૂંકા આસ્વાદ સાથે મનભર માણી. દર વર્ષે વર્ષગાંઠ નિમિત્તે અમે અમારી પસંદ કરેલી રચનાઓ મૂકીને ઉજવણી કરીએ છીએ પણ આજે અમે આપ સહુની વધારે નજીક આવવા માંગીએ છીએ. શરૂઆત અમે ચાર મિત્રો જ કરીશું પણ અંત આપના સાથ-સહકાર વડે થશે.
ગાંધીજીના જીવનમાં એમ આપણા સહુના જીવનમાં કોઈક પુસ્તક કે કોઈક કવિતા કે કોઈક પ્રવચન એક ‘ટર્નિંગ પૉઇન્ટ’ બની રહે છે… આપણે જો કે માત્ર કવિતાની વાત કરવાના છીએ. આપના જીવનમાં આવું કદી બન્યું છે? શું કોઈ કવિતા આપના જીવનમાં મહત્વનો ભાગ ભજવી શકી છે ? જો જવાબ હા હોય તો એ કવિતા કઈ છે અને એનો આપના જીવનમાં શો ભાગ હતો કે છે એ અમને લખી જણાવો…
હા, આપ આપની પસંદીદા કવિતા અને એની સાથેનું આપનું જોડાણ ખૂબ જ ટૂંકામાં – વધુમાં વધુ દસ-બાર લીટીઓમાં- અને માત્ર ઇ-મેલથી જ અમને જણાવજો… અમે એ બધાનું સંકલન કરીને ‘લયસ્તરો.કોમ’ પર અલગ પોસ્ટ બનાવીશું… આ વખતે અમે આપને પ્રતિભાવના વિભાગમાંથી ઉપર ઊઠીને પોસ્ટ-સ્વરૂપે અમારી અડોઅડ જોવા માંગીએ છીએ…
હા, લયસ્તરોની છઠ્ઠી વર્ષગાંઠ વિશે આપના પ્રતિભાવો આપ જરૂર અમને પ્રતિભાવ-વિભાગમાં આપી શકો છો…
-ધવલ-વિવેક-ઊર્મિ-તીર્થેશ
(ટીમ લયસ્તરો)
ઇ-મેલ અહીં મોકલાવશો:
Dhaval Shah: mgalib@gmail.com
Vivek Tailor: dr_vivektailor@yahoo.com
Permalink
November 23, 2010 at 10:24 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
છે અનંત નીલ આકાશ
અને અનંત છે તારા
જાણું બધું.
ચોરસ જેવી મારી બારીને
ભરી દેતું આ ચોરસ આકાશ,
અને તેમાંના ચાર પાંચ તારા
મને પ્યારા…
– અનંત કાણેકર
(અનુ. જયા મહેતા)
આકાશ ગમે તેટલું મોટું હોય, આપણા માટે તો એનો ખરો વિસ્તાર બારી જેટલો જ રહેવાનો. એ સિમિત આકાશ(ના ટુકડા)માં પણ થોડા તારાને પ્યારા કરી લેવાના … એનું નામ એ જીંદગી !
Permalink
November 16, 2010 at 11:08 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
ચાલો,
અષાઢનાં વાદળો તીડના ટોળાં બનીને
ધરતીને ચૂસી ખાય તે પહેલાં,
વિનામોતે મરેલાંની કબરો
હિમાલયના શિખરો બની જાય તે પહેલાં,
પ્રેમની વાતોથી
કવિતાના શબ્દોનો રંગ ફટકી જાય તે પહેલાં,
જાળ નાખીને
ચંચલ પાણીમાં સ્થિર ઊભેલો માછીમાર
ભગવાન બની જાય તે પહેલાં,
ચાલો,
ધરતીમાં ઢબૂરાયેલા બીજને
આપણે મૃત્યુથી કથા કહેવાની છે.
અને –
– અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
જો આશાનું બીજ ઊગે નહીં તો આશંકાઓ આખા જગતને ઘેરી વળે. અને બીજને ઊગવા માટે જે રસ જોઈએ તે પૂરો પાડવા માટે આગલી પેઢીએ મૃત્યુ પામીને ધરતીને સમૃદ્ધ કરવી પડે. અને એ પછી જ કથા આગળ ચાલે.
કવિના કલ્પનોની ધાર કવિતામાં અનુભવી શકાય છે. કવિએ પસંદ કરેલા આશંકાના શબ્દચિત્રો મનને સૂન્ન કરી દે એટલા સબળ છે.
Permalink
November 9, 2010 at 7:58 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
લેખિની ક્યાં લગીર બોલે છે?
બસ, શબદનું શરીર બોલે છે.
એ જ માણસ અલગ તરી આવે
એનું જ્યારે ખમીર બોલે છે!
બુઝર્ગતા ધૂંધવાય છે ત્યારે,
કોઈ તણખો સગીર બોલે છે.
બંધ ધબકાર બે’ય હૈયાના:
બાળપણની તસ્વીર બોલે છે.
ઓસરે છે લકીર પાણીમાં,
પથ્થરોમાં લકીર બોલે છે.
છેવટે સોનું તો રહે સોનું ,
આ નકામુ કથીર બોલે છે.
છે ફક્ત પ્રેમપંથ ફુર્તિલો,
કવિના વેશે કબીર બોલે છે.
– મનસુખવન ગોસ્વામી
પાણી પર કાંઈ લખી શકાતું નથી. પાણીમાં સહજ સરકી જતી લકીર છેવટે પથ્થર પર જઈને બોલે છે.
Permalink
November 2, 2010 at 9:28 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
સીલ કરી દીધેલું મૌન
પ્રચંડ પૂરમાં વહી ગયેલું વ્હાલ
કસ્ટડીને ખૂણે ડૂસકાં ભરતું સ્મિત
મહોરામાં મઢી દીધેલો ચહેરો ને કાનોમાં
ભીડી દીધેલી આંગળીઓ ને વળી
ખુલ્લી ખાલીખમ હથેળીઓ –
કોરીધાટક આંખો ને બંધ પડી ગયેલું નાક
છાલાં પડી ગયેલા પગ ને શૂન્ય બનેલું મસ્તિષ્ક
લિફ્ટમાં આવનજાવન કરતો રહેતો શ્વાસ ને
સતત લમણે રહેતા બેઉ હાથ –
પૂરપાટ વહી નીકળતી ટ્રેન… શેષ ધ્રુજારીઓ…
પગમાં ચડી ગયેલી ખાલીઓ ને
રુદન લાચારી-વસવસાનું કૈં કેટલુંયે…
અંધકારે હડપ કરી લીધેલું સામ્રાજ્ય ને
રિક્તતાના સાથની સતત સભાનતા
ને વળી, વારંવાર તીણી ચીસો સાથે
તીક્ષ્ણ નહોર મારતી સાઈરનો…
અસંખ્ય ગણવેશમાં છુપાયેલા ઓળાની
ઓળખ આપવી કઈ રીતે ?
– દિવ્યાક્ષી શુક્લ
ગણવેશની અંદર પૂરાયેલા માણસના અસ્તિત્વને ખાલી ચડી જાય છે. માણસ મટીને એક ઓછાયો રહી જાય છે. એ ‘ઓળાની ઓળખ’ આપતી સબળ કવિતા. કવિએ એકે એક પંક્તિઓ માપીને લખી છે. માપીને વાંચશો તો તમે પણ વર્ણનની સચોટતા પર આફરીન થઈ જશો.
Permalink
October 19, 2010 at 10:45 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
કાળો સૂરજ ધોળો સૂરજ
અલપ ઝલપ દેખાતો સૂરજ
કદી ન જોયો રાતો સૂરજ
કદી ન એ મદમાતો સૂરજ
કાર્ડબોર્ડનાં બૉક્સે બેસી
ટાઢ ટાઢ પોકારે સૂરજ
છાપાંઓની વચ્ચે પેસી
શરીરને સંગોપે સૂરજ
‘થ્રો અવે’ના ડબલાંમાંથી
ફૂડ-ડ્રિંક ફંફોસે સૂરજ
થોડું થોડું મળી રહે તો
‘ટેક અવે’ યે કરતો સૂરજ
ભરબપ્પોરે રસ્તા વચ્ચે
બાળક થઈને ભીખે સૂરજ
બેકારીની અઘોર સાંજે
‘મગીંગી’ કરી નાસે સૂરજ
ઑકસ્ફર્ડ સ્ટ્રીટમાં વીલી નજરે
‘વિંડો શોપીંગ’ કરતો સૂરજ
ચોકિયાતોનું ધ્યાન ચૂકવી
‘શોપ લિફ્ટીંગે’ કરતો સૂરજ
ટ્યુબ તણી ગુફાઓ વચ્ચે
ગીતોને પડઘાવે સૂરજ
જતા આવતા લોકો પાસે
પેનીઓ ઉઘરાવે સૂરજ
ગલીકૂચીમાં જઈને છાનો
બે આંસુ ટપકાવે સૂરજ
પાદવિહીન પંગુ એકાકી
સાતે અશ્વો શોધે સૂરજ
– જગદીશ દવે
આ સૂર્ય-મિમાંસા એક રીતે સૂર્ય-સંતાન માણસોની મિમાંસા છે. કવિતા બ્રિટનમાં રચાયેલી છે ને એમાં બહુ સ્વાભાવિક રીતે જ અંગ્રેજી શબ્દો આવે છે. સૂર્ય-સંતાનોની ટેવ-કુટેવોનું બારીક દર્શન કવિતાને બહુ સશક્ત બનાવે છે.સૂર્યનું humanization છેલ્લી પંક્તિઓમાં ચરમ સીમાએ પહોંચે છે.
(ટ્યુબ=લંડનની સબવે, મગીંગ=લૂંટી લેવું)
Permalink
September 20, 2010 at 10:45 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
છે જળમાં દગા ને હવામાં દગા,
લપાવાની મન સૌથી સારી જગા
તિમિર છે ને પ્રકટ્યું આ તારું સ્મરણ
થઈ જાણે અજવાસની શક્યતા
જવું બાગમાં યાને પાવન થવું
થવી ફૂલની મ્હેકતી જાતરા
કૂહાડા પડે સામે ગુલમ્હોર પર
અહીં ઊખડે મારી જીવતી ત્વચા
ગતાગમ, ભલે હોય નહીં શબ્દની –
મૂંગો પ્રેમ પણ- છે સહજ પ્રાર્થના.
– રમેશ પારેખ
લપાવા માટે મન સૌથી સારી જગા – આની સામે તો શું દલીલ હોઈ શકે ? 🙂
Permalink
September 18, 2010 at 12:40 AM by વિવેક · Filed under પ્રકીર્ણ, વિવેક મનહર ટેલર
દોસ્તો,
‘ચિત્રલેખા’ના સાડા ચાર લાખ પરિવારના હાથમાં એકીસાથે પહોંચવાનું સપનું કઈ આંખ ન જુએ? આજે આ શમણું સાચું પડ્યું એનો તો આનંદ છે જ પણ સુરેશ દલાલ જેવી માતબર કલમના હાથે આ સૌભાગ્ય પ્રાપ્ત થયું એ આનંદ તો કંઈ ઓર જ છે. આ આનંદ આપ સહુ સાથે વહેંચવાનો પણ એક આનંદ છે… ‘ગરમાળો’ અને ‘શબ્દો છે શ્વાસ મારા’ થોડા મહિનામાં જ આપના હાથમાં મ્હોરશે…
-વિવેક
*
Permalink
Page 2 of 4«123...»Last »